યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?

 યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?scrts

“સૉક્રેટિસ મહાન ફિલસૂફ હતા, મીરાં મહાન હતી છતાં તેમને બંનેને ઝેર શા માટે પીવું પડ્યું? ઈશુ ખ્રિસ્ત ભગવાનના એકના એક પુત્ર હતા, ગાંધીજી મહાત્મા હતા તેમની કરુણ હત્યા કેમ થઈ? પરમહંસ સ્વામી રામકૃષ્ણ ઋષિ હતા. તેમનું મૃત્યુ કેન્સર થી શા માટે થયું? આવા પુણ્યશાળી મહાત્માઓએ પણ એમના આગલા જન્મમાં અક્ષમ્ય અપરાધ કે ઘોર પાપ કર્યા હશે, જેથી તેમના જીવનનો અંત કરુણ આવ્યો? જો તેમને પૂર્વ જન્મમાં કઈ મોટા અપરાધ કે પાપ કર્યા હોય તો આ જન્મમાં મહાત્મા બનવાનું તેમનું પ્રારબ્ધ કોણે લખ્યું?”

ઉપર મુજબના સવાલ એક યુવાન મિત્ર પ્રહલાદસિંહ જાડેજાના મનમાં સામટાં ઉદ્ભવ્યા છે. અને આ સવાલો એમણે ફેસબુકમાં મૂક્યા છે. ફેસબુક ખાલી ફોટા શેઅર કરવાનું કે ગપ્પાં મારવાનું સ્થળ નથી રહ્યું. ત્યાં વિચારશીલ મિત્રો ઘણી ગહન ચર્ચા કરતા હોય છે. કર્મના નિયમમાં જે છીંડા છે તેને અનુલક્ષીને આવા સવાલો ઉદ્ભવતા હોય છે. ઉપર લખેલા કહેવાતા મહાત્માઓએ આગલા જન્મમાં ઘોર પાપ કર્યા હોય તો આ જન્મમાં પુણ્યશાળી કઈ રીતે બન્યા? વળી ઈશુ તો ભગવાનના પુત્ર હતા. એમને તો વળી કેટલી બધી ક્રૂરતા થી ક્રોસ પર ચડાવી દીધા? ખ્રિસ્તીઓ કહેશે જીસસે આપણા પાપોની સજા ભોગવી. પાપ આપણે કરીએ અને સજા બીજો કોઈ શું કામ ભોગવે?

પાપ પુણ્ય ની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે ખરી? આપણે જેને પાપ સમજતા હોઇએ તેને બીજા લોકો આરામથી કરતા હોય છે. હિંદુ માટે ગાયની હત્યા કરવી પાપ ગણાય તો મુસલમાન અને ખ્રિસ્તી માટે તે પાપ કેમ નહિ? નિયમ તો સરખો જ હોવો જોઈએ ને? બીફ ખાવું પાપ ગણાય તો મરઘી એ શું ગુનો કર્યો? વળી જૈન માટે તો કીડી મરી જાય તો પણ પાપ લાગે. માટે જૈનો ખેતી કરતા નથી. ખેતી કરવામાં હળ ચલાવવું પડે એમાં અસંખ્ય જીવ જંતુઓ મરી જાય માટે પાપ લાગે. એ પાપ હિંદુઓ ભલે કરતા. પણ એ પાપનાં ફળ રૂપે પાકેલું અનાજ જૈન થી ખવાય એમાં પાપ નાં લાગે. છે ને હસવા જેવી વાત?

કર્મની કહેવાતી થીઅરીમાં જૈનો સૌથી વધુ માનતા હોય છે. ઓશોએ એક બહુ મસ્ત રમૂજી દાખલો આપેલો. કોઈ માણસ ધારો કે કૂવામાં પડી ગયો છે અને બચાવવા બુમો પાડે છે. હવે ત્યાંથી હિંદુ નીકળશે તો એને બચાવવો જોઈએ તે માટે પ્રવચનો આપશે, ફંડ ફાળો ઉઘરાવશે ભલું હશે તો ત્યાં મંદિર બનાવી નાખશે, ખ્રિસ્તી નીકળશે તો કમરથી દોરડું છોડી સીધું લટકાવી દેશે કૂવામાં. ઓશો હસતા હતા કે ખ્રિસ્તી સેવા કરવા હમેશાં તૈયાર જ હોય કે ક્યારે કોઈ કૂવામાં પડે એની જાણે રાહ જ જોતા હોય, ને સેવા કરવાનો ચાન્સ મળી જાય. દોરડું ડોલ બધું રેડી જ હોય. અને જૈન નીકળશે તો આડું જોઇને ચાલ્યો જશે જાણે કશું જોયું જ નથી. કૂવામાં પડ્યો તો કરમ એના. આ જન્મે નહિ તો ગયા જન્મે કોઈ કરમ કર્યું હશે. અને ધારો કે એને બચાવીએ અને બહાર નીકળી ભવિષ્યમાં કોઈનું ખૂન કરી નાખે તો?  હિટલર બની જાય તો? તો એમાં ભાગીદાર ગણાઈ જવાય.. એટલે જૈનો પુણ્ય કરવા પાંજરાપોળ ખોલશે કીડીયારા પૂરશે. પશુઓ અને જીવજંતુ હિટલર તો બનવાના નથી જ. એટલે એમના પાપમાં ભાગીદાર બનવાના ચાન્સ ઓછા. હિંદુઓ ખેતી કરી પાપ કરે, યુદ્ધો કરી પાપ કરે આપણે અનાજ ખાવાનું અને અહિંસા પરમોધર્મનાં નારા લગાવે રાખવાના.  imagesZBUXCP4Z

