એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

imagesLN4U7TBBએક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)

 આજે ગામગપાટા મંડળીમાં શાંતિભાઈ આવે તો ગહન ચર્ચા કરવી હતી, પણ શાંતિભાઈ જરા મોડા પડ્યા હતા. શાંતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના અને ત્યાં કોઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં મનોવિજ્ઞાન ભણાવતા હતા. શાંતિભાઈ આવ્યા એટલે મેં તરત સવાલ કર્યો.

શાંતિભાઈ,  ‘એક ઘરમાં બે દીકરા હોય એક સારું ભણે સારી જૉબ લાગી જાય અને બીજો હોશિયાર હોવા છતાં ભણવામાં થોડો પાછળ પડે એટલે માબાપને ચિંતા થાય, એમની ઉછેરમાં ક્યાં ભૂલ થઈ તેવું વિચારતા હોય છે. પણ આમ થવાનું શું કારણ?’

પાંચ આંગળીઓ સરખી હોય ખરી? શાંતિભાઈ ધડામ દઈને બોલ્યા.

મેં કહ્યું શાંતિભાઈ શાંતિથી ઉત્તર આપો યાર મારે જરા વિગતથી જાણવું છે.

શાંતિભાઈ હસી પડ્યા, કહે શાંતિભાઈને શાંતિ રાખવાનું કહેવું પડે છે કેવો જમાનો આવ્યો છે નહિ?

મૂળ શાંતિભાઈ નામ પ્રમાણે શાંતિ રાખવાવાળા જ છે પણ મને એમને ચીડવવાનું ગમે એટલે કાયમ વાતે વાતે શાંતિ રાખો શાંતિ રાખો એવું કહ્યાં કરું. ઘણીવાર મને કહે મેં સવિતા રાખી છે હવે શાંતિ માટે જગ્યા નથી અને બે રાખું તો મારે જવું ક્યાં?

મેં હસતા હસતા કહ્યું શાંતિભાઈ એક ઓળખીતા બહેનની ફરિયાદ છે, એમને બે દીકરા છે. મોટો ભણીને કમ્પ્યુટર એન્જીનીયર બની યુ.કે.માં સારી જૉબ કરે છે. બીજો દીકરો આમ હોશિયાર હોવા છતાં ભણવામાં દસમાં ધોરણ પછી અચાનક પાછળ પડી ગયો છે. એને એન્જીનીયર બની પરદેશ જવું છે યુ.કે. અથવા અમેરિકા. માબાપ પૈસા ખર્ચવા સક્ષમ છે પણ એનું ભણવાનું દિવસે દિવસે કથળતું જાય છે. હવે આવા નબળા પર્ફૉર્મન્સ સાથે પરદેશ કઈ રીતે મોકલવો? પૈસા હોય પણ નાહક બરબાદ કરવા માટે થોડા હોય?

શાંતિભાઈ મૂળ શિક્ષક જીવ એકવાર કેસેટ શરુ થાય પછી બંધ કરવી મુશ્કેલ, પણ એમાંથી જાણવાનું ખૂબ મળે ઘણીવાર કેસેટ બંધ નાં થાય તેવું ઇચ્છીએ પણ ખરા.

