વીજળીના ચમકારે મોતીડા પરોવીએ

imagesCAPCJ2IPવીજળીના ચમકારે મોતીડા પરોવીએ

એક ઘરમાં બે ભાઈઓ હતા. મોટોભાઈ તો બરોબર હતો પણ નાનો જન્મથી થોડી ખામીઓ લઈને જન્મ્યો હતો. નાનો બહેરો હતો માટે બોબડો પણ હતો. સાથે સાથે થોડો જંગલી જેવો પણ હતો. આમ તો બે ભાઈઓ ખુબ સંપીને રહેતા હતા પણ કોઈવાર મોટાભાઈની ભાષા પેલો મૂંગો સમજી શકતો નહિ. એટલે ઘણીવાર સંઘર્ષ સર્જાતો. અને ક્યારેક વળી બોબડાની ઇશારાની સાંકેતિક ભાષા મોટાભાઈ સમજી શકતા નહિ એટલે મૂંગો ગુસ્સે ભરાઈ જતો. પણ હતા ખુબ સંપેલા. મૂંગા નાનાભાઈનાં તોફાનો કે કહેવાતી ગલત હરકતો વિષે કોઈ ફરિયાદ કરે તો મોટો તરત એનો પક્ષ લઈ એના કારણ દર્શાવી દેતો, લોકો ચુપ થઈ જતા. એ બાબતમાં મોટો બહુ હોશિયાર હતો..એકવાર નાનાભાઈએ એક અસહાય છોકરી પર બળાત્કાર કરી નાખ્યો. લોકો ફિટકાર વર્ષાવવા લાગ્યા મોટાએ તરત બચાવમાં કહી દીધું કે પેલી છોકરી એકલી શું કામ નીકળી? એણે ટૂંકા કપડાં શું કામ પહેર્યા હતા? પુરુષો પ્રત્યે નફરત ફેલાવવાનું બંધ કરો કોઈ ભવિષ્યમાં છોકરી નહિ આપે, કુંવારા મરી જશો. અસહાય હતી તો બળાત્કાર એન્જોય કરી લેવા જેવો હતો, ભાઈ કહીને કરગરી પડવા જેવું હતું. વગેરે વગેરે….લોકો છક્કડ ખાઈ ગયા કે આ મોટો શું બોલે છે? કાયમ ઉચ્ચ આદર્શોની વાતો કરનારો કેમ આવો બકવાસ કરે છે? નાનાભાઈની કહેવાતી દરેક ગલત હરકતની સુંદર વ્યાખ્યા થઈ જતી..બંને કાયમ લડતા અને સંપીને રહેતાં આ બે ભાઈઓની કહાણી દરેકના ઘરમાં હોય છે, મારા તમારા સહુના. હા ! તો આ મોટાભાઈ છે તે બોલી શકતા વિચારી શકતા મોટું મગજ છે જેને કોર્ટેક્સ કહીએ છે અને નાનાભાઈ છે તે મેમલ બ્રેઈન કે નાનું મગજ કે લીમ્બીક સીસ્ટમ કહેવાય છે. લીમ્બીક સિસ્ટમમાં વળી રેપટાઈલ બ્રેઈન પણ સમાયેલું છે. જે આપણને સરીસર્પ પાસેથી મળેલું છે.

