રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

100445824_288ebe0950[1] રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)

 એકવાર પાર્વતીએ શંકરને જગતના રહસ્ય વિશે સામટાં ચારપાંચ સવાલો પૂછી નાખ્યાં. શિવજીએ કોઈ પણ જાતની ફિલૉસફી ઝાડ્યા વગર શરૂ કર્યું કે અંદર જતા શ્વાસ પછી અને બહાર આવતાં શ્વાસ પહેલાં જે પૉઇન્ટ આવે ત્યાં સ્થિત થઈ જાવ, અથવા બે શ્વાસ વચ્ચે સ્થિત થઈ જાવ, આ તો મારી ભાષામાં કહું છું, બાકી શંકરે તો સંસ્કૃત કે પ્રાચીન સંસ્કૃતમાં કહ્યું હશે. આમ એક પછી એક રસ્તા બતાવતા જ ગયા, નો ફિલૉસફી. આવી કહેવાય છે ૧૦૮ વિધિઓ બતાવી.

અમદાવાદથી વડોદરા જવું છે તો પહેલાં અમદાવાદની બહાર તો નીકળો ? પછી નારોલ ચોકડીથી સાઉથમાં જવા માંડો. પાલડી ચારરસ્તા થી વી.એસ. હૉસ્પિટલ જવું છે ? તો તમારી સુંદર મુખમુદ્રા કંઈ દિશામાં રાખી ઊભા છો તે કહો પહેલાં. સરદાર બ્રિજ બાજુ મુખ રાખી ઊભા હોય તો ડાબી બાજુ ચાલવા માંડો અને જોધપુર ટેકરા બાજુ તમારું પવિત્ર મુખ રાખી ઊભા હોય તો જમણી બાજુ ચાલવા માંડો. આમાં ક્યાં કોઈ ગ્રીક કે ઉપનિષદની ફિલૉસફીની જરૂર છે ? ભાઈ મેં તો રસ્તો બતાવ્યો ચાલવાનું તમારે છે. ચાલવા માંડશો તો આજે નહી તો કાલે જરૂર વી.એસ. પહોંચી જવાશે પણ ઊભા ઊભા તત્ત્વજ્ઞાન ડહોળવા બેસી જઈશું તો કદી નહી પહોચાય.

પહેલી નવ વિધિઓ શ્વાસ ઉપર હતી. ભગવાન બુદ્ધે આ શ્વાસ ઉપરની વિધિઓનો ખૂબ ઉપયોગ કરેલો. અનાપાનસતિ અને વિપશ્યનાનો મુખ્ય આધાર આ વિધિઓ છે. શિવે કહેલી ધ્યાન કરવાની, મેડિટેશન કરવાની આ પદ્ધતિને કોઈ ધર્મના લેબલ મારવાની જરૂર છે નહી. આ તો શુદ્ધ બ્રેન કસરત છે. બૃફેન, કોમ્બિફ્લેમ કે વિક્સ વૅપરબ ઉપર લખેલું નથી હોતું કે આ કોઈ ક્રિસ્ચને શોધેલી દવા છે માટે કોઈ હિંદુ કે મુસલમાને ઉપયોગ કરવી નહી. હા ! એને શોધવાની મથામણ કે બનાવવાની કિંમત જરૂર વસૂલ કરવામાં આવે છે. કે સુદર્શન ચૂર્ણ ઉપર સિક્કો નથી મારેલો હોતો કે આ ચરકે શોધેલી ફૉર્મ્યુલા છે જેને કોઈ બીજા ધર્મ પાળનારે ફાકવું નહી. જ્ઞાનને ધર્મના લેબલની શું જરૂર ?

સૂફી ફકીરોનું દરવેશ નૃત્ય પણ ધ્યાન કરવાની એક પદ્ધતિ છે. તારવાળા વાદ્ય વગાડવામાં પણ મેડિટેશન છુપાયેલું છે. બૌદ્ધ સાધુઓએ માઈન્ડ્ફૂલનેસ મેડિટેશન આખી દુનિયામાં ફેલાવી દીધું છે. મૂળ આ પદ્ધતિ બતાવનારા શંકર તો ખોવાઈ ગયા બુદ્ધ ફેમસ થઈ ગયા, અરે બુદ્ધ મૂળ ભારતના હતા તેવી પણ દુનિયાના ઘણાં લોકોને ખબર નથી. જો કે શંકરને એની કશી પડી નથી કારણ શંકર માટે બુદ્ધ અને શંકરમાં કોઈ ફરક નથી. લે ! હું યે ફિલૉસફી ઠોકવા માંડ્યો ?

