દૂધપાકની બૉન

દૂધપાકની બૉન

અમારા સમિતપોઈન્ટનાં ચર્ચા ચોરે આખા ગામની પંચાત થાય. રિટાયર્ડ માણસો બીજું કરે પણ શું? હું સવારે કામ પર જાઉં તો સાંજે ચોરે જઈ બેસું અને સાંજે કામ પર જાઉં તો સવારે કુમળો તડકો ખાતા મિત્રો જોડે જઈ ગપાટા મારું. મિત્રો લખ્યું એટલે યાદ આવ્યું. અમારા એક મિત્ર ડૉ ભાનુભાઈ કહે આ વખતનું ફિજીક્સનું નોબેલ પ્રાઈઝ નરેનબાબુને મળશે, કારણ એમણે ગૉડ પાર્ટીકલ BOSON જેવો, એનો ભાઈ કહો તો ચાલે તેવો પાર્ટીકલ શોધી કાઢ્યો છે, મિત્રોન…. આ વાત ચર્ચા ચોરે કરતાં બધા ખુબ હસ્યા. નરેનબાબુને વાતે વાતે મિત્રો, ભાઈઓ ઔર બહેનો કહેવાની આદત છે. એમની સામે ફક્ત બેચાર જણા બેઠા હોય તો પણ ભાઈઓ ઔર બહેનો શબ્દ ટેવ મુજબ બોલાઈ જાય છે. પણ એક વાતની કદર કરવી પડે કે નરેનબાબુની બોલવામાં માસ્ટરી છે.

વિનુકાકા કહે, ‘આ વખતની બિહારની ચુંટણીમાં નેતાઓ એકબીજાને ભાંડવામાં સાવ નીચલા સ્તરે ઉતરી ગયા છે. અમિત શાહે લાલુને ચારા ચોર કહ્યા, તો લાલુએ અમિત શાહને હત્યારા કહ્યા.’

રમાબેન કહે, ‘પેલી દૂધપાકની બૉન ગાડીમાં બેઠી બેઠી કહે અમિત શાહે ગુજરાતમાં લાખો કરોડોની હત્યા કરાવી નાખી, અલી બૉન જરા માપમાં બોલતી હોય તો સારું લાગે. પછી એને જાતે જ લાગ્યું કે લાખો કરોડો વધારે કહેવાય પછી કહે હજારોની હત્યા.’

વિષ્ણુભાઈ કહે આ દૂધપાકની બૉન કોણ?

રમાબેન ઉવાચ, ‘અરે દૂધપાક અને રબડી ભાઈ બહેન કહેવાય કે નહિ?’

રબડી અને દૂધપાક બંને દૂધમાંથી જ પેદા થાય છે. રબડીદેવી એવું બોલેલા પણ ખરા કે લાખો કરોડોની હત્યા કરી નાખી. પછી સુધારેલું બીજા વાક્યમાં કે હજારોની હત્યા કરાવેલી. રબડી દેવી માટે દૂધપાકની બોન સંબોધન સાંભળી બધા એટલું હસ્યા કે વિનુકાકાને ઉધરસ ચડી ગઈ. આ તમાકુ-મસાલા મોઢામાં ભરી રાખતા હોય તેમણે હસવામાં કંટ્રોલ રાખવો પડે. તરત ઉધરસ ચડી જાય.

મેં કહ્યું, ‘મોદીએ લાલુને શેતાન કહ્યા તો એમણે મોદીને બ્રહ્મ-પિશાચ કહ્યા. આમ આ વખતે શબ્દયુદ્ધ બરાબર જામ્યું છે.’

વિષ્ણુભાઈ જરા સેન્સિટિવ માણસ છે. એમને આવું બધું દેશમાં ચાલે છે તે જોઈ બહુ દુઃખ થાય. તેઓ રિટાયર્ડ થઈને જ અમેરિકા આવ્યા છે. એમના દીકરા દીકરીઓ બધા અહિ છે. બહુ મોટી ઉંમરે આવેલાને દેશ બહુ યાદ આવે. આખો દિવસ ભારતીય ચેનલ્સ જ જોયા કરવી, ગુજરાતી ન્યુઝ પેપર્સ ઓનલાઈન જે મળે તે વાંચે રાખવા એવી આદત પડી જતી હોય છે. મોટી ઉંમરે અમેરિકા આવીને મનથી સેટ થવું અઘરું લાગે.

