બાર ગાઉ એ બોલી બદલાય

images

બાર ગાઉ એ બોલી બદલાય
બાર ગાઉ એ બોલી બદલાય તે કહેવત ખાલી ભારત માટે થોડી સાચી હોય? આખી દુનિયામાં આ ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે તમે લખવામાં ભાષા શુદ્ધિ નો આગ્રહ રાખી શકો બાકી બોલવામાં કદી રાખી શકો નહીં. હું વિજાપુર(મહેસાણા), નડિયાદ(ચરોતર) અને વડોદરા ઊછરેલો છું માટે મારી બોલવાની ભાષામાં આ ત્રણે વિસ્તારની બોલીનો લહેકો આવી જવાનો તે હકીકત છે. મતલબ હું શુદ્ધ મહેસાણી, શુદ્ધ ચરોતર કે શુદ્ધ બરોડીયન ભાષા બોલતો નથી ત્રણે વિસ્તારની મસાલા ખીચડી જેવી ભાષા બોલુ છું. મારા નાનાભાઈ વળી બરોડા નથી રહેલા તેઓ જામનગર વસેલા છે તો એમની ભાષામાં મહેસાણા, ચરોતર ભેળો સૌરાષ્ટ્રનો રોટલો પણ ભળેલો છે. મારા જીજાબા એટલે બહેનશ્રી વળી સાબરકાઠાં પરણાવેલાં છે એટલે એમની ભાષામાં મહેસાણા, ચરોતર સાથે ઈડર વિસ્તારનો ફેમસ મકાઈનો રોટલો અને અડદની દાળ પણ ભળેલા છે, એમાં બહેનનું પાછું રૉયલ ફેમિલી એટલે ‘આપ પધારો’, ‘આપ બિરાજો’, ‘જી હુકમ’, ‘કાકોસા’, ‘કાકીસા’, ‘ભાભીસા’, ‘ફુવાસા’, જીજાસા’, સાથે નાના બે વરસના જ કેમ ના હોય દીકરાને બાપુ અને દીકરીને બૈજીલાલ કહેવાનો મીઠડો માનવાચક ધારો છે.

‘લૅબુ, મૅઠુ અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. ઉચ્ચારણની ભાષામાં આમ અલગ અલગ વિસ્તારમાં થોડો થોડો ફેરફાર તો રહેવાનો જ. આનો કોઈ ઉપાય નથી. એકલાં ભારતમાં જ આવું હોય તેવું પણ નથી. અમેરિકામાં પણ થોડા થોડા ફેરફાર સાથે જ અન્ગ્રેજી બોલાય છે. દરેકનો પોતાની માત્રુભાષાનો ટોન બીજી ભાષામાં આવી જવાનો તે હકીકત છે. આપણે ભલે ભારતમાં બ્રિટીશ અંગ્રેજી ભણ્યા હોઈએ પણ દક્ષિણ ભારતીય અંગ્રેજી બોલશે અને ઉત્તર ભારતીય અંગ્રેજી બોલશે એ બેઉમાં ફરક પડવાનો. ઉત્તર ભારતીય હિંદી બોલે અને આપણે ગુજરાતી હિંદી બોલીયે તેમાં પણ આભ જમીનનો ફરક પડી જતો હોય છે. હું બરોડા રહેતો ત્યારે અમારી ઉપરના માળે થોડા કેરાલીયન મિત્રો રહેતા. એકવાર આવા એક કેરાલીયન મિત્રે પુચ્છ્યું ‘કાના કાયા?’ મને સમજ પડી નહી. હું શું? શું? એમ પૂછવા લાગ્યો. બાજુમાં ઊભેલા મિત્ર અરવિંદભાઈ કહે શું બાઘાં મારે છે? ખાના ખાયા? એવું પૂછે છે.

