વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

3 thoughts on “વેદનાનું સોહામણું સત્ય-૩”

  1. ….આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું…

    પછી વેદના મટી જ જાય.

    Like

  2. સરસ વાત કહી …
    મારો અનુભવ : ખુબ જ માથું દુખતું હોય છે ત્યારે હું આવું કરું છું. બેડ પર આંખો બંધ કરીને પ્રાણાયામની સ્થિતિમાં (ફેન અને એસી બને બંધ) સુઈ જાઉં છું.. અને અન્ય વિચારો પર ઇમેજિંગ કરું છું.. ઘણો ફર્ક પડે છે.. અથવા દુખાવો ગાયબ થઇ જાય છે..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s