કરીએ કદર કસરતની

 

કરીએ કદર કસરતની
આપણ ગુજરાતીઓના દિલમાં હનુમાનજી વસેલા છે પણ અખાડો નહિ. આપણે હનુમાનજીને તેલ ચડાવી તેલનો બગાડ કરીએ છીએ પણ જાતે તેલ માલીશ કરીને હનુમાનજી જેવું શરીર સૌષ્ઠવ કેળવવાનું વિચારતા નથી. આપણે ગુજરાતીઓ અખાડાપ્રેમી પ્રજા નથી. આપણે કસરતના દીવાના જરાય નથી. આપણાં યુવાનોને માણેકચંદ ખાવામાં ખૂબ રસ પડે પણ પ્રો. માણેકરાવનાં અખાડામાં જવામાં જરાય રસ નો પડે. એવા કેટલાય  ગુજરાતી યુવાનો હશે જેમણે ક્યારેય અખાડો જોયો નહિ હોય., અને એવો મરાઠી યુવાન ભાગ્યેજ જોવા મળશે જેણે અખાડો ના જોયો હોય. ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રજા અખાડાપ્રેમી છે. હરિયાણા પંજાબની પ્રજા પણ ખૂબ અખાડાપ્રેમી છે. અમદાવાદમાં સારા એવા પ્રમાણમાં અખાડા છે કારણ અમદાવાદમાં થોડો સમય મરાઠા રાજ કરી ગયા હતા. વડોદરામાં ગલીએ ગલીએ એક અખાડો હોય જ. જ્યાં જ્યાં ગાયકવાડનું રાજ તપતું હતું તે દરેક ગામમાં એક અખાડો,એક પ્રાથમિક શાળા અને એક લાઇબ્રેરી હોવી જ જોઈએ તે સરકારી નિયમ હતો. અમારું માણસા ગાયકવાડની આણ નીચે નહોતું. માટે આજે પણ ત્યાં અખાડો નથી. આઝાદી પછી વિજાપુર તાલુકો હોવાથી પિતાશ્રીને વકીલાત કરવા વિજાપુરમાં વસવું પડેલું. વિજાપુર ગાયકવાડી ગામ હોવાથી ત્યાં અખાડો હતો. એક  સરસ મજાની વિશાલ લાઇબ્રેરી હતી. અમારા પુરાણી સાહેબ અમને તે અખાડામાં લઈ જતા. દંડ બેઠક મરાવતા, કુસ્તીના દાવપેચ શીખવતા. પુરાણી ભાઈઓએ ગુજરાતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં મહત્વનો ફાળો આપેલો પણ કસરત પ્રત્યે સ્વાભાવિક ઉપેક્ષાએ ધીમે ધીમે પુરાણી ભાઈઓની મહેનત માથે પડી હતી. વડોદરાનું લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર હજુ અંબુભાઈ પુરાણીની યાદ આપતું ઊભુ છે. વડોદરામાં હજુ પણ પ્રોફેસર માણેકરાવનો અખાડો ઊભો છે. એમની યાદમાં એક રોડનું નામ પ્રોફેસર માણેકરાવ રોડ પણ આપેલું છે.
મારા પિતાશ્રી પોતે અખાડીયન હતા. અમને સૂર્ય નમસ્કાર કરાવતા. વાંચવાનો અને કસરત કરવાનો શોખ અમને પિતાશ્રી તરફથી મળેલો. સૂર્યનમસ્કાર સારી કસરત છે.એમાં અમુક આસનો, દંડ, બેઠક, સ્ટ્રેચિંગ બધું ભેગું આવી જાય. પણ સલમાનખાન જેવું બોડી બનાવવું હોય તો સૂર્યનમસ્કાર નો ચાલે. આપણે સલમાનખાનના ઉઘાડા શરીરને જોઈ ખુશ  થનારી પ્રજા છીએ પણ એના જેવી મહેનત કરી શરીર બનાવવાવાળી નહિ. દારાસિંહ અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ બોલીવુડમાં હતા પણ એમની કોઈ અસર કે પ્રેરણા જોવા નહોતી મળતી. સલમાનખાન આવ્યા પછી અને તેના પછીના મોટાભાગના  અભિનેતાઓ શરીર બનાવીને આવવા માંડ્યા પછી યુવાનોમાં જિમ જવાનો શોખ વધ્યો હશે. ભારતમાં અખાડા