પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

images65W0PFCT પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?

મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે જેવા અનેક દિવસો પશ્ચિમના જગતમાં ઊજવાય છે, જે હવે ભારતમાં પણ ઉજવવાનું શરુ થઈ ગયું છે. પશ્ચિમના ક્રિસમસ જેવા તહેવારો પણ આપણે ઊજવવા લાગ્યા છીએ. દુનિયા હવે નાની થતી જાય છે. પહેલાં તો મુંબઈ કોઈ કમાવા જાય તો પણ વિદેશ ગયા હોય તેવું લાગે. મારું બચપણ વિજાપુરમાં બારોટવાસમાં ગુજરેલું. અમારા વિજાપુરના ઘણા બારોટો મુંબઈમાં ધંધોપાણી કરતા. વર્ષમાં એક વાર એકાદ મહિનો ઘેર આવતા. જાણે વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય તેવો એમનો ઠાઠમાઠ રહેતો. ટૂંકમાં મુંબઈ તે સમયે વિદેશ ગણાતું. પણ હવે સવારે મુંબઈ જઈ રાત્રે ઘેર આવવું હોય તો આવી જવાય. ટૂંકમાં દુનિયા હવે બહુ નાની થતી જાય છે. હું વિજાપુર રહેતો ત્યારે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવતી ત્યારે મારા મધર લાડુ બનાવતા. બાકી એનો કોઈ ઉત્સવ જોવા મળતો નહિ. પહેલીવાર દસમાં ધોરણ પછી ૧૯૭૧માં અગિયારમાં ધોરણમાં વડોદરા ભણવા આવ્યો ત્યારે ગણેશોત્સવ જોયો. ત્યારે અચરજ પામેલો. હવે ગણેશોત્સવ આખા ગુજરાતમાં ફેલાઈ ગયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉતરાણ પર પતંગ ચગાવવાનું જોર હતું તેટલું સૌરાષ્ટ્રમાં નહોતું. સ્કૂલમાં ૨૫ ડિસેમ્બર નાતાલની રજા પડતી એટલી મજા, બાકી ક્રિસમસ એટલે શું કોણ જાણે?

ટૂંકમાં તહેવારો ઊજવવા એમાં ખોટું શું છે? આપણે ઉત્સવ ઘેલા છીએ જ એમાં જેના મૂળ ઉત્સવ હોય તે લોકો શું કરે? હવે મહારાષ્ટ્રીયન ભાઈઓ તમને થોડી ના પાડવાના હતા કે ગણેશોત્સવ અમારો તહેવાર છે તમે ગુજરાતીઓ મનાવશો નહિ? એમ હવે તમે ક્રિસમસ મનાવો કે પશ્ચિમના બધા ‘ડે’ મનાવો તો પશ્ચિમના લોકો થોડા મનાઈહુકમ મેળવશે? ગણેશોત્સવ મનાવવાથી જેમ ગુજરાતી અસ્મિતાનો નાશ નથી થઈ જતો તેમ ક્રિસમસ મનાવવાથી ભારતીય સંસ્કૃતિનો નાશ કઈ રીતે થઈ જાય? દરેક સંસ્કૃતિમાં જે તે વરસના અંતે એક તહેવાર મનાવવો જોઈએ એ બહાને ઘરમાં સાફસફાઈ થઈ જાય, જુના વરસની વિદાય અને નવા વરસને આવકારો અપાઈ જાય તેવા રિવાજ હોય જ છે. હવે વરસના અંતે બે વાર એવી ઉજવણી જરૂરી નથી હોતી અને કરો તો પણ તમારા ખર્ચે અને જોખમે કરો એમાં બીજાને શું? પશ્ચિમના લોકો વરસના અંતે ક્રિસમસ મનાવે પછી દિવાળી નો મનાવે. કદાચ ડિપ્લોમસી તરીકે કોઈ મનાવતું હોય તો હાજર રહે પણ ખરા. પણ તમને વરસના અંતે બે તહેવાર ઊજવવા જ હોય તો ઊજવો.

