અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો

imagesCAZZGSEU

સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે. પણ સમૂહમાં એકબીજા સાથે હરીફાઈ પણ ખૂબ હોય છે. ખોરાક મેળવવો હોય કે માદા મેળવવી હોય તો ખૂબ હરીફાઈનો સામનો કરવો પડતો હોય છે. અને આ બધું મજબૂત હોય તેને અને જે તે સમૂહમાં ઊંચું સ્થાન ભોગવતો હોય તેને જલદી ઉપલબ્ધ થાય. આમ મેમલ સ્ટેટ્સ સીકિંગ બનવા ઇવોલ્વ થયેલા જ છે. મંદિરના ઓટલે ભીખ માંગતા ભિખારીને પૂછો તો એની મહેચ્છા પણ એક દિવસ અંબાણી બનવાની હોય છે. સમાજમાં ઊંચાંમાં ઊંચું સ્થાન પામવાની મહેચ્છા કોની ના હોય? અને એના માટે જે કરવું પડે તે કરવા મેમલ સદાય તૈયાર હોય છે. જોડકણા લખતાં દરેક કવિને ઉમાશંકર જોશી કે કલાપી જેવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું મન હોય છે. બાબા રામદેવ વૈરાગી બાવાજીને એકવાર ઝી ટીવીના લીટલ ચેમ્પ પ્રોગ્રામમાં સાંભળેલા કહેતા હતા ‘જિંદગીમે એકબાર પ્રથમ આના હૈ’ એવી ખ્વાહિશ બચપણથી જ હતી. એક સ્થાન પ્રાપ્ત થાય તો એનાથી ઊંચેની અપેક્ષા તરત થવાની. હાઈ સ્ટેટ્સ ઇચ્છવું આપણા જિન્સમાં હોય છે. એમાં રામદેવનો કોઈ વાંક જ નથી..વૈરાગીઓમાં પણ પ્રથમ આવવાની સ્પર્ધા તો ઊભી જ હોય છે. મંડલેશ્વર, મહામંડલેશ્વર, પીઠાધીશ, એમના ય આગવા રજવાડા હોય છે, વડતાલ સંસ્થાન. હું પહેલો શાહી સ્નાન કરું એમાં તો ૧૭૬૦મા કુંભ મેળામાં ૧૮૦૦૦ બાવાઓ એકબીજાને મારીને સ્વર્ગે પહોચી ગયેલા. આટલાં બાવાઓ અંગ્રેજો સામે લડ્યા અને મર્યા હોત તો આઝાદી મળી ગઈ હોત..મૂળ વાત એ છે કે આપણે સસ્તન-મેમલ પ્રાણી હાઈ સ્ટેટ્સ સીકિંગ છીએ.

બે મેમલ ભેગાં થાય એટલે કમ્પેરીજન શરુ, કોણ ઊંચું કોણ નીચું? તારી સાડી કરતા મારી વધુ સફેદ કે મોંઘી છે. એટલે સામ્યવાદ અને સમાજવાદ જેવા બધાને સરખાં એક સમાન ગણવા જેવા ઉચ્ચ આદર્શો અને અમૂર્ત વિચારણાઓનું મેમલ બ્રેઈન પ્રોસેસિંગ કરી શકતું નથી. આ બધા સુંદર સુંદર વિચારો કોર્ટેક્ષ કરતું હોય છે. તે પણ એને અન્યાય થાય એટલે કરતું હોય છે. એક મજૂરને લાગે કે હું મજૂરી કરીને કદી ઊંચો આવવાનો નથી કે મિલમાલિક જેટલાં પૈસા કમાવાનો નથી તો એને તરત સામ્યવાદ યાદ આવી જશે. રાજાશાહી ખરાબ છે એને નાબૂદ કરી નાખવી જોઈએ તેવી હાકલ કરી આંદોલનો કરનારા નેતાઓ આજે સવાયા રાજાઓ બની બેઠાં છે કે નહિ? સલીમે તો અકબર સામે ખાલી બળવો જ કરેલો, ઔરંગઝેબે ખાલી એના પિતાને કેદ કરી ને ફક્ત ભાઈઓને જ મારી નાખેલા. આપણા નેતાઓએ એમના અહંકાર પોષવા, પ્રથમ સ્થાન પામવા, ભારત અને પાકિસ્તાનની રાજગાદી પર બેસવા, શક્ય સમાધાન ના કરીને એક મહાન દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના બે દેશમાં ભાગલા પાડી સરહદ ઉપર ૧૦ થી ૨૫ લાખ માણસોને અંદર અંદર કપાવી માર્યા હતા. આટલાં માણસો અંગ્રેજો સામે લડતા મરાયા હોત તો આ દેશ સામે આજે કોઈ આંગળી ઊંચી કરી શકવાની તાકાત ધરાવતું નાં હોત.

