પ્રકૃતિમાતા દસ મહાદેવીઓ રૂપે.
આજે માતૃદિન મધર્સ ડે છે. ભારતમાં મધર્સ ડે ઉજવવાનો ખાસ રીવાજ નથી. હવે પશ્ચિમની દેખાદેખી ઉજવવા લાગ્યા હોઈએ તો બરોબર છે. અમેરિકામાં ક્રિસમસ પછી સૌથી વધુ ઉજવાતો દિવસ મધર્સ ડે છે. મતલબ આપણે ભલે જે માનતા હોઈએ પણ પશ્ચિમના લોકોમાં પણ માતાનું મહત્વ છે. માતા, માતૃત્વ, માતા સાથેનું સામાજિક જોડાણ, અને માતાની સમાજ ઉપર પડતી અસરો વગેરેનું બહુમાન કરવા માટે મધર્સ ડે ઉજવાય છે. અમેરિકનો મધર્સ ડે નિમિત્તે ૨.૬ બિલ્યન ડોલર્સ ફૂલો પાછળ, ૧.૫૩ બિલ્યન ડોલર્સ ગિફ્ટ પાછળ અને ૬૮ મિલયન ડોલર્સ ગ્રેટીંગ કાર્ડ્સ પાછળ વાપરે છે. મધર્સ ડે દિવસે અહી સૌથી મોટો તડાકો રેસ્ટોરન્ટ અને ઝવેરાતની દુકાનોમાં પડતો હોય છે. આ દિવસે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવી મુશ્કેલ. હવે આ ઉપર લખ્યા તે ડોલર્સ ને રૂપિયામાં કન્વર્ટ કરો પછી જુઓ અમેરિકનો માતૃદિન પાછળ કેટલા બધા રૂપિયા વાપરે છે?
કુદરતને પણ આપણે માતા જ કહીએ છીએ. મધર નેચર કહીએ છીએ, ફાધર નેચર નથી કહેતા. એક બાળકના સર્જન પાછળ માતાનો રોલ બહુ મોટો અને મહત્વનો છે. આમ જોઈએ તો કુદરત પણ એક મોટા પાયા ઉપર માતા જ છે, એને મહામાતા પણ કહી શકીએ. આફ્રિકાની બોશોન્ગો જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. મુલે માણસ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાયો છે તે હકીકત છે અને જ્યાં જાય ત્યાં પોતાની સ્મૃતિઓ જોડે લઈને જ જતો હોય તે સ્વાભાવિક છે. માટે મને થયું અ એમનો બમ્બા આપણો બ્રહ્મા કે અંબા તો નહિ હોય? બમ્બા જોડે અંબાનો અને બ્રહ્મા નો પ્રાસ પણ કેવો સરસ મળે છે? શરૂમાં બધા સમાજો માતૃપ્રધાન હતા. આમ અંબાનું સ્થાન બ્રહ્માએ પચાવી પાડ્યું હોય તેમ પણ બને.
ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પ છીએ. વાર્તાઓ કહેવી અને એ રીતે ઘટનાઓ ને વિવિધતામાં ઢાળવી અને આગળની પેઢીને આમ શિક્ષણ આપવું તે માનવજાતનો એક મહત્વનો ગુણ છે. બચપણમાં અમને રોજ રાત્રે અમારા માતુશ્રી એક વાર્તા કહેતા. રાજા-રાણીની વાર્તાઓ, રાજાનો જીવ પોપટમાં હોય ને પોપટ મરી જાય તો રાજા પણ મરી જાય ને આવી જાતજાતની વાર્તાઓ કહેતા. વાર્તાઓ કહેવી હોય એટલે પાત્રો પણ ઉભા કરવા પડે. વાર્તાઓ કહીને કોઈ વિચાર કે વિચારધારા કે તત્વજ્ઞાનનું શિક્ષણ આપવું હોય ત્યારે એમાં જાતજાતના પાત્રો ઉમેરવા પડે પ્રતીકો ઉભા કરવા પડે, એનું નામ તો ક્રિયેટીવીટી કહેવાય ને? માતૃપ્રધાન બુદ્ધિશાળી સમાજે ભાષાનું બહુ વૈવિધ્ય નહિ હોય કે ભાષા વૈભવ હજુ ઉત્ક્રાંતિ પામ્યો નાં હોય માટે સરસ મજાના પ્રતીકો રચીને એમનું જ્ઞાન આગળ ધપાવવા ટ્રાય કર્યો હોય. આપણા પુરાણો એમાં જ સર્જાયા હોવા જોઈએ. ગ્રીક માયથોલોજી જુઓ એમાં પણ આપણા પુરાણો જેવા પાત્રો છે. મહાન મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે એ પાત્રોનો બાખૂબી ઉપયોગ કરેલો છે. અને એ પાત્રો ઉપરથી તેણે આજની મનોવૈજ્ઞાનિક ગ્રંથીઓ, કોમ્પ્લેક્સ, બીમારીઓ કે સ્થિતિઓને નામ પણ આપેલા છે. નાર્સીસ્ટ એનું ઉત્તમ ઉદાહરણ છે.