આમ પાપ-પુણ્ય ની કોઈ સચોટ વ્યાખ્યા છે જ નહિ તો એના લીધે ભોગવવા પડતા ફળ માટે કોઈ સચોટ નિયમ ક્યાંથી હોય? કયા કર્મને સારા ગણવા કે કયા કર્મને ખરાબ ગણવા તેની જ કોઈ સચોટ વ્યાખ્યા કે નિયમ છે નહિ. ભૌતિકશાસ્ત્ર કે શરીરશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રનાં સચોટ નિયમો હોય છે જે બધાને બધી રીતે સરખાં જ લાગુ પડતા હોય છે. સફરજન ઝાડ પરથી પડે ત્યારે નીચે જ પડે છે ઉપર ગતિ કરતું નથી. સફરજન નીચે પડે અને કેરી ઉપર જાય તેવું બને નહિ. ઝાડ પરથી મુસલમાન કે ખ્રિસ્તી નીચે પડે અને હિંદુ કે જૈન ઉપર તરફ જાય તેવું પણ બને નહિ.

શ્રી પ્રહલાદસિંહનાં બીજા પ્રશ્નો જુઓ, “જ્યારે કોઈ મોટી કુદરતી દુર્ઘટના બને ત્યારે કે નદીના પૂર, ધરતીકંપ, જવાળામુખી, દુષ્કાળ, વાવાઝોડાના તોફાનો થાય ત્યારે, હજારો મનુષ્યો, પશુઓ, જંતુઓનો એકીસાથે નાશ થાય છે. કેટલાય ઘરબાર વગરના બને છે કેટલાય ઘાયલ થાય છે ત્યારે સવાલ થાય કે શું એક જ વિસ્તારમાં વસતા આટલા બધા લોકોને તેમના ઓછાં-વત્તા, સારા-નરસા કર્મો માટે સામુદાયિક રૂપની એક જ પ્રકારની સજા થાય? શું તે દરેકના કર્મો એકસમાન હતાં? પ્રારબ્ધમાં લખાયું હોય તે ભોગવવું પડે તો પ્રારબ્ધ લખવા માટે કોઈ ઈશ્વરીય નિયમો તો હશે ને? કોર્ટ કોઈને સજા કરે ત્યારે તેને કયા ગુના માટે સજા થઈ તેની જાણ આરોપીને કરે છે, પણ કર્મફળની ઈશ્વરી અદાલતમાં સજા થાય છે તે તેના ક્યાં કર્મો માટે થાય છે તેની કશી જાણ થતી નથી. આ સજા આ જન્મના કુકર્મો માટે થઈ કે પૂર્વજન્મના કુકર્મો માટે થઈ તે વિશે કશી જાણ થતી નથી. મનુષ્યને પૂર્વજન્મનાં પાપ પુણ્યની સ્મૃતિ રહેતી નથી. તેથી મનુષ્ય આગલા જન્મમાં કરેલ ભૂલોનું પુનરાવર્તન કર્યે જાય છે મનુષ્યની આવી સ્થિતિ માટે ખરેખરતો પ્રારબ્ધ યા ઈશ્વર ગુનેગાર ગણાય મનુષ્યતો અજ્ઞાની છે તેને તેના અજ્ઞાન માટે માફી આપવી ઘટે.”

મિત્રો પ્રહલાદસિંહનાં પ્રશ્નો વિચારતા કરી મૂકે તેવા છે. મૂળ પાપ-પુણ્ય, પુનર્જન્મ, પ્રારબ્ધ આ બધી માન્યતાઓ છે અમૂર્ત વિચારણાઓ છે. આ બધા સવાલો જ બતાવે છે કે આ બધી થીઅરીમાં ક્યાંક ખોટ છે. એટલે જ્યારે પ્રાકૃતિક દુર્ઘટનાઓ બને છે ત્યારે મંદિરો કે ચર્ચ જે આડે આવે તે ફૂંકાઈ જતું હોય છે. કહેવાતા પુણ્યશાળી આત્માઓ પણ એમાં દેવલોક પામી જતા હોય છે. પ્રકૃતિ કોઈને છોડતી નથી. પ્રકૃતિને ખબર હોતી નથી કે આ પાપી છે કે પુણ્યશાળી. આ મંદિર છે એટલે એને અસર નાં થવી જોઈએ તેવું પ્રકૃતિની સમજમાં આવે નહિ. પ્રકૃતિ સમાન સિવિલ કોડમાં માને છે. હિંદુ માટે જુદા કાયદા અને ખ્રિસ્તી કે મુસલમાન માટે જુદા કાયદા તેવું પ્રકૃતિમાં હોય નહિ.