પશ્ચિમના લોકો આપણને જરાય ફરજ પાડતા નથી કે તેમના ‘ડે’ અને તહેવારો ઊજવો. આપણે જે ઊજવીએ છીએ તે આપણી મરજીથી ઊજવીએ છીએ. પણ જ્યારે જ્યારે આવા તહેવારો કે દિવસો ભારતમાં ઊજવાય ત્યારે એક બહુ મોટો વર્ગ એનો વિરોધ કરવા નીકળી પડે છે. આપણા ઘરનો છોકરો પાડોશીના છોકરા જોડે ઝગડી પડે ત્યારે આપણા છોકરાનો વાંક હોય છતાં આપણને પાડોશીના છોકરાનો જ વાંક દેખાય તેવું આમાં પણ છે. પશ્ચિમના તહેવારો ઊજવીએ છીએ આપણે પણ ગાળો ખાય છે પશ્ચિમના લોકો. એક મિત્રે લખ્યું કે મૂળ અમેરિકન આદિવાસીઓ હતા ત્યાં કોઈ સંસ્કૃતિ જ નહોતી. માયા, એઝટેક અને ઇન્કા નામની ગ્રેટ સંસ્કૃતિઓ ત્યાં હતી. ઈજીપ્ત જેવા પિરામિડ પણ આ લોકોએ બનાવેલા છે. ત્યાર પછી યુરોપિયન આવ્યા તો તેઓ પોતપોતાની સંસ્કૃતિઓ સાથે લઈ ને જ આવ્યા હોય તે સ્વાભાવિક છે.

માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ કહેનારા દેશમાં નદીઓ અને ગાયોને પણ માતા માનીએ છીએ, છતાં આપણી નદીઓ અને ગાયોનો શું હાલત છે તે સહુ સારી રીતે જાણે છે. પ્લાસ્ટિક ખાઈને પેટ ભરતી ગાયો અને માતા ગંગાનું પાણી પીવા તો ઠીક સ્નાન કરવા લાયક પણ નથી એવો સરકારી રિપોર્ટ છે. માતૃદિવસનાં દિવસે અહીં જાણે કોઈ ખરાબ કામ થતા હોય તેમ લોકો વખોડવા બેસી જાય છે. આ દિવસે માતાને કાર્ડ આપશે, ફૂલ આપશે, અને બહાર જમવા લઈ જશે. એમાંનું થોડું આપણા યુવાનો કરે તો એમાં ખોટું શું છે? રોજ રોજ તો તમે માળા લઈને માતૃદેવો ભવઃ રટવા બેસવાના નથી. આખો દિવસ તો માતાના પગ આગળ બેસી રહેવાના નથી ભક્તિભાવથી તરબતર થઈને… એનું ઋણ ચૂકવવા કે એનો આભાર વ્યક્ત કરવા એકાદ દિવસ એને કામકાજમાં રજા આપી જમવા બહાર લઈ જાઓ તો એમાં ખોટું શું છે? આપણે માતૃદેવો ભવઃ કહીને માતાને ૨૪/૭/૩૬૫ કામકાજ કરવા દઈએ છીએ કોઈ દિવસ રજા આપતા નથી. આમ તો તમે માનો છો કો પશ્ચિમના લોકો પાપી છે કોઈ રિલેશનમાં માનતા નથી તો મધર ડે મનાવી માતાનું બહુમાન આ પાપીયા કરે છે તો આપણે ખુશ થવું જોઈએ કે ના આ લોકોમાં પણ થોડું હૃદય જેવું છે.