એટલે કેપિટાલિઝમ મેમલ બ્રેઈનને ભાવતી વસ્તુ છે. મનફાવે તેમ મુક્ત વ્યાપાર કરો, પૈસા કમાવો અને હાઈ સ્ટેટસ પ્રાપ્ત કરો..એટલે એવું તત્વજ્ઞાન ચાલે છે કે ઓછામાં ઓછી સરકારી દખલ ઉદ્યોગ વ્યાપારમાં હોવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે સરકારના હસ્તક્ષેપ વગર જ બધું ચાલે જાય. તદ્દન અસહાય અને આર્થિક રીતે નાજુક લોકોના રક્ષણ માટે અસરકારક અને નવી પોલિસી હોવી જોઈએ. મૂડીવાદનો આત્યંતિક પ્રકાર છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં આખી દુનિયામાં પ્રસરી ગયો છે, ચીન અને રશિયા પણ બાકાત નથી, અને તે ખૂબ ઊંડી મુશ્કેલી સર્જી રહ્યો છે તે વાત આપણે નકારીએ છીએ. સામ્યવાદ ફેઇલ કેમ ગયો? કારણ ૨૦૦૦ કરોડ વર્ષથી વિકસેલા મેમલ બ્રેઈન માટે અનુકૂળ નહોતો. બધાની પોજીશન સરખી હોય તો શું કામનું? ડૉક્ટર- એન્જીનીયર કરતા મજૂર વધુ કમાતો હોય તો ડૉક્ટર બનીને કામ શું છે? અને સૌ સરખાં જ હોય તો પછી મહેનત કરીને પ્રોગ્રેસ કરવો કોણે કીધું? હવે આપણા માનવીય પૂર્વજો અને પ્રાણિજ પૂર્વજોએ તો કરોડો વર્ષ લગી એકબીજા સાથે કમ્પેરીજન કરેલી જ છે. એટલે સામ્યવાદ સફળ થયો નહિ, ઊલટાનું નવાઈની વાત એ છે કે આજે સામ્યવાદી કહેવાતા ચીનમાં ૨૧૩ અબજોપતિઓ છે. રશિયામાં ૮૮ અબજોપતિઓ છે.  દબાવી રાખેલી સ્પ્રિંગ છટકી છે. ચીન કેવું સડસડાટ આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે? મૂડીવાદના પ્રણેતાઓ એક સિદ્ધાંતમાં માનતા હોય છે કે માનવજાત રેશનલ છે બજારની ગતિવિધિઓ (વિવેકપૂર્ણ) રેશનલ હોય છે. પણ આ સિદ્ધાંત આજે ધોવાઈ ચૂક્યો છે. ખરેખર માનવજાત અને તેનું બજાર રેશનલ હોય સમજદારીપૂર્વકનું હોય તો જ મૂડીવાદ અત્યંત સફળ થાય. પણ એવું થતું નથી. કારણ માનવ રેશનલ હોતો નથી. એક માણસ આખી જિંદગીમાં કેટલા રૂપિયા વાપરી શકે? એક સાથે કેટલાં વિમાનમાં મુસાફરી કરવાનો છે? છતાં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, બળતું ઘર સંભાળવાનું ઓબામાને માથે આવ્યું તે સમયે દેશને બચાવી લેવા અહીંની જાયન્ટ કંપનીઓના સર્વેસર્વાઓ ઓબામા પાસે સરકારી સહાય લેવા ગયેલા ત્યારે આ અબજોપતિ ભિખારીઓ પોતાના વિમાનમાં ગયેલા. તમારા ઘર આગળ એક કારના ફાંફાં હોય છે અને આ ઓબામા પાસે ભીખ માંગવા ગયેલા અમુક કહેવાતાં લુચ્ચા ભિખારીઓના ઘર આગળ પ્રાઇવેટ પાંચ પાંચ પ્લેન પડેલા હતા. એવરેજ માનવ રેશનલ હોતો નથી.

મૂડીવાદની આત્યંતિક સ્વતંત્રતા રેશનલ બ્રેઈન વગર પચે નહિ. માટે મૂડીવાદનો પાયાનો સિદ્ધાંત છે Human beings are rational and markets behave rationally. મૂડીવાદ તમને કમાવાની છૂટ આપે છે તર્ક અને બુદ્ધિ સાથે. હું લખતો હોઉં છું કે માનવ પોલીગમસ છે. એમાં એક માણસ ચાર સ્ત્રીઓ રાખે મતલબ સમાજમાં રહેલા ત્રણ પુરુષો સ્ત્રી વગરના રહેવાના સ્વાભાવિક છે. એમ એક ધીરુભાઈ ૯૦,૦૦૦ કરોડ ભેગાં કરીને મરી જાય તો એનો મતલબ બાકીના ૮૯૦૦૦ લોકો પાસે એક એક કરોડ હોવાની સંભાવના હતી તે શૂન્ય થઈ ગઈ.. ત્રણે સીઝન પિયતની મતલબ પાણીની કે સિંચાઈની પૂરતી સગવડ હોય તો એક સીમિત કુટુંબને આરામથી જીવવા માટે ૨૫-૩૦ વીઘા જમીન પૂરતી છે. પણ હું ૧૦૦ વીઘા ભેગી કરીને બેસી જાઉં તો બીજા ત્રણ ખેતી પર નભતા ફેમિલી માટે જીવવાનું સમાપ્ત થઈ જાય કે નહિ? આ તો સાદા દાખલા આપું છું.

માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત અંકાય તો બરોબર છે. પણ પુરવઠા અને સેવાઓની હોય તેના કરતા ઓછી કિંમત આંકીને તે પૂરી પાડી કંપનીઓ અને ઈકોનોમી સમૃદ્ધ થવા લાગે તો એક દિવસ વિકાસનો ફુગ્ગો ફૂટી જવાનો. કારણ આ પૃથ્વી ઉપર રીસોર્સીસ લિમિટેડ છે, અસીમ નથી.. દરેકને પોતાનું ઘર હોય તેવું અમેરિકન ડ્રીમ અમુક દાયકા પહેલા શરુ થયેલું. બેંકો કશું પૂછે નહિ. બેપાંચ હજાર ડોલર્સ ડાઉનપેમેન્ટ ભરો તો પણ બેંકો બેત્રણ લાખ ડોલર્સની લોન આપી દે. આવકના ઠેકાણા હોય નહિ. હપ્તા ક્યાંથી ભરાશે તેની કોઈ તપાસ કરે નહિ. ધીમે ધીમે ગોટાળા બહાર આવવા લાગ્યા. અમેરિકન ડ્રીમ બેંકો માટે કાળ બની ગયું. મારું એકાઉન્ટ છે તે વકોવિયા બેંક નાદાર થઈ ગઈ કેમકે તેણે એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને ટેકઓવર કરેલી. ટેકઓવર મોંઘું પડી ગયું પોતેજ વેલ્સ ફારગો બેંક પાસે વેચાઈ ગઈ. ન્યુ જર્સીમાં લાખ ડોલર્સના ઘરના ત્રણચાર લાખ ભાવ બોલતા હતા. આજે for sale લખેલા પાટિયા લાખો અમેરિકન ઘર આગળ લાગી ગયા છે. પ્રૉબ્લેમ એ છે કે મૂળ લાખનું ઘર ચાર લાખમાં લીધું હોય તેને પાછું લાખમાં કઈ રીતે વેચવું? અને બેંક પણ ચાર લાખ લોન આપી ચૂકી હોય તે પણ ક્યાં જાય? અમેરિકન વિકાસના સાપે છછુંદર ગળી લીધો છે. ઓબામા આવ્યા તેમણે લિમિટેડ સમય માટે યોજના શરુ કરેલી કે જે પહેલીવાર ઘર ખરીદે તેનો પાકો દસ્તાવેજ થઈ જાય એટલે ઓબામા સરકાર ૮૦૦૦ ડોલર્સ ટૅક્સમાં રાહત રૂપે પાછાં આપે. છતાં કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આઠ હજાર ડોલર્સ લેવા પહેલા બેચાર લાખનું ઘર ખરીદવું પડે અને તેને માટે લોન લેવા ૨૦ ટકા ડાઉનપેમેન્ટ ભરવું પડે તે ક્યાંથી લાવવું? સબસિડી ભલે લોકોને સારી લાગે પણ લાંબાગાળે દેશની ઈકોનોમી માટે ઘાતક છે. દરેક યુગ તેમના સમયમાં એક દંતકથા લઈને જીવતા હોય છે, આજનો યુગ આર્થિક વિકાસનું મિથ ગળે વળગાડીને જીવતો છે. સાચો વિકાસ તો દૂર પણ વિકાસની ફક્ત વાત કરો તો પ્રજા તમને ખભે ઉપાડીને ફરવા લાગે.

છેલ્લા ૫૦ વર્ષોમાં ગ્લોબલ ઈકોનોમી પાંચ ગણી વધી ચૂકી છે, અને હાલનો વિકાસનો રેટ જાળવી રાખશે તો ૨૧૦૦ ની સાલ સુધીમાં ૮૦ ગણી વધશે. વૈશ્વિક અર્થકારણ જે એક્સ્ટ્રા ઓર્ડીનરી હરણફાળ ભરી રહ્યું છે તેવું ઇતિહાસમાં કદી બન્યું નથી, જે ગંભીર બાબત ગણાય કેમકે આપણી પૃથ્વી પરની ઇકોલોજી સાવ નાજુક છે કે જેના ઉપર આપણું સર્વાઈવલ આધાર રાખે છે. કદાચ ભવિષ્યની પેઢી માટે આપણે પૃથ્વી પર કશું જીવવા માટે બચવા નહિ દઈએ.

પશ્ચિમનો મૂડીવાદ એના વિકાસની સ્થિરતા પર વિશ્વાસ ધરાવતો હતો. ધીમી મક્કમ ગતિનો વિકાસ. પણ વિકાસ જ્યારે અસ્થિરતા જતાવે ત્યારે રાજકર્તાઓ હેબતાઈ જતા હોય છે, ગભરાઈ જતા હોય છે. ધંધોવેપાર બચવા માટે ફાંફે ચડી જતો હોય છે, લોકો નોકરીઓ ગુમાવે છે, અનેક લોકો એમના ઘર સુધ્ધા ગુમાવે છે. લોકો પાગલ બની જતા હોય છે, બહુધા અવ્યવહારુ એવા આદર્શવાદી બની જતા હોય છે અને ક્રાંતિ લાવવાની વાતો કરવા લગતા હોય છે. પણ આ આર્થિક ઉત્પાત તમને નવી દિશામાં શોચવા મજબૂર કરે છે.

