Miss you મા ભારતી – ૩
ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ખૂબ મિત્રો મળ્યા. પેન્ટ શર્ટ પહેરેલા ઋષિ પ્રણવ અધ્યારુ મળ્યા તો મેહુલ મંગુબહેન પણ મળ્યા. હસતાં હસતાં દેસાઈ શિલ્પા પણ મળ્યા. પહેલાં એવું હતું કે સાહિત્યમાં બહુ રસ હોય તે મોટાભાગે આર્ટ્સમાં જતાં. હવે એવું રહ્યું નથી. ડોક્ટર્સ હવે કવિતાઓ લખે છે અને એન્જિનીયર્સ વાર્તાઓ લખે છે. એવો જ એન્જિનિયર વાર્તા અને લેખો લખતો કંદર્પ મળ્યો. બધા મિત્રોના નામ પણ યાદ રહ્યા નથી. જય વસાવડાની પધરામણી થઇ ને ટોળા એમની આજુબાજુ ફરી વળ્યાં. ટોળા વચ્ચેથી માર્ગ કરી એમને મળવા ગયો તો ભાવે કરીને ભેટ્યા અને મારા ઘેર જમવાનું ગોઠવવાનું છે ભૂલતા નહિ કહેવાનું ભૂલ્યા નહિ. એમનું પ્રશ્નોત્તરીનું સેશન હાઉસફૂલ રહ્યું. મારા સ્કૂલના પ્રિન્સીપાલ ભત્રીજા વિરભદ્રસિંહ અને એમના દીકરા ધ્રુવ સાથે જયભાઈનું સત્ર એટેન્ડ કરવાની ખૂબ મજા આવી. અમને જગ્યા મળી નહિ તો બહુ પાછળ બેસવું પડેલું. એમના ચાહકો એટલા બધા હતા કે સમય ઓછો પડ્યો તો બીજી જગ્યાએ ફરી ગોઠવવું પડેલું. પણ અમારે છેક માણસા જવાનું હોવાથી અને મિત્ર વિક્રમસિંહ એમની કાર લઈ આવી ગયા હોવાથી અમે ભાગ્યા.
ખેર બીજા દિવસે તો બહુ દુખદ બનાવ બન્યો. મારા સદાય હસતાં રહેતા એવા ભાભીસા કુંદનબા, મારા કઝન વિજયસિંહને વ્યથાની ગર્તામાં મુકીને ગુજરી ગયાં. ઘણાં લાંબા સમયથી બીમાર હશે. ઉત્તમ સારવાર મળી હતી પણ આયુષ્ય ખૂટી પડ્યું હશે. ૯૦ની સાલ પછી હું બરોડા રહેવા જતો રહેલો, પણ જ્યારે બરોડાથી માણસા આવું ત્યારે મારું જમવાનું એમના ઘેર જ હોય. એમની દીકરી બીના ત્યારે બહુ નાની, એના ‘કાકા જમવા ચાલો પાપા તમારી રાહ જુએ છે’ એ શબ્દો હજુ મને ઊંઘમાં સંભળાય છે. મારે થોડી વાર થાય તો બીના ફરી આવીને બૂમ પાડે કાકા ચાલો પાપા રાહ જુએ છે. છેવટે મારે દોટ મૂકવી જ પડે. સાચું કહું તો મને અમેરિકાના સપના કદી આવતા નથી. મને સપના આવે તો માણસા, બરોડા અને હજુય વિજાપુરના જ આવે છે, જ્યાં મેં મારી જિંદગીના ૫૦ વર્ષ ગુજાર્યા છે. કાકા જમવા ચાલો કહી સપનામાં બીના હજુ ય રડાવી જાય છે. પણ એ બધા સંસ્કાર કુંદનબાના હતા. હું વાસ્તવવાદી હોવાથી ભાગ્યેજ કવિતા જેવું લખું. તેમાં પણ કોઈ વ્યક્તિવિશેષ માટે કદાપિ નહોતું લખ્યું. પણ કુંદનબા માટે મારા હ્રદયમાંથી વ્યથા પંક્તિઓ રૂપે ઉમટી પડી.
