લાગણીઓના ચેપ. Hard Truths About Human Nature.
લાગણીઓના ચેપ
શું લાગણીઓ ચેપી હોય છે ? કોઈ કન્યા વિદાયની ઘડી હોય. કન્યા માતાપિતા, ભાઈ, બહેન, સગાવહાલાઓને ભેટીને રડતી હોય, કે વિદાય વસમી લાગતી હોય છે. તો ત્યાં ઊભેલા સહુ રડતા હોય છે. અરે કોઈ અજાણ્યો ત્યાંથી પસાર થતો હોય અને બે ઘડી ખાલી જોવા ઊભો રહી ગયો હોય તો તે પણ ભાવુક બની જતો હોય છે. આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ વહેંચતા હોઈએ છીએ અને એનાથી અસર પણ પામતા હોઈએ છીએ. આપણી લાગણીઓ સીધેસીધી વાતો દ્વારા, ફોન પર વાતો કરીને, ઇ-મેલ કરીને, ફેસબુક અને ટ્વિટર પર લખીને કે પછી કોઈ પણ શબ્દ વાપર્યા વગર ફેલાવતા હોઈએ છીએ. અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. કોઈ આપણી સામે હસે તો આપણે તરત અનુકરણ કરીને સામું હાસ્ય ફેંકીએ છીએ. કોઈ રડતું હોય તો ભલે રડીએ નહિ પણ થોડી ઉદાસી તો આવી જ જાય છે અને એને મદદરૂપ થવાની ઇચ્છા જાગે છે.
નાના બાળકોમાં આ ચેપ અટકાવી શકાય તેવો હોતો નથી. અમે બે વર્ષથી વધુ ઉંમરના બાળકોનું પ્લે સેન્ટર ચલાવતા હતા ત્યારે મને અનુભવ છે કે એક બાળક રડવા માંડે તો એક પછી એક બધા રડવા લાગે. શું આવો લાગણીઓનો ચેપ લાગવો ફાયદાકારક હોય છે ?
આ લાગણીઓના ચેપનું વલણ મુખ્યત્વે બીજી વ્યક્તિના ભાવ પ્રદર્શન અને ભાવભંગિમાંની અજાણતાં કે અચેતન રૂપે નકલ કરી ભાવનાત્મક રીતે તેની નજીક જવાનું હોય છે. વિકાસના ક્રમ તરીકે મૂલવીએ તો આ ચેપ સર્વાઇવલ માટે જરૂરી હોય છે. દાખલા તરીકે મૅમલ સમૂહમાં રહેવા ટેવાયેલા હોય છે. ત્યાં કોઈ હુમલાખોર આવે તો ભયની લાગણી ફક્ત એક નહિ પણ આખા સમૂહમાં ફેલાઈ જતી હોય છે, અને પછી આખું ટોળું ભાગી જઈને બચી જતું હોય છે. સિંહ એક હરણની પાછળ પડ્યો હોય તો ફક્ત એકને જ ભય લાગે તો તે ભાગી જાય અને બીજામાં આ ભયની લાગણીનો ચેપ ફેલાય નહિ તો બીજા ઉભા રહે તો મર્યા સમજો.
આમ સમૂહમાં એકને ભય લાગે તો એનો ચેપ બધામાં ફેલાઈ જતો હોય છે જે સમૂહના સર્વાઇવલ માટે અત્યંત જરૂરી છે. શિકાગો યુનિવર્સિટીમાં કરેલા રિસર્ચ પ્રમાણે સંશોધકોએ જોયું કે એક ઉંદર તણાવમાં હોય તો એને જોઇને બીજા ઉંદર પણ તણાવમાં આવી જતા હતા. એક ઉંદરને પીડા થતી હોય તે જોઇને બીજા પણ એવી જ પીડા અનુભવતા હતા. જ્યારે કોઈના દુખ કે પીડા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ થાય ત્યારે આપણે તેની પીડાનો અનુભવ કરતા હોઈએ છીએ. એના પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોઈએ છીએ.
