ઠંડી કાતિલાના

ઠંડી કાતિલાના15488_10203735031228965_8331100254368700496_n

ઠંડી જુવાનીમાં ઓછી લાગે ઘડપણમાં વધુ લાગે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફ જેમ જેમ આગળ વધતા જાઓ તેમ શિયાળામાં ઠંડી વધુ ને વધુ લાગતી જાય. એટલે વડોદરા કરતાં અમદાવાદમાં ઠંડી વધુ લાગે અને ડીસામાં એનાથી પણ વધુ લાગે. અમારે અહિ ન્યુ જર્સી કરતા ફક્ત ૪૫ માઈલ ઉપર ન્યુયોર્ક શહેર હશે પણ ન્યુ જર્સી કરતાં ન્યુયોર્કમાં ઠંડી વધુ હોય. ઠંડી વધુ અને ઓછી લાગવાનાં અનેક ભૌતિક, ભૌગોલિક અને શારીરિક કારણો હોઈ શકે છે. માનવ શરીરમાં અનુકૂલનની અદ્ભુત ક્ષમતા હોય છે. માનવી અતિશય ગરમીમાં અને અતિશય ઉત્તર ધ્રુવની ઠંડીમાં પણ રહી શકે છે. બીજા પ્રાણીઓ આવું અનુકૂલન કરી શકતાં નથી. બીજાં પ્રાણીઓ તો એમનો ભૌગોલિક વિસ્તાર ગુમાવે તો પણ સર્વાઈવ થઈ શકતાં નથી, જ્યારે માનવી ઉત્તર ધ્રુવ થી માંડી દક્ષિણ ધ્રુવ સુધી વસી ચૂક્યો છે.

મારું ગામ માણસા અમદાવાદ થી ઉત્તરમાં ૬૦ કિલોમીટર દૂર હતું તો વડોદરાથી માણસા શિયાળામાં આવતા સંબંધીને ઠંડી વધુ લાગતી. તે સમયે મને નવાઈ લાગતી. શરીરની અનુકૂલન ક્ષમતા અદ્ભુત છે માટે તમે જેટલું વાતાવરણથી ટેવાઈ જવાની હિંમત ધરાવો તેટલું શરીર અનુકૂળ થઈ જતું હોય છે. છતાં ઉંમર વધતાં એમાં ગરબડ થઈ જાય છતાં મને એક પ્રશ્ન થાય છે કે ઉત્તર ધ્રુવમાં રહેતાં લોકો ઘડપણમાં ક્યાં જતાં હશે?

શ્વેત કરતાં અશ્વેત લોકોને ઠંડી વધુ લાગતી હોય તેવું પણ જોયું છે. અનુકૂલન પણ બે પ્રકારનું હોઈ શકે એક તત્કાલીન અને બીજું જિનેટિક. એટલે અશ્વેત લોકો જિનેટિકલી ઠંડી માટે ઓછાં ટેવાયા હોય તેવું લાગે છે. એટલે અહિ શિયાળામાં અને બરફ વર્ષા વખતે શ્વેત લોકો આરામથી થોડા ઓછા કપડાંમાં ફરતાં હોય ત્યારે અશ્વેત લોકો અઢળક કપડાં ચડાવીને ફરતાં જોવા મળે છે.

10687089_10203729129361422_3646938033259253686_nપૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેતાં યુરોપ, ચાઈના અને નૉર્થ અમેરિકન લોકો વધુ ગોરા હોય છે જેમ વિષુવવૃત તરફ જતાં જાઓ તેમ લોકો વધુ ને વધુ અશ્વેત જોવા મળે છે. એટલે સામાન્યતઃ ગોરા લોકોને ઠંડી ઓછી ગરમી વધુ લાગે તો અશ્વેત લોકોને ઠંડી વધુ અને ગરમી ઓછી લાગે. મૂળ ઠંડા પ્રદેશોમાં રહેતાં લોકો ગોરાં વધુ હોય અને ગરમ પ્રદેશોમાં રહેતાં લોકો કાળા વધુ હોય. ગરમ પ્રદેશોમાં સૂરજ મહારાજની ઉપસ્થિતિ વધુ હોય છે જ્યારે ઠંડા પ્રદેશોમાં સૂરજ મહારાજની હાજરી ઓછી હોય છે. એટલે જ્યાં સૂરજ મહારાજ વધુ પડતા રહેતા હોય ત્યાં સૂરજ મહારાજ ચામડી દ્વારા શરીરમાં વધુ ઘૂસી કેન્સર જેવું જીવલેણ નુકશાન નાં કરે માટે મેલેનીન કલર-પીગમેન્ટ ચામડી ઉપર વધુ વિકસ્યા હોય એટલે માનવી કાળો દેખાય. તો ઠંડા પ્રદેશોમાં આમેય સૂરજદાદા વધુ રહેતા નાં હોય ત્યાં લોકોમાં ચામડી ઉપર કલર પીગમેન્ટ ઓછાં વિકસે જેથી દાદા શરીરમાં વધુ ઘૂસ મારી શકે અને વિટામિન ડી ની ઊણપ પૂરી કરી શકે, તો આવા લોકો ગોરા વધુ દેખાય. એટલે કાળા લોકો કદરૂપાં અને ગોરા લોકો રૂપાળા તેવી આપણી સરેરાશ માન્યતા સરસર ગલત છે.