આમ માતૃપ્રધાન પ્રાચીન ભારતીય સમાજોએ કુદરતને જ એક મહાન માતા સમજી એના વિવિધરૂપ વર્ણવતા પ્રતીકો રચેલા છે જેને ભારતીય વિચારધારામાં દસ મહાદેવીઓ કહી છે. મોટાભાગે લોકો અંબા, દુર્ગા, મહાકાલી, ભવાની જેવી અમુક માતાઓને જ જાણતા હોય છે. નવી નવી માતાઓ પેદા કરતા હોઈએ છીએ. આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓ કઈ છે તે આજે કહું અને ઘણાને એમના નામ પણ નવા લાગશે. દસે મહાદેવીઓ પાર્વતીના રૂપ છે તે યાદ્ક રાખજો. માતા એક છે મધર નેચર એક જ છે પણ એના રૂપ વિવિધ છે. આ દસ મહાદેવીઓ છે,
૧)કાલી–અનંત રાત્રી ૨)તારા-દયાની દેવી ૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા ૪)ભુવનેશ્વરી-જગત રચયિતા ૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર ૬)ભૈરવી-રીસાયકલ ૭)ધુમાવતી-વિધવા ૮)બગલામુખી-મૌનનું મહત્વ ૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે. ૧૦)કમલા-પાલનહાર.
૧) કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો?? પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે. રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે. અંધકાર શાશ્વત છે, પ્રકાશ નહિ.
૨) તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. બાળક જન્મે ત્યારે માતાનું પહેલું કામ એને દૂધ પીવડાવી ઊર્જા આપવાનું હોય છે. પ્રાચીન સમાજો થી માંડીને હમણા મારી પેઢી સુધી બાળકને ચારપાંચ વર્ષ સુધી ધવડાવતા. માનું દૂધ ખાલી દૂધ નથી હોતું એમાં કુદરતી એન્ટાયબાયોટીક્સ પણ હોય છે. બાળક હજુ હમણા જન્મ્યું છે એના શરીરમાં હજુ ઈમ્યુન સિસ્ટમ વિકસતા થોડી વાર લાગશે. રોગપ્રતિકારક શક્તિ વિકસતા થોડીવાર લાગશે. માટે ઝેરી જીવાણું સામે લડવા તારા માતૃશક્તિ દૂધ પીવડાવી વહારે ધાશે.
૩) ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે. સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. The age of consent કેનેડામાં ૧૬ વર્ષ છે, અમેરિકામાં જુદા જુદા રાજ્યોમાં ૧૬ થી ૧૮ વર્ષ વચ્ચે નક્કી કરેલી છે, ભારતમાં ૨૦૧૨ સુધી ૧૬ વર્ષ હતી હવે ૧૮ વર્ષ છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.
૪) ત્રણ ભુવન રચનારી ભુવનેશ્વરીનું સ્થાન પુરુષપ્રધાન સમાજ આવતા બ્રહ્માએ પડાવી લીધું ને ભુવન રચયિતા તરીકે જાણીતા થઈ ગયા. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે.