ઉત્ક્રાંતિની શરૂઆતમાં જે આદિમ પ્રાણીઓ વિકસ્યા તેમની પાસે શબ્દોની કોઈ ભાષા નહોતી. એમની પાસે ફક્ત રસાયણો હતા. સાપ જેવા ઘણાં પ્રાણીઓએ સર્વાઈવલનાં યુદ્ધ ઝેર વિકસાવીને જીત્યા છે. આ ઝેર પાચક રસો પણ હતા. માનવ સિવાય શબ્દોની ભાષા કોઈ પ્રાણી પાસે છે નહિ. માનવ જેટલું મોટું કોર્ટેક્સ પણ કોઈ પ્રાણી પાસે છે નહિ. ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ પાસે થોડું ઘણું કોર્ટેક્સ છે માટે બુદ્ધિશાળી ગણાતું હોય છે. તો આ બોલી નહિ શકતા ઝાઝું વિચારી નહિ શકતા પ્રાણીઓ પાસે કેમિકલ્સની ભાષા છે. સર્વાઈવલ માટે જોખમ પેદા થાય તો કોર્ટીસોલ જેવા રસાયણ બ્રેઈનમાં સ્ત્રવે તરત દુઃખ, તકલીફ, બેચેની મહેસુસ થાય તરત એનો ઉપાય થાય હવે સુખ અર્પતાં રસાયણ છૂટે અને પાછાં હતા તેવા. એક મહત્વની વાત કે મેમલ પ્રાણીઓ એટલે કે સસ્તન પ્રાણીઓ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. કારણ સમૂહમાં રહેવાથી સર્વાઈવલનાં ચાન્સ ખુબ વધી જાય..એકલાં પડો તો કોઈ પ્રીડેટર આવીને ચાવી જાય. દાખલા તરીકે એક ઘેટાનું બચ્ચું ટોળા બહાર નીકળી જાય ભૂલમાં અને એને ખ્યાલ આવે કે એકલું પડ્યું છે તરત એના મેમલ બ્રેઈનમાં cortisol સ્ત્રાવ થવા માંડે તરત બેચેની અનુભવાય મેં..મેં…મેં..કરવા લાગે દુખી દુઃખી થઈ જાય. એની માં આવી જાય એને ટોળામાં પાછું લઈ જાય, એને ચાટવા લાગે એટલે તરત ઓક્સીટોસીન સ્ત્રાવ થવા લાગે બંનેના બ્રેઈનમાં, જે સુખ અર્પે એક બીજા પ્રત્યે વિશ્વાસ અને સહકારની ભાવના જાગે. બચ્ચું ખુશ થઈને માં સાથે ગેલ કરવા લાગે..મારી પોસ્ટને કોઈ લાઈક આપતું નથી કે કોમેન્ટ્સ આપતું નથી એવી ફરિયાદ પેલાં બચ્ચાના મેં..મેં..મેં.. જેવું નથી લાગતું? કરોડો વર્ષોના અનુભવ લઈને આ રાસાયણિક સીધી સાદી ભાષા વિકસેલી છે. આ ઓક્સીટોસીન મેમલને સમૂહમાં રહેવાની સહકારથી રહેવાની પ્રેરણા આપે છે. સરીસર્પમાં ઓક્સીટોસીન ફક્ત સેક્સ સમયે જ સ્ત્રવે છે બાકી નહિ. માટે સેક્સ પૂરતાં જ સરીસર્પ ભેગાં થાય છે. બાકી હમેશાં એકલાં રહેતાં હોય છે.

