લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ

 mosuoલગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ.

હમણાં એક મિત્રે સરસ જોક જેવી પોસ્ટ મૂકેલી, એનો ભાવાર્થ એવો હતો કે અમુક સંતાન ભવિષ્યમાં એના માબાપને કહેશે કે મારે સ્કૂલમાં એડમીશન જોઈએ છે તો લગ્ન કરી લો સ્કૂલમાં તમારા લગ્ન સર્ટીફીકેટ માંગે છે. એમના જોક પાછળ લીવ ઇન રિલેશનશીપ કોન્સેપ્ટની મજાક અને એની પાછળ સંતાનો માટેની થોડી વ્યથા પણ દેખાઈ. લગ્નસંસ્થા તૂટી જશે તો બાળકોનું કોણ એવો પ્રશ્ન સતાવતો હશે. લગ્નસંસ્થા ધીમે ધીમે ઉદય પામી છે તે હકીકત છે. માનવ પેદા થયો સાથે લગ્નસંસ્થા લઈને પેદા નથી થયો. પ્રાણીઓ આજે પણ આવી કોઈ વ્યવસ્થા વગર જીવે છે, બાળકો પેદા કરે જ છે. પણ પશુઓ કરતા આપણે મોટું બ્રેન ધરાવીએ છીએ એટલા પૂરતા પશુઓ કરતા થોડા જુદા તો છીએ જ. લાખો વર્ષ માનવોએ પણ લગ્નસંસ્થા વગર ચલાવ્યું જ છે. એના પુરાવા આજે પણ જીવતા છે જ. તો થોડા હજારો વર્ષ જૂની લગ્નસંસ્થા તૂટી પડશે તો સંસ્કૃતિ માથે કે લાખો વર્ષથી સર્વાઇવ થતા માનવો માથે કોઈ આભ તૂટી પડવાનું નથી. કોઈપણ વિચારધારા, કોન્સેપ્ટ કે વ્યવસ્થાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ તે મારા મતે મુર્ખામી છે. લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવેલી જ છે તો એનાય ફાયદા તો હોય જ. એમ જ ઉપરથી ટપકેલ તો છે નહિ. અને વિલુપ્ત થઈ જશે તો એનાય કોઈ ગેરફાયદા હશે કારણ ઉપરથી ટપકેલ તો છે નહિ. શ્વાસ લઈએ છીએ તે ઉપરથી ટપકેલ છે, એ ના લઈએ તો ઉપર પહોચી જવાય.

કોઈપણ સજીવ હોય સર્વાઈવલ એનો મુખ્ય ધર્મ હોય. અને આગળના સર્વાઈવલ માટે એના જિન્સ જીવતા રાખવા તે જિન્સ નવી પેઢી માં ટ્રાન્સફર કરવા પડે. મતલબ સંતાન પેદા કરો તો જ તમારી જિનેટિક સાઇકલ આગળ વધે. એટલે હવા, પાણી અને ખોરાક જેવી બેસિક નીડ વગર ચાલે નહિ તેમ સ્ત્રી-પુરુષ ને ભેગા મળીને સંતાન પેદા કરવાની તીવ્ર ઝંખના જન્મજાત હોય છે. વળી સંતાન પેદા કર્યા પછી જીવે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. અને માનવ બાળ બીજા પ્રાણીઓના બચ્ચા ની જેમ બે ચાર કલાકમાં ઊભું થઈ દોડવા માંડતું નથી, તે સાવ કમજોર હોય છે. એને ઘણા વર્ષો સાચવવું પડતું હોય છે. હવે એમાં સ્ત્રી અને પુરુષ બંનેના જિન્સ ભેગા હોય છે માટે તે સાચવવા ની જવાબદારી બંનેની થઈ જતી હોય છે. માટે બંનેને સાથે વર્ષો લગી તે જવાબદારી નિભાવવા જોડે રહેવું જરૂરી થઈ પડતું હોય છે. આ જરૂરિયાતે ધીમે ધીમે લગ્ન સંસ્થા વિકસિત થઈ છે. લગ્ન સંસ્થા કોઈ લાખો વર્ષ જૂની છે નહિ. થોડાક હજારો વર્ષ જૂની છે. માનવ લગભગ ૨૫-૩૦ લાખ વર્ષથી ઉત્ક્રાંતિ પામ્યો છે. ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા આખી દુનિયાના સમાજ હન્ટર-ગેધરર હતા. ગૃપમાં કે બેન્ડમાં રહેતા લોકોને બાળકો પેદા થાય તે આખા સમૂહની જવાબદારી ગણાતી. આમ માબાપ અકસ્માતે મૃત્યુ પામે તો પણ કોઈ વાંધો આવે નહિ બાળકને સમૂહ મોટું કરી જ લે. એક જાતનો 450px-Mosuo_woman_near_Lugu_Lakeસમાજવાદ જ થયો ને?

