મિત્રતા-ફેસબુક ફંડા

imagesCADB57MYમિત્રતા-ફેસબુક ફંડા

જંગલમાં એકલો રહેતો હોય કે જેલમાં કાળકોટડીમાં એકલો પૂરેલો હોય, માનવી પશુ-પ્રાણી કે કોઈ પણ જીવજંતુ ને મિત્ર બનાવી લેતો હોય છે. મિત્રતાનો આધાર ત્રણ બાબતો ઉપર હોય છે. કે ત્રણ પ્રકારની મિત્રતા હોય છે. એક મિત્રતા ઉપયોગિતા પર આધાર રાખતી હોય છે. બીજી મિત્રતા આનંદપ્રમોદ ઉપર આધાર રાખતી હોય છે અને ત્રીજી મિત્રતા નૈતિકતા કે ચારિત્ર્ય અને ગુણો કે આચારવિચાર ઉપર આધાર રાખતી હોય છે.

સ્કૂલમાં વિદ્યાર્થીઓ એકબીજાને નોટ્સ, પુસ્તકો અને સાધનો વગેરેની આપલે કરતા હોય છે. પડોશીઓ એકબીજાની વસ્તુઓ શેઅર કરતા હોય છે. અમારા પાડોશી શાંતાબેન બે મરચાં, એકાદ લીંબુ કે એકાદ ડુંગળી લેવા કાયમ આવી જતા. આવી મિત્રતાનો આધાર ઉપયોગિતા ઉપર ટકતો હોય છે. ઉપયોગિતા ખતમ મૈત્રી ખતમ.

ઘણા મિત્રો ખૂબ હસમુખા હોય છે. એમની કંપનીમાં આનંદ આવી જાય. જોડે ફિલમ જોવા જઈએ. કોઈ પ્રોગ્રામ માણવા જઈએ. ઘણા ખર્ચાળ પણ હોય મિત્રો માટે પૈસા ખર્ચતા વાર નાં કરે. આમ એક મૈત્રીનો આધાર આનંદ-પ્રમોદ, મોજશોખ હોય છે. આનંદ ખતમ મૈત્રી ખતમ.

સદાચાર, સદભાવ, સમાન વિચારસરણી, ગુણ આધારિત નૈતિક મિત્રતા કાયમ ટકી જતી હોય છે. આવી મિત્રતામાં આનંદપ્રમોદ અને ઉપયોગિતા સમાયેલી હોય તે વાત જુદી છે. આવા મિત્રતામાં એકબીજાની સારપ વધુ જોવાતી હોય છે. એમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય છે.

એક ઇન્ટરનેશનલ અભ્યાસ (McAndrew & Jeong, 2012) મુજબ ફેસબુકમાં સૌથી વધુ એક્ટીવ યુવાનો, સ્ત્રીઓ અને સિંગલ હોય છે. તેઓ ઇમ્પ્રેશન વધારવા માટે ફોટા, સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરવા બીજા લોકો કરતા વધુ સમય ફેસબુક પર ગાળતા હોય છે. ઓલ્ડર યુઝર્સ ફેમિલી રીલેટેડ ફેસબુક એક્ટીવીટીમાં વધુ વ્યસ્ત હોય છે. ટૂંકમાં યુવાન સ્ત્રીઓ ઇચ્છતી હોય કે લોકો તેમને વધુ જુવે અને ઓલ્ડર યુઝર્સ ફેમિલી સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય છે.

રોજીંદી જીવન ઘટમાળમાં આપણે નાના મોટા અસ્વીકાર અવહેલના ભોગવતા જ હોઈએ છીએ. સાથે કામ કરતા સાથીઓ આપણને મૂકીને લંચ લેવા જતા રહેતા હોય, સગાસંબંધી આપણો જન્મદિવસ ભૂલી જતા હોય, પડોશીઓ એમના ત્યાં રાખેલી પાર્ટીમાં આમંત્રણ આપતા નથી, મિત્રો આપણને મૂકીને ફિલ્મ જોવા જતા રહેતા હોય, પતિ કે પત્ની એકબીજાની કામેચ્છા પૂરી કરવાની વિનંતીનો કઠોર અસ્વીકાર કરતા હોય, કોઈને કોઈ દ્વારા આપણી લાગણીઓ ઘવાયા વગર ભાગ્યેજ કોઈ દિવસ કે અઠવાડિયું પસાર થાય. પણ હવે Facebook, Twitter, Linkedin, Instagram જેવી અનેક સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ આપણને લાગણીઓમાં તરબતર કરવા આવી પહોચ્યાં છે, પણ જેટલી સ્વીકારની સંભાવનાઓ વધે તેમ અસ્વીકારની સંભાવનાઓ પણ ખૂબ વધી જતી હોય છે. એટલે કોઈ મિત્ર લાઈક આપવાનું ભૂલી જાય કે રિટ્વીટ કરવાનું ભૂલી જાય ત્યારે પેલાં રિઅલ લાઇફ રિજેક્શન જેવું અહીં પણ અનુભવાય છે. આપણા ટહુકા નો કોઈ પ્રતિસાદ આપવામાંથી છટકી જાય ત્યારે ખૂબ લાગી આવતું હોય છે. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર ના સચવાય તે એક જાતનો સામાજિક બહિષ્કાર જેવું લાગતું હોય છે.

