जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……

 जानामि अधर्मम न च मे निवृत्ति:

“In biology nothing is more important than reproduction”, આપણા સર્વાઈવલનો આ છેલ્લો ઉપાય છે. સર્વાઈવલ માટે આખી જીંદગી લડવું પડતું હોય છે. સમૂહમાં રહેવું તે પણ સર્વાઈવલનો એક ઉપાય જ છે. સમૂહમાં રહેવાથી સર્વાઈવલની તકો વધી જાય. આપણા પૂર્વજો આપણા કરતા સર્વાઈવલ માટે ખૂબ વધુ જહેમત ઉઠાવતા હતા. પેદા કરેલા બાળકો પણ ખૂબ ઓછા બચતાં. આપણા પૂર્વજોમાં પ્રાણીઓ પણ ગણી જ લેવાના. આપણા જિન્સ જીવતા રાખવા તે જેટલા જુદી જુદી જગ્યાએ ફેલાય તેમ કરતા રહેવાની યોજનાઓ બનાવતા રહેવું પણ આપણા જિન્સમાં જ છુપાયેલું હોય છે. વધારામાં આપણી પાસે વિચારશીલ બ્રેન છે. પ્રાણીઓ સીધાસાદા ઉપાયો અજમાવતા હોય. પણ આપણે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી જાત જાતની યુક્તિઓ ઘડી કાઢતા હોઈ છીએ. સર્વાઈવલ માટે આખી જીંદગી લડતા રહેવાનું સાથે સાથે અંતિમ ઉપાય તરીકે આપણા જિન્સને જીવતા રાખવા નવી પેઢીમાં આરોપી દેવા મતલબ સંતાન પેદા કરી તેને મોટા કરી નાખવા તે સર્વાઈવલનો અંતિમ ઉપાય. એટલે તો માંબાપ બનીએ તેના કરતા પણ દાદા-દાદી બનીએ ત્યારે વધુ ખુશી થતી હોય છે. કારણ આતો એક વધારાની પેઢીમાં જિન્સ આરોપાઈને સર્વાઈવ થઈ ગયા છે તેની ગેરંટી મળી ગઈ. એટલે માંબાપ તરીકે તો સંતાન પ્રત્યે કઠોર બની શકાતું હોય છે પણ દાદા-દાદી તરીકે કઠોર બનવું અશક્ય છે. મારી વાત ખોટી હોય તો કહો. imagesCAG489IA=-

હવે પુરુષને એના જિન્સ જીવતા રાખવા પાર્ટનર તરીકે સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ. પણ સ્ત્રી પાસે લિમિટેડ એગ્સ હોવાથી ક્વૉલિટી તરફ વધુ ધ્યાન આપશે પણ પુરુષ ક્વૉલિટી કરતા ક્વૉન્ટિટી તરફ વધુ ધ્યાન આપશે. એટલે મોટું બ્રેન ધરાવતા હોશિયાર પ્રાણી હોવાથી અસંદિગ્ધ યુક્તિઓ શોધી કાઢતા હોઈએ છીએ એમાં જ ઍશોઆરામ અને નારાયણ કુસાઈ જેવા કુ-મહાત્મા ઉત્પન્ન થતા હોય છે જેને આપણે ઓળખી શકતા નથી. હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી માટે જિન્સ ઉછેરવા અઘરા હોવાથી અને પુરુષ માટે હાઈ સ્ટેટ્સ વગર સ્ત્રી મળવી મુશ્કેલ હોવાથી સૌ પ્રથમ હાઈ સ્ટેટ્સ અર્જિત કરવું સૌથી વધુ મહત્વનું હોય છે. એકવાર હાઈ સ્ટેટ્સ મળ્યા પછી ભલભલાં મહાપુરુષો, નેતાઓ, ધાર્મિક ગુરુઓ સ્ત્રીઓમાં કેમ ફસાઈ જતા હોય છે? ધર્મ પણ રાજકારણની જેમ હાઈ સ્ટેટ્સ મેળવાનું એક સાધનમાત્ર બની જતું હોય છે. કારણ એક તો પહેલેથી ગરીબ હોય, બીજી કોઈ ક્વૉલિટી હોય નહિ પૈસા કમાઈને હાઈ સ્ટેટ્સ મેળવવાની, કે એવી કોઈ આવડત હોય નહિ ત્યારે રામચરિતમાનસ કે મંજીરા-કરતાલ બહુ મદદરૂપ થઈ જતા હોય છે. જો કે તે પણ એક આવડત જ કહેવાય.

