યાદે વતન-૨
૨૬મી જાન્યુઆરીએ એક સ્થાનિક સ્કૂલમાં ધ્વજવંદન કરી સાંજે અમે બરોડા પહોચી ગયા. બરોડા મારું પ્રિય શહેર છે. હું ત્યાં અગિયારમાં ધોરણથી ભણવા ગયેલો. ત્યારે સૌથી પહેલા ત્યાં ગણેશોત્સવ જોયા. બાકી ઉત્તર ગુજરાતમાં ગણપતિ ચોથ ક્યારે આવીને જતી રહે કોઈને ખબર પણ પડતી નહોતી. અને ગણેશ વિસર્જનની આનંદ ચૌદશ કોને કહેવાય તે પણ કોઈને ખબર નહોતી. ચોથ થી ચૌદશ સુધી બરોડામાં પુષ્કળ ધમાધમ ચાલતી હોય છે. રાત પડે લોકોના ટોળે ટોળા ઠેર ઠેર સ્થાપેલા ગણપતિ જોવા તૂટી પડે. પછી તો હું થોડા વર્ષ ખેતી કરી ફરી પાછો બરોડા સ્થાયી થઈ ગયેલો. વડોદરા મારા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યું છે.
૨૮મીએ મારું લેક્ચર સુરત ગોઠવેલું હતું. સુરતની સત્યશોધક સભા દ્વારા પ્રેમ સુમેસરા ભાઈએ આ બધી ગોઠવણ કરી હતી. સુરત એટલે ગુજરાત ખાતે રેશનાલીસ્ટ લોકોનો ગઢ ગણીએ તો કશું ખોટું નથી. પ્રખર રેશનાલીસ્ટ દાદા રમણ પાઠકનો અહિ સુરજ તપતો હતો. રમણ દાદાને સદેહે નહિ મળી શકવા બદલનો અફસોસ તો જીંદગીભર રહેવાનો છે. રમણદાદાની સોટીના ચમકારા જેવી તીખી કોલમ રમણભ્રમણ લોકોએ માણી જ હશે. તેઓશ્રી અને તેમના પત્ની બંને સારા સાહિત્યકાર પણ રેશનાલીસ્ટ હોવાને લીધે ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્યને લગતી સંસ્થાઓ દ્વારા અળખામણા રહેલા. પણ એવી બધી ફિકર કરે તેવા રમણ દાદા નહોતા. મુરબ્બી નાનુભાઈ નાયક તથા બાબુભાઈ દેસાઈ અને યુવાન મિત્રો એવા પ્રેમ સુમેસરા અને જીગ્નેશ પાઠક જેવા અનેક રેશનાલીસ્ટ મિત્રો સત્યશોધક સભા દ્વારા ખુબ ઉમદા કામ કરી રહ્યા છે.
જે મિત્રોને હૃદયથી મારી સાથે થોડો પણ સમય પસાર કરવો હતો તેમણે ગમે તે રીતે તેનું બહાનું શોધી કાઢેલું. આવા મને મળવાની પ્રબળ ઈચ્છા ધરાવતા મિત્ર જીગ્નેશ પાઠક હતા. તેમણે મને બરોડા લેવા આવવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધેલું જેથી મારી સાથે વાતો કરી શકાય. છેક નવસારીથી કાર લઈ જીગ્નેશભાઈ બરોડા આવી ગયેલા. પણ શહેરના ગીચ ટ્રાફિકમાં સમય ખુબ વીતી જાય અને સુરત પહોચવામાં મોડું થઈ જાય તે પરિસ્થિતિ ટાળવા અમે હાઈવે સુધી સામે જાતે જ પહોચી ગયા. મને ખ્યાલ છે. અમદાવાદથી માણસા જવું હોય તો અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ થી સાબરમતી પહોચતા જ કલાક નીકળી જાય. પછી ત્યાંથી માણસા અંતરમાં ભલે વધુ હોય પણ બહુ વાર લાગે નહિ. ટૂંકમાં અમદાવાદથી જ અમદાવાદની ભાગોળે પહોચતા જ બહુ વાર લાગે. આવું હવે બરોડામાં પણ બનવા લાગ્યું છે.