પ્રવૃત્તિ શરુ કરવામાં આદિ શંકરાચાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. નાગા બાવાઓની એક આખી જમાત ઊભી કરી હતી જે શસ્ત્રો વાપરવામાં પણ નિષ્ણાત હતી. વિજાપુરમાં ખાક ચોક તરીકે ઓળખાતું એક મંદિર હતું. ત્યાં કાયમ ધૂણો ધખતો અને ત્યાં આવતા બાવાઓ કસરત કરતા, કુસ્તી પણ કરતા. અમે નાના બાળકો ત્યાં જોવા પણ જતા. ગોસ્વામી અટક લખાવતો યુવાન જો માયકાંગલો હોય તો તે આદિ શંકરાચાર્યનું અપમાન કહેવાય. આર્યસમાજી મહર્ષિ દયાનંદ સરસ્વતી પોતે પહેલવાન હતા. પાખંડીઓનાં સ્વર્ગ સમાન ગુજરાતમાં આ ગુજરાતના રત્નને સભાનપણે ઉપેક્ષિત કરાયા છે પણ હરિયાણાએ એમનું ખૂબ માન જાળવ્યું છે.
ગાંધીજીને પણ કસરત પ્રત્યે અણગમો હતો. અખાડામાં તો ગુંડાઓ જાય તેવો પૂર્વગ્રહ ધરાવતા હતા. અહિંસાને અખાડા પ્રત્યે સ્વાભાવિક અણગમો હોય. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયમાં અહિંસક ધર્મનું પ્રભુત્વ  વધ્યું હતું. અહિંસાનો અતિરેક કુમારપાળ રાજાના સમયમાં થઈ ગયેલો. માથામાં પડેલી ‘જુ’ મારવાની પણ મનાઈ હતી. “યથા રાજા તથા પ્રજા, યથા ગુરુ તથા ઘેંટા.”  અહિંસા આવી અખાડાનું ઉઠમણું થઈ ગયું. ધર્મોની આપણાં સમાજ ઉપર ભારે અસર હોય છે. ગુજરાતમાં જૈન ધર્મ,  વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયનું ખૂબ જોર છે. આ ત્રણેમાંથી એકેય અખાડાપ્રિય નથી. નાગાબાવાઓ ગિરનારમાં છુપાઈ ગયા છે. વડોદરામાં પોળે પોળે અખાડા હોવા છતાં એમાં મહારાષ્ટ્રીયન ભાઈઓ જ વધુ જોવા મળે. છતાં એકંદરે વડોદરામાં કસરત પ્રત્યે પ્રેમભાવ સારો એવો જોવા મળે. એનું મૂળ કારણ ગાયકવાડ રાજાઓ છે. મહારાજા ખંડેરાવ ગાયકવાડ પોતે જબરા મલ્લ હતા. આખા વડોદરા રાજ્યમાંથી મજબૂત અને પહેલવાન જેવા માણસો ભેગાં કરતા. રાજના ખર્ચે ટ્રેનિંગ અપાતી અને એમની સાથે મહારાજા જાતે કુસ્તીમાં ઊતરતા. અતિશયોક્તિ હોઈ શકે પણ એવું કહેવાતું કે ખંડેરાવ મહારાજા તાંબા કે પિત્તળની કથરોટ હાથ વડે ચીરી નાખતા.
વડોદરા ગયા પછી હું મીસેકો જિમમાં જતો. મીસેકો જિમના નાયડુ સાહેબ બોડી બિલ્ડરોની સ્પર્ધા પણ યોજતા. મીસેકોના પહેલવાનો એમના મસલ્સનાં ટુકડે ટુકડા બતાવી સ્પર્ધા જીતી જતા. મને નકલ ઉપર પુશ અપ કરવાનો શોખ હતો. બહુ સમયથી છોડી દીધા છે છતાં હું આજે પણ રોડ ઉપર કે રફ રસ્તા કે પ્લાસ્ટર કે ટાઈલ્સ પર નકલ ઉપર પુશ અપ કરી શકું છું. નકલ એટલે હાથનો પંજો નહિ, મુઠ્ઠી જમીન પર મૂકીને કરવામાં આવતા પુશ અપ. ઘણા યુવાનોને સામાન્ય કસરત, બોડી બિલ્ડિંગ માટે કરવામાં આવતી વેઇટ લીફટીંગની કસરતો વિષે સમજ જરાય હોતી નથી. વડોદરામાં અભ્યાસ કર્યા બાદ હું થોડા વર્ષ માણસા રહેલો. તે સમયે પી.એસ.