બાપનું જોઇને છોકરા શીખે તેમ બિલકુલ સરખી જ સ્ટ્રેટેજી ઍશોઆરામની એનો દીકરો નારાયણ કુસાઈ અપનાવે છે. બાપની જેમ જ કથા કરવી, સ્ટેજ ઉપર નાચવું. વધારામાં છોકરીઓના લગ્ન કરાવતી વખતે હાજરી આપી વરરાજાને બદલે પોતે સેંથામાં સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પણ વરરાજાને બદલે પોતે પહેરાવે છે. છે ને હસવું આવે તેવું? વધુ તો મને આવું બધું કરવા દેનારાઓની માનસિક અંધતા ઉપર દયા અને હસવું આવે છે. પણ આ અંધોને વગર મહેનતે મોક્ષ જોઇતો હોય છે, વગર મહેનતે સર્વાઈવ થવું હોય છે, સર્વાઈવ માટે જે પડકારો આવે તેમાંથી રાહત જોઇતી હોય છે. જેની આ લફન્ગાઓ ગેરંટી આપતા હોય છે. પછી એકવાર એમના ચક્કરમાં ફસાયા પછી ડરાવતા હોય છે અને ડરના માર્યા કમજોર કાયર લોકો જે કહે તે કરવા તૈયાર થઈ જતા હોય છે. મારું ચાલે તો ઍશોઆરામ, નારાયણ કુસાઈ સાથે એમની સામે આજે ફરિયાદ કરનારા બધાને સાથે જ જેલમાં પૂરી દઉં. મોંઘીબાનો સસ્તો દીકરો ભારતને બહુ મોંઘો પડ્યો.

એક ઍશોઆરામ સમાજમાં ઊભો થાય છે તેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ, આપણો લોભ, લાલસા અને ડર પણ એટલો જ જવાબદાર છે. ઍશોઆરામ કોઈ સંત-બંત છે નહી, એ હાઈ ટેસ્ટાસ્ટેરોન ધરવાતો ઍલ્ફા ચિમ્પૅન્ઝી સમજો, જે એના સમૂહ ઉપર ધાક જમાવવા આખો દિવસ બધાને ઝૂડતો હોય, બૂમો પાડતો હોય, ગૃપની માદાઓ ઉપર જોરતલબી કરતો હોય. ઍશોઆરામ એના હિંસક વલણ માટે જાણીતો છે. હાઈ ટેસ્ટાસ્ટેરોન આક્રમક સ્વભાવ આપતો હોય છે. એને હાઈ રાખવા બાવો જાતજાતના નુસખા પણ અજમાવતો હશે, વાજીકરણ હર્બલ દવાઓ ખાતો હશે. આને મિલ્ખાસિંઘ સાથે દોડાવ્યો હોત તો નક્કી ગોલ્ડ મેડલ લઈ આવતો.

મેં વડોદરામાં એક પુરુષ પણ પોતાને માડી મતલબ માતાજી તરીકે ઓળખાવતા ભાઈને જોયા છે. તેઓના ભક્ત જો એમના દરબારમાં નિયમિત હાજરી પુરાવે નહિ તો ધમકી આપતા કે માડીના દરબારમાં હાજરી પુરાવતા નથી પછી કહેતા નહિ કે માડીએ તકલીફ આવી ત્યારે સામું જોયું નહિ? તેઓ થોડી પ્રેક્ટીશ હોવાથી ગરમ તેલમાં પુરીઓ તળવા નાખતા અને હાથથી જ ઉપાડી લેતા, ચીપિયો વાપરતા નહિ ત્યારે બધાને ચમત્કાર લાગતો અને મને મારા ખેડૂત શંકર ડાભલ અને કચરો યાદ આવી જતો કે તેઓ સળગતા અંગારા ઉપાડીને ચલમ ઉપર મૂકી ફૂંકવા માંડતા. હું કહેતો પણ ખરો કે અલ્યા ડોહા આ સળગતો અંગારો ઉપાડો તો દાઝતા નથી? ત્યારે તેઓ હસતા કે બાપુ આ હાથ તો જુઓ પાવડા પકડી પકડી સખત થઈ ગયા છે અંગારો શું દઝાડે?

