ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં !!!

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં!!!

મહિનાથી ખુશ થતા હતા કે ‘ચાલો ગુજરાત’ માં જઈશું અને ખૂબ મજા આવશે. ખાસંખાસ મિત્ર દિલીપભાઈ ભટ્ટનો ફોન આવી ગયેલો કે બાપુ, ટીકીટની ચિંતા કરતા નહિ હું બુક કરાવી લઈશ. આપણા મલકના માયાળુ માનવી એવા જૂનાગઢના દિલીપભાઈ મને નાનાભાઈની ખોટ પડવા દેતા નથી. ૩૧ ઓગસ્ટ, શુક્રવારથી શરુ થઈને ૨, સપ્ટેમ્બર રવિવારે મોડી રાત્રે પૂરો થનારો આ આધુનિક અમેરિકન બંધ સાઉન્ડપ્રૂફ પેટીપૅક હોલમાં ભરાનારો ન્યુજર્સીના એડીસન ગામનો તરણેતરનો મેળો જ સમજી લેવાનો. ન્યુ જર્સી એટલે અમેરિકામાં વસેલું ગુજરાત અને એડીસન એટલે આ ગુજરાતનું હૃદય. એડીસનમાં આવેલા આ રેરીટન સેન્ટરના આ એકસ્પો હોલમાં ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

આઈના સંસ્થા દ્વારા દર બે વર્ષે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ ભેગાં કરીને એમને આયનામાં એમનું પ્યારું ગુજરાત પાછું બતાવવાના સંનિષ્ઠ પ્રયાસ એના સંચાલકોની અથાગ મહેનત દ્વારા થતા હોય છે. ત્રણ દિવસ થનારા ભરપૂર કાર્યક્રમોનું આયોજન આઠ-નવ મહિનાની સતત મહેનતનું પરિણામ હોય છે. ગુજરાતથી કેટલા બધા મહાનુભાવોને બોલાવવાના, એમની સગવડ સાચવવાની, અતિઆધુનિક ટેક્નોલૉજી વાપરી દ્ગશ્ય-શ્રાવ્ય પ્રોગ્રામ આયોજિત કરવાના, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન કરવાનું આ બધું ખૂબ મહેનત માંગી લે તેવું હોય છે.

“આઈના સંસ્થા અને તેના સંચાલક સુનીલ નાયક અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.”

પ્રથમ દિવસે તો સંજોગો એવા હતા કે હું જઈ શક્યો નહોતો. ભીખુદાન ગઢવીનો ડાયરો ચૂકી ગયો. મારા ખાસ ફેવરીટ પાર્થિવ ગોહીલનો પ્રથમ દિવસનો પ્રોગ્રામ પણ ચૂકી જવાયો. બીજા દિવસે દિલીપભાઈ આવી શકે તેમ નહોતા. જોકે મારા માટેનું રજિસ્ટ્રેશન એમણે આગલે દિવસે કરાવી નાખેલું અને હોલમાં જરૂરી પ્રવેશપત્રરૂપી પ્લાસ્ટિક ટેગ,  હાથે બંગડીની જેમ દરેકે પહેરી રાખવાની હોય છે તે સવારમાં દિલીપભાઈ આવીને આપી ગયેલા. પ્રવેશ માટેનો સમય ચોક્કસ ખબર ના હોવાથી હું તો દસ વાગ્યે પહોચી ગયો. એક છકડો ત્યાં પડેલો. એક રિક્ષા પણ પડેલી. થોડીવાર માટે ભૂલી ગયો કે અમેરિકામાં છું. ગુજરાતના કોઈ શહેરમાં રિક્ષા માટે રાહ જોઈને ઊભો હોઉં તેવું લાગ્યું. રિક્ષામાં અને છકડા પર બેસીને લોકો ફોટા પડાવતા હતા. પછી ખબર પડી કે ટાઈમ તો બપોરે એક વાગ્યાનો છે. ઘર નજીક એટલે પાછો ઘેર વહ્યો ગયો. બાર વાગ્યે પાછો આવ્યો તો ખૂબ લાઈન લાગી ગયેલી. પ્રવેશદ્વાર આગળ ઉપર કઠપૂતળીઓ લટકાવેલો સુંદર પૅસેજ બનાવેલો હતો. લોકોની ભીડ જામતી હતી. આ પૅસેજ નાનો હતો અને પ્રવેશવાનો સમય એક વાગ્યાનો હતો એટલે ઉભા રહેનારા ખૂબ વધી ગયા. પૅસેજ પૂરતો છાંયડો હતો બાકી લોકો તડકામાં લાઈન લગાવીને ઊભેલા. આવા પ્રોગ્રામમાં અહીંના બોર્ન યંગસ્ટર્સને રસ ઓછો હોય તે સ્વાભાવિક છે. પ્રેક્ષકોમાં આધેડ અને વૃદ્ધ જ વધુ હોય અને આવું લાંબા સમય તડકામાં ઉભા રહેવાનું તકલીફદાયક હોય. લોકોનું કહેવું હતું કે ભલે પ્રોગ્રામ એક વાગે શરુ થતો અંદર બેસવા તો દો? એક વાગી ગયો પણ કોઈ દરવાજા ખોલે નહિ. એમની જે મજબૂરી હોય તે પણ છેવટે લોકો મૅનેજમેન્ટ હાય…હાય… એવી બુમો પાડવા લાગ્યા ત્યારે દરવાજા ખૂલ્યા. આ દરમ્યાન સમય પસાર કરવા લોકો ગામગપાટા મારે તે સ્વાભાવિક છે. એક કાકા કહે કાલે બાસુંદી જરા ખટમીઠાં સ્વાદવાળી હતી. હું તો આગલે દિવસે આવેલો નહિ એટલે મને તો ખબર નહિ. કાકા કહે એક વોલેન્ટિયર ભાઈને પુચ્છ્યું તો કહે દહીંની બાસુંદી બનાવેલી છે માટે ખાટી છે. બધા ખૂબ હસવા લાગ્યા. મેં કહ્યું કાકા,  એ ભાઈએ કટાક્ષમાં કહ્યું હશે તમે સાચું માની ગયા, બાકી દહીંની બાસુંદી કદી હોય નહિ. બાસુંદી ગરમીમાં ફાટી ગઈ હશે. કાકા કહે મને એમ કે મઠો જેવો કોઈ બાસુંદીનો નવો પ્રકાર હશે. કાકા પણ લોકોને હસાવવાને મુડમાં હતા. એક બહેન બોલ્યા તો પછી પાછળથી બાસુંદી મૂકવાનું બંધ કેમ કરી દીધું?