શાંતિભાઈએ શરુ કર્યું, ‘ ઘણા દાખલામાં એવું બને છે કે સ્કૂલ લેવલ સુધી છોકરાં બહુ હોશિયાર હોય છે. પણ કૉલેજમાં આવ્યા પછી ડલ પડી જતા હોય છે. ઘણાને એની શરૂઆત દસમાં ધોરણ પછી પણ થઈ જતી હોય છે. મતલબ છોકરાં હોશિયાર તો છે જ પણ કૉલેજમાં કશું એવું થાય છે કે છોકરાં ભણવામાં પાછળ પડી જાય છે. ઘણા બધા કારણો હોઈ શકે. એક તો બાળકો યુવાનીના દ્વારે આ સમયે ટકોરા મારતા હોય છે તે સમયે શરીરમાં થતા હાર્મોનલ ફેરફાર બાળકોની માનસિકતા અસ્થિર કરી નાખતા હોઈ શકે. આ ફેરફાર ખાસ તો જાતીય આવેગો અને એના વિશેની અણસમજ બાળકોને સ્વાભાવિક અસ્થિર બનાવી દેતી હોય છે. જો કે ઘણા બાળકો આ બધું સહન કરી લેતા હોય છે અને ડગતા નથી તે લોકોના રિઝલ્ટમાં બહુ ફેરફાર જોવા મળે નહિ. આ બધું બાળકની માનસિકતા પર આધાર રાખતું હોઈ શકે છે. એટલે સ્કૂલમાં બહુ હોશિયાર ગણાતું બાળક કૉલેજમાં અસફળ રહેતું પણ જોવા મળતું હોય છે. બીજું સ્કૂલ અને કૉલેજનું આખું વાતાવરણ જુદું હોય છે, કૉલેજમાં સ્વતંત્રતા વધુ હોય છે. આમાં પણ બાળક સ્થિર મગજ ધરાવતું નાં હોય તો મિત્રોને રવાડે ચડી જવાનો ભય પણ રહેતો હોય છે. મિત્રો બહુ મોટો ભાગ ભજવતા હોય છે. એક વિદ્યાર્થી માટે સ્કૂલના સહાધ્યાયીઓ એમનો સમૂહ છે. અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. સમૂહ બહાર કોઈ ધકેલી દે તો એમનું મેમલ બ્રેન થ્રેટ અનુભવતું હોય છે. માટે સામાજિક સ્વીકાર મેળવવા માટે છોકારાઓ એમના ગ્રૂપના લીડરને અનુસરતા હોય છે અથવા એમના પ્રભાવમાં જીવતા હોય છે. હવે આ ગ્રૂપ લીડર જો સારો હોય તો બરોબર એના મિત્રોને વધુ સારું ભણવા પ્રેરી શકે અથવા પોતે રખડેલ હોય તો અવળે રસ્તે પણ ચડાવી શકે. માબાપે એમના સંતાનના મિત્રો કેવાં છે તેનું બહુ મોટું ધ્યાન રાખવું જરૂરી છે. ડોમિનન્ટ બગડેલા મિત્રો ભલભલાં હોશિયાર છોકરાને રિઝલ્ટમાં ધબડકો વાળવા કારણભૂત અવશ્ય બનતા હોય છે.’

મેં કહ્યું એ વાત સાચી મારો એક મિત્ર સ્કૂલમાં બે ધોરણ તે સમયની સગવડ મુજબ એક વર્ષમાં પતાવતો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એમ ચાર ધોરણ એણે ફક્ત બે વર્ષમાં પતાવી દીધેલા પણ શહેરમાં ભણવા મૂક્યો ને મિત્રોને સંગે ફિલ્મો જોવાના રવાડે ચડી ગયો તે અગિયારમાં ધોરણમાં નાપાસ થયેલો.

હવે અંબુકાકાનો બોલવાનો વારો આવ્યો. અંબુકાકા કહે,  ‘સાચી વાત કહું તો બધા છોકરાં સાહેબ બની જશે તો પટાવાળી કોણ કરશે? પછી કહે મજાક કરું છું બાકી કોઈ માબાપ એવું નાં ઇચ્છે કે તેના સંતાન સાવ નિમ્ન કક્ષાની જૉબ કરે. પણ બધા છોકરાનું બુદ્ધિનું તત્વ સરખું ના હોય. બુદ્ધિ ના હોય તેવું નથી કહેતો પણ એનો માર્ગ જુદો હોય, એના રસના વિષય જુદા હોય પણ એને સમજ પડી નાં હોય કે એના રસના સબ્જેક્ટ કયા છે અને બીજી કોઈ લાઈનમાં જતો રહે તો ધબડકો વળી જાય.’

