નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

photo3

નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી ઈ-મેલ તો આવી જ ગઈ હતી કે શુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ સાહિત્ય સંમેલન રાખવામાં આવ્યું છે. હાજર રહેવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પણ થાય છે હજુ વાર છે વિચારી આગળ વધેલો નહિ. વડીલ મિત્ર સુબોધ શાહ એકવાર મળ્યા તો મને પૂછ્યું. તમે સાહિત્ય સંમેલનમાં આવવાના છો ? મેં કહ્યું હા, પણ હજુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

untitled=-0બીજા દિવસે એની જૂની ઈમેલ ખોલી જરૂરી ફોર્મ કાઢી તે વિધિ પતાવી દીધી. આ વખતના સાહિત્ય સંમેલનમાં મુખ્ય હીરો હતા સમર્થ સાહિત્યકાર સ્વ. શ્રી મનુભાઈ પંચોળી જેમને આપણે સાહિત્યપ્રેમીઓ “દર્શક” નામથી ઓળખીએ છીએ. આ વર્ષ શ્રી મનુભાઈ પંચોળી જન્મશતાબ્દી તરીકે ઉજવાય છે. દર્શક નામ પડતા માનસપટલ ઉપર પહેલા શબ્દો ઉભરી આવે ‘ઝેર તો પીધા છે જાણી જાણી ‘. દર્શક વિષે બોલવાનું હોય એટલે એમના શિષ્ય કે અંતેવાસી સિવાય વધુ સારું કોણ બોલી શકે ? લેખક, શિક્ષણવિદ, ગાંધીમાંર્ગી વિચારક, દર્શકની સ્થાપેલી પ્રખ્યાત સંસ્થા લોકભારતીમાંથી સ્નાતક, અધ્યાપક અને લોકભારતીના આચાર્ય રહી ચુકેલા શ્રી. મનસુખ સલ્લા મુખ્ય મહેમાન હતા.photo6

નવી પેઢીના યુવાનો માટે ખાસ ટૂંકમાં લખું તો દર્શક ૧૫ ઓક્ટોબર ૧૯૧૪માં જન્મેલા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હતા. સ્વાતંત્ર્યસેનાની હતા. ભારત છોડો આંદોલન વખતે જેલમાં જઈ આવેલા હતા. જુના ભાવનગર રાજમાં શિક્ષણ મંત્રી હતા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ રહેલા. ૧૯૭૫માં ઈમરજન્સી વખતે વળી પાછા સ્વતંત્ર ભારતમાં ફરી જેલમાં ગયેલા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહેલા. ૧૯૫૩માં સણોસરામાં સ્થાપેલી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ એમનું વહાલું સંતાન કહેવાય. ૨૯ ઓગસ્ટ ૨૦૦૧માં ત્યાં જ એમણે દેહ પણ મૂક્યો. દર્શક એક સમર્થ સાહિત્યકાર સાથે રાજકારણી પણ હતા. રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, જમનાલાલ બજાજ એવોર્ડ, સરસ્વતી સન્માન અને છેવટે પદ્મભૂષણ આ બધું એમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. બીજું બધું છોડો પણ દર્શક નામ પડે એટલે લોકભારતી, સૉક્રેટિસ અને ઝેર તો પીધા છે જાણી જાણી આટલું તો યાદ આવી જ જાય.

