જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.

images જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.
હમણાં એક દિવસ જય વસાવડાનો ઈન્ટરવ્યું જોતો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરમાં લીધેલું સ્કૂલમાં ગયા વગર. એમનાં માતાપિતા બંને શિક્ષક હતા. એમનું માનવું હતું કે જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે. જય વસાવડાને મુખે બોલાયેલું આ વાક્ય મને બહુ સ્પર્શી ગયું. બાળક જન્મે પછી બધું જોઈ જોઈ અને સાંભળીને શીખતું હોય છે. બોલવાની ભાષા બાળક સાંભળીને શીખતું હોય છે. જન્મથી બહેરાં બાળકો સ્વરપેટી સારી હોવા છતાં બોલવાનું શીખી શકતાં નથી. શબ્દો સાંભળો, બ્રેઈનમાં એની માહિતી સ્ટોર થાય પછી સ્વરપેટી બોલવાનું શીખે ને? બ્રેઈનમાં શબ્દ વિષયક માહિતી ભંડાર હોય જ નહિ તો શું શીખવાનાં? કાનબહેરાંની જેમ અમુક માણસો બ્રેઈનબહેરાં પણ હોય છે. કાન તો એમનાં સાંભળે પણ એમનું બ્રેઈન સાંભળે જ નહિ. અથવા એમનું મનગમતું જ એમને સાંભળવું હોય છે.

પહેલાના જમાનામાં લખવાનું શરુ થયું નહોતું ત્યારે સાંભળીને જ બધું શિખાતું. વારંવાર એકની એક વાત સાંભળો તો વગર સમજે બ્રેઇનમા સ્ટોર થઈ જાય. એમાં રટણ આવ્યું. એકનાં એક શ્લોક વારંવાર રટવાનાં જેથી લાંબે ગાળે લોંગ ટર્મ મેમરીમાં અડ્ડો જમાવી દે. શાસ્ત્રો યાદ રાખવાનો બીજો કોઈ ઉપાય નહોતો. મને પોતાને વારંવાર રોજ સાંજે રટી રટીને ગીતાજીના બે અધ્યાય મોઢે હતા તે પણ કોઈ અર્થની સમજ વગર..બ્રેઈનની આ કમાલનો ઉપયોગ શાસ્ત્રો યાદ રાખી જાળવી રાખવામાં પેઢીઓને પેઢીઓ સુધી થયેલો. એમાં આવી ગોખણપટ્ટી. ગોખણપટ્ટી કોઈ ક્રિયેટીવ કામ નથી. આપણે કોઈ વિષય બાબતે સંભાળીએ સમજીએ એના ઉપર મનન કરીએ પછી યાદ રાખીએ તો એમાં કોઈ સર્જનાત્મકતા જણાય. બુદ્ધિ ખીલે અને સમજ પણ વધે. માટે ૨૫૦૦ વર્ષ પહેલાં બુદ્ધે કહેલું કે જેને સાંભળવાની કળા નથી આવડતી એનું શરીર તો આખલાની જેમ વધે છે પણ એની પ્રજ્ઞા નથી ખીલતી. સાંભળતાં તો બધા જ હોય છે પણ સાંભળવાની કલામાં કેટલા માહેર હોય છે? કાનબહેરાં હોવું તે કુદરતના હાથમાં છે પણ બ્રેઈનબહેરાં હોવું તે આપણી પોતાની ખામી છે. ૧૦૦ વર્ષ પહેલા ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે કહે છે કે માણસની માનસિક અને શારીરિક ઉંમરમાં ફેર હોય છે. જે બુદ્ધ જરા જુદી રીતે ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં કહી ગયા હતા. ૩૨-૩૩ વર્ષે મૃત્યુ પામેલા આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદની માનસિક ઉંમરનો અંદાજ મારી શકાય ખરો? ૩૨-૩૩ પાછળ એક મીંડું લગાવો કે બે લગાવો.