સેરેટોનીન, ડોપામીન, ઓક્સીટોસીન, એન્ડોરફીન, કોર્ટીસોલ જેવા બીજા અનેક ન્યુરોકેમિકલ્સ મેમલ બ્રેઈનની ભાષા છે. જે આશરે ૨૦૦૦ કરોડ વર્ષ કરતા જૂની છે. ચિંતનમનન કરતું કોર્ટેક્સ તો આની આગળ બાળક કહેવાય. એટલે ૨૦૦ મીલીયંસ વર્ષથી ઇવોલ્વ થયેલું મેમલ બ્રેઈન જીતી જતું હોય છે. જે ફક્ત સર્વાઈવલ અને સેકસુઅલ રીપ્રોડક્શનની ભાષા બહુધા જાણતું હોય છે. કોર્ટેક્સની પ્રોડક્ટ એવી તમામ મોરાલીટી હમણાં આવી છે, બહુ જૂની નથી. ભારત પાસે સૌથી પહેલું બહુ સારું વિકસેલું કોર્ટેક્સ હતું માટે ભારતે દુનિયાને બહુ ઉચ્ચ આદર્શો આપ્યા છે. કેટલાક બુદ્ધિશાળી તર્ક અને હકારાત્મક લાગણીઓનો સુમેળ ધરાવતા મહાપુરુષોએ સત્ય, અહિંસા, વસુધૈવ કુટુમ્બકમ, સાંખ્ય, ઉપનિષદો, અદ્વૈતવાદ આવા અનેક કૉન્સેપ્ટ ભારતને આપ્યા જે આખી દુનિયામાં ફેલાયા. અહિંસા અને વસુધૈવ કુટુમ્બકમ પાછળ માનવતાવાદ આવ્યો. પણ મેમલ બ્રેઈન આ બધી અમૂર્ત વિચારધારાઓનું પ્રોસેસિંગ કરી શકતું નથી. તર્ક અને બુદ્ધિ કોર્ટેક્સની પેદાશ છે. મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવતા આક્રમણકારીઓ ભારત પર ચડી આવ્યા અને જીત્યા પણ ખરા. સર્વાઈવલ માટેનો પહેલો રિસ્પૉન્સ હોય છે લડો અથવા ભાગો કે શરણે થઈ જાવ. ભારતે સર્વાઈવલ માટે શરણે થઈ જવાની નીતિ અપનાવી લીધી. એક મહાન સંસ્કૃતિ આજે સાવ કમજોર અને કાયર બની ચૂકી છે.

એક ગલત ધારણા છે કે બુદ્ધિજીવી જે તર્કને મહત્વ આપતો હોય તેવા લોકો હમેશાં ક્રૂર અને લાગણીવિહીન હોય છે. ઊલટાનું લાગણીશીલ માણસ જ વધુ ક્રૂર બની શકતો હોય છે. એની કાચના ટુકડા જેવી લાગણીને ક્યારે ઠેસ પહોચે કોઈને ખબર પડે નહિ. અને પછી તેને ક્રૂર બનતા જરાય વાર લાગે નહિ. વધારે પડતા ઈમોશન્સ તમને પશુ બનાવી દે તેમાં નવાઈ નહિ. કહેવાતા નાસ્તિક અને રેશનલમાં પણ ફરક હોય છે. રેશનલ વિચારશે કે આની પાછળ કોઈ તર્ક છે ખરો? સાચો રેશનલ કદી ક્રૂર બની નહિ શકે. જે સ્ટાલિન, માઓ જેવા નાસ્તિકોએ ઇતિહાસના પાનાઓ પર ક્રૂરતા આચરી છે. તે લોકો માટે નાસ્તિકતા એક ધર્મ જ હતો અને આ લોકો એ ધર્મ બાબતે ધર્માંધ હતા. ધર્મોના પાખંડ અને સમાજના ઉપલા વર્ગના નીચલાં વર્ગ પરના શોષણની પ્રતિક્રિયા સ્વરૂપે એમણે એક નવો ધર્મ વિકસાવ્યો નાસ્તિક એવો સામ્યવાદ અને એના અમલીકરણ માટે ક્રૂરતા આચરી. કાર્લ માર્ક્સ જેવા બુદ્ધિજીવીએ સામ્યવાદની અમૂર્ત વિચારધારા આપી પણ એનો અમલ કરાવવાવાળા મેમલ બ્રેઇનનુ પ્રભુત્વ ધરાવનારા હતા. અને એટલાં માટે તમામ નાસ્તિકો અને રેશનાલીસ્ટ માટે ગલત ધારણા બંધાઈ જાય છે કે આ લોકો ક્રૂર અને લાગણીવિહીન હોય તેમાં કોઈ નવાઈ નહિ. સામૂહિક હત્યા કરનારને તમે બુદ્ધીજીવી કે રેશનલ સમજો તો તમારી બહુ મોટી ભૂલ છે, અને એની સાથે કોઈ રેશનલને સરખાવી પોતાની જાતને બહુ માનવતાવાદી લાગણીશીલ સમજો તો તે મહાભુલ છે. ચાલો થોડા દાખલા આપી સમજાવું ગમશે તો નહિ પણ એટલી હિંમત તો કોઈએ કેળવવી પડશે ને?

