શું આપણે આઝાદ થયા છીએ?

શું આપણે આઝાદ થયા છીએ?

આઝાદીને ૬૫ વર્ષ વીતી ગયા. શું આપણે આઝાદ થયા છીએ? સ્વતંત્ર થયા છીએ? એક દિવસ એવો જતો નથી કે કોઈ રાજકર્તા કે ધર્મકર્તાનું સ્કેન્ડલ બહારા ના પડે. રોજ કોઈને કોઈ રાજકારણી,  કે ધર્મકારણીનું નાનું કે મોટું ગમે તે પ્રકારનું  કૌભાંડ બહાર પડતું જ હોય છે. અને જો કોઈ કૌભાંડ બહાર પડ્યા વગરનો દિવસ જાય તો એવું લાગે કે આજે સૂર્ય ઊગવાનો નથી કે શું? પ્રજા પણ જાણે ટેવાઈ ગઈ છે. થોડો ઊહાપોહ અને જાણે બીજા કૌભાંડ બહાર પડવાની રાહ જોતી હોય તેવું લાગતી હોય છે જેથી બે ચાર દિવસ જે મસાલો વાતો કરવાનો પૂરો પડ્યો, પછી હતા ત્યાંને ત્યાં. ધર્મગુરુઓ વેપારી બની ચૂક્યા છે અને હવે તો હિંસક પણ બનવા લાગ્યા છે. પ્રજામાં વિરોધ કરવાની હવે શક્તિ જ જાણે બચી નથી. આ લોકો કોઈ પણ હદે જઈ  શકે છે. નિર્મળબાબા કરોડો લોકોને રોજ મૂરખ બનાવતા હતા, જાણે દેશનું બુદ્ધિધન ઘાસ ચરવા ગયું છે. અને ખરેખર એવું લાગે છે કે હવે બુદ્ધિ અને તર્ક કઈ બલા છે તેવું પુછાય તો નવાઈ નહિ લાગે. કોઈ મારા જેવો વિરોધ કરે તો રેશનાલીસ્ટ કે સો કોલ્ડ બુદ્ધિવાદી કહીને ગાળ દેવામાં આવે છે. બુદ્ધિયુક્ત કે તર્કયુક્ત સવાલ પૂછો તો લાગણીવિહીન સમજી લેવાય છે. છે ને હસવા જેવી વાત? ગુરુ હવે ગેન્ગસ્ટરનો પર્યાય બનવા લાગ્યો છે. સેવાભાવી ટ્રસ્ટના નામે આશ્રમો ખોલીને બેસી જવાય છે. જેથી ઇન્કમ ટૅક્સમાં રાહત મળે, અને ધાર્મિક ટ્રસ્ટ હોય એટલે પછી કઈ પૂછવાનું રહે નહિ. ધાર્મિક વડાઓને વાદે દેશના કહેવાતા સેવકો પણ આશ્રમો ખોલીને બેસી જાય છે. સાબરમતી, વર્ધા અને પવનારના આશ્રમો ટુરિસ્ટ લોકો માટે હવે ફક્ત જોવાના સ્થળ રહી ગયા છે. ધર્મ, મોક્ષ, પરલોક, આત્મકલ્યાણનાં નામે આપણે પલાયનવાદ સિવાય કશું શીખ્યા નથી.

 

ભૂતકાળના મીનીસ્ટરો પર આજે કેસ ચાલતા હોય છે. સાબિત ના થાય ત્યાં સુધી પાછો ગુનેગાર ગણાય  નહિ, આમ હજારો ગુનેગારો રાજકાજ કર્યા કરતા હોય છે. એક પણ પક્ષ ઉપર ભરોસો કરાય તેવું રહ્યું નથી. સત્તા વગરના પક્ષો ડાહી ડાહી વાતો કરતા હોય છે. શાસક પક્ષની શક્ય વગોવણી કરતા હોય છે. એમાં માત્ર તમે ફાવી ગયા અને અમે રહી ગયા તે જ ભાવના હોય છે. આ દેશને લૂંટવાનો અમારો વારો ક્યારે આવશે તેની જ રાહ જોવાતી હોય છે. પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. પ્રજા પાસે કોઈ ચોઈસ હોતી નથી. પ્રજા બચારી અખતરા કર્યા કરતી હોય છે. એકને ઉતારી બીજાને ગાદી બેસાડે, બીજાને ઉતારી પહેલાને ગાદી બેસાડે.

