સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગૂજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગૂજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી.
-શ્રી ઉમાશંકર જોશી
ગુજરાતી સૌમ્ય ભાષા છે. વેદકાલિન “ળ” એણે જાળવી રાખ્યો છે જે પછીના સંસ્કૃતમાં પણ નથી, આવી વૈભવ ભરેલી માતૃભાષા તરીકે ગુજરાતી મને મળી છે તેનો મને ગર્વ કેમ ના હોય? ગુજરાતની આસપાસના પ્રદેશોમાં બોલાતી બીજી ભાષાઓ એની સાથે તાળી દઈ રમતી સખીઓ છે. મતલબ આ બીજી ભાષાઓમાં પણ ગુજરાતીને મળતા અઢળક શબ્દો હોય છે. ગુણવાળી, રસભરેલી કાનમાં અમૃત સીંચતી જેને બોલતા છાતીમાં ભાવ ભરાઈ જાય તેવી માતૃભાષા દરેક ગુજરાતીના મુખે રમતી હોવી જોઈએ. શું સન ૧૯૫૫ માં કવિને અંદેશો આવી ગયો હશે કે આ માતૃભાષા બચાવવા ગુજરાતી પ્રેમીઓને પ્રયત્નો કરવા પડશે ? કે કહેવું પડ્યું ‘રમો માતૃભાષા મુખે ગૂજરાતી’. આ કોઈ સૈનિકોની પરેડ નથી. આ તો રમત છે. માતૃભાષા તો આપણાં હૈયામાં રમતી હોય છે, હોઠ પર વિલસતી હોય છે, હાસ્ય બની રેલાતી હોય છે, આંખોમાં બોલતી હોય છે, અશ્રુ બની ટપકતી હોય છે. બીજી ભાષાઓ પરેડની જેમ કૂચ કરતી હોય છે.
મુનિ હેમચંદ્રાચાર્યના આશિષ પામેલી, નરસિંહ-મીરાંના આશીર્વાદ વડે સમૃદ્ધ બનેલી આ ગુજરાતીને પ્રેમભટ, અખો અને ભક્ત ધીરા જેવા કવિઓ મળ્યા છે. નર્મદ, કાન્ત અને ગોવર્ધનરામે એની પૂજા કરી છે. નાન્હાલાલે એમની ભવ્ય કલ્પનાઓ વડે સજાવી છે. સત્ય-અહિંસાના પૂજારી એવા ગાંધીની ગિરા છે, ‘નમો ધન્ય ગાંધી-ગિરા ગૂજરાતી’. ગાંધી માટે અહોભાગ્ય કે ગુજરાતી એમની માતૃભાષા હતી અને ગુજરાતી માટે પણ અહોભાગ્ય કે ગાંધીને હૈયે તે રમતી હતી..
જ્યારે ઉપરની સાવ સરળ પણ બેનમુન કવિતા અમર ભટ્ટના કંઠે સાંભળીયે તો છાતી બે ઇંચ ફૂલી જાય. હા ! તો મિત્રો,
નૉર્થ અમેરિકાની લિટરરી અકૅડમિ તરફથી ગયા રવિવારે સરસ મજાનો પ્રોગ્રામ હતો. રાબેતા મુજબ દિલીપ ભટ્ટ તો સાથે હોય જ, પણ આ વખતે જનકભાઈ પણ સાથે હતા. ગુજરાતી ભાષાની સેવા માટે એને સમ્રુદ્ધ કરવા ગણો કે એની સમ્રુદ્ધિ સાચવવા કહો કેટ કેટલાં લોકો પ્રયત્નો કરતાં રહે છે આપણને ખબર હોતી નથી. આપણી પાસે ગુજરાતી કવિઓ અને એમની રચનાઓનો સમૃદ્ધ વારસો છે. એનો મહિમા કરીએ તો પણ ગુજરાતી ભાષાની સેવા ગણાય કે નહીં ?
