Miss you મા ભારતી – ૨

 

 

 

Miss you  મા ભારતી – ૨12417802_10206405258382975_3993704931096916108_n

 

પ્રિય યુવાન મિત્ર કૃણાલસિંહ સરસ મજાનો બુકે લઈને એરપોર્ટ ઉપર સ્વાગત કરવા હાજર હતા. મહાભારત ઉપર ફિલ્મ કે ટીવી સિરીયલ બનાવવી હોય તો કૃણાલને ભીમનું પાત્ર સોપવું પડે. મિત્ર વિક્રમસિંહને મિત્ર કહેવા કરતા નાનાભાઈ કહેવું વધુ સારું. તેઓ સરસ મજાના બુકે સાથે એમની કાર લઈને મને લેવા જ પધાર્યા હતા. શિવજીનાં પરમ ભક્ત વિક્રમસિંહ સાથે અમારે ચાર પેઢીનો કૌટુંબિક નાતો છે. વિક્રમસિંહનાં દાદા જગતસિંહ મારા પિતાના જુના મિત્ર હતા. વિક્રમસિંહનાં દીકરા રુદ્ર્પાલસિંહ અને મારો દીકરો ધ્રુવરાજસિંહ પણ નાના હતા ત્યારે જોડે રમતા. એરપોર્ટ પર એમના દીકરા શિવપાલસિંહ પણ ફેસબુકના આધારે મને ઓળખી ગયેલા. વિક્રમસિંહનાં તમામ સંતાનોના નામ ભગવાન શિવ ઉપર છે. એમના બંગલાનું નામ પણ રુદ્રાલય છે. મિતભાષી પણ ગ્રેટ હ્યુમર સેન્સ ધરાવતા વિક્રમસિંહ આજે સૌથી વધુ મને મિસ કરતા હશે તેની મને ખાતરી છે. હું, મારા ભાઈ પ્રદીપસિંહ, ભાઈ વિક્રમસિંહ અને એમના કઝન વિજયસિંહ જ્યાં સુધી ભેગા બેઠાં હોઈએ ત્યાં સુધી હાસ્યરસનાં સમુદ્ર જ હિલ્લોળા લેતા હોય તે નક્કી.

પ્લેન થોડું લેટ હતું, તો બેગ્સ વગેરે બહાર આવતા પણ થોડી વાર તો લાગતી જ હોય છે. લગભગ બારેક વાગ્યે માણસા આવી પહોચ્યાં તો મારા ભાઈ પ્રદીપસિંહ, વિક્રમસિંહના ભાઈ વિજયસિંહ, મારા કઝન મહેન્દ્રસિંહનાં દીકરા એવા ભત્રીજા રણજીતસિંહ એમના માતા અને કુટુંબ સાથે સ્વાગત કરવા હારતોરા કરવા કાગડોળે હાજર હતા. હું અંગત રીતે આવી પરંપરાઓમાં બહુ માનતો નથી પણ સામેવાળાના દિલની હાલત પણ જોવી જોઈએ. એમની ખુશીમાં મારી ખુશી હોવી જોઈએ. મને હાર પહેરાવીને કોઈને અનહદ ખુશી મળતી હોય તો મારે શું કામ જડ વિરોધ કરવો જોઈએ?

ગુજરાત સમાચારના સિનીયર એડિટર મિત્ર ધૈવત ત્રિવેદીએ મારા માટે એમના એક મિત્રને પરમ્પરા ભંજક તરીકે ઓળખાણ આપેલી. પણ અમુક પરમ્પરાઓ બહુ નુકસાનદેહ હોતી નથી. જડભંજક બનવામાં બહુ મજા નથી.

અનૌપચારિક અને દિલથી કરાયેલી સ્વાગત વિધિ બાદ બધા હક્કાબક્કા હતા કે હવે શું કરવું? બધા મને જોઈ એટલા ખુશ હતા કે એમને શું કરવું સમજ પડતી નહોતી. મારી જોડે એનો ઉપાય હતો, બ્લેક લેબલ.. બહુ વર્ષે આવ્યો તો પાર્ટી તો બનતી હૈ કી નહિ? જમવાનું રેડી હતું પણ કોઈને જમવામાં રસ નહોતો. પ્રિયજનનાં દર્શન થાય તો ભૂખ મરી જતી હોય છે. અને મારો ખોરાક હવે સાવ ઓછો થઈ ગયો છે. પ્લેનમાં પણ ચારેકવાર નાસ્તો અને ભોજન અપાયેલું જે મારા માટે વધારે પડતું હતું. બ્લેક લેબલના જામ ભરાઈ ચૂક્યા હતા પણ ભારતીય રિવાજ મુજબ મેં એમાં બ્લેક લેબલની આબરૂ શું કામ કાઢો છો કહી પાણી કે સોડા ઉમેરવા દીધું નહિ.