જોડણીની દ્રષ્ટીએ જોઈએ તો આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છીએ, અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીએ છીએ. એમાં બધાં જ આવી જાય, પત્રકારો, માસ્તરો, વ્યાખ્યાનકારો, સૌરાષ્ટ્રનો હોય કે ગુજરાતનો કે ભારતનો હોય, વળી પોતાની માત્રુભાષાનો લહેકો પણ એમાં લાવવાનાં જ. એમાં ગુગલનો ગુજરાતી લખવાનો સૉફ્ટ્વેર જે વાપરે તે જે થોડું ઘણું સાચું ગુજરાતી લખતો હોય તે પણ ભૂલી જવાનો. કારણ એમાં તમે શબ્દ આખો લખો અને સ્પેસ દબાવો આખા શબ્દનું ગુજરાતી થઈ જાય. એમાં મનફાવે તેમ જોડણી લખાઈ જવાની. એમાં ‘ઍ’ અને ‘ઑ’ આવતો નથી. એટલે તમે એના બદલે ‘એ’ અને ‘ઓ’ થી ચલવી લેવાના. મને ખબર હતી કે ‘મૅમલ’ સાચો શબ્દ છે, પણ હું ‘મેમલ’ વડે ચલાવી લેતો હતો. આવા તો અનેક શબ્દો છે જેની સાચી જોડણી વગર ચલાવી લેવું પડતું. એના માટે વિશાલ મોણપરાનું પ્રમુખ ટાઈપેડ સારુ, એમાં એક એક અક્ષરનું ગુજરાતી થવા માંડે એટલે તમે સાચું લખી શકો. પણ ગુગલનુ સહેલુ પડતું હોવાથી અને ઝડપથી લખાતું હોવાથી મોટાભાગે તે જ વપરાય છે. એટલે જેને થોડી ઘણી પણ જોડણી સાચી આવડતી હોય તેણે વિશાલભાઈનો સૉફ્ટ્વેર વાપરવો અથવા ‘બરહા’ વાપરવું સારુ રહેશે. ગુજરાતી જોડણી માટે સાર્થ જોડણીકોશ મળે છે. આ જોડણીકોશ વાંચીને એને પબ્લિશ કરનારાઓ ઉપર એક વિદ્વાન મિત્રે એમાં રહેલી ભૂલો બેત્રણ પાનાં ભરીને મોકલી, તો સામે આભાર માનતો પત્ર આવ્યો, તો એમાંથી પણ ભૂલો શોધીને મોકલવામાં આવી તો પછી પેલાં લોકોએ પત્ર લખવાનું જ બંધ કરી દીધું. હાહાહાહા!!!

ગુજરાતીના આટલાં બધાં શબ્દોની જોડણી કોને યાદ રહે? સામાન્યજનનુ તો કામ જ નહીં. એટલે એના માટે એક ઝુંબેશ શરુ થઈ કે જોડણીની પળોજણ છોડીએ એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરીએ. આને ઊંઝા જોડણી નામ અપાયું છે. ઘણાં બધા બ્લૉગર મિત્રો ઊંઝા જોડણી વાપરે છે. એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ વાપરો તો મોટાભાગે જોડણીની સમસ્યા મટી જાય. જો કે ઊંઝા જોડણીમાં લખેલું કોઈ સપાટ ચહેરા વાળો મતલબ મોઢાં પર કોઈ ભાવ દેખાય નહીં તેવા જૉહ્ન અબ્રાહમ જેવા ઍક્ટરની સિનેમા જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. જ્યારે સાચી-ખોટી જોડણીમાં લખેલુ દિલીપકુમાર-અમિતઆભ-પરેશ રાવલ જેવા ઉત્તમ અભિનેતાની ફિલમ જોતાં હોઈએ તેવું લાગતું હોય છે. મને એવું લાગે છે, તમને શું લાગે છે મને ખબર નથી. ઊંઝા જોડણીનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ ઘણા સાહિત્યકારો એનાથી નારાજ છે. એમને લાગે છે આ ઊંઝા જોડણીવાળા ગુજરાતી ભાષાનો નાશ કરી નાખશે. ઊંઝા જોડણીવાળા કહે છે અમારી જોડણી વૈજ્ઞાનીક છે. તો સ્વરપેટી ઉપર આધારિત જોડણી કઈ રીતે અવૈજ્ઞાનિક કહેવાય?