એવું નથી હોતું કે આપણી સંસ્કૃતિ તદ્દન ખરાબ હોય કે મહાન જ હોય તેમ પશ્ચિમની સંસ્કૃતિ પણ તદ્દન ખરાબ કે મહાન હોય. દરેકમાં પોતપોતાની ખામીઓ અને ખૂબીઓ હોય જ છે. પણ આપણા લેખકો, પત્રકારો સામાન્ય લોકોને ખોટેખોટું લખીને ગેરમાર્ગે દોરતા હોય છે. અને લખેલું વંચાય તેમ સામાન્ય જન લખેલું સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એમને એવું જ હોય કે કોઈ લેખક લખે એટલે તે સાચું જ હોય. બુદ્ધિશાળી લોકો પણ બહુ વિચારતા હોતા નથી અને સાચું માની લેવા ટેવાયેલા હોય છે. એક સીધો સાદો સાચો દાખલો આપું. એક ફેમસ ગુજરાતી ન્યૂઝ પેપરના એક કોલમ લેખકે લખ્યું કે ઈન્દીરા ગાંધી અને એમના પતિ ફિરોઝ ગાંધી એટલાં માટે છૂટા પડ્યા કે ફિરોઝ ગાંધી અને એમની સાસુ કમલા નહેરુ મતલબ ઇન્દિરાના માતા વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો અને તે ઈન્દીરા કોઈ સમયે જોઈ ગયેલા. સાસુ જમાઈ વચ્ચે પ્રેમ સંબંધની વાત વાંચી મારા એક બહુ સારા મિત્ર જેઓ પોતે લેખક છે તે સાચું માની ગયા અને એમણે પ્રતિભાવ આપ્યો કે મોટા લોકોનાં મોટા પોલ હોય. મેં એના વિષે આખો આર્ટિકલ લખીને મારા બ્લોગમાં મૂક્યો. સત્ય એ છે કે કમલા નહેરુના મરી ગયા પછી દસ વર્ષ પછી ઈન્દીરા અને ફિરોઝ ગાંધીના લગ્ન થયેલા.

‘કર્મનો નિયમ’ લખીને ફેમસ થઈ ગયેલા હીરાભાઈ ઠક્કર નામના લેખકે એમના ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામના બીજા પુસ્તકમાં બહુ મોટું ગપ્પું મારેલું કે અમેરિકામાં લોકો ઘરડા થાય એટલે માથામાં ગોળી મારીને મારી નાખે અથવા ઝેર આપીને મારી નાખે આને મર્સી કિલિંગ કહેવાય. હવે જે લોકો ભક્તિભાવથી હીરાભાઈને વાંચતા હોય તેમના મનમાં એવી જ છાપ પડે કે અમેરિકન એટલે ક્રૂર ઘરડા લોકોને મારી નાખે. એના વિષે પણ મેં એક આખો લેખ લખીને મારા બ્લોગમાં મૂકેલો કે મર્સી કિલિંગ કોને કહેવાય. અમેરિકા વિષે કે પશ્ચિમની સંસ્કૃતિ વિષે તદ્દન ખોટું ચિત્રણ આપણી સામે થતું હોય છે. અમેરિકનો એટલે ક્રૂર, સેક્સ મેનીયાક, અમેરિકામાં તો રસ્તે જનારને પણ સેક્સ કરવા વિષે બેધડક પૂછી શકાય. અમેરિકામાં તો ગમે તેની સાથે ગમે ત્યારે હાલતા ચાલતા રસ્તે ગમે ત્યાં સેક્સ કરી શકાય. લોકો સાવ નાગા કપડા પહેર્યા વગર જ ફરતા હશે. અમેરિકન સ્ત્રીઓ જાણે તમારા પૂછવાની રાહ જોતી હોય કે પૂછો એટલે તરત નાગલી થઈ ને તમારી સાથે સૂઈ જાય. અમેરિકામાં તો છોકરા ૧૫ વર્ષે ઘર છોડી બહાર જ જતા રહે. નાં જાય તો માબાપ જ કાઢી મૂકે.