પતિ કે પત્ની બે માંથી એક પાત્ર બાળકને મોટું કરવાની જવાબદારી માંથી છટકી ને કોઈ બીજા પાત્ર સાથે ગોઠવાઈ નાં જાય ખાસ તો સ્ત્રીઓ માટે લગ્નવિધિ આવી. કે ભાઈ વિધિવત કરાર થયો છે હવે કોઈ છટકે નહિ આખી જીંદગી ભેગા રહેવાનું અને બાળકો મોટા કરવાના. એટલે પહેલા જ્યારે બર્થ કંટ્રોલ હતા નહિ અને દર બે ચાર વર્ષે બાળકો જોડે રહેવા થી સ્વાભાવિક પેદા થયે જતા ત્યાં વધુ ને વધુ વર્ષો જોડે રહેવાનું જરૂરી બની જતું ત્યારે ડિવોર્સના પ્રમાણ બહુ ઓછા હતા કે લગભગ હતા જ નહિ. બીજા ધર્મો માં લગ્ન એક કરાર છે તેવું કહીએ છીએ પણ આપણા ત્યાં આવા કરારને સપ્તપદીના વચનો જેવું રૂપાળું નામ આપી દીધું છે. વચનો મૌખિક કરાર તરીકે આપી એ અને કરારમાં લેખિત વચન આપી એ લઇએ બધું સરખું છે.

લીવ ઇન રિલેશનશિપ નવી તરાહના લગ્ન જ કહેવાય. થોડો મુક્ત શ્વાસ લઇ શકાય તેવા પ્રકારના પણ લગ્ન જ કહેવાય. એમાંય જોડે તો રહેવાનું જ છે, પણ નાં ફાવે તો બહુ કોઈ મોટી કાયદાકિય લડાઈ ની માથાકૂટ માં પડ્યા વગર છુટા થઈ શકાય. આપણે ત્યાં પણ સમર્થ લોકો એક કરતા વધારે સ્ત્રીઓ રાખતા ત્યારે પહેલી સ્ત્રી જોડે વિધિ વગેરે કરતા બાકી તો એમ જ વિધિ કર્યા વગર ઘરમાં ઘાલી દેતાં.. આ એક જાતનું લીવ ઇન રિલેશનશિપ જ હતું. ઘણી જગ્યાએ સ્ત્રી પાણી ભરેલું બેડું લઈને પેલા પુરુષના ઘેર આવતી તે પુરુષ બેડું ઉતારી તે સ્ત્રીને ઘરમાં લઈ લેતો, જોડે રહેવાનું શરુ. એક પુરુષ લગ્નવિધિ કરીને કે કર્યા વગર એક કરતા વધુ સ્ત્રીઓ ઘરમાં રાખતો તે પોલીગમી જ કહેવાય. આપણા દેશમાં હાલની આદર્શ ગણાતી મનોગમસ એક જ પતિ કે પત્ની હોય એવી લગ્ન સંસ્થા કાયદા વડે હમણાં આઝાદી વખતે જ અસ્તિત્વમાં આવી છે. બાકી આપણે ત્યાં પુરુષો ને લાભદાયી એક તરફી પોલીગમસ લગ્ન સંસ્થા જ ચાલતી હતી હવે તેને પવિત્ર કે મહાન ગણવી તે આપણા હાથની વાત છે. જો કે હાલના ઝાર ખંડ જેવા વિસ્તારોમાં બહુ પતિ રાખી શકાય તેવી કોમો હતી અને હજુ આજે પણ છે. એક જ પતિ કે પત્ની હોય તેવી મનોગમસ લગ્ન સંસ્થા ગ્રીક લોકોની દેન છે. બાકી મજબૂરીમાં પોસવાની તાકાત નાં હોય અને એક જ સ્ત્રી રાખો તે અલગ વાત છે.

પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં. એટલે જેમ લગ્ન સંસ્થા ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી છે તેમ એમાં ધીમે ધીમે બદલાવ પણ આવવાનો છે. પરિવર્તન સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. બંધિયાર પાણી ગંધાય તેમ પરિવર્તનની શક્યતા ઓ વગરની કોઈ પણ સંસ્થા લાંબે ગાળે ગંધાય તેમાં કોઈ શક નહિ. લગ્નવ્યવસ્થાને બહાને આપણે સદીઓથી સ્ત્રીનું શોષણ જ કરે રાખ્યું છે. લગ્ન વ્યવસ્થા નાં હોય તો સ્ત્રી પામવા રોજ રોજ તાકતવર છીએ તેવી પરીક્ષા આપવાનું પોસાય નહિ. લગ્નવ્યવસ્થાને બહાને એકવાર સ્ત્રી મળી ગઈ પછી રોજ રોજ પરીક્ષા આપવાની ઝંઝટ મટી ગઈ મન ફાવે ત્યારે સેક્સ સેક્સ રમી શકાય. હવે જ્યારે સ્ત્રી કમાતી થઈ છે પુરુષ ની જોહુકમી સહન કરે તેવી રહી નથી અને છૂટી થવા માંડી છે એટલે હજારો વર્ષથી સ્ત્રીનું શોષણ કરતા પુરુષો ને ધ્રાસકો પડ્યો છે.

images-=-=0લગ્નવ્યવસ્થાને લીધે સૌથી મોટો ફાયદો બાળકોને છે. રોજ રોજ તુટતા અને બંધાતા આધુનિક લગ્નોને લીધે સૌથી મોટો ગેરફાયદો બાળકોને એમાં પણ ખાસ પુત્રીઓને થતો હોય છે. લોહીનો સંબંધ નાં હોય તેવા પર પુરુષ જેવા કે ઓરમાન પિતા કે માતાના બોય ફ્રેન્ડની ઘરમાં સતત હાજરીને નાની છોકરીનું બ્રેન નોટીસ કરતું હોય છે અને એના લીધે તે બિન જરૂરી વહેલી પુખ્ત બની જતી હોય છે. સ્ટેપ ફાધરના જાતીય શોષણ નો ભોગ પણ બની જતી હોય છે. પશ્ચિમમાં સ્ત્રીને સ્વતંત્રતાની કિંમત સિંગલ મધર બનીને ચૂકવવી પડતી હોય છે. લગ્ન કરીને, લગ્ન વિચ્છેદ કરીને, બહુપત્નીઓમાની એક પત્ની બનીને કે બહુપતિઓની એક પત્ની બનીને છેવટે સ્ત્રીને જ શોષાવું પડતું હોય છે.

ચાલો એક એવી સંસ્કૃતિના દર્શન કરાવું જ્યાં લગ્ન વ્યવસ્થા છે નહિ છતાં પરિવાર છે અને બાળકો આરામથી મોટા થાય છે. વળી આ સંસ્કૃતિ કોઈ જંગલમાં રહેતી નથી. સાઉથ વેસ્ટ ચીનના યુનાન અને સિચુઆન પ્રાંત માં વસતા મોસુઓ(Mosuo)અથવા મોસો લોકો એક વિશિષ્ટ માનવ વંશ છે. વસ્તીમાં સાવ ઓછા લગભગ આશરે ૪૦,૦૦૦ જેટલા મોસુઓ હિમાલયમાં સારી એવી ઊંચાઈએ આવેલા Yongning વિસ્તારમાં Lugu Lake ની આસપાસ રહે છે. આ સમાજ માતૃ પ્રધાન સમાજ છે. અહીં કોઈ લગ્ન કરતું નથી. અહીં બાળક પેદા કરનાર પિતા ભેગો રહેતો નથી કે નથી બાળકને મોટું કરવામાં સહકાર આપતો. અહીં સ્ત્રી પુરુષ ભલે ભેગા સૂઈ જાય પણ બંને જોડે રહેતા નથી. પશ્ચિમના લોકો આને ‘walking marriage’ કહે છે. અહીં છોકરી જાતીય રીતે પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ મળે છે. તે છોકરી એને ગમતા પુરુષ ને આમંત્રણ આપે છે જે રાત્રે આવીને એના બેડરુમમાં રાત ગાળે છે. સવાર પડતા પોતાના ઘેર જતો રહે છે. એના લીધે બાળક પેદા થાય તો એની કોઈ જવાબદારી નથી હોતી. બાળકને માતા અને તેના ભાઈઓ-બહેનો દ્વારા મોટું કરવામાં આવે છે. બસ એવી જ રીતે કહેવાતો પિતા પણ એના પોતાના ઘરમાં એની ઘરની સ્ત્રીઓના બાળકો મોટા કરવામાં સહકાર આપતો જ હોય છે. બાળકનો પિતા કોણ છે તેની ઘરમાં મોટા હોય તે બધાને ખબર હોય છે. બાળકોને ખબર નાં પણ હોય. વારે તહેવારે બાળકના પિતાને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. પિતા બાળકો માટે ગીફ્ટ પણ લાવતો હોય છે.