વિષ્ણુભાઈ કહે, ‘આ બીફ પ્રકરણ મારું દિયોર બહુ ચાલ્યું સઅઅ. બીફ ખાધું સ ક ઘરમાં રાખ્યું સઅ એવી અફવા ફેલઇ એક મૉણસની હત્યા કરી નૉખવામાં આયી; આ તો કૉય રીત સ? આ દેશ ચૉ જઈ રયૉ સ ખબર નઇ પડતી. અનઅ આ જોગટા મારા દિયોર સંસાર સોડી નાઠેલાનું સંસદમાં હું કૉમ સઅ? દીયોરો જીભડી કાબુમૉ રાખતા નહિ. હિંદુ અન મિયૉન લડઈ મારવાના ધંધા હોધી કાઢ્યા સ.’ વિષ્ણુભાઈ એમની મેહોણી તળપદીમાં બરોબર બગડ્યા.

વિનુકાકા કહે, ‘આ બાવાઓને ના તો વેદોનું જ્ઞાન છે, ના હિંદુ ધર્મનું. વગર વેદ વાંચે ઠોકે રાખે છે. વગર વેદ વાંચે વેદોના સંદર્ભ આપતા હોય છે. અજ્ઞાની પ્રજા એમનું કહ્યું સાચું માની લેતી હોય છે. સ્વામી વિવેકાનંદે એમના એક પુસ્તકમાં કબૂલ કરેલું છે કે પ્રાચીન હિંદુઓમાં બીફ નાં ખાય તે સાચો હિંદુ ના કહેવાય તેવું મનાતું હતું અને આ વાતનું આશ્ચર્ય ખુદ સ્વામી વિવેકાનંદને પણ હતું. ભલે તમે માંસ ખાઓ કે ના ખાઓ, બીફ ખાઓ કે ના ખાઓ આ બધી વાતો મહત્વની નથી. શું ખાવું તે દરેકની અંગત ચોઈસ છે. આપણે કોઈના ઉપર કઈ રીતે બળજબરી કરી શકીએ કે આ જ ખાઓ અને આ ના ખાઓ? આખી દુનિયા બીફ ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? આખી દુનિયા પોર્ક ખાય છે ત્યાં તો તમે રોકવા જવાના નથી ને? હિંદુ-મુસલમાન બંને આ રીતે ખોટા છે. ધર્મ પણ અંગત બાબત હોવી જોઈએ, ધર્મ કોઈ જાહેર પ્રદર્શનની બાબત ના હોવી જોઈએ.’

આ વિનુકાકાએ ક્યારેય જીંદગીમાં ય ઈંડું પણ ખાધું નથી. પ્યોર શાકાહારી અને તમાકુ નામના પર્ણ આહારી. પણ એમના ઉમદા વિચારો જુઓ.

વિષ્ણુભાઈ કહે, ‘સાચી વાત છે. જેને જે ખાવું હોય તે ખાય. અને જેને જે માનવું હોય તે માને. આ રાઓલબાપુ ભગવાનમાં નથી માનતા આપણે કદી બળજબરી કરી કે ના ભગવાનમાં માનો જ?’

એમણે હસતાં હસતાં કહેલું તો મેં પણ હસતાં હસતાં જવાબ આપ્યો કે હું એમ કોઈનું કહ્યું માનું એવો છું ખરો? અને હું પણ ક્યાં તમારા પર બળજબરી કરું છું કે ભગવાનમાં માનશો નહિ. અરે મારા ઘરમાં જ નાનકડું મંદિર મારા વાઈફ લાવ્યા છે અને તે પણ મંદિર વેચવાનો બિઝનેસ કરતા બાપ્સની સંસ્થામાંથી. હવે મારા વાઈફ પોતે કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભક્ત નથી પણ એમના મંદિરમાં સ્વામીનારાયણનાં ફોટા વગેરે છે જે તેમણે ગાર્બેજ નથી કર્યા. મેં તો એના ફોટા જગજાહેર હું નાસ્તિક હોવા છતાં અને સ્વામીનારાયણ સંપ્રદાયનો સખત ટીકાકાર હોવા છતાં ફેસબુકમાં મુક્યા છે. મારો તો એક જ જગજાહેર સંદેશ છે કે મારી વાત સાંભળો પછી એના ઉપર વિચાર કરો પછી સમજો, સાચી લાગે તો માનો અથવા ફેંકી દો, જસ્ટ સ્ટાર્ટ થીંકીંગ. અરે વિચારવાની બારીઓ ખોલો તો પણ મારા માટે બહુ છે.’

