સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

untitled-=-સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ

રમવાની શરૂઆત ઘર ઘરથી થઈ હતી. ઘરના ચોકમાં એક ખુણામાં જૂની ચાદરો, ટોવેલ અને જૂની સાડીઓ બાંધી ઘર બનાવતા અને અડોશપડોશનાં છોકરાં ભેગાં થઈને બહુ પ્રાચીન એવી ઘર ઘર રમત રમતા. થોડા મોટા થયા પછી ફળીયામાં જરા ખુલ્લી જગ્યા હોય ત્યાં ગીલ્લી ડંડા, સતોડીયું, ભમરડા ફેરવવાના જેવી રમતો શરુ થઈ. લંગડી અને થપ્પો જેવી રમતો પણ રમાતી. પણ હજુ થોડા મોટા થયા પછી ખરેખર રસ પડ્યો હોય તો તે ક્રિકેટની રમત હતી. કોઈ દીવાલ પર કાળા કોલસા વડે ત્રણ લીટા સ્ટમ્પ સ્વરૂપે દોરી ટેનીસ બોલ વડે ક્રિકેટ રમતા. ટીવી તો તે સમયે હતા નહિ કે ક્રિકેટ પડદા પર જોવા મળે. પણ વાલ્વ ધરાવતા મોટા રેડીયાને સ્થાને ઉત્ક્રાંતિ પામી નાના ટ્રાન્ઝીસ્ટર આવવાની શરૂઆત થઈ ચુકી હતી. રેડીઓ પર ક્રિકેટ સાંભળવાનો રસ લગાડનાર હતા મારા મોટાભાઈશ્રી હરિશ્ચંદ્રસિંહ. તેઓ ક્રિકેટની મેચ ચાલતી હોય અને તેની કોમેન્ટ્રી રેડીઓમાં આવતી હોય ત્યારે લગભગ રેડીયામાં ઘુસી જતા. કોઈ કામ હોય અને કશું કહીએ તો સાંભળે પણ નહિ. મધર એમની તળપદી ભાષામાં કહેતા કે ‘રેડીયામાં કૉન ઘાલી ન બેઠો સઅઅઅ..નઈ હોભળ…ઘણીવાર એનાથી ઉલટું પણ બોલતા કે કૉનમાં રેડીઓ ઘાલી ન બેઠો સઅઅ.. હહાહાહાહા…  તેઓ કદી ક્રિકેટ રમ્યા હોય તેવું મને યાદ નથી પણ ક્રિકેટના ભારે રસિયા. ક્રિકેટનો રસ ધરાવવા માટે ક્રિકેટ રમવું જરૂરી તો નથી..imagesTG3XHAZ0

ફીલીપ્સ અને મરફીના નાના ટ્રાન્ઝીસ્ટર હોય ઉપર લેધરનું કવર હોય પટ્ટાવાળું, ટ્રાન્ઝીસ્ટર ખભે લટકાવેલો હોય, સફેદ ખમીસ અને સફેદ ધોતિયું પહેરેલું હોય, કાળા બુટ અંદર લાલ મોજા પહેરેલા હોય, ગાળામાં લાલ રૂમાલ ભરાવેલો હોય, ભરપુર તેલ નાખી વાળ ઓળવેલા હોય, કાનમાં અત્તરના પૂમડા ભરાવેલા હોય એવા રંગીલા રસીલા માનવીઓ જોવા મળે તે હવે ભૂતકાળ બની ચૂક્યું છે. મને આવું જોઈએ તે સમયે પણ ખૂબ હસવું આવતું. જો કે આવું પહેરેલા રેડીઓ સિલોન કે બિનાકા ગીતમાલા વધુ સાંભળતા. વિવિધભારતી પણ બહુ પાછળથી આવ્યું. ક્રિકેટ ગમે ત્યાં રમાતી હોય એની મજા માણવાનું એકમાત્ર સાધન ફક્ત રેડીઓ હતું.