સમજો જ્યારે આપણે કાયમ પાડોશીને નાની મોટી પાર્ટીમાં યાદ રાખીને બોલાવતા હોઈએ પણ તેના ઘેર પ્રસંગ આવે ત્યારે આપણને ભૂલી જાય ત્યારે જે દુઃખ થાય કે લાગણી ઘવાય છે તેવી જ સરખી અનુભૂતિ અહીં ફેસબુકમાં તમને કોઈ મિત્ર દ્વારા લાઈક કે પ્રતિભાવ નાં મળે ત્યારે થતી હોય છે. શારીરિક પેએન વખતે બ્રેનમાં જે વિભાગો વધુ હલચલ બતાવે છે તે જ વિભાગો સામાજિક અસ્વીકાર વખતે પણ વધુ હલચલ બતાવતા હોય છે. એટલે તમને પગમાં ઠેસ વાગે અને અંગૂઠામાં દુખાવો થાય ત્યારે, અને કોઈ સગા એમના ઘેર સારા પ્રસંગે આપણને યાદ નાં કરે અને આપણી લાગણી ઘવાય ત્યારે, અને આપણો મિત્ર આપણી પોસ્ટને લાઈક નાં આપે કે પ્રતિભાવ નાં આપે ત્યારે બ્રેનમાં સેઇમ વિભાગ એક્ટીવ થતા હોય છે. જો આટલું સમજાઈ જાય તો હવે કોઈ લાઈક નાં આપે તો દુઃખ ઓછું થશે.

ઘણીવાર આપણે વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ. માનો કે આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય. હું પોતે ટ્વીટર પર જતો નથી. મારા લેખોની લિંક ઓટ્મેટિક ટ્વીટર પર આવી જતી હોય છે. હું ગુગલ પ્લસ પણ ખાસ વાપરતો નથી. એટલે મને તે સાઈટ્સ પર કોઈ શું કરે મને ખાસ ખબર હોતી નથી. ફેસબુક ઉપર પણ હું આખો દિવસ હોઉં નહિ. બીજું અમારો ટાઈમ ડિફરન્સ પણ ધ્યાનમાં રાખવો પડે. અમારો સુવાનો ટાઈમ થાય ત્યારે તમે કોઈ પોસ્ટ મૂકી હોય જેની અમને જાણ થાય નહિ. હજારો પોસ્ટ અને સ્ટેટ્સ મૂકાતાં હોય ત્યાં કોઈ મિત્રનું ક્યાંય પહોચી ગયું હોય દેખાય પણ નહિ. એટલે જો આપણને સોશિઅલ મીડિયા પર ૧૦૦૦ વખત અસ્વીકાર(રિજેક્શન) અનુભવાય ત્યારે ૯૯૯ વખત કોઈનો અંગત ઇરાદો એવું કરવાનો હોતો નથી. ઘણી બધી જાતજાતની પોસ્ટ મૂકાતી હોય, ફોટા હજારો જાતના મુકાતા હોય છે. મને પોતાને ફોટા મૂકવામાં રસ નથી પડતો. અને એવા મૂકેલા ફોટા પ્રત્યે મારું ખાસ ધ્યાન પણ નાં હોય. દરેકના રસ જુદાજુદા હોય. એટલે જેટલું સોશિઅલ મીડિયા પર સમૃદ્ધ થવાની તકો હોય તેટલી જ તકો રિજેકશનની પણ હોય છે.

ફેસબુક પર લાખો પેજ છે. હેલ્થને લગતા હજારો પેજ હશે. હજારો લાખો ગ્રુપ્સ ચાલતા હશે. જેને જે ભાવે તેમાં જોડાઈ જાય. પોતાના ધંધાની જાહેરાતના પેજ હોય છે તેમ નિઃસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓના પણ પેજ છે. આતો જાહેર અન્નકૂટ છે જેને જે ભાવે તે ખાઈ લે.