DSCF0092સુનીલ નાયકની ભવ્ય હોટેલ ‘ક્રાઉન પ્લાઝા પ્રિન્સ્ટન’ ગામ પ્લેઈન્સ બોરોમાં આવેલી છે ત્યાં આ સંમેલન રાખવામાં આવેલું હતું. શુક્રવારે સાંજે શરુ થઈ, શનિવારે આખો દિવસ અને રવિવારે બપોરે ત્રણેક વાગે સમાપન હતું. નેવિગેશન પ્રમાણે છેક હોટેલ આગળ પહોંચી ગયો ને ભૂલો પડ્યો. ગંતવ્ય સ્થાને પહોચીને ભૂલા પડવું કેવું કહેવાય ? મેઈન રોડ થી એક મિનીટ પણ નાં થાય એટલે દૂર હતી હોટેલ પણ દેખાઈ જ નહિ.. એનુ મૂળ કારણ અહીં કારણ વગર વૃક્ષો કાપતા નથી. જો કે થોડું આગળ પાછળ ડ્રાઈવ કર્યું ને હોટેલ દેખાણી. પાર્કિંગમાં જ મોટાભાઈ જેવા લાગણીશીલ નવનીત શાહ અને એન્જીનિયર એવા કવિ વિરાફ કાપડિયા મળી ગયા. વિરાફ કાપડિયાને હું ભૂલમાં વિરાટ કાપડિયા કહેતો હતો, આ મૃદુભાષી પારસી જેન્ટલમૅન  બહુ સરસ કવિતાઓ લખે છે. ચાપાણી નાસ્તા પછી સમારોહ શરુ થયો. દીપ પ્રગટાવી આવા સમારંભોનું ઉદ્ઘાટન કરવાની આપણી પરમ્પરા છે. એમાં કોઈ પ્રયોગાત્મક કામ થાય એવું લાગતું નથી. વડીલ મિત્ર સુબોધ શાહ સાથે અમે પણ બેઠક જમાવી હતી. સુબોધ શાહ મુંબઈ યુનિના એન્જીનિયર, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં કવિતાઓ લખે છે. ‘કલ્ચર કેન કિલ’ નામનું જબરદસ્ત પુસ્તક અંગ્રેજીમાં એમણે લખેલું છે.

ઍકેડેમીનાં પ્રમુખ શ્રી રામ ગઢવીએ એમની હળવી રમૂજી શૈલીમાં બધાનું સ્વાગત કર્યું. ત્યાર પછી ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી અમેરિકામાં રહીને ઉત્કૃષ્ઠ સર્જન કરતા સાહિત્યકારોનું બહુમાન કરતા કેટલાક પારિતોષિકો અપાય છે તે પ્રસંગ ઉજવાયો. ઍકેડેમી તરફથી ડૉ નવીન મહેતાના સૌજન્યથી એમના પિતાશ્રીની યાદમાં શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અપાય છે. ૧૦૦૦ ડોલરનું આ પારિતોષિક આજ સુધીમાં શ્રી. મધુ રાય, શ્રી પન્ના નાયક, શ્રી. આદીલ મન્સૂરી, શ્રી પ્રીતિ સેનગુપ્તા, ડૉ. અશરફ ડબાવાલા, શ્રી. આનંદ રાવ અને શ્રી. બાબુ સુથારને મળી ચૂક્યું છે. આ વર્ષનું આ પારિતોષિક હાસ્યલેખક શ્રી. હરનીશ જાનીને મળ્યું.DSCF0243

શ્રી. રમેશ પારેખ પારિતોષિક શ્રી. કેની દેસાઈના સૌજન્યથી અપાય છે. શ્રી. ચંદ્રકાંત શાહ, શ્રી. વિરાફ કાપડિયા અને શ્રી. શકૂર સરવૈયા ને આજ સુધીમાં આ પારિતોષિક મળી ચુક્યું છે. જ્યારે આ વર્ષનું આ પારિતોષિક ડૉ. નટવર ગાંધીને મળે છે. આ વર્ષે જ શરુ થયેલું ટી.વી. એશિયા પારિતોષિક ટીવી એશિયાના CEO શ્રી. એચ. આર. શાહના સૌજન્યથી અપાયું. ગુજરાતી કુટુંબમાં જન્મેલા હોવા છતાં બીજી કોઇપણ ભાષામાં લખતા હોનહાર ગુજરાતીઓ માટે આ પારિતોષિક શરુ કરાયું છે. આ પારીતોષિકના સર્વપ્રથમ વિજેતા “Maximum City : Bombay Lost and Found” નાં લેખક શ્રી. સુકેતુ મહેતા છે. સુકેતુ અંગ્રેજીમાં લખે છે.

