નઘરોળ હવે નપુંસકતા તરફ

imagesCAHCANPHનઘરોળ હવે નપુંસકતા તરફ

બદઈરાદાથી સુમસામ વગડામાં મેના ગુર્જરીની પાછળ પડેલા સુલતાનને મેના કહે છે ”જીવ વહાલો હોય તો ભાગવા માંડ ..મારા સવા લાખ ગુર્જર બાંધવોને ખબર પડશે તો તને જીવતો સળગાવી દેશે ”..અને આજે કોઈ દીકરીની કૉલેજમાં, ઑફિસમાં કે કોઈ પણ જગ્યાએ સતામણીનો ભોગ બને છે ત્યારે માત્ર મારા પાંચ ભાઈઓને ખબર પડશે તો તારું આવી બનશે એવું કોઈ દીકરી વિશ્વાસ પૂર્વક કહી શકશે ખરી ..?
———હે મારા દેશની દામિનીઓ ..માફી માંગવાનો અધિકાર રહ્યો છે કે કેમ ..ખબર નહી ..પણ બની શકે તો લાચાર અને નપાણીયા પુરુષત્વને માફ કરીને હવે તમારી સુરક્ષાના રસ્તાઓ તમે જ શોધીને અપનાવી લો.—શ્રી. લવજીભાઈ નાકરાણી

ઉપરના વાક્યો કેટલા સત્ય લાગે છે. મિત્ર લવજીભાઈ નાકરાણી એમના દિલની મહાવ્યથા આ વાક્યો દ્વારા ફેસબુકમાં દર્શાવી ચૂક્યા છે. એમની આ લાચાર વ્યથા વાંચતા મારું દિલ ભરાઈ ગયેલું. શું આપણો નઘરોળ સમાજ હવે નપુંસકતા તરફ પ્રયાણ કરી રહ્યો છે કે કરી ચૂક્યો જ છે? કે પછી આપણી સંવેદનશીલતા નાશ પામી ચૂકી છે? એક મૃતપાય છોકરીનો દેહ નગ્ન હાલતમાં કલાક સુધી રોડ ઉપર પડી રહે પણ ના કોઈ એને કપડું ઓઢાડે કે ના કોઈ પોલીસ બોલાવે કે ના કોઈ ઇમર્જન્સી નંબર લગાવી એમ્બ્યુલન્સ બોલાવે. મોટાભાગે ‘આપણે શું?’ એવી માનસિકતા હોય છે અને બીજો ખયાલ પોલીસ ખોટી રીતે સંડોવી દે અથવા હજાર સવાલ કરીને સમય બરબાદ કરે અથવા ભવિષ્યમાં પોલીસ ચોકી અને કોર્ટના ચક્કરમાં પડવું પડે તેવા સવાલો ઊભા થતા લોકો કોઈ નક્કર પગલા ભરવાના બદલે તમાશો જોતા હોય છે. આ કોઈ એકની વાત નથી, મારા, તમારા સહુની વાત છે. શાસનવ્યવસ્થા હવે રક્ષણ કરી શકે તેમ રહી નથી. તો શું કાયદો આપણે હાથમાં લઈ લેવો? સ્વરક્ષણ કરવાની તો સહુને છૂટ હોય છે. તો સ્ત્રીઓએ એમનું રક્ષણ જાતે જ કરી લેવાનું? આપણે હવે રક્ષાબંધન ઊજવવાનું બંધ કરી દેવું જોઈએ, આ તહેવાર હવે કામનો રહ્યો નથી. નપુંસક સમાજમાંથી ચૂંટાતા રાજનેતાઓ તમારું રક્ષણ કરી શકે તેવી વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ગયા છે. છતાં આપણે અસભ્ય બનવું નથી, કોઈ ખૂનામરકી કરવી નથી પણ અસભ્ય બનતા જતા લોકોને સભ્યતાના પાઠ એમના જડબા તોડીને શીખવવાના જરૂર છે.