અનુભવી અને અનેક વખત સફળતાપૂર્વક આયોજન કરી ચૂકેલા સંચાલકો પણ ક્યારેક આવી બાબતોમાં માર ખાઈ જતા હોય છે. એમાં એમના કરતા કેટરરનો વાંક વધુ હોય છે. અગાઉના આવા આયોજન વખતની રસોઈના વખાણ પણ લોકો ખૂબ કરતા હતા. મજાક મસ્તી અને અકળામણ કાઢતા લોકો છેવટે અંદર પ્રવેશ પામ્યા. હું તો એકલો હતો કોઈ ઓળખીતું મળી જાય તો ઝડપી લેવાની તાકમાં હતો અને નિકેતાબેન વ્યાસ અને રેખાબેન પટેલને જોઈ લીધા. ફેસબુક મિત્રો કામ લાગ્યા ખરા. બંનેના પતિદેવને મળ્યો. જનકભાઈ દેસાઈ મળ્યા, જયેશભાઈ ભટ્ટ મળ્યા. કંપની મળી ગઈ હતી. જનકભાઈ કવિહૃદય અને ધર્મો કરતા માનવધર્મને વધુ માને. દરેક વસ્તુમાં એમને કવિતા જડે. આ જનકભાઈના જીવનના એક પ્રસંગમાંથી સહુએ શીખ લેવા જેવી છે, જો ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો. જનકભાઈને વર્ષો પહેલા એક પ્રસંગે એવું બન્યું કે એમને કોઈને મળવું નહીં હોય તો પત્નીને કહેવાનું મન થયું કે ના પાડી દે કે પોતે ઘરમાં નથી. હજુ આવું કહેવાનો વિચાર જ આવ્યો છે, ત્યાં બાજુમાં એમની નાનકડી ત્રણ વર્ષની બેબી રમતી હતી. જનકભાઈને થયું કે હું આવું જૂઠ બોલીશ તો આ બાજુમાં રમતી બેબી અનકોન્શિયસલી  સાંભળશે તો ખરી જ અને એના મન પર શું અસર પડશે? બસ એ દિવસથી જનકભાઈના કહેવા પ્રમાણે એમના જીવનમાં પરિવર્તન આવી ગયું. ઋજુ હ્રદયના માલિક એવા જનકભાઈને સલામ કરવાનું મન થાય છે.

કોઈએ ફેસબુકમાં પૂછેલું કે સમય એટલે શું? મેં મજાકમાં નીચે કૉમેન્ટ લખેલી કે સમય એટલે હરીશ ભીમાણી. મહાભારત સીરીયલ સહુએ જોઈ હશે, એટલે હરીશ ભીમાણી વિષે ઓળખ આપવાની હોય નહિ. હરીશ ભીમાણી, સોહાગ દીવાન, અમીન સયાની અને અમિતાભ બચ્ચન આ બધા બુલંદ અવાજની દુનિયાના બાદશાહો કહેવાય. હરીશ ભીમાણી હસતા જાય હસાવતા જાય અને એક પછી એક થનારા પ્રોગ્રામની માહિતી આપતા જતા સંચાલન કરતા જાય. ગુજરાતની ગાથા વર્ણવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ એક પછી એક જોવાની ખૂબ મજા આવતી જતી હતી. વચમાં વચમાં મહાનુભાવોના ભાષણોમાં પણ ગુજરાતનું ગૌરવ છલકાતું જાય.

મારો ફેવરીટ પાર્થિવ ગોહીલ આવ્યો અને એના કર્ણપ્રિય ગાયન વડે અદ્ભુત જમાવટ કરી દીધી. સુગમ સંગીત હોય, ફિલ્મી ગીતો હોય, રાસગરબા હોય પાર્થિવનો જોટો જડવો મુશ્કેલ. કદાચ મિત્રોને ખબર નહિ હોય આ પાર્થિવ શાસ્ત્રીય ગાયકીમાં પણ કોઈ મહાપંડિત કે ખાંસાહેબને ટક્કર મારે તેવું ગાય છે. એની શાસ્ત્રીય રાગો આધારિત બંદિશ’ સીડી હું મારી કારમાં કાયમ રાખું છું. કવિ નર્મદના ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત’….અને એવા બીજા ગીતો ગાઈને પાર્થિવે અદ્ભુત રસાસ્વાદ કરાવી દીધો. રાસગરબા અને દુહાની રમઝટ એવી બોલાવી કે સમય થંભી ગયો…અહીં સમય એટલે હરીશ ભીમાણી સમજવાની છૂટ છે…પાર્થિવે તન, મન અને દિલ ડોલાવી દીધું હતું.

વસ્ત્રાપુર, અમદાવાદની બ્લાઈન્ડ સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ જે નૃત્યો, ગરબા અને પીરામીડ દર્શાવીને એવું ઇમોશનલ વાતાવરણ બનાવી દીધું કે ભાઈ મારી આંખોમાં તો પાણી આવી ગયા. આ અંધ બાળકોના  પર્ફૉર્મન્સ જોઈને એવું લાગે કે આ ખરેખર અંધ બાળકો છે કે આપણે અંધ છીએ? ખરેખર બુદ્ધિ (પ્રજ્ઞા) જેની ચક્ષુ છે તે લોકો જ સાચું દેખતા છે, આપણે દેખતા આંધળાઓને કોણ સાચો રાહ બતાવી શકે?? એક આવી પ્રજ્ઞાચક્ષુ બાળા પાછી હરીશ ભીમાણી સાથે શૉનું સંચાલન પણ કરતી હતી. ભણેલા અભણ અને દેખાતા અંધોનો કોઈ ઉપાય નથી. આઈના સંસ્થા આવા પ્રોગ્રામ વખતે કદી ડોનેશન માંગતી નથી પણ આ અંધ બાળકોની સ્કૂલ માટે જ્યારે દાન આપવા વિનંતી કરાઈ તો માયાળુ ગુજરાતીઓના હૃદય સાથે ખિસ્સા પણ ખૂલી ગયા. સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે લોકો ડોલર્સનો વરસાદ વરસાવવા લાગ્યા. કોઈ પાંચ હજાર, તો કોઈ બે-ત્રણ હજાર લખાવવા માંડ્યા. બસો પાંચસોનો તો પાર જ નહોતો. ગુજરાતી કરકસરિયો  ખરો પણ દાન આપવામાં પણ એટલો જ ઉદાર હોય છે. ગુજરાતી પૈસા ભેગાં કરી જાણે અને વાપરી પણ જાણે.