રામકૃષ્ણ પરમહંસ દેવને કેન્સર થયું તે શરીરશાસ્ત્રનાં નિયમો.. એમને જે જિનેટિક વારસો એમના પૂર્વજો તરફથી મળ્યો હશે એ પ્રમાણે બન્યું હશે. એમાં રામકૃષ્ણ દેવે ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હશે માટે આમ થયું તે કહેવું જ નકામું છે. ઊલટાનું એવું માનવું કે કહેવું તે રામકૃષ્ણ જેવા માનવ માટે અપમાનજનક કહેવાય. ખાનપાન ની ટેવો, વાતાવરણ અને જિનેટિક વારસો બધું ભેગું મળીને આપણને આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. હું આખો દિવસ મંજીરા વગાડી પ્રભુનું ભજન કરું અને ટી.બી યુક્ત ફેંફસા ધરાવતા ચરસી બાવાઓ ભેગો બેસી એમની એંઠી ચલમ ફૂંકુ તો મને ટી.બી. થવાનો જ છે. અહીં પ્રભુ કહેવાનો નથી કે આ મારો ભક્ત છે ટીબી મહાશય એમનાથી દૂર રહેજો. કદાચ મારી રોગપ્રતિકારક શક્તિ બળવાન હોય તો ટીબી મહાશય દૂર પણ રહે એમાં કોઈ નવાઈ નહિ. હું ધ.ધુ.પ.પુ  ૧૦૦૮ હોઉં છતાં વાતાવરણની અસરમાં શરદી થવાની છે. કિડની સ્ટોન અને હાર્ટ પ્રૉબ્લેમ મારો જિનેટિક વારસો છે. આમાં પાપપુણ્ય અથવા કર્મોના લીધે થાય છે તેવું માનવું જ નકામું. કહેવાતા પાપીઓ ટપ દઈને કોઈ પણ તકલીફ વગર મરી જતા મેં જોયા છે અને કહેવાતા પુણ્યાત્માઓ રિબાઈ રિબાઈ ને મરતા પણ જોયા છે. એમાં કોઈ દોષી હોતું નથી.

દરેક માણસની એક વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. આ સ્ટ્રેટેજી જન્મે ત્યારથી ઘડાવા માંડતી હોય છે. બાળક જન્મે ત્યારથી એના બ્રેનમાં સર્કિટો ગૂંથાવા લાગતી હોય છે, માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ, સિન્થેસિસ સતત ચાલતું જ હોય છે. માટે બે વર્ષનું થાય ત્યાં સુધી બાળકને નાહક જરૂર વગર રડવા દેવું નહિ તેવું ન્યુરોસાયંસ કહે છે. રડે કે તરત ઊચકી લેવું તેવું કહે છે. કારણ રડે એટલે સર્વાઈવલ મોડ ઉપર સ્વિચ ઓન થઈ જાય એટલે પેલું બ્રેન સિન્થેસિસ અટકી જાય. બાળક આજુબાજુના વાતાવરણ પ્રમાણે બધું શીખતું જતું હોય છે. શીખવાનું તો લગભગ આખી જીંદગી ચાલુ જ રહેતું હોય છે પણ બચપણમાં જે પગદંડીઓ બ્રેનમાં ન્યુઅરલ પાથ વે તરીકે બની ગઈ હોય તે આખી જીંદગી તેની સેવા કરતી હોય છે. એને જ આપણે સાદી ભાષામાં સંસ્કાર કહીએ છીએ.

બાળક પહેલું એના માબાપ પાસેથી શીખતું હોય છે. માટે આપણે માબાપના સંસ્કાર એમ કહેતા હોઈએ છીએ. હવે આ તમામ માહિતી અને અનુભવોનું પ્રોસેસિંગ અને સિન્થેસિસ કરીને એમાંથી ઇમ્પ્લીમેન્ટેશન કેટલું અને કઈ રીતે થશે તે કહેવાય નહિ. બ્રેન સર્કિટ કે પાથવે કે પગદંડી કેવી અને કઈ બનશે કહેવાય નહિ. પિતા સ્ટ્રેસ અનુભવતા સિગારેટ સળગાવે છે તે જોઈ બાળક મોટું થઈ ને તેનું અનુકરણ કરી શકે છે અથવા પિતા સિગારેટ ફૂંકી ફૂંકી લંગ કેન્સરમાં અકાળે મરી ગયા છે તો બાળક મોટું થઈ કદાચ જિંદગીભર સિગારેટને હાથ નાં લગાડે તેવું પણ બને અથવા પિતાના આવા અકાળ દુઃખદ મૃત્યુમાંથી કશું શીખ્યા વગર સિગારેટ પીધે પણ રાખે.

તમને મુઘલ બાદશાહોની એક સર્વાઈવલ સ્ટ્રેટેજીની ખબર જ હશે કે પિતાને જેલમાં નાખી કે ભાઈઓ વગેરેને મારી નાખી ગાદી પર ચડી બેસવું. બીજા મુસલમાન જેવા કે અરબસ્તાન કે ઓટોમન સામ્રાજયનાં બાદશાહો કે ખલીફાઓ આવું કરતા હતા તેવું જો તમને માનતા હોવ તો ખોટું છે. આ ખાલી મુઘલોનો સાંસ્કૃતિક કે જિનેટિક વારસો ગણો તો ગણી શકાય. મૂળ મુઘલો પહેલા મુસલમાન હતા જ નહિ. મોંગોલિયા જે ચીનની બાજુમાં આવ્યું ત્યાંની આ પીળી પ્રજા મુઘલો હતા. ચંગીઝખાન ત્યાંનો ઇતિહાસ પ્રસિદ્ધ સમ્રાટ હતો તે મુસલમાન નહોતો. આ મુઘલો મોન્ગોલીયામાં હતા મુસલમાન નહોતા ત્યારથી બાપને કે ભાઈઓને મારી ગાદી પર ચડી બેસવાની સર્વાઈવલ સ્ટ્રેટેજી અપનાવતા હતા. કાલક્રમે એમના વંશજો અફઘાનિસ્તાન આવ્યા મુસલમાન બન્યા અને પછી હિન્દુસ્તાનમાં આવ્યા પણ પેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી જોડે લઈને આવ્યા. આ નામ પાછળ ખાન લગાવવાનો રિવાજ મોન્ગોલીયામાં હતો અરબસ્તાનમાં નહિ..