 

દિલ્હીનાં તખ્ત પર પૃથ્વીરાજ બેસે, અકબર બેસે, અંગ્રેજ બેસે કૉંગ્રેસ બેસે કે ભાજપા પ્રજાને કોઈ ફરક પડતો નથી. એમનું ગાડું ગબડે જાય તો પત્યું. જે લડાઈઓ છે તે તખ્ત કબજે કરવાની ઇચ્છા ધરાવનારાઓની છે. તખ્ત કબજે કરવા નાં છુટકે ક્યાંક બિન સત્તાધારીઓ પ્રજાને હલાવે છે. તે પણ જરૂર પૂરતી. તખ્ત મળી ગયું વાર્તા પૂરી.  ક્યાંક કોઈ રાણો પ્રતાપ, કોઈ ગોવિંદસિંહ કે શિવાજી એકલાં એકલાં ઝઝૂમે છે.  રાણા પ્રતાપનું ક્ષેત્ર મર્યાદિત હતું. એક વણિક  પ્રજાને હાથમાં તેગ અને દેગ આપી , કચ્છ-કડુ-કિરપાણ  આપી બહાદુર બનાવવી  કોઈ નાનીસુની વાત નહોતી. પણ  ગુરુ ગોવિંદસિંહને એમના સમૂહ પૂરતો રસ વધુ હતો. એમને એમના શીખોમાં જ રસ હતો. આખા દેશની પ્રજાને જાગૃત કરવાનો વિચાર આવ્યો નહોતો. કારણ તે ધાર્મિક ગુરુ હતા. અને આવ્યો હોત તો પણ અલગ અલગ ચોકામાં વહેંચાયેલી પ્રજા માનત કે કેમ? ખાલસા પંથની સ્થાપના સમયે એમણે જાહેર કરી દીધેલું કે હવે આપણે શીખ છીએ અને હવેથી કોઈએ હિંદુ અને મુસ્લિમ રિવાજો પાળવાની જરૂર નથી. આમ તેઓ હિંદુ નથી તે આડકતરી રીતે કહી દીધું હતું.

 

શિવાજી માટે દક્ખણમાં બધું સમાઈ જતું હતું. દખ્ખણ પણ મર્યાદિત હતું, મહારાષ્ટ્ર પૂરતું. આ બળવાન મહાપુરુષોએ આખા દેશને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જણાતું નથી. એમના ક્ષેત્રો એમના પૂરતા મર્યાદિત હતા. પૈસા ખૂટ્યા તો શિવાજી બે વાર ગુજરાતને(સુરત) લૂંટી ગયા હતા. છતાં આપણે એમના માટે ગર્વ અનુભવીએ છીએ કે આ માણસે ધર્માન્ધતાને ખાળી હતી. એના રાજ્યમાં ક્યારેય કોઈ મુસલમાનને તકલીફ પહોચી નહોતી.  અંગ્રેજો આખા હિન્દુસ્તાનને કબજે કરીને બેસી ગયેલા હતા. ૧૮૫૭ના બળવાને આપણે ક્રાંતિ કહીશું? કે જે રાજાઓના રાજ્યો અંગ્રેજોએ ખાલસા કર્યા હતા તેમની સત્તા પાછી મેળવવાની લડાઈ માત્ર હતી? ૧૮૫૭નાં વિપ્લવવાદીઓને બહાદુર ગણાતાં શીખોનો સાથ જરાય નહોતો મળ્યો. ઉલટાની એ લોકોએ અંગ્રેજ ફોજોને મદદ કરેલી. ખાબોચીયાઓમાં વહેંચાયેલા રાજાઓ ઉદાસીન રહ્યા. રોટી અને કમળ વહેંચીને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.  સદીઓથી સુસ્ત રહેલી પ્રજાને જગાડવી બહુ મુશ્કેલ કામ છે. કાલ્પનિક પરલોકની ચિંતામાં આ પ્રજા એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે આ લોકમાં જે થવું હોય તે થાય આપણે શું એવો રવૈયો લોહીમાં વણાઈ ગયો છે. ગુજરાતમાં આ વિપ્લવની અસર નહિવત્ હતી. જે અસર હતી તે મધ્ય ભારતમાં હતી. વડોદરાના ખંડેરાવ  જેવા અનેક રાજાઓએ નાનાસાહેબ પેશ્વા આણી મંડળીને સાથ નાં આપ્યો. કૌવત વગરના રાજા-પ્રજાના સૈન્ય શિસ્તબદ્ધ હોશિયાર અંગ્રેજોમાં સામે હારી ગયા.