અત્યારે કોમેન્ટેટરને ખબર હોય છે કે તમે ક્રિકેટ ટીવી પર જોઈ રહ્યા છો માટે એમના વર્ણનમાં તેની અસર પડતી મને લાગી છે. પણ ટીવી નહોતા ત્યારના કોમેન્ટેટરને ખબર હોય કે એમની કોમેન્ટ્રી રેડિયા પર પ્રસારિત થાય છે, મેદાનમાં હાજર સિવાય લાખો લોકો તેને સાંભળીને મજા લઇ રહ્યા છે તેની અસર પણ એમના વર્ણન પર પડતી. તે સમયના કોમેન્ટેટર્સ બોલ ટુ બોલ જે વર્ણન કરતા તે સાંભળી તમે ક્રિકેટ જોઈ રહ્યા છો તેવું લાગે.

સ્કૂલમાં બીજા મિત્રો ક્રિકેટની દંતકથાઓ માંડીને કહેતા ત્યારે સાંભળવાની અને અહોભાવમાં તણાઈ જવાની મજા પડતી. જામ રણજીતસિંહ આઠ આઠ સ્ટમ્પ લગાવીને રમતા પણ આઉટ થતા નહિ તેવું સાંભળી ગર્વ અનુભવતા. આવી બધી કથાઓમાં કેટલુક સાચું પણ હોય અને કેટલુક ખોટું પણ હોય. ક્રિકેટ સમજતો થયો ત્યારે નવાબ ઓફ પટૌડી કેપ્ટન તરીકે ધાક જમાવતા હતા. વેસ્ટ ઇન્ડીઝનાં ૯૦ માઈલની ઝડપે બોલ નાખતા વેસ્લી હોલની કથાઓ પ્રચલિત હતી તો ગ્રીફીથ ૮૬ માઈલની ઝડપે બોલ નાખી ભારતનાં કેપ્ટન નરીમાન કોન્ટ્રાક્ટરની ખોપડી તોડી ચુક્યો હતો. તે સમયના બેટ્સમેનનાં મનમાં ફાસ્ટ બોલર ખાસ તો વેસ્ટઇન્ડીઝના બોલરો સામે રમવાનો જબરદસ્ત સ્ટ્રેસ રહેતો કે નરીમાન કોન્ટ્રાક્ટર જેવું થઈ જાય તો પતી ગયું. તે સમયે હેલ્મેટ પહેરવાનો કોઈ નિયમ હતો નહિ. હેલ્મેટ પહેર્યા વગર ખોપરી ફાડી નાખે તેવા ઝડપી બોલ સામે રમવું બેટ્સમેનની કાબેલિયત દર્શાવી દેતું. હેલ્મેટ પહેર્યા વગરની ખોપરીમાં ૮૬ માઈલની ઝડપે બોલ ઝીંકાય તો શું થાય? નરીમાન વાવાઝોડામાં ઝાડ ફસડાઈ પડે તેમ મેદાન પર ઢગલો થઈ ગયેલા, એમના નાક, કાન, મોઢા અને આંખોમાંથી લોહીની ધારાઓ વહેતી હતી એવું સાંભળ્યું હતું. સમયસરની સારવારે untitled0-1બચી તો ગયા પણ કારકિર્દી ખતમ.

બેસ્ટમેનને ડરાવવા બોલર બાઉન્સર નાખતા, પણ ગેરી સોબર્સ જેવા મહાન ખેલાડી સામે એનો અંજામ બહુ બુરો આવતો. એક એક બાઉન્સર હુક શોટ દ્વારા ચોક્કા અને છક્કામાં પલટાઈ જતો ત્યારે એમની સામે પછી બોલર બાઉન્સર નાખવાની હિંમત કરતો નહિ. એવામાં સુનીલ ગાવસ્કર મક્કમ પગલે એક પછી કે વિક્રમો તોડવા આવી ચૂક્યા હતા. વેસ્ટ ઇન્ડીઝમાં એમના ઘરમાં ક્રિકેટના એ સિંહો સામે બાથ ભીડવી કોઈ નાનુસુનું કામ નહોતું. પાંચ ટેસ્ટની એ સીરીઝમાં ગાવસ્કરે  દુનિયાના શ્રેષ્ઠતમ ફાસ્ટ બોલરો સામે ૭૭૪ રન ઠોકેલા તે મને હજુ યાદ છે. વેસ્ટ ઈન્ડિયનો હજુ પણ તે ભૂલ્યા નથી અને ગાવસ્કરને લીટલ માસ્ટર તરીકે હજુ પણ માન આપે છે. ૧૯૭૦ સુધી હેલ્મેટ પહેરવાનો ખાસ રિવાજ નહોતો. ઈંગ્લેન્ડના ડેનીસ એમીસે પહેલીવાર સતત હેલ્મેટ પહેરીને આ રિવાજ પ્રચલિત કરવામાં સારો એવો ભાગ ભજવ્યો. હેલ્મેટ પહેરીને રમતા આજના ખેલાડીઓ આજે જે રનના ખડકલા સર્જે છે તે હેલ્મેટ વગર સર્જી શક્યા હોત ખરા?

