તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ. Hard Truths About Human Nature.

તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ.

આપણે ઘણીવાર બીજા લોકોના લોભિયા હોવા વિષે ટીકા કરતા હોઈએ છીએ. લોભ બહુ સારો નહિ, અતિલોભ પાપનું મૂળ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, લોભને થોભ નહિ આવી બધી અનેક કહેવતો વાપરતા હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિકો પણ લોભ વિષે આવી ટીકાઓ કરતા હોય છે. ધનિકોનો સમાજ વધતે અંશે લોભી વધુ હોય છે ત્યારે મનોવૈજ્ઞાનિકો પણ લોભી સમાજની નિંદા કરતા હોય છે, પણ એકલદોકલ વ્યક્તિના લોભને મનોવૈજ્ઞાનિકો વાજબી ગણતા હોય છે અને ઘણીવાર મહિમાન્વિત કરતા હોય છે.

સંશોધકોએ કેટલાક લોકોને ધ અલ્ટીમેટમ ગેઇમ રમાડી હતી. આમાં ભાગ લેનારી વ્યક્તિઓને દરેકને દસ દસ ડોલર્સ આપવામાં આવેલા. હવે દસ ડોલર્સમાંથી અમુક ડોલર્સ બીજી કોઈ પણ વ્યક્તિને આપવાનાં હતા. પોતાની ઇચ્છા મુજબ આપવાનાં હતા. સ્વાભાવિક છે મહત્તમ ભાગ પોતે જ રાખે. મતલબ પાંચ ડોલર્સ કરતા ઓછા જ આપે. હવે લેનાર વ્યક્તિને આપેલો ભાગ પસંદ ના આવે તો લેવાનો ઇન્કાર કરવાની છૂટ હતી. પણ પછી શરત એવી હતી કે લેનાર વ્યક્તિ ઇન્કાર કરે તો બંને પાર્ટીમાંથી કોઈને એકપણ ડોલર મળે નહિ.

રિઝલ્ટ એ આવ્યુંકે લગભગ દરેકે બીજા વ્યક્તિને ત્રણ ડોલર્સ ઑફર કરેલા અને લેનારાઓએ ઇન્કાર કરેલો અને બંને જણા ડોલર વગર રહેલા. આમ ત્રણ ડોલર્સ લેવાનો ઇન્કાર કરનારાઓ બીજાના સાત ડોલર્સ મેળવાના આનંદને ઠોકર મારી. મને ફાયદો ના થાય તો તને પણ નહિ. આમાં આપણને સાત ડોલર્સ મેળવવાનો આગ્રહ રાખનારનો લોભ દેખાશે પણ ત્રણ ડોલર્સ મળતા હતા તે ગુમાવનારનો લોભ નહિ દેખાય. મારા માટે આ એક જાતનો લોભ છે, જે મનોવૈજ્ઞાનિકોને પણ નથી દેખાતો. ઉલટાના એને વાજબી ગણતા હોય છે. મતલબ એ થાય કે તમે જે મેળવવાની ઇચ્છા રાખો છો તે બીજા પાસે છે તેને સજા આપવી વાજબી છે.

જો આપણા એક બાળકને ત્રણ રૂપિયાની ગિફ્ટ આપીએ તો એ ફેંકી દેવાનો અને ગુસ્સે થઈને જેમતેમ બોલવાનો જો એના ભાઈને ૭ રૂપિયાની ગિફ્ટ આપી હશે તો..એની માતા પણ કહેવાની કે બેને સરખી ગિફ્ટ આપી નથી તો આવું જ થવાનું. આમ મનોવૈજ્ઞાનિકો પણ “underdog” પ્રત્યે સહાનુભૂતિ બતાવતા હોય છે અને તેને ગ્લોરીફાઈ પણ કરતા હોય છે. આશા રાખીએ કે એવું શીખવવું જોઈએ કે ભાઈ તને જે મળ્યું છે તેના પ્રત્યે ધ્યાન રાખ અને ખુશ થા બીજા પાસે શું છે તેની ચિંતા કર્યા વગર. જો કે આપણે કહેવત સાંભળી તો હશે કે કોઈના મહેલ જોઈ આપણી ઝૂંપડી ના સળગાવી દેવાય..