 

આઝાદીની લડત સમયે આખા દેશને જગાડવાનો પ્રયત્ન  જરૂર થયો હતો, પણ એ કોઈ ફ્રેંચ રેવોલ્યુશન જેવી મહાન ક્રાંતિ હતી કે જેણે આખા યુરોપને ઝકઝોળી નાખ્યો હતો? કે ખાલી સત્તાપરિવર્તન હતું? વિદેશી લુટારાઓના હાથમાંથી દેશી લુટારાઓના હાથમાં થયેલું સત્તાપરિવર્તન માત્ર હતું?  પ્રૉબ્લેમ એ હતો કે તે સમયે શસ્ત્ર અહિંસાનું અપનાવેલું હતું. સર્વાઈવલ માટે લડવું એને હિંસા ના કહેવાય. ૨૦૦ મિલિયન(૨૦૦૦ લાખ) વર્ષથી મેમલ સર્વાઈવલ માટે લડતા આવ્યા છે. નૉર્મલ હિંસા કરતા આવ્યા છે. સર્વાઈવલ માટે નૉર્મલ હિંસા આપણા જિન્સમાં સમાયેલી છે. એક નાના નોળિયો(મંગૂસ) સિંહ સામે થઈ જતો હોય છે જીવ પર આવી જાય ત્યારે. સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ કરવી હોય તો પુષ્કળ ધન, સશ્ત્રો, પુરવઠો જોઈએ. સાથે સાથે જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવનારા સેનાપતિઓ અને પૂરતું આયોજન જોઈએ. જે આપણી શક્તિ બહારનું હતું. ધાર્મિક અતિરેકે યોદ્ધાઓની ખેતી ભારતમાં લગભગ બંધ જેવી હતી. જ્યાં સુધી આઝાદીની લડત ચાલતી રહી પ્રજાના અવચેતનમાં હિંસા જમા થતી રહી. અંગ્રેજો સામે હિંસા કરી હોત તો તે નૉર્મલ હતું. તમને કોઈ લાઠી મારે તો ભલે અહિંસાનું વ્રત લીધું હોય મારનાર ઉપર ક્રોધ તો ચડે જ છે. અને આ સમાચાર જાણી એમાં પ્રત્યક્ષ ભાગ ના લેનારાને પણ મારનારા પર ક્રોધ ચડે જ છે.  ૧૦ લાખ ભારતીય હિંદુ મુસ્લિમ અંગ્રેજો સામે લડ્યા હોત…મર્યા હોત તો દેશ આજે જુદો હોત. બસ આઝાદી મળી ગઈ અને હિંસા ભડકી ઊઠી. એને શરુ થતા ગાંધીજી પણ રોકી શક્યા નહિ. છેવટે ધર્મ આડે આવી જ ગયો. ધર્મના નામે દુનિયાના સૌથી મોટા પડેલા ભાગલા અને હત્યાઓ એટલે ભારતની આઝાદીનું પરિણામ..  ૧૦ લાખનું બલિદાન લીધા પછી હિંસાનો અગ્નિ બુઝાયો.

