પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે

11267706_10205074809042573_1309709803_n

મિત્રો આપણે સ્કૂલમાં ભણતા ત્યારે ગુજરાતી વિષયમાં કોઈ પ્રખ્યાત લેખકની નવલકથાનું એકાદ પ્રકરણ હોય, કોઈ ટૂંકી વાર્તા કે કવિતા પાઠ રૂપે હોય. તે આપણે બધા ભણતા. લેખક તો જે કહેવા માગતાં હોય તે વાત જુદી છે પણ શિક્ષકશ્રી પોતાની માનસિકતા મુજબ એના અર્થ સમજાવતા. એનો એકાદ ફકરો કે અમુક પંક્તિઓ મુકીને પૂર્વાપર સંબંધ આપી સમજાવો તેવા પ્રશ્નો પરિક્ષામાં પુછાતાં.. સ્કૂલમાં હતો ત્યાં સુધી ગુજરાતીના વિષયમાં મારા સૌથી વધુ માર્ક્સ વર્ગમાં આવતા. પરીક્ષાના પરિણામો લઈ ક્લાસ ટીચર આવે અને કયા વિષયમાં કયા વિધાર્થીના હાઈએસ્ટ માર્ક્સ આવ્યા તે સૌથી પહેલા જણાવતા. ગુજરાતી અને ઈતિહાસ વિષય આવે એટલે શિક્ષક બોલે તે પહેલા બીજા મિત્રો રાઓલ રાઓલ એમ બોલી ઉઠતા.

 

 

આજે ફરી તે દિવસો યાદ આવ્યા છે. ચાલો આપણે સહુ સ્કૂલનાં દિવસો ફરી પાછા માણીએ.

ઉપર આપણા ગુજરાતના બહુ સારા ચિંતક ગણાતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર લેખક શ્રી ગુણવંત શાહની રચના છે. એના ઉપર વિથ રીસ્પેક્ટ ટિપ્પણી કરવી છે. ટિપ્પણી એટલે નકારાત્મક ટીકાનાં અર્થમાં લેવું નહિ. કારણ ટીકા એટલે આપણે નકારાત્મક જે તે વિષયનો વિરોધ જ સમજી બેઠાં છીએ. ટીકા કે ટીપ્પણી નો અર્થ એવો થાય કે લેખક જે સમજતા હોય, મારી સમજ પ્રમાણે અર્થ આવો છે. એમાં લેખકનાં અર્થ સાથે સહમતી પણ હોય અને અસહમતી પણ હોઈ શકે. લેખકના અમુક અર્થ સાથે સહમતી સાથે અમુક અર્થ સાથે અસહમતી પણ હોઈ શકે. ચાલો હવે ઉપરની રચના માટે મારી ટીપ્પણી.

“પાંદડું ખરી પડે પછી સડે છે,

પુષ્પ ખરી પડે પછી સડે છે.”

બરોબર છે. ખરી પડવું મતલબ મૃત્યુ. પાંદડું અને પુષ્પ ખરી પડે મતલબ એના મૂળિયાથી જુદા પડ્યા અને ખરી પડ્યા મતલબ હવે એમનો જીવનકાળ પૂરો થયો પછી કુદરતના રીવાજ મુજબ સડી જઈને રિસાયકલ થઈ જવાનું મતલબ પંચમહાભૂતમાં મળી જવાનું. દરેક વસ્તુ રિસાયકલ થઈ જાય તે કુદરતની મહત્વની પ્રક્રિયા છે. કોઈ વહેલી થાય કોઈ મોડી પણ રિસાયકલ તો થઈ જ જાય. ફન્ગાઈ જેને આપણે ફૂગ કહીએ છીએ તે ઝાડપાન, લાકડાનું રિસાયકલ કરી નાખે છે. જીવજંતુ, પ્રાણીઓ એમાં મનુષ્યો પણ આવી જાય તેમના મૃતદેહમાં કીડા પડી સડી જાય છે અને તેનું રિસાયકલ થઇ જાય છે. મતલબ મૃત્યુ પછીની પ્રક્રિયા છે સડવાનું. આપણે મનુષ્યોએ આપણા મૃતદેહોની નિકાલ વ્યવસ્થા શોધી કાઢી છે. માટે સડવાની પ્રક્રિયા દેખાતી નથી. છતાં કોઈ કારણસર લાશ પડી રહે તો એમાં કીડા પડી જાય છે તે હકીકત છે.

“માણસ સડી જાય પછી ખરે છે આવું શા માટે?”