મૂળ વાત એ છે કે આપણને આપણો સ્વાર્થ દેખાતો નથી. આપણો લોભ દેખાતો નથી. આપણો સેલ્ફ ઇન્ટરેસ્ટ દેખાતો નથી બીજાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ તરત દેખાય છે તે વેરી ઇન્ટરેસ્ટિંગ છે. સ્વાર્થ હોવો બૂરી વાત નથી. સેલ્ફ ઇન્ટરેસ્ટ રાખવા  માટે બ્રેઈન ઇવોલ્વ થયેલું જ છે. જેથી આપણા સર્કલ બહારની વ્યક્તિ સ્વાર્થ જતાવે તો આપણે તેની નિંદા કરીએ છીએ. પણ આપણા મિત્રો, સગાવહાલાઓ અને સંબંધીઓના સ્વાર્થને આવકારીએ છીએ. અથવા ઉપેક્ષા કરીએ છીએ. બીજાની આવી નકારાત્મક લાક્ષણિકતાઓ આપણને જલદી દેખાય છે પણ એજ લાક્ષણિકતા આપણામાં હોય તો સ્વીકારી શકતા નથી આ ટેવને સિગ્મંડ ફ્રોઈડ પ્રોજેક્શન કહેતો. પ્રોજેક્શન બધે જ હોય છે, મારામાં તમારામાં સહુમાં કારણ હ્યુમન કોર્ટેક્ષને(મોટું મગજ) એની સાથે જોડાયેલા મેમલબ્રેઇનને (નાનું મગજ) સમજવામાં તકલીફ પડે છે.

મેમલ બ્રેઈન વધતા ઓછા ન્યુરોકેમિકલ્સ છોડતું હોય છે, પણ એની પાસે શા માટે વધારે કે ઓછા ન્યુરોકેમિકલ્સ છોડે છે તેનું વર્ણન કરવા કોઈ શબ્દોની ભાષા નથી. મેમલ બ્રેઈન શબ્દોની ભાષા જાણતું નથી. મેમલ બ્રેઈન પાસે અક્ષરધામ નથી. એની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. એની પાસે રાસાયણિક ભાષા છે. જ્યારે કોઈ વાત કે વસ્તુ તમારા રસની અને ફાયદાની હોય ત્યારે તે સુખ અનુભવાય તેવા ન્યુરોકેમિકલ સ્ત્રવતું હોય છે. તે સમયે આપણું કોર્ટેક્ષ જે વિચારવંત છે, મનનશીલ છે જે શબ્દોની ભાષા જાણે છે તે આ સુખ અનુભવાય છે તેના વર્ણન માટે પુરાવા એકઠા કરી લે છે. જ્યારે કોઈ જોખમ અનુભવાય કે એની જાણ થાય ત્યારે મેમલ બ્રેઈન તેવા કેમિકલ જેવા કે કોર્ટિસોલ રીલીઝ કરે છે. આ દુઃખદાયી અનુભવને વર્ણવા કોર્ટેક્ષ પુરાવા ઉભા કરી લેતું હોય છે.

બીજા લોકોની ફાયદાની આકાંક્ષા આપણને દુઃખદાયી લાગતી હોય છે અને આપણા ફાયદાની આકાંક્ષા સુખદાયી લાગતી હોય છે. કોર્ટેક્ષ એની વ્યાખ્યા કરી લેતું હોય છે.

હું એવું નથી કહેતો કે લોભ સારો છે. હું એવું કહેવા માંગું છું કે આપણું બ્રેઈન self-seeking છે. અને જ્યારે આપણે આ જાણતા નથી કે સમજતા નથી ત્યારે થનારા નુકશાન કે હાની વિષે અતિશયોક્તિ કરી બેસીએ છીએ. આપણે બીજાના સેલ્ફ સીકીન્ગને નોટિસ કરીએ છીએ આપણા નહિ..છેવટે પરિણામ હતાશામાં આવે છે. આપણા અન્ડર ડોગ ફીલિંગ્સના ઈવોલ્યુશનરી મૂળ જાણી લેવા જોઈએ.