સુગમ સંગીત, ભજન સંધ્યા, નાટિકાઓ, નૃત્યો, મહાનુભાવોના વ્યાખ્યાનો, સન્માન સમારંભો, કવિ સંમેલન વગેર વગેરે એટલાં બધા ભરપૂર કાર્યક્રમો વડે ‘ચાલો ગુજરાત’  છવાયેલું હતું કે બધાનું વર્ણન કરવું મુશ્કેલ છે. હરીશ ભીમાણી પછી પાકા અમદાવાદી એવા રેડિયો મિર્ચીના ધ્વનિતનો વારો આવે એટલે સ્ટેજ ખુદ દોડતું થઈ જાય. હસતો હસાવતો, વન લાઇનર મારવામાં જબરો કાબેલ, ઊર્જાથી છલકાતો, દોડાદોડ કરતો ધ્વનિત આવે એટલે રંગત છવાઈ જાય. વચમાં રઈસ મણિયાર આવીને દૂંટીમાંથી હસાવી જાય.

ઓબામના પ્રતિનિધિની તરીકે ન્યુજર્સીના  સેનેટર બોબ આવેલા સાથે લાવેલા ઓબામા ઍડ્મિનિસ્ટ્રેશનમાંથી ત્રણ ઉચ્ચ અધિકારીઓ. ગુજરાતના અને ગુજરાતીઓના ગૌરવની વાત એ હતી કે ત્રણે ગુજરાતીઓ હતા અને ત્રણે શાહ હતા. બે યુવાનો હતા અને એક હતા સોનલ શાહ. આવા લબરમુછીયા યુવાનોને ભારત સરકારમાં આવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા જોવામાં કદી આવે જ નહિ. આપણા આઈ.એ.એસ. કે એવા સમકક્ષ યુવાનોને આસિસ્ટન્ટ તરીકે વર્ષો વીતી જાય પછી આધેડ અવસ્થાએ ઉચ્ચ હોદ્દો મળતો હોય છે. ઓબામા કદાચ પહેલા એવા પ્રમુખ હશે કે જેમણે ભારતીયો અને ગુજરાતીઓની સૌથી વધુ કદર કરી છે. સેનેટર સાથે બધાએ ટૂંકા વ્યક્તવ્યો આપ્યા. ધ્વનીતે સેનેટરને ગુજરાતીમાં ‘કેમ છો’ બોલવા વિનંતી કરી. સેનેટર એટલું જોરથી ડરાવી દે તેમ પ્રશ્ન પૂછવાની સ્ટાઇલમાં કેમ છો બોલ્યા કે બધા હસી પડ્યા.

ગુજરાતના લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નોલૉજીના  પ્રતાપે ગુજરાતમાં બેઠાં બેઠાં અહીંના ઉપસ્થિત લોકોને સંબોધ્યા. મોદીના ભાષણમાં કાઈ કહેવાપણું હોય ખરું? આટલાં બધા ગુજરાતીઓ ભેગાં મળેલા જોઈને એમનું હૈયું હરખાયા વગર રહે ખરું?  આયોજક સુનીલ નાયકને અને તેમની ટીમને સંબોધીને મોદીએ ખૂબ અભિનંદન આપ્યા. મોદી અહીંનો પ્રોગ્રામ ત્યાં બેઠાં બેઠાં જોતા હતા. અહીં હાજર વ્યક્તિઓને નામ દઈને યાદ કરીને અભિનંદન આપતા હતા. અહીંની ગુજરાતી લિટરરી એકેડેમીના શ્રી રામભાઈ ગઢવીનું નામ દઈને યાદ કર્યા તો અમને બધા સાહિત્ય રસિકોને ખૂબ ગમ્યું.

મિસ ગુજરાત અમેરિકા નામની બ્યુટી કોન્ટેસ્ટ પણ યોજાઈ હતી. આઠ સુંદર યુવતીઓ બિલાડીચાલ(કેટ વોક) સ્ટેજ પર ચાલતી હતી. એમના પરિચય પછી એમની ટેલેન્ટ જોવાની હતી. લગભગ બધાએ સોલો ડાન્સ રજુ કર્યા. એક છોકરીએ એકાંકી ભજવ્યું હતું. એક બહેને કથ્થક નૃત્ય કરીને કથ્થકનો કચરો કરી નાખ્યો એવું લાગ્યું. છોકરીઓએ ખાલી આ સ્પર્ધા પુરતા ડાન્સની પ્રેકટીશ કરી હોય તેવું લાગ્યું. સુંદરતાની વ્યાખ્યા અને માપદંડ દરેકના મનમાં અલગ અલગ હોય છે. એટલે મને તો કોઈ છોકરી મિસ ધોરાજી, મિસ ઉપલેટા, મિસ રાજ કોટ, મિસ કડી-કલોલ કે મિસ હાલોલ-કાલોલ બને તેવીય લાગી નહિ…આજુબાજુ બેઠેલા ઘણા પ્રેક્ષકોનું કહેવું હતું કે આવા નાટક તો કરવા પડે અને રિજલ્ટ તો અગાથી ડીસાઈડ થઈ ગયેલા હોય છે.