અત્યારે દુનિયા પર global corporate capitalism ચાલી રહ્યું છે. નેતાઓ રાજકર્તાઓ ખાલી કાયદો વ્યવસ્થા સંભાળે છે, ખરું રાજ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. Bob Burnett કહે છે The modern world is ruled by multinational corporations and governed by a capitalistic ideology that believes: Corporations are a special breed of people, motivated solely by self-interest. Corporations seek to maximize return on capital by leveraging productivity and paying the least possible amount for taxes and labor. આ લોકો અત્યંત લોભિયા છે. એમનો મુખ્ય સિદ્ધાંત કોઈ પણ ભોગે નફો કરવાનો જ હોય છે. પહેલા એક ઉદ્યોગગૃહને વિકસતા દાયકાઓ અને પેઢીઓ વીતી જતી. હમણાં સ્વૈચ્છિક રિટાયર થનારા રતન તાતા જમશેદજીની પાંચમી પેઢીના છે. એક માસ્તરનો દીકરો અને સાંજે નાતમાં જમણવાર હોય તો સવારે ભૂખ્યા રહેવાના આદેશ અપાઈ જાય તેવા ફૅમિલીનાં ધીરુભાઈ અંબાણી ફક્ત એમની એક જ પેઢીમાં જ્યારે મૃત્યુ પામે ત્યારે ૯૦,૦૦૦ કરોડનું સામ્રાજ્ય મૂકતા જાય મતલબ સમથીંગ રોંગ, દાલમે કુછ કાલા હૈ, કે પછી આખી દાળ જ કાળી છે.

૧) ગ્લોબલ કૉર્પોરેશન અતિશય મોટા હોય છે જેનો સરખો વહીવટ કરવો મુશ્કેલ પડી જાય. જેમ કે આખી દુનિયા પર રાજ કરનારું બ્રિટન બધે સરખો વહીવટ કરી શક્યું નહિ એના ભારથી જ તૂટી પડ્યું. ૨) ગ્લોબલ કૉર્પોરેશન સામાન્ય સમાજને ઘૃણાથી જોતા હોય છે. એમનો મુખ્ય હેતુ ભયંક સ્વાર્થનો હોય છે જે તેમને સામાન્યજનજીવન થી દૂર રાખે છે. ૩) ગ્લોબલ કૉર્પોરેશન સુપર વેલ્ધી લોકો ચલાવતા હોય છે તેઓ કાયદા કાનૂનને ગણકારતા નથી. તેઓ ઇકોનૉમીને મનફાવે તેમ મરોડી નાખતા હોય છે. ૪) ગ્લોબલ કૉર્પોરેશન કુદરતી રીસોર્સીસને લગભગ ખાલી કરી નાખતા હોય છે એનો વિનાશ કરી નાખતા હોય છે. ૫) ગ્લોબલ કૉર્પોરેશન મીડિયા પર સખત કાબુ ધરાવતા હોય છે. લોકો રૂપિયાવાળા થઈ જવાના છે તેવું ખોટું ચિત્ર ઉપસાવતા હોય છે. ખરેખર મધ્યમવર્ગની હાડમારીઓ વધતી જતી હોય છે અને ગરીબી વધુને વધુ ફેલાતી જતી હોય છે. તો પછી કરવું શું? નાનું કુટુંબ સુખી કુટુંબ સૂત્ર અહીં પણ અપનાવવું પડે. small is beautiful.. સ્થાનિક લોકો સ્થાનિક કુદરતી સંપદા ઉપયોગ કરી ધનસંપત્તિ પેદા કરે. વર્કરોને વહીવટમાં નફાનુકશાનમાં સામેલ કરવા જોઈએ. પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું પડે. ગ્લોબલ કૉર્પોરેશન પર સરકારની આંખ સતત ફરતી રહેવી જોઈએ. ગવર્નમેન્ટ કંટ્રોલ જોઈએ. પણ મૂળ લોચો અહીં વાગે છે કે સરકાર ચલાવનારા ખુદ ભ્રષ્ટ હોય છે તેઓ આવા ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ જતા હોય છે. જેમ કે જે તે સમયના નાણાપ્રધાન વી.પી. સિંહ અંબાણીનાં ઉદ્યોગગૃહ પાછળ પડી ગયેલા. પણ કહેવાય છે ઉચ્ચ રાજકર્તાને ધીરુભાઈએ ખરીદી લીધા અને વી.પી.સિંહને જ ભગાડી મુકાયા.