કવિતાને જીવતી રાખવી હોય તો એને સંગીત વડે મઢી દો. વ્યવસાયે વકીલ એવા અમર ભટ્ટ ગુજરાતી કવિતાઓને સંગીતે મઢવાનું ઉમદા કામ કરી રહ્યા છે. રાત્રે સાડા નવે અમર ભટ્ટનો સંગીત સમારંભ શરુ થયો. વાંચવામાં નીરસ લાગતી કવિતાઓ પણ સંગીતના સુરે રસિક બની જતી હોય છે. એમાય કંઠ ભળ્યો ડૉ. દર્શના ઝાલા, કૃશાનું મજમુંદાર, ફોરમ શાહ, જયેશ શાહ અને અમર ભટ્ટ વગેરેનો પછી એમાં કાઈ પૂછવા જેવું હોય નહિ. રાત્રે મોડો આ કાર્યક્રમ પૂરો થયો. જય વસાવડા ન્યુયોર્ક અને લીબર્ટી સ્ટેચ્યુની મુલાકાત લઈને આવી પહોંચ્યા હતા. ભારતથી આવેલા મહેમાનોને આજ હોટેલમાં રૂમો અપાઈ હતી. ન્યુ જર્સી સિવાય અન્ય સ્થળે અમેરિકામાં વસવાટ કરતા સાહિત્યપ્રેમી મિત્રોને આ હોટેલમાં રહેવું હોય તો ઓછા ભાવે રૂમો આપવામાં આવી હતી. વૈચારિક આદાનપ્રદાન કરવાનો આ ઉત્તમ મોકો હતો. જયભાઈ જોડે થોડી વાતચીત કરી હું પણ ઘેર જવા રવાના થયો, કારણ સવારે વહેલું આવવાનું હતું.

દર્શક
દર્શક

શનિવારે સ્વાગત ઉદબોધન પછી તરત ‘દર્શક’: મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક અન્વયે મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લા સાહેબનું સુંદર વ્યાખ્યાન હતું. એમણે દર્શક વિષે ખુબ વાતો કરી. દર્શકના ચિંતન વિષે ઘણું જાણવા મળ્યું. દર્શક એક નેતા હતા છતાં એક સાહિત્યકાર પણ હતા. આવું કૉમ્બિનેશન બહુ ઓછું જોવા મળતું હોય છે. શિક્ષણ ક્ષેત્રે પણ એમનું બહુ મોટું પ્રદાન હતું. દર્શકનો વાંચન પ્રેમ પણ અદ્વિતીય હતો. દર્શક એકવાર કલકત્તા ગયેલા. ત્યાં લાયબ્રેરીમાં એમને એક પુસ્તક વાંચવું હતું. પુસ્તક બહાર લઈ જવાની મનાઈ ફરમાવી તો બીજા મિત્રો કલકત્તા જોવા ગયા પણ દર્શકે તે પુસ્તક લાયબ્રેરીમાં બેઠા બેઠા જ વાંચી નાખ્યું. દર્શક કહે છે વાંચન પણ એક તપ છે. વાંચન વિષે આ વાક્યમાં બધું આવી ગયું તેવું મને લાગે છે.

મુખ્ય મહેમાનના ઉદબોધન અને એમની સાથેની પ્રશ્નોત્તરી પછી સાહિત્યની દુનિયા નામની પ્રથમ બેઠક શરુ થઈ એનું સંચાલન શ્રી. અશોક મેઘાણી કરી રહ્યા હતા. ‘વાર્તાઓનું અમરત્વ : શૃંગાર અને શૌર્ય’ વિષય લઈને બોલવા ઉભા થયા જય વસાવડા. બબ્બે વાક્યે તાળીઓ નાં પડાવે તો જય વસાવડા નાં કહેવાય. શૃંગાર અને શૌર્ય સાથે સાથે ચાલતા હોય છે. આમેય શુરવીરોને સ્ત્રીઓ પ્રથમ વરતી હોય છે તે હકીકત છે. શૌર્ય ઉપર સુંદરતા ઓળઘોળ થતી હોય છે. જય વસાવડાના પ્રવચનમાં એમનું વિશાળ અને વૈવિધ્યસભર વાંચન છલકાઈ ઉઠતું હોય છે. ત્યાર પછી શ્રી. સૌમ્ય જોશી એમની કવિતા લઈને આવ્યા. સૌમ્ય પણ એવો જ જબરદસ્ત સર્જક છે. એ કવિ, નાટ્યલેખક, દિગ્દર્શક, અભિનેતા, સંગીતકાર અને લટકામાં અંગ્રેજીનો પ્રોફેસર પણ છે. સૌમ્ય ખૂનમાં કલમ ઝબોળીને લખતો હોય તેવું લાગે છે. એની કવિતા મારફાડ હોય છે. ત્યાર પછી ફરી સૂર શબ્દનું સહિયારું કરતા અમર ભટ્ટે રંગ જમાવ્યો.

