ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

th=-ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ? જે મનુષ્યોએ ભવ્ય ગ્રંથો તૈયાર કર્યા હોય, વેદોની રચના કરી હોય, ખગોળનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શૂન્યનું સર્જન કર્યું હોય, ગણિત અને ભાષાની રચના કરી હોય સૂર્ય અને ચન્દ્રગ્રહણની સચોટ આગાહી કરી હોય એ મનુષ્ય શું વાનરનો વંશજ હોઈ શકે ? આપણાં મનમાં આવા અનેક સવાલો ઊઠતા હોય છે. એવું લાગતું હોય છે કે માનવી કોઈ સ્વર્ગ જેવા ઉપગ્રહમાંથી અહીં ભૂલો પડી ગયો હશે. એનું વિમાન બગડ્યું હશે અને કમનસીબે અહીં પૃથ્વી ઉપર રોકાઈ જવું પડ્યું હશે.

ઉત્ક્રાંતિનો પ્રોસિજર ખૂબ ધીમો હોય છે. ઘણાં મિત્રોના મનમાં અનેક સવાલો ઊઠતાં હોય છે. સવાલો ઊઠવા જ જોઈએ એનાં વગર જ્ઞાન આગળ કઈ રીતે વધે ? વાનરમાંથી ઉક્રાંતિ થઈ માનવ બન્યો એટલે દર વખતે જરૂરી ના હોય કે દરેક માનવ વાનરમાંથી પેદા થાય. આપણે એવું વિચારીએ કે હવે વાનર રહેવા જ ના જોઈએ બધા માનવ બની જાય તેવું પણ ના બને. કરોડો અબજો વર્ષે ધીમે ધીમે જીવો વિકસતા હોય છે. પુંછડીવાળા વાનરોમાંથી કશું બન્યું હશે કોઈ જિનેટિક ફેરફાર મ્યુટેશન થયું હશે કે એક વાનર પ્રજાતિમાંથી જરા જુદી જાતનો પૂંછડી વગરનો વાનર પેદા થયો હશે, એટલે જરૂરી નથી કે દરેક વખતે અને દરેક વાનર પેટાજાતિમાંથી પૂંછડી વગરના વાનરો પેદા થવા જ જોઈએ.

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો. કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન થયું હોવું જોઈએ. એ કેરીના ગોટલા ભેગાં કરી ફરી વાવીને એની જાત ફેલાવવામાં આવી તે આજની જગમશહૂર ‘કેસર’ કેરી. હવે દર વખતે ‘જમાદાર’ કેરીમાંથી જ કેસર પેદા કરવી થોડી પડે ? અને જમાદાર કેરી તો રહી જ અને કેસર નવી બની. વાનર તો રહ્યો જ અને એમાંથી માનવ મળ્યો. હવે જરૂરી નથી કે જમાદાર કેરીના તમામ ગુણ કેસરમાં જોઈએ જ. વાનર ચાર માળ પલકમાં ચડી જાય, ઝાડ ઉપર કુદકા મારે તો માનવે જરૂરી નથી વાનરવેડા કરવા જ પડે, કરતા હોય છે તે વાત જુદી છે.

thCAEH5X03માનવ એવરેસ્ટ ચડે છે વાનરો નથી ચડતા. કૂતરાં કરતાં ચિમ્પૅન્ઝી પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે અને ચિમ્પૅન્ઝી કરતાં માનવ પાસે ત્રણ ગણું મોટું બ્રેન છે. માનવ પ્લેન શોધે છે વાનરો નહી ભલે એક અગાસી ઉપરથી બીજી અગાસી પર હવાઈપ્રવાસ કરતાં કૂદી જતાં હોય. હવે આપણે અગાસીઓ કૂદવા જઈએ તો પ્લેન ક્યારે શોધીશું ?