પહેલા આવા મોટા ઉદ્યોગગૃહો નહોતા ત્યારે રાજાઓ હતા. તમામ જમીન વગેરે રાજાઓનું હતું. રાજાઓ અને વેપારીઓ ત્યારે કેપિટાલિઝમ ચલાવતા હતા. રાજાઓ સર્વેસર્વા હતા. પણ એમને બકાલું કરવાનો સમય હોય નહિ. વેપાર ધંધો વાણિયા કે વેપારીવર્ગ કરતો. તે સમયે રાજાઓ અને વેપારીઓ વચ્ચે સામાન્ય પ્રજા સેન્ડવીચ બનતી, એનો મરો થતો. રાજાને વહીવટ ચલાવવા પૈસા ખૂટે તો નગરના તમામ શ્રેષ્ઠીઓને બોલાવી પૈસા લઈ લેતા. જો કોઈ આનાકાની કરે તો લાલ આંખ બતાવતા..મોરબીના સર વાઘજી તે માટે ફેમસ હતા. નગરશેઠ કોઈવાર ખોટો ખોટો ઉપકાર જતાવી રાજાને પૈસા ધરી દેતા. ખબર કે છેવટે રાજા ધમકાવીને પણ પૈસા તો પડાવી જ લેશે. કોઈ જગડુશાહ કે ભામાશા જેવા નીતિવાન વણિકો સ્વેચ્છાએ પોતાના પૈસા પ્રજા પાછળ વાપરતા..મહમદ બેગડાના રાજમાં દુકાળ પડ્યો. એણે વેપારીઓને તાકીદ કરીકે અનાજનાં સંગ્રહ કરેલા ભંડાર છુટા મૂકો પ્રજા ભૂખે મરે છે. પણ વેપારીઓ માન્યા નહિ. બેગડાને ખબર પડી કે આ વેપારીઓ માનતા નથી. એણે લશ્કર મોકલી બેચાર વેપારીઓને પકડી મંગાવ્યા અને જાહેરમાં શુળીએ ચડાવી દીધા. બીજા દિવસથી અનાજ છૂટું થઈ ગયું. ટૂંકમાં ત્યારે રાજાઓ અને વેપારીઓ મૂડીવાદ ચલાવતા હતા. તે પણ એક જાતનો ઍક્સ્ટ્રીમ મૂડીવાદ જ હતો. દુનિયાભરના લોકો એનાથી ત્રાસી ગયા અને રાજાશાહી ખતમ થઈ ગઈ. હવે નવા બની બેઠેલા રાજાઓ જે નેતાના નામે ઓળખાય છે તે અને ઉદ્યોગપતિઓ કેપિટાલિઝમ ચલાવે છે. એમાં સામાન્યજન સેન્ડવિચની જેમ પીસાય છે. નેતાઓ ઉદ્યોગગૃહો પાસેથી યેનકેન પ્રકારે ફંડ ઉઘરાવે છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી પ્રજા પરેશાન થવાની જ છે. એટલે વચમાં સામ્યવાદ આવ્યો પણ સફળ થયો નહિ.

મુક્ત વેપારથી શું ફરક પડ્યો? પહેલા તાતા, બિરલા અને બજાજ જેવા થોડા ઉદ્યોગપતિઓ રાજ કરતા હતા, એના બદલે એમાં થોડા નવા ઉમેરાયા બીજું શું? ઊલટાંની હવે એમાં વિદેશી કંપનીઓ ઉમેરાશે સરવાળે મરો તો સામાન્ય પ્રજાનો જ છે. પહેલા ઘરના લોકો લૂંટતા હતા હવે વિદેશીઓ પણ લૂંટમાં ઉમેરાશે. મુક્ત વેપાર પણ થવો જોઈએ અને હરીફાઈ પણ વધવી જોઈએ જેથી પ્રજાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય પણ આ બધું સરકારી નિયંત્રણ હેઠળ થવું જોઈએ અને સરકારમાં પ્રમાણિક પ્રજાનું હિત ઇચ્છતા હોય તેવા નેતાઓની હાજરી હોવી જોઈએ. કુદરતી સંપદાને ક્ષતિ પહોચાડ્યા વગર એનો પ્રમાણિક અને જરૂર પૂરતો ઉપયોગ કરીને વિકાસ થવો જોઈએ. ખેતી લાયક જમીનમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપી દેવાથી કોઈ વિકાસ થઈ જતો નથી. ખેતી માટે જમીન જ નહિ બચે તો પ્રજા શું સી.એન.જી ગેસ ખાઈને જીવવાની છે? કે નિરમાનો ડીટરજન્ટ ખાઈને જીવવાની છે?

આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

અમેરિકન વિકાસનો ફુગ્ગો ભમ્મ્મ દઈને ફૂટી ચૂક્યો છે. કાલે ગુજરાતનો અને ભારતનો ફૂટી નાં જાય તો નવાઈ નહિ. મૂડીવાદ ભલે મેમલ બ્રેઈનને અનુકૂળ હોય પણ એની સફળતા માટે બજારની ગતિવિધિઓ રેશનલ હોવી જરૂરી છે. કેવો જબરદસ્ત વિરોધાભાસ? બે વિરોધાભાસ વચ્ચે જીવવું એનું નામ તો જીવન છે.