મૂળ વાત મારે એ કહેવી છે કે હાલ મેડિટેશન ઉપર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. ન્યુઅરૉલજિસ્ટ આની ઉપર ખૂબ સંશોધન કરી રહ્યાં છે. રોજનું ફક્ત ૧૫-૩૦ મિનિટનું ધ્યાન બહુ મોટો ફરક પાડવા સક્ષમ બની શકે છે કે તમારો જિંદગી વિશેનો આખો અપ્રોચ બદલાઈ જાય, તમારું કરુણાનું ખાબોચિયું મહાસમુદ્ર્માં પલટાઈ શકે. વસ્તુઓ કે બનાવોને અંગત રીતે મૂલવવાનો તમારો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય. પણ આ બધું કઈ રીતે બને?

ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ. હું મારી અલ્પમતિ સમજાવવા ટ્રાય કરૂ.

ધ્યાન કઈ રીતે બ્રેન ચેઇન્જ કરે છે તે જોવા થોડી ટેકનિકલ વાતો સમજવી પડશે. બ્રેનના થોડા વિભાગોની ઉપરછલ્લી માહિતી ચાલી જશે. આપણે ક્યાં બ્રેન સર્જરી કરવી છે?

* Lateral prefrontal cortex: બ્રેનનો આ વિભાગ વસ્તુઓ કે બનાવોને તર્કયુક્ત, રેશનલ અને બેલેન્સેડ (સંતુલિત) લેવા માટે પ્રેરતો હોય છે. આને Assessment Center પણ કહે છે. બ્રેનના ફિઅર સેન્ટર તરફથી આવતી લાગણીઓ નિયંત્રિત કરી સૌમ્ય બનાવે છે. ઑટ્મૅટિક બિહેવ્યર અને ટેવો ઉપર કાબૂ રાખવાનું કામ કરે છે. બ્રેનના Me Center નું નિયમન કરી વસ્તુ કે બનાવોને પર્સનલ લેવાનું વલણ ઓછું કરે છે.

* Medial prefrontal cortex:- આ વિભાગ તમારા અનુભવો અને યથાર્થદર્શનના સંદર્ભ સતત તમને પાછાં સૂચવવાનું કામ કરતો હોય છે. ઘણા લોકો આને બ્રેનનું “Me Center” કહેતા હોય છે કારણ તે આપણી પોતાને સંબંધિત માહિતીનું પ્રોસેસિંગ કર્યા કરતું હોય છે. ખાસ તો જ્યારે આપણે ખૂલી આંખે સપનાં જોતા હોઈએ, ભવિષ્ય માટે કોઈ યોજના બનાવીએ, સામાજિક સંબંધો વિષે વિચારીએ, કોઈ બીજાના મનમાં કોઈ બીજા વિષે શું ચાલી રહ્યું હશે તેની ધારણા બાંધીએ, ત્યારે આપણાં જુના અનુભવોની માહિતીનું મૂલ્યાંકન કરીને આપણને સંદર્ભસૂચી પુરી પાડતું હોય છે. એટલાં માટે આને Self-Referencing Center પણ કહેતાં હોય છે.

રસપ્રદ બાબત એ છે કે Medial PreFrontal Cortex (mPFC) વિભાગના પણ બે ભાગ હોય છે.

* Ventromedial medial prefrontal cortex (vmPFC) – આપણાં અને આપણી માન્યતા અનુસાર આપણાં જેવી સમકક્ષ વ્યક્તિઓ વિષેની માહિતીનું પ્રોસેસિંગ આ ભાગ કરતો હોય છે. કોઈપણ બાબતને વધુ પડતું અંગત લઈ લેવાનું વલણ અહીં રચાતું હોય છે. એટલે વૈજ્ઞાનિકો આને  unhelpful aspect of the Self-Referencing Center કહેતા હોય છે. આમ તો આ વિભાગના કામ મહત્વનાં હોય છે. પણ વધુ પડતી ઊંડી વિચારણા કરાવી આ વિભાગ અસ્વસ્થ બનાવી ખિન્નતા અને માનસિક ઉદાસીનતા વધારતો હોવાથી એને અનહેલ્પફુલ કહેવામાં આવે છે.

* Dorsomedial Prefrontal Cortex (dmPFC) – આ વિભાગ આપણી માન્યતા મુજબ આપણાં સરીખાં ના હોય તેવી વ્યક્તિઓ વિષે માહિતીનું પ્રોસેસિંગ કરતો હોય છે. આ વિભાગ ખૂબ મહત્વનો છે. આપણે માનતા હોઈએ કે આ વ્યક્તિઓ આપણાં જેવી સિમિલર નથી તેમના પ્રત્યે સહભાવ, સહાનુભૂતિ અને તાદાત્મ્યની લાગણી સાથે આ વિભાગ સામેલ થતો હોય છે, અને એવા લોકો સાથે સમાજિક જોડાણ વધારવામાં ચાવીરૂપ બનતો હોય છે.

