મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર..

images

મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર

ગુજરાતી લિટરરી અકૅડમી તરફથી હંમેશની જેમ ઇ-મેલ આમંત્રણ આવી ગયેલું કે હાસ્ય, નિબંધ અને કવિતા એમ ત્રિવેણી સંગમ માણવા જવાનું છે. અને આ ત્રિવેણી સંગમમાં ગંગાસ્નાન કરાવવાના છે શ્રી ભાગ્યેશ જહા. નામ જાણીતું લાગ્યું પણ શેના માટે જાણીતું હતું બરોબર યાદ નહોતું આવતું. લાગે કે બહુ વાર ક્યાંક વાંચેલું છે. બ્રેન ગોટાળે એટલા માટે ચડેલું કે અહી કવિ ભાગ્યેશ જહાને સાંભળવાના હતા. અને ઊંડે ધરબાયેલી સ્મૃતિ કાંઈક  જુદું કહેતી હતી.

સમય પહેલા પહોચી પણ ગયો. મિત્ર શ્રી અમૃત હઝારી પણ મળી ગયા. શ્રી ભાગ્યેશ જહાની ઓળખ વિધી શરુ થઈ ને ઊંડે ધરબાયેલી સ્મૃતિ જે જુદું બોલતી હતી તેનો ભેદ પકડાઈ ગયો. અરે ! આજના કવિ તો પેલાં જાણીતા વડોદરામાં ૨૦૦૨ માં કલેક્ટર હતા તે છે ! આ નામ તો વડોદરા હતો ત્યારે છાપાઓમાં રોજ વાંચતો હતો. તે સમયે કોમી ધમાલો થઈ હતી. ૬૦ કેમેરામેન વચ્ચે એમનું ભયાનક જાહેરમાં અપમાન કરવામાં આવેલુ. બહુ મોટો વાદવિવાદ જાગેલો. મને બધું યાદ છે. એમના મિત્રોએ પણ કહેલું કે રાજીનામું આપી દો પણ ઘેર જઈને એક કવિતા લખી નાખી કે “ તું હળાહળ ઝેર છે તો હું અહી નીલકંઠ છું, તું હશે તલસાટ તરસનો હું પ્રેમથી આકંઠ છું.” અને પછી ઊંઘી ગયા.

માતૃભાષા માટે અમારી પેઢીને અનહદ લગાવ છે જે અહી ભાગ્યેશ જહાના વક્તવ્યોમાં દેખાઈ આવે છે. મૂળ તો માણસા બાજુના સરઢવ ગામના નાગર. કહે છે માતૃભાષા મારી માં છે, હિંદી મારી માસી અને અંગ્રેજી પડોશમાં રહેતી વિદેશી વિદુષી રૂપાળી નારી છે. ઊંઘ ના આવે ત્યારે હાલરડું તો માતા જ ગાય અને પેટમાં દુખે તો માસી દવા આપે આને બેસતા વર્ષના દિવસે પડોશમાં જઈને અંગ્રેજી માતાને પગે લાગી ૧૦૦ ડોલર લઈ આવવાના.

કવિ કલેક્ટર તો દિયોર મૅહૉણાના નૅકળ્યા.. અને તેય પાસા મારા ગૉમ બાજુના. હાહાહાહાહા !!

ભાગ્યેશભાઈ મહેસાણી તળપદી ભાષા બોલીને ખૂબ હસાવે. અમારા મહેસાણા બાજુ વાતે વાતે લોકો દિયોર શબ્દ વાપરે. પૂર્ણ વિરામ માટે, અલ્પ વિરામ અને પ્રશ્નાર્થ માટે પણ દિયોર વપરાય. આવો દિયોર, હુ કૉમ અતુ દિયોર અહી દિયોર એટલે પ્રશ્નાર્થ ચિન્હ સમજવું. એમના ગામ સરઢવ જતી બસમા કોઈ ભાઈ બેઠા હશે. કોઈને પૂછ્યું હશે કે બસ ક્યાં જાય છે પેલાં એ  કહ્યું હૈઢવ,. તો પેલાં ભાઈ ઊતરવા લાગ્યા તો કંડક્ટરે પૂછ્યું કેમ ઊતરો છો તો કહે મારે સરઢવ જવું છે તો પેલો કહે બેસો બસ સરઢવ જ જાય છે. હૈઢવ અને સરઢવ એક જ કહેવાય.. હાહાહા..