અમેરિકાની વાત કરું તો, અહીં ઉત્તર અમેરિકાના યુ.એસ.એ નામના દેશના ઉત્તરમાં રહેલાં રાજ્યો અને ટેકસાસ જેવાં દક્ષિણમાં રહેલાં રાજ્યોની અંગ્રેજીની બોલચાલની લઢણ ખાસી જુદી પડી જાય છે. એમાં વળી અશ્વેત પ્રજાએ એની પોતાની આગવી લઢણ વિકસાવી છે. અમદાવાદમાં વાહન ચલાવો તો આખી દુનિયામાં ચલાવો પાસ થઈ જાવ તેવું અહીં કહેવાય કે અશ્વેત લોકોનું બોલેલુ અંગ્રેજી સમજી શકો તો પછી ગમે ત્યાં જાવ અંગ્રેજી સમજવામાં વાંધો આવે નહીં. યુ.એસ.એ નીચે આવેલા મેક્સિકો અને એની પણ નીચે આવેલા દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશોમાં સ્પેનિશ ભાષા બોલાય છે. આ દેશોને લૅટિન અમેરિકન દેશો અથવા સ્પેનિશ દેશો પણ કહેવાય છે.

યુરોપના સ્પેનમાંથી આ દેશો ઉપર આક્રમણ થયેલું. આ બધા દેશો ઉપર યુરોપના સ્પેનની હકૂમત ચાલવા લાગી. મેક્સિકોની માયા અને પેરુની ઈન્કા સંસ્કૃતિનો નાશ કરી નાખવામાં આવ્યો. આશરે ૧૭ હજાર વર્ષ પહેલા વાયા સાયબીરીયા થી માનવો ધીમે ધીમે આ અમેરિકા ખંડમાં અલાસ્કા થી પ્રવેશ કરવા લાગેલા.એમાં જુદી જુદી સંસ્કૃતિઓ અહીં વિકસેલી જેવી કે Mesoamerica(the Olmec, the Toltec, the Teotihuacano, the Zapotec, the Mixtec, the Aztec, and the Maya) and the Andes (Inca, Moche, Chibcha, Cañaris). આમાં માયા સંસ્કૃતિના એમના પોતાના લેખિત રિકૉર્ડ મળે છે. આ બધી સંસ્કૃતિઓ ઘણી વિકસેલી હતી. ખેતીવાડી બાંધકામ બધામાં નિષ્ણાત હતી. ઍઝટેક લોકોએ એક ભવ્ય શહેર બનાવેલું Tenochtitlan, જે પુરાણું મેક્સિકો હતું. ત્યાં લગભગ ૨૦૦,૦૦૦ લોકો રહેતા હશે. તે લોકો ખગોળીય અને ગણિતશાસ્ત્ર જ્ઞાનમાં માહેર હતા.

૧૪૯૨માં કોલંબસની સફર પછી યુરોપિયન લોકોનાં ધાડા આવવાનું અહીં ચાલુ થયું. એ લોકો ગુલામ તરીકે ખેતી કરવા માટે આફ્રિકન લોકો ને લઈને આવ્યા, અને સાથે સાથે જાત જાતનાં મૂળ અહીંના લોકો માટે નવા એવા રોગો લઈ ને આવ્યા. એમાં અહીંની સ્થાનિક પ્રજા મરવા માંડી, બંને વચ્ચે યુદ્ધો થવા લાગ્યા. રીતસરનું જેનસાઇડ શરુ થયું અને સ્થાનિક જાતિઓનો નાશ કરવાનું ચાલુ થયુ. આપણે માનીયે છિયે તેમ સ્થાનિક કહેવાતી રેડ ઈન્ડિયન્સ જાતિઓ સાવ ખતમ નથી થઈ ગઈ પણ એમનું સંકરણ થઈ ગયું છે. જો કે શુદ્ધ રુપે ખતમ થઈ ગઈ છે તેમ કહી શકાય. યુરોપીયન્સ અને સ્થાનિક જાતિઓનું ભેગું થઈ ને જે ક્રોસ બ્રીડિંગ થઈ ગયુ છે તે આજની અમેરિકન સ્પેનિશ પ્રજા કહેવાય છે.