* Insula: બ્રેનનો આ ભાગ bodily sensations મૉનિટર કરવાનું કામ કરતો હોય છે. શારીરિક સંવેદનાઓ પ્રત્યે તમે કેવો પ્રતિભાવ આપો છો તે વિશે દિશા સૂચન કરે છે. કે સંવેદના સંકટ સૂચક છે કે હિતકારક ? હિંમત ટકી રહેવાની શક્તિ અને સહજ પ્રેરણા માટે પણ આ વિભાગ સંલગ્ન હોય છે.

* Amygdala: ‘ખતરે કી ઘંટી’, સંકટ સમયે અલાર્મ વગાડવાનું કામ આ વિભાગ કરતો હોય છે. માટે આને “Fear Center” પણ કહેતા હોય છે. જોખમ સમયે “fight-or-flight” response આપવાનું મહત્વનું કામ આ વિભાગનું છે.

ધ્યાન કરતાં ના હોય ત્યારે બની શકે કે Me Center સાથે Insula અને ફિઅર સેન્ટરનું ન્યુઅરલ જોડાણ વધુ મજબૂત હોય. મતલબ તમે ચિંતાતુર બનો કે ભયની લાગણી અનુભવો કે શારીરિક સંવેદના જેવી કે ઝણઝણાટ, ખંજવાળ કે પેએન અનુભવો ત્યારે તમે ધારી લેવાના કે પ્રૉબ્લેમ તમારા સાથે કે તમારી સલામતી સાથે છે. આવું સચોટપણે લાગે કારણ મી-સેન્ટર ઢગલાબંધ માહિતીનું પ્રોસેસિંગ કરતું હોય છે. આપણે એકના એક વિચારોમાં સ્ટક થઈ જતાં હોઈએ છીએ. આપણે કોઈ ભૂલ કરી. લોકો શું વિચારશે? માથું દુખ્યું, કેમ દુખ્યું, પહેલાં પણ દુખેલું, કશું સીરિઅસ તો નહી હોય ને? એકમાંથી બીજા અને ત્રીજા એમ વિચારોનું ચક્કર ચાલતું જવાનું. બ્રેનનાં Assessment Center’s અને Me Center વચ્ચેનું નબળું કનેક્શન વ્યર્થ અતિશય ચિંતાતુર બનાવી રાખવા કારણભૂત બનતું હોય છે. જો અસેસ્મન્ટ સેન્ટર એની ઊંચી ક્ષમતા મુજબ કામ કરતું હોય તો બ્રેનના vmPFC (the part that takes things personally) વિભાગની વધારે પડતી કામગીરી સારી રીતે નિયંત્રિત કરે છે અને બ્રેનના dmPFC (the part involved in understanding other’s thoughts and feelings) વિભાગની કામગીરીમાં વધારો કરે છે. પરિણામ સ્વરૂપ મી-સેન્ટર જે ભૂલભરેલી માહિતી તરફ વધુ ધ્યાન આપતું હોય છે તે કોરે મૂકી સમતોલ રીતે વિચારવાનું વધુ બનવા લાગે છે. મતલબ ઓવર-થિંકિંગ અને એકની એક વાત વાગોળવાની ક્રિયા ઓછી થવા લાગે છે જે કરવા માટે મી-સેન્ટર વધુ પ્રખ્યાત હોય છે.

ધ્યાન કરવાનું નિયમિત શરૂ થાય એટલે ઘણી બધી હકારાત્મક બાબતો બનવા લાગતી હોય છે. પહેલું તો મી-સેન્ટરના unhelpful vmPFC વિભાગ અને bodily sensation/fear centers વચ્ચેના મજબૂત જોડાણ તૂટવા લાગે છે. એટલે શારીરિક સંવેદનાઓ અને ક્ષણિક ભય વખતે આપણી સાથે બહુ મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે તેવું માનવાનું ઓછું થતું જતું હોય છે. જેમ જેમ મેડિટેશન કરતાં જાવ તેમ તેમ અસ્વસ્થતા(ઍંગ્ઝાયટિ) ઓછી થવા લાગે તેનું કારણ તમને અસ્વસ્થ કરી મૂકતી મી-સેન્ટરની સંવેદનાઓ સાથે જોડાયેલા ન્યુઅરલ રસ્તા ઓછા થતા જતા હોય છે. આપણે કારણ વગરની સંવેદનાઓની ઉપેક્ષા કરવાનું શીખી જતા હોઈએ છીએ. અથવા એવું પણ કહી શકાય કે ખરેખર જેના માટે સંવેદના જાગે છે તે ઓળખી શકાય છે અને એનો વધુ પડતો પ્રતિસાદ આપવાનું ઓછું થતું જાય છે. મતલબ સંવેદનાની સાચી ઓળખ છતી થાય છે.