હવે કલર પીગમેન્ટ ઓછા ધરાવતા ગોરા સ્વાભાવિક ગરમ પ્રદેશમાં આવી જાય તો એના શરીરમાં સૂરજદાદા વધુ ઘૂસી જાય તો એને ગરમી વધુ લાગવાની જ છે. વિટામિન ડી ની ઊણપ પૂરી કરવા ઠંડા પ્રદેશોમાં રહેતા ગોરા લોકો ઉનાળામાં સૂર્ય જેટલો શરીરમાં ચામડી દ્વારા વધુ ઘૂસે તેટલો વધુ સારો માની નહિવત્ કપડા પહેરીને ફરતાં હોય છે જે આપણને નિર્લજ(લાજ-શરમ વગરનાં) લાગતાં હોય છે. ઉનાળામાં ગોરા લોકો દરિયા કિનારે બીચ પર ઓછામાં ઓછાં કપડા પહેરી પડી રહેતાં હોય તેનું મુખ્ય કારણ સૂર્યના કિરણો વધુ ને વધુ શરીરમાં અંદર લેવાની માનસિકતા હોય છે. એમાં કોઈ શરીર પ્રદર્શન કે સેક્સુઅલ વૃત્તિ હોતી નથી. બાર મહિનામાં માંડ બે મહિના સૂર્ય દેખાયો હોય એટલે વધુ ને વધુ એનો ઉપયોગ કરી લેવો તે માનસિકતા હોય છે. પણ આપણને શિયાળામાં આશરે છ મહિના પગની પાની પણ નાં દેખાય તેવા સંપૂર્ણ કપડા પહેરી ફરતી ગોરી પશ્ચિમની નારી દેખાતી નથી પણ બેત્રણ મહિના ઓછાં કપડાં પહેરી ફરતી નિર્લજ નારી જ દેખાતી હોય છે. આપણે ત્યાં તડકો નીકળે ત્રાસી જવાય છે જ્યારે અહીં તડકો નીકળે વેધર ઉત્તમ છે તેવું માની લોકો ખુશ થઈ જતાં હોય છે અને ઓછાં કપડાંમાં દોડવા માંડતા હોય છે.10361329_10203735031668976_3186288211284170245_n

આપણે ત્યાં ૧૫ ડિગ્રી તાપમાને ઠંડી લાગવા માંડતી હોય છે ૯ ડિગ્રી તાપમાને એનો કાતિલ અનુભવ થવા લાગતો હોય છે. અહિ અમે માઈનસ ૧૫ ડિગ્રી સુધી આરામથી સહન કરી લેતાં હોઈએ છીએ એમાં કોઈ ધાડ મારતા નથી. એનું મુખ્ય કારણ એ હોય છે કે રોજનું રહ્યું તો એની તૈયારી પણ રોજની હોય છે. આપણે ત્યાં આટલી ઠંડી પડે નહિ તો આપણે ત્યાં એનો સામનો કરવાની તૈયારી પણ સ્વાભાવિક હોય નહિ. હું ગુજરાતમાં હતો ત્યારે શિયાળામાં બાઈક ઉપર જવું હોય ત્યારે જ સ્વેટર વગેરે પહેરતો. બાકી એક સારું સ્વેટર કે ગરમ જૅકેટ ખરીદવાનું પણ યાદ આવતું નહિ. જ્યારે અહિ એના માટે પૂરતી તૈયારી હોય છે. ઉનાળા માટે અલગ કપડાં અને શિયાળા માટે અલગ કપડાં. જરૂરિયાત બધું શીખવી દેતી હોય છે. તો ડીઝાસ્ટર મૅનેજમેન્ટ પણ એટલું જ સજ્જ હોય તે સ્વાભાવિક છે. બરફ વર્ષા થવાની હોય તે પહેલા એની સચોટ કલાક મિનિટ સાથેની આગાહી મુજબ એનો સામનો કરવાની તૈયારી પણ એટલી જ હોય છે. રોડરસ્તા પર મીઠું છંટાઈ જાય. બરફ પડતો હોય અને અમુક જગ્યાએ એને ઉલેચવાનાં વાહનો ફરતાં થઈ જાય. સરકારી તંત્ર અને લોકો પણ એટલાં જ સજ્જ હોય એટલે જનજીવન જરાય ખોરવાય નહિ. લોકો આરામથી કામ પર જતાં રહે. અમેરિકા તો એનું એજ છે પણ નૉર્થ અમેરિકાના રાજ્યો બરફ વર્ષા સામે નીપટાવી લેવા સજ્જ હોય તેટલાં સાઉથ અમેરિકાના ફ્લોરીડા કે ટેક્સાસ જેવા રાજ્યો સજ્જ નથી હોતાં. કારણ સાઉથનાં આવા રાજ્યોમાં ભાગ્યેજ બરફ પડતો હોય.