પહેલો દાખલો ભારતના ભાગલા પડ્યા તેનો જુઓ. ભારત પાક સરહદે અને બંગાળમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા એમાં તર્ક હતો ખરો? શાસનકર્તાઓએ ભાગલા પાડ્યા હતા. કોઈ પ્રજાએ તો પાડ્યા નહોતા. જે હિંદુ મુસ્લિમ આઝાદીની લડાઈ ખભે ખભા મિલાવીને લડ્યા હતા તે જ લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. આશરે ૧૦ લાખ માનવી કપાઈ માર્યા. અતિશય લાગણીઓમાં તણાઈ ગયેલા લોકોએ એકબીજાની હત્યા કરી. સ્ત્રીઓના સ્તન કાપી નાખેલા એમાં કોઈ તર્ક હતો? એક જ તણખો અને અહિંસાના ઉચ્ચ આદર્શની હત્યા થઈ ગઈ, એક જ તણખો અને ભાઈચારાની હોળી થઈ ગઈ. કેમ કે પ્રજાનું મેમલ બ્રેઈન જાગૃત થઈ ગયું. સર્વાઈવલ માટે ખતરો પેદા થઈ ગયો. માનવતા હણાઈ ગઈ. જો બુદ્ધિ અને તર્કનો ઉપયોગ થયો હોય તો આટલી હત્યાઓ થાય જ નહિ. ગાંધીની હત્યા તો ત્યારે જ થઈ ચૂકી હતી. ગોડસેએ તો એક લાશની હત્યા કરી હતી. ગોડસે આણી મંડળી પ્રખર રાષ્ટ્રવાદી અને અતિ સંવેદનશીલ હતી.

એક મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા નેતાને પ્રથમ નંબરે રહેવાનો ચસકો કાયમ હોય છે. હવે તેણે અયોધ્યામાં થોડા એવા માણસોના ટોળા ભેગાં કર્યા એમાં ઇસ્લામ ખતરેમે કઈ રીતે આવી જાય? ઇસ્લામ તો આખી દુનિયામાં ફેલાયેલો છે. પણ પોતાના સમૂહ પર ખતરો મંડાઈ ગયો હોય તેવી લાગણીઓ ઊભરાઈ ગઈ. આખા ભારતમાં અને દુનિયામાં મુસ્લિમો છે પણ થોડા મુસ્લિમો ભાવનાઓના પૂરમાં બહેકી ગયા અને નિર્દોષ લોકોથી ભરેલો ડબો સળગાવી દીધો. છતાં માનીએ તો સજા એ લોકોને થવી જોઈએ જેમણે આવું જઘન્ય કૃત્ય કર્યું હોય. તર્ક એમાં હતો કે ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમોને સજા થવી જોઈએ. પણ વડોદરાના રેલવે સ્ટેશને બેઠેલા વૃદ્ધ ચાચાને તો ખબર પણ નહોતી આ બનાવની એની હત્યા કોઈએ છરી મારી કરી નાખી એમાં કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરાજીની હત્યા કરી નાખી એમાં તો કોઈ તર્ક હતો જ નહિ પણ એના લીધે બીજા બેત્રણ હજાર શીખોની કત્લેઆમ મચાવવામાં પણ કોઈ તર્ક કે બુદ્ધિ દેખાય છે ખરી? ગોધરા કે શીખ હત્યાકાંડ કરનારાઓ અતિશય ભાવનાશીલ મેમલ બ્રેઈનનું પ્રભુત્વ ધરાવનારા હતા જેમને પોતાના સમૂહ પર ખતરો દેખાયો. રેશનાલીસ્ટને વખોડવા હમેશાં હિટલરનું ઉદાહરણ આપનારા ભૂલી જાય છે કે હિટલર આદિમ મેમલ બ્રેઈન ધરાવતો હતો કોઈ રેશનલ બુદ્ધિજીવી નહોતો. એને એના જર્મનીને મિત્ર દેશની ચંગૂલમાંથી છોડાવવું હતું. જર્મન પ્રજાના સર્વાઈવલનો સવાલ હતો.

