બળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

imagesZ4CSOFMQબળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)

અમારી રેડબડ ગામગપાટા મંડળી ના નવોદિત અને હંગામી સભ્ય સુરેશ ભાઈને ટાઈમ પાસ કરવો અઘરો થઈ પડે છે. એમના દીકરાએ નેટફ્લીક્સ ની સુવિધા લીધેલ છે અંગ્રેજી ફિલ્મો ઑનલાઈન જોઈ શકાય તે માટે. એમાં અમુક હિન્દી ફિલ્મો પણ જોવા મળી જાય છે. મહામંદીના મોજામાં સપડાયેલા અમેરિકામાં Netflix નો ધંધો ઊલટાનો વધેલો.. કારણ જોબ વગરના લોકો ઘેર બેઠા ફિલ્મો વધુ જુએ. સુરેશભાઈ પણ ડેસ્કટોપ પર બેઠા બેઠા મનપસંદ અંગ્રેજી હિન્દી ફિલ્મો ટાઈમ પાસ કરવા જોતા. આજે ફિલ્મોની વાત કરતા કહે સાલું આ અંગ્રેજી ફિલ્મો એકલા જ જોવી પડે એમાં વાતે વાતે લોકો ગાળો બોલતાં હોય છે. હવે તો અમુક હિન્દી ફિલ્મોમાં પણ ગાળો બોલતાં હોય છે. ખાસ તો બેન્ડીટ ક્વીન ફિલ્મમાં ગાળો વધુ આવી ત્યાર પછી તે ટ્રેન્ડ વધતો જાય છે. અંગ્રેજી ફિલ્મોમાં સુરતી જેવું છે ગાળ બોલે પણ બોલનાર ને જ ખબર નાં હોય કે ગાળ બોલાઈ ગઈ છે. પાર્ટ ઓફ ભાષા જેવું..

અંબુકાકા કહે સાચી વાત છે ઘરમાં નાના હોય કે પુખ્ત પણ આપણા સંતાનો બેઠા હોય અને આવી ગાળો ફિલ્મો જોતા આવે તો ભારતીય માનસિકતા મુજબ સંકોચ પેદા થતો હોય છે. જો કે તેવો સંકોચ અહીં ઊછરેલી કે અહીંની મૂળ પ્રજાને થાય નહિ.

મેં કહ્યું સાચી વાત છે કાલે માઈકલ ડગ્લાસનું એક ડ્રગ સામે વૉર વિશેનું એક મુવી જોતો હતો તેમાં માઈકલ ડગ્લાસ પોતે સેનેટર હોય છે અને ડ્રગ સેવન અમેરિકામાં વધતું જાય છે તે સામે લડાઈ લડતો હોય છે પણ એની પોતાની દીકરી જ ડ્રગના રવાડે ચડી ગઈ હોય છે. આ એની દીકરી એક સંવાદમાં નશાની હાલત માં એના પિતાને જ fu_k you કહેતી હોય છે. મતલબ તમે કહ્યું તેમ સુરતી જેવું ગાળ બોલાવી સામાન્ય ગણાય. એનો કોઈ છોછ જ નાં હોય. હમણાં અમારા એક મિત્રનાં નાના દીકરાએ નિર્દોષ ભાવે એમને fu_k શબ્દનો અર્થ પૂછેલો, હવે આપણે સમજી શકીએ છીએ કે કેવા ક્ષોભ માં મુકાય ગયા હશે?

એટલા માં શાંતિ ભાઈ આવી પહોંચ્યા, તે કહે કેમ આજે શું વાત છે ગાળ પુરાણ માંડ્યું છે કે શું? બધા હસી પડ્યા. કમુબેન કહે અમારા જમાનામાં બૈરા ઉઘાડી ગાળો ક્યારેય બોલતાં નહિ. ઝઘડો થાય કોઈ બીજા બૈરા જોડે તો મારી હૉચ(શોક્ય નું અપભ્રંશ) શબ્દ ગાળનાં પર્યાય રૂપે વપરાતો. નિકિતા કહે વડીલો હવે તો ઇન્ડિયા માં પણ કૉલેજમાં છોકરીઓ ગાળો બોલતાં શીખી ગઈ છે. જોકે છોકરાઓ કરતા એનું પ્રમાણ ઓછું હોય અને છોકરાઓની હાજરીમાં ઓછું હોય.

