મારી મરજી (My Choice)

મારી મરજી (My Choice)untitled

મારી મરજી નહોતી છતાં લંકાધિપતિ મને જબરદસ્તી ઉઠાવી ગયો. મેં પણ કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ; રોજ સમજાવવા આવતો હતો છતાં કમિટમેન્ટ નિભાવવા એનું કહ્યું માન્યું નહિ. મારી વફાદારીના બદલામાં તમે શું આપ્યું? ઇનામમાં અગ્નિપરીક્ષા આપી. ચાલો હું એકલી રહી હતી અમુક વર્ષો માટે; તમને શંકા હતી કે હું વફાદાર રહી નહિ હોઉં તો તમે પણ એકલાં તેટલો સમય રહ્યા જ હતા તો અગ્નિપરીક્ષા ફક્ત મારી જ કેમ? તમારી કેમ નહિ? મને ખૂબ અપમાન લાગેલું પણ મારી મરજી કોઈએ પૂછી નહોતી. ચાલો જવા દો. ત્યાર પછી તમે શું બોલ્યા હતા યાદ છે? તારા માટે નહિ મેં તો મારા કુળની મર્યાદા સાચવવા યુદ્ધ કરેલું. હું ગર્ભવતી હતી છતાં જૂઠું બોલી વનમાં તગડી મૂકી મારી મરજી પૂછી હતી?

મારી ભૂલ નહોતી છતાં મને શિલા બનાવી દીધી ત્યારે મારી મરજી પૂછી હતી? પોતે હારી ગયા પછી મને એક દાગીનો હોય તેમ જુગારમાં મૂકીને હારી ગયા ત્યારે મારી મરજી પૂછી હતી? મારી મરજી નહોતી છતાં પાંચે ભાઈઓ મને પથારીમાં રમવાનું રમકડું સમજી રમે રાખતા હતા. હું એક સહિયારું રમકડું જ હતી. બાકી દરેક ભાઈની વધારાની એક પત્ની તો હતી જ. હું ખૂબ રૂપાળી હતી માટે મને મેળવવા તમે બધા લડી નાં મરો માટે મને આખા નગરની વધૂ-વહુ(નગરવધૂ) બનાવી દીધી મારી મરજી પૂછવાની કોઈ દરકાર કરેલી?

મારી મરજી ક્યારેય હતી ખરી?

આમેય મરજી તો તમારી જ ચાલવાની છે છતાં આજે પહેલી વાર મારી મરજી નામે એક સ્ટેટમેન્ટ આપ્યું તો કેવાં બધા ગભરાઈ ગયા? ભારતમાં તો ખાસ. અને મેં સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે જે તમે પુરુષો હમેશાં કરતા જ આવ્યા છો. તમારા માટે એવું બધું કરવાની કોઈ નવાઈ છે જ નહિ તે પણ સદીઓથી. સેક્સિસ્ટ લોકો ગભરાઈ ગયા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ લોકો તો વળી બહુ જ ગભરાઈ ગયા.

લગ્ન બહાર શારીરિક સંબંધો તમે બાંધ્યાં જ છે. કદાચ હિંમતના અભાવે કે પેલી સ્ત્રીના ભાઈ કે પતિની બીકમાં નહિ બાંધ્યાં હોય તે વાત જુદી છે. તમારી એ મરજી તમે પૂરી કરી જ છે. છતાં અમે જો ભૂલમાં ય એવા સંબંધ બાંધીએ તો ચરિત્રહીનનું લેબલ તમે લગાડ્યું જ છે. અમને ચરિત્ર હીન બનાવવામાં તમારો ફાળો ક્યારેક પૂરો કે પછી અડધો તો હોય જ, પણ ભોગવવાનું તો અમારે જ. અમારું માથુ દુખતું હોય તાવ આવ્યો હોય છતાં તમે અમારા પર પતિ હક બતાવી રેપ કર્યા જ છે, બીજીઓની વાત જવા દો. તે બાબતે અમારી મરજી ક્યારેય પૂછતાં નથી. અમારા માબાપ પાસેથી ઢગલો રૂપિયા પડાવી ને અમારી મરજી પૂછ્યા વગર અમને શો પીસની જેમ ઘરમાં રાખી જ છે. તમે નપુંસક હો તો અમારે તમારા ભાઈઓ કે ભાઈબંધો જોડે સૂઈ જવાનું અને તમને બાળકો આપી બહાર મર્દ છો તેવું કહેવડાવવાનું તેવું પણ અમે કરેલું જ છે અમારી મરજી વિરુદ્ધ. અરે તમારા પ્રમોશન માટે તમારા ઉપરી અધિકારીઓ જોડે પણ અમારી મરજી વિરુદ્ધ સૂઈ જવાનું. અરે તમારે મર્યા પછી વૈકુંઠ કે અક્ષરધામ મેળવવું હોય તે માટે અમારે અત્યારે તમારા ગંધાતા ગુરુઓ સાથે સૂઈ જવું પડે છે. કપડા પણ અમારે તમારી મરજી મુજબ પહેરવાના સદીઓથી. કામ પણ અમારે સદીઓથી તમારી મરજી મુજબ જ કરવાનું. ૨૪/૭ અમારી પીદુડી તમે કાઢી જ છે સદીઓથી.