જીગાભાઈ જોડે ખુબ વાતો કરી. અમારી વાતોમાં તત્વજ્ઞાન, રેશનાલીઝમ, મનોવિજ્ઞાન, હ્યુમન બિહેવ્યર અને તેની પાછળના ઉત્ક્રાંતિ જન્ય કારણો, ભારતીય સંસ્કૃતિ, એને વળગેલી બીમારીઓ વગેરે વગેરે વિષયો વણાયેલા હતા. સુરત પણ હવે ગીચ છે. બરોડા કરતા મોટું અને વસ્તીમાં પણ વધુ છે. કોઈ ચોકલેટી મુવી સ્ટાર જેવા પ્રેમભાઈએ ઉમળકાભેર એમના ઘેર અમારું સ્વાગત કર્યું. ત્યાં પણ થોડો ચર્ચાનો દોર ચાલ્યો. ચાપાણી કરી ફ્રેશ થઈ સાહિત્ય સંગમનાં નાનુભાઈ નાયક હોલ તરફ પ્રયાણ કર્યું. વયોવૃદ્ધ નાનુભાઈ નાયક તથા બાબુભાઈ દેસાઈ સાહેબને મળીને ખુબ આનંદ થયો. તો અમારા સંબંધી પ્રદીપસિંહ વાંસદિયા એમના શ્રીમતી સાથે મને સાંભળવા અને ખાસ તો મળવા આવેલા હતા.
પ્રેમભાઈએ સ્વાગત પ્રવચનમાં મારી ઓળખાણ આપી અને વધુમાં મને ફેસબુકનાં રમણ પાઠક તરીકે ઓળખાવ્યો તો મારો કોલર એની જાતે જ ઉંચો થઈ ગયો. રમણદાદાનાં તોલે તો હું કદાપિ આવી ના શકું. એ તો રેશનાલીઝમનાં આજીવન ભેખધારી હતા. હાથ અને મગજ ચાલ્યું ત્યાં સુધી એમણે રેશનાલીઝમ માટે લખે રાખ્યું હતું. મારી સામે લગભગ બધા રેશનાલીસ્ટ મિત્રો જ બેઠેલા હતા એટલે રેશનાલીઝમ વિષે ટીપીકલ વાતો કરી એમને બોર કરવા નહોતા. વૈજ્ઞાનિક સમજ અને અભિગમ વધે તો ઓટ્મેટિક ધર્મના ઇરેશનલ ચોચલા પ્રત્યેથી મન દૂર થવાનું જ છે. વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવો બંને ભિન્ન છે. વિજ્ઞાન ભણીને પણ વૈજ્ઞાનિક અભિગમ નહિ કેળવો તો તમે અંધશ્રદ્ધાળુ રહેવાના જ છો. અને દરેક હ્યુમન બિહેવ્યર પાછળ ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન રહેલું છે. અને તે પ્રમાણે બ્રેન કેમિસ્ટ્રી ઘડાતી હોય છે. માટે મેં બ્રેન અને તેમાં છૂટતા સુખ અને દુઃખનો અહેસાસ અનુભૂતિ કરાવતા ન્યુરોકેમિકલ્સ વિષે માહિતી આપી. સર્વાઈવલની સ્ટ્રેટેજી પ્રમાણે આપણા બ્રેનમાં સુખ અને દુઃખ આપતા રસાયણો સ્ત્રવે છે એમાં કોઈ ભગવાન કે પૂર્વજન્મના કર્મો કે બીજું કોઈ જવાબદાર નથી. આખું પ્રવચન અહિ લખતો નથી પણ મારા આપેલા પ્રવચનની લીંક અહિ મૂકીશ એટલે જેને રહી ગયું હોય તે સાંભળી શકશે. પ્રવચન પૂરું થયું ત્યાં ધર્મેન્દ્રસિંહ બાપુ એમની ટીમ સાથે હાજર હતા. એમનો આગ્રહ હતો હું રોકાઈ જાઉં અને કીમમાં પ્રોગ્રામ ગોઠવવો હતો. પણ મારી પાસે સમય નહોતો. શ્રી. પ્રદીપસિંહ અને એમના શ્રીમતી વૈષ્ણવીદેવીનો એમના ઘેર લઈ જવાનો ખાસ આગ્રહ હતો, પણ બધું ટાળવું પડ્યું. છેવટે બધાએ સાથે ફોટા પડાવી ફરી આવું ત્યારે સમય આપવાનું વચન લઈ મન મનાવ્યું.
પ્રેમભાઈનાં આગ્રહવશ સરસ મજાનુ સ્વાદિષ્ટ રાત્રીભોજ માણવાનું પણ મળ્યું. તે સમયે હાજર મિત્રો સાથે ખુબ મજાની જાતજાતનાં વિષયો પર ચર્ચા પણ થઈ. રાત્રે રોકાઈ જવાનો આગ્રહ હતો પણ બરોડા પહોચી શાંતિ થી નીંદર લઈએ મોડા ઉઠીએ તો પણ ચાલે એવો સ્વાર્થી વિચાર કરીને રાત્રે જ બસમાં બેસી ગયા. પ્રેમભાઈ અને જીજ્ઞેશભાઈએ બસમાં બેસાડવા સુધીની જવાબદારી નિભાવી હતી. ક્યારેય મળ્યા નહોતા પણ આ ફેસબુકે ખરેખર એવા એવા સરસ મિત્રો મેળવી આપ્યા છે કે ના પૂછો વાત. વર્ચ્યુઅલ મિત્રતા હવે ખરેખરી મિત્રતામાં પલટાઈ રહી હતી. સુરતની મુલાકાત અવિસ્મરણીય સંભારણું.