ભુટ્ટો રાજકારણમાં પડ્યા ખૂબ કરપ્શન કર્યું અને છેવટે ફાંસી પર લટકી ગયા પણ એમાંથી બેનઝીર શું શીખી? એ પણ રાજકારણમાં પડી ખૂબ કરપ્શન એણે એના હસબન્ડ સાથે મળીને કર્યું ને બૉમ્બ બ્લાસ્ટમાં મરી.. ઇન્દિરાજીની હત્યા થઈ, રાજીવ ગાંધીની પણ હત્યા થઈ પણ બચપણમાં બ્રેનમાં ગૂંથાઈ ગયેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી વળી પાછી રાહુલને રાજકારણમાં ખેંચી ગઈ કે નહિ? મેં શાહજહાં મેમલિયન ટ્રેજેડી નામનો લેખ લખેલો જ છે.

જેમ વ્યક્તિગત સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે તેમ આખા સમૂહની કે સમાજની પણ એક સર્વાઈવલ સ્ટ્રેટેજી હોય છે. કારણ આખરે માનવી સમૂહમાં રહેવા સમાજમાં રહેવા ઇવોલ્વ થયેલો છે. હિંદુ સમાજ, જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ એમાય પાછાં પેટા સમાજો એમની થોડી જુદી સ્ટ્રેટેજી અપનાવતા હોય તો વૈષ્ણવ સમાજ, સ્વામિનારાયણ સંપ્રદાય. એટલે હું કહું છું હિંદુ એટલે જીવન જીવવાનો એક તરીકો. માનવ પાસે બીજા પ્રાણીઓની કમ્પેરીઝનમાં એટલું બધું મોટું વિચાર કરી શકે તેવું બ્રેન છે કે આમાં જાતજાતના ભાતભાતના કોમ્બિનેશન મળી જશે. ધર્મો એક બહુ મોટા સમુહે જીવન જીવવાના સર્વાઈવલ સ્ટ્રેટેજી તરીકે અપનાવેલા તરીકા માત્ર છે. સ્થળ, કાળ અને વાતાવરણ પ્રમાણે આમાં પણ ફેરફાર થયે જ જતા હોય છે. આજ હિંદુ સમૂહ પશુઓના બેફામ બલિદાનો એક સમયે આપતો હવે એણે નક્કી કર્યું કે આવું બધું ખોટું છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ ની આગેવાની હેઠળ આજ બીકણ ગણાતા ગુજરાતીઓએ માળવા, મેવાડ અને મારવાડ ઉપર ચડી જઈને બધું ધમરોળી નાખેલું. એના પછી આવેલા કુમારપાળે જૈનધર્મ અપનાવ્યો, માથામાં પડતી ‘જુ’ મારવાનો પ્રતિબંધ મૂક્યો ને ધીમે ધીમે ???? વાતાવરણ ની અસર જિન્સ ઉપર અને જિન્સની અસર વાતાવરણ ઉપર પડતી હોય છે. નેચર અને નર્ચર બધું અરસપરસ કામ કરતું હોય છે.

હવે આ સમુહે નક્કી કરેલી સર્વાઈવલ સ્ટ્રેટેજી બહાર કશું કરો એટલે સમાજ કહેશે પાપ કર્યું. એને સપોર્ટ કરતું કશું કરો એટલે કહેશે પુણ્ય.. વ્યક્તિગત હોય કે આખા સમૂહની જે તે સ્ટ્રેટેજી સારી છે કે ખરાબ તે અલગ વિષય છે. એક સમયે યજ્ઞોમાં પશુઓના બલિદાન આપવા પુણ્ય ગણાતું, ધર્મ ગણાતો. આજે ?? જૈન સમાજ માટે કીડી મારવી પાપ ગણાય અને બકરી ઈદના દિવસ કેટલા બકરાં ધાર્મિક વિધિ તરીકે કપાઈ જતા હશે? બંગાળના બ્રાહ્મણના પણ ઘર પાછળ પુકુર નામથી નાનું તળાવ હશે અને તેમાંથી પકડીને રોજ માછલી ખવાય તો પાપ નાં લાગે? અને ધર્મના કહેવાતા ઠેકેદાર પાંડુરંગ દાદાએ સમજ્યા વગર ગુજરાતના માછીમારોને માછલા ખાતા તે પાપ કહેવાય સમજાવી એક સરળ સસ્તો ઓમેગા-૩ મેળવવાનો રસ્તો બંધ કરી દીધો. એ બિચારાં બદામ તો ખાઈ શકવાના નથી. આ તો જસ્ટ દાખલો આપું છું કોઈ સ્વાધ્યાયીએ ખોટું લગાડવાની જરૂર નથી. ઈંડા અને માછલી ખાવાથી પાપ લાગતું હોય તો બધાને સરખું જ લાગે હિંદુ હોય, ગુજરાતી હોય કે મુસલમાન શું ફરક પડે છે? તિબેટમાં એક સ્ત્રીના અનેક પતિ હોય છે જ્યારે આપણે એક ભવમાં બે ભવ નાં કરાય કહી પતિ સિવાય બીજા પુરુષનું ચિંતન કરવું પણ પાપ ગણીએ છીએ. કેન્સર થાય સારી સારવાર મળી જાય તો ઘણા બચી જતા હશે પણ લગભગ બધા જ મરે હિંદુ હોય કે ખ્રિસ્તી કે રામકૃષ્ણ પરમહંસ કોઈ ફરક પડે નહિ. ઉત્તરાખંડમાં આભ ફાટે ત્યારે જે ઝપટમાં આવે તે બધા જાય એમાં ફલાણો પાપી અને ફલાણો પુણ્યશાળી એવું કશું હોય જ નહિ.

