દાદરો બનીને ઊભા દુનિયામાં
‘અમે દાદરો બનીને ઊભા દુનિયામાં ચડનારા કોઈ નો રે મળ્યા.’
દુલા ભાયા કાગ બાપુની આ પંક્તિ છે. આખું ગીત તમે કોઈ પહાડી અવાજ ધરાવતા અને ગાળામાં ચારણી હલક ધરાવતા ગાયકના મુખે સાંભળો તો બહુ મજા આવે. થોડા દિવસ પહેલા ન્યુ જર્સી ગયેલો ત્યારે મને આ સાંભળવાનો લહાવો મળ્યો હતો, અને તે પણ ગુજરાતી લિટરરી અકાદમી નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી. રામભાઈ ગઢવીનાં મુખે થી..
અકાદમીના ઉપક્રમે પ્રોગ્રામ હતો દુહાઓ વિષે રસપ્રદ માહિતી પીરસવાનો. વક્તા હતા ડૉ. બળવંત જાની. અને દુહા ગાઈને સંભળાવવાનું કામ અકાદમીના પ્રમુખ રામભાઈ કરવાના હતા તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ બહુ સરસ રીતે સંભળાવ્યા. દુહા, દુહો, દોહરો કહીએ તેનો ઇતિહાસ ૮૦૦-૯૦૦ વર્ષ જુનો છે. બલવંત ભાઈએ ચારણી સાહિત્ય, લોકસાહિત્ય ઉપર ખુબ કામ કર્યું છે. એમણે સંત સાહિત્ય સાથે ખોજા સાહિત્ય ઉપર પણ ખુબ કામ કર્યું છે. સંતોએ રચેલા ભજનોને તો આપણે સાહિત્યમાં ગણતા નથી. એમના કહેવા મુજબ એમણે દસ હજાર ભજનોનું સંકલન કર્યું છે. અને દુહાઓ તો ૫૦,૦૦૦ હશે. લગભગ ૧૫૦ વિદ્વાનોએ લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને દુહાઓ વિષે સંશોધનાત્મક કામ કરેલું છે. દુહા પહેલા પ્રાકૃત ભાષામાં લખાતા હતા. દુહા એટલા જુના છે. દુહા એટલે બે લીટીની કવિતા કહીએ તો પણ ચાલે. કોઈ ગદ્યકારને એની વાત કહેવા ૨-૩હજાર શબ્દોની જરૂર પડે ત્યાં કવિ એજ વાત થોડીક પંક્તિઓમાં કવિતા રૂપે કહી દેતો હોય છે, ત્યાં દુહો રચનાર ફક્ત બે લીટીમાં તે વાત કહી દેતો હોય છે. આ બે લીટીની કવિતા જનોઈવઢ ઘા જેવી હોય છે, સમજ પડે ત્યાં તો દિમાગ અને દિલના ફુરચા નીકળી ગયા હોય.
હજારો દુહાઓના રચયિતાનાં નામ જ જડતા નથી. લોકમુખે પેઢી દર પેઢી આવા અનામી રચનાકારનાં દુહાઓ હજુ જીવંત છે. તો બારમી સદીના ઇસરદાન નામના કવિએ હજારો દુહાઓ રચ્યા છે જે કદી ભેટ સોગાદ લેતા નહોતા. ગુજરાતીમાં મેઘાણી સાહેબે ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ, લોકગીતો અને દુહાઓ વિષે અદ્ભુત કામ કરેલું છે. એમને કોઈ લેખ સંદર્ભે દુહાઓની જરૂર પડતાં કાગબાપુને કહ્યું હશે. દુલા ભાયા કાગે થોડા દુહા મોકલી આપ્યા શોધીને.. પણ મેઘાણી સાહેબને વધુ દુહા તે લેખ બાબતે જોઈતા હશે. તેમણે ફરમાયશ કરી હજુ વધુ દુહા મોકલી આપો. કાગબાપુએ જે યોગ્ય હતા તે મોકલી આપેલા બીજા લાવવા ક્યાંથી. એટલે એમણે જાતે રચીને મોકલી આપ્યા. પણ આ તો મેઘાણી હતા. એમણે વળતો જવાબ લખ્યો દુહા સારા રચાયા છે હજુ બીજા વધારે રચાય તો મોકલી આપશો.. દુહાની શૈલી પરથી મેઘાણી સાહેબને ખબર પડી ગઈ કે આ એમણે જાતે રચેલા છે. આવા કવિઓ હતા અને આવા એમના પારખુઓ પણ હતા.
દુહાઓમાં લાઘવ છે, તો મુલ્ય બોધ અને શૃંગાર સાથે સૌન્દર્યબોધ પણ છે. દુહાઓમાં કરુણ રસ પણ ભારોભાર ભરેલો હોય છે. એવા કરુણરસથી ભરેલા દુહા કોઈ પહાડી ગળું ધરાવતા ચારણ-ગઢવીના મુખેથી એક પછી એક સાંભળીએ તો લાગે જાણે હિમાલય રડી રહ્યો છે, અને એના આંસુની ધારા જાણે ગંગા જમુના બનીને વહી રહી છે. ચારણના ગાળાની હલક કોઈ સ્પેશલ જિનેટિક મ્યુટેશન હોય એવું લાગે છે. અને એવી હલક કોઈ વેલજીભાઈ ગજ્જર અને પ્રફુલ્લ દવે જેવાના ગાળામાં કુદરતી આવી જાય ત્યારે ઓર રંગ જમાવતી હોય છે.