દરેક માબાપે એમની દીકરીઓને સારા ચમ્પુઓ મળે તેની આશામાં ગૌરી વ્રત કરાવવાને બદલે કરાટે ક્લાસમાં મૂકી સ્વરક્ષણનાં દાવપેચ શીખવાનું ફરજિયાત કરી દેવું જોઈએ. દીકરીઓને કેવાં કપડાં પહેરીને નીકળવાની આચારસંહિતા બતાવવાને બદલે સ્વરક્ષણ કરવાની તાલીમ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાલુ યાદવ અડધિયા બંડી પહેરી ૧૫૦ દેશો દેખતા હોય તેમ ટીવી પર આવી શકે અને આપણે સ્ત્રીઓને કેવાં કપડાં પહેરવા તેની શિખામણો આપીએ છીએ. બધી શિખામણો ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ? એકલાં ભારતની વાત નથી આખી દુનિયામાં બચપણથી સ્ત્રીઓને કોઈ પણ રીતે દબાવી રાખવાની પ્રવૃત્તિ સદીઓથી ચાલતી આવી છે. પુરુષોને ડર હોય છે કે સ્ત્રીઓને દબાવી નહિ દઈએ તો તે આપણને દબાવી દેશે. ચીનમાં સ્ત્રીઓને બાળકી હોય ત્યારથી જ લોખંડના જૂતા પહેરાવતા, જેથી એના પગ સાવ અવિકસિત અને નાના નાજુક રહી જાય જેથી તે દોડી ના શકે, કોઈના સહારા વગર ચાલી પણ ના શકે. વળી જેટલા નાના નાજુક પગના પંજા તેટલા રૂપાળા તેવી વ્યાખ્યા પણ રચાઈ ગઈ જેથી સ્ત્રી વિરોધ ના કરે. પ્રકૃતિએ સ્ત્રીને બાળકને જન્મ આપવાની જવાબદારી સોંપી છે અને આ જવાબદારી જે શક્તિશાળી હોય તેને જ સોંપાય..માટે જ દુનિયાના પ્રાચીનતમ ધર્મોએ પુરુષના રૂપમાં નહિ પણ સ્ત્રીના રૂપમાં પરમાત્માની કલ્પના કરી છે. સર્જનહાર સ્ત્રી હોવી જોઈએ તે સમજમાં એક ઊંડાણ હતું. ગોડ ધ ફાધર નવો કૉન્સેપ્ટ છે. ગોડ ધ મધર બહુ પ્રાચીન કૉન્સેપ્ટ છે. પ્રાણી હોય કે પક્ષી માતા નિશ્ચિત હોય છે, પિતા કોઈ પણ હોઈ શકે. બાળકના જન્મ માટે પ્રકૃતિ પિતાનું કામ બહુ ગહેરાઈથી નથી લેતી. એક સ્પર્મ ઈન્જેકટ થઈ ગયું પિતાનું કામ પૂરું. ઊંડું અને સૃજનાત્મક કામ તો માતાનું છે. પ્રકૃતિએ સ્ત્રીને સૃજનના સ્ત્રોત્ર તરીકે પસંદ કરી છે. પ્રૉબ્લેમ એ છે કે સ્ત્રીને બાળક મોટું કરવાનું હોય છે માટે તે રિસ્ક ટેકર ઓછી હોય છે અને તેથી તેને કમજોર સમજવાની ભૂલ કરીએ છીએ. એક સ્ત્રી ૨૦ બાળકોને જન્મ આપે છતાં પુરુષ કરતા પાચ વરસ વધારે જીવવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રી બીમાર ઓછી પડે છે. આજે જે બીમારીઓ સ્ત્રીઓને લાગી છે એ સ્ત્રીઓની નથી. પુરુષોએ જે સમાજ બનાવ્યો છે એની શોધ છે. મેલ ડોમીનેટેડ સમાજમાં એને એડજસ્ટ થવું પડે છે. સ્ત્રીઓને આવતા હિસ્ટીરિયા પુરુષપ્રધાન સમાજમાં એડજસ્ટ થવા ને લીધે આવે છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં બળાત્કાર ઓછા થાય છે તેવું કહેવાય છે. નોંધાય તો દેખાયને એક જમાનાનો બહાદુર સમાજ ભય વખતે જોખમ વખતે સર્વાઈવલ માટે ફાઈટને બદલે ફ્લાઇટ અપનાવતો થઈ ગયો ત્યારથી જ નપુંસકતા તરફ આગળ વધવા માંડેલો છે. અમે તો બધાને અપનાવી લીધાંની ડંફાશ મારતો સમાજ જે આવ્યા તેની સામે ઝૂકી પડ્યો. શક, હૂણ, કુષાણ, મુસ્લિમ, અંગ્રેજ જે આવ્યા બધા સામે ઝૂકી ગયો. જે લડ્યા તે ગયા. સમર્પણ આ દેશના લોહીમાં સમાઈ ગયું. કાલ્પનિક ભગવાન આગળ સમર્પણ તો પછી બધા સામે સમર્પણ. તમે સમર્પણની માનસિકતા કેળવો તો કોઈની સામે લડી ના શકો. હૂણ સામે સમર્પણ અને અંગ્રેજ સામે નહિ તેવું બને ખરું? ગુરુ સામે સમર્પણ અને નેતા સામે નહિ તેવું બને ખરું? કાચ પાછળ મઢેલા ભગવાનને પગે લાગી, કરગરીને ઘર બહાર નીકળતો કોઈ ઑફિસમાં ક્લાર્ક આગળ કામ કઢાવવા કરગરી જ પડવાનો કે થોડો પ્રસાદ ધરાવીશ ટેબલ નીચેથી પણ મારું આટલું કામ થઈ જાય. નપુંસક સમાજ એની માનસિક નપુંસકતા છુપાવવા છોકરાં ખુબ પેદા કરવાનો, વસ્તી ખુબ વધારવાનો. જુઓ અમે કેટલાં બહાદુર છીએ, અમે કેટલા મર્દ છીએ? મૃતપાય બળાત્કારીઓએ પીંખી નાખેલી નગ્ન બાળાને ફક્ત જોઈ રહેલા સેંકડો નમાલાં પેદા કરવા એના કરતા એક ફોન કરીને પોલીસ કે એમ્બ્યુલન્સ બોલાવતો અને તેને કપડું ઢાંકતો મર્દ પેદા કરવો શું ખોટો? જેવો સમાજ એવા સમાજમાંથી આવતા તેમના નેતાઓ. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે.