મેં કહ્યું મહિલા મિત્રો એમના સમૂહમાં પુરુષોની ગેરહાજરીમાં ગાળો અને કહેવાતી વલ્ગર વાતોની મજા અવશ્ય માણતી હોય છે, પણ પુરુષોની હાજરી હોય તો ચુપ.. પછી શાંતિ ભાઈને સંબોધીને કહ્યું કે ભઈલા તમારું આ ગાળો પાછળનું વિજ્ઞાન શું કહે છે?

શાંતિ ભાઈ એ ‘ગાળ પુરાણ’ શરુ કર્યું, “ ગાળો તમે જુઓ ગુજરાતી હોય હિન્દી હોય કે અંગ્રેજી હોય એમાં એક તો સ્ત્રી પુરુષના ગુપ્ત અંગો સૂચક હોય છે. બીજી ગાળો માં કોઈ વ્યક્તિ પ્રત્યે કે તેની સાથે કામ ક્રિયા દર્શાવતા શબ્દો રૂપે હોય છે. સેક્સને એક તો ખરાબ ગણવાનું શરુ થયું એટલે તે દર્શાવતા શબ્દો બેડ વર્ડ તરીકે ગણાવા લાગ્યા. સેક્સ એક તો જાહેરમાં કરવાની વસ્તુ છે નહિ તે એકાંતમાં ગુપ્ત રૂપે કરવાની વસ્તુ છે એટલે તે ક્રિયા સૂચક શબ્દો જાહેરમાં બોલવા અસભ્ય ગણાવા લાગ્યું અને છેલ્લે કોઈને સંબોધીને એની સાથેની સેક્સ ક્રિયા સૂચક શબ્દમાં એના ઉપર આધિપત્ય જમાવવાની ભાવના પણ ભેગી ભળેલી છે. આધિપત્ય જમાવી સેક્સ જેવું કહેવાતું ખરાબ કર્મ કરીશ એવો અર્થ એમાં હોય છે. દાખલા તરીકે કોઈને માબેન સમાણ ગાળ દઈએ એનો મતલબ તારા પ્રિય અને સન્માન જનક પાત્ર(માં અને બહેન) ઉપર આધિપત્ય જમાવીને એમની સાથે સેક્સ જેવું હીન કામ કરીશ.”

મેં કહ્યું વાતો તમારી સાચી છે. અંગ્રેજીમાં તો આવું હીન કામ તારી જાત ઉપર કે જાત સાથે જ કર એવી ગાળ પણ બોલાય છે( fu_k યોર સેલ્ફ)..

શાંતિ ભાઈ કહે અંગ્રેજીમાં બેડ વર્ડ્ઝ ની સ્ટોરી Angles અને Saxons જાતો સાથે શરુ થયેલી પાછળથી એમાં Vikings ભળ્યા. જર્મેનિક અને સ્કેન્ડીન્વિયન ટ્રાઈબ્સ વેલ્સ અને આયરલેન્ડ પર ચડી આવેલા(ઈ. સ. ૪૫૦-૧૦૫૦). ગ્રેટ બ્રિટન પહેલા Angle-Land તરીકે અને પછી અપભ્રંશ થઈને England તરીકે ઓળખાવા લાગ્યું. Angles અને Saxons જૂની જર્મન ભાષા બોલતાં. હાલના કહેવાતા ગંદા શબ્દો તેઓ રોજીંદી ભાષામાં વાપરતાં અને તેને વલ્ગર મનાતું જ નહિ. સન. ૧૦૬૬ પછી નોર્મન ફ્રેંચ લોકોએ Anglo-Saxon ઈંગ્લેન્ડ પર કબજો જમાવ્યો. નોર્મન ફ્રેંચ લોકોએ એમની જૂની ફ્રેંચ ભાષાને રાજ દરબારની અને ઉચ્ચ લોકો ભાષા તરીકે પ્રસ્થાપિત કરેલી. ફ્રેંચ ભાષા વોવેલ એટલે કે સ્વર વડે વધુ શણગારેલી કાવ્યાત્મક જાણે ગીત ગાતા હોઇએ તેવી મધુર હોય છે. જૂની રાજકુમાર ની હીર-રાંઝા ફિલ્મ જોઈ હોય તેને ખ્યાલ હશે તેમાં કાવ્યાત્મક ગાતા હોઈ એ તેવા સંવાદ હતા. એટલે ફ્રેંચ લોકોના આવા કાવ્યાત્મક ભાષા સાંભળી ટેવાયેલા કર્ણપટલ ઉપર જૂની જર્મન બોલતાં Anglo-Saxon લોકોની ભાષા અથડાતી ત્યારે તે સખત અને વલ્ગર લાગતી. નોર્મન લોકો જર્મેનિક પ્રોટો ઇંગ્લિશ સાથે ૩૦૦ વર્ષ બાખડ્યા. નોર્મન લોહી ધરાવતા ઈંગ્લેન્ડ ના રાજા ૧૪ મી સદી સુધી ઇંગ્લિશ(મિડલ ઈંગ્લીસ) બોલતાં નહિ. નવી ધરતી ઉપર એમની Melodic French સ્થાપિત કરવા નોર્મન લોકોએ બહુ પ્રયત્નો કરેલા પણ બહુ થોડા એંગ્લો-સેક્સોન લોકો તે શીખી શકે લા. એમણે એમની પ્રોટો ઇંગ્લિશ બોલવા નું ચાલુ જ રાખેલું જે સખત અને સીધી હતી. ફ્રેંચ લોકો ઈંગ્લેન્ડ માં ભાષા યુદ્ધ છેવટે હાર્યા, અંગ્રેજીમાં ઘણા બધા શબ્દો ફ્રેંચ માંથી આવેલા જ છે પણ મોટા ભાગે તે જર્મેનિક ભાષા છે. પણ ફ્રેંચ લોકો રોજીંદી ભાષા માંથી સેક્સને લગતા શબ્દો ને ખરાબ ગણવામાં અને નદારદ કરવામાં સફળ થયા, ૨૦મી સદી સુધી ડીક્ષનેરીમાંથી પણ નદારદ કરવામાં આવેલા. ગુપ્ત અંગ અને કામક્રીડા દર્શાવતા શબ્દો ગ્રાસ રૂટ લેવલે જોડાયેલા હોય છે માટે હજુ આપણી સાથે છે.”