આઈ. ની જોબ માટે ઘણા બધા અમારા રાજપૂત યુવાનોએ એપ્લાય કરેલું. એમાં પ્રથમ લેખિત પરીક્ષા હતી અને એમાં પાસ થાય પછી ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો. આ બધા માણસા કૉલેજના મેદાનમાં દોડવાની પ્રેક્ટીસ કરવા જતા. આમાં ઘણા બધા યુવાનો તો આમજ રમવા સમય પસાર કરવા જતા, તેઓને કોઈ ફીજીકલ ફિટનેશ ટેસ્ટ આપવાનો હતો નહિ. સાંજે બધા ભેગાં થઈએ તો ઘણા કહે આજે તો ૫૦ કિલો વજન ઊચકી કસરત કરી, કોઈ કહે આજે ૬૦-૭૦  કિલો ઊચકી કસરત કરી. મને સાંભળી ખૂબ નવાઈ લગતી કે આટલું  બધું વજન ઊચકી આ લોકો કઈ કસરત કરતા હશે? એક દિવસ હું જાતે જોવા ગયો. આ મિત્રો એક બારની બે બાજુ પ્લેટો ભરાવી ઊચકતા ખભે સુધી લાવીને ફેંકી દેતા, કસરત પૂરી. મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું આ કસરત ના કહેવાય. ચાલો હું બતાવું તેમ કરો. મેં ખાલી પાંચ પાંચ અને ઘણાને તો ખાલી અઢી અઢી કિલો વજનની  પ્લેટો ભરાવીને બાયસેપ અને ટ્રાયસેપ માટે દસ દસના ત્રણ સેટ મરાવ્યા. આટલું ઓછું વજન જોઇને તે લોકો હસતા હતા મારી ઉપર. મેં કહ્યું એકવાર સેટ મારો તો ખરા પછી કહેજો. પછી મેં દરેકને બે બાજુ પાંચ પાંચ કિલોની પ્લેટો ભરાવી કૉલેજમાંથી એક બેંચ મંગાવી બેન્ચપ્રેસ મરાવી. આટલું જ વજન ઉચકાવી ફક્ત દસ દસ બેઠકો મરાવી. બીજા દિવસે પુચ્છ્યું,  કેવું છે ભાઈઓ?  બધા કહે તમે શું કરાવ્યું યાર? હલાતું પણ નથી. છાતીનાં મસલ્સ તો પહેલીવાર એવા દુખે છે  કે ના પૂછો વાત. મેં કહ્યું ૬૦-૭૦ અને ઘણાં તો ૧૦૦ કિલો ઊચકીને કસરત કરતા હતા ને બધા? ૫-૧૦ કિલોમાં ફટ ગઈ? વર્કઆઉટ કોને કહેવાય તે જ ખબર હોતી નથી. પી.એસ.આઇની લેખિત પરીક્ષામાં તે સમયે લગભગ બધા પાસ થઈ ગયા હતા, પણ કસરતના અભાવે ફક્ત એક જ ભાઈ ફીજીકલ ટેસ્ટમાં પાસ થયેલા. કારણ તે ભાઈ કૉલેજની બાસ્કેટબોલની ટીમમાં હતા. આજે તે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આશરે દસેક યુવાનોએ લેખિતમાં પાસ હોવા છતાં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જોબ ગુમાવી હતી.
જિમમાં આધુનિક વેઇટ લીફટીંગ કરીને કરવામાં આવતી કસરતોમાં પરિણામ જલદી મળે છે. પણ તે પ્રમાણે સારા પ્રોટીન યુક્ત પૌષ્ટિક ખોરાક પણ ખાવા પડે. નહીતો મસલ્સ વધીને વજન વધવાના બદલે વજન ઓછું થતું જાય. હા અતિશય વજન હોય અને વજન ઓછું કરવા કસરત કરતા હોવ તો જુદી વાત છે. છતાં સપ્રમાણ ખોરાક તો જરૂરી જ હોય છે. આવા વર્કઆઉટમાં મસલ્સ જલદી વધે તેમ છોડી દેતા મસલ્સ ઊતરી પણ જલદી જાય. માટે વર્કઆઉટ લાંબા સમય નિયમિત કરવા જરૂરી છે. યુવાનીમાં પાંચ વર્ષ સતત વર્ક આઉટ કરો તો પછી બોડી સરસ જામી જાય. જૂની અખાડાની કસરતોમાં મગદળ ફેરવવા, દંડ બેઠક મારવી, કુસ્તી કરવી મુખ્ય હતા. હવેના આધુનિક