હું વ્યવસ્થિત સાંભળતો અને સમજતો થયો ત્યારે ફારુખ એન્જીનીયર અને સુનીલ ગાવસ્કર પારી શરૂ કરતા. ફારુખ ફિલ્મી હીરો જેવા લાગતા, બિલ્ક્રીમ હેરક્રીમની એડમાં આવતા. ગાવસ્કર કરતા વધુ ઝડપી ફટકા મારી આઉટ પણ જલ્દી થઈ જતા. આબિદઅલી અને એકનાથ સોલકર જેવા બોલિંગની પારી શરુ કરતા. સોલકર તે સમયના શ્રેષ્ઠતમ ફિલ્ડર ગણાતા. બેટ્સમેનની બાજુમાં ત્રણેક ફૂટ જ દુર ઉભા રહીને સોલકર ફિલ્ડીંગ કરતા. સ્પિનરની બોલીંગમાં જરા જેટલી ચૂક અને સોલકર ચિત્તાની જેમ કેચ ઝડપી એને ઘરભેગો કરી દેતા. લગભગ એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ કરવાનો વિક્રમ એક સમયે એમના નામે પણ બોલતો હતો. ફાસ્ટ કે મીડીયમ ફાસ્ટ બોલરોનું ભારતીય ટીમમાં બહુ પ્રભુત્વ નહોતું. બેપાંચ ઓવર બોલ થોડો ઢીલો કરવા નખાતી પછી સ્પિનરો એનો હવાલો લઇ લેતા. બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર અને વેંકટ રાઘવન જેવા સ્પિનરો આખો દિવસ બોલિંગ કર્યા કરતા. બેટિંગમાં તો સાત વિકેટો પડી જાય પછી આ સ્પિનરો બેટિંગ કરવા આવવાના હોય એટલે ધબાય નમઃ જ સમજી લેવાતું. જેટલો સમય આ લોકો પેડ બાંધવામાં લગાડતા એના કરતા ઓછા સમયમાં આઉટ થઈ પાછા આવી જતા.untitled

પાંચ દિવસની મેચ સાથે ૫૦-૫૦ ઓવરની વનડે શરુ થઈ અને ભારતમાં કપિલદેવ આણમંડળી આવીને સ્પિનરોનું પ્રભુત્વ સાથે ફાસ્ટ બોલરોનું પ્રભુત્વ પણ વધ્યું. ૧૯૮૩નો વર્લ્ડકપ જીત્યા તે મેચ બોલ ટુ બોલ રેડીઓમાં સાંભળેલી. મારા પ્રિય કેપ્ટનમાં ક્લાઈવ લોઈડ પ્રથમ આવે. એમના ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ શોટ રોકવા જાઓ તો આંગળી ઉતરી જાય તો નવાઈ નહિ. ઇમરાનખાન અને કપિલદેવ પણ મારા પસંદીદા કેપ્ટન. કપિલદેવે વર્લ્ડકપ જીતી ભારતીય ક્રિકેટની સિકલ જ બદલી નાખી હતી. કપિલદેવ અને ઇમરાનખાને બાકીના દેશોને બતાવી દીધું કે અમને જરાય કમજોર સમજતા નહિ. બેટ્સમેન તરીકે વિવિયન રિચર્ડ્સ, ગાવસ્કર, સચિન મને હંમેશા બેસ્ટ લાગ્યા છે. સૌથી વધુ ૩૦૯ વિકેટ લેનારા પહેલા સ્પીન બોલર લાંસ ગીબ્સ હતા પણ પછી સૌથી વધુ વિકેટો લેવાના વિક્રમ ફાસ્ટ બોલરો બનાવવા લાગ્યા. પાંચ દિવસની ટાઈમપાસ શ્રીમંત અંગ્રેજોની રમત ધીમે ધીમે ઉત્ક્રાંતિ પામી ઝડપી અને સર્વસામાન્ય બનવા લાગી.