“કોઈ મિલાવે પાણી બરફને કોઈ મિલાવે સોડા, અમે જિંદગી મોઢે માંડી નીટેનીટ પીધી” લલકારીને બધાને ચીયર્સ કહી નીટ બ્લેક લેબલના ઘૂંટ મારવા મજબૂર કરી દીધા. યસ! મેં મારી જીંદગી નીટેનીટ પીધી છે. હું એમાં દંભના પાણી, બરફ કે સોડા ઉમેરતો નથી. જેવો છું એવો છું. ખરાબ કહો કે સારો હું તો જેવો છું એવો જ છું. પ્રેમ કરો કે નફરત જેવો છું એવો જ છું. અને એટલે જ જીંદગી હોય, શરાબ હોય કે શબાબ તમામને નીટેનીટ આ પીનારને લોકો બહુ ચાહે છે. હસી ખુશી, મજાક મસ્તી અને જમતા લગભગ સવાર પડવા આવી ત્યારે બધા ઊંઘવાને તૈયાર થયા.

બીજા દિવસે પહેલું કામ પરમીટ લેવાનું કર્યું. દસ દિવસ પુરતી બે બોટલ મળે. બે બોટલ તો ફક્ત બે દિવસ જ ચાલે આ હેવી ડ્રીન્કર્ અને થીન્કર માટે. ગુજરાતમાં દારૂબંધી એક બહુ મોટો દંભ છે. દારૂબંધી પોલીસખાતા અને પ્રધાનો માટે બહુ મોટી કમાણીનું સાધન માત્ર છે. માટે જ ગાંધીજીનું નામ લઈને એને ચલાવી રહ્યા છે લુચ્ચા રાજકારણીઓ.

ત્રીજા દિવસે ગુજરાતી સાહીત્યોત્સવ (GLF) માં મજા પડી ગઈ.12548979_10206405293583855_6097322768225537092_n

અમેરિકાથી આવ્યો ૭મી ની મોડી રાત્રે. એટલે એક દિવસ આરામ કરી નવમી જાન્યુઆરીનાં દિવસે GLF એટલે ગલ્ફ નહિ પણ ગુજરાતી સાહિત્યોત્સવમાં (ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ) જવાની સારી એવી ઉતાવળ હતી. પહેલીવાર કદી ના જોયેલા, ના રૂબરુ મળેલાં મિત્રોને મળવાની તાલાવેલી ખૂબ હતી અને એવા મિત્રોમાં લેખકો હતા તો મારા વાંચક અને ચાહક મિત્રો પણ હતા. કોણ મળશે અને કોણ નહિ મળે તેનો કોઈ અંદાઝ નહોતો. મિત્ર વિક્રમસિંહ એમની કારમાં કનોરીયા સેન્ટર પર ઉતારી સાંજે પાછા લેવા આવવાનું કહી ગયા.

પ્રવેશદ્વાર પર રાજકોટનો યુવાન નવલકથાકાર ભવ્ય રાવલ હાજર જ હતો. ભવ્ય અન્યાય સામે લડી લેનારો બાહોશ યુવાન છે. એનામાં મને બહુ શક્યતાઓ દેખાઈ રહી છે. અંદર ગયા પછી ધીમે ધીમે એક પછી એક યુવાન મિત્રો મળવાનું શરુ થયું. લગભગ ચારેક જગ્યાએ જુદા જુદા સત્ર ચાલતા હતાં. યુવાન જેનામાં ખૂબ સંભાવના દેખાઈ રહી છે તેવો સ્તંભ લેખક અભિમન્યુ મોદી મળ્યો. અભી બહુ સારો લેખક છે. ક્યારેક મારો નહિ મારી વાતોનો વિરોધ કરતો હોય છે પણ એ તો ઉમદા નિશાની છે. જુના ખડૂસ લેખકો કરતા અભિમન્યુ મોદીને વાંચવો સારો એવું મારું અંગત માનવું છે. અભી જેવો જ સીટી ભાસ્કરનો યુવાન ઉત્સાહથી ભરેલો પત્રકાર તુષાર દવે મળ્યો. હવે યુવાન શબ્દ લખવો નથી લગભગ ૯૯ ટકા યુવાન મિત્રો જ મળ્યા હતા. હું હમેશાં ફેસબુક પર તરોતાજી તસવીરો મૂકતો હોઉં છું એટલે મિત્રોને ઓળખવામાં જરાય તકલીફ પડે નહિ છતાં સાવચેતી ખાતર કોઈ કોઈ મિત્રો પૂછતા. વખાણ કોને ના ગમે? મિત્રો એક પછી એક પ્રસંશાનાં  પુલ બાંધે જતા હતા અને મારા મગજમાં  પ્રેમ અને વિશ્વાસ જનક રસાયણ ઓક્સિટોસીન સાથે પારિતોષક મળતા હર્ષ અનુભવાય તેને જવાબદાર રસાયણ ડોપમીનનાં ફુવારા વછૂટે જતાં હતા જે અનહદ ખુશી અર્પતા હતા.