આપણા સામાજિક સંબંધોની વ્યાખ્યા કરવાનો આપણા મેમલ બ્રેઈન પાસે સાવ સાદો રસ્તો છે. તે ક્ષણે ક્ષણે સરખામણી બીજા સાથે કર્યા કરતું હોય છે કે તમે એક ડગલું ઉપર કે આગળ છો કે એક ડગલું નીચે કે પાછળ છો. હું નથી કહેતો કે આવી સરખામણી કરવી જોઈએ પણ તમે ઇચ્છો કે ના ઇચ્છો આપણું એનિમલ બ્રેઈન આપણી જાણ બહાર કર્યા જ કરતું હોય છે. આપણે એક સ્ટેપ ઉપર હોઈએ બીજાથી તો આપણું મેમલ બ્રેઈન સેરોટોનીન રીલીઝ કરતું હોય છે જે સુખ આપતું હોય છે. અને જ્યારે આપણે એક સ્ટેપ નીચે હોઈએ ત્યારે આપણે સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ છીએ અને આપણું એનિમલ બ્રેઈન સ્ટ્રેસ કેમિકલ રીલીઝ કરે છે જે દુઃખદાયી હોય છે. એક ડગલું ઉપર ઉઠાવવાની કોશિશનો સારો હેતુ એ હોય છે કે તમે એકલાં સર્વાઈવ થવા પ્રયત્ન કરી રહ્યાં છો. પણ હવે બીજા લોકો પણ સર્વાઈવ થવાના પ્રયત્ન રૂપે એક ડગલું ઉપર ઊઠવા ટ્રાય કરે તો આપણી ન્યુરોકેમિકલ્સની એલાર્મ વગાડતી ઘંટડીઓ વાગવા માંડે કે ભાઈ જોખમ છે. એક ડગલું  ઉપર રહેવું મતલબ ડોમીનંસ, હવે ડોમીનંસ એટલે આક્રમણ સમજવું નહિ..

આપણે કહીએ કે આપણે બધા સરખાં છીએ. એવરીવન ઇઝ ઇક્વલ. એક ઉચ્ચ આદર્શ ગણીએ તો સારી વાત છે.   Equality is an abstraction, and the mammal brain does not process abstractions. આપણા આવા અનેક આદર્શો અમૂર્ત વિચારણા હોય છે. અહિંસા પરમોધર્મ, વસુધૈવ કુટુમ્બકમ અને ઇક્વાલિટી જેવી અનેક અમૂર્ત વિચારણાઓને મેમલ બ્રેઈન પ્રોસેસ કરી શકતું નથી. તેની ભૂખ feel good  પૂરતી હોય છે. જ્યારે આપણે પોતાને ઇક્વાલિટી Loving પર્સન તરીકે જોઈને સામે બેઠેલાં અનેક ધારેલા કે માનેલા લોભી લોકોને જોઈએ છીએ ત્યારે આપણે પોતાને થોડા સુપીરીયર સમજીએ છીએ અને  આપણને આપણી સુપીરીયર બનવાની ઇચ્છાઓની જાણ પણ હોતી નથી. ઘણા મહાત્માઓ પોતાને અતિશય નમ્ર જતાવતા હોય છે સામે બેઠેલાં અહંકારીઓના ટોળાઓ કરતા એક ડગલું સુપીરીયર. સામે બેઠેલાં હજારો લોભિયાને લોભ ખરાબ છે તેવો ઉપદેશ આપતા મહાન સંતોની સુપીરીયર બનવાની ભાવના એમની જાણ બહાર હવે સમજાય છે? આજ સંતોના લોભની કોઈ સીમા હોતી નથી. લોભ પાપનું મૂળ છે કહેનારા પાંડુરંગ દાદા ૪૦૦ કરોડના ઢગલા પર બેઠેલાં હતા. લોભ ખરાબ છે તેવું કહેનારા આશારામ કે મોરારીબાપુ કેટલું ધન ધરાવે છે કોઈને ખબર નથી. લોભ અચ્છા નહિ હૈ કહેનારા બાબા રામદેવ ૧૧૦૦૦ કરોડની થપ્પી પર બેસીને પોતે નંબર વનના સ્થાન પર છે તેનો સેરેટોનીન સુખાનુંબોધ માણી રહ્યાં છે. આજ સાધુઓ પ્રજાને લોભ સારો નહિ, પૈસો પાપ છે કહી ગિલ્ટી અનુભવ કરાવતા હોય છે. લોકોની અંદર રહેલા સ્વાભાવિક માયા, મમતા, કામ(સેક્સ) ક્રોધ, મોહ, લોભ, અહંકાર, મહત્વાકાંક્ષા, ડર વગેરે ખરાબ છે અને તમે એમાં સપડાયેલા પાપી નીચ છો તેવું ભરાવી ઉપરથી ભગવાનનો ડર બતાવી તેમાંથી બહાર કાઢવાના ચાર્જ રૂપે ધનના ઢગલા ભેગાં કરી લેતા હોય છે. માટે હું કહેતો હોઉં છું કે અતિશય નમ્રતા બતાવવી એક જાતનો અહંકાર છે. બીજા લોકોને ભાજીમૂળા જેવા છે તેવું બતાવવાની એક સભ્ય રીત છે. The urge to be special is always there because the serotonin feels good.