ધ્વનિત લોકોને જાતજાતની ગેઇમ રમાડે અને કોઈ જ્વેલર તરફથી સોનાના સિક્કા ગીફ્ટમાં આપતો જાય. કોઈને પૂછે કે રાજકોટનું શું ફેમસ છે? ખંભાતનું શું પ્રખ્યાત છે? લોકો પણ જવાબ આપે કે રાજકોટના પેંડા, ખંભાતનું હલવાસન અને સુરતનો લોચો વખણાય છે. બધાને સોનાના કોઈન(સિક્કા) અપાતા જાય. પણ ભાઈલો પ્રેક્ષકોમાં આગળની લાઈનોમાં ફર્યા કરે. એટલે પાછળની લાઈનોમાં બેઠેલાં બુમો પાડવા લાગ્યા. બધાને સોનાના સિક્કાની લાલચ હોય જ ને? પાછળ આવ્યો ખરો પણ મોટો લાભ આગળ બેઠેલાં લોકોને જ મળ્યો. છેવટે ગુજરાતી મૂળાક્ષરોનો આખો કક્કો એક પણ અક્ષર ચૂક્યા વગર બોલવાનું કહ્યું. ભાગ્યેજ કોઈને આખો કક્કો ક્રમવાર બોલતા આવડે. કોઈ ‘ટ’ ભૂલી જાય તો કોઈ ‘ફ’ ભૂલી જાય. ‘કાચો પાપડ પાકો પાપડ’ ઝડપથી ભૂલ વગર બોલવાનું લોકોને જણાવ્યું. થોડીવાર બોલ્યા પછી ગોટાળો થઈ જ જાય. પણ છેવટે સૌથી વધારે વખત ભૂલ વગર બોલનારા ભાઈને એર ઇન્ડિયા તરફથી ભારત આવવાની ટીકીટ ફ્રીમાં મળી ગઈ. ધ્વનીતે થોડા ફિલ્મી સેલીબ્રીટીના ઇન્ટરવ્યું લીધા હશે. એમના અવાજ પરથી તે લોકોને ઓળખી બતાવવાના હતા. આવા એક પ્રખ્યાત અભિનેતાને ખાખરા બહુ ભાવે છે. અવાજ પરથી જ ખબર પડી ગઈ કે આતો અમિતાભ બચ્ચન છે. બીજા એકને કેરીના છુંદા(મુરબ્બો) વગર ચાલે નહિ. કોઈ એનો અવાજ ઓળખી શક્યું નહિ. લગભગ બધા ફિલ્મી નાયકોના નામ બોલાઈ ગયા પણ સાચું પડે નહિ. છેવટે ધ્વનીતે જ કહેવું પડ્યું તે ભાઈ હતા નીલ નીતિન મુકેશ. સ્વ.મુકેશ વડોદરાના જમાઈ હતા. એમના પત્ની ગુજરાતી હતા.  ધ્વનીતે ખૂબ મજા કરાવી. પ્રેમ ચોપરાના જમાઈ અને થ્રી ઇડિયટમાનો એક ઇડિયટ સરમન જોશી અને પાર્થિવ પટેલના ઇન્ટરવ્યું પણ લેવાયા. સહેવાગે એકવાર આ પાર્થિવ પટેલ પાસે સેવિંગ ક્રીમ માંગેલી. પાર્થિવ કહે હું હજુ દાઢી કરતો નથી. પાર્થિવ બહુ નાની ઉંમરે ક્રિકેટ ટીમમાં આવી ગયેલો, દાઢી ઉગી હોય તો કરે ને?

 

ત્રીજા દિવસે એટલે રવિવારે તો દિલીપભાઈ મને લેવા આવી ગયા જ હતા. અમે સ્થળ પર પહોચ્યા ત્યારે ભજન સંધ્યા ચાલુ જ હતી. દસ હજાર માનવો એક જ હોલમાં બેસવાના હોય ત્યાં સારી અનુકૂળ સીટ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે. અમે બેઠાં હતા અને મારા નામની કોઈએ બૂમ પાડી. મેં પાછળ વાળીને જોયું તો મિત્ર જગદીશ ક્રિશ્ચિયન. એમણે સ્માર્ટ ફોનમાં ફોટો પાડીને ફેસબુકમાં તરત મૂકી પણ દીધેલો. થેંક યુ વેરી મચ જગદીશભાઈ.

આપણી ધર્મભીરુ પ્રજા માટે આવા ભવ્ય પ્રોગ્રામ સંત, સાધુ અને ગુરુઓની હાજરી વગર શોભે નહિ, અધૂરા લાગે તે સ્વાભાવિક છે. સંતશ્રી હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં સરસ મજાના ભજનો ગવાતા હતા. એમણે પણ એમનું વક્તવ્ય આપ્યું. મોરારીબાપુની હાજરી તો ત્રણે દિવસ હતી.. ગુજરાતીપણું શું કહેવાય? એના વિષે મોરારીબાપુએ સરસ પરિચય આપ્યો. મોરારીબાપુનો પરિચય આપવાનો હોય ખરો? પણ ફોર્માલીટી અપનાવવી પડે. એમનો પરિચય આપવા જય વસાવડા આવ્યા. ગુજરાતીપણા વિષે એમણે જોરદાર ભાષણ આપ્યું. તાળીઓ પાડવા મજબૂર કરી ના દે તો જય વસાવડા નહિ. મોરારીબાપુએ સરસ માહિતી આપી કે ૧૨૦ વર્ષ પહેલા ૬૬ ગ્રેટ ગણાતા ગુજરાતીઓ વિષેનો પરિચય આપતું પુસ્તક છપાયેલું. કે તે સમયે આત્યારના જેવા પ્રિન્ટિંગ મશીનો હતા નહિ. જાતે બ્લૉક ગોઠવી મૅન્યુઅલ પ્રિન્ટીગ થતું હતું. ગુજરાતના થઈ ગયેલા મહાન પુરુષો વિષે બાપુ ખૂબ સુંદર બોલ્યા. પણ ગાંધીજી વિષે બોલતા એમણે બહુ મોટું ગપ્પું મારી લીધું કે ગાંધીજી કોઈ રાજકારણી હતા જ નહિ એ તો આધ્યાત્મિક મહાપુરુષ હતા. ખરેખર તો ગાંધીજી નખશિખ રાજકારણી હતા અને અધ્યાત્મિક મહાપુરુષ બનવાનો ટ્રાય કરતા હતા. ઘણીવાર શબ્દોના જાદુગર લોકો વડે આવા ગપ્પા મરાઈ જતા હોય છે. બહુ સીરીયસ લેવું નહિ.