Ref- Tim Jackson, author of Prosperity without Growth – economics for a finite planet
Lock_Key_Present Economy

23 thoughts on “અમેરિકન મૂડીવાદનાં વિકાસનો ફૂટેલો ફુગ્ગો”

  1. લાગે છે આ જન્મારામાં બધું જોવા મળશે. બપોરનું લાંઘણ, સાંજનું જમણ, ફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, નેટ, વેબ અને બ્લોગ…આ મુડીવાદનો ફુગ્ગો ફુટશે એ પણ જોવું તો પડશે જ….

    Like

  2. જબરદસ્ત તાર્કિક્તા અને ગહન વિચારશીલતા ધરાવતું લખાણ છે. ગુજરાતના વિકાસની ગુલબાંગો જો સાચી માનીએ તો તેની આપે વર્ણન કરેલી થિયરી સાથે ભયંકર સામ્યતા પણ નજરે જણાઈ આવે છે.ભવિષ્યને દાવ પર લગાડીને કરેલો વિકાસ જાતેજ તૈયાર કરેલી કબર સમાન છે તે માનવું જ પડે. આ લખાણ ખરેખર કોઇ ફુલટાઈમ ઈકોનોમીસ્ટે લખ્યું હોય તેવું છે. બાપુ, આપના બ્લોગનું વિષય વૈવિધ્ય આપને ઓલ્રાઉન્ડર કહેવા પડે તેવું છે. હેટ્સ ઓફ્ફ ………

    Like

    1. થેન્ક્સ હિરેનભાઈ. આપ જેવા મિત્રોના શબ્દો વૈવિધ્ય પીરસવા મજબુર કરતા હોય છે.

      Like

      1. તદ્દન સાચી વાત જામનગર ની જમીન ની જે પથારી ફેરવી છે એ જોઈ ને આંખે પાણી આવી ગયેલા કે શું આ એ જ ગુજરાત છે ? શું આ એજ સૌરાષ્ટ્ર છે જેને જોઈ ને બધા દુખ ભૂલી જવાતા હતા … 😦 😦

        Like

  3. Ultimate writing as you haven’t spared any point to be noted!! Actually it is a financial capitalism and crony capitalism not a real capitalism!

    Like

    1. યસ મીનલ મારે પણ એજ સમજાવવું હતું. આ ગ્લોબલ મહાકાય કોર્પોરેશન મૂડીવાદ છે રીયલ નહિ.

      Like

    1. મારા ધ્યાનમાં તમારો મેસેજ હતો જ. મારે અલપઝલપ સમજાવી દેવું નહોતું. મોદી બહુ સારા લીડર છે. એમના જેવો મુખ્ય મંત્રી ગુજરાતને આજ સુધી મળ્યો નથી પણ ઈકોનોમીના માસ્ટર ઉદ્યોગપતિઓ એમને ખાઈ જશે. અંતે મરો સામાન્ય પ્રજાનો થવાનો જે મોદી માટે ખુબ આશાઓ રાખે છે.

      Like

      1. લગામ તો રાખવી જ પડે ને ઘોડો ગમે એટલો સમજદાર કેમ ના હોય ?!!

        Like

  4. બાપુ ફુરસદે સંપૂર્ણ લેખ વાંચ્યો ઉચ્ચકક્ષાનો દમદાર લેખ… આપ લખો છો એથી વિષય વસ્તું થોડી અલગ પરંતુ કહે છે ને કે ઓલરાઉન્ડર ક્વૉલેટી બેટ્સમેન ગમે તેવી અઘરી વિકેટ પર પણ ચાલી જાય… ખરેખર વખાણ માટે શબ્દો નથી સો સો સલામ આપની કલમ અને ગમે તે વિષય પર લખવાંની આપની ક્ષમતાને