હું જ્યાં જવાનો હોઉં તે માહિતી ફેસબુક પર ફોન નંબર સાથે મૂકી દેતો. એટલે મળવા આવનારા મિત્રોના ફોન આવી જતા. અને મુલાકાત ગોઠવાઈ જતી. બરોડા હું ઘણા વર્ષો રહેલો માટે મિત્રો તો હતા પણ સંબંધીઓ પણ ઘણા હતા. બધાને મળવાનું હતું. ક્યાંક મારે સામે જવું પડે તેમ હતું તો અમુક મને મળવા આવે તેમ હતા. વડોદરામાં મેં જિંદગીના સૌથી વધુ અને સૌથી મહત્વના વર્ષો વિતાવેલા છે. એટલે વડોદરા તો હું બેત્રણ મહિના રહું તો પણ ઓછા જ પડે. સૌથી પહેલી ફાલ્ગુની મળવા આવી ગઈ. સાહિત્યરસિક ફાલ્ગુનીની બુદ્ધિના ચમકારા એની વાતોમાં દેખાઈ આવે. એની વાતો ખૂટતી નહોતી. કમાતી ધમાતી ઘરરખું પ્રેમાળ ગૃહિણીનું ઉત્તમ ઉદાહરણ એટલે ફાલ્ગુની. હું એને ફાગુ તરીકે સંબોધતો હોઉં છું તે મને પાપાજી. સાંજે અમારા જુના મિત્ર એક બહુ સારા વાર્તાકાર તો ખરા જ પણ બહુ સારા હાસ્યરસથી ભરપુર વાર્તાઓ સાથે લેખો લખનાર યશવંત ઠક્કર મળવા આવ્યા. તો તુષાર ભટ્ટ પણ આવી પહોચ્યાં. સમરસિયા ભેગા થાય પછી વાતો ખૂટે ખરી? ફોન પર વાત થયા મુજબ આણંદથી રીટાબેન અને પ્રદીપભાઈ ઠક્કર પણ મળવા આવી પહોચ્યા. યશવંતભાઈ સિવાય બધા પહેલીવાર મળતા હતા પણ જાણે વર્ષો જુના મિત્રો હોય એમ લાગતું હતું. રોજ ગામના ચોરે મળતા હોઈએ એમ જરાય અજાણ્યું લાગતું નહોતું. જો કે આમેય ફેસબુક વિશ્વગ્રામ જ કહેવાય એના ચોરે બેસી અમે બધા રોજ ગામની પટલાઈ કરતા હોઈએ પછી શેનું અજાણ્યું લાગે? મારા ભાઈ પ્રદીપસિંહ સાથે મારા દૂરના સાળાશ્રીનો દીકરો હેમરાજસિંહ બધાની ચાપાણી નાસ્તાની વ્યવસ્થામાં ખડે પગે ઉભા હતા. કોઈને છુટા પડવાનું મન થતું નહોતું પણ સમય કોને કીધો? મોડે મોડે બધા છુટા પડ્યા પછી દિલીપકુમાર મહેતા એમના દીકરા સાથે આવી પહોચ્યા. એમની સાથે પણ ખુબ વાતો થઈ.
બીજા દિવસે સવારે દસેક વાગે આણંદથી જયશ્રીબેન જોશીની પધરામણી થઈ. ગુજરાતીના આ પ્રાધ્યાપિકા અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી. એમની સાથે વાતો કરવાની, સાહિત્યની ચર્ચા કરવાની ખુબ મજા પડે. એમની સાથે ત્રણચાર કલાક ક્યા વહી જાય તેનો કોઈ અણસાર જ ના આવે. બપોરનું ભોજન પણ અમે સાથે જ લીધું. તેમના ગયા પછી અમે પણ માણસા જવા રવાના થઈ ગયા. મારું શેડ્યુલ અત્યંત વ્યસ્ત બનતું જતું હતું મને તેનો અંદાઝ નહોતો. માણસાથી બીજા દિવસે અમારે અમદાવાદ થઈ સૌરાષ્ટ્રની લાંબી ટ્રીપ પર જવાનું હતું.
વધુ આગલા અંકે. https://www.youtube.com/watch?v=80ANnzfBdnU

Aape manbharine Gujaratni safarno labh lisho ane mitrone labh aapyo
Chhe evu aapana aa lekh parthi vartay chhe.
LikeLike