ઘેટાના ટોળાં હિંસા કરી શકે ક્રાંતિ નહિ. આપણી સહિષ્ણુતા મજબૂરી છે. આપણે કમજોર છીએ માટે સહનશીલ છીએ, સમજદાર છીએ, સાલસ અને સરળ છીએ. આપણે કમજોર છીએ માટે અહિંસક છીએ. રાજકર્તાનો ટેકો મળે તો આપણે હિંસક બનતા વાર કરીએ તેવા નથી. આપણે બિનસાંપ્રદાયિકતાનાં ગીતો ગાઈએ છીએ કેમકે આપણે ડરપોક છીએ. આપણે સાંપ્રદાયિક છીએ કેમકે આપણે કમજોરી મહેસુસ કરીએ છીએ. બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ધમાલ મચાવે છે પણ આપણે વખોડી શકતા નથી. એ સમયે આપણી ડરપોક બિનસાંપ્રદાયિકતા ચુપ રહેવાનું મુનાસિબ સમજે છે. મોદીના ઝનૂની ભક્તો અને ઝનૂની વિરોધીઓ જરા તમારી અંદર ટટોળી જુઓ તો પેલો ડર તો અંદર નથી બેઠો ને?

 

અવતારવાદની થીયરીએ એક જબરદસ્ત ભ્રમ ઊભો કરી નાખ્યો છે.  એક ભ્રમ દૂર કરવા એનાથી મોટો ભ્રમ પાળવો મને તો યોગ્ય લાગતું નથી. પ્લસીબો અસલી દવાની જગ્યા ક્યારેય ના લઈ શકે. હંગામી રાહત કે દિલાસો જરૂર આપે.   વિધાતા પર વિશ્વાસ રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ભજન કરો, આરતી ઉતારો, દુખ સારું, સુખમાં છકી જવાય, દુઃખમાં પ્રભુ સાંભરે માટે દુખ સારું, ગયા જનમના કર્મ ભોગવીએ છીએ માટે ચુપચાપ સહન કરો આવતા જન્મે સુખ જ સુખ છે. ગેસનો બાટલો ૬૦ રૂપિયાથી ક્રમશઃ ૪૦૦ રૂપિયા પહોચી જાય, નો પ્રૉબ્લેમ. આપણે તો  સહનશીલ  કહેવાઈએ. સહન કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે તેનો કોઈ ઉપાય નથી. ભૂખ્યાજનો ક્રાંતિ કરી શકે નહિ. એમને ખાવાની પડી હોય છે સુધારાની નહિ. પેટમાં અન્ન  ના પડ્યું હોય તો બ્રેઈન બંધ થઈ જતું હોય છે. મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી. ધરાયેલા લોકો હતા.  ખુદ ગાંધીજી જેવા અપરિગ્રહી માણસને પણ બિરલા જેવા સાથ આપતા હતા. અનેક નામી અનામી લોકો ફંડ આપતા હતા. અમુક રાજામહારાજાઓ પણ ખાનગીમાં ફંડ આપતા હતા. ગોંડલનાં મહારાજા ભગવતસિંહ ગુપ્ત રીતે ગાંધીજીને મદદ કરતા હતા તેવું વાંચેલું છે.  ૧૮૫૭નો બળવો કોણે કરેલો? ..સાધન સંપન્ન પેશ્વા અને ઝાંસીની રાણી જેવા લોકોએ કરેલો. દુર્ભાગ્યે સફળ ના થયા. આઝાદીની ચળવળ શરુ કરનારા કોણ હતા? લગભગ મોટાભાગના બૅરિસ્ટર અને વકીલો હતા, બુદ્ધિજીવી હતા, ચિંતકો હતા. એમાય આજના જમાનામાં તો ગરીબનું કામ જ નથી કે કશું નવું સુધારાનું કામ કરી શકે.