મેં કહ્યું કાકા એ વાત સાચી ઘણીવાર સમજ પડતી નથી તે સમયે કે આપણા રસના મનગમતાં વિષય કયા છે, આજે મને લાગે છે કે હું તે સમયે કૉમર્સના બદલે બાયોલોજીમાં ગયો હોત તો વધુ સારું ભણી શક્યો હોત. પણ તે વાત મને આજે ૫૫ વર્ષે ખબર પડે તો શું કામની? બીજું આજે હું ત્રણેક વર્ષથી આર્ટિકલ આખું છું જો મને ૧૫-૨૦ વર્ષ પહેલા ખબર પડી હોત કે મારામાં લેખક બનવાની ક્ષમતા છે તો ??

અંબુકાકા કહે એક તો ઘરમાં બધા છોકરાં બહુ ઊંચું ભણી નાખે તે જરૂરી નથી એકાદ સરખું નાં ભણે તો તે હોશિયાર નથી તેવું માની લેવું નહિ અને તે બાબતે માબાપે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નહિ અને ખાસ તો તે છોકરાને એવું નાં લાગવું જોઈએ કે માબાપ તેના સારા રિઝલ્ટ નાં આવવાથી તેને નફરત કરે છે. આમ તો માબાપ બાળકને નફરત કરે નહિ પણ ઇન્ગોર કરે અથવા નારાજગી બતાવે પણ બાળકને અચેતન રૂપે લાગે કે માબાપ તેનાથી નારાજ છે.

યસ ! આ વાત બહુ મહત્વની કરી કે સંતાનને એવું ના લાગવું જોઈએ કે માબાપ તેને નફરત કરે છે અથવા નારાજ છે.

હવે શાંતિભાઈ પાછાં થાક ખાઈને તૈયાર થઈ ગયા હતા. એમણે કહ્યું, ‘ મારા એક મિત્ર હતા તેમનો સૌથી મોટો દીકરો મેટ્રિકમાં દસેક વાર પરીક્ષા આપી પણ પાસ થયો નહોતો. જ્યારે બીજો દીકરો પીએચડી સુધી ભણેલો. હતા બંને હોશિયાર પણ આવું કેમ બન્યું તે એક કોયડો છે. અને આ મેટ્રિકમાં દસ વાર નાપાસ થયેલા દીકરાનો દીકરો આજે વૈજ્ઞાનિક છે બોલો કહેવું છે કાઈ?

મેં કહ્યું ચાલો રવીન્દ્રનાથ ટાગોર ની સ્ટોરી કહું જે બહુ લોકોના ધ્યાનમાં નથી. રવીન્દ્રનાથ ટાગોર બહુ મોટા જમીનદાર ફૅમિલીના હતા. ટાગોરના કાકા-બાપા બધા ભાઈઓનું બહુ મોટું બહોળું કુટુંબ સંયુકતપણે રહેતું હતું. ઘરમાં ઘણા બધા બાળકો એકસાથે ઊછરતા હતા. હવે આ નાના બાળકો મોટા થઈને શું બનશે શું ભણશે તે વિષે અંદાજ મારીને ઘરના દરેક મોટા સભ્યોએ એક ડાયરીમાં લખવાનું તેવો નિયમ ટાગોરના પિતાશ્રીએ બનાવેલો. ઘણા બધા બાળકો હતા બધા તેજસ્વી હતા ભણવામાં. કોઈ લખતું કે આ બાળક જજ બનશે કે આ વકીલ બનશે, પણ રવીન્દ્રનાથ વિષે લખવું મુશ્કેલ હતું. રવીન્દ્રનાથ આખો દિવસ ખેતરો અને નદી કિનારે રખડી ખાતા અને રમ્યા કરતા. ભણવામાં એમનું ચિત્ત ચોટતું નહોતું. બાળક ગમે તેવું હોય પણ એની માતા એના વિષે હમેશાં ઉચો ખ્યાલ રાખતી હોય ભલે બીજાને ડફોળ લાગે. માતાને એનું બાળક ખૂબ વહાલું હોય છે. વિડમ્બના એ હતી કે રવીન્દ્રનાથનાં માતા પણ એમના વિષે બહુ સારો ખ્યાલ ધરાવતા નહોતા. એમણે પેલી ડાયરીમાં લખેલું કે રવીન્દ્રનાથ માટે મને કોઈ આશા નથી. એક માતા જ્યારે આવું લખે તો વાત પતી ગઈ. હવે આજે આપણે જાણીએ છીએ કે આવડા મોટા ફૅમિલીના ખાલી રવીન્દ્રનાથને આપણે ઓળખીએ છીએ બીજા તેજસ્વીઓને કોઈ જાણતું પણ નથી. એમના મોટાભાઈ તો જજ હતા ને અમદાવાદમાં જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા પણ ખરા.