સાધનોની મદદ વડે થતા વર્કઆઉટમાં શરીરના દરેક મસલ્સ માટે અલાયદી વજન ઊચકીને કરવાની કસરત હોય છે. આમાં તમે જો દરેક મસલ્સને અનુરૂપ પ્રમાણસર કસરત ના કરો તો શરીર પણ સપ્રમાણ વધે નહિ. મતલબ તમે બાવડાં મજબૂત બતાવવા ખાલી બાયસેપ અને ટ્રાયસેપ જ માર્યા કરો અને સોલ્ડરની કસરત ઓછી કરો તો પરિણામ સામે જ હોય છે. મારા જાત અનુભવથી મેં એવા યુવાનો જોયા છે જેમના શરીરના ઉપરના અંગ ચેસ્ટ, બાયસેપ, બેક, સોલ્ડર, સિક્સ પેક બધું ઊડીને આંખે વળગે તેવું હોય પણ પગ જુઓ તો પાતળા હોય. થાઈ, પગની પીંડીઓ બધું સાવ પાતળું હોય. વર્કઆઉટ કરતા યુવાનોમાં આ ખામી મેં મોટાભાગે જોઈ છે. શરીરના ઉપરના ભાગો માટે પાગલની જેમ વર્ક આઉટ કરતા યુવાનો શરીરના નીચેના ભાગો માટે ઉપેક્ષા કરતા હોય છે. બાયસેપ વધારવાની સૌને પડી હોય છે. કેમકે ટૂંકી બાયની ટીશર્ટ  પહેરી રોફ  જમાવી શકાય. પહેલી નજર બાવડાં ઉપર જતી હોય છે.
મસલ્સને રીકવર થતા ૨૪ થી ૪૮  કલાક જોઈતાં હોય છે માટે જો ભારે વજન ઊચકીને વર્કઆઉટ કરતા હોવ તો એક દિવસ વચમાં વર્કઆઉટ કર્યા વગર જવા દેવો હિતાવહ છે. આમ વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરવો શરીર માટે ઉત્તમ છે. રોજ કરવો હોય તો એક દિવસ શરીરના ઉપરના ભાગનો અને બીજા દિવસે નીચેના મતલબ પગ અને થાઈ વગેરે માટે વર્કઆઉટ કરવો ઉત્તમ ગણાય. વોર્મ અપ કર્યા વગર કોઈ દિવસ વર્ક આઉટ શરુ કરાય જ નહિ. વર્કઆઉટ વખતે મસલ્સને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન  જોઈએ. એટલે શરીરને ગરમ કરવાની કસરતો પહેલી કરવી જોઈએ. જેથી કોશોને પૂરતો ઓક્સિજન મળવાનું શરુ થઈ જાય. ગુજરાતમાં ખૂબ ગરમી હોય છે. આ બધી કસરતો દોઢ બે કલાક કાઢી નાખે. ખૂબ પરસેવો થતો હોય છે. માટે વચમાં વચમાં થોડા થોડા પ્રમાણમાં પાણી પીતાં રહેવું પણ હિતાવહ છે. આવી ભારે કસરતોમાં કમરમાંથી બેન્ડ થઈને વજન ક્યારેય ના ઊચકવા. સ્પાઈનલ કોર્ડનું ધ્યાન રાખીને વજન ઊચકવું,  નહીતો કાયમ માટે બેકપેઈન થઈ જવાની સંભાવના વધી જાય છે. શાકાહારી મિત્રોએ સારા એવા પ્રમાણમાં દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જરૂરી છે. મસલ્સ માટે પ્રોટીન મહત્વના છે માટે કઠોળ ખૂબ ખાવા પડે. જિમમાં હાજર નિર્દેશકની સલાહ સૂચન મુજબ કસરત કરવી યોગ્ય છે.
સ્ટ્રેસ, તણાવ દૂર કરવા જો  સિગારેટ પીતાં હોઈએ કે એક પેગ શરાબનો મારતા હોઈએ તો એના કરતા થોડા દંડ બેઠક મારી લેવા સારા. સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત બહુ ઊચી ચીજ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો કમજોર દેખાય છે તેનું મુખ્ય કારણ કસરત પ્રત્યે ઉપેક્ષા છે. હિંસા કરવા માટે નહિ પણ હિંસાથી બચવા તો કસરત કરો?  