સત્તાવાર રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ચાર મિલયન એટલે ૪૦ લાખ લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે જેમાં આશરે ત્રણ જનરેશન જોડે રહેતી હોય છે. ભણવામાં રસ નાં ધરાવતા હોય તેવા છોકરા ૧૭-૧૮ વર્ષે જૉબ પર લગી જતા હશે. એમાંના પણ બધા પોતાના ઘર છોડી દેતાં નથી. અમેરિકાની હજારો યુનિવર્સિટીઓમાં ભણતા લાખો છોકરાંઓનાં ભણવાના તોડી નાખે તેવા ખર્ચા માબાપ વેઠતા જ હોય છે. ૧૭ વર્ષે ઘર છોડી નોકરી કરી તમે જાતે ભણી ના શકો. આઠ કલાક નોકરી કરો તો ભણો ક્યારે? અને પાર્ટ ટાઈમ નોકરી કરો તો તેટલી આવકમાં શું ભણો? ફૂલ ટાઈમ ભણો તો જ સરકારી આર્થિક સહાય મળે છે. હવે ફૂલ ટાઈમ ભણો તો ચાલો ભણવા માટે આર્થિક સહાય મળે તો ખાવા પીવાનું શું? આર્થિક સહાય માટે પણ અમુક ધારાધોરણ જોઈએ. નહિ તો વર્ષે ૨૦-૪૦ હજાર ડોલર્સ ફી ભરીને ભણવું પડે. ટૂંકમાં માબાપની સહાય હોય જ છે નહિ તો અમેરિકાની તમામ કૉલેજો આપણે માનીએ છીએ તેમ હોય તો બંધ કરી દેવી પડે. ભણવામાં બિલકુલ રસ નાં હોય તેવા છોકરા અહીં બેસી રહી માબાપ ઉપર બોજ બનતા નથી જૉબ પર લાગી જતા હોય છે, તો એમાં ખોટું શું છે?

૧૭ વર્ષે જે દેશના તમામ છોકરાં ઘરબાર છોડી સ્વછંદ બની જતા હોય તો એ દેશ આજે વિજ્ઞાનમાં સર્વોચ્ચ બની મહાસત્તા બની જ કેવી રીતે શકે? સ્વચ્છંદતાની આપણી વ્યાખ્યા જ અલગ છે. બીચ ઉપર બીકીની પહેરીને ફરતી છોકરીમાં આપણને સ્વછંદતા લાગે કારણ આપણે બંધ બાથરૂમમાં પણ કપડા પહેરીને સ્નાન કરવાવાળી પ્રજા છીએ. અહીં બીચ ઉપર ૨૦ વર્ષની યુવાન બીકીની પહેરેલી દીકરી અને ૪૦ વર્ષની લગભગ યુવાન જ દેખાતી બીકીની પહેરેલી પત્ની જોડે ૪૨ વર્ષનો અમેરિકન પુરુષ આરામથી ફરતો જોઈ આપણા ભવાં ચડી જાય. સાલા, નફ્ફટ, નાગા, બેશરમ નરકમાં જવાના એવા વિચારો આવી જાય. આ આપણા ચશ્માં છે. આપણે અંધારી રાત્રે પણ ચશ્માં પહેરીને ફરીએ તો પછી શું દેખાય?

આપણો જીવનને જોવાનો અને મૂલવવાનો નજરિયો જ અલગ છે. આપણા ૮૦ વર્ષના માબાપ એમના ૬૦ વર્ષના દીકરા જોડે એવી જ અપેક્ષા રાખતા હોય કે તે હંમેશા એમને પૂછી ને જ પાણી પીવે. આપણે મરીએ ત્યાં સુધી આપણા સંતાનોને સ્વતંત્રતા આપવા ઇચ્છતાં હોતા નથી. છોકરાઓ એમની વૈચારિક સ્વતંત્રતા આપણી પાસેથી છીનવી લે ત્યારે નાં છૂટકે જ આપીએ તે પણ કેટલુંય ખોટું લગાડીને. એનો વસવસો તો મરીએ ત્યાં સુધી રહે કે છોકરાએ મારું કહ્યું માન્યું નહિ. પશ્ચિમનો નજરિયો અલગ છે. ૧૮ વર્ષના સંતાનને માબાપ સ્વતંત્રતા આપે છે. તો સંતાનો પણ માબાપની જીંદગીમાં દખલ કરતા નથી. માબાપ પણ કોઈ ભગવાન નથી આખરે મનુષ્ય જ છે. એમના પણ ગમા અણગમા હોય, અરમાન હોય, આશાઓ હોય, પોતીકી લાગણીઓ હોય, લાગણીઓના ચડાવ ઉતાર હોય. આપણે સ્વતંત્રતા ભોગવી હોતી નથી એટલે જરાપણ સ્વતંત્રતા જ્યાં દેખાય તરત એમાં સ્વચ્છંદતા જોવા ટેવાઈ ગયા છીએ.