ચાલો માની લઈએ કે તમે ભગવાનમાં માનો છો તે બરોબર છે. તો ભગવાન એકલા મારો કે તમારો હોય ખરો? પહેલું તો ભગવાન કોઈ વ્યક્તિ હોય ખરો? અને હોય તો બીજા પ્રાણીઓનું શું? એમનો ભગવાન કેવો હશે? ચાલો છે અને હું એને ભજું તો મને હાર્ટઅટૅક આવે અને બચાવે તો પેલાં લાખો લોકો એને માનતા હોય છે, રોજ પ્રાર્થના કરતા જ હોય છે અને હાર્ટઅટૅકમાં કે બીજા કોઈપણ કારણસર મરી જતા હોય છે તેમની કેમ ફેવર કરી નહિ? જેને આપણે પ્રગટ બ્રહ્મ કહીએ છીએ તેઓ પણ હાર્ટઍટૅકમાં સપડાય ત્યારે શું માનવું? કર્મના નિયમના ઇક્સક્યુઝ મારે નથી જોઇતા. એ તમામ બાબતોમાં બહુ સરસ ઇક્સક્યુઝ બને છે. આ એક ઇક્સક્યુઝ બતાવીને જ બાવાઓ તેમની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. ભગવાન મારી ફેવર કરે અને તમારી નાં કરે તો પછી ભગવાન ભેદભાવ કરે છે તે સાબિત થઈ જાય. ભગવાન મારા તમારા વચ્ચે ભેદ કરે ખરો? અને કરે તો ભગવાન શાને કહેવાય? પહેલું તો મારો અને એક મુસલમાનનો અને એક ક્રિશ્ચનનો ભગવાન જુદો જુદો કેમ હોય? બધા અવતાર મારે ત્યાં જ થાય અને ચીનમાં કેમ નાં થાય?

ભગવાન એક હોય કે હજારો લાખો હોય? દસ દસ અવતારો જ્યાં થયા હોય તેવી પુણ્યભુમી ફક્ત એક જ ભગવાનમાં માનનારી પ્રજાઓના હાથ નીચે આશરે હજાર વર્ષ ગુલામ કેમ રહી? શું આખા ભારતે એટલા બધા પાપ ગત જન્મોમાં કર્યા હશે? એક પેઢી ૬૦ વર્ષની ઍવરિજ ગણીએ અને ઇગ્ઝૅક્ટ ૬૦ વર્ષે મરવા સમયે છોકરા પેદા થાય ત્યારે ૧૫ પેઢી થાય. તો ૧૫ પેઢી ગુલામ રહી કે નહિ? પંદર પેઢીઓ સુધી કયાં પાપના પ્રતાપે ગુલામી વેઠીને અચાનક આઝાદ થઈ ગયા?

ચાલો હવે કર્મના નિયમ તરફ આવીએ. કર્મનો નિયમ સચોટ હોય અને કર્મના ફળ ભોગવવાના જ હોય તો પછી ભગવાનની હોય તો પણ શું જરૂર છે? ભગવાન હોય તો પણ કર્મના ફળમાંથી બચાવવાનો છે જ નહિ તો હોય કે નાં હોય શું ફરક પડે છે? હોય તો એને એનું કામ કરવા દો. શૂળીનો ઘા સોયથી સરે તેવું કહેનારા કર્મના નિયમને ખોટો પાડે છે. શૂળીનો ઘા સોયથી સરે તો કર્મનો નિયમ જ ખોટો ઠરે. કર્મના નિયમને માનો અથવા ભગવાનને માનો.