સર્વાઈવલ સ્ટ્રેટેજી વ્યક્તિગત હોય, કુટુંબની હોય, આખા સમાજ કે જ્ઞાતિની હોય, ગામની હોય, દેશની હોય, સંસ્કૃતિની હોય ધર્મની હોય જાતજાતની હોય ભાતભાતની હોય અને બધાનાં શંભુમેળા જેવી પણ હોય. સ્થળ બદલાય તો બદલાઈ પણ જાય. વાતાવરણ બદલાય તો બદલાઈ પણ જાય. દેશ બદલાય ધર્મ બદલાય તો પણ બદલાઈ જાય. વાંચન અને ચિંતનમનન થકી પણ બદલાઈ જાય. અમુક બદલાય અને અમુક ના પણ બદલાય. પણ બચપણમાં જે હાર્ડ વાયરિંગ બ્રેનમાં થઈ ગયું હોય છે તે આખી જીંદગી સેવા આપતું હોય છે તે હકીકત છે. પણ એને થોડા વિરલા સદંતર બદલી શકતા હોય છે. થોડા વિરલા નવી પગદંડી બ્રેનમાં બનાવી લેતા હોય છે. એને આપણે મહામાનવો કહેતા હોઈએ છીએ.

પાપ-પુણ્ય, લોક-પરલોક, પ્રારબ્ધવાદ, અવતારવાદ, પુનર્જન્મ, સર્વે એક સમાન(ઇક્વાલિટી) આવી અનેક ધારણાઓ વિચારણાઓ મોટું બ્રેન કરતું હોય છે. મોટા બ્રેન જોડે શબ્દોની ભાષા છે. ઊંચા ઊંચા આદર્શોની વાતો લાર્જ કોર્ટેક્સ આરતુ હોય છે. મેમલ બ્રેન પાસે અક્ષરધામ નથી તે શબ્દોની ભાષા જાણતું નથી. આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે.

અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. તેની ભાષા ફક્ત સર્વાઈવલની છે. આપણે કરોડો વર્ષ તૃણઆહારી પ્રાણીઓ તરીકે જન્મ્યા હતા. આપણે કરોડો વર્ષ માંસાહારી પ્રાણીઓ તરીકે જન્મી ચૂક્યા છીએ, આપણે કરોડો વર્ષ ઉભયહારી પ્રાણીઓ તરીકે જન્મ લેતા હતા. અને લાખો વર્ષથી ઉભયહારી મનુષ્ય તરીકે જન્મ લઈ રહ્યા છીએ. સમૂહમાં જીવવા માટે આપણે ઇવોલ્વ થયેલા છીએ. એટલે જ્યારે કોઈ સમુહને એમ લાગે કે સમૂહના સર્વાઈવલ માટે જે તે સ્ટ્રેટેજી સમાજે ઘડી કાઢી છે ભલે તે આજે ખોટી લાગે પણ તેની બહાર જઈને કોઈ નવો રાહ અપનાવે ત્યારે જે તે સમાજને જે તે સમયે તે નુકશાન પમાડશે તેવું લાગે તો એને ખતમ કરી નાખવામાં આવે છે. ભલે તે નવો રાહ ભવિષ્યમાં સમાજને લાભ પહોચાડે તેવો જ કેમ નાં હોય? આજે આપણે નરસિંહ મહેતાને મહાન સુધારક ગણીએ છીએ કે એમણે હરિજનવાસમાં ભજન ગાઈને એક સુધારાનાં બીજ વાવ્યાં, પણ ૧૪મી  સદીના કોઈ નાગરને પાછો બોલાવી પૂછો તો નરસિંહ મહેતા એ ઘોર પાપ કરેલું તેમ જ કહેવાનો. નરસિંહને મુકો નાતબહાર. મારો ગાંધીને ગોળી, આપો સોક્રેટીસને અને મીરાં ને ઝેર, ચડાવો જિસસને ક્રોસ ઉપરimages