અહિ બસ કે ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય કોઈ એક બીજાને ટચ કરે નહિ, કે છાપા નીચેથી હાથ સરકાવી બાજુમાં બેઠેલી છોકરીને કોઈ અડપલાં કરતું નથી. અહિ સેક્સુઅલ હેરેસમેન્ટ માટે સખત કાયદા છે. ઑફિસમાં મહિલાઓને કે પુરુષોને પણ એની મરજી વગર હાથ લગાવાય નહિ. એના ખભે હાથ ફેરવી લેવાય નહિ. નાના છોકરાનું કે છોકરીનું જાતીય શોષણ કર્યું હોય જે તે સમયે તેને ભલે સમજ પડી નાં હોય પણ મોટું થઈને તે કેસ કરી શકે છે અને તમને જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ કરાવી શકે છે. એમાં ન્યુયોર્કની કોઈ સ્કૂલમાં ભણાવતી પંજાબી મહિલા ટીચર હાલ જેલમાં છે. હમણાં અહિ એપ્રિલ સુધી બરફ પડ્યો છે. લગભગ આઠેક મહિના પુરા કપડા પહેરવા પડે નહીં તો ચામડી ફાડી નાખે તેવું હવામાન હોય છે માટે અહિ આઠ મહિના તો કોઈ નાગું ફરતું નથી, ચિંતા કરશો નહિ. મેં અને સપ્ટેમ્બરમાં પણ નાગા ફરાય તેવું વાતાવરણ હોતું નથી. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં લોકો સૂર્યનો તાપ જેટલો લેવાય તેટલો ચામડી દ્વારા લઈ લેવો તે ન્યાયે ઓછા કપડા પહેરે છે પણ સાવ નાગા નથી ફરતા.. ઓફિસોમાં અને કંપનીઓમાં તેમના પ્રોટોકૉલ મુજબ કપડા પહેરવા પડતા હોય છે.

પશ્ચિમના કલ્ચરમાં ખામીઓ છે નહિ તેવું પણ નાં હોય. ખામીઓ બધે જ હોય છે. કોઈ પૂર્ણ તો હોતું નથી. એમાં તો એની ખૂબી છે. પણ આપણે ધારીએ છીએ તેટલું ખરાબ પણ નથી. અહીં પણ માનવો જ રહે છે. અહીં પણ માબાપ પોતાના સંતાનો માટે સેક્રીફાઈસ કરે જ છે. અહિ પણ સંતાનો વૃદ્ધ માબાપની કાળજી રાખે છે. અહિ પણ ૩૦-૪૦ વર્ષથી એકની એક પત્ની સાથે કે પતિ સાથે જીવતા લોકો મેં જોયા છે. મારો સુપરવાઈઝર જુલિયસ ૨૦ વર્ષે પરણી ગયેલો આજે ૬૫નો હશે પણ હજુ બંને સાથે જ છે. આવા તો અનેક દાખલા છે. છતાં ભારત કરતા ડિવોર્સનું પ્રમાણ ચોક્કસ વધારે છે.