શાંતિ ભાઈનું ગાળ પુરાણ શરુ થાય તે પહેલા જ કમુબેન ચાલ્યા ગયેલા. જોડે પરાણે નિકીતાને પણ ખેંચી ગયેલા. જો કે અમે સ્વસ્થ ચર્ચા કરતા હતા. છતાં થોડી ઘણી માનમર્યાદા જરૂરી પણ હોય છે. મેં શાંતિ ભાઈને પૂછ્યું આ બધી ગાળો નાં ગ્રાંડ ડેડી જેવો Fu_k શબ્દ શે માંથી આવ્યો હશે? અને એવા બીજા શબ્દો વિષે કશું નવું જાણતા હો તો કહો ને?

શાંતિ ભાઈ કહે, ‘ઓલ્ડ જર્મન ભાષામાં ‘fokken’ શબ્દ હતો તેનો અર્થ thurst, strike થતો અને એનું વિસ્તૃત થઈને copulate  માં પરિણમ્યો.. આશરે ૧૫૦૩માં પ્રિન્ટ માં આવ્યો તે પહેલા કોઈ લખવામાં નહોતું વાપરતું. Dunbar નામના કોઈ કવિ એ એની કવિતા માં copulation માટે fukkit શબ્દ વાપરે લો.’

મેં કહ્યું એવા બીજા કોઈ શબ્દો વિષે માહિતી આજે આપી જ દો.

શાંતિ ભાઈએ આગળ ચલાવ્યું, ‘CU_T શબ્દ Old Norse “Kunta” પરથી આવ્યો છે, એનો અર્થ સ્ત્રીનું ગુપ્તાંગ થાય. CU_T શબ્દ પ્રિન્ટ મીડિયામાં જુનો છે, FU_K  શબ્દ કરતા પણ ૩૦૦ વર્ષ પહેલાથી  ડર્ટી શબ્દ તરીકે સન ૧૨૩૦ થી લખાય છે. જો કે હાલ cu_t શબ્દ બહુ ઓછો વપરાય છે. તેવી રીતે CO_K શબ્દ જૂની જર્મન ભાષાના kok અથવા kukko પરથી આવ્યો છે. લેટીનમાં COCO શબ્દ પણ છે, તમામ નો અર્થ કૂકડો થાય. ફ્રેન્ચમાં પણ કુકડા માટે Coq અને જૂની ઈંગ્લીશમાં Cok શબ્દ છે જે મરઘા માટે વપરાય છે. વહેલી સવારે ઉન્નત થઇ ચુકેલા રમતિયાળ અંગ સાથે જગાડવાની આલબેલ પોકારતા મોજીલા પક્ષી ના નામ સાથે ઉત્ક્રાંતિ પામતા CO_K શબ્દને બહુ વાર લાગી હોય તેમ લાગતું નથી. જેમ પુરુષ જનનાંગ ને કુકડા સાથે સરખાવ્યું છે તેમ સ્ત્રીના જનનાંગ ને બિલાડી સાથે સરખાવવામાં આવેલું છે. Old Norse-Old German ભાષામાં Puss નો અર્થ બિલાડી Cat થાય છે. અને Pusa નો અર્થ પાઉચ થાય છે. આજે પણ કેથરીન માટે નીક નેમ તરીકે kat અને kitty વપરાય છે. આમ soft furry little pets માટે વપરાતો શબ્દ puss અને પાઉચ માટે વપરાતો pusa સ્ત્રીના બે પગ વચ્ચે રહેલી  soft furry પાઉચ જેવી જગ્યા માટે PUS_Y બની ગયો..