એક બુદ્ધિશાળી મિત્રના મનમાં સવાલ ઊઠ્યો કે સર્પમાંથી કે હાથીમાંથી કેમ મનુષ્યો પેદા ના થયા ? એમને અહીં દેખાયું નહી કે ઉત્ક્રાંતિને કારણે સર્પ જેવાં જીવોમાંથી સસ્તન પ્રાણીઓ પેદા થયાં અને એમાંથી જ ઉત્ક્રાંતિ થઈને વાનર જેવાં બુદ્ધિશાળી પ્રાણી પેદા થયાં. સર્પ અને માનવ વચ્ચે અગણિત કડીઓ પેદા થઈ એને જ તો ઉક્રાંતિ કહેવાય. સર્પમાંથી જ માનવ પેદા થયો છે પણ સર્પ અને માનવ વચ્ચેની અસંખ્ય કડીઓ જોવાની દરકાર આપણે કરતાં નથી. સર્પમાંથી સીધો માનવી પેદા થાય તો ઉત્ક્રાંતિ ના કહેવાય. બ્રેન પણ જુઓ હજુ આપણી પાસે સર્પનું બ્રેન પણ છે અને આદિમ પ્રાણીઓનું આદિમ મૅમલ બ્રેન પણ છે. આપણે રેપ્ટાઇલ બ્રેન ઉપર મૅમલ બ્રેન એની ઉપર કૉર્ટેક્સ ધરાવીએ છીએ.

મધર નેચરની કરામત જુઓ નવી જાત પેદા કરે છે પણ જુની જાત સાથે સાથે જાળવી રાખે છે. ઉત્ક્રાંતિ વાનરમાંથી માનવ પેદા કરે પણ વાનરનો નાશ નથી કરતી. એક બાપના બે દીકરા હોય એક જરા જુદી જાતનો ખોડીલો પેદા થાય અને એક એના બાપ જેવો અદ્દલ હોય. હવે બાપ જેવા અદ્દલ દીકરાની જાત પણ કુદરત જાળવી રાખે અને પેલાં ખોડીલાંની જાત પણ આગળ વધે. હવે આ ખોડીલો આગળ જતાં વિશિષ્ટ પ્રકારનો ગણાય એવું માનવમાં સમજવું. બાપ જેવો અદ્દલ એટલે ચિમ્પૅન્ઝી ગણો.. અને ખોડીલો દીકરો માનવ સમજો. ૬-૮ મિલ્યન વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર પૂંછડી વગરના એપ્સ નો દબદબો હતો. મોટાભાગની નાશ પામી ગઈ. ફક્ત ચાર-પાંચ જ બચી છે. ગરિલા(Gorilla), ગિબન(Gibbon), ઉરાંગઉટાંગ અને ચિમ્પૅન્ઝી-બોનોબો, ચિમ્પૅન્ઝી અને બોનોબો કાકા-બાપાના ભાઈઓ જેવાં છે. પાંચમી કે છઠ્ઠી ગણો તો આપણે મહામાનવો. આપણે નસીબદાર છિયે કે આમાંની એક ગિબન આપણાં આસામના જંગલોમાં છે.

૬૦ લાખ વર્ષ જુનું એક ફોસિલ મળ્યું છે, એનો અભ્યાસ કરતાં જણાયું કે કોઈ જિનેટિક ખોડ આવતાં એ પ્રાણી બીજાં પ્રાણીઓની જેમ ચાર પગે ચાલવા અસમર્થ બન્યું તે આજના માનવીનો પૂર્વજ હતું. ઉત્ક્રાંતિએ કોઈ પ્રાણી બે પગે ચાલે તેની ભવિષ્યની યોજના રૂપે સંપૂર્ણ ચાર પગે ચાલતા વાનરો કરતાં ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓને નકલ વૉકિન્ગ કરતાં કરી દીધાં જ હતાં. ચિમ્પૅન્ઝી જેવાં પ્રાણીઓ આગળના બે પગ બીજાં પ્રાણીઓ જેવા નથી મૂકતા અને થોડો સમય બે પગે ઊભા થઈને પણ ચાલે છે.