હવે અત્યાર સુધી ચુપચાપ વાતો સાંભળતાં કમળાબેન બોલ્યા કે ભાઈઓ ગમેતેટલી ફિલોસોફી ફાડો પણ માતાને તો દુઃખ થાય થાય ને થાય અને ચિંતા પણ થાય જો એક દીકરો સારું ભણે અને બીજો નાં ભણે તો. મેં કહ્યું એની કોણ નાં પાડે છે? ચિંતા કરવી અને અપરાધભાવ અનુભવવો એ બેમાં ફેર ખરો કે નહિ?

શાંતિભાઈ બોલ્યા હમણાં વરસ પહેલા હું ભારત ગયેલો ત્યારે એક મિત્રની દીકરો કહે કાકા મને અમેરિકા લઈ જાવ ગમે તેવી જૉબ કરીશ પણ પૈસા કમાવા છે વેઇટર બનીશ પણ ડોલર જોઈએ. તો મેં જવાબ આપ્યો ડફોળ વેઇટર બનીને કમાઇશ એના કરતા કમ્પ્યુટર એન્જીનીયર બનીને વધુ કમાઈ શકીશ સારું ભણી લે અને એચ-વન વિઝા પર ત્યાં આવી જા, પણ પહેલા સારું ભણી લે.

મેં કહ્યું વાત મુદ્દાની કરી. ચાલો હવે ભાગીએ આજે તો વાતોમાં બહુ મોડું થઈ ગયું, કાલે મળીશું.    imagesWBT4EBPE

8 thoughts on “એક સારું ભણે અને બીજો નહિ. એક માતાની વ્યથા (રેડબડ ગામગપાટા, ન્યુ જર્સી-૪)”

  1. ભુપ ઈન્દ્ર બાપુ, કોમેન્ટમાં આજે તદ્દન જુદી વાત કરવી છે—પૂછવી છે. બાપુ તમે ૨૪ કલાકના દિવસમાં ૪૮ કલાકનું કામ કેવી રીતે કરો છો. કેટલું બધું વાંચવાનું! ભેજાનું દહીં કરી એનું તારણ કાઢવાનું, પછી પાછા આંગળાની ઠોકા ઠોક કરીને લખવાનું, આખો દિવસ ફેસબુક પર મારા જેવાના માથે માછલા ધોવાના, સ્નો સાફ કરીને નોકરો કરવાનો….ઘરમાં જીવનસંગિનીની પ્રેમથી સેવા કરવાની, આ બધું કેવી રીતે કરો છો? ને પાછા લેખ તો એવા લખો કે વર્તમાન પત્રના તંત્રીઓને પણ પાછલે બારણે તમારી પાસે શીખવા આવવું પડે. તમને ખરેખર દશ માથા અને ૨૦ હાથની બક્ષીશ મળી છે હોં…કે’વું પડે ભઈલા. લખાણ વાંચીયે તો બક્ષીનાયે બાપ. રૂબરુ મળીયે તો બકરીના બચ્ચા જેવા વ્હાલા લાગે.