વચમાં એક વાત કહી દઉં મિત્રોને ચહેરા પરથી તો તરત ઓળખી જવાય પણ એમના કદ, કાઠી અને વર્ણ વિશેના અનુમાનો ખોટા પડતા હોય છે તેવું મેં અનુભવ્યું. અને આવો જ મહાન વિચાર મારી સાથે દીપક સોલિયા સાહેબને આવેલો જે એમના લખાણ પરથી જાણ્યું. બે સરખા સ્તરના લોકોને સરખાજ વિચારો આવી શકતા હોય છે, ભલે સમય જુદો હોય. મેધા જોશી અને શીતલ દેસાઈ તો જેવા ધારેલા તેવા જ નીકળ્યા ચાલો એમાં હું ખોટો ના પડ્યો. અમુકમાં હું ખોટો પણ પડ્યો. ખોટો પડ્યો મતલબ નિયમ સાચો છે. મેધા મનોગ્રામ લખે છે બહુ સરસ વાંચવા જેવું.

મેં વર્ષો સુધી સંદેશ દૈનિક મંગાવેલું. પૂર્તિ આવે એટલે પ્રથમ પાનાની મુખ્ય લીટીઓ વાંચી તરત ઊંધું ફેરવી પહેલી ફિલમની ચિલમ વાંચવાનો મારો નિયમ રહેતો અને તે લખનાર આદરણીય સલિલ દલાલ સાહેબને મળીને ખુબ આનંદ થયો. રમૂજી, હસમુખ ચહેરો ઊંચા કદ-કાઠી અને ગૌર વર્ણ ધરાવતાં મેં ધારેલા તે જ પ્રમાણે સલિલ દલાલ સાહેબ રૂબરુ મળશે વાતો કરશે એમના પુસ્તકો પર મારા માટે પ્રિય બાપુ લખીને હસ્તાક્ષર સાથે મને આપશે તે મેં કદી ધારેલું જ નહિ. પ્રિય બાપુ પછી એમણે મારા માટે શું લખેલું તે હું નહિ કહું ગુપ્ત વાત છે. એમણે ફિલમની ચિલમ લખવાની બંધ કરી પછી મેં એવી ચિલમો પીવાની બંધ કરી દીધી. એમની કુમાર કથાઓ અહિ અમેરિકા આવ્યા પછી મેં વાંચવાની પૂરી કરી દીધી. સાહિત્ય અને ફિલ્મી ગોસીપ ભેગું વાંચવું હોય તો સલિલ ઠક્કરને વાંચવા જોઈએ.

પહેલા દિવ્યભાસ્કર અને હવે સંદેશમાં લખતા દીપક સોલીયા સાહેબ સાથે પણ ખુબ વાતો કરી, એમની ઓળખાણ આપવાની ના હોય. એમના સ્વભાવની સૌમ્યતા એમના લખાણોમાં પણ કાયમ છલકાતી હોય છે. પહેલા ગુજરાત સમાચાર અને હવે દિવ્યભાસ્કરમાં લખતા ઉર્વીશ કોઠારીને ધારેલા તેનાં કરતા યુવાન અને પાતળિયા લાગ્યા. હું એમના લખેલા નીડર બ્લોગની અવારનવાર મુસાફરી પણ કરી આવું છું. ઉર્જાથી ભરપુર મિત્ર ધૈવત ત્રિવેદી પણ મળ્યા. એક રાષ્ટ્રપ્રેમ થી છલકાતાં વોટ્સેપ સમૂહમાં હું ને ધૈવતભાઈ સાથે હતાં.