 

16 thoughts on “કરીએ કદર કસરતની”

 1. સાચી વાત છે ભુપેન્દ્રભાઈ કે ગુજરાતી લોકો અખાડા માં જતા નથી. અખાડો કે નિયમિત વ્યાયામ ખુબ જ જરૂરી છે.
  તેમાં અમુક દિવસે જોર આવી જાય તે વાત નથી. દેશ માં વધારે પ્રમાણ માં ડાયાબીટીસ ના દર્દીઓ ગુજરાત માં જ હશે તેવું માનવાને ઘણા
  કારણો માંથી આ એક કારણ છે. શરીર ને શૌષ્ઠવ અને મજબુત રાખવું એ જીવન ની જરૂરિયાત છે તેમ સમજવું જરૂરી છે. આજે બુદ્ધી
  અને ટકાવારી ની દોળ માં વાલીઓ બાળકો પર ભણવાનો જુલમ જ કરે છે. તેથી રમત અને વ્યાયામ થી સમય ના અભાવે બાળકો દુર થતા જાય છે
  જે શારીરિક હાની માં પરિણમશે. શારીરિક ના ભોગે બુદ્ધિ નો વિકાસ થઇ રહ્યો છે. કોમ્પુટર અને મોબાઇલે માણસ ને સ્થિર કરી નાખ્યો છે.
  બુદ્ધિ થી તે ૧૦૦૦ માઈલ દોડી શકશે પણ શારીરિક બાબતે તે ૨ માઈલ પણ ચાલી નહિ શકે. આ બુદ્ધિ અને આર્થિક પ્રવાહ ની દોળ માં
  માણસે તંદુરસ્તી ખોઈ જ નાખી છે.
  હું પોતે છેલા ૨૩ વર્ષ થી લગભગ ૧૦ કિલોમીટર રોજ તેજ ચાલુ છું. અને ઘરે આવી નિયમિત વ્યાયામ અને યોગા કરું છું જેના લીધે મને
  દવાખાને જવાની જરૂર હજુ પડી નથી. લોકો માં વ્યાયામ બાબતે ઘણી ઉદાસીનતા છે. મેં કેટલાક લોકો ને ડાયાબીટીસ થાય ત્યારે જ ડોક્ટર
  કહે ત્યારે ચાલવા નીકળતા હોય છે. પણ આતો ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવી વાત થાય.