હવે જરા inclusive fitness ( આનુષાન્ગિક સુયોગ્યતા) સમજી લઈએ. Gene pool માં મારા જિન્સ સૌથી વધુ ફરતા હોવા જોઈએ. નાં સમજાયું? માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ. હવે સમજાઈ જવું જોઈએ. એના માટે એક તો સૌથી વધુ મારા વારસદારો પેદા કરવા પડે. મારો સમૂહ એટલે મારા જ હંસલા ગણાય. મારા ભાઈઓ, કુટુંબીઓ, સગાવહાલાં અને મારી જાત કે કોમનું પ્રભુત્વ કે બહુમતી Gene pool માં રહેવી જોઈએ. અને મારા આ વારસદારો અને મારા જ સમૂહનું પ્રભુત્વ રહે તે માટે સહકાર, સદભાવ, પરોપકાર, અને પરમાર્થ કરવો પડે. હવે એની ડાર્ક સાઇડ જોઈએ. માનવજાતના માનસરોવરમાં મારા હંસલા સૌથી વધુ તરતાં રહેવા જોઈએ તો બીજા તરતા હંસલાઓને ખતમ કરો મારા હંસલાઓની સંખ્યા અને પ્રભુત્વ ઓટોમેટીક વધારે રહેવાનું. ગ્રૂપનો કબજો લેનારો નવો સિંહ પહેલું કામ ગ્રૂપમાં રહેલા તમામ નાના બચ્ચાને મારી નાખે છે. ચાલો હવે હિટલર તરફ વળીએ. હિટલર સમજતો હતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે. એટલાં માટે એણે વેદોમાંથી સ્વસ્તિક શોધી એના મુખ્ય ચિન્હ તરીકે મૂક્યો હશે તેવું મારું માનવું છે. યહૂદી અશુદ્ધ લોહી છે એનો નાશ થવો જોઈએ. ૬૦ લાખ યહૂદી હંસલાઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા. કોઈ રેશનલ આવું કૃત્ય કરી શકે જ નહિ. મોરાલીટી રેશનલ બ્રેઈનની શોધ છે, બુદ્ધિજીવી અને તર્કમાં માનવાવાળા લોકોની શોધ છે. પોજીટીવ લાગણીઓનું પ્રભુત્વ ધરાવનારા લોકોની શોધ છે. મેમલ બ્રેઈન કોઈ મોરાલીટીમાં માનતું નથી. એની ફક્ત એક જ મોરાલીટી છે સર્વાઈવલ..સર્વાઈવલ…અને સર્વાઈવલ…