આપણે મેકોલેને કાયમ ગાળો દઈએ છીએ પણ ગોખણપટ્ટી તો આપણી પ્રાચીન ધરોહર છે. હજુએ ભારતમાં ચાલુ જ છે. જ્યારે પશ્ચિમે ખુદ મેકોલેની શિક્ષણ પદ્ધતિ ફગાવી દીધી છે તો આપણે શું કામ પકડી રાખી છે? વેપાર કરવા? આપણે તો ગોખીને બધું યાદ રાખી લેતા હતા માટે લખવાનું સુજતુ જ નહોતું. લખવાની શરૂઆત ચીનાઓએ કરી હતી. પછી આપણે પણ શરુ કર્યું ભોજપત્રો ઉપર લખવાનું. એટલે આવ્યું વાંચીને શીખવાનું. સાંભળીને શીખવાનું એક મર્યાદામાં હોય પણ વાંચીને શીખવામાં કોઈ લીમીટ નહિ. વાંચીને પણ ગોખવાનું શરુ થઈ ગયું. જૂની ટેવો ભૂલાય? આર્ટ ઑફ લીશનીંગ સાથે આર્ટ ઑફ રીડિંગ પણ એટલી જ મહત્વની છે. અત્યારે બુદ્ધ હોત તો જરૂર કહેત કે જેને વાંચવાની કલા આવડતી નથી તેમના શરીર પાડાની જેમ વધે છે પણ એમની ડીક્ષનેરીમાં પ્રજ્ઞા નામનો શબ્દ હોતો નથી.. યોગાનુયોગ જુઓ આ જ જય વસાવડાએ લીધેલાં ઇન્ટર્વ્યૂમાં બરકમદાર એવા શ્રી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે ગુજરાતી લેખકો અભણ છે, વાંચતા જ નથી. વિવેચકો પણ અભણ છે. લેટીન અમેરિકન દેશોના લેખકોને પણ બક્ષીબાબુ વાંચતા રહેતા. Kim Peek નામનો અમેરિકન સ્પેશીયલ ક્ષમતા ધરાવતો હતો. આપણે કોઈ પુસ્તક વાંચીએ તો સામે પુસ્તકના બે પાના હોય છે. આ ભાઈલો જમણી આંખે જમણું આને ડાબી આંખે ડાબું પાનું વાંચતો. એમાં આખું પુસ્તક વાંચતા માંડ એકાદ કલાક લાગતો અને વળી વાંચ્યા પછી આખું પુસ્તક બ્રેઇનમા કાયમ માટે સ્ટોર થઈ જાય. એનું બ્રેઈન એવેરેજ માનવી કરતા ખુબ મોટું હતું. જો કે આ તો અપવાદરૂપ કેસ કહેવાય.

એટલે સમજીને સાંભળવાનું જેટલું મહત્વનું છે તેટલું જ સમજીને વાંચવાનું પણ હવે મહત્વનું ગણાય. સાંભળવાની અવેજમાં વાંચીને પણ ચલાવી શકાય. આજકાલ અખબારોમાં નવા લેખકોના લેખો વાંચીએ તો એમનાં વાંચનના અભાવની છબી તરત જણાઈ જતી હોય છે. મેં ઓનલાઈન દિવ્યભાસ્કરમાં આર્ટિકલ નીચે પ્રતિભાવ આપવાનું શરુ કરેલું. એમાંથી બે ચાર લાંબા પ્રતિભાવો આર્ટિકલ તરીકે મુકાયા હતા. બસ એમાં જ મારું લખવાનું શરુ થયેલું. જો કે મારા પ્રતિભાવો બહુ જલદ રહેતા હોવાથી પછી તે લોકોએ પબ્લીશ કરવાનું બંધ કરેલું તે વાત જુદી છે. હહાહાહા

આખી દુનિયામાં સ્કૂલ કૉલેજોમાં શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે પણ આપણી હજુ મેકોલેના જમાનાની ચાલુ જ છે. આપણે ગોખણીયા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ પેદા કરીએ છીએ પણ ક્રિયેટીવ ઈન્ટેલીજન્ટ નહિ. હમણાં મિત્ર નિખીલભાઈએ લીધેલાં એક ઈન્ટરવ્યુંમાં ભારતના એક જાણીતા વૈજ્ઞાનિક ડૉ જે. જે. રાવલ કહેતા હતા કે ગોખણપટ્ટીનાં જમાનામાં ભારતમાં આઇન્સ્ટાઇન ક્યાંથી પેદા થવાના? એટલે સાંભળીને, વાંચીને પછી એ બધું સમજીને શીખવાનું શીખી જઈએ તો પછી ભયો ભયો…

imagesCAEF2EL8રમવાની ઉંમરમાં રમવું જોઈએ પણ મને કદી લખોટીઓ રમતા આવડી નહિ. ભમરડો ફેરવતા પણ આવડે નહિ. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. આ બધું કેમ આવડ્યું નહિ? કે ભાઈ મને વાંચવામાંથી ટાઈમ જ નહોતો મળતો..હહાહાહાહાહા imagesCAL19NA4

15 thoughts on “જયને શીખવાનું શીખવીએ તો બધું શીખી જશે.”