બીજું  Assessment Center અને bodily sensation/fear centers વચ્ચે તંદુરસ્ત જોડાણ વધતું જાય છે. એટલે જ્યારે તમને કોઈ શારીરિક પીડા કે સંવેદના થાય કે કોઈ સંકટ  ઉભુ થાય ત્યારે તમે ઑટ્મૅટિકલી રિએક્ટ કરવાને બદલે તમે એને વધુ રેશનલ લેવા ટેવાતા જાવ છો. ટૂંકમાં તમે બધી રીતે સમતોલ વિચારતા થતા બનતા જાવ છો. મેડિટેશન કરતા બોનસમાં મી-સેન્ટરના હેલ્પફુલ વિભાગ (dorsomedial prefrontal cortex – the part involved in processing information related to people we perceive as being not like us ) અને bodily sensation center – involved in empathy વચ્ચે મજબૂત જોડાણ વધતું જાય છે. તમે બીજા લોકોની ઇચ્છાઓ, સપનાં અને વિચારો વધુ સમજતા થઈ જતા હોય છો. આમ ધ્યાન તમને વધુ ને વધુ કરુણાવાન બનાવતું જાય છે. ટૂંકમાં તમે તમામ લોકો પ્રત્યે દયાળુ અને કરુણાવાન બની શકતા હોય છો. હવે બુદ્ધ અને મહાવીરની માનસિકતા સમજવી વધુ સરળ લાગશે કે કેમ આ લોકો દુનિયાના તમામ લોકો પ્રત્યે કરુણા ધરવતા હતાં.

આમ ધ્યાન બ્રેનના અસેસ્મન્ટ સેન્ટરને મજબૂત બનાવે છે. મી-સેન્ટરના અનહેલ્પફુલ ભાગ જે વસ્તુઓને અંગત લેવા ટેવાએલ છે તેને નબળું બનાવે છે, મી-સેન્ટરના હેલ્પફુલ ભાગ જે સહાનુભૂતિ સાથે સંકળાએલ છે તેને મજબૂત બનાવે છે, શારીરિક સંવેદનાઓ અને ભય-ડર-દહેશત વગેરેને સાચી રીતે મૂલવવાનું શીખવે છે. “સંકટ સત્ય છે પણ એમાં ભયભીત થઈ જવું તમારી પસંદગી છે.”

ધ્યાન આપણને આપણી બાજુબાજુના તમામ લોકોને સ્વચ્છ અભિગમ વડે જોતાં શીખવે છે. ધીમે ધીમે આપણે શાંત અને શાંત થતા જતા હોઈએ છીએ..

પણ બ્રેનને જુના રસ્તે પાછાં જવાનું સરળ લાગતું હોય છે. સર્વાઇવલના જુના બનાવેલા ન્યુઅરલ રસ્તા વધુ અનુકૂળ લાગતા હોય છે. માટે ધ્યાન રોજ કરવું જોઈએ. ૧૫ મિનિટ તો ૧૫ મિનિટ પણ રોજ કરવું જોઈએ જેથી નવા ન્યુઅરલ રસ્તા એકદમ મજબૂત બની જાય, નવાં ન્યુઅરલ જોડાણ મજબૂત બની જાય. માટે બુદ્ધ રાતની સભા પૂરી કરીને આદેશ આપતા રાત્રિનું અંતિમ કાર્ય પૂરુ કરી સૂઈ જાવ. એ અંતિમ કાર્ય ધ્યાન કરવાનું રહેતું. સાધુઓ અને સમજદારો ધ્યાન કરવા જતા પણ સમાન્યજન સંભોગમાં રત થઈ જાય અને ચોર ચોરી કરવા જાય એમાં બુદ્ધનો શું વાંક ?