આપણા વ્યક્તિગત કે કૌટુંબિક ભલા કે સર્વાઈવ માટે જે કરીએ તે પુણ્ય અને નુકસાનકારક કરીએ તે પાપ પણ આપણે સમૂહમાં જીવવા ઇવોલ્વ થયેલા છીએ માટે સમૂહ સર્વાઈવ થશે તો આપણે સર્વાઈવ થઈશું તેવું જાણી સમૂહના ભલા માટે, સર્વાઈવ માટે જે કરીશું તે પુણ્ય અને સમૂહને નુકશાન થાય તેવું કરીશું તે પાપ. સમૂહના ભલા માટે સમાજના ભલા માટે કોઈવાર વ્યક્તિગત ફાયદાને તિલાંજલિ આપીએતે પરમાર્થ. પણ પરિવર્તનશીલ સંસારની હકીકત જાણી કેટલાક સ્વપ્નદ્રષ્ટા (વિઝનરિ) પોતાના સમૂહના કે સમગ્ર માનવજાતના ભવિષ્યના ભલા માટે સાંપ્રત સમાજની તત્કાલીન સર્વાઈવલ સ્ટ્રેટેજી છોડી નવો રાહ અપનાવી એના માટે બલિદાન આપે છે તેને આપણે સોક્રેટીસ, ગાંધી કે જિસસ તરીકે ઓળખીએ છીએ.

21 thoughts on “યે પાપ હૈ ક્યા ઔર પુણ્ય હૈ ક્યા ?”

  1. – બાલાશંકરકંથારિયાનું ગીત યાદ આવે છે

    થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે
    ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે

    હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
    જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે

    જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
    ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે

    થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
    ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે

    અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
    જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે

    સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે
    ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે

    હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
    હજારોશોચમાંછે કે અમારુંશુંથવાનુંછે

    થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
    ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે

    Like

  2. Very Intresting article Bhupnedrsinh. If we ‘human’ understand this fight only for what we born with then society would be different. At birth, every human were given their name, religion, Jaat, class, etc… No one born with any of this. Your article well explained why they need this catagorized title….. It may give them their survival strategy…. However, we must move and make changes whenever possible or whenever we learn that our survival strategy is not right for us.

    Like

  3. સરસ વિશ્લેષણ છે.
    ‘નેચર અને નર્ચર બધું અરસપરસ કામ આરતુ (?) હોય છે.’
    ‘પાપ-પુણ્ય, લોક-પરલોક, પ્રારબ્ધવાદ, અવતારવાદ, પુનર્જન્મ, સર્વે એક સમાન(ઇક્વાલિટી) આવી અનેક ધારણાઓ વિચારણાઓ મોટું બ્રેન આરતુ (?) હોય છે. ‘
    કદાચ સ્પેલીંગ મીસ્ટેક હશે. (પણ મને નવો શબ્દ મળ્યો – દુ:ખમાંથી છૂટવા માટે પ્રભુની પ્રાર્થના કરતો ભક્ત. – ભગવત ગોમંડલ)
    ‘….the mammal brain does not process abstractions. ‘ –
    મને લાગે છે કે ‘વિજ્ઞાન’ ‘abstraction’ નું ‘subtraction’ અને ‘analysis’ કરતું રહે છે તેથી વિજ્ઞાન પરિવર્તશીલ છે. આમ ફ્રન્ટલ કોર્ટેક્ષમાં પ્રોસેસીંગ ચાલતું રહે છે.

    Like

    1. સ્પેલિંગ મિસ્ટેક છે આરતું નહિ પણ કરતુ હોય છે વાંચવું.. સુધર્યું છે. જ્યાં જ્યાં કરતુ હતું ત્યાં ત્યાં આરતું આવી ગયેલું. ઘણી જગ્યાએ સુધર્યું પણ બે જગ્યાએ દેખાયું નહિ રહી ગયેલું. થેન્ક્સ ભૂલો બતાવવા બદલ. બીજી જડે તો કહેશો..

      Like

  4. પાપ અને પુણ્ય ની ભીતિ થી કૈક અંશે માણસ ખોટું કરતા અટકે છે ..જો પાપ ની સજા ના હોય કહેવાતી કર્મ સતા પાસે તો દરેક ખોટું કરે જ ..કારણ કોઈ ફળ દેનાર નથી ..અને બીજો જન્મ પણ નથી તો મજા કરો ..આવી મનો વૃતિ બધે ફેલાઈ જાય ..અને કોઈ ગહન અને ગુઢ રહસ્ય તો હોવું જોઈએ …જે કોઈ પણ તર્ક થી પર હોય …રામકૃષ્ણ ને માનો કે પાપ ની સજા થઈ તો આ જન્મ માં સંત કેમ બને ? ખરી વાત છે ત્યાં એવો ખુલાશો કોઈ કરે કે પાપ અને પુણ્ય ની માત્ર હશે ..કારણ દરેક કર્મ ભોગવવું પડે છે પછી પાપ હોય કે પુણ્ય હોય ..
    તો જે પાપ હતું તે ની સજા રૂપે રોગ થયો અને પુણ્ય પ્રતાપે સંતત્વ મળ્યું ..અહી પાપ માંથી પુણ્ય કે પુણ્ય માંથી પાપ બાદ થતું નથી ..કર્મ નો જે કાયદો બતાવેલ છે તેમાં બંને કર્મ ભોગ્ય છે ..આવી દલીલ પણ થાય છે …

    Like

  5. પાપ એટલે વ્યક્તિના સમૂહને અણગમતું એવું કૃત્ય જેની સજા તે સમૂહ કરી શકતો નથી
    તેથી મુલતવી રાખીને ઈશ્વર પર છોડે છે. પુણ્ય એટલે કોણીએ લગાડેલો ગોળ, ક્યારેક
    તો ખાઈ શકાશે તેવી આશાએ વ્યક્તિ તેના સમૂહને ગમતા કામો કર્યે રાખે તે માટેની
    લાલચ આપવાનું બહાનું.