“અક્ષરનિવાસી કહી ભલે મન માનવીએ, આ ઉંમર જવાની નહોતી કુંદનબા,
છે કોઈ ખામી આપણી વ્યવસ્થામાં, ના જવાની ઉંમરમાં જતાં રહ્યાં કુંદનબા.
વિજયને જય હમેશાં તો મળતો નથી, કુંદન જેવું જીવન જીવી ગયાં કુંદનબા,
એમ કરીને તમે જીવન જીતી ગયા, તમને ગુમાવી અમે હારી ગયા કુંદનબા.”
આ વખતે વિજય(વિજયસિંહ)ને જય ના મળ્યો, કુદરત આગળ હારી ગયા.
મોટાભાગે પત્નીની કિંમત પત્ની ગુમાવ્યા પછી થતી હોય છે. એક સમયે સ્ત્રી તો પતિને ગુમાવી મજબૂત મનોબળની હોવાથી એના સંતાનો, સંતાનોના સંતાનો, દેવદર્શન વગેરેમાં સમય વિતાવી પતિનો વિયોગ ભૂલાવી શકવા સમર્થ હોય છે. પણ એક પુરુષ એની પત્ની ગુમાવી આમ સમય પસાર કરી શકતો નથી. આમેય ભારતીય પુરુષો તો લગભગ પત્ની ઉપર સંપૂર્ણ આધારિત હોય છે. પાણીનું પવાલું જાતે લીધું ના હોય. એવા પુરુષો પત્ની ગુમાવે ત્યારે વેરાન રણમાં ભૂલા પડેલ માનવી જેવી એમની દશા હોય છે. એટલે કહું છું અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ કોઈ આપશો નહિ.
હું તો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા કોઈ પણ પક્ષ આપણે જ્યાં ખોટું દેખાય ત્યાં ઝાટકણી કાઢવાની, એમાં આપણે શરમ રાખતા જ નથી. પણ મારી કલમના ચાહક હોવાથી કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને વકીલ મિત્ર અશ્વિનસિંહે એક ગેટ ટુ ગેધરમાં ગાંધીનગર આમંત્રણ આપતાં બીજા દિવસે સાંજે ત્યાં પહોંચ્યા. બહુ બધા મિત્રો મને ઓળખતાં હતા ભલે હું એમને ના ઓળખતો હોઉં. ડૉ સી. જે. ચાવડા સાહેબ જે માજી ધારાસભ્ય અને આઈ.એ.એસ હતા તેઓએ અને જયરાજસિંહ બંનેએ મને શાલ ઓઢાડી સન્માન કર્યું. જયરાજસિંહ ખરેખર સ્માર્ટ પ્રવક્તા છે. દેખાવે હેન્ડસમ છે તો એમની સ્પિચ પણ એમના જેવી જ સુંદર હોય છે.
ખેર જયરાજસિંહભાઈએ મને બોલવાનું કહ્યું તો મેં પણ ટૂંકું કોઈપણ તૈયારી વગરનું વક્તવ્ય આપ્યું. પછી થોડું જમીને છૂટા પડ્યા. સાંજે વહેલું જમવું પડે તો આરતીનો સમય થયો હોય નહિ અને આરતી કર્યા વગર જમવાનું ફાવે નહિ એટલે જરા કાઠું પડે, માટે એવું બને ત્યારે ઓછું જમવાનું. ભલે લોકો મને નાસ્તિક કહે પણ મારા અમુક ધર્મ હું બરોબર પાળું છું.