જે NRI દેશમાં આવીને અમેરિકા વિષે ખોટું ચિત્રણ કરે છે તેમની માનસિકતા વર્ષો પહેલા ભારત છોડી આવ્યા હોય ત્યાં જ અટકી ગયેલી હોય છે. એમનો હેતુ ફક્ત કમાવા પૂરતો જ હોય છે. ૩૦-૪૦ વર્ષ પહેલા દેશ છોડીને ભલે આવ્યા હોય ૩૦-૪૦ વર્ષ પહેલાની માન્યતાઓ એમની સાથે એની એજ જરાય બદલાયા વગરની હોય છે. એમની જોડે ડોલરની લીલી નોટો જોવાની જ દ્ગષ્ટિ બચી હોય છે. અહીંના સમાજ જીવન વિષે કે કલ્ચર વિષે અભ્યાસ કરવાની કે નિષ્પક્ષ જોવાની એમની પાસે કોઈ દ્ગષ્ટિ હોતી નથી, કે એવી એમને કોઈ જરૂર હોતી નથી કે એવી કોઈ પળોજણમાં પડતા જ નથી. એનાં એજ ટીલા ટપકા, એના એજ ગુરુઓ પાછળ દોટો મૂકવાની, એના એજ મંદિરો, એના એજ હજારો વર્ષ જૂની માન્યતાઓ અને પરમ્પરાઓ, એની એજ અંધશ્રદ્ધાઓ, એની એજ અવૈજ્ઞાનિક માન્યતાઓ, એના એજ સંસ્કૃતિ અને સંસ્કારની ગાથા ગાયે રાખવાની ટેવ, કોઈ જ બદલાવ નહિ. આવા અબુધ પૈસાદાર લોકો દેશમાં આવીને અહીંના અસલ ચિત્ર કઈ રીતે દોરવાના હતા?

આપણા બુઢા ખૂસટ લેખકોને પણ ખબર છે કે ભારતીયોને સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દો એટલે ભયો ભયો. તેઓને આ વિક પોઇન્ટ ખબર છે માટે તરત લેખ ઘસડી નાખશે. પશ્ચિમને થોડું ભાંડી નાખો એજ યુજુઅલ ભારતીયો ખુશ થઈ જવાના, આપણો ટી આર પી જળવાઈ જવો જોઈએ. લેસ્લીએ ડોક્યુમેન્ટરી બનાવી ભાંડી નાખો પશ્ચિમને, દીપિકાએ મારી મરજી કહ્યું ભાંડી નાખો પશ્ચિમને, બિહારમાં પરીક્ષાઓમાં થતી ચોરીઓના ફોટા વિદેશમાં પહોચ્યા ભાંડી નાખો પશ્ચિમને. કેટલાક યુવાનોએ મધર્સ ડે, ફાધર્સ ડે, વૅલન્ટાઇન ડે, ટીચર્સ ડે ઊજવ્યા ભાંડી નાખો પશ્ચિમને.

યુવાનોને વખોડ્યા વગર, પશ્ચિમને વખોડ્યા વગર આપણી પાસે જે જે તહેવારો છે તેને અપડેટ કરવા જોઈએ. આપણી પાસે ગુરુ પૂર્ણિમા છે જ. એ દિવસે ગુરુ ઘંટાલો પાછળ દોટો મૂકવાને બદલે યુવાનોને ટીચર્સ ડે ઊજવવા પ્રેરિત કરવા જોઈએ તો ફરી બીજો ટીચર્સ ડે ઊજવવા નહિ દોડે. આજના યુવાનને એના ટીચર્સમાં શ્રદ્ધા હશે તેટલી તમારા ટીલા ટપકા કરેલા પૈસા પડાવતા અવૈજ્ઞાનિક વાતો કરતા ગુરુ ઘંટાલ પ્રત્યે નહિ જાગે. પણ તમારે આવા લુચ્ચા ગુરુઓ પાછળ દોટો મૂકવી છે અને છોકરાને ટીચર્સ ડે ઊજવવા દેવો નથી. વસંત પંચમીને અપડેટ કરો વૅલન્ટાઇન ડે નહિ મનાવે. નવરાત્રિમાં કાલ્પનિક પ્રતીકાત્મક માતાઓ સાથે ઘરની અસલી માતાઓનું પૂજન કરવાનું શીખવો મધર્સ ડે નહિ મનાવે. પિતાજી તો મૂંગામંતર બલિદાન આપવા માટે જ હોય છે એમનો કોઈ દિવસ છે નહિ. દિવાળીને અપડેટ કરો. યુવાનોને સમજાવો કે વર્ષના અંતે દિવાળી અને ક્રિસમસ જેવા બે તહેવાર એક જ ટાઈપનાં જરૂરી નથી. દિવાળીમાં ક્રિસમસનો ચાર્મ ઉમેરો, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું થ્રિલ ઉમેરો તો ફરી ક્રિસમસ ઊજવવા કોઈ તૈયાર નહિ થાય. આપણી પાસે પશ્ચિમ કરતા વધુ તહેવારો છે. છતાં આપણા તહેવારોમાં કશું ખૂટે છે, કશું નવું માંગે છે આજના યુવાનો. એટલે પશ્ચિમના તહેવારો તરફ દોટ મૂકે છે.