ફેસબુક વાપરતા બાળકોનાં માતાપિતા ચિંતા કરતા હશે કે એનાથી બાળકોની બુદ્ધિમત્તા પર અસર પડશે. પણ એક અભ્યાસ એનાથી ઊલટું કહે છે. જો કે વધુ પડતો ઉપયોગ સમય બગાડે તે હકીકત છે. પણ અભ્યાસ જતાવે છે કે જે ૧૫-૧૮ વર્ષના બાળકો એક વર્ષ કરતા વધુ સમયથી ફેસબુક વાપરતા હોય તેઓની વર્કિંગ મૅમરી, વર્બલ આઈ કયું, અને સ્પેલિંગ જ્ઞાન એક વર્ષ કરતા ઓછા સમયથી ફેસબુક પર એક્ટીવ હોય તે બાળકો કરતા વધુ હોય છે. કારણ આખી દુનિયામાંથી માહિતીનો ધોધ અહીં વહેતો હોય છે. એની સાથે અનાયાસે રમતા રમતા અનાયાસે ચિંતનમનન થઈ જતું હોય છે.

એક અભ્યાસ જણાવે છે કે ૫૦ વર્ષ વટાવ્યા પછી એકલતા માનવીમાં બ્લડ પ્રેશર વધારવાનું કામ કરતી હોય છે. એટલે એકલતાના નિવારણ માટે મિત્રો હોય તે જરૂરી છે. પણ એવું જરૂરી નથી કે એકલતા દૂર કરવા અસંખ્ય મિત્રો જોઈએ. કે જેમ મિત્રો વધુ તેમ એકલતા વધુ દૂર રહે. એકલતા તમે કેટલા એકલા છો તેના પર આધાર નથી રાખતી પણ તમે કેટલું એકલવાયું અનુભવો છો તેના પર આધાર રાખે છે. ઘણીવાર સગાંસંબંધીઓનાં ટોળા વચ્ચે પણ માણસ એકલતા અનુભવતો હોય છે. ક્યારેક બહુ મોટી પાર્ટીમાં પણ ઘણીવાર એકલતા અનુભવાતી હોય છે. અને ક્યારેક મારા જેવાને સારા પુસ્તકો વાંચવા મળી જાય તો એકલો હોઉં તો પણ એકલતા લાગે નહિ..આમ મિત્રતામાં ગુણવત્તા વધુ મહત્વની છે સંખ્યા નહિ. બહુ ઓછા મિત્રો સાથે પણ એકલતા નિવારી શકાતી હોય છે. અરે! જેની હાજરીમાં એકલતા ગાયબ થઈ જાય તે સારો મિત્ર, બોર નાં કરે તે સારો મિત્ર, જેની હાજરીમાં કમ્ફર્ટેબલ ફીલ કરી શકાય, જેને મળીને જ ખુશ થઈ જવાય, તે સારો મિત્ર..

ફેસબુક પર ગમે તેટલા ફ્રેન્ડસ હોય ખરેખર આપણે બહુ ઓછા મિત્રો સાથે interact ક્રિયાપ્રતિક્રિયા કરી શકતા હોઈએ છીએ. ૫૦૦ મિત્રો ફેસબુક પર હોય તો ભાગ્યેજ ૧૫-૧૭ મિત્રો સાથે અરસપરસ interact કરી શકતા હોઈએ છીએ એવું એક અભ્યાસ બતાવે છે. આ વર્ચ્યૂઅલ ફેન્ડશીપ ક્યારેક રિઅલ મિત્રતામાં પણ બદલાઈ જતી હોય છે. પરદેશમાં રહેતા ફેસબુક મિત્રો દેશમાં આવીને વર્ચ્યૂઅલ મિત્રોની મુલાકાત લઈને એમને રિઅલ મિત્રો પણ બનાવી લેતા હોય છે.

ફેસબુક કે બીજી કોઈપણ સોશિઅલ વેબસાઈટ ઘણા માટે જાત સાથેની ઓળખ પણ બની શકતું હોય છે. હું શરૂમાં ફેસબુક પર ખાસ આવતો નહિ. મને ખુદને ખબર નહોતી કે આ ઇન્ટરનેટ મને લખતા કરી દેશે. મેં સપને પણ વિચાર્યું નહોતું કે હું લખતો થઈ જઈશ. શરૂમાં મેં ઓનલાઇન વાંચવા મળતા દિવ્યભાસ્કરમાં કોઈ લેખ નીચે ટિપ્પણી લખવાનું શરુ કરેલું. એમાંથી પોતાનો બ્લોગ બનાવી લખવાનું શરુ કરેલું. તે સમયે મારા વિચારો અસ્તવ્યસ્ત રીતે લખીને બ્લોગમાં મૂકતો થયેલો. પણ બીજા બ્લોગર મિત્રોએ એને સરાહવાનું શરુ કર્યું એમાં મને વધુને વધુ લખવાની ચાનક ચઢવા લાગી. ધીમે ધીમે ઘડાતો ગયો અને લખાણ પણ સુધરતું ગયું. ફેસબુક પર ભાગ્યેજ આવતો. ફેસબુક પર સૌ પ્રથમ મારી જાહેર ઓળખ આપનાર મિત્ર દર્શિત ગોસ્વામી બન્યા. એમણે મારો એક લેખ મારા નામ સાથે ફેસબુક પર પ્રસિદ્ધ કર્યો એને મિશ્ર પ્રતિભાવો મળેલા. થેન્ક્સ દર્શિત.