મૂળ અમેરિકન પ્રજા ઉત્તર ધૃવમાં રહેતી પ્રજાના જીન ધરાવતી હાથ પગ ટૂંકા, ઊંચાઈ સાવ ઓછી આપણા ગુરખા જેવી. અત્યારે હું ન્યુ જર્સીના ફ્રિહોલ્ડ વિસ્તારમાં જાઉં તો કહેવાતા સ્પેનિયા જોઈ એવું લાગે કે આ તો આપણાં ગુરખાને ઊંચા કહેવડાવે તેવાં છે. ગોળમટોળ બેઠીદડીના સાવ બટકા આપણાં ગુરખા જ જોઈ લો. કલર પણ ઘંઉવર્ણ બહુ ઊજળા નહી. આ પ્રજામાં એટલી બધી વિવિધતા છે કે ના પૂછો વાત. એકદમ ગોરા ઊંચા થી માંડીને સાવ બટકા અને અશ્વેત પણ મળી આવે. ભલે ગીતામાં ક્રુષ્ણે કહ્યું હોય કે વર્ણસંકર પ્રજાનો નાશ થાય પણ ભારતમાં પણ એટલું બધું સંકરણ થયેલું છે કે ના પૂછો વાત. દક્ષિણ અમેરિકા ખંડ અને ઉત્તર અમેરિકા ખંડ વચ્ચે એક નાની પટ્ટી રૂપ જોડાણ છે જેમાં નાના દેશો આવેલા છે. આ નાની પટ્ટીમાં હોન્ડુરાસ, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, કોસ્ટારિકા, પનામા જેવા દેશો આવેલા છે. જ્યારે નીચે દક્ષિણ અમેરિકા ખંડમાં વેનેઝુએલા, ગુયાના, સુરીનામ, કોલમ્બિયા, ઇક્વાડોર, બ્રાઝીલ, બોલિવિયા, પેરુગ્વે, ઉરુગ્વે, ચીલી, આર્જેન્ટીના વગેરે સ્વતંત્ર દેશો છે. આ બધા દેશોની પ્રજા હિસ્પાનીક કહેવાય છે. વચ્ચે નાના નાના ટાપુઓ રૂપે ઘણા બધા દેશો છે જેવા ક્યુબા, ડોમોનીકન રિપબ્લિક, પોર્ટૄરીકો. આ દેશોની પ્રજા લાતીનો કહેવાય છે. બોલે છે બધાં સ્પેનિશ પણ બધાનું સ્પેનિશ અલગ અલગ છે. પણ જેમ આપણે ગુજરાતના કોઈ પણ ભાગમાં બોલાતું થોડું અલગ ગુજરાતી સમજી જઈએ છિયે તેમ આ પ્રજા પણ અલગ અલગ પ્રકારનું બોલાતું સ્પેનિશ સમજી જતી હોય છે.

ચાલો ફરી અંગ્રેજી ઉપર આવીયે તો શેક્સપિયર પહેલાં જે અંગ્રેજી વપરાતું હતું તે ઓલ્ડ અંગ્રેજી સાવ જુદું હતું, આજે કોઈને સમજાય નહી તેવું. શેક્સપિયરે નવા અંગ્રેજીના વિકાસમાં ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ક્રાન્તિ અને વિકાસની વાતો કરનારા માટે નવું અંગ્રેજી જરૂરી હતું. નવું અંગ્રેજી રિબેલિયન ભાષા હતી. એકલાં શેક્સ્પિયરે ખુદ ૨૦-૨૫૦૦૦ શબ્દો નવા પ્રયોજ્યા હશે. એટલે તો અંગ્રેજી સાહિત્યમાં એનું આટલું બધું માન છે. અંગ્રેજીમાં આજે રોજ નવા શબ્દો ઉમેરાય છે અને તે પણ દુનિયાની તમામ ભાષાઓમાંથી. સંસ્કૃતની વાત કરીયે તો વેદોનું સંસ્કૃત અલગ છે. પાણિનીનું પરફેક્ટ વ્યાકરણ સહીતનુ સંસ્કૃત અલગ પડી જાય છે. વેદ કાળના સંસ્કૃતમાં ‘ળ’ છે, પાણિનીના સંસ્કૃતમાં ‘ળ’ નથી. વળી ગુજરાતીમાં ‘ળ’ છે. પ્રાકૃત અને પાલી અશુદ્ધ સંસ્કૃત જ કહેવાય. તો આજની ભારતની ગુજરાતી સહિત અનેક ભાષાઓ અશુદ્ધ સંસ્કૃત કહી શકીયે.