૫) માતા પાર્વતી એકવાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતાના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે, એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એકનું મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે.
૬) માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.
૭) ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.
૮) વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.
૯) ચાંડાલની પુત્રી રુપે ભગવાન શિવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.
૧૦) કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. સર્વાઈવલ થવા માટે આ દુનિયામાં ધન-વૈભવની બહુ મોટી જરૂર પડતી હોય છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ બધા પ્રકૃતિમાતાના વિવિધ રૂપ છે, વિવિધ સ્વભાવ છે. પ્રકૃતિ ક્યારેક દયાળુ લાગે છે અને ક્યારેક ડીઝાસ્ટર આવે ત્યારે ક્રૂર લાગે છે પણ પ્રકૃતિ નાં તો દયાળુ છે નાં તો ક્રૂર, એ એનું કામ કરે જાય છે. આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે. આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે.
જો તમે સમજતા હો કે મહાકાલી કોઈ જગ્યાએ ગાળામાં નરમુંડ ની માળા લટકાવીને ફરતી હશે તો ભૂલમાં છો. જો તમે સમજતા હો કે બગલામુખીના કોઈ ઠગ ભક્તે રચેલા મંત્રો બોલી બોલીને હું સિદ્ધિઓ મેળવી લઈશ તો તમે ભૂલમાં છો.
આજે માતૃદીને પ્રકૃતિના માતા તરીકેના વિવિધ રૂપને માણો, પોતાની માતામાં સમગ્ર પ્રકૃતિની અનુભૂતિ કરો. અને છેવટે પોતાની માતાને લઈને મસ્ત મજાનું ભોજન કરાવી આવો. એક દિવસ તો એને રસોડામાંથી મુક્તિ આપો.
પૃથ્વીના પ્રારંભિક તબક્કામાં એક કોષીય જીવ પેદા થયા. જે કોષવિભાજનથી વંશ વૃદ્ધિ કરતા હતા. આમ “આદિમ પ્રકૃતિ” પણ માતૃપ્રધાન હતી. પછી પ્રકૃતિએ જીવોની ઉત્ક્રાંતિ મેલ-ફીમેલ સુધી કરી.
હડપ્પા સંસ્કૃતિમાં એક મૂર્તિ છે જેમાં એક સ્ત્રીના ગર્ભમાંથી છોડની ઉત્પત્તિ બતાવી છે. એવું માનવામાં આવે છે કે હડપ્પાના લોકો પૃથ્વી માતાના પ્રતિક તરીકે આ મૂર્તિ રાખતા હશે. જે પણ હોય એટલે એટલું તો માની જ શકાય કે હડપ્પા સંસ્કૃતિથી માતૃશક્તિની પૂજા થતી હતી.
મહાભારતમાં પણ પાંડુ પુત્રો માતાના નામે કોન્તેય તરીકે, કર્ણ તેની માતાના નામે રાધેય તરીકે ઓળખાતા. એટલે ભારતીય સંસ્કૃતિ સાવ પુરુષપ્રધાન કદી નથી રહી.
આપના પ્રાચીન શાસ્ત્રોમાં મોટા ભાગે ઉપમાઓ અને પ્રતીકોથી બાબતો સમજાવી છે.
પ્રકૃતિ હોય કે સ્ત્રી હોય તેના જુદા જુદા રૂપ હોય છે, પ્રેમાળથી લઈને કૃદ્ધ. જેની આપે ખુબ સારી છણાવટ કરી છે.
LikeLike
અહીં તો એક દિવસ Mother’s Day અને બાકીના Others’ Day હોય છે, બસ પહેલો અક્ષર
કાઢી નાંખવાનો.
LikeLike
પોતાની માતાને લઈને મસ્ત મજાનું ભોજન કરાવી આવો. એક દિવસ તો એને રસોડામાંથી મુક્તિ આપો…
સાચી વાત
LikeLike
સુંદર. દરેક ગુજરાતી મા, બાપ, દિકરી, દિકરા માટે અમૂલ્ય. પ્રતિકો અને તેના થકી મેસેજ…માન ગયે.
LikeLike