ફેસબુક દ્વારા મને ખૂબ સારા મિત્રો મળ્યા છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢવાનું ફેસબુક સારું માધ્યમ બની શકે છે. ઈમેલ અને બ્લોગ દ્વારા બહુ ઓછા મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય છે પણ ફેસબુક દ્વારા એકસાથે અનેક મિત્રો અને સગાસંબંધી સાથે સંપર્કમાં રહી શકાય છે. જૂની ઓળખાણો તાજી થતી હોય છે. કોઈપણ વસ્તુની સારીનરસી બાજુઓ હોય છે તેમ ફેસબુકને પણ હોય છે. કૉલેજ સ્ટુડન્ટ વચ્ચે કરાયેલો એક અભ્યાસ જતાવે છે કે જે લોકો ફેસબુક ઉપર પોસ્ટ અને સ્ટેટ્સ વધુમાં વધુ અપડેટ કરતા રહેતા હોય છે તેઓ સામાન્ય સંખ્યામાં સ્ટેટ્સ અને પોસ્ટ અપડેટ કરતા લોકોની સરખામણીએ ઓછી એકલતા અનુભવતા હોય છે.

સારી તંદુરસ્તી માટે આપણને ખબર છે કે પૌષ્ટિક ખોરાક લો, નિયમિત કસરત કરો, અને પૂરતો આરામ કરો, પણ કેટલા જાણે છે કે એની સાથે સામાજિક જોડાણ પણ મહત્વ ધરાવે છે? સામાજિક જોડાણ શારીરિક અને માનસિક હેલ્થ ઈમ્પ્રુવ કરે છે તે પણ જાણવા જેવું છે. વધુ પડતું વજન હેલ્થ માટે નુકસાનકારક છે જ પણ તેના કરતા વધુ નુકશાન જો તમે સામાજિક સંબંધો નાં ધરાવતા હોવ ત્યારે થતું હોય છે તેવું પણ એક અભ્યાસ જણાવે છે. ખૂબ મજબૂત સોશિઅલ કનેક્શન ધરાવતા લોકોનું આયુષ્ય વધવાના ચાન્સ ૫૦ ટકા વધી જતા હોય છે. સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ મજબૂત કરે છે. Steve Cole નામના વૈજ્ઞાનિકે રિસર્ચ કરેલું છે કે સોશિઅલ કનેક્શન આપણી ઈમ્યુન સિસ્ટિમ ઈમ્પ્રુવ કરે છે જેના લીધે બીમારીમાંથી જલદી બહાર આવી જવાય છે અને તેના લીધે આયુષ્ય પણ વધે છે. જે સામાજિક રીતે બીજા લોકો સાથે વધુ કનેક્ટેડ હોય છે તેઓને anxiety અને depression ઓછું થતું હોય છે. સામાજિક મજબૂત જોડાણ સેલ્ફ એસ્ટીમ વધારે છે, બીજા પ્રત્યે સહાનુભૂતિમાં વધારો કરે છે સાથે સાથે સહકારની ભાવના વિકસે છે, તેનો લાભ બીજાને મળે તો સામેથી આપણને પણ મળતો જ હોય છે. “પરસ્પર દેવો ભવઃ”

ઓછું સામાજિક જોડાણ ધરાવતા લોકોની શારીરિક અને માનસિક હેલ્થ ઓછી થતી જાય છે જેના લીધે એન્ટીસોશિઅલ પ્રવૃત્તિ વધવાનું જોખમ પણ વધી જતું હોય છે તેમ તેમ એકલા પડવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. એન્ગઝાયટિ, ડિપ્રેશન અને અસામાજિક વૃત્તિઓ સામે અસહાયતા ક્યારેક આત્મહત્યા તરફ દોરી જાય છે.  We are biologically, cognitively, physically, and spiritually wired to love, to be loved, and to belong. આવું ના બને તો ભાંગી પડાતું હોય છે, સંવેદનહીન બની જવાતું હોય છે જે એકંદરે નુકશાન કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે આપણે ધનિક થવા માંગીએ છીએ, સત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માંગીએ છીએ, સૌન્દર્ય અને અમર યુવાની ઇચ્છીએ છીએ, નવી કાર જોઈએ છે, પણ આ બધી ઇચ્છાઓના મૂળમાં સામાજિક સ્વીકાર ઇચ્છતા હોઈએ છીએ, કોઈને પોતાના બનાવવા અને કોઈના બનવા માંગતા હોઈએ છીએ. હવા, ખોરાક અને પાણી સાથે સોશિઅલ કનેક્શન આપણી મૂળભૂત ચોથી જરૂરિયાત છે.