રંગીલાના રંગીલા લેખક સંજય છેલ આવ્યા. બોલીવુડના ઇતિહાસમાં અગણિત ગુજરાતીઓનું મહત્વનું પ્રદાન રહેલું છે. ઘણીબધી ના જાણતા હોઈએ તેવી માહિતી સંજય છેલે આપી. બોલીવુડની શરૂઆત થઈ દાદા સાહેબ ફાળકેથી, આ ફાળકે સાહેબને પૈસા ધીરનારા હતા સર ચંદુલાલ શાહ. મધર ઇન્ડિયા જેવી ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટર હતા મહેબુબખાન. ગણ્યા ગણાય નહિ તેટલા કલાકારો, કસબીઓનું મહત્વનું પ્રદાન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રહેલું છે. ખુદ સંજય છેલ્ કેટલાય નામો ઉલ્લેખવાના ભૂલી ગયા હતા. એમાંનું એક નામ ભૂલી ગયા હતા તે હતા આશા પારેખ…

કવિ સંમેલન શરુ થયું. મોરારીબાપુ સાહિત્યના રસિયા એટલે કવિ સંમેલન પૂરતા હાજર રહેલા. સંચાલન કવિશ્રી તુષાર શુકલે કરેલું. તુષાર શુક્લ મિતભાષી, મીઠો અવાજ, એકદમ નરમ અને નમ્ર લાગે. સમય બહુ બગાડે જ નહિ. પોતાની રચનાઓ કે બીજાની શેરો શાયરી વચમાં વચમાં ફેંકવાની આવા કવિ સંમેલનોના સંચાલકોની બૂરી આદતથી જોજન દૂર લાગ્યા. બધા કવિઓના નામ યાદ નથી પણ રઈસ મણિયાર, મુકેશ જોશી, કૃષ્ણ દવે, અનિલ જોશી, ચંદ્રકાંત શાહ જેવા કવિઓ એમની કૃતિઓ રજૂ કરતા હતા. પ્રથમ બધાની એક એક રચના રજૂ કરવાની હતી, કેમકે મોરારીબાપુને જવાનું હતું. એમના ગયા પછી ફરી એકવાર બધાની કૃતિઓ રજૂ થઈ. રઈસ મણિયાર અને મુકેશ જોશી ખૂબ હસાવે.

આજે જય વસાવડાનું મોટાભાગનું લેક્ચર ચૂકી જવાયું કે ભાઈ અમે પેટપૂજા કરવા ગયેલા. જયભાઈ સ્ત્રીઓ વિષે બોલતા હતા. આજની સ્ત્રી હોશિયાર છે. પણ મને ખબર છે કે જયભાઈ વેલ બેલેન્સ્ડ બોલવા ટેવાયેલા છે. સ્ત્રી પુરુષની ખૂબીઓ સાથે ખામીઓ પ્રત્યે પણ અંગુલીનિર્દેશ કર્યા વગર રહે નહિ. કારણ સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની લ્હાયમાં પુરુષોની વેદના કોઈને દેખાતી નથી. પતિઓ વડે પીડાતી સ્ત્રીઓની કથા આખી દુનિયા જાણશે પણ પત્નીઓ વડે ત્રાસ પામતા પુરુષોની કથા કોઈ નહિ જાણે. જયભાઈએ કહ્યું કે દુનિયાની બધી શોધખોળો સર્જન પુરુષો કરતા હોય છે પણ પુરુષનું સર્જન સ્ત્રી કરે છે….તાળીઓ ચાલુ….પણ મારે પૂછવું હતું સ્ત્રીનું સર્જન કોણ કરે છે?? પણ હું ખૂબ દૂર બેઠેલો હતો, એટલે પૂછી ના શક્યો. સ્ત્રીપુરુષ બંને ભેગાં મળીને સ્ત્રી અને પુરુષનું સર્જન કરે છે.

પછી આવ્યા બોલ્ડ ગુજરાતી લેખિકા તરીકે પંકાતા કાજલ ઓઝા વૈદ્ય. એમની વક્રોક્તિ  ઉપર પુરુષોથી તાલીઓ પડાય એવા ટોણા મારી મારીને તાળીઓ મેળવી ખરી. જોકે આ બધા તાળીઓ મેળવવા માટે બોલતા હોય છે તેવું પણ નથી. એમના વક્તવ્યો જ એવા હોય કે તાલીઓ પાડવાનું મન થઈ જાય. કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી આખો દિવસ ગમેતેટલી ફરિયાદો કરશે પણ પછી ફોન કરીને પૂછશે દવા ખાધી?  આજ સ્ત્રી આખો દિવસ કંટાળીને આવીને જમવા બેઠેલાં પતિના ભાણામાં ગરમ રોટલી સાથે કકળાટના કચૂમ્બરમાં મહેણાંના મસાલા મારી મારીને પણ પીરસતી હોય છે તે કહેવાનું કાજલ ઓઝા ભૂલી ગયા.

વુમન એક્ટીવીસ્ટ મહિલાઓના પતિદેવોના ઇન્ટરવ્યું પણ કોઈએ લેવા જોઈએ.

કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી એના કામ પ્રત્યે ફોકસ હોય છે. એક કામ એક સમયે ખૂબ ધ્યાનથી કરતી હોય છે. એમનું કઈ રીતે આવું માનવું છે હું સમજ્યો નહિ. ફેમસ લેખકો બધું સત્ય કહેતા હોય તેવું માની  લેવું નહિ. બાકી સત્ય એ છે કે સ્ત્રી ફક્ત એક કામ પ્રત્યે ફોકસ હોતી નથી. એક સાથે અનેક કામ કરવા ટેવાયેલી હોય છે.સવારે જાગીને સ્ત્રીને એક સાથે અનેક કામ કરવા પડતા હોય છે. બાળકોને તૈયાર કરવા, એમના નાસ્તા વગેરે કરાવીને સ્કુલે મોકલવાના, સાથે સાથે પતિદેવને કદી ના જડતા મોજા શોધી આપવાનાં. સાસુ સસરા હોય તો એમનું સેવા સગવડનું કામ પણ જોડે જ ઊભું હોય. આવા તો અનેક કામ એક સાથે એક સમયગાળામાં કરવાના હોય છે. સ્ત્રી ગેસ પર દૂધ મૂકીને બીજા કામે વળી જતી હોય છે અને કાયમ દૂધ ઊભરાઈ જતું હોય છે. ૧૦૦માંથી ૯૫ સ્ત્રીઓના ગરમ કરવા મુકેલા દૂધ ઊભરાઈ જતા હશે.  સ્ત્રી ટાઈમ કોન્શિયસ હોતી નથી. કોઈ પ્રસંગે જવાનું હોય તો એની ટાપટીપ જલદી પૂરી થાય જ નહિ, ભલે પતિદેવ ગુસ્સે થતા તૈયાર થઈને કલાકથી રાહ જોતા હોય. આમ એક રીતે ગણીએ તો સ્ત્રીને મલ્ટી ફોકસ બનવું પડતું હોય છે. અને એટલે જ ફોકસ હોતી નથી. અને એટલે જ બધી શોધખોળો અને રિસર્ચ મોટાભાગે પુરુષો જ કરતા હોય છે. છતાં અપવાદ બધામાં હોય. જેનું ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ના ઊભરાય તેને પણ અપવાદ ગણવો….સોરી કાજલ ઓઝા વૈદ્ય….

ધ્વનીતને આજે જલસો પડી ગયો કે પ્રાચી દેસાઈ આવી હતી. એને સ્ટેજ પર બોલાવીને એની સાથે મસ્તી મજાકમાં લાઈન મારવા પણ મળી ગયું હતું. પ્રાચીએ કહ્યું પણ ખરું કે મારી મમ્મી તો સાથે જ છે તમારી મમ્મી સાથે લાવ્યા છો? મને લાગે છે મહિના સુધી ધ્વનીતને ઊંઘ નહિ આવે. પ્રાચી મૂળ સુરતની છે. પંચગનીમાં ઊછરેલી અને મુંબઈમાં રહેતી પ્રાચીની મોમ પણ ખૂબ રૂપાળી છે. પ્રાચીના પપ્પાની મને તો જેલસ થાય છે. કશું બળવાની વાસ આવી??  મને પ્રાચી કરિશ્મા અને કરીના કરતા પણ વધુ સુંદર લાગી.

ધૃતિ અમીનના પુસ્તક “પંચાત” નું વિમોચન કરવામાં આવ્યું. બાજુવાળા ભાઈએ મને પૂછ્યું આ પંચાત પુસ્તકમાં શું લખ્યું હશે? મેં કહ્યું કોઈની પંચાત કરવી નહિ એવું લખ્યું હશે, તો એ ભાઈ હસી પડ્યા.

આઈના સંસ્થા કોઈ એકાદ પક્ષ સાથે જોડાયેલી હોય તેવું નથી, એને માટે બધા રાજકીય પક્ષો સરખાં છે. માટે કૉંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ અહીં બોલાવાતા હોય છે. પ્રથમ દિવસે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એમનું વક્તવ્ય આપેલું હતું. એમાં કશું અજુગતું નહિ હોય કોઈએ વિરોધ કરેલો નહિ. બીજા દિવસે મેં જણાવ્યું તેમ મોદી સાહેબનું લાઇવ ભાષણ વિડીયો કૉન્ફરન્સ દ્વારા હતું. અને ત્રીજા અંતિમ દિવસે ફરી પાછાં શક્તિસિંહ બોલવા ઉભા થયા. શક્તિસિંહે લોકોને એક સવાલ પૂછ્યો. એવા કયા સત્તાધીશની નગરી સોનાની હતી? લોકોએ બુમો પાડી જવાબ આપ્યો ‘રાવણ..રાવણ’. હવે એમનું કહેવાનું શરુ થયું કે જેની નગરી સોનાની હોય તો એનો વિકાસ થયેલો ખૂબ કહેવાય કે નહિ? નરેન્દ્ર મોદી કાયમ વિકાસની વાતો કરતા હોય છે, બસ લોકો સમજી ગયા કે શક્તિસિંહનો ઇશારો મોદી સામે છે. શક્તિસિંહ નરેન્દ્ર મોદી એવો શબ્દ પણ બોલ્યા નહોતા. લોકોએ બુમો પાડવાનું અને વિરોધ દર્શાવવાનું શરુ કરી દીધું. શક્તિસિંહ આગળ બોલી શક્યા જ નહોતા એટલી બધી બુમાબુમ થતી હતી. એ બોલવાનું શરુ કરે કે મિત્રો…પણ આગળ કોઈ બોલવા દેવા માંગતું નહોતું. છેવટે સુનીલ નાયક આગળ આવ્યા અને એમને  દોરીને લઈ ગયા. થોડી અફડાતફડી મચી ગઈ. ધ્વનિત, તુષાર શુક્લ વગેરે વારંવાર બે હાથ જોડીને શાંત થઈ જવા અને બેસી જવા અપીલ કર્યા કરતા હતા. સુનીલ નાયકે આવીને નાનકડું હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું ત્યારે લોકો શાંત પડ્યા. એકાદ ચપ્પલ કોઈએ કદાચ ફેંક્યું હશે બાકી ના કોઈ ચપ્પલનો વરસાદ વરસ્યો હતો કે શક્તિસિંહ એવા શબ્દો બોલ્યા જ નહોતા કે મોદી રાવણ છે એનો સંહાર થવો જોઈએ. ગુજરાતમાં છાપાવાળાઓએ ગમેતેમ મસાલા ભભરાવી છાપી નાખ્યું છે.