હે! આ દેશની સ્ત્રીઓ અમે ભારતની જનતા યુધિષ્ઠિરનો કૉલર પકડી જવાબ માંગી શક્યા નથી કે સ્ત્રી શું જુગારમાં મૂકવા સમાન વસ્તુ હતી? અમે ભારતની પ્રજા રાજાઓને ભગવાન સમજતી માટે રામની સામે મીણબત્તી સરઘસ કાઢી પૂછી શક્યા નથી કે સીતાજીની શું ભૂલ હતી? એમને કેમ ભૂગર્ભમાં જતા રહેવું પડ્યું? આ દેશની દીકરીઓ આજ સુધી અમે નઘરોળ હતા હવે નપુંસક બની ચૂક્યા છીએ હવે અમે તમારું રક્ષણ કરી શકીએ તેવા સક્ષમ રહ્યા નથી તમે તમારી વ્યવસ્થા જાતે જ કરી લો, તમારું રક્ષણ જાતે જ કરી લો. અમે ભલે થોડા દિવસ બુમો પાડીશું પણ પછી હતા તેના તે જ રહેવાના છીએ…તેના તે જ રહેવાના છીએ..

10 thoughts on “નઘરોળ હવે નપુંસકતા તરફ”

 1. દંભી સમાજમાંથી દંભ વગરના નેતાઓ ક્યાંથી લાવશો? કમજોર સમાજમાંથી ગુન્હેગારોને સખત દંડ આપે તેવા બહાદુર નેતાઓ ક્યાંથી લાવશો? એટલે થોડા ગણ્યાગાંઠ્યા ગુંડાઓ આખા સમાજ પર એમની ધાક જમાવતા હોય છે. થોડા ભ્રષ્ટ નેતાઓ આખા દેશને બાનમાં લઈ લેતા હોય છે. khari kahi… Sir..

  Like

 2. મીત્ર ભુપેન્દ્રસીંહની ઉપરની પોસ્ટમાં યુધીષ્ઠીર અને રામ બાબત જે લખાંણ છે એ બહુજ મહત્વનું છે.

  દ્રૌપદી, સીતા, વગેરે નારી અત્યાચાર બાબત મહાભારત અને રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.

  મહીલાઓએ કોઈ પણ હીસાબે રામ અને યુધીષ્ઠીરને મરણોતર સજા બાબત ચડવળ કરવી જોઈએ.