આપણે તહેવારોને તહેવારો રહેવા દીધા નથી ધાર્મિક મેળાવડા બનાવી દીધા છે. યુવાનોને ઇનોસન્ટ આનંદ માણવો હોય છે.    Mothers-Day-DP-For-Facebook

7 thoughts on “પશ્ચિમના ડે અને તહેવારો પ્રત્યે કકળાટ શાને?”

  1. સંકુચિત માનસિકતા ધરાવનાર વર્ગ દરેક દેશમાં અને સંસ્કૃતિમાં છે. અત્યારસુધીની પરિસ્થિતી જ એવી રહી છે કે આપણે બીજા દેશ અને તેની સંસ્કૃતિ વિષે બહુ જ ઓછુ જાણી શકતા. કોઈ રડ્યા ખડ્યા લોકો તે તે દેશની મુલાકાત લઈ જેવાં વર્ણનો કરે તે જ માહિતિનો સ્રોત હતો. આજે પરિસ્થિતી બદલાઈ ગઈ છે. વિજ્ઞાને અને કમ્યુનિકેશન માધમોના વિકાસે દુનિયાને ખુબ નાની બનાવી દીધી છે અને મોટાભાગના દેશોની અને સંસ્કૃતિની અનેક માહિતિ આજે ઘર બેઠા મેળવી શકાય છે. છત્તાં આજે પણ એક મુઢ વર્ગ છે જે પુરાણિ માન્યતાઓને વળગી રહેલો છે. અનેક વિકસિત દેશોની અંદર પણ હજી આજે પણ એવાં લોકો છે જે ભારતને મદારીઓ અને ભિખારીઓનો દેશ જ સમજે છે. ભારતમાં કેટલાય લોકો, ચીન, એટલે વંદા, ઊંદરડા, સાપ અને ગરોળીઓ ખાનારોનો દેશ તરીકે ઓળખે છે અથવા પાકિસ્તાનને મુસ્લીમ આતંકિયોનો દેશ તરીકે ઓળખે છે. એવું જ અન્ય દેશની પ્રજામાં પણ છે. પરંતુ ધીમે ધીમે માહિતી સુલભ બનતા આ માન્યતાઓ બદલાઈ રહી છે. અલગ અલગ સંસ્કૃતિઓ એક બીજાથી પરિચિત થઈ રહી છે અને આવી માન્યતાઓ દુર થઈ રહી છે.બાકી દરેક સંસ્કૃતિમાં કેટલીક સારી તો કેટલીક નરસી બાબતો હોવાની જ. આપણે શું ગ્રહણ કરીએ છીએ તે આપણા પર નિર્ભર છે.
    પશ્ચિમના તહેવારોનો ભારતના જ નહી દુનિયાભરના ધર્માંધો (ખ્રિસ્તી સિવાયના) વિરોધ કરે છે. પણ આ ધર્માંધો અનરિપેરેબલ મશીનો જેવાં છે. એની કોઈ અહેમિયત નથી. એક યા બીજી વાતે તેઓ હિંસા ફેલાવામાં સંલગ્ન થયા કરશે. જ્યાં સુધી આ કહેવાતા ધર્મોને આપણે રોગ તરીકે નહી ઓળખીએ ત્યાં સુધી ઇલાજ સંભવ નથી.બીજું ભારતમાં આ તહેવારોનો વિરોધના કેટલાંક બીજા પણ કારણો છે. જેમ કે ૩૧ડિસેમ્બરની રાતની ઉજવણીમાં યુવા વર્ગ હોટલોમાં ઊજવાતી પાર્ટીઓમાં દારુ, ડ્રગ અને છેડછાડ કે રેપના બનાવો બને છે અને પરિણામે આ વિકૃત ઊજવણી માટે વિરોધ થાય છે અને તે આવકાર્ય પણ છે. બાકી ફાધર્સ ડે કે મધર્સ ડે કે શિક્ષક ડે નો વિરોધ લગભગ ખુબ નહિવત જ હોય છે.