  Like

 2. તદ્દન સત્ય હકિકત છે.અમારા જીમમાં મોસ્ટ્લી બીજા વરણના વધારે આવે છે.ગુજરાતીઓ આવે તો પણ ૩ મહિના પછી જીમ માંથી સન્યાસ લઈલે.કહે કે બહુ અઘરુ છે. પેલી વર્ક આઉટની વાત એકદમ સત્ય છે.જીમમાં આવતા ૯૦% લોકો જીમમાં પ્રવેશતા સીધા ડમ્બલ ઉઠાવે. અહ્યા જીમમાં ટ્રેનર પણ સાલાઓ બેવકુફ છે,કસરત બાબત કોઈ જાતનું નોલેજ નથી.ટ્રેનરને જાતે પુલ અપનો એક સેટ મારવામાં વાંધા હોય છે.પેટ ત્રણ ફુટ બહાર હોય તો પણ અમુક માયકાંગલાઓને બાયસેપ અને ટ્રાયસેપમાં વધારે રસ હોય છે..આવા કેટલાય નમુનાઓ અમારા જીમમાં આવે છે અને ૧-૨ મહિનામાં જીમ છોડીને ચાલ્યા જાય.
  સરસ લેખ .

  Like

 3. શરીર શોષ્ઠ્વ પ્રત્યે જાગૃતિ પ્રેરતો સમયની માંગ મુજબનો સરસ લેખ .

  Like

 4. wah..khub j mahiti-sabhar lekh, ghanu janva mdyu? સ્પાઈનલ કોર્ડ vishe khabar nathi , thodu vadhare smjavo to saru. વોર્મ અપ mate best hoy evi thodi exercise jnavava vinanti…thanx for article.

  Like

 5. શ્રી ભુપેન્દ્રસિંહજી,

  સાચી વાત. આજ-કાલ મલ્ટીનેશનલ કંપનીમાં વર્કલોડ અને સમયના અભાવને લીધે કરસત ભાગ્યે જ કોઇક કરતું હશે.! છતાંય કમસે કમ સાઇકલિંગ કે રાત્રે જમીને ખુલ્લી હવામાં ચાલવા તો નીકળવું જ જોઇએ.

  Like

 6. સૌથી સહજ આડા અસર વગરનું શરીર સ્વાસ્થ્યનું સાધન બેલેન્સ ખોરાક,કસરત અને પુરતો આરામ-ઊંઘ છે .તેના વિષે ફરી ફરી ધ્યાન દોરવાની ખૂબ જરુર છે
  આભાર આટલી સુંદર રજુઆત માટે

  Like

 7. ભુપેન્દ્રભાઈ અંહિંસા અને કસરત નો તર્ક….બાત કુછ હઝમ નહી હુઈ…?

  Like

 8. લેખ વાંચ્યો. તમે તો માત્ર જેનેટિક્સ કે ઇવૉલ્યૂશનરી સાયકોલૉજીના જ નહીં ખાડાના પણ ઉસ્તાદ નીકળ્યા! પણ “ભેંસ આગળ ભાગવત” એ કહેવત પણ જાણતા જ હશો!

  Like

 9. many use steroid to enhance and increase their mucles very rapidly, but doctors say it is harmful for the body in long run. Indian styles like “dand” and Baithaks are more wholesome and body gains lot of strength. An ideal body is one which has combination of strengh, stamina and flexibility. For each of this one has to do different kind of excercises. In my prime youth i used to lift two paper weigths single handedly at a time. Good article. People who have genetically good body must pay attention to their bodies and should not waste it or neglect it by drug abuse or drinks. I have seen such people who succumed to various deseases simply wasting their bodies. Even youths who do not have strong bodies can improve their health by regular work outs. In modern times when competition is more lot of fitness is required, so join the gym and be a “Dara”

  Like

 10. સિનિઅર સિટીજન છું . નિયમિત કસરત કરું છું . મધ્યમ કદનું શરીર છે . બાયસેપ્સ ૧૪” અને છાતી ૩૭ ” છે . પગની કસરત માટે ચાલું છું .
  જિમમાં કોઈ દિવસ ગયો નથી . કપડાં પહેરવાની મજા આવે છે . તમારો કસરત પ્રોત્સાહક આર્ટિકલ વાંચી ખુબ ખુશ થયો. આભાર.