ચીનમાં રાજાઓ બસો ત્રણસો રાણીઓ રાખતા. અઢળક છોકરાં પેદા કરતા. સૌથી ક્રૂર હત્યારો ગણાતા ચંગીઝખાનના જિન્સ ૧૬ મીલીયંસ લોકોમાં છે તેવી વૈજ્ઞાનિકોની ધારણા છે. આ આદિમ મેમલ બ્રેઈન ધરાવતા મુઘલો બહુ ક્રૂર હતા. નિર્દોષ પ્રજાના માથા ભાલા પર ચડાવી એમની ક્રૂરતાનું પ્રદર્શન કરતા. તો માનવતાવાદ ફેલાવવો હશે તો મેમલ બ્રેઇન અને તેના ઈવોલ્યુશનરી ફોર્સ સમજવા પડશે. મેમલ બ્રેઈનનો માનવતાવાદ, સહકાર અને પરોપકાર ફક્ત એના સમૂહ પૂરતો હોય છે. માનવતાવાદને વૈશ્વિક બનાવવો હશે તો મેમલ બ્રેઈનને સમજ્યા વગર નહિ બને. પહેલા રોગ સમજો ઘણીવાર રોગ સમજાઈ જાય તો દવાની જરૂર પડતી નથી. રોગની સમજ ખુદ દવા બની જતી હોય છે. પહેલા તાવ આવ્યો છે તેવી ખબર તો પડવી જોઈએ ને? કે પછી તાવને જ ઉત્સવ માનવો હોય તો કોઈ ઉપાય નથી.. ૫૦૦૦ વર્ષથી ગીતા વાંચીએ છીએ કોઈ ફરક પડ્યો લાગે છે? ૨૦૦૦ વર્ષથી કુરાન અને બાઈબલ વાંચીએ છીએ કોઈ ફરક લાગે છે? સૌથી વધુ હત્યાઓ આ પોતાના ધર્મ પ્રત્યે અત્યંત લાગણીશીલ લોકોએ કરી છે.

તાર્કિક અને બુદ્ધિજીવી મેમલ બ્રેઈન સાથે જ જન્મ્યો હોય છે. એકલું કોર્ટેક્સ લઈને તો કોઈ જન્મતો નથી. એકલી લાગણીઓ જંગલી ઘોડા જેવી હોય છે. એના પર તર્ક અને બુદ્ધિની લગામ લઈને બેસો તમને ક્યાંથી ક્યા પહોચાડી દેશે. તમને બુદ્ધ, મહાવીર જિસસ બનાવી દેશે. પણ તર્ક અને બુદ્ધિની લગામ વગર એના પર બેસો તો તમને હિટલર, સ્ટાલિન, માઓ કે ઓસામા બિન લાદેન બનાવી દેશે.

હાલના પ્રખર માનવતાવાદી અને ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ Richard Dawkins કહે છે Let us try to teach generosity and altruism, because we are born selfish.

imagesCA05HRYU

6 thoughts on “વીજળીના ચમકારે મોતીડા પરોવીએ”

  1. GODSE MANSIK GULAM HATO. NIHSHATRA GANDHIJI PAR VAR KARNAR HATYARO ANE KAYAR HATO. JO TENE TAME RASHTRAVADI MANTA HO TO RAOLAJI……… MARVA MATE TAIYAR KARNAR LOKONO NETA BIN LADEN MATE SHU VISHESHAN?????. MANSIK GULAMIMATHI MUKT BANO AJ SHUBHASHAY

    Like

    1. પોપટલાલ માનસિક ગુલામીમાંથી તમારે મુક્ત થવાની જરૂર છે. વીર સાવરકર આણી રાષ્ટ્રવાદી મંડળીએ ગાંધીજીની હત્યાનો પ્લાન બનાવેલો. મેં કોઈ ગોડસેના વખાણ નથી કર્યા. ગોડસે લાગણીઓમાં તણાઈ ગયો એની પાસે તર્ક અને બુદ્ધિ નહોતી કે ભાગલા પડ્યા એમાં ગાંધીજીનો કોઈ વાંક નથી એવું તે સમજી શક્યો નહિ. ગાંધીજીને બધી વાતે જવાબદાર ઠેરવી નાખ્યા આ લોકોએ. ભગતસિંહ પણ રાષ્ટ્રવાદી હતા. સુભાષ પણ હતા બંનેણે ગાંધીજી સાથે કોઈ મેળ પડતો નહોતો..જરા છાંટો બુદ્ધિ હોય તો વિચારો કે પાકિસ્તાનનો સૈનિક આપણા માટે ત્રાસવાદી હોય છે તેના દેશ પાકિસ્તાન માટે દેશભક્ત પરમવીર ચક્ર મેળવનાર હોય છે. ભારતીય સૈનિક ભારત માટે પરમવીર ચક્ર પામનાર દેશભક્ત હોય છે પણ પાકિસ્તાન માટે ત્રાસવાદી જ ગણાય…લાદેન એના દેશ કે અલકાયદા માટે હીરો જ છે. ભગવાન થોડા તર્ક અને બુદ્ધિના છાંટા તમારા પર નાખે તેવી શુભેચ્છાઓ..