    Liked by 1 person

  2. Potani j sanskruti mahan na gana ganara ni ankh ughadi nakhe evi sundar vichardhara tame prastut kari chhe.Hu mari patni sathe prathmvar gaye varshe New Jersey ma 6 mahina rahyo ane tamari jem j tyani sanskruti ne samji chhe.uttam!

    Like

  3. Kiya Baat hai…Kiya Baat Hai… Kiya Baat hai Raolji… Main kahaan se sooroo karoo? You have covered so many things that as NRI I have been disturbed by. Most important of all: you have point out our ‘double-standard’ and out thoughts of western culture. Hats Off.

    I have always believe in celebrating each and every holiday to its originality. One must understand original purpose of holiday before going out about of celebrating.

    I also believe that it is up to individual on how to see others. If you want to see western culture as “Nagi prajaa” then you will only see as you believe. Living in USA for 40 years, I have seen how good and how practical western culture is. I also have previlage of seeing our culture in childhood as well as maintaing it in our home for last 40 years. I totally agree with you that if we change ourself and start looking at each of our holiday with its practical value, we may not need to look in to western holidays.

    Once again, well written, well explained. Hope Indian media and people will understand and will change their thoughts!!!

    Liked by 1 person

  4. ધીરે ધીરે સુધારો થાય જ છે.જુનું એટલું સોનુમાં માનનારો વર્ગ અને ધર્મધુરંધરોની ચુંગાલમાંથી મુક્ત થવા માટે શિક્ષણનો પ્રભાવ જરુરી છે એવું નથી લાગતું?

    Liked by 1 person

  5. Very nice article by one who has lived in both countries. Let me add a few words in support:
    Most people in India assume and assert in private that Americans are materialistic and we, the Indians, care more for love and family values and the like. Nothing could be farther from the truth. The notion that all Americans read playboy magazine or worship the dollar is not correct. (Actually, we do literally worship the rupee coins on Diwali day!). That notion misses by miles the deep well of idealism that many Americans display so much in life. I wish people in India knew a little more about Americans’ love for animals, for adoptions, for donations, for volunteering, for human rights, for family life and a host of other matters. I wish they knew more details about the respect they have for human life, for freedom, for openness and for individuality. Thanks. —Subodh Shah — USA.

    Liked by 1 person

  6. બાપુ, શાબાશ. અમેરિકન સમાજનું વાસ્તવિક ચિત્ર. ધન્યવાદ. ભારતથી આવતા અને બે-ચાર મહિના અહીં તહીં ફરી જઈને અમેરિકા વિશે લખતા કેટલાક કોલમિસ્ટો દેસીને ત્યાં રહી દેસીની આંખે જ અમેરિકાને જોઈને વર્ણવતા હોય છે. તેઓ આ લેખ દ્વારા શીખશે.

    Like

Leave a comment