    1. Vaah vah Bapu…..
      લખોટી, ભમરડો, પતંગ એ ગુરુકુળની ભેટ કહેવાય. ક્રીકેટ એ મેકોલેની ભેટ કહેવાય. જ્યારે અખાડો એ પોતાની મેળે શીખવાની યોજના કહેવાય….

      Like

  1. રાઓલજી , તમે ભમરડો/લખોટી વગેરે શીખ્યા નહિ પણ વાચવાની કળા પૂરી આત્મસાત કરી છે।

    Like

      1. પતંગ હવે આવડી ગઇ છે. કવિન મને ભમરડો ફેરવવાનું શીખવાડવાનું કહી મારી પાછળ પડ્યો ત્યારે ખબર પડી કે ભમરડો ફેરવવો એ સહેલું નથી 😉

        Like

  2. well those marbles,top or kite give us enjoyment but the things you got are really very fruitful and lighten the others path its better than those enjoyment who makes you famous!
    and sir please try to stop this such stupid education system, here students are only looking for mark not for knowledge.

    Like

  3. કેટલાંકને વાંચવાનો ટાઈમ નથી મળતો, કેટલાંકને વાંચવામાંથી ટાઈમ નથી મળતો !
    હોતા હૈ ! ઐસા ભી હોતા હૈ !!

    મારો અંગત અનુભવ કહું તો, ટી.વી. જેવા માધ્યમ પર, દૃશ્ય-શ્રાવ્ય માહિતીઓ મળતી હોવા છતાં, મારા મગજને વાંચેલું વધુ સારી રીતે અને લાંબા ગાળા માટે યાદ રહે છે. કદાચ એમ બનતું હશે કે જેમ વાંચતા જઈએ એમ મગજ પોતાની કલ્પનાઓ વડે એક દૃશ્ય રચતું જાય અને આમ જાતે રચેલું યાદ રહેવામાં ઓછી જફા થતી હશે.

    ’બ્રેઈનબહેરા’ (મનોબધિર !), સરસ લખ્યું છે. જો કે બ્રેઈનબહેરા હોવામાં પણ એકલા ’બ્રેઈનબહેરા’નો વાંક ગણીએ તે ઠીક નહિ. અપ્રજ્ઞ કે ભોટ રહેવું કોઈને ન ગમે. પણ બાળપણની સ્થિતિઓ, વાતાવરણ, હાલની આર્થિક-સામાજિક સ્થિતિઓ વગેરે પણ ભાગ ભજવે. એમ કંઈ જાતે જ પ્રજ્ઞાવાન થઈ જવું સર્વને માટે સંભવ ન હોય. વાંચવું પણ સૌને માટે સુલભ નથી. (કેટલાંક ઘરનાં અઠવાડિયાનાં ભોજનખર્ચ જેટલું તો મનનીય એવાં એકાદ પુસ્તકનું મૂલ્ય હોય છે !) પણ ખમી શકે તેવા સજ્જનોએ, ઘણાં પ્રકારનાં દાન વચ્ચે, આવા પુસ્તક દાન પર પણ થોડું સહાયક થવું જોઈએ. આ એક ઉપાય છે. અને બીજો એક ઉપાય ટોલ્સ્ટોય કને જાણેલો છે, જો કે એ હવે પ્રાસંગિક નહિ જણાય પણ સમાજની ચિંતા કરનારાઓ માટે પ્રાસંગિક ખરો, ટોલ્સ્ટોયે એ અર્થનું જણાવેલું કે હું માત્ર બેઠો બેઠો લખ્યે રાખું, પ્રવચનો ઠપકાર્યે રાખું, અને એ વાંચવા-સાંભળવાના બદલામાં લોકોએ મારો ગુજારો કરતા રહેવું એ ન્યાયની વાત નથી. મારા ભાગનો રોટલો મારે જાત મહેનતે રળી લેવો રહે. જ્ઞાનપ્રદાન તો હું મારી મરજીથી કરૂં. એમણે અને એમના વાદે ગાંધી જેવા ઘણાંઓએ જ્ઞાનપ્રદાન પ્રવૃત્તિને ઉપાર્જન પ્રવૃત્તિ ન બનાવતા સેવા પ્રવૃત્તિ માનેલી. જો કે સમય પ્રમાણે સૌ માટે તે સંભવ ન બને. તોયે હાલ ઘણાં વિદ્વાનો, લેખકો, શિક્ષકો, વિચારકો પોતાનાં જ્ઞાનનો લાભ સૌને સરળ અને સસ્તો થાય એ માટે નેટના માધ્યમે પોતાનું જ્ઞાન પ્રકાશિત કરે જ છે. વખાણવા લાયક પ્રવૃતિ. લો આપનાં અમૂલ્ય જ્ઞાનનો લાભ પણ અહીં સૌને લગભગ લગભગ વિનામૂલ્યે જ પ્રાપ્ય છે ને ! (આ ’લગભગ’ એટલા માટે કે ક્મ્પ્યુટર કે મોબાઈલ, નેટચાર્જ, વિજળી વગેરે જેવો નાનકડો અને પોસાયેબલ ખર્ચ પણ આપણે ધ્યાને લઈએ છીએ.) સંપન્ન લોકો સ્વેચ્છાએ, સગવડ પ્રમાણે, પુસ્તકો કે નેટચાર્જ કે જ્ઞાન ઉપાર્જનમાં મદદરૂપ સંસાધન પ્રાપ્તિમાં જરૂરીયાતમંદને સહાય કરે. એટલે ધીમે ધીમે અપ્રજ્ઞ લોકો પણ પ્રજ્ઞાવાન થશે. આવું મને સૂઝે છે. સાચું કે ખોટું, દૈ જાણે !