  Like

 11. ટાઈમ નથી એવુ તો નથી, પણ આળસની કોઇ દવા ?
  અહિન્સા અને કસરતનોર સીધો સંબંધ કદાચ ન હોય. કેમ કે અશોકે મોકલેલા બૌધ્ધ સાધુઓએ ચીનમાં કરાટે અને કુંગફુ અને જાપાનમાં જુડોની શોધ કરી હતી પોતાનો જીવ બચાવવા. કુંગફુ યોગને ટ્ક્કરમારે એવી કસરત છે, શરીર અને મન બન્નેનો ઉપયોગ કર્યો છે.
  ગુજરાતના લોકોને ધંધામા વધુ રસ હોય એમ લાગે છે. સ્પર્ધાનો સમય છે એક એક મિનિટ કિમતી હોય ત્યા કલાક કસરત ક્યાંથી કાઢે.

  Like

 12. કસરત કરવી જોઇએ એ વાત સાથે હું ૧૦૦% સંમત છું. પણ અણઘડ રીતે કરવામાં ઘણું નુકસાન છે. કોલેજમાં આવ્યા પછી દેખાદેખીમાં ઘણા યુવાનો જીમમાં જતા હોય છે. પણ શું ધ્યાન રાખવુ એની સલાહ એને ભાગ્યે જ મળે છે.
  ખાસ તો, એક પછી એક વજનીયા વધારતો જાય છે. તે બહું જ નુકસાન કારક છે. કોઇક એક ખાસ સિડ્યુલ બનાવી અને દરેક કસરતમાં કોઇ એક ખાસ વજન સુધી પહોંચી. સરિરને તક્લીફ આપ્યા વગર, દરરોજ નીયમત કસરત કરવામાં આવે તો જ તેના ફાયદા મળે. સતતા બદલતા રહેવી, વજનીયા વધારતા જવા, કે ઘટાળતા જવા, એ નુકશાન કારક નીવડી શકે છે. સૌથી વધુ નુકશાન તો અચાનક એક દીવસ જીમ જવાનુ બંધ કરી દે છે તેમાં છે. ભગ્યે જ કોઇ જાણ્તુ હશે કે કસરતને બંધ કરવાની પણ એક પદ્ધતી છે. જેટલા દિવશો તમને વજનીયા વધારતા કે પુસ-અપ્સ વધારતા લાગ્યા તેટલા જ દીવસો લઇને તમારે વજનીયા કે પુસ-અપ્સ ઘટાળવામાં લેવા જોઇએ. નહીતો તમારો ખોરાક જે વધી ગયો છે તેને પુરતી કસરત નહી મળતા તમને આળસું બનાવી દેશે.મે પણ આમજ કર્યુ હતુ ૩-૪ વખત અને તેના લીધે મારા સરીરમાં નાની નાની ગાંઠો બનવા લાગી હતી, જે હજુ આજે પણ છે.
  ખાસ તો યુવાનો એટલા બીધાસ્ત હોય છે કે આ બધી વાતો તેમને બાલીસ લાગતી હોય છે. અને એટલે જ આ જવાબદારી ઘરના વડીલ લે તે વધુ યોગ્ય ગણાશે. અચાનક જ પરીક્ષાનો ભાર વધી જતા વિદ્ધાર્થીઓ સહજ રીતે જીમનો ભાર બાજુએ મુકી દે છે.