૩૦ લાખ વર્ષ જુનું લુસી નામનું ફોસિલ મળ્યું છે જે અર્ધ માનવી અર્ધ વાનર છે. આ ઉત્ક્રાંતિ જ છે. પણ જે જાતો ફિટ અને ફ્લેક્સિબલ રહેતી નથી તેનો નાશ પણ થઈ જાય. એવી તો કેટલીય જાતો સંપૂર્ણ નાશ પામી જ છે. લુસી જેવી જાત આજે જોવા ના પણ મળે. મળેલા ફોસિલ આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદી જુદી જાતની ચાર જાત માનવોની આ પૃથ્વી ઉપર હતી. જે કદાચ જુદી જુદી જાતના વાનરોમાંથી ઉત્ક્રાંતિ પામી હશે. એમાંથી નિએન્ડરથલ તો ઉત્તર ગોળાર્ધના કાતિલ ઠંડા હવામાનમાં જીવવા ટેવાએલા હતાં. જર્મનીની એક ખીણમાંથી ૩૦૦ હાડપિંજર મળ્યાં છે એને નિએન્ડરથલ વેલી કહે છે. પણ હવે નિએન્ડરથલ માનવી રહ્યા નથી.

મહકાય મેમથ હાથીઓ આજે રહ્યા નથી પણ એના પૂરાવા છે જ, તેમ બકરી જેવડા હાથીઓના ફોસિલ પણ મળ્યા છે. વેંતિયા માનવીની વાર્તાઓ ખોટી નથી. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું મનાતું ફોસિલ મળ્યું જે પુખ્ત ઉંમરની સ્ત્રીનું નીકળ્યું હતું. મોટામસ ડાયનોસોર તો નાશ પામી ગયા પણ નાના ડાયનોસોર અને હાલના પક્ષીઓની વચ્ચેની કડીરૂપ પાંખો વિકસી હોય તેવાં ડાયનોસોરના ફોસિલ પણ મળ્યાં જ છે. અમુક મૂરખો ઉત્ક્રાંતિના આ જ પુરાવાઓનો ઉત્ક્રાંતિ ખોટી છે તેવું સાબિત કરવા કરતા હોય છે ત્યારે ખૂબ હસવું આવે છે.

આ વિજ્ઞાન જગતમાં તમે કોઈ થીઅરી મૂકો તો લાખ સાબિતીઓ આપવી પડતી હોય છે. આઈનસ્ટાઈન એક સમીકરણ વિજ્ઞાન જગત આગળ મૂકે તો હજારો વૈજ્ઞાનિકો એને ખોટું પાડવા ખાઈખપુચીને એની પાછળ પડી જતાં હોય છે. એકલાં હિટલરે હજાર-પંદરસો વૈજ્ઞાનિકો આઈનસ્ટાઈનને ખોટો પાડવા રોકેલા જ હતા. પણ વિજ્ઞાન જગત એ બાબતે પ્રમાણિક હોય છે. એ લોકોનું કશું વળ્યું નહી, ત્યારે આઈનસ્ટાઈન બોલ્યા હતા કે મારો સિદ્ધાંત ખોટો હોત તો એને ખોટો પાડવા એક જ વૈજ્ઞાનિક કાફી હોત.

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ? કોઈ બોલ્યું નહી હોય તેવું માનો છો ? આ કોઈ બાવાઓનું જગત છે કે બાવાજી એ કહ્યું એટલે માની લીધું ? જા બચ્ચા સૂરજદાદા કો એક લોટા જળ ચડા દેના મેરા વચન હૈ તેરા કલ્યાણ હો જાવેગા, તાળીઓ પાડી બાવાજીના ગંદા ચરણે પડી મનમાં ખુશ થતાં ભાઈ ચાલી નીકળ્યા કે હવે તો એક લોટા ટાંકીના પાણીને બદલે આખું રાજપાટ મળી જવાનું. અરે ! મૂરખ તારા લાખો પેસિફિક અને કરોડો હિંદ મહાસાગર એક પલમાં સૂરજદાદા આગળ બાષ્પ બની જાય તેની નજીક જાય તો. ગરમ વસ્તુ ઠંડી પાડવા આપણે એના ઉપર પાણી રેડીએ છીએ, દાઝી જવાય તો એના પર પાણી રેડીએ એમ બાવાજીના મનમાં સૂર્યને એક લોટા જળમાં ઠંડા પાડી દેવાય તેવું હશે.