  Like

 3. sachot and sidho GHAAA kare tevu spasht lakhan
  bayala ne ubho kari de ladava mate tevi takaat dekhay chhe aa tamari lines matr lakhan nathi parantu expression if burning feelings chhe

  Like

 4. સ્ત્રી મીની સ્કટ પહેરે કે બુરખો…!! અમુક પુરુષની નજર ને તો કોઈ આવરણ રોકી નથી શકતું..!! બળાત્કાર માટે સ્ત્રીઓ નો પહેરવેશ જવાબદાર છે એ ખોટી વાત છે, બળાત્કાર કરનાર કપડા જોઈને બળાત્કાર નથી કરતો. એ સ્ત્રીની એકલતા કે નિસહાયતાનો લાભ લે છે.
  દુર્ઘટના બન્યા પછી ગમે તેટલો કાયદો મજબુત હોય તેનો શું મતલબ ???
  એનાથી દુર્ઘટના તો નહિ રોકી શકાય ને …!! ( હા ઓછી જરૂર થશે)

  એના કરતા દુર્ઘટના ના થાય એ ખુબ જ જરૂરી છે, એના માટે સ્ત્રીઓ સર્તક અને શારીરિક-માનસિક મજબુત બનવું પડશે.. માં-બાપ એ સમજ આપવી પડશે કે વધારે સમજદારી દાખવવી પડશે..!!

  Like

 5. આ સરકારને સ્વબચાવ શબ્દની કીમત છે?
  દીકરીઓનાં માં-બાપને અને વડીલોને સ્વ-બચાવનું મહત્વ ખબર છે?
  આખી પ્રજા જમીનમાં માથું ખોડી અને છુપાવવાનો પ્રયત્ન કરે છે …
  ……. કારણ?……
  અત્યારે પ્રજાને ન્યાયમાં વિશ્વાસ ઓછો અને ફરિયાદ પછી કોર્ટ અને પોલીસ દ્વારા થતા ત્રાસથી વધારે ડર લાગે છે … આ ન્યાય તંત્રનું માળખું એટલું વિચિત્ર છે કે ભલભલા તેમાં સપડાય અને બદનામ થાય, લાંચ આપીને ખાલી થઇ જાય તોય જીવનનાં ડાઘા ‘નાં’ જાય અને સામાન્ય કેસ પણ 20-વર્ષ સુધી ચાલે … સામાન્ય ફરિયાદોમાં પણ પોલીસોની વર્તણુક એટલી બેહુદી-ગેરકાનૂની હોય છે કે તમે વિચારતા થઇ જાવ કે, “હું કાનૂની મદદ માટે આવ્યો હતો કે લાંચ દેવા?”
  … આ નાલેશી-નિર્બળતા-નપુસક્તા એ ન્યાતંત્રનાં માળખા ની નિષ્ફળતા થી આઘાતને કારણે છે … લોકોને ન્યાયતંત્ર થી એટલો આઘાત લાગ્યો છે કે જાણે ન્યાય મેળવવા માટે તેમને અન્યાયી-રસ્તો અપનાવવો પડશે તેવી બીક છે …
  હવે ચાલો … જોઈએ કે એક સ્ત્રી એકાદ નરાધમનો પ્રતિકાર પણ કરે કે તેને જાનથી મારે પણ … પણ … જે રીતે સામુહિક બાલાત્કારો થાય છે તેને કેવી રીતે પહોંચાય? … ઉદાહરણ – જયપુર, રાજસ્થાનમાં એક પરિવાર રાત્રે ફિલ્મ જોઇને ઘર તરફ જઈ રહ્યું હોય અને તેમની સાથે તેમની 11 વર્ષની પુત્રી હોય … તે કુમળી 11-વર્ષની પુત્રીને ગૂંડાઓ ખેંચીને ઉપાડી જાય અને તેને સામુહિક બાળાત્કાર કરીને રસ્તા ઉપર ફેંકી દે … તો કઈ રીતે લડવું? … જયારે પોલીસ પણ ફરિયાદ નાં નોંધે … તો કઈ રીતે લડવું? … બધાજ દરવાજા ફક્ત ગૂંડા અને બદમાશો માટે જ ખુલ્લા હોય ત્યાં ન્યાય ક્યાંથી હોય!!! …
  જરૂર છે તો – હાલનાં કાયદા-પોલીસ-ન્યાયતંત્ર એ પૈસા કે સત્તાની શરમ રાખ્યા વગર કાનૂની કાર્યવાહી કરવાની … જો એટલું થશે તો આપની પ્રજા બાકી ની હિંમત કેળવી લેશે …
  આપણી દીકરીઓ જુડો-કરાટે રાયફલ શીખી જશે … અને તે લેખે પણ લાગશે … પણ આ પોલીસ અને ન્યાયતંત્રને કોણ સુધારશે?