 

બુદ્ધિજીવી, ભણેલા ગણેલા લોકોએ રાજકારણમાં રસ લેવો જ પડશે. પ્રજાએ પણ આવા લોકોને ચૂંટણી લડવા મજબૂર કરવા પડશે. એક તો પહેલા ઘરડા ગાડાં વાળે તે કહેવત કોરાણે મૂકી દેવી પડશે. યુવાન લોકોને સત્તા સોંપવી પડશે. ઉંમર વધતા પુરુષના શરીરમાંથી testosterone લેવલ નીચું જવા માંડતું હોય છે. લગભગ ૪૨ વર્ષ પછી આ મર્દાનગી હોર્મોન્સ ઓછું થવા લાગતું હોય છે. માણસ સ્વભાવે ઢીલો પડતો જાય છે. આક્રમકતા માટે જવાબદાર આ હોર્મોન ઓછું થવાથી સખત નિર્ણય લેવામાં માણસ નબળો પડે છે. સત્તાધીશોએ મોટાભાગે આકરાં નિર્ણય લેવા જ પડતા હોય છે. આપણી કબરમાં પગ લટકાવી બેઠેલી નેતાગીરી પછી કઈ રીતે કસાબને ફાંસી આપી શકે? ઘરડા માણસને બધાને ખુશ રાખવાની પડી હોય છે. રાજીવ ગાંધી સિવાય ભારતે ક્યારેય યુવાન વડોપ્રધાન જોયો નથી. અને યુવાન રાષ્ટ્રપતિ તો જોયો જ નથી. ઘડપણ માણસને નાહિંમત બનાવી દેતું હોય છે.  એક વર્લ્ડ  ટ્રેડ  સેન્ટર અને એમાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કરવા અમેરિકા આખા અફઘાનિસ્તાનને ધમરોળી નાખે છે. ઓબામા લાદેનને પારકા પ્રદેશમાંથી ઊચકી લેવડાવે છે. આપણી બીમાર વૃદ્ધ નેતાગીરી ખંધાર જઈને માનવતાના શત્રુઓને સામે ચાલીને મૂકી આવવામાં ગર્વ અનુભવે છે. એ પ્લેઇનમાં  માર્યા ગયેલા જસ્ટ મેરીડ યુવાનની વિધવાને મળવાનું સૌજન્ય આપણો  સરખું ચાલી ના શકતો વડોપ્રધાન દાખવી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં એક  કહેવત છે મોઢું વાઘનું અને પૂંઠ શિયાળની. એ યુવાન વિધવાને મળવાનું સૌજન્ય દાખવે છે બીલ ક્લીન્ટન. વડાપ્રધાન માટે ૩૫ થી ૫૮ વર્ષની ઉંમરનો નિયમ રાખવો જોઈએ. જે માણસ ઝડપથી ચાલી શકતો ના હોય તે ઝડપથી શું નિર્ણય લેવાનો હતો? પુરુષની જેમ ઉંમર વધતી જાય તેમ testosterone ઓછું થતું જાય સાથે સાથે સ્ત્રૈણ હાર્મોન્સનું જોર વધતું જતું  હોય છે.  રાજાના માથે એક સફેદ વાળ દેખાય અને યુવરાજને ગાદી સોંપી દેતા. એ રિવાજ ખોટો નહોતો.

 

સંભવામિ યુગે યુગે નિત્ય ગાયા કરતી પ્રજા પાસેથી તમે ક્રાંતિની આશા કઈ રીતે રાખી શકો?

16 thoughts on “શું આપણે આઝાદ થયા છીએ?”

 1. “અહિંસા એટલે સુક્ષ્મ કાયરતા”
  અહિંસા રાજનીતિ માં ન ચાલે અહી કડક હાથે કામ લેવાનું હોય છે,જયારે રાજકારણીયો અને ધર્મ ગુરુઓ અહિંસા ના પાઠ ભણાવી ભણાવી આપણી પ્રજા ને માયકાંગલી કરી દીધી છે.

  હક્ક માટે લડવું પડે,અને લડાઈ માં અહિંસા ના ચલે.