ટીવી નો જમાનો આવ્યો અને ખેલાડીઓ જાહેરાતોમાં આવી કમાતા થયા. તે પહેલા સિનેમાનો શો શરૂ થાય તે પહેલા બતાવાતી જાહેરાતોમાં ખેલાડીઓનો સમાવેશ ભાગ્યેજ થતો. ફારુખ એન્જીનીયર બિલ્ક્રીમની એડમાં આવતા તો પટૌડી ગ્વાલિયર શુટિંગની એડમાં આવતા અને ગવાસ્કર દિનેશમિલની એડમાં આવતા. બાકી ક્રિકેટના ખેલાડીઓ પણ રમીને બહુ કાઈ કમાઈ લેતા નહિ. ચંદ્રશેખર જેવા શ્રેષ્ઠ ગુગલી બોલર પાસે તો સારવારના પૈસા પણ નહોતા. ખેલાડીઓ રમીને કમાય તેમાં ખોટું શું છે? પણ જે રમતપ્રેમી પ્રેક્ષકોને લીધે નામ-દામ મળતા હોય તેમની ભાવનાઓ સાથે ચીટીંગ કરી મેચ ફિક્સ કરી કમાઈ લેવું સરાસર ગલત છે.

વનડે ક્રિકેટ એ ક્રિકેટ જગતમાં જબરદસ્ત ઉત્ક્રાંતિ હતી. વનડે ક્રિકેટ આવ્યું અને ક્રિકેટમાં ઉત્તેજના વધી. રમવાનું વધ્યું તો જાતજાતના કપ રમાવા લાગ્યા. બેન્સનહેઝીસ કપમાં ભારતે ડંકો વગાડ્યો તો રવિ શાસ્ત્રી મેન ઓફ સીરીઝ બની ઓડી નામની વિખ્યાત કાર જીત્યા. તે સમયે ઓડી કેવી હશે તેની ફક્ત કલ્પનાઓ જ કરતા. એની પર બેસી બધા ખેલાડીઓ ચડી બેસેલા. આજે અહી સેકડો ઓડી કાર ફરતી જોઈ કોઈ ઉત્તેજના થતી નથી. વનડેની ઉત્ક્રાંતિ સાથે શ્રીલંકા જેવા અનેક દેશો એ શ્રીગણેશ કર્યા. રંગભેદની નીતિને લીધે સાઉથ આફ્રિકા સાથે કોઈ ક્રિકેટ રમતું નહોતું. આપણે જેમ હોકીમાં આઠ આઠ ઓલોમ્પિક ગોલ્ડ મેળવી ૩૨ વર્ષ ધાક જમાવી રાખેલી તેમ ઓસ્ટ્રેલીયાએ લાંબો સમય ક્રિકેટમાં ધાક જમાવી રાખી હતી.

આખરે કહેવાતા ધાર્મિક પણ નૈતિકતાની બાબતમાં નીચલું સ્તર ધરાવતી માનસિકતામાં જે થવાનું હતું તે થયું. ખેલાડીઓ બુટલેગરોના હાથમાં રમવા લાગ્યા અને વેચાઈ જવા લાગ્યા. આપણે એક એક બોલ ઉપર આપણું બ્લડ પ્રેશર વધારતા ઘટાડતા હોઈએ અને આ તો વેચાઈ ગયેલા હોય. આપણા મનમાં હોય કે હવે થોડીવારમાં તો ભારત જીતી જશે અને અચાનક ટપોટપ વિનાકારણે વિકેટો પડી જાય અને જીતની બાજી હારમાં પલટાઈ જાય. શરૂમાં લાગતું કે ભાઈ રમત છે પણ અઝહરુદ્દીન સમયે મેચ ફિક્સિંગ પકડાયું ને ખબર પડી કે કેમ જીતની બાજી અચાનક હારમાં પલટાઈ જાય છે? ક્રિકેટ પ્રેમીઓ માટે આ બહુ મોટો આઘાત હતો.