આ પ્રવચનની બાબતમાં એકવાર શું બોલવું એવી મૂંઝવણ ઉભી થયેલી. થયું એવું કે મારા એક કાકાસાહેબ પ્રવિણસિંહ રાઓલ સાહેબ માણસા કૉલેજમાં પ્રોફેસર હતા, પછી ડીન બનેલા અને રીટાયર થયા પછી કેમ્પસ ડાયરેક્ટર છે. માણસા કૉલેજમાં હમણાની બહુ ગવાતી JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીનાં એક પ્રોફેસરનું પ્રવચન ગોઠવાયું હતું. એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ડૉ દેસાઈ સાહેબ મૂળ માણસા કૉલેજના જ વિદ્યાર્થી હતા. પણ એવું છે ને કે હીરો ગમે ત્યાં પડ્યો હોય એ ઝળક્યા વગર રહે નહિ તે ન્યાયે દેસાઈ સાહેબ પીએચડી કરી JNU પહોચી ગયા. એમના પુસ્તકો ઇન્ટરનેશનલ લેવલે ફેમસ થઈ ચૂક્યાં છે. ખુબજ તેજસ્વી એવા દેસાઈ સાહેબનું પ્રવચન સાંભળવા મળશે એટલો જ ખ્યાલ લઈને અમે બે ભાઈ પહોચી ગયા કૉલેજમાં. અમને એમ કે કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થી સાથે બેસી પ્રવચન સાંભળીશું. પણ અમને તો મંચ પર બેસાડી દીધા. દેસાઈ સાહેબે ખુબ મનનીય પ્રવચન આપેલું. ચારેબાજુ ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવી હતી. મને કોઈ અંદાઝ હતો જ નહિ કે મારે પણ બોલવું પડશે. એટલે ના કોઈ તૈયારી હતી. પણ મંચ ઉપર બેસાડ્યા સન્માન કર્યું એટલે અંદેશો આવી ગયેલો કે આજે પણ કોઈ તૈયારી વગર બોલવું તો પડશે.

છેવટે વારો આવી જ ગયો. દેસાઈ સાહેબે જે જે મુદાઓ પર વાત કરી હતી તે જ મુદ્દાઓ લઈ વાત શરુ કરી. અમે માર્ક કરેલું કે શ્રોતાઓમાં છોકરીઓ વધુ હતી, છોકરાઓ સાવ ઓછા. મેં દેસાઈ સાહેબ સામું જોઈ કહ્યું, “ સાહેબ મેં પણ તમારા જેવું માર્ક કર્યું કે અહિ છોકરીઓ વધુ છે. એનું કારણ છોકરીઓ ગુટખા-મસાલા ખાતી નથી છોકરાઓ બધા ગુટખા ખાવા ગયા છે.”
છોકરીઓ સાથે બધા હસી પડ્યા વાતાવરણ ભારેખમની જગ્યાએ તદ્દન હળવું થઈ ગયું. દેસાઈ સાહેબે સ્ત્રીઓના શોષણની વાત કરેલી.
મેં કહ્યું, ‘ સાહેબે સ્ત્રીઓના શોષણ વિષે ઘણુંબધું કહ્યું. હું આગળ કહું તો આ સમાજે સીતાના મુક ચિત્કાર સાંભળ્યા નથી, આ સમાજે દ્રૌપદીના આક્રંદ કરતાં પૂછેલા તીખા સવાલોના જવાબ આપ્યા નથી. આ પુરુષ પ્રધાન સમાજ તમે આગળ આવો એમાં રાજી નથી. પણ એક ગાયને બજારમાં નીકળી હોય ને રસ્તો જોઈએ ત્યારે સહેજ માથું હલાવે એટલે એના શીંગડા વાગી ના જાય માટે તરત લોકો આઘા ખસી રસ્તો આપે. છતાંય રસ્તો ના મળે તો શીંગડું ઠોકી દે. બસ તમારે શીંગડા ઠોકી આગળ વધવું પડશે.”
છોકરીઓ બધી તાળીઓ પાડી ઉઠી. વાતાવરણ મારા પ્રવચનની શરૂઆતમાં જ જીવંત બની ગયું. બે પુસ્તકો અને ૪૦૦ આર્ટીકલ લખ્યા છે, મારા મનમાં તો ઘણું ભરેલું હોય જ. બોલવા બેસું તો આખો દિવસ ખૂટે. થોડી અમેરિકન રહેણીકરણી અને એડ્યુકેશનની વાતો કરી. થોડી સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની અને સ્વયં શિસ્ત વિશેની વાતો કરી પ્રવચન પૂરું કર્યું. ટૂંકમાં અકસ્માતે લેખક બનેલો તેમ અકસ્માતે પ્રવચન આપવાનું પણ શરુ થઈ ગયું.
સરસ વાત. લખો છો. ..બોલતા થયા.
LikeLike
Very nice article…..
LikeLike