  આપણે ડર ના કારણે હિંસા નથી કરતા,બાકી આપણા જેવા હિંસક કોઈ નથી,બાળકો કે અબળા નારીઓ સાથે મારઝૂડ કરવામાં આપણે મર્દાનગી સમજીએ છીએ………..!!!!

  વાહ રે ભારત દેશ ની અહિંસા ને ધન્ય છે….!!!!!!!!!

  Like

 2. બધી વાતો સાથે એગ્રી ,પણ શિવાજી મહારાજ ને લુટારુ કેહવા કેટલા યોગ્ય છે? મારી દ્રષ્ટિ એ પોતાનું પેટ માત્ર ભરવા લુટ-ફટ કરતા હોય એ લુટારુ કેહવાય. શિવાજી પોતાના પેટ માટે તો ન’તા જ કરતા. એક બાજુ તમે જ કહો છો કે “સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ કરવી હોય તો પુષ્કળ ધન, સશ્ત્રો, પુરવઠો જોઈએ. સાથે સાથે જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવનારા સેનાપતિઓ ..” અને બીજી બાજુ એને જ તમે લુટારુ તરીકે ઓળખાવો છો , તો તો પછી ક્રાંતિ-કારીઓ પણ એજ થયા ને? આં બધી જ વાતો માં તટસ્થ રેહવાની નેહરુ નીતિ દેશ ને બૌ ભારે પડી છે. “अगर न होत सिवाजी तो सबकी होत सुन्नत ” એવું ક્યાંક વાંચ્યાનું યાદ છે. લેખ કાબિલે-તારીફ છે.

  Like

  1. શિવાજીના વખાણ કર્યા તે દેખાયું જ નહિ? શિવાજી સુરત લુટી ગયા હતા પણ મેં એમના માટે લુટારુ શબ્દ વાપર્યો જ નથી. મારા આદર્શ મહાપુરુષોમાં મેં શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ ગણાવેલા છે.

   Like

 3. ૧) શિવાજી મહારાજે સુરત લૂંટ્યું નહોતું. ચાલાક ગુજરાતીઓએ તેમને મદદ કરી પણ મુસલમાન રાજકર્તા ગુસ્સે ના થાય તે માટે લુંટાયા હોવાનું નાટક કર્યું હતું.
  ૨) અહિંસક લડતથી આઝાદી મળી તેનો આંશિક શ્રેય અંગ્રેજોને પણ આપવો જોઈએ. બીજા યુરોપિયન શાષકોએ આવી લડતને દબાવી દીધી હોત.
  ૩) આપણા બહુ ઓછા કુટુંબો એવા છે કે જેમાંથી કોઈ પૂર્વજે ભોગ આપ્યો હોય. તેથી આપણને આઝાદીની કદર નથી.

  Like

 4. આઝાદી મળી છે સ્વતંત્રની પરતંત્ર સાધુડા અને ભુવાઓનાં હાથમાં છે આજ સવારે જ સોની ટીવી પર ગોવિંદો બધાને ”દુ” બનાવતો હતો…. લક્ષ્મી મેળવવાનો શોર્ટકટ બતાવતો હતો દેશી અને વિદેશીઓ વચ્ચે, ફસાય છે બધા ફસાનેવાળા ચાહિયે ગર્ભ શ્રીમંતો અને એજ્યુકેટેડ બધા ફસાય મારા જેવો અભણ કિનારો કરી લે હહાહાહાહા

  Like

 5. ગુરુ હવે ગેન્ગસ્ટરનો પર્યાય બનવા લાગ્યો છે.
  *એક પણ પક્ષ ઉપર ભરોસો કરાય તેવું રહ્યું નથી.

  *સત્તા વગરના પક્ષો ડાહી ડાહી વાતો કરતા હોય છે. શાસક પક્ષની શક્ય વગોવણી કરતા હોય છે. એમાં માત્ર તમે ફાવી ગયા અને અમે રહી ગયા તે જ ભાવના હોય છે. આ દેશને લૂંટવાનો અમારો વારો ક્યારે આવશે તેની જ રાહ જોવાતી હોય છે. પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. પ્રજા પાસે કોઈ ચોઈસ હોતી નથી. પ્રજા બચારી અખતરા કર્યા કરતી હોય છે. એકને ઉતારી બીજાને ગાદી બેસાડે, બીજાને ઉતારી પહેલાને ગાદી બેસાડે.