ભોજન પછી ફરી થી મુખ્ય મહેમાન શ્રી. મનસુખ સલ્લાનું પ્રવચન હતું વિષય હતો ‘સોક્રેટિસ’માં દર્શકનું જીવન દર્શન. ત્યાર પછી ગુજરાતથી untitled876આવેલા મહેમાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી. ધીરુ પરીખનું પ્રવચન હતું. ધીરુભાઈ કવિ, વાર્તાકાર, વિવેચક અત્યંત સફળ અધ્યાપક પણ ખરા. ‘કવિલોક’ અને ‘કુમાર’ બંનેનું તંત્રીપણું સાથે સંભાળતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદની કામગીરી વર્ણવી. ત્યાર પછી શ્રી. બળવંત જાની  આવ્યા. બળવંત જાની જબરદસ્ત સંશોધક છે. લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્યના સંશોધક, વિવેચક તેમજ સંપાદક બળવંત જાનીના આ વિષયોના ૧૦૦ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાત બહાર વિદેશોમાં ઘણા બધા ગુજરાતી સામયિકો પ્રગટ થતા હોય છે અને આ વિદેશી ગુજરાતી સામયિકોનું ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન છે પણ તેની નોંધ ગુજરાતમાં લેવાતી નથી તે બહુ મોટી દુખદ વાત છે. બળવંત જાનીએ જણાવ્યું કે અમેરિકામાં ૨૦ જેટલા ગુજરાતી સામયિકો પ્રગટ થાય છે. ગુજરાત દર્પણ, સંધિ, ગુર્જરી, તિરંગા જેવા અનેક સામયિકો અહી પ્રગટ થાય છે. ત્યાર પછી વિદેશમાં ગુજરાતી સામયિક સંપાદન અને પ્રકાશન વખતે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓની વાત લઈને શ્રી. બાબુ સુથાર અને શ્રી. કિશોર દેસાઈ આવ્યા. ડૉ. બાબુ સુથાર સંધિ સામાયિકના સંપાદક છે. યુની ઓફ પેન્સીલ્વેનીયામાં ભાષાશાસ્ત્રના અધ્યાપક એવા બાબુ સુથાર કવિ, વિવેચક, વાર્તાકાર, નવલકથાકાર અને ભાષાવિજ્ઞાની છે. આ બાબુભાઈ કોઈની સાડીબારી રાખે નહિ. ગમે તેવા મહારથી હોય બાબુભાઈ એની ભૂલ હોય તો બતાવ્યા વગર રહે નહિ. શ્રી. કિશોર દેસાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા. ગુર્જરી ડાયજેસ્ટ’ ગુજરાતી ત્રૈમાસિક એમણે ૨૬ વર્ષ પહેલા શરુ કરેલું. એમણે બહુ ઉત્તમ વાત કહી કે ઊંચું સાહિત્ય વાચ્યા વગર ઉત્તમ લેખક બની શકાય નહિ. ત્યાર પછી આવ્યા ‘સંગીત શા માટે?’ વિષય લઈને શ્રી. વિરાફ કાપડિયા. ઈજનેરી કારકિર્દીમાંથી નિવૃત્ત થયેલા વિરાફ બહુ સરસ કવિ છે. વિરાફ નિબંધ લખે પણ એમાં કવિતા છલકાયા વગર રહે નહિ. નિબંધ વાંચે તો એમાં પણ કવિતાનો લય રેલાય.