મૂવી જોતા વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ પડદા પર નૃત્ય કરતા દ્ગશ્યોના ટુકડા એકધારા લયમાં ઝડપથી પસાર થતા પારદર્શક ચિત્રો જ છે. આપણે એમાં માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. બસ તેવું જ ફેસબુક જેવા વર્ચ્યૂઅલ જગતનું પણ છે. અને ખરેખર આ વર્ચ્યૂઅલ જગત વર્ચ્યૂઅલ પૂરેપૂરું હોતું પણ નથી. ભલે આપણે ફેસબુક મિત્રોને મળ્યા નાં હોઈએ પણ હકીકતમાં તેઓ બીજા દેશમાં કે શહેરમાં બેઠેલા હોય છે તો ખરા જ. ફેક આઈડી પાછળ પણ કોઈ જીવંત વ્યક્તિ છુપાયેલો તો હોય જ છે. એવા મિત્રોને ખરેખર મળવાના ચાન્સ ૧૦૦ ટકા હોય જ છે. એટલે ભલે ના મળ્યા હોઈએ એમના સુખે સુખી અને એમના દુઃખે દુઃખી પણ થવાતું જ હોય છે, એના માટે કોઈ રિસર્ચની જરૂર નથી. જેને હું કાયમ ઝાઝું લક કહીને સંબોધન કરતો હતો તે ઝલક પાઠકની કાયમી વિદાયનાં સમાચાર સાંભળી વહેલા આંસુ વર્ચ્યૂઅલ નહોતા તે એની સાબિતી છે.

રેફરન્સ

        :   http://www.sciencemag.org/content/241/4865/540.short

        :   http://www.pnas.org/content/early/2011/03/22/1102693108.abstract

        :   http://www.psy.cmu.edu/~scohen/Pressman,%20S.,%20Cohen,%20S.,%20Miller,%20G.%20E.,%20Rabin,%20B.%20S.,%20Barker.pdf

7 thoughts on “મિત્રતા-ફેસબુક ફંડા”

  1. લાઈક કોમેન્ટ્સનાં વાટકીવ્યવહાર એટલે લૌકીક વ્યવહાર

    આપણે કોઈને Linkedin માં જોડાવા આપણી સાથે આમંત્રણ આપીએ પણ તે સ્વીકારે નહિ તો ખોટું લાગતું હોય છે પણ એવું બને કે પેલો ભાઈ Linkedin કદી ખોલતો જ નાં હોય કે વાપરતો જ નાં હોય…..

    Like

  2. રાઓલબાપુ મિત્રતાને તર્કના ત્રાજવે ખુબ સુંદર ન્યાય આપ્યો મિત્રતામાં વિચારોની સમાનતા હોય ત્યાં મૈત્રી ટકવાના ચાન્સ ખુબ વધી જતાં હોય છે મારી જ વાત કરું તો નાનપણમાં ગામડે મોટાભાગના મિત્રો સાથે મારે બનતું નહિ કારણ કે મને/મારા વિચારોને કોઈ સમજે નહિ એટલે કાયમ મિત્રો સાથે મતભેદ રહે અને દરરોજના મતભેદ આખરે મનભેદમાં પરિવર્તિત થય જતાં હોય છે અને કોઇ એક લેખ, કવિતા કે રચનાને આપની કોમેન્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય આપવો પણ ખૂબ અઘરો અને કદાચ દિલના ખરા શબ્દોથી ઇમાનદારી પૂર્વક ન્યાય ન પણ આપી શકાય ખાસ કરીને ત્યારે જ્યારે મનમાં લાઇકનું ભૂત ધુણતું હોય… હાહાહા… ક્યાંક હાસ્યના હુલ્લડમાં મન પ્રફુલીત કરવાં હાસ્ય પ્રચુર કોમેન્ટ કરવાંની… ત્યાંથી મુડ ચેન્જ કરી કોઇ એક ધાર્મિક પોસ્ટ પર કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એનો ખયાલ રાખી કોમેન્ટ કરી નીકળ્યાં હોય ત્યાં તર્ક સંગત પોસ્ટમાં કોમેન્ટ કરવાંનું આમંત્રણ નોટિફીકેશનમાં આવીને ઉંભુ હોય આ કોમેન્ટોની ભાગદૌડમાં આપણાં ખૂદના વિચારોનો વિરોધાભાષ છતો થયા વગર નથી રહેતો કોઇ પણ વસ્તુ વિષયનો વિરોધાભાસ તો હોવાનો જ એમાં પણ ખાસ કરીને સોશ્યલ સાઇટના તો નબળા અને સબળા પાસા ઉડીને આંખે વળગે એવા… ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય એટલે ગામ છોડીને ભાગી થોડું જવાનું? ઉકરડાની સફાઇને પ્રાથમિકતા આપવી ઘટે… વિવેક બુદ્ધિથી ઉપયોગ કરીએ તો ફેસબૂક એક અદ્દભૂત સોશ્યલ સાઇટ છે અને એના સેંકડો ફાયદાઓને પણ નજર અંદાજ ન જ કરી શકાય…
    અંતે મારી રચના “માયા ફેસબૂકની”
    ________________________