આમ મોસુઓ પુરુષ પોતાના બાળકના ઉછેરમાં સહકાર ભલે નાં આપે પણ સામે પોતાની બહેનના બાળકો ઉછેરતો જ હોય છે. અહીં જુદા જુદા પુરુષો ને રાત્રે આમંત્રણ આપવાની છૂટ હોય છે પણ મોટા ભાગે મોસુઓ સ્ત્રીઓ આખી જીંદગી એક જ પાર્ટનર ને પકડી રાખતી હોય છે. ચાલો કોઈ સ્ત્રી નવો પુરુષ પસંદ કરે, પાર્ટનર ભલે બદલે પણ એની હાજરી સતત ઘરમાં દિવસે તો હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ ની હાજરી ઘરમાં હોય જ નહિ. એટલે લોહીનો સંબંધ નાં હોય તેવા પુરુષ જેવા કે સ્ટેપ ફાધર કે માતાના બોય ફ્રેન્ડની સતત હાજરીને લીધે જે નાની દીકરીઓ પશ્ચિમના સમાજમાં જલદી પુખ્ત બની જતી હોય છે તેવું અહીં બનતું નથી. અહીં ઘરમાં જે પુરુષ હાજર હોય છે તે માતાનો ભાઈ જ હોય છે. એટલે એની હાજરીની કોઈ અવળી મનોવૈજ્ઞાનિક અસર પડતી નથી. મોસુઓ બહુ મોટા બહોળા ફેમિલીમાં રહેતા હોય છે. કોઈના પ્રાઇવેટ બેડ રૂમ હોતા નથી. છોકરી પુખ્ત થાય એટલે એને અલગ બેડ રૂમ આપવામાં આવે છે. મોટા ભાગની મોસુઓ સ્ત્રીઓ એક પુરુષ ને આખી જીંદગી પકડી રાખતી હોય છે છતાં તેને સ્ત્રીના ઘરમાં રહેવાની છૂટ હોતી નથી કે સ્ત્રીના ફેમિલીનો હિસ્સો પણ ગણાતો નથી. દીકરીઓ ને વળાવતી વખતે આપણા સમાજમાં જે વેદના માતાઓ વેઠતી હોય છે તે અહીં મોસુઓ માતાને વેઠવી પડતી નથી.images089

પતિ-પત્ની જેવો સંબંધ જ અહીં નથી એટલે એવા જોડલાએ સાથે રહેવાનું પણ નથી હોતું એટલે અહીં સિંગલ ફેમિલી કે વિભક્ત કુટુંબ જેવો કોન્સેપ્ટ જ નથી અહીં તો સંયુક્ત સંયુક્ત કુટુંબો જ છે તે પણ બહુ મોટી સંખ્યા ધરાવતા. લગ્ન વ્યવસ્થા વગર પણ બહુ મોટા બહોળા પરિવાર જોવા હોય તો ચાલો ચીન Yongning region Lugu Lake high in the Himalayas…

8 thoughts on “લગ્નસંસ્થા વગરની સંસ્કૃતિ”

 1. ખૂબ જ અભ્યાસ પૂર્ણ લેખ. મારી ઘણી વાર્તાઓમાં મેં આ જ લગ્ન વગરના સહજીવન અને પરિણીત વિભક્ત જીવનની અને બદલાતા સમયની વાતો લખી છે. સેક્સના લાઈસન્સ માટે જ લગ્ન એ વિચારો બદલાતા જાય છે.મારી હળવી વાર્તા “રિવર્સલમાં” આ જ વિચારો તમને જોવા મળશે.

  Like

 2. લગ્ન સંસ્થા વિષે એક નવી વાતની માહિતી આપના આ લેખમાં બદલ આભાર .

  આપની દરેક પોસ્ટમાં તમારો એ વિષય ઉપરનો ઊંડો અભ્યાસ દેખાતો હોય છે .

  કૈક નવી વાત લઈને આવો છો .