આમ તો ખોટી વાત છે. માણસ પણ ખરી જાય, મૃત્યુ પામે પછી જ સડે છે, જો તમે બાળો કે દાટો નહિ તો. જો કે દાટો ત્યારે સડે જ છે પણ જમીનની અંદર હોવાથી દેખાય નહિ તે વાત જુદી છે. કદાચ શાહ સાહેબે ભાવનાત્મક રીતે લખ્યું હશે કે માણસ મનથી સડી જાય પછી ખરે છે. બાકી પુષ્પ, પાંદડું અને માનવી બધા પહેલા કમજોર પડે છે, કરમાઈ જાય છે. માનવી વૃદ્ધ બને છે તે પણ કરમાઈ જાય છે. પછી બધા ખરી પડે છે અને પછી સડી જઈને રિસાયકલ થઇ જાય છે. માનવી વૃદ્ધ બનતા મનથી કમજોર પડી જાય, શરીરથી કમજોર પડી જાય તેમ પુષ્પ અને પાંદડું પણ કમજોર પડે જ છે. રમણ પાઠક જેવા માનવીઓ મનથી પણ કદી કમજોર પડતા નથી. ઘણીવાર સારા વિદ્વાન લેખકો સારા Quote કોટ લખવાની લ્હાયમાં અવાસ્તવિક વાતો લખી નાખતા હોઈ શકે છે. માનસિક રીતે સડેલો માનવી તો જુવાનીથી જ સડેલો હોય છે. ઘરડો થાય પછી સડે તે વાતમાં માલ નથી. અને શારીરિક રીતે માનવી ઘરડો થાય એટલે કમજોર પડે પણ સડવાની પ્રક્રિયા તો મૃત્યુ પછી જ જૈવિક રીતે થાય. એટલે માણસ સડી જાય પછી ખરે છે તેવું નથી હોતું માણસ પણ પાંદડાંની જેમ ખરી પડે પછી જ સડતો હોય છે.

“હે પ્રભુ !

સ્વજનો મારી દયા ખાય તે પહેલાં તું મારી એક દયા કરજે. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં મોડો ન પડું એટલી કૃપા કરજે.”

સ્વજનોનું એક કામ તો મુખ્ય જ હોય છે કે આપણી દયા ખાવી. એટલે એ બધી ચિંતા કરી શું કામ દુબળા થવું? જીવન બહુ જટિલ વસ્તુ છે. આપણા બ્રેન બહારની અમુક બાબતો હોય છે. એટલે જીવનને સમજવામાં મોડા પડવું તે સ્વાભાવિક છે. ભલા ભલા કહેવાતા જ્ઞાનીઓ જીવનના ચક્કરને સમજી શકતા નથી. ભલે મોડા પડ્યા, સમજ્યા છો એવું લાગતું હોય તો પણ બહુ કહેવાય. અને મૃત્યુ તો એના સમયે જ આવશે. એક બહુ મહત્વની વાત છે હું તો નાસ્તિક છું પ્રભુ વગેરેમાં માનતો નથી પણ તમે માનતા હો તો પ્રભુ જો ખરેખર એના ગુણોમાં અસ્તિત્વ ધરાવતો હોય તો તે કદી કોઈના ઉપર કૃપા કરે નહિ, ક્રુરતા પણ કરે નહિ. પ્રભુ નાં તો દયાળુ છે નાં ક્રૂર છે. પ્રભુ મારી ફેવર કરે અને મારી ફેવર કરવા જતા તમારી ફેવર નાં કરે તો તે પ્રભુની વ્યાખ્યામાં આવે જ નહિ. આવો પ્રભુ મને તો માન્ય નથી. એટલે શાહ સાહેબ તમારો પ્રભુ તમારી મદદમાં આવવાનો નથી કે કૃપા કરવાનો નથી.

જેમ ઉંમર થવા લાગે તેમ મોત પ્રત્યે જાગૃતિ વધતી જતી હોય છે. બક્ષીબાબુ પણ પાછલી અવસ્થામાં મોત વિષે ખૂબ લખ્યા કરતા હતા. કારણ હવે આગળ કોઈ ભવિષ્ય બચ્યું નથી, સિવાય મોત. તો લખો પછી મોત વિષે. ઘણા આખી જીંદગી નાસ્તિક રહેલા મિત્રો પણ વૃદ્ધાવસ્થામાં આગળ મોત દેખાય એટલે આસ્તિક બની જતા હોય છે. ગરુડે ચડેલો ભગવાન દેખાતો હોય છે. ભક્તિભાવ, ધ્યાન, યોગ સાધનામાં પડી જતા હોય છે.

સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મોતનો છે. એ ભય દૂર કરવા અથવા મોતને જસ્ટીફાઈ કરવા ગીતા વાંચવાનું શરુ થાય છે. नैनं छिन्दन्ति शस्त्राणि રટવાનું શરુ થાય છે. એક આશ્વાસન કે મારો આત્મા તો મરવાનો નથી, ખાલી વસ્ત્રોની જેમ શરીર બદલવાનું છે. મર્યા પછી શું થાય છે કોઈને ખબર નથી.

“સાંજ પડે સૂરજ આથમી જાય તેમ આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.”

આમાં કાઈ નવું નથી. સૂરજ આથમે છે તેમ બધાં આથમે જ છે. કહીએ કે ના કહીએ. સડવાને જો કમજોર પડવું કહેતા હોવ તો તે તમે પડી ચૂક્યા છો કારણ મોતની વાતો કરવા માંડ્યા છો.

મિત્રો પદ્મશ્રી ગુણવંત શાહને મેં ખૂબ વાંચ્યા છે. એમની ‘વિચારોના વૃન્દાવનમાં’ મારી પ્રિય કોલમ હતી. હવે તો એમનો ઉલ્લેખ નાં હોય છતાં એમનું લખાણ વાંચું એટલે ખબર પડી જાય કે આ શાહ સાહેબે જ લખેલું છે. ઘણા એમને સાહિત્યકાર માનવા તૈયાર નથી. કોલમિસ્ટ કે સ્તંભ લેખક તરીકે જ માને છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો. મને એમની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ બહુ ગમી હતી. જોકે બહું વહેલી લખી નાખી હોય તેવું લાગ્યું હતું.  A1U1E7WLk8L

 

 

7 thoughts on “પાંદડું હોય કે માનવી ખરે પછી જ સડે”

  1. મારા તો SSC માં સૌથી ઓછા માર્ક ગુજરાતીમાં આવેલા. છતાં તે સમયના અમારા પાઠ્યપુસ્તકની એક કવિતા યાદ છે. તેની એક કડી છે:

    “જેવી રીતે માળી ખરેલા પાન ક્યારામાં વાળી લિયે,
    નવા અંકુર પાંગરવા કાજ તે પાનને બાળી દિયે,
    તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે,
    કો’ને નવજીવન દેજે.
    જયારે આ દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે.”

    આના કવિ કોણ હતા તે તો યાદ નથી. પણ તેનો ભાવ યાદ રહી ગયો. “તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે,” એ જો શક્ય બનાવવું હોય તો દેહદાન કરવું જોઈએ. કશું નહિ તો નેત્ર દાન તો કરવું જ જોઈએ.

    Like

  2. સુંદર વીવેચન. ગુણવંતભાઈએ લખેલ ઉપરની પંકતીઓ વાંચી ત્યારે મને આ પ્રકારના આપે કરેલ અર્થોનો ખ્યાલ આવ્યો ન હતો. આપની વાતો તદ્દન સાચી છે.

    Like

  3. અહીં અમેરિકામાં પાનખર ઋતુમાં પાંદડા રંગ બદલવા માંડે તે બહુ સુંદર દેખાય છે. તેનું કારણ એ હોય છે કે બધા પાંદડા એકી સાથે એક જ ઝડપે નથી બદલાતા. દરેકનો રંગ જુદા જુદા તબક્કામાં હોવાથી લીલાથી માંડીને લાલ કે કથ્થાઈ રંગની વિવિધતા જોવા મળે છે. તેવું જ મનુષ્યોનું છે. બધા એક સરખા જ હોય તો કારખાનામાં બનેલા રમકડા જેવા ના દેખાય?

    ખરેખર તો આ બધા બદલાયેલા રંગો તો મરણ આવતું હોવાનો સંકેત આપે છે. મરતાં મરતાં પણ પાંદડાઓ આપણને આનંદ આપી જાય છે. તેવી રીતે આપણે માનવોએ પણ મોતને આવકારી, જતાં જતાં સારું કામ કરી જવું જોઈએ.

    Like

    1. વાહ દેસાઈસાહેબ વાહ. અપ્રતિમ સુંદર વાત કરી આપે.

      Like

  4. हुं अनियमीत थई गयो छुं अथवा बीजा काममां व्यस्त थई गयो छुं एमां मोत पण आवे. गीतामां तो आत्मा अवर्णनीय, अव्यक्त, अशोचनीय एम स्प्ष्ट लखेल छे छतां देश आखो आत्मा आत्मा वीचारे छे लखे छे.. एक झाड उपर हजारो पांदडां होय अने एक पडी जाय के सडी जाय बस एवुं ज शरीर बाबत….

    Like

Leave a comment