આજે પહેલી વાર મારા લગ્ન, મારી વાસના, મારી સાઇઝ, મારા પ્રેમ, મારા કપડા, મારી સંતાન પ્રાપ્તિ અને મારા આત્માની સ્વતંત્રતા બાબતે, કહ્યું તો ભડકી ઊઠ્યા? તરત મને ચારિત્રહીન ગણવાનું શરુ પણ કરી દીધું? આજ સુધી તમે આમાનું બધું તમારી મરજી મુજબ કરતા આવ્યા છો ત્યારે તો સમાજ અને સંસ્કૃતિનો લોપ નહોતો થઈ જતો હવે થઈ જશે? કે પછી એ જ તમારી સંસ્કૃતિ છે?

“મને ખબર છે ભરી સભામાં મને નગ્ન કરવી એ જ તો તમારી મહાન સંસ્કૃતિ છે.”

પ્યારાં મિત્રો મારી વાત એકદમ કડવી ઝેર જેવી લાગશે. પણ આપણે બિનૅવલન્ટ સેક્સિસ્ટ છીએ. સ્ત્રી સ્ત્રી છે માટે અને પુરુષ પુરુષ છે માટે તે બંને માટે અલગ અલગ વર્તન કરવું તેને સેક્સિસ્ટ કહેવાય. સ્ત્રીને નરકની ખાણ માનવી કે સ્ત્રીને કમજોર માની તેના માટે દયાભાવ રાખવો બંને વર્તન સેક્સિસ્ટ જ કહેવાય. બસમાં કોઈ યુવાન સ્ત્રી ચડે અને તેને બેસવાની જગ્યા નાં હોય તો હું એને કમજોર સમજી એના પ્રત્યે દયા ભાવ રાખી કદી ઊભો થઈ ને એના માટે સીટ ખાલી કરતો નહિ. કોઈ બીમાર, વૃદ્ધ, અશક્ત કે બાળકને તેડી ઊભેલી સ્ત્રી માટે હું તરત જગ્યા આપું તે જુદી વાત છે. એક યુવાન બસમાં જગ્યા નાં હોય તો ઊભો રહી શકે તો યુવાન સ્ત્રી પણ ઊભી રહી શકે. પણ સ્ત્રીને જોતા વેંત ઊભા થઈ જનારા સ્ત્રી ઉપર વગર કામનો ઉપકાર કરતા હોય છે સ્ત્રીને કમજોર સમજી પોતાને બળવાન સમજી.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદર આવા બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો (બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.

સ્ત્રી સ્ત્રી છે માટે કમજોર છે માની એના ફાયદા માટે, એના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ કરનારો આપણે સમાજ છીએ.