લોકશાહીમાં દરેકને એનો અવાજ રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. મોદી હોય કે શક્તિસિંહ છોને એ લોકો જે બોલે તે, સમજવાનું અને અમલમાં મૂકવાનું આપણે આપણી બુદ્ધિ વડે હોય છે. જેને મહેમાન તરીકે બોલાવ્યા હોય તેની સાથે ગેરવર્તન કરવું જરાય વાજબી ના કહેવાય. શક્તિસિંહે સમજવાનું હતું કે આ પ્લેટફોર્મ આવી વાતો કરવા માટેનું યોગ્ય નહોતું. એ વિવેક ચૂક્યા તેમ લોકો પણ વિવેક ચૂક્યા. માટે હું કાયમ કહેતો હોઉં છું કે એવેરેજ ભારતીય તર્ક અને બુદ્ધિ વડે વિચારતો જ નથી. લાગણીઓના પુરમાં તણાઈને મૂરખ બનતો હોય છે. ૯-૧૧ વિષે માઈકલ મુરે એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એમાં એક વૃદ્ધ અમેરિકન શ્વેત કાકાશ્રીનો ટૂંકો ઇન્ટરવ્યું હતો. કાકાશ્રી વદતી અવર પ્રૅસિડેન્ટ ઇઝ બીગ એસ હોલ…આ ડોક્યુમેન્ટરી બહુ ફેમસ બનેલી અને લગભગ દરેક અમેરિકને  જોઈ હશે. માજી પ્રમુખ બુશશ્રીએ પણ જોઈ હશે. સાથે એમને દેવાયેલી સ્વસ્તિ પણ સાંભળી જ હશે ને?? અને ખૂબ હસ્યા પણ હોવા જોઈએ….

મંથન સંસ્થાની અપંગ કન્યાઓએ જબરદસ્ત કહેવાય તેવા રાસ ગરબા અને નૃત્યો રજૂ કર્યા. આમેય આપણા લોકોને દીકરો અવતરે તો હરખની હેલી ચડતી હોય છે અને દીકરી અવતરે તો મોઢું કટાણું થઈ જતું હોય છે. એમાંય દીકરી અપંગ હોય તો એની શું હાલત થાય? આવી અપંગ દીકરીઓની એક માતા છે એનું નામ ‘મંથન’ સંસ્થા, અને સવાઈ માતા છે નીરૂબેન. કેટલીક કન્યાઓતો જરાય ચાલી ના શકે તેવી અપંગ હતી. આ બાળાઓના ગજબના પરફોર્મન્સથી ફરી એકવાર ઇમોશનલ થઈ જવાયું.

બે દિવસથી બપોરના એકથી મોડી રાત સુધી આવી રીતે સળંગ બેસી રહેવાનું અઘરું હતું. અંતે અમે પ્રોગ્રામ પૂરો થાય તે પહેલા ભાગી છૂટ્યા. પ્યારાં મિત્રો જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે. કાર્યક્રમોની ભરમાર એટલી બધી હતીકે ના પૂછો વાત. બધાનું વર્ણન કરવું અશક્ય છે. બહાર અમદાવાદની માંડવીની પોળનું આબેહૂબ દ્ગશ્ય ઊભું કરેલું હતું ત્યાં ફોટા પાડ્યા. એક રિક્ષા મૂકેલી હતી એમાં પણ ફોટા પાડ્યા. દુનિયાના વન ઑફ ધ મોસ્ટ હેપી કપલના ફોટા પાડ્યા, અને એમના કૅમેરામાં પાડી પણ આપ્યા. એમની સાથે ક્ષણના સંબંધમાં આત્મીયતા ભળી ગઈ. ગુજરાતીપણાની આજ ખૂબી છે. ગુજરાતી જલદી વિશ્વાસ મૂકી દે છે. આ ખૂબી ક્યારેક છેતરાઈ જવા માટે પણ કારણભૂત બની જતી હોય છે. આત્મીય બનવાનું ગુજરાતીને શીખવવું પડે નહિ.

રાજા તરીકે રામ, રાવણ, યુદ્ધિષ્ઠિર અને દુર્યોધન તમામ શ્રેષ્ઠ હતા. એમની પ્રજા દુખી નહોતી. જે પ્રૉબ્લેમ હતા તે એમના પર્સનલ હતા. લંકા સોનાની હતી કે નહિ કોણ જાણે? મોદી રાવણ હોય કે રામ, શક્તિસિંહ કે શંકરસિંહ રાવણ હોય કે રામ, આઈ ડોન્ટ કેર..મને તો મારી વહાલી ગુજરાત સોનાની જોઈએ..સોનાની જોઈએ..સોનાની જોઈએ…   

27 thoughts on “ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં !!!”

  1. Dear Mahendrasinhji as usual superb and EYE-TO-EYE description…Shri dilipbhai had phe me too but as I was busy in shifting my Flat to Trumbull from bridgerport could not Attend…but your Article had fullfilled…And yes Rekha patel is a GEM of FB….and shall Shine out anywhere if Given a Chance…..My congrates to Daughter of Dhruti amin for winning Miss Gujarat 2012….
    God bless us all..Jay shree krishna
    Sanatkumar Dave ( it’s 11.56 AM 6-9-12 Thursday..USA)..

    Like

  2. well said in details !

    Did you see any interesting books over there?
    Did anyone talk about on how to promote Gujarati literature at national level by writing Hindi in Gujarati Lipi?

    Like

  3. અરેરે બાપુ…તમે આવ્યા અને મળ્યા નહિ? કહ્યું પણ નહિ? મને તો દિલીપભાઈએ એમ કહેલું કે તમે મકાન બદલાવવામાં પડ્યા છો, આવવાના નથી. મેં કહેલું મારી ખાસ યાદી આપજો..વળી મારી પાસે ગયા વખતવાળો ફોન પણ નહોતો. એટલે મને થયું તમે છો જ નહિ અવેલેબલ. હું તો નીકળીને ડેટ્રોઈટ પણ આવી ગયો..તમને ના મળ્યાનો વસવસો રહેશે…

    Like

  4. પહેલો દિવસ ખરેખર મજાનો હતો. આ પહેલાના બે “ચાલો ગુજરાત” દરમ્યાન ડાયરાને પૂરતો સમય ફાળવી શક્યા ન હતા તેનો સંચાલકો, કલાકારો અને પ્રેક્ષકોને અફસોસ હતો એ આ વખતે વધારે સમય આપીને સરભર કરી દીધો એનો આનંદ બધાએં માણ્યો. અને સાંજના વાળામાં વાંકા થયેલા બધાના મોં મલકી ઊઠ્યા હતા. એક ઉમદા પત્રકાર તરીકે છેલ્લા બે દિવસના કાર્યક્રમનું સંક્ષિપ્ત અને સુંદર આલેખન.