    લાઇકની લ્હાયમાં હલવાણા આ ધુરંધરો
    કોયડો કોમેન્ટનો થતો જાય એવો અઘરો,

    નર હોય કે, હોય નારી તણી કોઇ દિવાલ
    ચડી દિવાલ પર કરે કોમેન્ટ રૂપી મુજરો,

    ફેસબૂક સમંદરની સૌ નાની મોટી માછલી
    શબ્દો સૌ કોઇના છે અહીં અજીબ તવંગરો,

    અહંમ આડોડાઇ અકળાવે અંદરથી સૌને
    નિખાલશ મનમાં કીડો છે આ કેવો જબરો,

    મળે નાનાને ટેગમાં પણ મોટો ધુત્કાર અહીં
    ને મોટા માંથા કણે જાય વણ નોતર્યો નવરો,

    સમયની થપાટે સુધરશે સૌ કોઇ “અશોક”
    અપ ટુ ડેટ લીબાસ, છે અંદરથી ઇ લઘરો

    – અશોકસિંહ વાળા

    Like

  3. વાહ ખૂબ સરસ લેખ ,,,,, મારે પણ એવું જ બન્યું છે હું પણ યાહૂ વખતે તેમાં ગાંડા બની ગયેલા લોકો ને જોતો હતો આખી રાત રાત ચેટિંગ કરતાં હોય છે ને એ વખતે પણ એવા જ લોકો હતા જેઓ ને રિયલ લાઈફ માં કોઈ દોસ્તો નહતા અથવા તો મતી અનુસાર દોસ્તો નોહતા ,,,, બરોબાર એવ જ સમય માં મારે રાજકોટ થી વાંકાનેર આવા નું બન્યું ને ત્યારે આહિયા અકિલા ન્યૂઝ વાંચવું સમય ના પ્રમાણ માં થોડું અઘરું બન્યું ને તે લીધે વળી ના છૂટકે નેટ પર આવ્યો ને તેમાં થી મામા ના એકાઉન્ટ માં થી રાઓલજી ના લેખ ની નોટ વાંચવા નું શરૂ જ કરતો હતો ને ત્યાર થી પછી હું પણ ફેસબૂક નો વ્યશની ક્યારે બની ગયો એ પણ ખબર નો પડી ,,,,આમ તમે રાઓલજી મારા આ દુર્વ્યશન માટે સીધી રીતે જ જવાબદાર છો (ને સજા રૂપે તમારે અમેરિકન સ્કોચ પીવડાવી પડશે ખી ખી ખી) એ બાદ કોમેન્ટ માં અને શાયરો ને કવિઑ ને 10\10 ની અંદર માર્ક આપી ને કોમેન્ટ કરતો હતો ને એમાં થી ક્યારે પક્ષ કે પ્રતિપક્ષ કોમેન્ટ ને બાદ માં પોસ્ટ કરતાં થાય ગયો એ તો હવે ખ્યાલ પણ નથી ,, હા આજે પણ ગમતી પોસ્ટ કે કોમેત્ન ને લાઈક તો આપું જ છું ,,,બને ત્યાં સુધી ફ્રેંડલિસ્ટ નાનું રાખવા ની કોશિશ કરું છું ને સિલેકટેડ લોકો સાથે જ વોટ્સએપ કે ડાઇરેક્ટ મળવા નું પસંદ કરું છું ,,,ફેસબૂક ફંડા માટે એટલુ જ કહીશ કે અહિયાં થી મને વધારે મળ્યું છે ,,, ગુમાવા ની નોબત હાલ સુધી તો આવી નથી ,,, આગળ અલ્લાહ માલિક ,,,,,,,,

    Like

  4. ગઈકાલે જ એક મિત્ર સાથે ફેસબુકની દુનિયા અંગે વાત થતી હતી અને સાંજે આપનો લેખ જોયો. પહેલા એક વખતે સાંજે એક ટેટુ વાળી છોકરી જોઈએ હતી અને ૯ વાગે આપે સ્ત્રીઓ અને ટેટુ પર એક લેખ ફેસબુક પર અપલોડ કયો હતો. હા હા હા.