  બીજી ખાસ વાત એ મારો પોતાનો અનુભવ છે, કે ૨૦-૨૧ વર્સની ઉંમર સુધી જીમમાં ન જવુ જોઇએ કે જરુર કરતા વધારે વજન ના ઉપાડવુ જોઇએ, કારણકે તેનાથી તમારું શરીર બંધાવા લાગશે અને કદાચ તમારી ઉંચાઇ વધવાની બંધ થઇ શકે છે.
  ઘણા ખરા જીમ બંધીયાર હોઇ છે, પુરતા પ્રમાણ ઓક્સીજન નથી મળતો, અને અતીસય કસરતથી ઓક્સીજનની ડીમાંડ વધી જતી હોય છે.
  અને એટલા માટે જ સ્વાસોસાસ પર પણ ધ્યાન આપવું જોઇએ. ઘણી બધી યોગિક ક્રિયાઓમાં એકેક મુવમેન્ટ સાથે સ્વાસ લેવાની અને સ્વાસ છોડવાની પણ વીધીઓ છે. એનાથી સરીર તો મજબુત થાય જ છે સાથે સાથે મન પણ મજબુત થાય છે.
  અને જેમ યોગાસનો કર્યા પછી ૧૦ મિનીટની યોગનીન્દ્રા લેવામાં આવે છે તેમ જો કસરત કર્ય પછી પણ ૫-૧૦ મીનીટ માટે સવાસન કરીયે તો કદાચ તમારી કસરત વધુ અસર કારક બની જતી હશે, એમ મારું માનવું છે.

  Like

 13. 100% સાચી વાત. હું સ્કુલ માં ભણતો ત્યારે સુરત માં આવેલા હિંદુ મિલન મંદિર ના અખાડા માં જતો (૧૯૯૪) અને તે દરમિયાન શરીર માં જે બાયશેપ્, સિક્સ પેક (આજે ચર્બી ના થર માં દબાઈ ગયા છે ) અને પગ ના શેપ્પ બન્યા હતા તે હજીયે અકબંધ છે, જે આધુનિક મશીનથી કરેલ કસરત ના હોય તો ટકતા નથી. આજે લગભગ ૧૨~૧૪ વર્ષ પછી ફરીથી કસરત કરવાનું શરુ કર્યું છે.

  તમે જણાવેલી બેંચ પ્રેસ ની વાત પણ તદ્દન સાચી છે, મને હજી પણ યાદ છે એ દિવસો જયારે અખાડા માં બાવા (હું પણ, ગોસ્વામી છુ ને ) અમને કસરત કરાવતા અને ત્યારબાદ સુકું કોપરું અને ઘી ગોળ આપતા હતા (મસલ્સ બનવા માટે અને શક્તિ વધારવા ખુબજ ઉપયોગી હોય છે ), બેંચ પ્રેસ પછી સખ્ત ભુખ લાગે છે.

  કસરત શરુ કરતા પહેલા અને પછી શરીર ને વોર્મ અપ અને કુલ ડાઉન કરવું પણ ખુબજ જરૂરી છે (ઇવન યોગાસન કરતી વેળા પણ ) જે આજે મોટા ભાગ ના જીમ માં ધ્યાન રાખવામાં નથી આવતું (વેલ, ફોર ધેટ મેટર, જે જીમ પ્રોફેશનલ હોય છે ત્યાં વ્યવસ્થિત ટ્રેનર હોવાથી આ વાત નું ધ્યાન પણ રખાય છે, પણ આવા જીમ કેટલા ? ) . હાલ ની તારીખે સુરત માં માત્ર ૨ અખાડા છે (મારા ધ્યાન માં ) . લોકો જીમ જવાનું પ્રેફર કરે છે કેમ કે બધાને તાત્કાલિક ધોરણે ૬ પેકસ જોઈતા હોય છે, પણ ધીરજ નથી હોતી.

  તમારું નિરીક્ષણ સરસ છે ……

  Like

  1. સાચી વાત છે તમારી આપણે અખાડાપ્રેમી નથી. જીમમાં પણ સ્ટેટ્સ માટે જતા હોય છે અખાડો તો દેશી લાગે. આભાર ભાઈ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s