પ્રૉબ્લેમ એ છે કે આપણે કહેવાતા ધર્મના જગતમાં એના ઠેકેદારોના મૂર્ખામી ભર્યા ફતવાઓ સામે બોલી શકતા નથી એટલે લાગે કે વિજ્ઞાન જગતમાં ડાર્વિન કે આઈનસ્ટાઈન જેવા લોકો સામે કોઈ બોલતું નહી હોય કે બોલ્યું નહી હોય. ડાર્વિન એની થીઅરી બહાર મૂકતાં ગભરાતો હતો. ચર્ચ તો સામે ઊભું જ હતું પણ બીજા વૈજ્ઞાનિકો પણ એને ખોટી પાડવા તૈયાર ઉભા હતાં. વૈજ્ઞાનિકોના ગળા રહેંસી નાખવા ચર્ચ જાણીતું હતું એ તમને ક્યાં ખબર છે ? બાવાજી બૂટી સુંઘાડે અને લોકો માની જાય તેવું વિજ્ઞાનવિશ્વમાં હોતું નથી. આપણા જેવા બાલિશ નહી પણ નક્કર સવાલો લઈને બીજા વૈજ્ઞાનિકો ઊભા હોય છે. ડાર્વિને તૂત ચલાવ્યું હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું ફેંકી દીધું હોત.

અરબો દ્વારા આપણું ગણિત પશ્ચિમ પહોચ્યું ત્યારે ૧૩મી સદીમાં ચર્ચે શેતાનનું કામ છે કહી બૅન કરી દીધેલું. અરબસ્તાનમાં પહેલીવાર ટેલિફોનના તારનું જોડાણ કરવામાં આવ્યું ત્યારે મુલ્લાઓએ ધર્મ વિરુદ્ધ છે કહી જોરદાર વિરોધ કરેલો. હવે પયગંબરના સમયમાં ટેલિફોન હતા પણ નહી કે એની વિરુદ્ધ કશું લખ્યું હોય. સુલતાન ઇબ્ન સઉદને સરસ મજાની યુક્તિ સૂઝી. તેમણે ટેલિફોન પર કુરાનના પાઠનું વાંચન ચાલુ કરાવ્યું અને એક જાહેરસભા બોલાવીને પ્રચાર કર્યો કે જે વ્યવસ્થા કુરાનનો પાક સંદેશો લોકો સુધી પહોંચાડતી હોય તે ધર્મ વિરુદ્ધ ગણી શકાય નહી.

પ્રાચીન હિંદુ મનીષીઓ પાસે ઉત્ક્રાંતિની સમજ હતી. એમણે પ્રતીક રૂપે જે અવતારોની કલ્પના કરી છે તેમાં ઇવલૂશનની સમજ ભારોભાર દેખાય છે. સમુદ્રમાં જીવન શરૂ થયું છે માટે પાલનહાર પ્રતીક વિષ્ણું સમુદ્રમાં વિરાજમાન છે. પ્રથમ ભગવાન માછલી હતા તેવું ઉત્ક્રાંતિની સમજ વગર ના કહી શકો. પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે માટે મત્સ્યાવતાર છે. બીજો વ્યવસ્થિત સજીવ કાચબો લાગ્યો તો કૂર્માવતાર ગણ્યો. ડાયનોસોર જોયા નહી કારણ કરોડો વર્ષો પહેલાં નાશ પામી ગયાં હતાં બાકી એનો પણ કોઈ અવતાર જરૂર હોત. પછી સસ્તન પ્રાણી વરાહ આવ્યું, અર્ધપશું અર્ધ માનવી નૃસિંહ અવતાર થયો. એ ભારતીય બુદ્ધિશાળી મહાપુરુષોના બ્રેનમાં સિમૅન્ટિક(Semantic memory) અને પ્રોસિજરલ(Procedural memory) મેમરી કાયમ હતી માટે આવી અવતારોની કલ્પના કરનાર ભારતીય ડાર્વિનદાદા ને નમસ્કાર.

આપણને જે ઉંમરે ચડ્ડી પહેરતાં નહોતી આવડતી તે ઉંમરે આપણા પૌત્ર-પૌત્રી આઇફોન રમે છે અને કમ્પ્યૂટર ફેરવે છે તેમાં ઉત્ક્રાંતિ કેમ દેખાતી નથી ? સેન્ટિમીટર કે મિલીમિટરના હજારમાં ભાગ જેટલા ગણો, આ કમ્પ્યૂટર સાથે રમતાં બાળકોનાં બ્રેન આપણાં કરતાં જરૂર મોટા હશે.