રાત્રી ભોજન બાદ સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસે તો તોડી નાંખ્યાં તબલા ને ફોડી નાખી પેટી જેવું કર્યું. એટલો બધો જલસો કરાવી દીધો કે નાં પૂછો વાત. આ અભિનયમાં સમર્થ બેલડીએ અભિનય સાથે કેટલાક સંવાદો વાંચીને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાંખ્યાં. જિજ્ઞા વ્યાસે સરસ એકોક્તિ રજુ કરી. પછી એમના એક નાટકનો એક અંશ પ્રસ્તુત કરી એટલા બધા હસાવ્યા કે ના પૂછો વાત. એમની પ્રસ્તુતિ પૂરી થતા તો આખું ઓડીયન્સ ઊભું થઇ ને તાળીઓના ગડગડાટ કરવા લાગેલું.

photo16
જીજ્ઞા, સૌમ્ય, અમર ભટ્ટ , જય

સૌમ્ય મનસુખ સલ્લા, લોહીથી લથપથ કવિતા કરતો સૌમ્ય, હસતા હસતા લાફા ઝીંકતી જિજ્ઞા, જય હો જય વસાવડા, વિરાટ કવિ વિરાફ કાપડિયા, અગસ્ત્ય અમર ભટ્ટ, મિલાપનાં મહારથી મહેન્દ્ર મેઘાણી, અહર્નિશ હસાવતા હરનીશ, રમૂજી રામભાઈ, અમેરિકન મીરાંબાઈ પન્ના નાયક, સોનેટ કિંગ નટવર ગાંધી આવા તો કાઈ કેટલાય મહાનુભવોને મળવાનું બન્યું એમના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તે એક ચિરસ્મરણીય ઘટના બની રહેવાની છે.

રવિવારે ઍકેડેમીના સભ્યોની સભા હતી. પછી સ્થાનિક સર્જકોને એમની કૃતિઓ વાંચવા મળવાની હતી. એનું સંચાલન શ્રી. અશોક વિદ્વાંસનાં હાથમાં હતું. બધા પોતપોતાની કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, હાયકુ વગેરે રજુ કરતા હતા. મારો પણ વારો હતો. મેં સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ વિષય પર મારો નિબંધ રજુ કરેલો. ઘણાના માથા ઉપરથી નીકળી ગયો તો ઘણાને ખુબ ગમ્યો. ભોજન દરમ્યાન એક જ ટેબલ પર વિરાફ કાપડિયા, નવનીતભાઈ, સુબોધભાઈ અને બાબુ સુથાર સાહેબ જેવાના સાંનિધ્યમાં બેસવાનું મળ્યું. આવા સમયે આપણે રામ ગુડ લિસનર બની ને બેસી રહેવામાં માનીએ છીએ. એનાથી ખુબ ફાયદો થાય છે. એક તો આપણું ડહાપણ ડહોળવાનું બંધ હોય એટલે વિદ્વાનોની વાતો સાંભળી એમાંથી મલાઈ તારવી લેવાની આવડત કેળવાય છે. ભોજન બાદ ગચ્છન્તિ કરવાનું હતું પણ જવાનું મન થતું નહોતું. ત્રણે દિવસ નવનીતભાઈ અને સુબોધભાઈની પ્રેમાળ કંપની મળી હતી. એટલે હજુ થોડું વધુ સાથે બેસીએ તેવું થયા કરતુ હતું. જયભાઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટી જોવા ગયા હતા, જ્યાં આઇન્સ્ટાઇન પ્રોફેસર હતા. હોટેલથી આ યુની બહુ દૂર નહોતી. એમનો સમાન પણ સમેટવાનો હતો. અમે એમનાં આવવાની રાહ જોતા નીચે લોબીમાં બેઠા ગપાટા મારતા હતા. એવામાં જયભાઈ હાથમાં પુસ્તકોના થેલા લઈને આવ્યા. લેખકનો મુખ્ય ખોરાક પુસ્તકો હોય છે. લગભગ પચીસેક હજારના પુસ્તકો પ્રિન્સ્ટન યુનિવર્સીટીનાં બુક સ્ટોરમાંથી ખરીદી લાવ્યા હશે. ઉત્તમ અને વૈવિધ્યપૂર્ણ પુસ્તકો વાંચવા તે એક ઉત્તમ લેખક માટે વસાણું છે. જય વસાવડાની અદ્વિતીય અને પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય આ પુસ્તકોમાં રહેલું છે. તમે ગમે તેટલા સંવેદનશીલ હો, પણ એ સંવેદનાને યોગ્ય શબ્દોમાં ઢાળી નાં શકો તો સારા કવિ કે લેખક ક્યાંથી બનવાના હતા ?photo14