    Like

  2. aaje gujarati font ma lakh shku em nathi sorry ! aava ketlaye dakhala o joya chhe etle mane lage chhe amara teacher saheb ni vat sachi chhe are ek jodka bhaio mari pase bhanta ema e avu joyu chhe etle mane emni( sir ni) vaat sathe sammat thava jevu che navu sansodhan aave to kahejo

    Like

  3. Bhupendra bhai lekh vaanchva ma mazaa aavi. Varsho pehlaan Mumbai ma railway ni office ma lunch samayni amaari ‘Lunch Parliament’ ni yaad aavi gayee. Ardha kalaak na lunch ma vees minutes jamvaama ane 40 minutes charcha vicharna et li badhi ke Dilli ma bethelaan ne pan maat aapiye!! Varsho (40) varsho hudhi na ‘Samudra Manthan’ maa thee kashun nikalyun nahin. Pan ha, ek jabarunsantosh rehtun ke ‘Haash, desh ni chinta thodi ghani to karee.”

    Lakhta raho. Pravin bhai nu to Bhagwan bhalun kare. Juo ne tamne 10 maathaa wala and vees haatho vaala banavi didhaa. Whatever one may say but I love him.

    Firoz Khan
    Toronto, Canada.

    Like

  4. મારો મોટો ભાઇ ઘણોજ હોશિયાર ગણાતો, શિક્ષકો હમ્મેશા મને ઠપકો આપતી વખતે કહેતા કે ક્યાં તારો ભાઇ અને ક્યાં તું…!મને તો ભણવુ ગમતુજ નહી, મને લખવાનો શોખ છે એ હું પહેલાથીજ જાણતો હતો, તેમ છતા હું બી.એ.બી.કોમ.સુધી ભણ્યો, મેં કદી નિબન્ધમાળા વાંચી નથી તેમ છતા મારા નિબન્ધો ઉત્ક્રુષ્ઠ ગણાતા. તેમ છતા લેખક તરીકે કાર્કિર્દી બનાવવાનુ કોઇએ

    સુઝાડ્યુ નહી,એકજ ધ્યેય હતુ, નોકરી મેળવવી, અને એ પણ કોઇ બેંક ની નોકરી હોય તો વેલ &ગુડ….!છેવટે મંપસન્દ નોકરી મલી, શરુઆત માં ખાસ ઝળકવા ન મળ્યુ, પણ એક વખત એવા વિભાગ માં બદલી થઈ જ્યાં રુટિન બેંકિંગ સિવાય નોટીંગ, અને નોંધ, પત્રવ્યવ્હાર નુ કામ વધુ હતુ, પછી ભલભલા ચેરમેનો પણ મારા ગુજરાતિ અને કેટેલ્ક અંશે ઇંગ્લિશ ડ્રાફ્ટિંગ ઉપર ખુશ થયા. આ રસ નો વિષય હતો. એટલે એમા સારી ફાવટ આવી ગઈ, ઉચ્ચ્સ્તરે પ્રશંશા ખુબ થઈ પણ બીજી તરફ સમાન દરજ્જા ના કર્મચારીઓ માં ઇર્ષ્યા જાગવા લાગી, અને તે બધા મન થી મારાથી દૂર રહેવા લાગ્યા. ભણવામાં તો મારા થી હોશિયાર ઘણા હતા, પણ મને જે ફાવટ હતી એ તેમના માં ન હતી, એટલે એક તરફ થી ઉચ્ચસ્તરે પ્રશંશા તો નિમ્ન સ્તરે શત્રુવટ એમ બે તરફી જિવન રહ્યુ.ભણવા માં મારે કદી 40 ટકા થી વધુ માર્ક નથી મળ્યા, પણ મને મનપસંદ કામ મળ્યુ એના કારણે મને સફળતા મળી. એટલે ભણતરજ અગત્ય નુ નથી.

    Like

  5. SAras …pan haji tame solution na apyu  ??? tenu karavu shu….. ane te sha mate thay che ?   Batukbhai Patel. Mo.9898181999.

    BALAJI GRAVURE.VATAVA. AHMEDABAD.

    Like

Leave a comment