આપણો પ્રૉબ્લેમ એ છે કે આપણે ભગવાન અને કર્મના નિયમ બંનેને સાથે માનીએ છીએ. એક બાજુ કહીએ છીએ કે ભગવાન બચાવે અને એકબાજુ કહીએ છીએ કરેલા કર્મ ભોગવવા પડે. મોસ્ટ કન્ફ્યૂઝ્ડ પ્રજા છીએ આપણે. બંને સાથે પણ માની શકાય પણ એમાં ભગવાનને એનું કામ કરવા દો, ના એ કોઈની ફેવર કરે નાં એ કોઈનું બગાડે, તમારી જવાબદારી તમે ભોગવો, નાં એ કોઈનો જુદો હોય. નાં એ દયાળુ હોય નાં એ ક્રૂર હોય. હોય તો બધે જ હોય, કણ કણમાં હોય અથવા કશે નાં હોય. હવે બધે કણ કણમાં હોય તો પણ કામનો નથી અને બધે નાં હોય તો કોઈ સવાલ જ નથી. પણ આપણે બધા લાડવા એક સાથે ખાવા છે. બસ અહીં જ ધૂતારાઓની લીલા શરુ થાય છે. આપણા ડર આપણા લોભ, લાલચ અને કન્ફ્યૂઝન નો મહત્તમ ઉપયોગ કરવાનું જેને આવડી જાય તે મોટો મહાત્મા મોટો ગુરુ બની જાય છે.

જેવો ગુરુ ધન, પદ, સત્તા મેળવી હાઈ સ્ટેટ્સ પ્રાપ્ત કરી લે છે કે તરત ઇવલૂશનરી ફોર્સને તાબે થઈ મહત્તમ જિન્સ ફેલાવવા અચેતનરૂપે સ્ત્રીઓ પાછળ લાગી જતો હોય છે. સ્ત્રીઓ પાછળ લાગી જવાની લાંબી યોજના રૂપે હાઈ સ્ટેટ્સ યેનકેન પ્રકારે પ્રાપ્ત કરાતું હોય છે તેમ કહેવું વધુ યોગ્ય છે. નેતાઓ પણ અન્કૉન્શયસલી આજ કરતા હોય છે.

 કર્મના નિયમમાંથી ભગવાન પણ બચાવી શકવાનો નાં હોય તો ગુરુ ક્યાંથી બચાવશે? તો પછી ગુરુને તાબે થવાની ક્યાં જરૂર છે? ગુરુ પોતે જ હવે જેલમાં ગયા છે તેમને કોણ બચાવશે? તમે કોઈ વ્યક્તિને ભગવાન માની લો અને જ્યારે તે આપણા માટે કશું કરી નાં શકે ત્યારે બહુ મોટો આઘાત લાગતો હોય છે. તે વ્યક્તિ પોતે જ મજબૂર હોય છે. એના પોતાના પ્રૉબ્લેમ્સ અનેક હોય છે, તે પોતે વળી બીજા ભગવાનને કગરતો હોય છે કે મને બચાવ. એને પણ ચૂંટણી લડવાની હોય છે. એને પણ દિલ્હી જવું હોય છે, એમાય પાછાં એના ગુરુ નડતા હોય છે. કારણ ગુરુને પણ દિલ્હીની ગાદી કબજે કરવાનો મોહ હોય છે.

ફક્ત સર્વાઇવલની અને શબ્દો વગરની કેમિકલ્સની ભાષા જાણતું નાનું મગજ કાયમ હાવી થઈ જતું હોય છે. મોટું મગજ જે વિચારશીલ છે તે બધું જાણતું હોય છે પણ છેવટે કરોડો વર્ષથી તમારા અસ્તિત્વ માટે કારણભૂત છે, જે ગમે તેવી વિષમ સ્થિતિઓ હોય તમને કરોડો વર્ષોથી બચાવતું આવ્યું છે તે મૅમલ બ્રેન હાવી થઈ જતું હોય છે. એટલે દુર્યોધન કહેતો હતો કે ધર્મ શું તે હું જાણું જ છું પણ તેમાં પ્રવૃત્ત થઈ શકતો નથી, અને અધર્મ શું તે હું જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति: ખરેખર તો મૅમલ બ્રેન કોઈ અધર્મ આચરતું નથી તેનો તો એક જ ધર્મ છે યેનકેન પ્રકારે તમને બચાવવાનો તે પણ સદીઓ સુધી..