વિષ્ણુભાઈ મૂળ રીટાયર માણસ આખો દિવસ કોમ્પ્યુટર અને ટીવી પર બેસી રહે. તો કહે, ‘આજે NDTV પર બરખા દત્તનો પ્રોગ્રામ જોયો. એમાં એ ચાપલીએ ભાજપનાં, સમાજવાદી પક્ષના, કોંગ્રેસનાં નેતાઓ અને થોડા પત્રકારો ભેગા કરેલા. મુર્ખીએ એમાં જસ્ટીસ કાત્જુને પણ બોલાવેલ. હવે મજા એ આવી કે બધા નેતાઓ એકબીજાને ટપલીદાવ મારતા હતાં પણ જેવા જસ્ટિસ કાત્જુએ કહ્યું કે આ બધા નેતાઓ રાસ્કલ છે અને આ બધાને બહુ પહેલા લટકાવી દેવા જોઈએ અને આ લોકોમાં દેશ માટે કોઈ પ્રેમ નથી તો બધા હરામખોરો જે એકબીજાના દુશ્મન હતા તે એક થઇ ગયા ને જસ્ટિસ કાત્જુ પર તૂટી પડ્યા.’

મેં કહ્યું, ‘જસ્ટિસ કાત્જુની અમુક બાબતોમાં ભલે આપણે સહમત હોઈએ કે ના હોઈએ, લોકો એમને ગાંડા ગણે કે ના ગણે પણ એમની વાતોમાં દમ હોય છે. અરે એક તો માણસ છે કે જે બેફામ બોલી શકે છે. સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ અમસ્તો તો નહિ જ રહ્યો હોય ને?

રમાબેન બહુ સમય પછી બોલ્યા, ‘પેલા સમાચાર જોયા? એક દંપતી લગભગ નગ્ન હાલતમાં પોલીસ સાથે જપાજપી કરતુ હતું, એ શું હતું?’

વિનુકાકા કહે,, ‘દલિત દંપતી ફરિયાદ કરવા ગયેલું પણ પોલીસ ફરિયાદ લેતી નહોતી એટલે પછી તે લોકોએ જાતે જ નગ્ન થઈને પ્રોટેસ્ટ કરવાનો નવો રસ્તો અપનાવેલો. એમાં પછી એમનો બીજો પરિવાર પણ જોડાઈ ગયેલો. જો કે પેલી ફૂલનદેવીને ફેરવેલી એવું હજુ ય ઘણી જગ્યાએ બનતું જ હશે. હજુ આપણે મહાભારતના સમયથી આગળ ક્યા વધ્યા છીએ?

આમ અમારી ચર્ચાસભા કાયમ હસતી હસતી છૂટી પડતી પણ આજે બધાના મનમાં થોડો વિષાદ પણ હતો.

14 thoughts on “દૂધપાકની બૉન”

 1. મારા અંગત મિત્ર રાઓલજી સાથે અનેા ક બાબતોમાં સંમ્મત છું અને હસી મજાકની અફડા તફડી ચાલતી જ હોય છે. પણ દલિત નારીના વસ્ત્ર ઉતારવાની વાત હાહાહા નથી જ. કોઇ પણ સ્ત્રી પુરુષના વસ્ત્રો તેના સંતાનની હાજરીમાં જાહેરમાં ઉતારનાર સમાજ કેટલા વર્ષ પછી સુધરશે? આની સાથે જ આપણે એ પણ વિચારવાનું છે કે આ દલિત, આ ઢેડ, આ બ્રાહ્મણ કે આ પટેલ આ જાતીવાદના વાડા બંધ થવાને બદલે રાજકારણની ગંદી રમતો રમનારાઓ જ વર્ગવિગ્રહ સળગતો રાખે છે. દુઃખદ છે. દુઃખદ છે. રાઓલે હળવી રીતે ઘણી જ ગંભીર વાતો કરી છે. મારા મિત્ર શ્રી કૌશિક અમિને એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમારા ભગવાનને તમારા અંતરમાં અને ઘરના દેવસ્થાનમાં રાખો અને ધર્મને તમારા ઘરના ઉંબરની અંદર રાખો. હું કહું છું તમારે જે માનવું હોય તે માનો પણ બીજાઓએ તમારી વાત કે ધર્મ સ્વીકારવો જોઈએ એવો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખો.