એક જાડું સ્વેટર જેવું કપડું પહેરવું તેના કરતાં બે પાતળા કપડાં ઠંડીને વધુ રોકી શકે. ઠંડીથી બચવા શરીર ઉપર કપડાના પડ વધારે એટલી ઠંડી વધુ સારી રીતે રોકી શકીએ. શિયાળામાં મારી સાથે જૉબ કરતા હતા તે અમદાવાદના જ્યોતિન્દ્ર્કાકા કમરથી નીચે ઉપરાઉપરી પાંચ કપડાના લેયર ચડાવે અને કમરથી ઉપર પણ એટલાં જ લેયર હોય. પૂછીએ એટલે પાછા ગર્વથી ગણી પણ બતાવે. અમે બધા ખૂબ હસતા. કમરથી નીચે એટલાં બધા લેયરની ખાસ જરૂર પડે નહિ.

1604874_10203729129801433_7339034711271673677_nઅહીંના મકાનોની બાંધણી પણ ઠંડીને બહાર જ રોકી રાખે તેવી હોય છે. પ્લિન્થ લેવલ પછી આખું મકાન લાકડાનું જ હોય છે. દીવાલો પણ લાકડાની. લાકડું પણ આર્ટીફીસીયલ દેશી ભાષામાં કહીએ તો ભુસાનું બનાવેલું હોય. કંકાસીયો પતિ દીવાલમાં મુક્કો મારે કે કજીયાળી પત્ની ગુસ્સામાં દીવાલમાં માથુ પછાડે તો ભુસમાથી બનેલા પાટિયાની દીવાલમાં ગોબો પડી જાય. પણ અહીંના ઘર પેટીપૅક કોમ્પેક્ટ હોય છે. બારી બારણાં એકદમ સજ્જડ બંધ રહી શકે. છતાંય આપણા ગુજરાતીઓ બારીઓની ફ્રેમ અને દીવાલ જોડે સાંધો હોય ત્યાં તમામ જગ્યાએ લાંબી લાંબી ટેપ મારી દેતા હોય છે. મકાન લગભગ સેન્ટ્રલ ઓટોમેટીક હિટીંગ સિસ્ટિમ ધરાવતાં હોય. તમારે ફક્ત તાપમાન કેટલું જોઈએ તે સેટ કરી દેવાનું. ઘર બંધ કરીને જઈએ ત્યારે પણ પાણીની પાઈપોમાં પાણી થીજી નાં જાય તેટલું તાપમાન તો સેટ કરીને જ જવું સારું.

અહિ હજુ તાપમાન ફેરનહીટમાં મપાય છે. ૩૨ ફેરનહીટ એટલે ૦ સેલ્સિયસ. એટલાં તાપમાને પાણી બરફ બની જાય. હવે ૦ ફેરનહીટ એટલે -૧૭.૭૭ સેલ્સિયસ. દેશમાંથી પહેલીવાર આવો ત્યારે પ્રથમ શિયાળો ખૂબ ઠંડી લાગે પછી ટેવાઈ જવાય. બરફ વર્ષા પહેલીવાર જોઇને ખૂબ આનંદ સાથે અચરજ પણ થાય. બરફમાં ચાલવામાં અને કાર ચલાવતા ખૂબ ધ્યાન રાખવું પડે. તાજાં પડેલા બરફમાં તમે ચાલો તો ગબડી નાં જાઓ. પણ બરફ થોડો ઓગળે રોડ રસ્તા પર એનું પાણી રેલાય અને પછી પાછું થીજી જાય તેમાં ચાલ્યા તો ગયા સમજો. કારણ આ રેલાયેલું પાણી થીજી જાય એટલે રોડ રસ્તા પર કાચ જેવું પારદર્શક પડ બની જાય નીચે રોડ રસ્તો સરસ દેખાય. આપણને લાગે સારો રસ્તો છે પણ ઉપરનું કાચ જેવું લીસું પડ તમને ગબડાવી દે. હું નવ વર્ષનો અનુભવી હતો છતાં ગબડી ગયેલો ને હાથે ફ્રેક્ચર થઈ ગયેલું. સવારે જે.એફ.કે. હોસ્પિટલમાં ગયા ત્યારે નર્સ કહે બે કલાકમાં આ નવમો કેસ છે.