      Like

  2. સંપૂર્ણ લેખ વાંચ્યો… લાગણીશીલતા, કટ્ટરવાદ અને ધાર્મિકતાનો અતિરેક એક રસ્સી પરના બન્ને છેડા અને વચ્ચેની સત્યતાની પરિભાષા છે… બન્ને બ્રેઇન વચ્ચે કંઇક ગુંચવાયેલું છે શું? એ જવાબ કદાચ ક્યારેય નહિ મળે અતિશય લાગણીશીલ લોકો કૃર બની શકે પરંતુ કૃરતામાં લાગણીઓ સમાયેલી નથી હોતી… ધાર્મિક્તાનો અતિરેક કટ્ટરવાદને નોતરે છે… અને પછી ખૂન ખરાબા માનવતાના ડોકા વાઢવાં… અતિશય ધાર્મિકતા લાગણીશીલતા સાથે જોડાયેલી હોય એ જરુંરી નથી અને એવું ભાગ્યે જ હોય છે
    એક આડ વાત કોઇ સત્ય સ્વીકારે અથવા ઢોંગ કરે પરંતુ ગમે તેવો નાસ્તીક પણ ભીહ પડે ત્યારે ભગવાનને યાદ કરતો હોય છે સાચું તો એ છે કે નાસ્તીકો કરતાં આસ્તીકોમાં દુ:ખ સહન કરવાંની ક્ષમતા વધારે હોય છે એક સાદો દાખલો આપું આસ્તીક બધું ભગવાન ભરોસે છોડીને શાંતિનો અહેસાહ કરતો હોય છે જ્યારે નાસ્તીક દુ:ખમાંથી પોતાની જાતે બહાર નિકળવાં ફાફા મારે છે એમને આશરો ફક્ત પોતાની નાસ્તીક્તા અને તર્કનો જ હોય છે… કહે છે ને કે વધારે બુદ્ધિશાળી હોવું એ પણ પાગલપણાને સ્પર્શે છે… હુ પોતે અને મારું બ્રેઇન નાસ્તીકતા કે આસ્તીક્તાને અનુસરે છે એ હું પણ નક્કી નથી કરી શકતો હહાહાહા બાકી લેખ અફલાતુન મારા જેવાં માટે સમજવો થોડો અઘરો પણ…

    Like

    1. સાચા નાસ્તિકને એના દુખના કારણોની સમજ હોય છે. તાવ આવેતો ડોક્ટર પાસે જવાની ખબર હોય છે. આસ્તિકો અંધ દિલાસામાં રાચતા હોય છે. વધારે બુદ્ધિશાળી હોવું પાગલપણું છે તે બુદ્ધિના વિરોધોએ ફેલાવેલી અફવા માત્ર છે. ભીડ પડે ત્યારે આસ્તિક બની જનારા નાસ્તિકો નકલી નાસ્તિકો છે. ભારત આમેય નકલી વસ્તુઓના બજારથી ખદબદતું છે. કહેવાતા નાસ્તિકો ભારતમાં ઘરડા થાય એટલે આસ્તિક બની જતા હોય છે..હહાહાહાહા
      હમણા અમરેલી બાજુના મનોવિજ્ઞાનનાં શિક્ષક મળ્યા કહે ભારતમાં મનોવિજ્ઞાનની જરૂર જ ક્યા છે. બધું ભગવાનના માથે નાખી દેવાનું..ખરાબ થાય તો એણે કર્યું ણે સારું થાય તો મેં કર્યું..હહાહાહા

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s