    ત્રણ પ્રકારની મિત્રતા આપે જણાવી છે જેનો અહી રહેલા તમામે ક્યારેકને ક્યારેક તો અનુભવ કર્યો જ હશે. જેમની સાથે આપણા વિચારો મળતા હોય તેમની સાથે તો આપણી મિત્રતા ટકે છે કારણ કે તેમાં મિત્રતાનો આધાર વૈચારિક હોય છે. જો કે જીવનમાં અમુક મિત્ર એવા મળ્યા છે જેમની સાથે વૈચારિક મતભેદ હોવા છતાં અમારી મિત્રતા ખાસો સમય ટકી એનું કારણ હતું અમેબીજાના વિચારો સાથે સહમત ના હોઈએ તો પણ એકબીજાના વિચારોને સમજવાનો નિખાલસ પ્રયત્ન કરતા.

    ક્યારેક કોઈ મિત્રને સાચી સલાહ આપીએ તો પણ મિત્રતા તૂટી જાય. એક પરણેલા અને બે સંતાનોના પિતા એવા એક મિત્ર તેમના આવારા મિત્રની સંગતે ચડ્યા અને પોતાનું ઘર ભૂલીને કોઈ આવારા છોકરી સાથે લફડામાં પડ્યા. મને યોગ્ય લાગ્યું એટલે મેં કહ્યું કે ભાઈ આ લફડું ઘરે ખબર પડશે તો ઘરમાં કંકાસ ઉભો થશે અને સંતાનો પર પણ તેની અસર પડશે. તેમને સલાહ આપવાના ચક્કરમાં મારી મિત્રતામાં કટુતા આવી ગયી. એક દિવસ ભાભીને તેમનીસીક્થ સેન્સના અલર્ટ અને મોબાઈલથી તેમના વિદેશી રોકાણોની જાણ થઇ અને પછી ઘરમાં કંકાસ શરુ થયો. હવે આ મિત્ર ચારે બાજુ મારી નીંદાકુથલી કરતા ફરે છે. આવા મિત્રોના કારણે જ “નાદાન કી દોસ્તી જી કા જંજાલ” જેવી કહેવત પડી હશે.

    મહાવીર સ્વામીનો એક સિધ્ધાંત બહુ ગમ્યો છે, દરેક બાબતને જુદાજુદા આયામથી ચકાસો. દલિતો અને મુસ્લિમ મિત્રો સાથે રહીને તેમના વિચારો અને સમસ્યાઓ પણ સમજવાનો પ્રયાસ કર્યો. હું રાજકારણી નથી કે સમાજશાસ્ત્રી પણ નથી પણ આવી બાબતો તો દરેકના જીવનમાં થતી જ રહેતી હોય છે.

    ફેસબુક આભાસી દુનિયા છે પણ વાસ્તવિક દુનિયા છે તે પણ ક્યારેક આભાસી નીકળતી હોય તેવું લાગે છે. જે પ્રેમિકાને દિલથી પ્રેમ કર્યો હોય તે ટાટા બાય બાય કરીને જતી રહે ત્યારે એમ થાય કે તો વાસ્તવિક શું હતું ? ક્યારેક પોતાનો કોઈ જીગરી મિત્ર જ બે પૈસા કમાઈ લે અને આપણે તેને અમસ્તા મિત્રભાવે જ મળવા પહોચી જઈએ અને તેની વાતોમાં ફોર્માલીટી અને પોતાની સકસેસના શો ઓફની વાતો વધારે આવી ગઈ હોય ત્યારે એમ થાય અલ્યા જીવ, આ તો કોસ્મેટીક સર્જરી કરેલું કોઈ બીજું પ્રાણી લાગે છે.

    મને ટેકનોલોજીમાં બહુ ગતાગમ નથી પડતી. સાયબર કાફેમાં “કીપ મી લોગ્ડ ઇન” ઓપ્સનના કારણે બે ત્રણ વાર મારા ઈ-મેલ આડી અને પ્રોફાઈલ હેક થઇ ગયા છે. અત્યારે તો ફેસબુકનો જ યુઝ કરું છું એમાંથી જ સમય નથી મળતો. ટ્વીટર, વોટ્સઅપનું નામ સાંભળ્યું છે કદી યુઝ નથી કર્યું. પણ આ બધાની દુનિયા એક જેવી જ હશે એવું લાગે છે.