આપણે આપણા self-seeking બાબતે આપણી જાત સાથે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણે બીજાના  સેલ્ફ સીકિંગ માટે અતિશયોક્તિ કરતા હોઈએ છીએ. આપણને બીજા લોકો અતિસ્વાર્થી લાગતા હોય છે. જ્યારે આપણે અનુભવીએ કે આપણે એક ડગલું નીચે છીએ ત્યારે સામેવાળા પ્રત્યે શત્રુતા પેદા થતી હોય છે. તેના જ પ્રત્યે આવી શત્રુતાની ભાવના ધરાવતા અનેક સામાજિક ભાગીદારો આપણને મળી જવાના. અને આવા સોશિયલ સપોર્ટ મળતા આપણને આપણો દ્રષ્ટિકોણ સાચો જ લાગવાનો કે જે પેલી ગેમમાં સાત ડોલર્સ લઈ ગયો તે તો આપણા ખીસાના જ હતા. અને આમ દુખમાં વધારો થવાનો. પણ પછી તરત તમે કહેવાના કે સાલો લોભિયો છે આપણે નથી તમે પોતાને સુપીરીયર સમજવાના જે વળી સારુ ફીલ કરાવશે. Self righteousness is a way to put yourself on top without the mess and bother of competing for resources.

ખોરાક સંગ્રહ કરવાનું શોધ્યા પહેલા અને પૈસાની શોધ થયા પહેલા આપણે જાણતા નહોતા કે આવતીકાલનું ભોજન ક્યાંથી આવશે..ત્યારે મેમલ એટલું જ કરી શકતા કે સામાજિક રીતે ઉપર રહો. એના માટે એક્સ્ટ્રા એનર્જી વાપરો.

 Natural selection built a brain that is always looking for a way to get ahead. If you hate this in people, you will end up hating everyone, and you won’t even know why. It’s not easy being a mammal with large cortex.

10 thoughts on “તમારો અતિલોભ તે પાપનું મૂળ, મારો નહિ. Hard Truths About Human Nature.”