Vouge નો Women Empowerment અંતર્ગત બનેલ વીડીઓ ‘My Choice’ બહુ ચર્ચાસ્પદ બન્યો. એમાં આખી દુનિયાની સ્ત્રીઓના પ્રતિનિધિ તરીકે ૯૮ સેલિબ્રિટી સ્ત્રીઓ દર્શાવવામાં આવી અને મુખ્ય પાત્ર ભજવ્યું દીપિકા પદુકોણે. એના ભાગમાં જે સ્ક્રિપ્ટ બોલવાની આવી તે અભિનય સાથે બોલી ગઈ. ભલે એમાંનું બોલેલું બધું તે માનતી હોય કે નાં માનતી હોય. એક જોબ, એક મળેલ એન્ડોર્સમેન્ટનાં ભાગ રૂપે એણે એની જોબ કરી. પણ વિરાટ કોહલી રન કર્યા વગર આઉટ થઈ જાય તો દરેક વાતે સ્ત્રીને જ દોષી માનવાની માનસિકતા ધરાવતી આપણ પ્રજાએ અનુષ્કાને ભયંકર ગાળો દીધેલી તેમ દીપિકાને પણ ખૂબ ગાળો દીધી. હૉસ્ટાઇલ સેક્સિસ્ટ અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ બધા પ્રકારના લોકોએ ગાળો દીધી. એવરિજ તમામ ભારતીયોએ ગાળો દીધી. આપણા મોટાભાગના મહાન લેખકોએ પણ એમની સેક્સિસ્ટ મનોદશા દર્શાવી દીધી એમના લેખોમાં. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આવી સ્ત્રીઓએ પણ ગાળો દીધી, એમાં દીપિકા ભારદ્વાજ નામની દંભી સ્ત્રીએ કડક ટીકા પુરુષોનો પક્ષ લેતી કરી તો ગ્રેટ લેખકો અને પુરુષો હરખાઈ ઊઠ્યા.

My Choice નું મહત્વ સ્ત્રી માટે ઇવલૂશનરી અને બાયોલોજીકલ છે. સ્ત્રી જન્મે છે ત્યારે જ બાળકો પેદા કરવા જરૂરી લિમિટેડ એગ્સ સાથે લઈને જન્મે છે. ચાલો માની લઈએ એક સ્ત્રી ૧૨ વર્ષે ઋતુચક્રમાં આવી ગઈ. અને ૪૨ વર્ષે એનું તે ચક્ર સમાપ્ત થઈ જવાનું તો ૩૦ વર્ષના દર મહીને છૂટું પડતા એક અંડ પ્રમાણે ૩૬૦ અંડ સાથે લઈને જ જન્મ લેવાની. જ્યારે સામે પુરુષના એક ટીપા વીર્યમાં અબજો સ્પર્મ હોય છે. પુરુષ માટે ક્વૉલિટીનું કોઈ મહત્વ નથી ચાન્સ મળશે તો રખડતી ગાંડી ઘેલી ભિખારણમાં પણ એનું સ્પર્મ રોપી દેવાનો છે. મેં જાતે એવી ગાંડી ભિખારણ ગર્ભવતી જોએલી છે. જ્યારે સ્ત્રી માટે ક્વોન્ટીટી નહિ પણ ક્વૉલિટીનું મહત્વ છે; એની પાસે અત્યંત લિમિટેડ અંડ છે. માટે પાર્ટનર પસંદ કરવાની તેની મરજી મહત્વની છે. સ્ત્રી પાવરફુલ Genes ધરાવતા પુરુષની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા રાજી થશે પણ કમજોર, બીમાર, માયકાંગલા અને દરિદ્રની પહેલી પત્ની બનવા કદી રાજી નહિ થાય. આખી ઇવલૂશનરી હિસ્ટ્રીમાં એવું જ જોવા મળેલું છે. એટલે તો આપણે પવિત્ર લગ્ન વ્યવસ્થા શોધી કાઢી છે, જેથી દરેકને ભાગે સ્ત્રી આવે જે કદી પવિત્ર હતી જ નહિ. પવિત્ર લગ્ન વ્યવસ્થામાં પણ સક્ષમ પુરુષ તો અનેક પત્નીઓ લગ્ન કરીને રાખતો જ હતો. ભારતમાં તો આઝાદી પછી એક પત્ની એક પતિનો કાયદો આવ્યો. પશ્ચિમમાં હવે તેનું અસ્તિત્વ ભુસાઈ જવા આવ્યું છે ભારતમાં થોડી વાર લાગશે. એટલે તો પુરુષો આવા વીડીઓ જોઈ ગભરાઈ જઈને વધુ હોબાળો મચાવી દેતા હોય છે.

Rosana Mendes Campos બ્રાઝીલની એક પ્રોફેસર બે પુખ્ત સંતાનોની માતા અને એક બાળકીની દાદી લાંબું સુખી લગ્નજીવન, કહે છે “It’s just what it is: the woman’s choice. Her right to choose, whether she chooses to act right or wrong is really up to her. Men have been choosing what they want to do for centuries. Now, women may do the same. Everyone knows what is best for them… or they might even choose wrong, but they are responsible for what they choose to do, and they will have to accept the consequences.’