ગાવાસ્કરની વિદાયની ઘડીઓ ગણાઈ રહી હતી પણ આપણને એના જેવો બીજો મહાન ખેલાડી મળવાની તૈયારીઓ થઈ રહી હતી. ગાવસ્કરે ૧૯૮૭મા વિદાય લીધી અને બરાબર બે વર્ષ પછી ૧૮૮૯માં આપણને સચિન મળ્યો. સચિન મહાન ક્લાસિક બેટ્સમેન, સરસ બોલર, ઉત્તમ ફિલ્ડર સાથે ઉમદા હ્યુમન બીઈંગ. ભ્રષ્ટાચારી અધિકારીઓના ઝુંડ વચ્ચે એક પ્રમાણિક અફસર એનું કામ ચુપચાપ કરે જાય ત્યારે એની પ્રમાણિકતા ઉપર પણ શંકા જાય તે સ્વાભાવિક છે, પણ એવો અફસર ચુપ રહેવા સિવાય બીજું કરી પણ શું શકે? કદાચ બોલે તો એની કારકિર્દી ખતમ જઈ જાય. સચિન ના ભૂતો ના ભવિષ્યતિ..untitled=-==

બીજી રમતોની જેમ ક્રિકેટ બહુ સારી રમત છે પણ ઘેલાપણું કદી સારું નાં હોય. ફક્ત એક જ રમત પ્રત્યેનો અંધપ્રેમ એની પાછળનું ગાંડપણ બીજી રમતોનું સત્યાનાશ વાળી નાખે છે તેનું ભારત ઉત્તમ ઉદાહરણ છે. કારણ આસપાસનો માહોલ જ એવો હોય કે બાળકોને બીજી રમત પ્રત્યે પ્રેમભાવ જાગે જ નહિ. એટલે લાંબે ગાળે બીજી રમતોને નુકશાન થવાનું જ. ઘરમાં મ્યુઝીકનું મહત્વ વધારે હોય માબાપ સંગીતકાર હોય તો બાળકો સ્વાભાવિક સંગીત તરફ ઝોક વધુ રાખવાના. એમ મને ક્રિકેટ સિવાય બીજી રમતોમાં રસ ના હોય, આસપાસ પણ ક્રિકેટ સિવાય બીજા કશાનું પાગલપન દેખાતું જ ના હોય તો બાળકો પણ એમાજ સામેલ થવાના. લાંબા ગાળે બીજી રમતો પ્રત્યે પ્રેમ ઓછો થવાનો. આ તો નેચરલ છે.

ખેલાડીઓને ભારતરત્ન અપાતો જ નહોતો. એની યાદીમાં ખેલાડીઓ સામેલ નહોતા. કેમ? ખરા ભારતરત્ન તો ખેલાડીઓ અને કલાકારો હોય છે. ભારતરત્ન પર નેતાઓ કબજો જમાવીને બેઠેલા હતા. સચિનને લીધે પહેલીવાર ખેલાડીઓને ભારતરત્ન માટે હકદાર માનવામાં આવ્યા તે બહુ ઉત્તમ કામ થયું છે. સચિન સાથે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને પણ ભારતરત્ન અપાયો હોત તો બહુ સારી વાત હતી. ઈન્દિરાજી ભારતરત્ન માટે હકદાર અવશ્ય હતા પણ તેમને ભારતરત્ન અપાય તે સમયે સરદાર વલ્લભભાઈને ભારતરત્ન અપાયો ના હોય તે અજુગતું અને અન્યાયપૂર્ણ લાગે. જો કે ભારતમાં આવા અન્યાય થવા હવે સામાન્ય થઈ ગયું છે.

2 thoughts on “સંસ્મરણોની દાબડીમાંથી……ક્રિકેટ”

Leave a comment