નર્મદા યોજના વખતે હવનમાં હાડકાં નાંખવા આવેલા એક્ટિવિસ્ટ વિષે કહે એ બાઈ જોડે ચાર-પાંચ  કલાક સમધાન માટે ચર્ચા ચાલી પણ બાઈ માને જ નહી. એમણે નામ દીધું નહિ પણ અમે સમજી ગયા કે મેઘા પાટકરની વાત કરતા લાગે છે. તે સમયે એમણે એક કવિતા રચેલી આખી કવિતા નથી લખતો પણ જે યાદ રહી તે પંક્તિઓ લખું.

અમે એક્ટિવિસ્ટો, ઇષ્ટ-અભીષ્ટ અને ટ્વિસ્ટ કરીને ગાવું એજ અમારો મૅનિફેસ્ટો.

થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી મેલી રાખો સાડી, થોડી મેલી રાખો ગાડી,

ક્યાંક શોધી રાખો મુળજી તડવી,

સાથે નહિ પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ.. કવિતા તો બહુ લાંબી છે, પણ એમાં એમનો આક્રોશ દેખાઈ આવે છે.

ભાગ્યેશ જહા સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે વર્ષોથી છે. I.A.S. ઓફિસર છે. એટલે વહીવટી કામમાં સતત ખૂંપેલા રહેતા હોય તે સ્વાભાવિક છે. પણ એમાંથી ય એમને કવિતા જડી જતી હોય છે. સ્યૂડો સેક્યૂલર એવા દંભી એક્ટિવિસ્ટો પર લખેલી કવિતા એનો ઉત્તમ નમૂનો છે. ત્રાસવાદ અને કામવગરનાં વાનરની જેમ ઊછળકૂદ કરતા જર્નાલિઝમ ઉપર કટાક્ષ કરતી કવિતા પણ એનો ઉત્તમ નમૂનો છે. આવો એક ત્રાસવાદમાં ઘાયલ થયેલો એક વ્યક્તિ હોસ્પિટલમાં પડ્યો છે. કહે છે ડૉક્ટર સાહેબ આ પેલાં કાકાને લઈ જાવ એમની આખોમાંથી લાલ રંગનું લોહી ટપકશે તો આખું રેલવે સ્ટેશન ઊગી નીકળશે, અને વૉર્ડ બૉયને કહેજો સવારની ચા લાવે પણ એની સાથે આજનું છાપું ના લાવે.

એક ડોસીની કવિતા તો અજબ હતી. ડોશી કોઈ જુવાનિયાની કારની હડફેટે આવી જાય છે. પછી લાંબું વર્ણન છે. ‘ડોસીની કરચલી વાળી ચામડી જાણે સમુદ્રની લહેરોની ગડી વાળીને મૂકેલી હોય’ પંક્તિ આવતા શ્રોતાઓ આહ અને વાહ પોકારી ઊઠતા. છેલ્લે ડોશી ડૉક્ટરને કહે છે મને ના ઓળખી? હુ તારી માતૃભાષા.

વચમાં વચમાં સાહેબ હાસ્યની છોળો ઉછાળતા ટૂચકાઓ કહેતા જતા હોય છે. એ વડોદરા હતા ત્યારે તોફાનો થયેલા એનો ટુચકો કહેતા કહે છે એક ભાઈ ઘાયલ રસ્તામાં પડેલા જોયા, ઝભ્ભો ફાટી ગયેલો. એમને કહ્યું ચિંતા ના કરો તમને ઘેર લઈ જઈએ છીએ તો પેલાં ભાઈ કહે લઈ જવું હોય તો હોસ્પિટલ લઈ જાવ ઘેરથી જ આવ્યો છું. આવા એક ઘાયલ ભાઈને દવાખાનાનો ક્લાર્ક પૂછે કે,

Amrut Hazari and Bhagyesh Jaha
Amrut Hazari and Bhagyesh Jaha

શું નામ?

કરશનજી

ઉંમર કેટલી?

૪૯ વર્ષ

પરણેલા છો કે કુંવારા?

પણ સાહેબ આ તો બહાર વાગ્યું છે ઘરમાં નહિ..