ઉત્ક્રાંતિનો લાખો વર્ષનો અત્યંત ધીમો પ્રોસિજર આપણી ૬૦-૭૦ વર્ષની જીંદગીમાં જોવાની આશા રાખવી મૂર્ખામી છે અને તે જોવા ના મળે તો એને ખોટી કહેશો તો ઉત્ક્રાંતિ ક્યાં બંધ થઈ જવાની છે ?

સંસદ ભવનમાં આપણા આદરણીય પ્રતિનિધિઓ જે વ્યવહાર કરે છે તે જોઈને નથી લાગતું કે ખરેખર આપણે વાનરના વંશજ છિયે ? હાહાહાહાહાહા ! !

11 thoughts on “ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?”

  1. સમજુ અને બુદ્ધિશાળી બુઝુર્ગો કે જેને..જિંદગી..માણવી હોય તેણે યુવાનો પાસે થી કોમ્પુટર..,સેલફોન..નું ઉપયોજન..પ્રાવીણ્ય..મેળવવા..પ્રયાસ..કરવો જોઇયે.

    Like

  2. બાપુ, હવે ૧૫૦-૨૦૦ વરસ જુની ટેલીગ્રામ સેવા બંધ થવાની છે. મોબાઈલ આવતાં લેન્ડ લાઈનના પણ એજ હાલ થવાના છે.

    એક લીટર પેટ્રોલમાં ૪૦૦-૫૦૦ કીલોમીટર વીમાનો કે રેલગાડીઓ ચાલશે એ જમાનો આવવાનો છે

    એ હીસાબે સરજ દાદાને પેસેફીક કે હીન્દ મહાસાગરમાંથી બાવાજીનો એક લોટો કે કળસીયો કામ આવશે.

    ડાર્વીન દાદા સામે ન બોલાય…..માણસને ખબર પડી ગઈ કે પુંછડી ગાયબ કેમ થઈ…

    Like

  3. Bhupendrasinh – લો … આજે ફરી પાછી લાકડી ઉપાડી અંધ-શ્રધ્ધાળુઓને મારવા?
    કેમ ભાઈ તમને શું વાંધો છે કોઈ અહી બીજા-ની-શ્રધા ઉપર ધંધો કરે તો?
    અને તમને ખબર છે ને સવાલ કરવાનો અધિકાર બધાનો છે … એટલેકે … સમજોને કે અંગુઠા છાપ પણ કહી શકે કે તમે નાસ્તિક છો એટલે આવું કહો છો … એમેય ઘણી-વાર આસ્તીક્તા અને નાસ્તિકતા વચ્ચે બસ એક “વિજ્ઞાન” = સાચી જાણકારી જેટલોજ ફરક હોય છે … પણ સાલું તમે જે પેલું કહ્યું ને પેલું … આ અવતાર વાળું … બસ, તે આ લોકોનાં મનમાં-ઉતરી જશે કારણકે ગમેતેમ તોય ધર્મ-નાં-પુસ્તકનાં નામે લખાયેલું બધું સાચું … જુવોને, હજુ પણ આપના કેટલાક મિત્રો આપણી વિમાન-અણુબોમ્બની ગ્રંથોની કલ્પનાને ભારતની શોધ માને છે … કારણકે … ધર્મ-નાં-પુસ્તકમાં લખેલું છે તો? … અરે ભાઈ ધર્મના પુસ્તકમાં હોય તે સાચું … તે આ આશા-નાં-રામની લીલાઓ પણ અદભુત કેમ? … અરે … ગમી-જાય તેની સાથે સહ-શયન કરવાની-જ તો તેમની અદભુત લીલા? … કેવા ધન્ય થઇ જાય છે ભક્તો? …. તેવું -જ-તો … અરે તેવું-જ-તો આ સમાચાર-પત્રોમાં લખાતા બકવાસ-લેખકોનાં લેખોનું માન છે … સાલું વાત એમ છે કે … જેની ભક્તિ લાગી તે સાચો …
    ……….
    # હવે અમુક લોકો એમ પણ દ્રઢ પાને મને છે કે માદળીયાં-વીંટી પહેરવાથી તમને 100% લાભ થાય … તમે પણ કરાવી લેજો માદળીયાં-વીંટી … વગર-કર્મે લાભ થતો હોય તો કેમ નાં કરવો …
    અને … તમે આ બાવાજી-સ્વમીઓનાં આશ્રમો બંધ-કારાવશો કે શું? …
    ભારત આવો ત્યારે જોઈ લઈશ …. ઠગો-ધુતારા-સ્વામીઓ-બાવાઓ નાં ભક્તો નું મોટું ટોળું લઈને ‘નાં’ આવું તો મને કહેજો … અને પ્લેકાર્ડ બોર્ડ ઉપર લખીશ કે … “ભુપેન્દ્ર પાછો જા” …. “ભુપેન્દ્ર હાય હાય ” … આમેય અમારી “હાય” તો તમને લાગી-જ ગઈ છે ક્યારનીય …
    – Jayendra Ashara