    Like

  5. રાઓલ સાહેબ આપે આ લેખમાં એટલું બધું લખી દીધું છે કે વધુ કઈ લખવાની જગ્યા નથી રહી. કેટલીક વાત અહી ઉમેરવા માંગું છું. સામ્યવાદ તો ચીન સિવાય કોઈ પણ દેશમાં સફળ થયો નથી, કારણ તમે જણાવ્યા જ છે. ચીનમાં પણ માઓત્સે તુંગ, લેનિન કે કાર્લ માર્ક્સનો સામ્યવાદ નથી. મૂળ માઓત્સે તુંગના સામ્યવાદને દેંગ જિયાઓપિંગએ “માર્કેટ ઈકોનોમી”થી અપડેટ ના કરી હોત તો આજે ચીનમાં પણ સામ્યવાદ નિષ્ફળ ગયું હોત અથવા તો ચીનની અમુક સાઉથ અમેરિકન દેશો જેવી હાલત હોત. રશિયામાં વિશ્વની પ્રથમ સામ્યવાદી ક્રાંતિ થઇ. ઝાર રાજા વિલાસી અને દેશની પ્રજાથી વિમુખ છે અને અમે રશિયામાં “સ્વર્ગ” ઉતારી દઈશું જેવી લોભામણા વાયદા અને ભાષણોના સહારે સામ્યવાદી સરકાર રશિયામાં આવી. હાલત શું થઇ ??? સામ્યવાદી રશિયામાં લોકોની હાલત ઝારશાહી કરતા પણ બદતર થઇ ગયી. બીજી બાજુ હવે મૂડીવાદની વાત કરીએ તો આ શરુ થયું યુરોપમાં, રેનેશા પછી, યંત્ર ક્રાંતિ પછી અને યંત્રક્રાંતિ થી મળેલા સરપ્લસ પ્રોડક્સન અને તેના નફાથી. પરિણામ શું આવ્યું ? પોતાની પ્રોડક્ટ વેચવા માટે નવા બજાર શોધવા અને સસ્તો કાચોમાલ તફડાવવા માટે યુરોપભરમાં યુદ્ધ શરુ થયા. યુરોપિયન દેશો પોતાના હિતો માટે યુરોપની ધરતી પર પણ લડ્યા અને પછી યુરોપ નાનું પડ્યું એટલે આફ્રિકા, અમેરિકા, એશિયા માં પણ લડ્યા. જયારે ગ્રેટ ડીપ્રેસન આવ્યું ત્યારે વિશ્વભરમાં મૂડીવાદનું સ્વરૂપ બદલાયું. બેરોજગારી, ગરીબી, GDP માં પછડાટ વગેરેને કારણે મંદીથી પીડિત દેશોએ લોકોને રોજગાર આપવા માટે જાહેર રોજગાર યોજનાઓ હેઠળ રસ્તા, ડેમ વગેરે બનાવડાવ્યા. અમેરિકામાં બનેલો “હુવર ડેમ” પણ લોકોને ગ્રેટ ડીપ્રેસનમાં રોજીરોટી આપીને ઈકોનોમીને જીવતી રાખવા માટે બનાવ્યો હતો જે આજે અમેરિકાની શાન ગણાય છે. સામ્યવાદના ડરને લીધે મુડીવાદી દેશોએ પણ પ્રજાલક્ષી ઈકોનોમી તરફ વળવું પડ્યું. આમ હવે મૂડીવાદમાં પણ સમાજવાદી તત્વો આવ્યા એટલે કે મૂળ પ્યોર મૂડીવાદ હતો તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું.

    આમ આત્યારે જે દુનિયા માં દેખાય છે તે સામ્યવાદ = મૂળ સામ્યવાદ + માર્કેટ ઈકોનોમી

    અને

    આત્યારે જે દુનિયા માં દેખાય છે તે મૂડીવાદ = મૂળ મૂડીવાદ + સમાજવાદી લક્ષણો

    હાલમાં પરિસ્થિતિ એવી છે કે મૂડીવાદ તીવ્ર બન્યો છે. કોર્પોરેટ કંપનીઓ સરકારોને પ્રભાવિત કરે છે. સીધું કારણ છે સરકારો બનાવવા માટે ચુંટણીઓ લડવી પડે છે અને ચુંટણી માટે ફંડિંગની જરૂરિયાત હોય છે. ક્યારેક ક્યારેક બીજાની સરકાર પાડવા માટે અને પોતાની સરકાર ટકાઈ રાખવા માટે પણ ફંડની જરૂર હોય છે. દેખીતી વાત છે, લાભ વગર મુડીવાદી લાલો લોટે એવો નથી. એમાં દેશની વેલફેર પોલીસી, નેચરલ રીસોર્સીસ પર થતી અસર બધાને ઇગ્નોર કરવામાં આવે છે. આ બધાની સામે હવે બે નવા વિચાર લડી રહ્યા છે. એક છે વિકાસની નવી પરિભાષા “સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ”. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ભારતમાં કઈ નવું નથી પણ તેનો પ્રચાર કે પરિચય ઓછો હોય તેવું લાગે છે. મૂળ આ પરિભાષા લાગે છે તેના કરતા વિશાળ છે જેનું હાર્દ ભારતીય ફિલોસોફી પ્રમાણે કહીએ તો છે “કુદરતનું દોહન કરો શોષણ નહિ.” વધુ માં કુદરત પાસેથી જે પણ લો તે તેને પાછુ આપો. તમે એક બંગલો બનાવવા ૫૦ ઝાડ કાપો છો તો સામે ૨૦૦ ઝાડ વાવો જેથી આવનારી પેઢી ને તેમાંથી ૫૦ ઝાડ તો પાછા મળે. બીજી બાબત છે ઈકોનોમીમાં હાલમાં પ્રબળ બનેલી “વેલફેર ઈકોનોમી” ની શાખા. જેમને નોબલ પ્રાઈઝ મળ્યું ત્યારે આપણે ખુશ ખુશ થઇ ગયા હતા તે અમર્ત સેનને વેલફેર ઈકોનોમીમાં તેમના પ્રદાન માટે આ સન્માન મળ્યું હતું.

    પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના સમય ગાળામાં અને કોલ્ડ વોરના સમય માં વોર ટ્રીટી થતી હતી, વોર ગ્રુપ બનતું હતું. દાત. નાટો, સિએટો. હવે ઇકોનોમિક ટ્રીટી થાય છે, ઇકોનોમિકલ ગ્રુપ બને છે. દાત. G8,G20, યુરોપિયન યુનિયન. પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધમાં એક બીજા સામે ઝનુન થી લડેલા દેશો હવે આર્થિક મોરચે પાછળ પડતા ગયા તો અમેરિકા અને ચીનને હંફાવવા માટે યુરોપિયન યુનિયન બનાવ્યું છે. કોમન કરન્સી અપનાવી છે. બેટમેન મુવીનો મારો એક ફેવરેટ ડાયલોગ છે :- Over the ages, our weapons have grown more sophisticated. With Gotham, we tried a new one: Economics

    Like

    1. બહુ સરસ કુદરતનું દોહન કરો શોષણ નહિ.. સોનાની મરઘી જેવું છે. આપણે મરઘી મારવા બેઠા છીએ.

      Like

      1. માર પડે એટલે જલ્દી શીખવા મળે. અનુભવ માટે લેશન કરવું પડે. માર ખાધા પછી મુડીવાદ વીકાસનો ફુગ્ગો ફુટશે…

        Like

  6. બાપુ, ક્ષમા કરશો ! પણ મને બહુ વખાણતા આવડતું નથી અને અહીં મારી એ અણઆવડત છતી થઈ જશે ! એટલે ઝાઝું કશું લખતો નથી ! બસ એટલું જ કે; આપ સાહેબની ચાંચ “આમાં” પણ આટલી બધી ડૂબતી હશે એ અમો જેવા આપનાં હાર્ડકોર ’જાણકારો’ની પણ કલ્પ્ના બહારનું છે. જબ્બર ! ખરે જ, જબ્બર લેખ.

    Like

  7. અર્થતંત્ર ,મૂડીવાદ,વિકાસ વગેરે બાબતો વિષે એક અલગ,તાર્કિક અને અર્થપૂર્ણ જાણકારી મળી.સત્ય એ જ છે કે કોર્પોરેટ્સ જ રાજ કરતા હોય છે.ઘણું ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી લખાયેલું સત્ય ..અદભૂત લેખ.

    Like

  8. આજે નો કોમેન્ટસ….સો સલામ. પોતાની જરૂરીયાત કરતાં વધુ સંચય કરી અન્ય જરૂરીયાતવાળા પર વર્ચસ્વ સ્થાપીત કરવું એનું નામ મૂડીવાદ.

    Like

  9. ઓહો અદભૂત લેખ , મેમલ બ્રેઈન પ્રોસેસિંગ થી લઈને રાજા શાહી, કેપિટાલિઝમ, આર્થિક રીતે નાજુક પ્રજા , સામ્યવાદ ને મૂડીવાદીઓ ની બેફામ મૂડી ભેગી કરવાની સ્વતંત્રતા ક્યાં ક્યાં પોહચાડી દીધા વાચકો ને તમે આટલા ઊંડાણ પૂર્વક ની માહિતી આપવા માટે કેટલા સંશોધન કર્યા હશે એ વિચારણીય છે. ખુબજ સરસ

    Like

  10. આઝાદી પછી રાજાઓ અને જમીનદારોને પૂરતું વળતર કે કિંમત ચૂકવીને એમની મિલકતો કબજે લેવાનો કાયદો હતો. સરદાર પટેલ અને મુનશી તે બાબતે સજાગ હતા. એમને રાજાઓ અને જમીનદારોની કદર હતી. પણ પછીના નેતાઓને આ ગમતું નહોતું. એમને બધું સાવ મફતમાં પડાવી લેવું હતું માટે કાયદામાં સુધારા કરી નાખ્યા. સરકાર ઇચ્છે તો પાણીના મુલે બધું પડાવી લે. એ સુધારા આજે ખેડૂતોને નડી રહ્યા છે. સરકાર ખેડૂતો પાસેથી મફતના ભાવે જમીનો એક્વાયર કરીને ઉદ્યોગપતિઓને આપતી હોય છે. સ્વાર્થી ઉદ્યોગપતિઓ અને લાંચિયા ભ્રષ્ટ નેતાઓ આગળ ખેડૂતો શું કરી લેવાના હતા? શહેરી મધ્યમવર્ગને વિકાસની વાતો કરી આંજી નાખ્યા પછી નેતાઓનું કામ સરળ થઈ જતું હોય છે. ખરું ભારત ગામડાઓમાં વસેલું છે. ખાલી ઉદ્યોગપતિઓ કે ઉધોગોનાં વિકાસને વિકાસ ના કહેવાય. વિકાસ સમગ્રતયા હોવો જોઈએ. વિકાસની ગાડી જાપાનની બુલેટ ટ્રેનની ગતિએ દોડતી ના હોવી જોઈએ. વિકાસ સ્થિર, ધીમો અને મક્કમ ગતિએ આગળ વધતો હોવો જોઈએ. મોટા મોટા ઉદ્યોગગૃહોને બદલે નાના નાના એકમોને વિકાસની તક મળવી જોઈએ. ભારતની ૭૫ ટકા ધનસંપત્તિ ગણ્યાગાંઠ્યા આશરે સોએક ફેમિલી પાસે હશે અને ૭૫ ટકા વસ્તી રોજના ૨૦ રૂપિયા કમાવા માટે ફાંફાં મારતી હશે.

    Like

Leave a reply to Krunal Rajput Cancel reply