    Like

  6. તમારા લોજીક સાથે સંપૂર્ણ અસહમત
    પાપ પુણ્ય ની વ્યાખ્યા અલગ અલગ ધર્મ / વિસ્તાર/વ્યાખ્યા પ્રમાણે અલગ અલગ છે
    પણ પાપ પુણ્ય વગર કોને સુખ કેવી રીતે મળે છે ? કે દુખ કેવી રીતે મળે છે એ સમજ માં નથી આવતું
    એક જ સમયે , એકજ હોસ્પિટલ માં બે બાળકો જન્મે અને એમાં થી એક સુખી હોય અને બીજા ને ઘોડિયા ના ફાંફા કેમ હોય ?
    એક જ શાળા માંથી ભણી નીકળેલા બે સમાન વિદ્યાર્થી સમાન ટકા મેળવી ને પણ એક ને સારી તક મળે અને બીજા ને ના મળે કેમ ?
    ઇવન એક જ પરિવાર ના બે ભાઈઓ કે બે બહેનો સમાન સંઘર્ષ કે વાતાવરણ છતાં પણ સમાન પ્રગતી નથી કરી શકતા
    અરે એ છોડો ક્યારેક કોઈ પ્રોબ્લેમ માંથી અણધારી સહાયતા મળે અને બચી જવાય
    જયારે અમુક વાર સામાન્ય પ્રોબ્લેમ માં પણ એવા ફસાઈએ કે કોઈ એક્ઝીટ ના મળે કેમ ?

    Like

  7. સ્નેહીશ્રી ભૂપેન્દ્રભાઇ,
    માનવ મનમાં ચાલતું સાચુ કુરુક્ષેત્ર …..જેનું તમે વિશ્લેષણ કર્યુ., આજના વિજ્ઞાને સાબિત કરેલા નિયમોને આઘારે. સત્ય બહાર આવ્યુ.
    Culture is not static for any group of people…..કોઇપણ મનવને માટે સંસ્ક્રૃતિ હંમેશા બદલાતી રહે છે…તે કદાપિ સ્થિર રહેતી નથી.
    મંગળની મહાદશા જેની કુડળીમાં બેઠી હોય તેને માટે..‘દશા‘ બેઠી છે ..કહેવાય. ( જ્યોતિષ )પરંતુ ૧૫૪ મીલીયન માઇલ દૂર રહેલાં આ લાલ ગ્રહ ઉપર નાસાઅે ૧ ટનના વજનવાળું ‘રોવર‘ ઉતાર્યુ ત્યારે રોવરના બનાવનારા અને મંગળ ઉપર ઉતારનારા વિજ્ઞાનીઓની જીંદગીમાં તે મંગળ કોઇ ‘દશા‘ તો બેસાડી નહિ દે ને ? જ્યોતિષ તો પાપ અને પૂણયનો હિસાબ વાંચનાર ખરો ને ?
    જેણે પાપના કર્યુ અેકે તે પહેલો પત્થર ફેંકે….પત્થર થર થર ઘ્રુજે……

    Osho said, ” The real question is not whether life exists after death…..The real question is whether YOU ARE ALIVE BEFORE DEATH.”

    પુનરજન્મમાં માનનાર માને છે કે આગલા જનમમાં કરેલાં પાપ અને પુણયોનો જુદો જુદો હિસાબ ચિત્રગુપ્ત રાખે છે. બીજા જનમમાં પાપનું ફળ પાપની કેટેગરીમાં આવે તેવું મળે અને પુણયનું તેની કેટેગરી પ્રમાણે. નવજીવન કોઇપણ જીવના સ્વરુપે મળે….માનવ…પ્રાણિ….મચ્છર…..માખી….અમીબા…..ઝાડ….માછલી……તમે નામ આપો ને તે……અને કદાચ અહલ્યામાંથી શલ્યા…….અને શલ્યામાંથી અહલ્યા……..
    હવે વાંચનાર પોતે પોતાના જીવનનો હિસાબ માંડે……અને પોતાની જાતને સવાલ પૂછે કે તેના મનમાં ચાલતા આ કુરુક્ષેત્રમાંથી તેની શું પસંદગી છે….???????????????????????????

    મર ગઇ દુનિયા મેરે મરને કે બાદ……

    અમૃત હઝારી.