આપણે હળાહળ ખોટું ગુજરાતી લખીએ છિયે અને હળાહળ ખોટું અંગ્રેજી બોલીયે છિયે. ચાલો થોડા નમૂના બતાવું.. આપણે અંગ્રેજીના of ને ઑફ કહીએ છિયે ખરેખર ઑવ છે. Dose ડોઝ ખોટું છે એને ડૉસ કહેવાય. Planning પ્લાનિંગ ખોટું છે પ્લૅનિંગ કહેવાય. Efficient એફિશિયન્ટ ખોટું છે એફિશન્ટ કહેવાય. adoption એડોપ્શન ખોટું છે અડૉપ્શન કહેવાય. Protection પ્રોટેક્શન ખોટું છે પ્રટેક્શન કહેવાય. avoid એવૉઈડ ખોટું છે અવૉઈડ કહેવાય. Violence વાયોલેન્સ ખોટું વાયલન્સ સાચું. accelerator ઍક્સિલેટર ખોટું છે એક્સલરેટર કહેવાય. ફિલૉસૉફી ખોટું ફિલૉસફી કહેવાય. Alpha આલ્ફા ખોટું છે ઍલ્ફા કહેવાય. Monogamy મૉનોગેમી ખોટું મનૉગમી કહેવાય તેવી રીતે polygamy પૉલીગેમી પણ ખોટું છે પૉલીગમી કહેવાય. release રિલીઝ પણ ખોટું રિલીસ કહેવાય. બિહેવિયર પણ ખોટું બિહેવ્યર કહેવાય. થાકી ગયો યાર…છોડો આવા તો અનેક શબ્દો છે જે આપણે ખોટા બોલીયે છિયે અને લખીએ પણ છિયે..

19 thoughts on “બાર ગાઉ એ બોલી બદલાય”

  1. I think this conflict is because we have been taught British pronunciation English, but you gave the pronunciations of American English. where “is” is pronounced as “is” not “iz”, right?

    Like

      1. sir
        ..nice..article…thank u..nice..information.
        sry sir..but PATNJALI nu grammer ke PANINI nu grammer aave..confuse 6u..plz.. inform me…

        Like

        1. એક માન્યતા એવી પણ છે કે પાણિની અને પતંજલિ બંને એક જ છે. જો કે તમે કન્ફ્યુજ નથી મેં ભૂલ સુધારી લીધી છે. અને એના માટે તમારો ખુબ ખુબ આભાર માનું છું.

          Like

  2. ઉચ્ચારની બાબતમા હુ આપની સાથે સમ્મત છુ. સંસ્કૃતમાથી ગુજરાતીમા કેટલાય શબ્દો તત્સમ અને તદ-ભવ થઇ ને આવેલા છે સંસ્કૃત્માથી પ્રાકૃત, પ્રાકૃતમાથી અપભ્રંશ અને વળી તેમાથીજૂની ગુજતરાતી,મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી , આમ ભૌગોલિક દ્રષ્ટિએ જોઇએતો ઘસારો અને નવરચનાના નિયમ પ્રમાણે મૂળ ભાષા અને અવાંતરિત ભાષામા ફેરફાર જરુર રહેવાનોજ સાથે સાથે સંસ્કૃતમા અનુનાસિક વ્યંજનોનો ઉપયોગ ઉચ્ચારણ માટે આવશ્યક ગણાતો જે ગુજરાતીમા નહીવત થઇ ગયો છે

    Like

  3. have vyakaraN-no concept badlaaI gayo Chhe. AapaNe gujaratI maaTe paN saMskrut pramaaNe j chaaleeE ane aapaNI bhaashaaanI aagavI khaasiyat, uchchccaarnI aagavee reet vagere dhyanamaa laI e te jarooree Che.
    aa josho:http://webgurjari.in/2013/04/30/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%9B%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A4%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%81%E0%AA%82/

    Like

  4. રાઓલજી, તમે ખોટાં ઈન્ગ્લીશ ઉચ્ચારો એમ લખ્યું છે, પણ હકીકતે એ પ્રદેશે-પ્રદેશે બદલાય છે એટલે ખોટાં ના કહી શકાય . જેમ કે, keyway નો ઉચ્ચાર ભારતીયો “કીવે” કરશે, અમેરિકાનો “કીવેઇ” કરશે અને ઓસ્ટ્રેલિયનો “કેઈવેઈ” કરશે!