  Like

 3. nice article.

  પશ્ચિમમાં લીવ ઇન રિલેશનશિપ છે તો બાળકો પોસવાની પણ જવાબદારી કાયદાકિય રીતે બંનેની હોય છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહિ. ભલે છુટા થઈ ગયા હોય પણ પુરૂષે કમાઈ કમાઈને કોર્ટમાં બાળકનું ભરણપોષણ ભરવું પડતું હોય છે. એક દિવસ મોડું થાય તો સીધો જેલમાં.

  —-
  આપણે ત્યાં? કાયદો માણસ જોવે. એટેલે જ સ્ત્રીઓએ વધારે સાવચેત રહેવાની જરુર છે. મોટાબાપનો દીકરો ક્યાંય ફોસલાવીને ચાલ્યો જાય, કોર્ટ હોય કે જેલ બધાને ઘોળીને પી જાય. અને બધો ભાર બિચારી સ્ત્રી પર આવી પડે. ઉપરથી પશ્ચિમ સમાજમાં ‘એકલી માતા’ માટે સામાજિક આદર છે અને આપણે ત્યાં ‘આડકતરો તિરસ્કાર’ એ નફામાં.
  અને એટલે જ મને લીવ-ઇનમાં ખાસ કંઇ ખોટું ના લાગતું હોવા છતાંય ‘મોટેભાગે મૂલ્યવિહિન સમાજમાં’ ‘સ્ત્રી હિતો’ ની રક્ષા કાજે લગ્નવ્યવસ્થા જ યોગ્ય છે.

  Like

 4. બાળકોને માતા અને પિતા બંનેની જરૂર હોય છે અને તે પણ સગ્ગા પછી ભલે તેઓ પરણ્યા
  હોય કે ના હોય. વુડી એલન નો કિસ્સો જાણીતો છે પણ બીજા ઘણા એવા હોઈ શકે.
  સાવકા બાપ કે મા સગ્ગા માબાપની તોલે ભાગ્યે જ આવી શકે. તેથી તો આપણે ત્યાં
  કેટલાક વિધુરો ફરી પરણતા નથી.

  Like

 5. menarche વિષે ઈવોલ્યુશન થિયરી કહે છે કે માતાપિતાની બાળ ઉછેર પદ્ધતિ અને ભાવનાત્મક જોડાણ ઘણો મોટો ભાગ ભજવી જાય છે. જે બાળકોને માતાપિતા તરફથી સતત કાળજીનો અનુભવ થતો નાં હોય, સાથે સાથે માતાપિતા તરફથી નકારાત્મક લાગણીઓ અનુભવાતી હોય તો આવા બાળકોનો વિકાસ અસલામતી સાથે મેટિંગ સ્ટ્રેટેજી પ્રત્યે આશાવાદી તરીકે થતો હોય છે.
  માતાપિતાએ ડિવોર્સ લઈ લીધા હોય. ખાસ તો પિતાની ગેરહાજરી હોય, ત્યારે Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .” આવા સમયે ઈવોલ્યુશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો. બાયોલોજીકલ પિતાની પ્રેમાળ હાજરીમાં, દેખરેખમાં છોકરી સમયસર જાતીય રીતે પુખ્ત થતી હોય છે, વહેલી નહિ. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity , and thus accelerate menarche ( Barkow, 1986 ) .

  Like

 6. સાચી વાત છે. પિતા પરાશર વિના ઉછરેલા મત્સ્યાગંધાના પુત્ર કૃષ્ણ પાછળથી
  ‘મહામુનિ’ વ્યાસ તરીકે ઓળખાયા. તેમણે ભૂલોની પરંપરા રૂપી મહાભારત ગ્રંથ લખ્યો
  અને પૂરા સમાજને કુમાર્ગે દોર્યો.

  2014-04-06 8:37 GMT-04:00 Rashmikant Desai :

  > બાળકોને માતા અને પિતા બંનેની જરૂર હોય છે અને તે પણ સગ્ગા પછી ભલે તેઓ
  > પરણ્યા હોય કે ના હોય. વુડી એલન નો કિસ્સો જાણીતો છે પણ બીજા ઘણા એવા હોઈ
  > શકે. સાવકા બાપ કે મા સગ્ગા માબાપની તોલે ભાગ્યે જ આવી શકે. તેથી તો આપણે
  > ત્યાં કેટલાક વિધુરો ફરી પરણતા નથી.
  >
  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s