એક પત્ની સાયકાયટ્રિસ્ટ પાસે કમ્પ્લેન કરે છે કે મારા પતિ ઊંઘમાં બહુ બબડે છે. ડૉક્ટર કહે એમને રાતે ઑબ્ઝર્વેશનમાં રાખવા પડે. પછી પેલાં ભાઈ રાતે વારેઘડીયે બોલતા હોય છે કે શર્મિષ્ઠા આઈ લવ યુ, શર્મિષ્ઠા આઈ લવ યુ. ડૉક્ટર પેલાં બહેનને કહે આ જુઓ તમને કેટલો બધો લવ કરે છે અને તમે ફરિયાદ કરો છો તો પેલાં બહેન કહે પણ મારું નામ શર્મિષ્ઠા નહિ રીટા છે.

એમના ૩૨ વર્ષના સુખી લગ્નજીવન વિષે બહુ મજાની કવિતા એમણે લખી છે. પતિ બહુ મોટો ઓફિસર હોય, પૈસા હોય, ગાડી હોય, બંગલો હોય, હાઈ સ્ટેટસ હોય અને ખાસ તો પતિ એના કામમાં બહુ વ્યસ્ત રહેતો હોય તો ઘરેલુ ઝઘડા થવાના ચાન્સ બહુ ઓછા. ઘેર ખાસ રહેતો હોય તો ઝઘડા થાય ને? આવું મારુ પોતાનું માનવું છે.

આપણા જુના કલ્ચરમાં પતિ પત્ની એકબીજાને નામ દઈને બોલાવતા નથી. કહુ છું? અને સાંભળો છો? એમ જ વાતો ચાલતી હોય છે. એને કવિતામાં બહુ સરસ રીતે વણી લીધું છે. થોડી પંક્તિઓ,

‘કહું છું કહીને મેં ક્યાં કઈ કીધું? સાંભળો છો કહી તે શું સુણાવ્યું?

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

ચપ્પલને ઊંધું પાડી ઝઘડાના ઝાંપાને હુ સહેજ સાજ ખોલું,

ત્યાં જ મારા ચશ્માના લૂછે તું કાચ કેમ કરી હુ કાંઈ બોલુ.

બાથરૂમ કે અરીસામાં ચોટેલા ચાંદલામાં વાંચુ હું તબિયતની ભાષા,

ઓટલા પર સૂકવેલા સૂરજમાં તું સાચવે મોજ અને મસ્તીની આશા.

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું.

જહા સાહેબ ચિતોડ ઇલેક્શન ઑબ્ઝર્વર તરીકે ગયેલા ત્યાં મીરાંનું એક મંદિર છે. મીરાંની મૂર્તિ બહુ મોટી છે અને બાજુમાં કૃષ્ણનો ફોટો નાનકડો મૂકેલો છે. જહા સાહેબ ત્યાં રોજ જતા. ત્યાં મીરાંના મંદિરમાં એમને જાણે કૃષ્ણ કહેતા હોય તેમ કવિતા સૂજેલી કે

‘આસપાસ આરપાર અઢળક ઊભો છું,

તમે પાછા વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો.’

બહુ સુંદર કવિતા છે. નાગરી નાતને કૃષ્ણ સાથે બહુ મોટું ભાવનાત્મક જોડાણ. એમની આવી જ કવિશ્રી કૃષ્ણ દવે યાદ આવી જાય તેવી કવિતા,

SMS કરવાનું બંધ કરો શ્યામ હવે રૂબરૂમાં આવવાનું રાખો,

મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમરોમ મોરલી મોબાઈલ જેવી રાખો.’  આખી કવિતા ખૂબ મજાની છે.

વળી પાછા થોડા જોક્સ. સૌરાષ્ટ્રનો કોઈ પ્રસંગ કહેતા બાપુઓ યાદ આવી જાય તે સ્વાભાવિક. અને હાસ્ય પ્રસંગો કહેનારને બાપુઓના જોક્સ તો યાદ આવે જ. પણ હૉલમાં કોઈ બાપુ હોય તો પૂછી લેવું સારુ સમજી જહા સાહેબ કહે માફ કરજો અહી કોઈ બાપુ તો નથી ને? મેં આંગળી ઊંચી કરી અને કહ્યું હું છું, પણ હુ તમારા ગામ બાજુના ગામ માણસાનો છું સૌરાષ્ટ્રનો નહિ. તો હસતા હસતા કહે બાપુઓ બધે સરખા જ હોય. એક બાપુના ત્રણ દીકરા હતા. કોઈએ બાપુને પૂછ્યું દિકરાઓ શું કરે છે? બાપુ ગર્વથી કહે મોટો ફોજદાર બની ગયો છે. પછી ગર્વથી કહે વચલો કંડક્ટર બન્યો છે. પછી ત્રીજાની વાત આવતા મોઢું પડી જાય છે. પેલાં ભાઈ કહે કેમ શું થયુ? ત્રીજો શું કરે છે? બાપુ મોઢું બગાડી કહે ઈ કવિ થૈ ગ્યો સ..