દોઢડાહ્યાઓએ કહેલો ધર્મ જો મૅમલ બ્રેને માન્યો હોત તો આજે આપણું અસ્તિત્વ જ ના હોત..

                                                                                                                           ભૂપેન્દ્રસિંહ રાઓલ

                                                                                                                            ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૩

                                                                                                                             એડિસન, ન્યુ જર્સી.

14 thoughts on “जानामि अधर्मम न च मे निवृत्ति: ઍશોઆરામ……”

 1. Bhupendrabhai, perfect article. thanks for using my word ‘Aish-o-Aram’ for Asaram. His followers are still in state of shock. They still believe he is ‘Innocent’ and there is politics behind all this! I think all of them are having sun glasses of Yellow colour. Well, let’s do our job because they know not what they are doing.

  Like

 2. રામચરીતમાનસ, મંજીરા-કરતાલ બધામાં એક આવડત હોવી જોઈએ.
  પછી મગજ ચલાવ્યા વગર ઘેટાની જેમ ચાલવાનું.
  ભરવાડને ખબર છે ઉન ક્યારે અને કેમ ઉતારવું.
  નહીંતો ઘેટું ભીંતમાં કે ઝાડ પાસે ઉભો રહી ખુજલી કરશે અને ઉન વેડફાઈ જશે.

  Like

 3. એટલું પ્રમાણિક પણે સ્વીકારવું રહ્યું કે આપણા દરેકમાં થોડો દુર્યોધન વસેછે .. અને તેને પોતામાં જ રહેલ થોડો વધુ ધ્રુતરાષ્ટ્ર પંપાળે છે.

  Like

 4. હું નાનો હતો ત્યારે ઘણી વાર સાંભળી ચુક્યો છું કે શૂળીનો ઘા સોયથી સરે તો પછી ઘણા ભક્તો કે સજ્જનો પણ પીડાદાયી રીતે સિધાવ્યા છે તો આમાં ભગવાન ક્યાં આવ્યા અને સાચું જ કહ્યું છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે .સર્વાઈવલ નો નિયમ એક લીટી નો પણ ઘણો જ ગુઢ છે

  આભાર બાપુ।

  Like

 5. જબ્બ્બર !!!
  મહદાંશે તો પરસ્પર ઍશોઆરામની ખેવના જ આવા ખેલ કરાવડાવે છે. જો કે હું એક પૂરકવાત કરવા આવ્યો છુ :

  લેખમાં ગરમ તેલમાં પુરી તળવાનો ઉલ્લેખ આવ્યો. મેં જાતે આ રીતે ઉકળતા તેલમાં હાથ નાખી તળાયેલી પુરીઓ કાઢી છે ! (લો હવે મને પણ ઍશોઆરામ બાપુ જેવા શિષ્યો/શિષ્યાઓ (!) મળવા જોઈએ કે નહિ ?!!!) એક શાળામાં વિજ્ઞાનમેળો હતો તેમાં આ પ્રયોગ પણ ગોઠવાયેલો હતો. ત્યાં સૌ મુલાકાતીઓએ ઉકળતા તેલમાં તળાતી પુરીઓ હાથેથી કાઢી બતાવી હતી. શિક્ષક દ્વારા સમજાવાયું કે તેલમાં એક રસાયણ (કદાચ લીંબુનાં ફૂલ (સાઈટ્રીક એસિડ)) ચોક્કસમાત્રામાં ભેળવવાથી તેલનું ઉત્કલનબિંદુ નીચું આવી જાય છે. અને માત્ર નહાવાનાં પાણી જેટલી (અંદાજે ૫૦-૫૫ ડિગ્રી સે.) ગરમીએ તેલ ઉકળવા લાગે છે. તેમાં હાથ નાંખો એટલે માત્ર ઊના પાણી જેવું ગરમ લાગે, દાઝો નહિ. હા, જે તે વાસણ, કડાઈને હાથ ન અડે તેનું ધ્યાન રાખવું. (આ મેં સ્મરણથી લખ્યું છે, અખતરો કરતાં પહેલાં ચોક્કસપણે વિજ્ઞાન જાણકારની સલાહ લેવી.) નિરિક્ષણ કરતાં એક વાત ધ્યાને આવશે કે, સામાન્ય રીતે ગરમ તેલમાં પુરી તળાતા ભાગ્યે જ એકાદ મિનિટ લાગશે. જ્યારે આ રસાયણયુક્ત તેલમાં પુરી બહુ વખત લાગ્યા પછી તળાઈ રહે છે.