ગઝલો અત્યારે ગલીએ ગલીએ લખાય છે. જાણે એક ઊભરો આવી ગયો છે. કવિતાઓ તો બહુ લખાય છે, પણ સારી કવિતા લખે છે કોણ ? આપણી પાસે શબ્દવૈભવથી શોભતી અઢળક કવિતાઓ છે પણ ગાય છે કોણ ? એ કામ આજકાલ અમર ભટ્ટ કરી રહ્યાં છે. કવિતાને વાંચવી અને સાંભળવામાં બહુ ફરક પડતો હોય છે. એમાંય અમર ભટ્ટ જેવો શાસ્ત્રીય સંગીતનો જાણતલ જ્યારે કવિતા ગાય ત્યારે કવિતા હ્રદય સોંસરવી ઊતરી જાય. એમાંય વળી શ્રી ઉમાશંકર જોશી કે શ્રી રમેશ પારેખ જેવા ભાવસમૃદ્ધ કવિઓની અદ્ભુત રચનાઓ સાંભળવા મળે તો બાગ બાગ થઈ જવાય અને આંખના ખૂણે અશ્રુબિંદુઓ આવી ને થંભી જાય તો નવાઈ નહીં.
અમર ભટ્ટે શ્રી ઉમાશંકર જોશીની સમગ્ર કવિતાઓમાંથી પસાર થઈ ને પસંદ કરેલી કવિતાઓનું સ્વરાંકન કરીને એક ઑડિઓ સી.ડી બહાર પાડેલી છે. આ કવિતાઓમાંથી પસાર થવું શબ્દો એમના પ્રયોજેલા છે. એવી રીતે મરીઝ અને મનોજ ખંડેરીયાની કવિતાઓમાંથી પસાર થઈને એમણે બીજા આલબમ બહાર પાડેલાં છે તેનું વિમોચન પણ હતું. આ વિમોચન પાછું આપણા કસુંબલ કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના શુભહસ્તે હતું.
અમર ભટ્ટ, દર્શના ઝાલા, ફોરમ અને ફાલ્ગુનીએ એમના કેળવાયેલા કંઠે જુદા જુદા કવિઓને ગાઈને એવા તો રસતરબોળ કરી દીધાં કે સમય ક્યાં પસાર થઈ ગયો સમજ જ ના પડી. અમુક કવિતાઓ એમની આગવી સ્ટાઇલમાં ખાલી સંભળાવી અને અમુક ગાઈને સંભળાવી. શ્રી વિનોદ જોશીની એક હૃદયસ્પર્શી રચના ‘ કૂંચી આપો બાઈજી તમે કિયા પટારામાં મેલી મારી મહિયરની શરણાઈજી’, એક વહુ સાસુને કગરતી હોય કે મને ચાવી આપો તમે કયા પટારામાં મારા પિયરની શરણાઈ મેલી છે ? એક વહુની વ્યથા તો જુઓ? ભિખુદાન ગઢવીના શબ્દોમાં કહું તો પિયરના ગામની દિશામાં ખાટલા પર ઓશિકુ ના મૂકવા દે તેવો સાસુઓનો જમાનો હવે તો રહ્યો નહીં હોય તેવી આશા રાખીએ. શરણાઈ તો બિસ્મિલ્લાખાન વગાડતા હતાં અહીં તો શરણાઈ એક પ્રતીક છે. પિયરની સુખદ સ્મૃતિઓ પટારામાં ધરબીને જીવવાનું ? આજુબાજુ કોઈ જોઈ તો નથી રહ્યું ને ચકાસી મે છાનામાના મારી આંખના ખૂણા લૂછી લીધેલાં. કૂંચી શબ્દ અમે તો વાપરેલો છે, ચાવી માટે વપરાતો આ શબ્દ આજની પેઢી વાપરતી નથી. હવે તો ચાવી ને બદલે ‘કિ’ વપરાતું થઈ ગયું છે. સંગીત મઢી કવિતા ખરેખર તમારાં હ્રદય સોંસરવી ઊતરી જતી હોય છે.