એમની દીકરીના ઘેર એમના શ્રીમતી(ઝરણાબહેન) સાથે આવ્યા છે તે યાદ કરીને છેલ્લે કહે છે.

     ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં
ભાગ્યેશ જહા પાછળ મધૂ રાય પીળા જેકેટ્માં

ઝરણા સાથે આવ્યો છું, ઝરણા સાથે આવ્યો છું,

નરસૈયાની વાત લઈને ધડકન સાથે આવ્યો છું,

મંત્રો સાથે બરફ સમજવા આવ્યો છું,

નર્મદ નાનાલાલની ભાષા હડસન કાંઠે લાવ્યો છું,

કમ્પ્યૂટરમાં સંતાયેલી રાધા શોધી લાવ્યો છું,

હું ગૌરવશાળી ગુજરાતી, ગણતર છું, ભણતર છું,

કૃષ્ણ સુદામાની વાતો ને ગીતો સાથે લાવ્યો છું.

સાડા પાંચ વાગી ગયા ખબર જ ના પડી. બે-અઢી કલાક ક્યાં જતા રહ્યા સમજ ના પડી. પ્રોગ્રામ પૂરો થયે હું અને મિત્ર શ્રી અમૃત હઝારી સ્ટેજ પર એમને મળવા પણ ગયા. મને કહે માણસાના એક ડૉ. રામસિંહ રાઓલ હતા. મેં કહ્યું હા ભરૂચમાં નર્મદા ફર્ટિલાઇઝરની ટાઉનશિપની હોસ્પિટલમાં સર્જન છે મારા કઝન થાય.

થોડા બીજા મિત્રોને મળી અમે છુટા પડ્યા.  મોદી સરકારમાં મીડિયા મૅનેજમેન્ટ કમિશ્નર શ્રી ભાગ્યેશ જહા એટલે હસતો હસાવતો ઓફિસર કવિ. એની કવિતમાં પ્રેમ છે, રોમૅન્સ છે, હાસ્ય છે, કૃષ્ણ છે, રાધા છે, મોરલી છે, આધુનિકતા છે, ક્મ્પ્યૂટર છે, ભક્તિ છે, મીરાં છે, દંભ સામે આક્રોશ છે, કટાક્ષ છે, અને મુખ્ય તો ધરતીનો વાસ્તવિક ધબકાર છે. એમના હાસ્યમાં મે-શાણા(મહેસાણા) અને યુ-ગાન્ડા(યુગાન્ડા) છે, લૅબુ, મૅઠુ ને પૉણી સ…ગૉધીનગર સ…

13 thoughts on “મીરાંની જેમ મને મળજો…. હસાવતો કવિ કલેક્ટર..”

  1. જાહેર આમંત્રણ હતું, માણવા માટે; પણ હું ચૂક્યો. તમે માણેલું તમારા બ્લોગ દ્વારા અમારા જેવાને પીરસ્યું. આભાર. ધન્યવાદ ભુપેન્દ્રભાઈ.

    Like

  2. કવિ કલેક્ટર તો દિયોર મૅહૉણાના નૅકળ્યા.. અને તેય પાસા મારા ગૉમ બાજુના. હાહાહાહાહા !!

    શ્રી ભુપેન્દ્ર્સિંહજી ,હું પણ મૂળ મૅહૉણાનો, કડી તાલુકાના ડાંગરવા ગાંમનો વતની છું .તમારા વતન માણસા નજીકનો .

    શ્રી ભાગ્યેશભાઈ મૂળ સરઢવના નાગર છે એ આજે તમારા લેખ ઉપરથી જાણ્યું .

    તમારો આ પોસ્ટનો લેખ ખુબ રસપૂર્વક વાંચ્યો . મજા આવી . સુંદર રીતે લખ્યો છે .

    જહાં સાહેબનો સરસ પરિચય કરાવે છે . અભિનંદન .

    Like

    1. તમેય દિયોર ડૉગરવાના નેકળ્યા…હઆહાહાહાહાહાહા… ડાંગરવા ડાભીનું ? વિનોદભાઈ કેમ છો ?