અશોક મેઘાણી
અશોક મેઘાણી

જયભાઈનો સામાન સમેટીને મારી કારમાં મુકતા મુકતા શ્રી અશોક મેઘાણી મળી ગયા. મને ખુબ અભિનંદન આપ્યા કે મારો લેખ એમને ખુબ ગમેલો. એમની નમ્રતા જુઓ કે તે પણ સમાન ઉચકીને ગોઠવવા લાગેલા. નવમું સાહિત્ય સંમેલન યાદગાર બની રહેવાનું હતું. છેલ્લે સુબોધભાઈ અને નવનીતભાઈ જેવા પ્રેમાળ મિત્રોને આવજો કહી જયભાઈને લઈ મેં કાર ઘર તરફ મારી મૂકી….

સમાપ્ત….

નોંધ : મિત્રો આ સાહિત્ય સંમેલનમાં મે મારો લેખ વાંચેલો તે તમારે વાંચવો હોય તો અહી ક્લિક કરો. “સંઘર્ષ ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ.”

17 thoughts on “નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી યુ.એસ.એ.

 1. શું કોઈ રેકોર્ડીંગ શક્ય ન બન્યું ? કે કોઈ ઓડિયો ? ઉપલબ્ધ કરાવવા વિનંતી .

  { મનુભાઈ પંચોળી’ને જ્ઞાનપીઠ નહોતો મળ્યો . . કૃપયા તે માહિતીદોષ સુધારી લેશો }

  Like

  1. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

   Like

   1. ક્ષમા કરશો , મારા મનમાં મુખ્ય જ્ઞાનપીઠ પુરસ્કાર’ની કડી બેસી ગઈ હતી કે જે ઉમાશંકર , પન્નાલાલ અને રાજેન્દ્ર શાહ’ને મળેલો . . . મૂર્તિદેવી પુરસ્કાર વિષે ખ્યાલ ન હતો .

    Like

 2. તમારા ટૂંકા વર્ણને અમે તમારી સાથે “નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી ખાતે આંટો માર્યો …અને ગુજરાતી સાહિત્યનુ એક પાનું અમે “દર્શક” નાં નામે ચુકી ગયા હતા તે અચ્છું વાંચ્યું … બાકી બધાને “ઓળખીએ” છીએ એટલે તેઓ આંખ સામે દ્રશ્ય થયા …
  તમારી સાથે અમારો પણ તે સંમેલનનો અનુભવ સારો રહ્યો …
  .
  ખાલી વાંચીને લખવું અને અનુભવે લખવામાં ફેર છે … અતિશય વાંચવાથી પોતાના અનુભવની વર્ણન શક્તિ વધે … પરંતુ અનુભવ નાં હોય તો પછી ફક્ત “બિન-અનુભવી-લેખક”નું લખેલું જ્યાં ત્યાંથી કટ-પેસ્ટ વંચાય અને શબ્દ ગમે તેવા સમૃદ્ધ હોય તો પણ અંદરની ઉઠાંતરી ખબર તો પડી-જ જાય …આ વાતનો પણ લેખકોએ ખ્યાલ કરવો જોઈએ …