  *દિલ્હીનાં તખ્ત પર પૃથ્વીરાજ બેસે, અકબર બેસે, અંગ્રેજ બેસે કૉંગ્રેસ બેસે કે ભાજપા પ્રજાને કોઈ ફરક પડતો નથી.

  *આપણે બિનસાંપ્રદાયિકતાનાં ગીતો ગાઈએ છીએ કેમકે આપણે ડરપોક છીએ. આપણે સાંપ્રદાયિક છીએ કેમકે આપણે કમજોરી મહેસુસ કરીએ છીએ.

  **મોદીના ઝનૂની ભક્તો અને ઝનૂની વિરોધીઓ જરા તમારી અંદર ટટોળી જુઓ તો પેલો ડર તો અંદર નથી બેઠો ને?

  **સંભવામિ યુગે યુગે નિત્ય ગાયા કરતી પ્રજા પાસેથી તમે ક્રાંતિની આશા કઈ રીતે રાખી શકો?

  જબ્બર આક્રમક શૈલી માં લખ્યું છે, અપનો ગુસ્સો જાયજ છે…………
  a SUPERB ARTICLE BY BAPPU…….

  Like

 6. આઝાદી મળી પરતંત્રની સ્વતંત્રતા ક્યાય ખોવાય ગઈ સાધુડા બાવાઓ અને કહેવાતા આસ્તિકો અને ઓલીયાઓનો લુણો લાગ્યો છે આ દેશને આ દેશના બધા ધર્મોને તર્ક વિહોણી વાતોથી મારું નાનું મગજ બેર મારી ગયું છે

  Like

 7. સદિયાં હમને સહી ગુલામી
  દેકર અસંખ્ય કુરબાની
  બડી મુશ્કિલ સે પાયી આઝાદી
  પર ક્યા હમ આઝાદ હૈ?

  શું આપણે આઝાદ થયા છીએ? આ સવાલ પૂછવા જતા જૂના જખ્મો તાજા થઈ જાય છે. ”હમ આઝાદ હૈ” – યહ ખયાલ અચ્છા હૈ દિલ બહેલાને કે લિયે… રામચરિત માનસ જેવા પૂર્ણઆગ્રહી વિચારપોષક ગ્રંથના સર્જક તુલસીદાસજીની ઓછી જાણીતી એવી પંક્તિ છે: ”પરાધિન સપનેહૂં સુખ નાહિં”… આપણે જો પરાધીન છીએ તો સપનામાં પણ સુખ પ્રાપ્ત ન થાય. આપણને મળેલી આઝાદીને સુખની દ્રષ્ટિએ મૂલવીએ તો ચિત્ર બહુ સંતોષજનક નથી. રાજનીતિક આઝાદી તો મળી ગઈ પણ સામાજિક, સાંસ્કૃતિક અને માનસિક સ્તરે આઝાદી પૂર્ણપણે મળી નથી. આઝાદ ભારતમાં કેટલીક સ્થિતિ હજુયે એવી જ છે જે ગુલામ ભારતમાં હતી. ગરીબી, નિરક્ષરતા, અંધવિશ્વાસ, ધાર્મિક અને જાતિગત વૈમનસ્ય, ભ્રષ્ટાચાર…. આઝાદીના 65 વર્ષો પછી પણ જાતિ આધારિત મોબિલાઈઝેશન ઘટવાને બદલે વધ્યું છે. આપણો સમાજ આજે પણ જાતિ અને ધર્મોમાં વિખરાયેલો પડ્યો છે. ઈમાનદાર નેતૃત્વનો અભાવ એ આપણી મોટામાં મોટી નિષ્ફળતા છે. તો અંધવિશ્વાસ, ચમત્કાર, ભૂત-પ્રેત અને ભવિષ્યવાણી જેવી અકર્મણ્યતા ના બકવાસને અતિક્રમીને વૈજ્ઞાનિક શિક્ષા, છેવાડાના માણસ સુધી પહોંચી જ નથી- આ આપણી બીજી નિષ્ફળતા છે. આપણી સફળતા ધાર્મિક સ્થળોએ એરકંડીશનર, પંખા, લાઉડસ્પીકર, ટીવી અને સીડીની વ્યવસ્થા કરવા પૂરતી જ સીમિત છે.