દીપિકા પડુકોણ, ગ્રેટ બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પડુકોણની દીકરી. સવારે પાંચ વાગે જાગવાનું, દોડવા જવાનું, કસરત કરવાની, સ્કૂલમાં જવાનું, સાંજે પાછી કસરત, રમતની પ્રેક્ટીશ કરવાની. સ્કૂલમાં હતી ને વસ્તુઓની જાહેરાતના કામ મળવાના શરુ થઈ ગયેલા. નેશનલ લેવલની અચ્છી બેડમિન્ટન પ્લેયર. ફેમિલી બધું રમતગમતનાં બૅકગ્રાઉન્ડ વાળું. પણ એક દિવસ અચાનક એના પિતાને કહ્યું મારે રમત જગતમાં નથી જવું મોડેલીંગ કરવું છે. એના પિતાએ જરાય આનાકાની વગર હા પાડી દીધી. આપણે એક ગ્રેટ બેડમિન્ટન પ્લેયર ગુમાવી અને ઉત્તમ અભિનેત્રી મેળવી. વફાદારી શું તેને ખબર છે. કપૂરિયાનો વુમનાઈઝર વારસો ધરાવતા રણબીરકપૂર સાથે સ્નેહ બંધન વડે જોડાઈ. સનમ બેવફા એવા રણબીરને એક બે વાર માફ પણ કર્યો પણ રેડ હેન્ડેડ પકડાઈ જતા તેનાં પર પૂર્ણવિરામ મૂકી દીધું. My Choice વીડીઓમાં એણે જે કહ્યું તે બધું તે પોતે માનતી હોય તેવું કોણે કહ્યું? આ તો જોબ હતી તે કરી લીધી. અને માનતી હોય તો પણ શું વાંધો છે? એની મરજી.

સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને નબળી સમજ્યા વગર સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દો સાથે તમે તમારી મરજી મુજબ જીવો અને બંને એકબીજામાં સમાઈ એકબીજાની મરજી સમજીને જીવો એનું નામ જ સ્ત્રી સશક્તિકરણ.

9 thoughts on “મારી મરજી (My Choice)”

  1. તમારા લેખોમાં ઘણી વખત એવું લાગે છે કે તમારી માન્યતા મુજબ દરેક પુરુષ (છોકરો) કે સ્ત્રી (છોકરી) લગ્ન પહેલા શારીરિક સંબંધ રાખતા જ હશે કે દરેક વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિ સાથે સંબંધ ધરાવતો જ હશે.
    આ વાતને તમે હમેશા ‘જનરલાઇઝ’ કહો છે, જે વાસ્તવ માં ‘સ્પેસીઅલાઈઝ’ છે. ઘણા લોકો માટે ‘વન વુંમન મેન’ કે ‘વન મેન વુમન’ બનવું સામાન્ય છે. આના લીધે નથી કોઈ તકલીફ પડતી, નથી કોઈ જબરદસ્તી અનુભવતી કે નથી કોઈ ઈચ્છા થતી બીજા વ્યક્તિઓ તરફ આકર્ષવાની (શારીરિક સંબંધ બાંધવા માટે).
    પોતાની ચોઈસ ના નામે, ‘એડલ્ટરી’ ને પ્રોત્સાહન નાં આપી શકાય. કદીય નહિ. જે ખોટું છે, એ ખોટું છે.
    અનુષ્કા ની બાબતમાં, જે લોકોએ એણે ગાળો આપી કે તિરસ્કાર કે અપમાન કર્યું એ ખોટું છે, જરાય ચલાવી ના લેવાય. પણ નેહરુ-ગાંધી થી લઈને મોદી (કે સર જાડેજા 🙂 )સુધી જે રીતે આપણે પેલા કાર્ટૂન્સ બનાવીએ છીએ માત્ર નિર્દોષ મઝાક ખાતર એવી રીતે થોડા ટુચકા આવી જાય કે જેમાં સામેવાળાનું કોઈ અપમાન ના થતું હોય તો એમને કોઈ દોષ ના આપી શકાય.
    જે ઉદાહરણ તમે આપો છો, એ સ્પેસીઅલાઈઝ છે, અમુક લોકો માટે, જેમાં લખવું કે કરવું કઈ ખોટું નથી, પણ જો લેખ પરથી એવો તાત્પર્ય નીકળે, કે ‘બધા’ની માનસિકતા આ જ હોય (અને ખાસ કરીને તો ‘હોવી જોઈએ’) એ વાત ખોટી છે.
    તમારા અંતિમ ફકરા ની જેમ, સ્ત્રી સશક્તિકરણ નો મતલબ, સ્ત્રી જેમ ચાહે તેમ તેને જીવવા દો.
    પણ જેમ નંદિતા દાસ એ કહ્યું, દરેક પુરુષ આંશિક બળાત્કારી હોય છે, તેમાં પુરુષ કે જેમણે એક સ્ત્રી સિવાય બીજી પર કદી નજર નથી નાખી, સામેવાળી સ્ત્રી નું સન્માન કર્યું છે, તેમનું અપમાન છે. (આવા લોકો ઘણા છે.)
    તે જ રીતે, આ ‘માય ચોઈસ’ ના નામે ‘એડલ્ટરી’ ને પ્રોત્સાહન આપવું, એ એક રીતે બીજા સામાન્ય લોકોનું પણ અપમાન છે.