    Like

  5. એક વાત કહેવાની રહી ગઈ કે જો ભીખુદાન ગઢવી અને ભારતીબેનને સાંભળવા હોય તો આ રવિવારે ગુજરાતી લિટરરી એકેડમીનો કાર્યક્રમ છે તો આવજો ટીવી એશિયામાં બપોરે બે વાગે.

    Like

  6. તમે રિક્ષામાં બેસીને જુનાગઢ બતાડી દીધું ને આટલી વિગતે લખીને વાચકને છે…ક ત્યાં લઈ ગયા !!

    સરસ, સચિત્ર ને તમારા દૃષ્ટિકોણે મઢેલો અહેવાલ ! અભિનંદન.

    Like

  7. ગરવી ગુજરાતની પરમ્પરાને ઉજાગર કરતાં આવા કાર્યક્રમો પશ્ચિમના દેશોમાં આવી અનોખી રીતે આયોજન થાય, અને ભવ્યાતિભવ્ય રીતે સંમ્પન્ન થાય ,ત્યારે ખરેખર માહ્યલો નાચી ઉઠે છે. અમેરિકા દેશમાં જન્મેલા આજની પેઢીના બાળકો માટે આવો પ્રોગ્રામ મારા જેવા અનેક પ્રૌઢોને ખુબ જ આશીર્વાદરૂપ ભાસે છે. આપણી અસલીયતની રજૂઆત ને ભૂલી જવાતી પરમ્પરાને જીવંત અને તાદ્રશ્ય રીતે રજુ થતાં આવા કાર્યક્રમો અહીના બોર્ન અને બ્રોટપ જનરેશન માટે આવતીકાલની એક ઉજ્જવળ આશાઓનું કિરણ લઈને આવતો જણાય છે. તથા અન્ય બહારના આમન્ત્રીતોને પણ ગુજરાતની અસલીયત અને સંસ્કારિતાનું દર્શન થાય છે.
    અને હા, છેલ્લે કહેવાનું મન થાય કે, આ કાર્યક્રમમાં એક દુર્ઘટના બની તે સદૈવ આ પ્રોગ્રામ માટે એક કાળી ટીલી સમાન રહેશે. આમાં કોઈ વ્યક્તિ રજૂઆત કરે, અને તે મહેમાન તરીકે આમંત્રિત થયા હોય ત્યારે મહેમાનગીરીની ગરિમા જળવાય તે ખાસ જોવું અને વિચારવું પડે. વક્તા જે કઈ બોલે તેને સમજીને તેનું મુલ્યાંકન આપણે જાતે જ કરવાનું હોય. અને આ બાબતને ઇન્ડીયામાં વિકૃતિ સભર રજુ કરવામાં આવે તે દુખદ છે.
    આવા કાર્યક્રમો ખરેખર ગુજ્જુઓની આત્મીયતાને વધારવા માટે અને અસ્મિતાને ઉંચેરી બનાવવા માટે આવશ્યક છે. ફરી ફરીને આવા કાર્યક્રમોની ઇન્તેજારીઓ સાથે મારી વાતને વિરામ આપું છું..!! જય જય ગરવી ગુજરાત.. જય ગુજરાત.

    Like

  8. કાર્તિકભાઇ ‘ચાલો એડીશન’ નો જીવંત અહેવાલ ફેસબુક પર મુકવા બદલ ખોબલા ભરી ભરીને અભિનંદન. અહેવાલ વાંચીને જાણે આપની સાથે પ્રોગ્રામમાં હાજર હોય તેવી લાગણી અનુભવી !

    Like

  9. 1) મને પણ એ વાત ખુબ કઠિ કે , લોકોને ઉશ્કેરવા આટલા સરળ કેમ છે ? મેં વિડીયોમાં જોયું એમ કોઈ વાતે આ હાહાકાર શાંત જ નતો થતો !

    2) આપણે ભારતીયોને , વિદેશની ભૂમિ પર જો થોડુંકેય ભારત/ગુજરાત મળી જાય , તો તરત એના લક્ષણ ઝળકાવવા માંડે છે . કદાચ આપણને અવ્યવસ્થા/ Chaos ખુબ જ પસંદ છે !

    3) જો આપણે ગુજરાતની સિધ્ધિઓ જ માણવા ભેગા થયા હોઈએ તો ખાઈ પી / હળવા મળવા / ને આનંદ ની જ વાતો કેમ નહી ?

    4) અને છેલ્લે , ઇમોશનલ થવું એ આંખ અને હૃદય બંને માટે સારું છે : )

    Like

  10. હમમ ..સરસ વર્ણન …પણ શક્તિસિંહ ભૂલ્યા લાગે છે…એમ તો શ્રી કૃષ્ણ ની દ્વારકા પણ સોનાની હતી. પણ હા…એટલું ખરું કે…લંકા બળીને ખાક થઇ ગઈ હતી અને દ્વારકા ડૂબીને ખોવાઈ ગયી હતી…બનેના શાસકો ને જનતા આજે પણ યાદ કરે છે.

    Like

  11. બીજું ગાંધીજી એ ક્યારે એમ નથી કહ્યું કે એ રાજકારણી નોહતા. મારી દ્રષ્ટિ એ એક નિષ્ફળ રાજકારણી હતા. આસપાસ ના નેતાઓ એ એમનો ફાયદો ઉઠાવ્યો. અને આઝાદી પાક્કી થઇ ત્યારે એમને સાઈડ લાઈન કરવામાં આવ્યા. એટલે એ રીતે બાપુ (મોરારી) સાચા છે. એમની આધ્યાત્મિકતા ,ગાંધીવાદ અને ગાંધીગીરી જેવી વાતો ની ચર્ચા વધારે થાય છે નહિ કે એમના રાજીકીય અચીવમેંટની. રાજકીય અચીવમેંટ તો સરદાર ના લોકો ભૂલે તેમ નથી.

    Like

  12. સંપૂર્ણ લેખ વાંચી ભાવવિભોર થયો… આપની આંખોમાં આંસુ આવ્યાં એ ગુજરાત પ્રત્યેના આપના પ્રેમની પરાકાષ્ટા ઉજાગર કરે છે… લાજવાબ બાપુ તમારા શબ્દો અને તમે પણ હહાહાહા

    Like

  13. thank you bhupendrasinhji for the words of appreciation! i enjoyed the show more than the audience did. baaki, mane to mast ungh aave chhe!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s