  Like

 8. તમારી વાત સાથે સહમત પણ હવે આદેશ ને મોદીજી જ ઉઘારી શકશે. યુગપુરુષ ની વ્યાખ્યા માં આવી જાય તેવો.
  જયારે આપણને આઝાદી મળી તે દિવસે ગાંધી બાપુ કોલકત્તા માં એક મુસ્લિમ ને ત્યાં આરામ ફરમાવી રહ્યા હતા.
  વાહ ગાંધી તમારા વિચારો એ હવે આસામ પછી ઉત્તરપ્રદેશ અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તમે જ અહિંસા ના પાઠ શીખવાડી ને અમને
  માયકાંગલા બનાવી ને ગયા છો. ખેર હવે લોકો એ સાચું બહાર લાવવું જોઈએ ગાંધી વિષે. ગેરકાનૂની રીતે રહેતા બાંગ્લાદેશીઓને બધીજ
  સુવિધા આપાય છે અને બિચારા ત્રાસી ગયેલા હિંદુઓ કે જે પાકિસ્તાન માં નર્ક ની જિંદગી જીવી રહ્યા છે તેમને વિઝા આપવા માં ઠાગાઠૈયા
  ગાંધી ની કોન્ગ્રેસ કરે છે. જાગો ઇન્ડિયા જાગો. શાસ્ત્ર કરતા હવે શસ્ત્ર ની વધારે જરૂર છે.

  Like

 9. એ બાપુ સુવા દો ને! શું કામ હજાર વર્ષથી સૂતેલાને ઉઠાડો છો.

  કાયર વ્યક્તિને ક્યારેય અહિંસાની વાત કરવા જ ના દેવાય. ક્ષમા તો વીર નું ભુષણ છે; કોઈ કાયરનું નહીં.ભારતની પ્રજાને જ કોઈને કોઈનું ગુલામ રહેવું ગમે છે. પેલા બાદશાહોનું પછી અંગ્રેજોનું, ને અત્યારે અમુક ગણ્યા ગઠયા લોકોનું!

  વ્યક્તિગત રીતે કોઈ કેટલું પણ મહાન હોય પરંતુ જો તેનાથી રાષ્ટ્રમાં કે સમાજમાં કઈ ફેરફાર નથી આવતો (સ્થાઈ ફેરફાર – ફક્ત એક પેઢી સુધી સીમિત નહીં ) તો વ્યર્થ જ છે.

  આમાં તો ભારતના ઈતિહાસમાં એક જ વ્યક્તિ દેખાય છે- ચાણક્ય. કે જેણે સમગ્ર રાષ્ટને એક કર્યું. એક જ મંત્ર રાષ્ટ્ર ની વચ્ચે આવે તેનો નાશ.

  અત્યારે ભારતમાં તો કોઈ સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક લીડર કરતાં કોઈ રાષ્ટ્રવાદી લીડરની વધારે જરૂર છે.

  Like

 10. hahahaahahah

  સાવ સાચી વાત………આપણે તો ” ઘરડા ગાડાં વાળે “એ કહેવતને વળગીને બેસી ગયા છીએ…અને પ્રદેશવાદ તો અત્યારેય એટલો જ પ્રબળ છે….અને તોય ક્યાં શાંતિ જળવાઇ શકી છે…..!!!!
  અને બુધ્ધીવાદીઓ માટે રાજકારણ અશ્પૃશ્ય હોય એમ જણાય છે….ફક્ત બળાપો કાઢતા ફાવે…એ પણ નક્કી નહિ………

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s