  પણ !! હું કે તમે આમ ઉકળતા તેલમાં હાથ નાખીશું તો કોઈ ફદીયુંએ પરખાવશે નહિ ! હા, દાઢી લાંબી કરીને, કપડાં રંગીને બેસીએ તો કંઈક શક્કરવાળ વળે !!! જય ઍશોઆરામની !!

  Like

  1. લેખ તો જબરો લખ્યો છે. પણ અહો અશોક કાકાની કમેન્ટ પણ પૂરક છે.
   કોઇ મહાનુભાવ આવી અંધશ્રધ્ધા વિરુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટાંત જેવી શ્રેણી ઇવિદ્યાલય પર ચાલુ કરો તો કેવું સારું?
   આમેય ટુંક સમયમાં આપણે ગુજરાતની બધી સરકારી શાળાઓમાં પહોંચવાના છીએ.

   Like

 6. 30-32- વરસ ની ઉમરે ગુરુ ની ક્યાં જરૂર છે?લગભગ બધાજ સારા /નરસા પ્રસંગો માંથી પસાર થઇ ગયેલા હોય છે.અને કદાચ કઈ પુછાવા જેવું હોય તો ગૂગલે/નેટ…. હાજર છે ,
  તે તમારા પર કોઈ દબાણ કે બળજબરી નહિ કરે..

  Like

 7. મને બહુ સંદેહ – સંદેહ શું પાક્કી ખાતરી છે કે આ ઍશોઆરામ જેવો જેલમાંથી છૂટ્યો નથી કે પાછા હજારો ના ધાડા ભેગા થવાના.. કેટલાય ભક્તોનો ભ્રમ હજી ભાંગ્યો હોય તેમ લાગતું નથી. તેમાંના vested interest વાળા ધ્રુતો વળી અફવા ફેલાવશે કે બાપુ એ જેલમાં રહીને આકરી તપસ્યા-સાધના કરી છે અને તે અકલ્પ્ય સિદ્ધિ નો લાભ હવે ભક્તોને આપશે.. લોભિયા હોય ત્યાં ધુન્તારા ભૂખે ના મરે તેનાથી પણ ઉંચી કહેવત શોધવી પડે તેવું બનવાનું છે.

  આ ઍશોઆરામોના કરતૂતો કરવાની ક્ષમતા ઓછી આંકી શકાય તેમ નથી.. અને આપણા લાલચુ અનુંયાઈઓની બૌદ્ધિક મૂર્છા આવા પાખંડીઓ ના હથિયારોની ધાર તેજ કરતી રહેશે ત્યાં સુધી આવું ન બને તો જ નવાઈ લેખાશે.

  હિંદુ/સનાતન ધર્મની સહિષ્ણુતાએ જ મોટો ડાટ વાળ્યો છે. સંત મહંતોની લાયકાત નક્કી કરે કે માન્યતા આપે તેવી કોઈ authority જ રાખી નથી.. ને જ્યાં નાલંદા જેવી વિશ્વવિદ્યાલય હોય તેવા દેશના ઋષિ સંતાનો આવા જોગટાઓ ની કદમપોષી કરવામાં નાનપ ન અનુભવે તેટલી હદે અધોપતન નોતરી ચુક્યા છે. જે બહેનો અગાઉ પ્રસાદી મેળવી શકી નથી તેઓ બાપુની અમી નજર પડીજાય તે માટે ધક્કા મુક્કી કરી આગલી હરોળમાં પહોંચવા દોડતી હોય તે દ્રશ્ય બહુ દૂરનું નથી લાગતું.

  value based education ને બદલે vocational education આવ્યા પછી કાબેલ વ્યવાસીકો જરૂર પેદા થયા છે .. પણ સમાજ સુધારકો નો દૂકાળ પડેલો આપણે સહુ જોઈ શકીએ છીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s