    પણ આવું થશે તો બ્રેઈનબહેરાઓની બહેરાશ ટળતી જશે અને તેઓ પણ બોલતા થશે ! (જાણ માટે, બહેરા મૂંગાઓમાં મહદાંશે બહેરાપણું એ ફિઝિકલ ખોડ હોય છે પણ મૂંગા હોવું એ માત્ર બહેરાશની આડઅસર હોય છે. જો તેઓ સાંભળી શકે તો બોલવાનું મિકેનિઝમ તો કશી જ ખોડ વિનાનું હોય, બોલી પણ શકે.) અહીં ’સાંભળવું’ અને ’બોલવું’ ક્રિયાપદને સ્થાને ’વાંચવું’ અને ’વિચારવું’ ક્રિયાપદ બદલો એટલે વાત સ્પષ્ટ થઈ જશે ! ’વાંચે ગુજરાત, વિચારે ગુજરાત’ સરસ અને વિચારપ્રદ લેખ. આભાર.

    Like

    1. ગુજરાતી સાહિત્યને એક નવો શબ્દ આજે મળ્યો છે ‘મનોબધિર’ હહાહાહા.. મને સુજ્યો જ નહિ… મને લાગતું હતું કે બ્રેઈનબહેરાં જોઈએ તેવો સુટ થતો નથી..મનોબધિર લોકો માટે ‘વેબગુર્જરી’ શરુ થઇ છે જોઈએ કેટલા પ્રજ્ઞાવાન થાય છે?

      Like

      1. એક સુધારો !
        ’વેબગુર્જરી’ મનોબધિરો માટે નહિ, મનોબધિરને વાંચતા, લખતા, બોલતા કરવા ઇચ્છનારાઓ માટે !! આપ સમા સૌ લોકોનાં સહિયારા પ્રયાસથી જ લોકોને પ્રજ્ઞાવાન બનાવવાનું સંભવ થશે. જેમ કે હું, અપ્રજ્ઞ જ ગણાઉં, કુરુક્ષેત્ર પર પ્રતિભાવવા માટે પણ મારે ઘણું વાંચવું, વિચારવું, સંશોધવું પડ્યું છે. હવે ઠીક ઠીક કહેવાય એટલું શીખ્યો તેમાં આપનો સિંહફાળો છે.

        એટલે આપનું લખવું કે; ’જોઈએ કેટલા પ્રજ્ઞાવાન થાય છે?’ તદ્દન અમાન્ય છે ! આપે, અને આપ જેવા પ્રજ્ઞાવાન મિત્રોએ, માત્ર જોવાનું નથી ! જોડાવાનું છે !! તો, જોઈ શું રહ્યા છો, જોડાઈ જાવ ! 🙂 ધન્યવાદ.

        Like

  4. પતંગ ચઢાવતા હજુએ આવડતું નથી. ક્રિકેટ પણ ભાગ્યેજ બચપણમાં રમ્યો હોઈશ. અખાડામાં અને જિમમાં જવાનો શોખ ખરો. mara jvuy koik kharu duniyama.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s