10 thoughts on “રાત્રિનું અંતિમ કાર્ય (ધ્યાન)”

  1. Well written, nicely explains basic mechanism. It will be more interesting to know how exactly the meditation strenghthens or weakens connections between brain regions and how exactly it achieves selectivity.
    Yogi

    Like

  2. આયુર્વેદ, તત્વજ્ઞાન, વૈદિક ગણિત, ધ્યાન-યોગ (જેને આજના જમાનામાં મેડીટેશન કહે છે) કોઈ પણ વાડાબંધીથી પર છે. એક મિત્રએ મને દયાન કરવાની સલાહ આપી હતી અને કેટલોક સમય મેં તેનો અમલ કરવાનો પ્રયાસ પણ કર્યો. પણ મન ચંચલ હોય છે એ હિસાબે મને તો દયાનમાં બેસું તો સિનેમાના ગીતો જ દેખાય. ધ્યાનની પણ નિયમિતતા જાળવતી નથી. એટલે પ્રયોગ અધુરો રહ્યો. ખેર મૂળ મુદ્ધા પર આવું તો, ભારતમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તેમને દયાનની પ્રક્રિયામાં શ્વાસ પર મન કેન્દ્રિત કરવાનું કહ્યું છે. બુદ્ધ અને મહાવીરની મૂર્તિઓ અને ચિત્રો હમેશા દયાન અવસ્થામાં દેખાય છે. શિવ તો પોતે યોગી અવસ્થામાં જ પૂજાય છે ને. શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓ પણ સુદર્શન ક્રિયા નામના દયાનને પ્રાધાન્ય આપે છે. આપના પ્રાચીન વારાસાને વૈજ્ઞાનિક એરણ પર ચકાસીને જો તે યથાર્થ હોય તો સાચવવા જોઈએ. આપણે બુદ્ધ, મહાવીર જેટલી માનસિક શક્તિ ના કેળવી શકીએ તોય અભ્યાસમાં દયાન કેળવાય, આપના ઈમોશન સંતુલિત રહે, નકારાત્મક લાગણીઓ ન્યુનતમ થાય, પરીક્ષામાં સારા માર્ક આવે, કાર્યક્ષેત્રમાં પ્રેઝન્સ ઓફ માઈન્ડ વધે તો પણ આપણી લાઈફ સ્મૂથ થઇ જાય.

    Like

  3. ભુપેન્દ્રસિંહજી, શંકરજીને કે બુદ્ધજીને તો જોયા નથી પણ તમારી સાથે તો રૂ–બ–રૂ વાતો કરી છે એટલે મારે તો તમે જ શંકર !! આમાં લગરીકેય ઊંડાં ઊતરાશે તો મજા પડશે જરૂર….ખૂબ આભાર સાથે –

    Like

  4. એમાં બુદ્ધનો શું વાંક ?.
    .યાદ સૌમ્યજી
    આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
    અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
    તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
    ભગવાન મહાવીર,
    અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
    તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
    ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
    તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
    અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
    ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
    મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
    આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
    અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
    પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
    અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
    એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
    બાપડાન ભા, મારા ભા જેવા હશે,
    આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
    બારી કરી આલી’તી ઘરમાં
    તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
    દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
    વાંક એનો ખરો,
    હાડી હત્તરવાર ખરો,
    પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
    અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
    તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
    તો શું તું ભગવાન ના થાત?
    તારું તપ તૂટી જાત?
    અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
    ચલો એ ય જવા દો,
    તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
    પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
    તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
    ઉં ખાલી એટલું કઉ’સું.
    કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
    હખેથી ભણવા દે ન મારી સોડીને,
    આ હજાર દેરા સે તારા આરસના,
    એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
    ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
    ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
    કે પેલો ગોવાળિયો આયો’તો,
    સ્યોરી કઈ ગ્યો સે,
    ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!

    Like

    1. “એમાં બુદ્ધનો શું વાંક ?”
      પેલા હિન્દી કવિ (નામ યાદ નથી)એ કાવ્ય લખ્યું છે તેની ધ્રુવ પંક્તિ છે :

      “સખી, વો મુજસે કહેકર જાતે !” યશોધરા સખીને કહે છે, ગયા તો ભલે ગયા, પણ કહીને ગયા હોત ?!

      બુદ્ધનો એ જ વાંક !!!

      Like

  5. very good thoughts!

    ચાલો આપણાં સાઇકાયટ્રિસ્ટ અને ન્યુઅરૉલોજિસ્ટ મહાનુભવોને સાઈબાબાના ફોટા ઉપર હાર ચડાવવાનાં મહત્વનાં કામમાં મગન રહેવા દઈએ…………………….

    शिर्डी साईं – आस्था या आस्था की आड़ में सनातन धर्म का नाश करने का षड्यंत्र

    Like

Leave a comment