કૃષ્ણ દવેને યાદ કર્યા, વાંસલડી.કૉમ, મોરપિચ્છ.કૉમ, .કૉમ વૃંદાવન આખું. કાનજીની વેબ સાઇટ એટલી બધી મોટી છે કે કયા કયા નામ રાખવા? મીરાં.કૉમ રાખીયે તો પાછી રાધા રિસાઈ જાય..હાહાહાહા..
‘જનની જોડ સખી નહીં જડે રે લોલ’ ઢાળમાં લખાએલી અને ગવાએલી શ્રી મકરંદ દવેની એક દીકરીઓ ઉપરની કવિતાની પંક્તિ ‘બાપુની ઢાલ બને દીકરો રે લોલ, દીકરી તો તેજની કટાર રે’ સાંભળી મારે ફરી આંખના ખૂણા લૂછવા પડ્યા. હવે આ દેશમાં કટાર જેવી તેજ દીકરીઓ ઉછેરવાનો સમય પાકી ગયો છે. આપણી ગુજરાતી કવિતાએ આદિકવિ નરસિંહથી માંડીને આજના અનિલ ચાવડા સુધીની કેટલી બધી લાંબી સમૃદ્ધ દડમજલ કાપી છે.
ઉમાશંકર કહે છે, ‘ કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ અઢળક ઢળિયો શામળિયો જેવા આ પ્રોગ્રામમાં લગભગ મોટાભાગના કવિઓને યાદ કરી ગુજરાતી ભાષાનો મહિમા ગવાયો એનો કેફ હજુ ઊતર્યો નથી, ઉતારવો પણ નથી..
‘આટલું બધું હેત કદી હોતું હશે ? એક પારેવું વાદળ ભરી રોતું હશે ?’—સુરેશ દલાલ
‘કવિતાને અમર કરી દેવી હોય તો એને સંગીત વડે મઢી દો’—– રાઓલ ભૂપેન્દ્રસિંહ…
બાપુ, ઘણી ખમ્મા! ગજબ કરો છો. ફરી જુગલભાઈને કહું છું કે આ લેખ તમારા સૌજન્યથી વેબગુર્જરી પર લેવા લાયક છે.
LikeLike
શ્રી દીપકભાઈ ગાંધીગિરા માટે જે કરવું પડે તે કરવાનું. આપણી વેબગુર્જરી સડસડાટ આગળ વધી રહી છે, એનો ખુબ આનંદ છે. મારા લેખ વેબગુર્જરી પર લેવાય તે મારું સૌભાગ્ય કહેવાય.
LikeLike
સરસ સંક્ષિપ્ત રજૂઆત.
હું માનું છું ત્યાં સુધી. ..’કૂંચી આપો બાઈજી..’ વિનોદ જોશીનું ગીત છે. ‘બાપુની ઢાલ બને દીકરો રે લોલ, દીકરી તો તેજની કટાર રે’ એ મકરંદ દવેની કૃતિ છે.
LikeLike
પંચમભાઈ એટલાં બધાં કવિઓને યાદ કર્યા હતા કે ગોટાળો થઇ જાય તે સ્વાભાવિક છે. મને દિલીપ ભટ્ટે ફોન પર જણાવેલું કે આ કવિતા વિનોદ જોશીની છે મને પણ ચોક્કસ નહોતું માટે હોવી જોઈએ તેવા શબ્દો વાપરેલા પણ બધું સુધારી લીધું છે. થેન્ક્સ આવી ભૂલો બતાવતા રહેજો..
LikeLike
દંતકથા સમાન શ્રી ક્ષેમુભાઇ દિવેટિયા સાથે અમર ભટ્ટ ગાયલી રચનાઓ ભૂલી ભૂલાય તેવી નથી
અમર ભટ્ટની “કાવ્યસંગીત યાત્રા” માટે શુભેચ્છા!