ઘડપણમાં ઠંડી વધુ લાગે તેનું મુખ્ય કારણ ઉંમર વધતાં આપણી ચયાપચય ક્રિયા મંદ પડી જવાથી પોષક તત્વોનું દહન બરોબર થઈ શકતું નથી જેથી જરૂરી એનર્જી-ગરમી મળે નહિ. એમાં ચયાપચય માટે થાઈરોઈડ હૉર્મોન બહુ મોટો ભાગ ભજવતું હોય છે. થાયરોઇડની તકલીફ હોય એને ઠંડી બહુ લાગે તો ગરમી પણ બહુ લાગે. ઉંમર વધતાં થાઈરોઈડની તકલીફ પણ થતી હોય છે. અકારણ ઠંડી વધુ લાગતી હોય તો થાઈરોઈડ ચેક કરાવી લેવું સારું. એટલે અહીં વૃદ્ધ થતા જતા લોકો દક્ષિણનાં ફ્લોરીડા તરફ મુવ થઈ જતાં હોય છે. ફ્લોરીડા રિટાયર લોકોના સ્ટેટ તરીકે જાણીતું છે.

ટૂંકમાં માનવ શરીરની વાતાવરણ મુજબ અનુકૂળ થઈ જવાની ક્ષમતા અદ્ભુત છે માટે અમે અહીંના માઈનસમાં તાપમાનના આંકડા મૂકી અમે કેટલા મજબૂત સહન શક્તિ ધરાવીએ છીએ તેવી ડંફાસો મારીએ તો બહુ મન પર લેવું નહિ, તમે ભારતમાં રહેતા મિત્રો અહીં આવો તો તમે પણ જરૂર ટેવાઈ જાઓ આવી કાતિલાના ઠંડીમાં..

8 thoughts on “ઠંડી કાતિલાના”

  1. બાપુ આપની વાતો સારી લાગે છે.ઠંડી સહન કરવાની શક્તી આવે છે પણ ઉનાળામાં વતનમાં જવાની મરજી નથી થતી તેનું શું? સંજોગો વસાત જવું પડે તો ૧૨થી૫ વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડે અને એસી તો ચાલતું જ હોય.બહાર નીકળો તો લૂ વાતી હોય.એટલે અહીંનો તો ઉનાળો પણ સારો લાગે.પણ માદરે વતનની યાદ તો આવે જ.

    Like

  2. આબોહવાની અસર પ્રજાના ખોરાક પર પણ પડે છે. ઠંડા પ્રદેશોમાં ભોજનમાં ચરબીવાળી વાનગીઓ વધારે હોય છે કારણ કે તેના પાચન દરમ્યાન ગરમી ઉત્પન્ન થાય છે જે ખાનારને હુંફ આપે છે. ગરમ મુલકોમાં તીખી ચીજો કામ લાગે જે ભલે સ્વાદમાં hot કહેવાય પણ પાચનમાં ગરમી શોષી લઇ શરીરને ઠંડક આપે. ઘડપણમાં ઠંડી વધારે લાગવાનું એક કારણ એવું પણ ખરું કે હૃદયરોગ અથવા બ્લડ પ્રેશર ને લીધે ચરબીયુક્ત ખોરાક બંધ અથવા ઓછો કર્યો હોય.

    Like

  3. ઠંડાપ્રદેશોમાં જન્મેલી અને રહેતી ગોરી સ્ત્રીઓની શારિરિક , હોરમોનની પ્રવૃત્તિઓ પણ જુદા ક્રમે ચાલે છે….ગરમ પ્રદેશમાં જન્મેલી અને તેના ફળજંદો જે ઠંડા પ્રદેશમાં જન્મેલા હોય છે તેમની પણ હોરમોનની પ્રવૃત્તિ જુદા સ્વરુપે ચાલતી હોય છે…..ગરમ પ્રદેશની જેમ….થોડો ફેરફાર થતો હશે.

    Like

Leave a comment