    સમગ્રતયા મજજેનો લેખ …

    Like

  5. ઈંગ્લીશ મુવી જોવાનો શોખ ખરો કારણ કે હિન્દી મુવીમાં પ્રેમ અને નાચગાન સિવાય કોઈ વિષય નથી હોતો, પણ ઈંગ્લીશ મુવીના સંવાદોમાં ટપ્પો ના પડે, ક્યારેક તો એવું લાગે કે મોમાં ચ્યુઇંગમ ચાવતા વાતો કરતા હોય એટલે ખુબ દયાનથી સંભાળવું પડે અને મુવીના સબ ટાઈટલ વાંચીને સમજવું પડે. અમેરિકન ઈંગ્લીશ અને ભારતીય ઈંગ્લીશ માં ઘણો ફરક છે.

    Like

  6. ગુજરાતમાં જે ગુજરાતી અથવા એના જેવી ભાસા બોલાય છે એમાં મહેસાણા, કચ્છ, ગોધરા દાહોદ, સૌરાષ્ટ્ર, ચરોતર અને સુરત બાજુ જે ગુજરાતી બોલાય છે એમાં ઘણોં ફરક થઈ જાય છે.

    ઘણીં વખત કોણ ભાષા કે ગાળ બોલે છે એ જ ખબર પડતી નથી.

    જેમકે માસી માસા, કાકા કાકી, બહેન બનેવી અને કચ્છીમાં બહેન બનેવી માટે ભેણ ભેણીયા….

    Like

  7. Kahenaar E Je Kahevu Chhe Te Sambhalnaar Samji Shake Te J Khari Boli. Mara Mitro Temna Paaltu Kutara Saathe Vaato Kare Chhe Ane Te Kutara Samaje Pan Chhe Etlu J Nahi Kutara Potani Boli Ma Kaik Avaaj Kare Tene Pan Pachha Mara Mitro Samaji Shake Chhe!!!!

    Like

  8. ટમે બઢા ભાસા સાસ્ટરીઓ મારા હુરટી ડોસ્ટ પવીન સાસ્ટરીને હમ્જાવોને કે હુરટી ભાસામાં વારટા લખે. એ અમડાવાડી પ્યોર લખ્વાની ટ્રાય મારે ટો પન જોડનીમાં તો લોચા જ મારટો હોય છે. મેં એને એકવાર હમજાવેલુ કે માટરુ ભાસા એટલે બારકનો જનમ ઠાય ને બાલકને એની મઢરનો જે અવાજ હંભરાય ટે એની મઢર લેન્ગ્વેજ કે’વાય. માસ્ટરે હિખવેલી લેન્ગવેજ એ કોન્ટામિનેટેડ માસ્ટર ભાસા કે’વાય.

    Like

  9. આપણે ખોટા ધર્મગુરુઓ , ખોટા નેતાઓ ,ખોટા સામાજિક આગેવાનોથી કામ ચલાવતા આવ્યા છીએ .. ચાલો આપના વિચાર વ્યવહારને પણ ખોટી ભાષાના માધ્યમ થી ચલાવી લઈએ ..

    Like

  10. ખુબ મજા આવી વાંચવાની ..દરેક ભાષા માં આવું છે ..મસ્ત લેખ છે બાપુ ..બાપુ ..એમા આપે ત્યાની બોલી માં ફર્ક છે તે પણ સરસ રીતે બતાવ્યું છે ..મહેસાણા માં પૂજા માં ગયો હતો ..પૂજારી :- કહે હવે આપણે ભગવાન ના કપડા ઉતારીશું અને મોથે પોણી રેડીશું .ભાઇ પ્રભુ ને બરોબર ઝાલી રખો .. આવું હતું બાપુ ..any way સરસ લેખ છે આભાર

    Like

  11. Nice article.
    Just another addition to the list: Schedule is not શીડ્યુલ but it is સ્કેદ્જ્યુલ . Petrol is not પેટ્રોલ but it is પટ્રોલ, Computer is not કોમ્પ્યુટર but is કમ્પ્યુટર.

    Like

  12. એક જ ગામમાં જુદી જુદી કોમોની બોલીનો તફાવત નોંધી શકાય છે. આથી જ અખા ભગતે કહેલું કે” ભાષાને શું વળગે ભૂર રણમાં જીતે એ શૂર અધિક વસે છે વરણ અઢાર ,કણબી સૌનો તારણહાર”આ વાત અખા ભગતે પોતાની ભાષાના બચાવમાં કણબીની ભાષા તરફ ધ્યાન દોરેલું

    Like

Leave a comment