LikeLike
પ્રજ્ઞાબહેન ખરેખર ખુબ મજા આવેલી. અમર ભટ્ટ બહુ સારું કામ કરી રહ્યાં છે. એમના શ્રીમતી વિરાજ ભટ્ટ વળી ક્લાસિકલ સિંગર છે.
LikeLike
આટલું બધું હેત કદી હોતું હશે ?
સિંહની આંખે અશ્રુ બિંદુ હોતું હશે ?!
પણ જેણે અવડાવી દીધું એ કાર્યક્રમનાં સઘળાં વખાણ સ્વિકાર્ય. અગાઉ પણ એક ઠેકાણે મેં લખ્યું હતું કે ’બાપુ, આપની અહેવાલકલા અદ્ભુત છે. અમારા કાનમાં પણ જાણે આ પ્રોગ્રામ પડઘાઈ રહ્યો હોય તેવું લાગ્યા કરે છે. કોઈકે લખ્યું હતું કે, પગને આંખો હોય છે. આજે અહીં વાંચીને મને લાગે છે કે આંખોને કાન પણ હોતા હશે !
આપના આ લેખ માટે આપનો આભાર માની કે ધન્યવાદ લખી અમારેય અમારો “કેફ ઉતારવો નથી”….
LikeLike
થેન્ક્સ અશોકભાઈ સાચું કહું તો હું નોટ્પેન લીધા વગર જાઉં છું આવા પ્રોગ્રામમાં તેનો અફસોસ થાય છે. જેટલું યાદ રહે તે ઉપરથી લખું છું. પણ હવે ધ્યાન રાખવું પડશે.
LikeLike
નોટ્પેન લીધા વગર ગયા તોયે આ હાલ છે, વિચારો નોટ્પેન સાથે હોત તો ક્યા ગજબ હોતા ! કહો તો અહીંથી એક નોટ્પેન મોકલું ! પણ પ્રતિજ્ઞા કરો કે હવે પછી ખીસ્સામાં નોટપેન રાખ્યા વગર તો નાહવા પણ નહિ જાઓ !! 🙂 (એ તો વળી આમે શોચનાલય જ ને ! અને સર્જકને સુંદર વિચાર તો ગમે ત્યારે ટપકે !)
LikeLike
અમારે બધું કમ્બાઈન્ડ હોય. સ્નાનાગાર, સોચાનાલય બધું ભેગું. ઓલ ઇન વન જેવું…એકલું સોચાનાલય હોય તો હાફ બાથરૂમ કહે.. દોઢ બાથરૂમ..અઢી બાથરુમના ઘર હોય ..હહાહાહાહા
LikeLike
ખુબ સરસ અહેવાલ, અભીનન્દન !!!
LikeLike
વાહ બાપુ વાહ !!!!!
મળી હેમઆશીષ નરસીંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા
ગુજરાતી ભાષાનો મહિમા ગવાયો એનો કેફ હજુ ઊતર્યો નથી, ઉતારવો પણ નથી..
હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે, આવકાર મીઠો….આપજે રે જી…..
LikeLike
ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં પહેલો ફાળો મુની હેમચંદ્રાચાર્યનો હતો.
LikeLike
બાપુ, ‘ગીત-ગંગોત્રી ના ગીતો ઘણા દિવસોથી સતત સાંભળી રહ્યો છું. સાથે, શ્રી ઉમાશંકરભીના કાવ્યોનો અભ્યાસ કરી રહ્યો છું. ગીતોના શબ્દોની શોધ, મને આ લેખ સુધી લાવી.
તમારા શબ્દોથી મારા ધ્યેય ને જોમ મળ્યું. બસ એટલું જ કહીશ. બાકી તો તમે જાણો છો.
LikeLike
અમરભાઈ ની ગાવાની શૈલી પણ ખુબ જ સરસ છે . . . શબ્દોને સરસ છુટા પાડીને વચ્ચે વચ્ચે સરસ સમજાવતા પણ જાય
LikeLike