  Like

 3. ……
  ખાસ વાતનું અભિવાદન રહી ગયું –
  “જે દુ:ખ અમને ગુજરાતી સાહિત્ય પરિષદે પસંદગી તે મુખ્ય સાહિત્ય વિષય તરીકે “રવીન્દ્રનાથ રાગોર” નાં બંગાળી સાહિત્યની બાબતે થઇ હતી … તે ઉપર સંતોષ અને આનંદનો મલમ તમે લોકો એત્યા USA માં “મનુભાઈ પંચોલી” ઉપર ચર્ચાનો મુખ્ય વિષય પસંદ કરીને લગાવ્યો …”
  .
  મને એમ લાગે છે કે પરદેશ માં-જ સાચો દેશ વસે છે …

  Like

 4. ભુપેન્દ્રસિંહ …આભાર…આભાર આવા સરસ હેવાલ માટે ઘણો ધણો આભાર. મને તો જાણે જાત વગરની જાત્રા ફળી એવું લાગ્યું. એકાદ વખત તમને રૂબરુ મળી ઘણી વાતો સાંભળવી છે. હું સાહિત્યકાર નથી એટલે ન્હોતો ગયો. સાયન્સ કોલેજમાં પણ પહેલા બે વર્ષ ગુજરાતી વિષય માથે પડ્યો હતો. એમાં ‘ઝેર તો પીધા છે જાણી જાણી’, નોવેલ હતી.

  Like

 5. સ્નેહી ભાઈ શ્રી
  આપને અભિનન્દન નવમું સાહિત્ય સંમેલન ન્યુ જર્સી નો સંપૂર્ણ તસ્વીરો સાથે જોવા અને વાચવા આપે
  ખુબ અંગત લાગણી થી પ્રસ્તુત કર્યો છે હું લોકભારતી નો પ્જ્ય મનુભાઈ (દર્શક ) નો પ્રિય શિષ્ય
  અમેરિકામાં હોવા છતાં હાજરી આપી શક્યો નહિ મુ શ્રી રામ ભાઈ નું અંગત આમત્રણ પણ હતું
  મને અફસોસ હતો કે ગયો હોત તો સારું હતું પણ આપના અહેવાલ થી ખુબ સંતોષ અન્સ આનન્દન
  થયો
  આપે લોકભારતી મનુદાદા અને મનસુખ ભાઈ સલ્લા વિષે માહિતી સત્ય વિગતો થી આપીછે અને
  સંમેલન માં થયેલી કાર્યવાહી નું વર્ણન ખુબ ગમ્યું પ્રત્યક્ષ હાજર રહીને માણ્યું હોય એવો અનુભવ
  થયો આપનો ખુબખુબ આભાર
  આપનો
  પ્રતાપભાઈ પંડ્યા
  કેલીફોર્નીયા (U S A ) ફોન 001 469 579 14 51

  Like

 6. શ્રી ભુપેન્દ્ર્સિંહજી, સાહિત્ય સંમેલનના સ રસ અહેવાલ માટે અભિનંદન. સંમેલનના દરેક તબક્કે શું થયું તેનું સુંદર વર્ણન કરી અમારા જેવા દુર બેઠેલાને આસ્વાદ કરાવવા બદલ આભાર. એક ક્ષતિ તરફ ધ્યાન દોરવા માગું છું. આપે બે વખત લખેલ છે કે “દર્શકે સ્થાપેલી લોકભારતી સંસ્થા…” અહીં હું ચોખવટ કરવી જરૂરી સમજુ છું કે લોકભારતીની સ્થાપના શ્રી દર્શકે નહોતી કરી. તેની સ્થાપના કરનાર હતા શ્રી નાનાભાઈ ભટ્ટ. હા, દર્શક એમના તે વખતના અગત્યના સાથીદાર હતા અને નાનાભાઈએ તેમને લોકભારતીનું સંચાલન સોંપેલું જે તેમણે જીવનપર્યંત કર્યું. પણ એ નિર્વિવાદ હકીકત છે કે લોકભારતીની સ્થાપના તો નાનાભાઈ ભટ્ટે જ કરેલી. હવે પછી જો દર્શક વિષે લખવાનું થાય તો આપને આ હકીકત ધ્યાનમાં લેવા વિનંતિ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s