અંબુકાકા હસતા હસતા કહે ગાળો આગ માં ઘી હોમવાનું કામ પણ કરે છે અને દીવામાં થી તેલ કાઢી લેવા નું પણ કામ કરતી હોય છે. મેં કહ્યું કાકા કાઈ સમજાય તેવું બોલો. તો અંબુકાકા કહે કોઈની સાથે ઝઘડો થાય ત્યારે એકબીજાની હાજરીમાં ગાળો દઈએ તો આગ માં ઘી હોમવાનું કામ થાય ઝઘડો વધી પડે. ઘણીવાર ગાળ જ ઝઘડાનું મુખ્ય કારણ બની જતું હોય છે.

મેં કહ્યું અને દીવામાં થી તેલ કાઢી લેવા નું કામ કઈ રીતે થાય?

અંબુકાકા ઉવાચ- જુઓ કોઈના પર ગુસ્સો ભરાયો હોય અને તે હાજર હોય નહિ કે સંબંધ એવો હોય કે ઝઘડો કરી શકાય તેવું હોય નહિ તો એની ગેરહાજરીમાં એને ગાળો દઈ દેવાની કેથાર્સીસ થઈ જાય ગુસ્સો બહાર નીકળી જાય દીવામાં થી તેલ નીકળી જાય એટલે દીવો ઓલવાઈ જાય. ગુસ્સો શાંત પડી જાય..

imagesFCY31G0Sઅમે બધા હસી પડ્યા.. મેં કહ્યું ઉપાય સારો છે. આમ આજે ગાળ પુરાણ વાંચી બધા છુટા પડ્યા.

9 thoughts on “બળ્યું આ અંગ્રેજી સિનેમામાં ગાળો બહુ આવે. (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૬)”

  1. કોઈ સુરતીના હાથનો માર ખાવાના ધંધા છે. જાણે એકલા સુરતીઓ જ બોલતા હોય એમ અમારી છાપ બગાડો છો!!!

    Like

  2. સામાન્ય રીતે, સુરતી પ્રજા જાહેરમાં જાણેકે સહાયક શબ્દ હોય તે રીતે ગાળો બોલે છે જેમાં તેમનો હેતુ/દાનત ખરાબ હોતા નથી… જ્યારે અમદાવાદ-વડોદરા બાજુ ગાળો ઝગડો થાય ત્યારે બોલાય છે અને તે પણ ગુસ્સાથી, જે ખરેખર બળતામાં ઘી હોમવાનુ કામ કરે છે. સુરતી પ્રજા જેવુ જ અહીં, અમેરીકામાં પણ છે…..અમુક લોકોને દરેક વાક્ય માં ગાળો આવે જ છે જે સ્વાભાવીક અને સામાન્ય હોય છે.

    હવે, ગમે તેટલી ખરાબ-ભદ્દી-બિભસ્ત- ગંદી ગાળો જો સ્વાભાવીક રીતે બોલવામાં આવે તો તેની સાંભળનાર ઉપર એટલી ગહન અસર નથી થતી જેટલી સામાન્ય ગાળ ગુસ્સામાં બોલવામાં આવે છે.

    આ ગાળો પણ ફકત સેકસ સંદર્ભે જ નથી હોતી, ક્યારેક આપણે પ્રાણીઓના નામ (ગધેડો, ઘોડો, કુતરો…), કે આપણાથી હલકી માનતા જાતીના નામ (દેવી પુજક, મેલુ ઉઠાવનાર,પશુ પાલન નો ધંધો કરતા…) કે સામાન્ય સંજોગોમાં અસામાન્ય જીવન જીવતા લોકોના નામ ( પાગલ,ગાંડો, હરામી…) કોઇ કુખ્યાત માણસોના નામ (રાવણ જેવો, કંસ જેવો,હિટલર જેવો…….), શારિરીક ખામી (લંગડો, બાડો, કાંણો…) કે સામાન્ય રીતે સામાજીક દરજ્જામાં ઉતરતા કામ કરનાર ના વ્યવ્સાયના નામ (ચોર,કસાઇ….) નો પણ ઉપયોગ કરતા હોઇએ છે.