    Like

  2. સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીને નબળી સમજ્યા વગર સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દો સાથે તમે તમારી મરજી મુજબ જીવો અને બંને એકબીજામાં સમાઈ એકબીજાની મરજી સમજીને જીવો એનું નામ જ સ્ત્રી સશક્તિકરણ.

    મસ્ત બાપુ … ઝંડા હમેશા સ્ત્રીઓ વિરુદ્ધ જ ઉપાડવામાં આવ્યા છે … shit

    Like

  3. બાપુ..ધન્યવાદ…..
    સચોટ જડબાતોડ લેખ……
    લોકો એ દીપિકા નું સુંદર વિશ્લેષણ ..આત્મ-ગૌરવ….ને MOKERY…બનાવી દીધું ને જાણે કે limelight માં રહેવાનો એક નુસ્ખો!!!??
    gbu જય માતાજી..
    દાદુ…

    Like

  4. Good article, indeed.

    However, majority men won’t like it because still today our world is male dominated one.

    There is one danger if one starts living as per one’s choice. Who will care for others if everyone becomes selfish? Selfishness is a virtue and not bad provided we all are also at times accommodative. Sometime sacrifice our selfishness for good.

    I remember very well in India some women borrowed an idea of women’s lib. Many married women started leaving Bindiya, Mangalsutra, Red and Green bangles which are generally considered symbols of married women. This was done in protest saying if we have wear all these to show that we are married then why men do not wear any such things to show that they are married. Soon, this lib movement was, as expected, opposed by so called religious leaders. Then enters Ekta Kapoor, the queen of Indian never ending TV serials. Through her serials she advocated for for all these symbols. not only this she also glamorised mothers-in-law. She, through her TV serials made women to practice these symbols as much they (Women) can.

    As far as I know putting Sidoor on the head was practised by women in North and Central India. But now it is done all over India due to Ekta.

    Deepika through ‘My Choice’ is trying to revive the same Lib Movement of 1970-80. Now another one Kangana Ranaut has come forward with another such video advocating equality. Well, it will interesting to once again watch this revival and of course its fate accomplice.

    Firoz Khan
    Toronto, Canada.

    Like

  5. એક પુરુષ એક સ્ત્રી લગ્નવ્યવસ્થા માટે એક બીજું કારણ પણ છે, જાતીય રોગોનો ફેલાવો રોકવાનું.

    Like

  6. bhartiya sanskruti nu maan nahi to apmaan na karo ……..sitaji and drupadi na example ne samanya manaso mate na apay.

    Like

  7. સીતાજીના ચારિત્ર્ય વિષે રામને શંકા થવાના ત્રણ કારણો હતા: સુવર્ણમૃગ માટેની હઠ, રામની ક્ષમતા અંગે થોડો (અલ્પજીવી) અવિશ્વાસ અને તેને લીધે તેમની સહાય માટે જવાનું લક્ષ્મણને દબાણ કર્યું તે દોઢડહાપણ.

    Like

Leave a comment