  Like

  1. જયેન્દ્રભાઈ મારા ફાધર પોતે વકીલ હતા, જુના રજવાડા સમયમાં અને આઝાદી પછી પણ. આઝાદી પહેલા માણસા અને વરસોડા એમ બે સ્ટેટના દરબાર સાહેબના વકીલ હતા. આઝાદી પછી વિજાપુર તાલુકાની કોર્ટમાં વકીલ હતા. એક ના એક અસીલોને ૨૦-૨૦ વર્ષ મારા ઘેર આવતા મેં પોતે જોયા છે. બાપની જગ્યાએ એમના છોકરાઓને આવતા જોયા છે. આપણા હરામી આળસુ ન્યાયાધીશો એમની ચેમ્બર્સમાં આખો દિવસ શું કરતા હશે ખબર નથી. ‘મને ભારતના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે’ તેવું વાક્ય ભારતનો મહાદંભ છે. પોલીસ તો એકદમ અસભ્ય છે. જાણે સરકારના પગારદાર ગુંડાઓ.. અહી તમે કોઈ ટ્રાફિક નિયમ ભંગ કરો અને પોલીસ જોઈ જાય તો શું કરે? તમારી કારની પાછળ આવે લાલ લાઈટના ઝબકારા મારે એટલે બાજુ પર ઊભા થઇ જવાનું. કારમાંથી તમારે નીચે ઊતરવાનું નહિ. પોલીસ નીચે ઉતરીને આવે. તમને એની ઓળખાણ આપે કે ‘ સર હું ફલાણો ફલાણો પોલીસ ઓફિસર છું, તમે આ નિયમની ભંગ કર્યો છે તમારું લાયસન્સ અને કારના પેપર્સ આપો.’ પછી એની કારમાં જાય બધું ચેક કરે તેના કોમ્પ્યુટરમાં… એક સરસ મજાની સામાન્ય ગુનો હોય તો ૮૫ ડોલર્સની ટીકીટ આપે. પછી જરૂરી સુચના આપી થેન્ક્સ કહીને જતો રહે. આ દંડ તમે ઓનલાઈન ભરી શકો. ગુનો જરા મોટો હોય તો પોઈન્ટ્સ સાથે ટીકીટ મળે તો કોર્ટમાં લખ્યા તારીખે જવું પડે. પોઈન્ટ્સ દુર રાખવા હોય તો ૪૦૦ ડોલર્સ ભરવાના. અમુક નિશ્ચિત પોઈન્ટ્સ ભેગા થઇ જાય તો લાયસન્સ રદ થાય. કોઈ અવિવેક નહિ. કોઈ બોધરેશન નહિ. આતો એક દાખલો આપ્યો છે. જયેન્દ્રભાઈ ભગવાનને પણ લાંચ આપતા સમાજમાંથી સારા પોલીસવાળા આવશે તેવી આશા રાખવી વધુ પડતી નથી લાગતી? હહાહાહાહા

   Like

   1. આપણે ત્યાં માત્ર બળાત્કાર જ નહી પણ જો કોઇનું એક્સિડ્ન્ટ થયેલ હોય અને જો કોઇ તેમને સારવાર માટે દવાખાને પહોંચાડે તો પણ તેમેણે પોલિસ સ્ટેશનનાં ધક્કા ખાવા પડે. સમયે સમયે કોર્ટ્માં જઇ ને જવાબ આપવા પડે. આવા ન્યાયતંત્રમાં મદદ કોણ કરે ? જેણે જેણે મદદ કરી તે પસ્તાણા અને આ પસ્તાવા કારણે જ નપુંસકતા ઘર કરી ગઇ.

    Like

 6. great article……
  But Sir, If we know our politicians are too greedy and Lazy so what action we can do for them?????
  or jus tolerate them !!!!!!!!!
  I also appreciate Mr. devdatt’s comment.

  Like

 7. Brits after decades of hard works successfully weaponless Bharatiya & MAHATAMA bapu taken aways even will – thought to fight back if required. so its foolish-ed to expected docile – effete to fight back to goons which only understands language of violence.
  At present weapons-Guns are only with govt,Elites & criminals ,commeners are totally defenseless & on their mercy .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s