    પણ, જે હોય તે… આ બધી ગાળો એ સામે વાળી વ્યક્તિ ઉપરનો આપણો ગુસ્સો કે ચીડ નુ પરીણામ છે.

    લેખમાં ગાળોની ઉત્પત્તી નુ સરસ વિવરણ. કાયમની જેમ રસપ્રદ ચર્ચા-વિષય. આભાર બાપુ…. સરસ માહિતી માટે.

    Like

  3. કેટલીક ગાળો પ્રાણીઓ સાથે સરખાવી ને અપાય : કુતરો/રી , ગધેડો/ડી ….
    કેટલીક અગમ્ય પાત્રો સાથે : ભૂત , પલિત ..
    કેટલીક માનસિક અક્ષમતા સાથે : ડફોળ , બોઘો ..
    કેટલાક નવા આવિષ્કાર થતા રહે : મનમોહન , ખુજલીવાલ ..

    Like

  4. (બ્લોગ પર પ્રતિભાવ લખી શકતો નથી કારણ કે પાસવર્ડ ભૂલી જાઉં છું. તેથી અહીં
    લખું છું.)

    ગાળ બોલવી અને દેવી એ બેમાં ફેર છે. સુરતીઓ ગાળ બોલતા તે તો અંગ્રેજી આર્ટીકલ
    a, an કે the જેવી નિર્દોષ ટેવ હતી. ગાળ દેવાનો લહેકો જુદો જ હોય તેના પરથી
    જણાય કે બોલાનાર આદતવશ બોલ્યા કે ઈરાદાપૂર્વક.

    અમેરિકનો પણ ગાળો દેતા નથી હોતા અમસ્તા બોલતા જ હોય છે. મને અહીં સુધરાઈમાં
    નોકરી મળી. થોડા મહિનામાં અખબારમાં ટીકા આવી કે સુધરાઈમાં ઘણા ભારતીય
    ઈજનેરોને લીધા છે પણ તે અંગ્રેજી બરાબર બોલતા નથી. મારા સાથીદારોએ તે મને
    બતાવી. મેં કહ્યું, “હું તમારી જેમ વાક્યે વાક્યે અને વચમાં વચમાં પણ વારંવાર
    ગાળ બોલતો નથી તેથી મારું શુધ્દ્ધ અંગ્રેજી તમને સમજાતું નથી.” (આપણે ભારતથી
    આવેલા હોઈ વધારે ઝડપથી બોલતા હોઈએ છીએ તે ઘટાડવાની જરૂર મને પાછળથી સમજાઈ.)

    “…ફ્રેંચ લોકો રોજીંદી ભાષા માંથી સેક્સને લગતા શબ્દો ને ખરાબ ગણવામાં અને
    નદારદ કરવામાં સફળ થયા,..” એ વિધાન વાંચી આશ્ચર્ય થયું. ફ્રેંચ લોકો તો સૌથી
    વધુ વ્યભિચારી (promiscuous) ગણાય છે તો પણ? “સંભોગ પછી તમે ક્યાં જાવ છો?” એ
    પ્રશ્નના જવાબમાં ઘણી સ્ત્રીઓએ કહેલું, “ઘેર.” લગ્ન બહારના સંભોગ ફ્રાંસમાં
    વર્જ્ય નથી હોતા એમ વાંચવામાં આવ્યું છે.
    આપણે ત્યાં સ્ત્રીઓને ગાયત્રી મંત્ર બોલવાની મનાઈ હતી (હવે નથી) કારણ કે તે
    મંત્રનો છેલ્લો શબ્દ સંભોગસૂચક જણાતો.

    Like

  5. બાપુ, ઘણા સમયે મળ્યા…નમસ્કાર. અમને વહેમ છે કે અમો ગુજરાતી ગાળોનો જીવંત ઍન્સાક્લોપીડિયા છીએ, પણ આ અંગ્રેજી ગાળો વિશે આટલી સરળ ભાષામાં આજે પહેલું જ જાણ્યું. સ_રસ !