      Like

  3. હા હા હા, વ્યંગ કવિતા અને રમુજોની રમઝટ …. ભાગેશ જહાંનું નામ તો અમે પણ અખબારી માધ્યમોથી સાંભળેલું છે. એક IAS અધિકારીનું જીવન સરકારી ખટપટ, પ્રશાસનિક ગૂંચવણો અને રાજકીય પ્રેસર અને ઉથલપાથલ વચ્ચે વીતતું હોય છે. ઘણા ઉચ્ચ અધિકારીઓ સાહિત્યપ્રેમી હોય છે પણ મોટા ભાગે ગંભીર પ્રકૃતિની જોબમાં રમુજ વૃત્તિ નબળી પડી જતી હોય છે. ત્યાં ભાગેશ જહાં જેવું વ્યક્તિત્વ નીખરી શકે તે આનંદદાયક પરિસ્થિતિ છે.

    ભાગેશ જહાં વિષે અધિકારી સિવાયની તેમની પર્સનાલીટી જાણવા મળ્યા. આ માહિતી ઘણી નોખી હતી. કારણ કે મોટા ભાગે સરકારી અધિકારી એમાં પણ ઉચ્ચ IAS અધિકારીઓ માટે લોકોના મનમાં ધીરગંભીર પ્રકારની છાપ હોય છે.

    મધુ રાય નો પણ પરિચય તેમની કોલમથી હતો પરંતુ તેમનો ફોટો પ્રથમવાર જોવા મળ્યો. વિદેશમાં રહીને પણ તેઓ ગુજરાતી ભાષા પ્રત્યે મમત રાખે રાખે છે, જયારે અહીના યુવાઓ હવે ગુજરાતી અને ઈંગ્લીશ અને એમાં પાછી અંગ્રેજી ગાળો ઉમેરીને કોકટેલ બનાવે છે ત્યારે ભાગેશ જહાં સાહેબે કહેલી ડોશીવાળી વાત આવી જાય છે.

    Like

  4. ભાગ્યેશભાઈ ને બે ત્રણ વાર રૂબરૂ મળી છું… તમારી વાત સાચી છે.. તેમની વાતોમાં, ટુચકાઓ માં અને કવિતાઓમાં સમય ક્યાં પસાર થી જાય છે એ ખબર જ નથી પડતી અને છુટા પાડીએ ત્યારે લાગે કે હજી કઈંક ખૂટે છે… સરસ લેખ… ખૂબ મજા આવી. આભાર…

    Like

  5. હાસ્ય કવિના જહાં સાહેબના કલામને મારા સલામ સાથે આપને પ્રણામ… બાપુ દર વખતે અલગ આપવાની કળા આપની પણ અદ્દભુત છે… ક્યારેક ટૂંકી પોસ્ટમાં કોમ્પ્યુટર સ્ક્રીનને પણ ફોલ્લા ઉપડે એવું કડવું સત્ય લખો છો તો ક્યારેક કી-બોર્ડ ખડખડાટ હસી પડે તેવા હાસ્યના ફૂવારા આપના શબ્દો દ્વારા વહેતાં હોય છે… મારી વણ માંગી સલાહ છે કલમને લીંબુ મરચા બાંધી રાખવા હહાહાહા

    Like

  6. ખુબ સારી વાત છે …..ઝા સાહેબ પોતે લાગણી -ભાવના અને ઉર્મી ને પોતાના રદયમા સ્થાન આપ્યુ છે …તે ફલીત થાય છે …… મને આનંદ થયો …

    Like

  7. ભૂપેનભાઇ, સુંદર લેખની સાથે ભાગ્યેશભાઇ સાથે મારો ફોટો પણ સુંદર રીતે પ્રસ્તુત કરેલો છે. આભાર
    અમ્રુત હઝારી.

    Like

  8. લીંબુ મરચાં મોંઘા થાય તે પહેલા ખરીદી લો, બાપુ. ફોટાના લીંબુ મરચાંની અસર થોડી થાય. ભાગ્યેશભાઇને શબ્દસ: ઉભાર્યા છે. કવિ તરીકે અને હાસ્યને કવિતાની લીન્ક બનાવીને સભાને સ્પેલબાઉન્ડ કરવાં…….તમારી સાથેની મીટીગમાંની મુલાકાત વિચારોની આપ–લે માટે સફળ રહી.
    ખૂબ આભાર.

    Like

  9. એમના હાથ નીચે વડોદરા કલેક્ટરેટમાં કામ કર્યું છે, એકલવ્ય ભાવે ઘણું શીખ્યો છું .. અદ્ભુત વ્યક્તિત્વ 🙂

    Like

Leave a comment