  Like

 2. અનામત ની મઝાક ઉડાવનારાઓ, અનામત ની તરફથી થતી તકલીફો અને એના નબળા પાસા ગણાવનારા બુદ્ધિજીવીઓ તથા સમાજ નું કામ કરનારા આદર્શ લોકો કદીય આ બાબતે એમ નહિ બોલે કે અનામત કેમ આવી? દસ વર્ષનું કહ્યા છત્તા પણ અનામત કેમ નથી ગઈ? દલિત માટે અનામત હજી રાખવી કે કેમ? આના મુદ્દામાં કોઈ આંતરિક રીતે નથી પડતું!! પોલીસદમનની બાબત આવે ત્યારે બધા જ મીડિયા વાળા ભેગા થઈને મંડી પડ્યા હતા કે આવો દમન ના ચાલે, મહિલાઓ વિષે આવું ના બોલાય અને એમ. કારણ, કદાચ એ મહિલાઓ ‘ઉંચી’ જ્ઞાતિની હતી, જેથી એમનું અપમાન અસહ્ય છે. આજે પણ આ બધું ચાલે તો છે જ, એ જ જાતિ ના નામે. ઇન્ડિયા માં થતા રેપ કેસીસ નું સાચું પૃથક્કરણ મળે તો લોકોને ખબર પડશે કે આમાં અનામત કેટલી હોય છે!!! હજીયે દેશમાં મોટા માથા (અને મોટી જ્ઞાતિ)ના લોકો દલિતો પર, નીચી જ્ઞાતિ/ બીજા ધર્મ વાળા વ્યક્તિઓ પર, ફક્ત અને ફક્ત એમના ધર્મ કે જ્ઞાતિ ને કારણે તિરસ્કાર રાખતા કે ગાળો બોલતા કે માર મારતા કે બળાત્કાર કરતા કે ખૂન કરતા અચકાતા નથી જ. આઝાદીના ૭૦ વર્ષ પછી પણ, કદાચ આ દેશે આ લોકોને પોતાના સમજ્યા જ નથી. જયારે બધા ધર્મના લોકો જાહેરમાં સાચું બોલવાની તાકાત રાખે ત્યારે વાસ્તવિકતાની ખબર પડશે.

  Like

 3. Jyare Vikas,Gandhiji,Sardar ane Vivekanad na mohara hethal fakt RSS na Agenda ne j desh no PM aagal vadhari rahyo hoy to aapne bhage vishad shivay biju shu baki rahe!

  Like

 4. ઘરમાં મોંઘી ડાટ મૂર્તિ આવી જાય તો પૈસા વસુલ કરવા ખાતર પણ પગે લાગવું. પત્ની
  સાથે મંદિરે જવાનું થાય તો અંદર જઈ, પગે લાગી, ‘બાય વન ગેટ વન ફ્રી’ માં વધારે
  પ્રસાદ પણ લઇ આવવો જોઈએ. બીજા પૈસા મુકવાની ભૂલ નહિ કરવી.

  Like

 5. Very fine and touchy article this and one just last week, this is more so. Both are in lighter vein, and in satiristic style, with plenty of humor.
  It is indeed painful to know (if it is true) and I believe it is, that this kind of base vulgarity still happens in 21st century, democratic India. Could this would have happened to some body of “status “? Think. Where is ‘mera Bharat mahan’? Just because they are so called ‘Dalit’. Who made them dalit? Our social hierarchy and out dated caste system. Even this painful topic depicted very well in humorous way by you.Finally fully agree with Siddarth and Rashmikantbhai, but not ‘Undhi khopri'( I know Rashmikant and undhi khopri are same),because he goes to temple to get the return of money he spent. Don’t give a penny to a temple.
  Finally I see you have come back in full force after a long hiatus. Keep it up ,and please keep this humorous, satiristic style of lighter vein.

  Like

  1. Can anyone stop his wife from placing money in a temple’s collection box? We husbands can only make the best use of an unavoidable action.

   Like

 6. આ બધાજ નેતાઓ એક બીજાને ઉતારી પાડવાના નિવેદનમાંથીજ ઉંચા નથી આવતાં તો તેઓ સંસદમાં કે વિધાનસભામાં કામ શું કરતાં હશે…. અને નોકરશાહી-પોલીસગીરી વગેરે એમની રીતે, પોતાના કાયદા અને ફાયદા પ્રમાણે કામકાજ કરતાં રહે….પગાર તો મહિને મળે અને બેંકમાં જમાથઈ જાય, બાકી, રોજનીજ કેટલી આવક થતી હશે….. એ માટે બરખાબેન તો શું, કોઈ ટીવીવાળા પ્રોગ્રામ નહીં બતાવે….

  Like

 7. पोस्टमां छेल्ले बरोबर वांचो आपणे महाभारतथी क्यां आगळ वध्या छीए? मुंबईनी पोलीस घर के होटेलमां कोई युवक युवती गप्पा गोष्टी करतुं होय तोये पकडी ले छे. ए हीसाबे तमे बधा सुखी छो. जय हो गप्पा गोष्टीनो….

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s