    ફેસબુક જોઈન કર્યું હતું ત્યારના મિત્રવર્તુળમાંથી ઘણા વાસ્તવિક જીવનમાં થાય છે તેમ વિખેરાઈ ગયા, કેટલાક વૈચારિક મતભેદોથી જૂથોમાં વહેચાઈ ગયા, કેટલાક નવા ઉમેરાયા. આપે કહ્યું કે કોઈ મિત્ર લાઈક કે કોમેન્ટ ના આપે તો ખોટું લાગે. કાલે જ એક મિત્ર સાથે વાત થતી હતી કે અમુક વખતે જે પોસ્ટ લખવામાં ૩-૪ કલાક બગડ્યો હોય અને જેને વાંચવામાં પણ ૫ થી ૧૦ મિનીટ લાગે તેવી પોસ્ટ પર પણ અમુક મિત્રો અરધી કે એક મિનીટ માં લાઈક આપી દે ત્યારે એમ લાગે કે મિલ્ખાસિંઘ માત્ર દોડવામાં નહિ વાંચવામાં પણ પેદા થાય છે. આવા લોકો વાંચવામાં મિલ્ખાસિંઘની સાથે સમજવામાં ખુસવંતસિંઘ પણ હોતા હશે.

    હું પોતે લાઈકની વાડકી વહેવારમાં માનતો નથી. વગર વિચારે કે વગર વાંચે યંત્રવત લાઈક આપવી એ મને વહેવારુ લાગતું નથી. ક્યારેક વાંચી ના શક્યો હોઉં કે કોઈ મુદ્ધા પર સમજાયું ના હોય અથવા તો કોઈ મુદ્ધા પર મારું પોતાનું મંતવ્ય સ્પષ્ટ ના હોય તો હું લાઈક નથી આપતો. જોકે મોટાભાગે આવી પરિસ્થિતિ નહિ વાંચી શકવાના કારણે આવી ગયી હોય છે. હાલ હવે નવા મિત્રો એડ કરવાના લીમીટેડ કર્યા છે તેનું કારણ એજ છે કે દરેકની પોસ્ટ વાંચી નથી શકાતી.

    ગમે તે કહીએ જીવનની જેમ ફેસબુકનો ફંડા ઘણો ખરો એવો છે કે કોઈની પોસ્ટ પર તમે ડીસએગ્રી થાઓ, તેના વિચારોની વિરુદ્ધ પોતાનો વિચાર પ્રગટ કરો તો મિત્રતાની હાલત ભારતની ઈકોનોમી જેવી થઇ જાય. કહેવા પુરતા ફ્રેન્ડલીસ્ટમાં રહે. હા હા હા. વિચારોનો વિરોધ વ્યક્તિગત વિરોધ તરીકે સમજવામાં આવે. ધાર્મિક સડાઓના વિરોધને ધર્મનો વિરોધ સમજી લેવામાં આવે. સીસ્ટમની નબળાઈ કે નિષ્ક્રિયતાના વિરોધને કોઈ વ્યક્તિ કે વિચારધારાનો વિરોધ સમજી લેવામાં આવે. ફેસબુક પર રામાયણ કાળના ધોબીની માનસિકતાના વારસદાર પણ પડ્યા હોય છે.

    જોકે ફેસબુક નવા મિત્રો પણ બનાવી આપે જેમાં કેટલાક સાથે વાસ્તવિક જીવનમાં પણ મિત્ર બને છે. કેટલાક સાથે માત્ર ફેસબુક પુરતી જ રામાશ્યામા હોય છે. પોતાના વિચારો સમજી ના શકે તેવું સામાજિક વર્તુળ ના હોય તેઓ અહી પોતાના વિચારો રજુ કરે અને તેમના વિચારોને / ક્રિએટીવીટીને પ્રોત્સાહન આપનારા મળી રહે. કોઈને કવિતા લખવાનો શોખ હોય અને તેના સામાજિક વર્તુળમાં કવિતા સંભળાવવી એ અક્ષમ્ય અપરાધ હોય તો તે અહી પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે છે. આવા લોકો અહી ફેસબુક પર ભેગા થઇને પોલીસની દખલ વગર એકબીજા પર કવિતામારો કરી શકે છે.

    જયારે કોઈ વ્યક્તિને તેના વિચારો સમજી શકે તેવા લોકો મળે ત્યારે તેને એકલવાયું ના લાગે પણ જો ટોળામાં પણ તેના વિચારો સાથે કોઈ અનુકુળ ના હોય તો તે એકલતા અનુભવે. ફેસબુક ભલે વર્ચુઅલ પ્લેટફોર્મ હોય પણ તેની પાછળના વ્યક્તિત્વો તો વાસ્તવિક જ હોય છે એટલે માનવ સ્વભાવગત રેફ્લેક્સન પણ અહી જોવા મળે છે.

    Like

  5. Nice article Bhupendra bhai. I had seen a cartoon about Face Book user. He dies. His dead body is kept in a coffin and his wife waits for hours for people to come. Nobody comes till evening and ultimately while talking to a father from the church she says, “He had over a thousand FB friends and yet nobody has turned up.”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s