    Like

  8. Bhupendrasinh – Interesting Article …
    એ-જ કે જે નડ્યો તે ગયો … જેને “ઘેટા” ઓને ડરાવીને વાડામાં પૂર્યા હોય તે છટકવા ‘નાં’ જોઈએ … એટલે મીરાં – સોક્રેટીસ – જીસસ ને મૃત્યુ-દંડ અપાયો … નહિ-તો મોટાભાગના “ધર્મ-ગુરુઓ”નો અંધ-શ્રધ્ધા ફેલાવાનો “ધંધો” બંધ થઇ જાય … જે અત્યારે ઇસ્લામ-પરસ્તો પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાક માં જોરશોરથી કરી રહ્યા છે … પોતાના-જ ભાઈઓને બોમ્બ-થી મસ્જીદમાં નમાઝ-પડતા ઉડાવી રહ્યા છે …
    ……
    તો શું માનવતા-નો-દુશ્મન ધર્મ છે? .. હકીકતે તો – ગીતા-કુરાન-બાઈબલ તે ઉત્તમ માનવતાના ગુણ-જ બતાવે છે … પરંતુ આ ધર્મ-ગ્રંથોને આધારે ચાલતી ધર્મ-નીહાતડીઓ ચલાવતા રાજકાણીઓ-ધર્મગુરુઓ-જ માનવ સમુહને ગેરમાર્ગે દોરી અને માનવ-હત્યાઓ કરે છે – કરાવે છે … … માનવતાનો દુશ્મન અલ્પ-સંખ્યામાં માનવ-શિયાળ રાજકારણીઓ-ધર્મગુરુઓ છે … જે ધર્મને નામે ડરાવી અને સમુહને “બુદ્ધિ-અંધ-ડરપોક-ઘેટા” બનાવી અને વાડા-માં પુરાવા માંગે છે … આવું દરેક ધર્મમાં છે … થોડા વર્ષો પહેલાં સ્વામીનારાયણ-નાં સ્વામીઓ રસ્તા ઉપર આવી અને “ગઢડા” ખાતે મારામારી ઉપર ઉતારી આવ્યા હતા અને આજે પણ કોઈ એક સ્વામીનારાયણ-નો પંથ બીજા પંથ વિષે સારું તો નથી-જ બોલતો … તે-જ પ્રમાણે જૈન મહારાજ-શ્રીઓ પણ “ઘેટાં” ઓ ને જમા કરવા ઘણીવાર બીજા મહારજ-શ્રી અને બીજા-ધર્મ વિષે ઉતરતું બોલતા અનેકો વખત સાંભળ્યા-જ છે …
    …….
    #
    જ્યાં સુધી માનવ પોતાના આત્માને ઈશ્વર તરીકે નહિ ઓળખે ત્યાં સુધી આવા “ઘેંટા-વાડા” ચલાવતાં રાજકારણીઓ- ધર્મગુરુઓ નવી રેશનલ-વિચારધારાની હત્યા રૂપે “માનવ-હત્યા” કરતા રહેશે … ડર એમને એટલો-જ કે –
    “રખેને મારા ઘેટા ભાગી જાય અને મારો ધંધો બંધ થઇ ગયો તો?”

    Like

  9. આજ ગીરીરાજસિંહ કે અમિત શાહ દ્વારા કરાતું કાર્ય તેમનું પુણ્ય પણ આઝમ ને અફઝલ માટે પાપ છે .

    Like

  10. Saras lekh sachot margdarshan badhi ( dharma industries limited ) na badha bord of director mate vanchva jevo lekh parantu vanchi ne prajane samjavava jai to pela vada ma purela GHETA Bhagi jai tenu su.

    Like

  11. મને પણ ઘણીવાર આવા પ્રશ્નો થયા જ કરે છે…ખાસ કરીને જ્યારે હું મોટા મોટા મંદિર ના પૂજારી ઑ ને જોવ છું ત્યારે મને થાય છે કે આ લોકો એ ગયા જન્મ માં કયા પુણ્ય કર્યા હસે કે આજે આ લોકો ને ભગવાન ની આટલી સેવા નો લાભ મળે છે..ઘણી વાર તો મંદિરમાં સામાન્ય માણસ ને 5 સેકંડ પણ દર્શન કરવા નથી દેતા પણ પૂજારીઓ હમેશા ભગવાન ની બાજુમાં જ હોય છે…

    Like

  12. મને પણ ઘણીવાર આવા પ્રશ્નો થયા જ કરે છે…ખાસ કરીને જ્યારે હું મોટા મોટા મંદિર ના પૂજારી ઑ ને જોવ છું ત્યારે મને થાય છે કે આ લોકો એ ગયા જન્મ માં કયા પુણ્ય કર્યા હસે કે આજે આ લોકો ને ભગવાન ની આટલી સેવા નો લાભ મળે છે..ઘણી વાર તો મંદિરમાં સામાન્ય માણસ ને 5 સેકંડ પણ દર્શન કરવા નથી દેતા પણ પૂજારીઓ હમેશા ભગવાન ની બાજુમાં જ હોય છે…

    Like

  13. પાંડુરંગ શાસ્ત્રી એ ક્યારેય માછલી ખાવાનું બંધ નથી કરાવ્યું… એમને તો મત્સ્યગંધા નો પ્રયોગ આપીને માછીમાર ભાઈયો ને કહ્યું હતું કે આ પાપ નો નહિ પણ બાપ નો ધંધો છે.

    Like

  14. સ્નેહીશ્રી ભૂપેન્દ્રભાઇ,
    mne lage 0e ke tmara sval no jvab kmR no is@2a>t nam nI buk ma> 0e.

    Like

  15. Very nice article! The theory of pap and punya has some quantity of relevance. This could be related to benefits out of good deeds and losses out of bad deeds. “As you sow, you reap.” However, to extend this phenomenon beyond existing life without any scientific proof is not acceptable. The techniques of survival game can help you a lot, but there is no guaranty. Human beings as other life forms are nothing but a tiny particle in this universe. It means we are interdependent and connected strongly with entire universe. We, may feel right now strong and imperishable with our knowledge of technology and science but a clash of about 2 km. size of asteroid with the earth can completely destroy almost all life on earth. Accumulated good deeds ( Punyas) can give a good reward. Similarly one bad act or number of bad acts(pap) may punish very harshly. But there is no guaranty.

    Like

Leave a comment