    આ “ગાળ” શબ્દ પણ ઘણો રસપ્રદ છે (ગાળો તો હોય જ !). આપણે ગામડામાં વાવ-કૂવામાં નકામી માટી કે કચરો ભરાય જાય તેને પણ “ગાળ” કહે છે. અને તેને કાઢવાની ક્રિયાને “ગાળ કાઢવો” કહે છે. કોઈ સંદર્ભ નથી પણ અંગત માન્યતા છે કે, બંન્ને ‘ગાળ’ કાઢવાની ક્રિયા, વાવ હોય કે મન, કચરાની સફાઈ કરે છે. અંબુકાકા સાથે સહમત.

    જેમ કે, અંગત રીતે મને જબ્બર ગુસ્સો આવે ત્યારે સામાવાળાને આવડે એટલી (જો કે મનમાં ને મનમાં જ હોં કે !! હવે આપણે સુધરેલા, સભ્ય માણસ, છીએ !) સોફાવી દઉં એટલે ગુસ્સો હળવો પડી જાય છે અને ક્યારેક તો એ ગુસ્સો સાવ નાહકનો હતો અને એ બિચારાનો કંઈ વાંક ન હતો એવું પણ મગજને સમજાય જાય છે. જો આમ ન બનત તો ચોક્કસ દિવસમાં દસેક લોકો સાથે નાહક ઝઘડો કે મનદુઃખ થતું રહેત.

    વાત સામાન્ય પણે, અચેતનરૂપે, બોલાતી ગાળની આવી તો એમાં તો હું શતઃપ્રતિશત સહમત છું. વ્યક્તિનાં ઉછેર કે વાતાવરણ પ્રમાણે એક માટે સાવ સાહજીક ગણાતી વાતો (ગાળો !) અન્ય માટે “ભયાનક, બિભસ્ત વગેરે” ગણાય એમ બને. અમારા જેઠાભાઈના લગભગ દરેક વાક્યમાં એકાદી આવી સાહજીક ગાળ, સ્થળકાળનાં ભાન વગર, આવી જ જાય ! અને સુરતીઓની તો બચાડાઓની મથરાવટી મેલી થઈ ગઈ છે બાકી એ ભલા લોકો જેને ગાળ ગણે એને અમારી બાજુના તો છોકરાંવ પણ સભ્યતા ગણે !!!!! (પ્રવિણજી, કૃપયા બાપુને માફ કરી દ્યો 🙂 )

    અંતે ન્યાય ખાતર કહેવું પડે કે અન્યાય તો આપે બચારાં અંગ્રેજી ચલચિત્રોને પણ કર્યો છે ! હવે તો બહુ ઓછાં ગુજરાતી ચલચિત્રો બનતા/જોવાતા હશે, બાકી અમારી ગધ્ધાપચ્ચિસીકાળના ગુજરાતી ચિત્રોના અમારા એકમાત્ર હીરો આપણાં સ્વ.રમેશ મહેતા હતા. અને એમનાં દ્વારા એકાર્થી, દ્વિઅર્થી, ત્રિઅર્થી વગેરે અર્થી ગાળોની જે ધમાચકડી થતી એની તોલે અંગ્રેજી વાળા તો છેટે છેટે સુધીય ન પહોંચે ! મારા અંગતમતે ગાળ માત્ર બિભત્સ કે અરૂચિકર જ હોય તેવું નથી. સભ્ય લોકો તો રૂચિકર (અને સભ્ય !) ગાળો પણ વહેતી કરી શકે છે. બાકી ગાળ એ મૂળમાં તો ઉપર કહ્યો એવો “ગાળ” જ છે, જેનામાં જેવો ભર્યો હોય એવો બહાર નિકળે !! હોળી અને ગાળને પણ હજારો વર્ષથી ભાઈબંધી છે, (બાપુ, આ વિશે પણ કંઈક સંશોધન કરી લખોને) આપને અને સૌ મિત્રોને હોળી મુબારક. સ_રસ વિષય લીધો અને વળી એટલો જ રોમાંચક ન્યાય આપ્યો. મજા આવી. ધન્યવાદ.

    Like

  6. ગાળ બોલવી એ સભ્ય કે અસભ્ય, એની ચર્ચામાં જ ગાળોના પ્રકારો બતાવાઈ ગયા…..વાહ, વાહ………

    Like

  7. ગાળ બોલવી એ સભ્ય કે અસ્ભ્ય, એની ચર્ચામાંજ ગાળોના પ્રકારો વર્ણાવાઈ ગયા…..વાહ….વાહ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s