માતૃભાષા પ્રત્યે પ્રેમ સહુને હોય છે પણ તે પ્રેમ વાણી સાથે આંખોમાં, હાવભાવમાં, અંગોના ઉછાળામાં, હોઠના વળાંકમાં, આંખોના ઉલાળામાં, શબ્દોચ્ચારના આરોહમાં અવરોહમાં, અટ્ટહાસ્યમાં ઉછાળતા તદ્દન નૈસર્ગિક એવા મુર્તઝા પટેલ આવ્યા ને વાતાવરણ જીવંત બની ગયું. શબ્દે શબ્દે મારી ભાષા અને મારા માનવી એવો અહેસાસ કરાવતા મુર્તઝા પટેલ છેક કેરો ઈજીપ્ત થી આવીને ખરેખર ગદગદિત કરી ગયા. મને મજાક કરવાની થોડી વધારે પડતી આદત છે. મુર્તુઝાને મેં કહ્યું જેસીકૃષ્ણ ઉપરથી જીસસ ક્રાઈસ્ટ પડ્યું તેમ મુરત જો તો જા ઉપરથી મુર્તુઝા પડ્યું છે. તો હસી હસીને મુર્તુઝા બેવડ વળી ગયા.

સિવીલ એન્જીનીયર પ્રાધ્યાપક અધીર અમદાવાદી મળ્યા. તો એમના ભાઈ બધીર પણ મળ્યા. ખુબ વાતો થઈ.  આ નાગરો જન્મજાત બુદ્ધિશાળી અને મેનેજર હોય છે એમાં કોઈ શક નહિ. સેજલ પટેલ અને એની નાનકડી ટીમ સાથે બહુ વાતો કરીને કોફી પણ પીધી. અને પછી મીઠડો મારો મિત્ર જય વસાવડા આવે એટલે વ્યવસ્થા ખોરવાઈ જાય તે હદે યુવાનોના યુવતીઓના ટોળા દોટો મુકે એમાં કોઈ શક નહિ. એમના સવાલ-જવાબનું સત્ર પૂરું કરી અમે ગુજરાતી સાહિત્યોત્સવનાં પવિત્ર સ્થળ પરથી વિદાય લીધી.

લગભગ સતત ઉભા રહીને મારા ચાહક વાચક યુવાન યુવતીઓ સાથે વાતો કરી કરીને થાકી ગયેલો. ખુબ મિત્રો મળ્યા બધાના નામ યાદ પણ નથી રહ્યા. તમામ મિત્રોનો ખુબ ખુબ આભારી છું. કારણ મિત્રો છે તો હું છું. શરીરે થાકેલો પણ મારા ચેતાતંત્ર પ્રમાણે ખુબ તાજગીભર્યો હતો. કારણ હતું બ્રેનમાં છુટેલા ઓક્સિટોસીન, ડોપમીન અને સેરેટોનીન ફુવારા.. પછીના દિવસે અંગત સ્વજનના મૃત્યુ નિમિત્તે વ્યસ્ત હોવાથી અવાયું નહિ, પણ આ સાહીત્યોત્સવ ખુબ આવકારદાયક છે અને યુવાન મિત્રો પુષ્કળ હાજરી જોઈ થયું કે ગુજરાતી સાહિત્યનુ ભવિષ્ય ખુબ ઊંચું છે, ડરવાનું કોઈ કારણ છે જ નહિ.

વધુ આવતે અંકે…..

 

1457589_10206405276423426_3757653300764189518_n

2 thoughts on “Miss you મા ભારતી – ૨”

  1. Ghare aavi faree saahity sathe rachnakaro nee vyaktigat mulakoto e tamaree sarzanakta ne push up karee hashej .tame jeva chho ane man thi hruday sudhi jagadi de tevu backed truth lakho chho te mane bahu game chhe .
    Pan ek afsos rahyo ke Vadodara aavya hu na Mali Shakyo.
    Shbdo thi rubaru thaishu

    Like

  2. Yes bapu Gujarat ma dambhi rajkaraniyo na pape/ lidhe daru bandhi nu natak varso thi chalu chhe have murkha swarthi dambhi ke luchchha rajkaraniyo ne kon samjave ke je Gandhi ane morarji na name daru bandhi halvi nathi karta to morarjina jem badha peshab kem nathi pita Gandhi ni jem badha bakrinu dudh kem nathi pita badha netane rat padene scotch joiye pan temne sahelai thi ghar betha sharab shabab kabab badhu malijatu hoi chhe mate aapne permit mate heran thava shivai koi chhutko nathi.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s