દુહામાં રામાયણ રચાણી છે તો દુહામાં મહાભારત પણ રચાયેલું છે. અરે દુહામાં વ્યાકરણ પણ રચેલું છે. દુહા કઈ રીતે રચવા, એનું બંધારણ કેવું હોવું જોઈએ તે પણ દુહામાં જ રચીને સમજાવેલું છે. દુહા સામસામે સવાલ જવાબ રૂપે પણ રચાતા. રાજદરબારમાં ડાયરો જામ્યો હોય ત્યારે સામસામે દુહાની રમઝટ બોલાતી અને એમાં ત્રણ ત્રણ દિવસ વીતી ગયા હોય તેવું પણ બનેલું છે. દુહાઓ વિષે અદ્ભુત માહિતી બળવંતભાઈ આપે જતા હતા અને વચમાં વચમાં રામભાઈ દુહા ગાઈ સંભળાવતા હતા. તો થોડા દુહા પાર્થ નામના યુવાને પણ ગાઈ સંભળાવ્યા. રામભાઈએ એક ગીત બહુ સરસ સંભળાવ્યું. ભાવાર્થ એવો હતો કે દાદા એમની ભરયુવાન પૌત્રીને વર કેવો જોઈએ તે વિષે પૂછે છે. એમાં થોડી રમૂજ પણ હતી. દીકરી કહે છે દાદા ઉંચો વર નો જોતા નિત નેવાં ભાંગશે. જુના જમાનામાં નળિયાવાળા ઘર એટલે એવું કહેવાયું અને નીચો વર પણ નો જોતા નિત ઠેબે ચડશે. વર જોવો હોય તો કેડે પાતળિયો ને મારી સખીઓ વખાણે તેવો જોજો. મતલબ તે વખતે પણ સિક્સ પેક નું મહત્વ હતું. મેં પણ વર્ષો સુધી કસરત કરીને સિક્સ પેક સાચવી કમર ૨૮-૨૯ થી કદી વધવા નહોતી દીધી. પણ હવે હર્નિયાનું ઓપરેશન થયા પછી કસરત થતી નથી એમાં સીધી ૩૪ થઇ ગઈ છે.
કાગબાપુનું અમે દાદરો બની ઉભા ગીત પણ રામભાઈએ સરસ ગાયું. દાદરો બની દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ નો મળ્યા. પછી એમાં રોટલાની વાત છે કે ખેતરમાં ડુન્ડું હોય તે કપાય, ખળામાં પહેલાં બળદના પગ નીચે કચરાતું, હવે થ્રેસરમાં કચરાય છે. પછી ઘંટીમાં વળી પાછું પીસાય, પછી રોટલા ઘડાનારીના હાથે મસળાય, પછી કલેડીમાં નીચે અગ્નિ હોય ને શેકાય પછી થાળીમાં પીરસાય પણ જમનારા કોઈ નો મળે તો? દાદરો બનવું પણ સહેલું નથી. કપાય, સુકાય અને ખુબ ખુબ છોલાય ખીલા ઠોકાય પછી દાદરો બને છે. ગુજરાતી સાહિત્યમાં ડૉ બળવંત જાની અને રામભાઈ જેવા દાદરો બનીને ઉભા છે, એક ગુજરાતમાં અને એક અમેરિકામાં..
શ્રી. રામભાઈને ૭૫ વર્ષ થયા, એની ખુશીમાં સ્ટેજ ઉપર કેક કાપીને નાનકડો ઉત્સવ ઉજવવામાં આવ્યો. મારે પણ એવી જ એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે બાકીનો ગાયનવાદન પ્રોગ્રામ પડતો મુકીને પરમ મિત્ર દિલીપ ભટ્ટની સરસ આદુવાળી ચા પી હું પણ ભાગ્યો..
હું નહોતો ગયો. પણ તમારા આ સરસ હેવાલથી ઘણું માણી લીધું. હું રામભાઈને વર્ષોથી ઓળખું છું. ( રામભાઈ મને ઓળખતા નથી. ) સાહિત્ય, સંગીત, સમાજ સેવામાં હમેશાં વ્યસ્ત રહે છે.
તે જ દિવસે આતાનો પ્રોગ્રામ ‘ગુજરાત દર્પણ’ રાખ્યો હતો. તેના બે વીક પહેલા શ્રી બળવંતભાઈ જાની ગુજરાત દર્પણ પર પધાર્યા હતા અને એમણે ડાયસ્પોરા સાહિત્ય ઉત્તેજન પ્રવૃત્તિની ઘણી વાતો કરી હતી.
LikeLike