    Like

  4. ડાર્વિનનું યોગદાન જીવવિજ્ઞાનને સમજવામાં માઈલસ્ટોન સાબિત થયું છે. ડાર્વિનના સિદ્ધાંતો આજે આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લાગે પણ ડાર્વિને જે સમયે પોતાનો અભ્યાસ કર્યો, પુરાવા ભેગા કાર્ય તે સમય યુરોપ પર ચર્ચના આધિપત્યનો હતો. ડાર્વિને ખુબ જ કાળજી થી તે સમયના ચર્ચ અને લોકોને નારાજ કાર્ય વગર પોતાની થીયરીને આપવી હતી. ડાર્વિનની કેટલીક વાતોનું આગળ જતા ઘણા વૈજ્ઞાનિકોએ ખંડન કર્યું પણ તે પણ તર્ક અને સાબિતીઓ સાથે. વિજ્ઞાનમાં તર્ક અને સાબિતીઓ નો અવકાશ રહે છે. વિજ્ઞાનની સૌથી મોટી મજબુતી એ છે કે તે પોતાની ભૂલોને સુધારે છે, તેમાં સુધારાને અવકાશ છે, સાબિતીઓ-પ્રયોગોને અવકાશ છે. ડાર્વિન નો વિરોધ પણ થઇ શકે છે પણ એ મુદ્દા આધારિત, પ્રમાણ આધારિત.

    Like

  5. Very crisp and informative article on a complex and controversial topic.
    Learning from Evolution History is “Nothing is Permanent” and each species has its role to play in the Evolution Story !! 🙂

    Like

  6. એવું પણ ના હોય શકે કે માનવો ની ઉત્ક્રાંતિમાથી વાનરો બન્યા હોય?

    Like

  7. ઉત્કાંતી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેવાની કોઇ ૭૦ વરહની ડોહી એમ ક્યે કે હાયરેમાળી આજ કાલની છોરી કેવું ટૂંક પહેરે છે તો એમાં માત્ર એમનો વસવસો જ હોવાનો કે ઉત્કાંતીમાં એ આગળ જન્મી ગયાં બાકી લેગીસ પહેરવાની ઇચ્છા તો એમની પણ હતી હહાહાહા ક્યારેક અજુગતું પણ લાગે વિજ્ઞાનને આધાર બનાવીને જીવવાં વાળા અતિ ધાર્મિકો માત્ર વિજ્ઞાનની નેગેટીવતાની જ વાત વિચારતા હોય છે… આજ એક મિત્રએ એમના સ્ટેટ્સ પર માત્ર મોબાઇલના અવગુણોની ગાથા જ રજુ કરી હતી હજારો ફાયદાઓની અવગણના કરીને હહાહાહા… લખો તમતમારે ભારત માતાના હમ જો આયા કોઇ સુધરે તો હહાહાહા

    Like

  8. એક ડાલ્ટન, એક આઇન્સ્ટાઇન અને એક ડાર્વિન. બસ, આ ત્રિપુટિએ વિશ્વની રચનાની માન્યતાઓને બદલી નાખી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s