 1. ખરી વાત
  યાદ
  પીવડાવવો છે જામ,લે મારાથી કર શરુ,
  તું આમ સહેજ આવ,લે મારાથી કર શરુ.
  તું લઈશ તો બ્રહ્માંડે ય આવી જાશે બાથમાં,
  આસાન છે આ કામ, લે મારાથી કર શરુ..
  માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,
  હુ છું પ્રથમ મુકામ લે,મારાથી કર શરુ…
  તારે દીવાના કીમિયાની કરવી હો પરખ,
  રૂઝાવ દુઝતા ડામ લે, મારાથી કર શરુ…
  તારી પીડામાં હિસ્સેદાર કોણ કોણ છે ?
  લખવા છે તારે નામ ? લે, મારાથી કર શરુ…
  ‘દાસી જીવણ’ ને જેવી હુલાવી ‘તી તે કટાર,
  એવી જ કતલે-આમ લે,મારાથી કર શરુ

  Liked by 1 person

 2. તમારા શ્રેષ્ઠ લેખોમાંનો એક.

  કામ, ક્રોધ, લોભ વગેરે આપણા શત્રુ નથી પણ કુદરતી ભાવો છે; તેમને કેળવીને સારી રીતે ઉપયોગ કરવા જોઈએ નહિ કે તેમનો નાશ કરવાના મિથ્યા પ્રયત્નો.

  Like

 3. મનોવિજ્ઞાન મારો સૌથી પસંદગીનો વિષય છે, આપણે NEED (જરુરીયાત) અને GREED(લાલચ) વચ્યેનો ભેદ સારી રીતે સમજવી છીએ,છતા તેના પર કાબૂ મેળવવા માટે આખી જીંદગી મથામણ કરીએ છીએ, આ જ માનવમર્યાદા છે.

  એટલે જ કેહવાયુ છે,”જીંદગી જરુરીયાત મુજબ જીવવી જોઇએ,ઇચ્છાઓ મુજબ નહી,કેમકે જરુરીયાત ફકીરની પૂરી થાય છે,જ્યારે ઇચ્છાઓ રાજાની પણ અધૂરી રહે છે.”

  dhruvtrivedi1986@gmail.com

  Like

 4. રાઓલજી,
  હાર્ડ ટ્રુથ વાંચવા બ્લોગ ફોલો કરું છું. ઘણા સમયે રીડરમાંથી અહીં આવી ચડ્યો, અને વંચ્યું –
  …… જેથી આપણા સર્કલ બહારની વ્યક્તિ સ્વાર્થ જતાવે તો આપણે તેની નિંદા કરીએ છીએ. પણ આપણા મિત્રો, સગાવહાલાઓ અને સંબંધીઓના સ્વાર્થને આવકારીએ છીએ. ….
  મારી આજની પોસ્ટ (http://bestbonding.wordpress.com/2012/10/21/patni_dwara_encounter/) માં પણ આવોજ કંઈક ઉલ્લેખ –
  એક આડવાત કહી નાખવાની લાલચ રોકી શકાય તેમ નથી. ઉપરનો પેરેગ્રાફ ઝીણી નજરે વાંચો તો બે શબ્દો ‘નજીકના સર્કલ’ નજરે પડશે. છાપાના સમાચાર ‘બહારનું સર્કલ’ છે એથી મનને અસર નથી કરતા પણ આ તો ‘નજીક’ ની વાત છે. માણસ કુદરતથી કેટલો વિરુધ્ધ જઈ રહ્યો છે તેનો પુરાવો આવા શબ્દો આપે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે જ્યારે માણસ વિસ્તરવાને બદલે સંકોચાઈ રહ્યો છે. વ્યક્તિ ધીમે ધીમે પોતાનું સર્કલ ‘નાનુ’ કરતો જાય છે અને તેને ‘વિકાસ’ નામ આપે છે…….
  કરેલ છે.
  બધાનું મગજ સરખું જ છે નહીં !

  Liked by 1 person

 5. Very informative points deliberated in very simple way. (તારું મારું સહિયારું, ને મારું મારા બાપ નું !!)

  Like

 6. Ganjino kootaro ghas khay pan nahi ane khava pan na de- evu badha lokonu hoya chhe . teo etalu nathi vicharatake bhale mara gharma light nathi pan bijana gharnu thodukto ajavalu mara gharma aavshejne.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s