આમ લાગણીઓનો ચેપ ખરેખર માનવજાતની સેવા કરતો આવ્યો છે. આપણાં પૂર્વજો ભાષા શીખ્યા હશે તે પહેલા સર્વાઇવલ માટે આ ચેપ એમની ખૂબ મદદ કરતો હશે. મૂળભૂત મૅમલ બ્રેન લિમ્બિક સિસ્ટમનું આ મેકનિઝમ અદ્ભુત છે જેને મનોવૈજ્ઞાનિકો માસ સાઇકૉલોજી કે મોબ સાઇકૉલોજી કે ટોળાની માનસિકતા તરીકે પણ વર્ણવતા હોય છે. આમ હકારાત્મક લાગણીઓનો ચેપ લાગે ત્યાં સુધી તો બરોબર છે. પણ સર્વાઇવલ માટે હાલની પરિસ્થિતિ મુજબ જરૂરી નાં હોય છતાં નકારાત્મક લાગણીઓનો ચેપ જ્યારે આખા સમૂહ કે દેશ કે રાજ્ય કે ગામ કે શહેરોને લાગી જાય છે ત્યારે સામૂહિક હત્યાકાંડો સર્જાય છે અને તેમાં લાખો હજારો નિર્દોષ માર્યા જાય છે.
કુદરતે માનવજાતને બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું મનન ચિંતન કરી શકે તેવું કૉર્ટેક્સ આપ્યું છે. લિમ્બિક સિસ્ટમતો બધા સસ્તન પ્રાણીઓ પાસે છે. પણ કૉર્ટેક્સની સાઇઝમાં ફેર હોય છે. આમ સૌથી મોટું બ્રેન વિકાસના ક્રમમાં આપણને મળ્યું હોય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. પણ આપણે કાયમ ભાવનાઓના પૂરમાં તણાઈ જતા હોઈએ છીએ, તાવ ચડી જતો હોય છે. ક્રિકેટ ફીવર, નિર્મળ બાબા ફીવર આવા તો અનેક જાતના તાવ ચડી જતા હોય છે. અમુક લોકો આ તાવ ચડાવી દેવાના નિષ્ણાત હોય છે અને લોકો પાસે એમનું ધાર્યું કરાવી લેતા હોય છે. આમ આ સામૂહિક સર્વાઇવલ માટે વિકસેલું મેકનિઝમ સમૂહના નુકશાનનું કારણ બને છે.
પ્રેમ, કરુણા, મૈત્રી, ખુશી, સહકાર અને સદ્ભાવ જેવી પૉઝિટિવ લાગણીઓનો ચેપ લાગે અને ફેલાય તો સમૂહ કે સમાજ માટે ફાયદાકારક બને છે. દુખ, વેર, ક્રોધ, હતાશા જેવી નેગેટિવ લાગણીઓનો ચેપ સ્વાભાવિક સમાજ માટે નુકશાન કારક જ હોય. આપણે આનંદિત હોઈએ તો આજુબાજુ બધાને આનંદિત કરી મૂકીએ છીએ. દુખીકે ઉદાસ હોઈએ તો આજુબાજુ બધાને દુખી કે ઉદાસ કરી મૂકીએ છીએ.
આમ સુખ વહેંચવાથી, આનંદ વહેંચવાથી સુખ આનંદ વધે છે, અને દુખ વહેંચવાથી દુખ વધે છે. જોકે દુખ વહેંચવાથી આપણાં દુખે દુખી થનારની સહાનુભૂતિ મળી જાય તેટલો દીલાસાજનક ફાયદો જણાતો હોય છે. ચાલો હું એકલો દુખી નથી બીજા પણ મારા જેવા છે. સર્વાઇવલ માટે આપણું દુખ કે આપણી તકલીફ બીજાને જણાવવામાં કોઈ વાંધો નથી, ફક્ત ખોટી સહાનુભૂતિ મેળવવાની ટેવ ના પડી જાય તેટલી તકેદારી રાખવી જરૂરી છે.
Read more about EMOTIONAL CONTAGION here…
…….એક બાળક રડવા માંડે પછી બધા બાળક રડવા લાગે આને ખરેખર લાગણીઓનો ચેપ કહેવાય….
LikeLike
BAPU, BHARE KARI, VERY NICE, I CAN NOT ADD MORE, JUST ENJOY READING. THANKS
KOK DI TO VATU KARO, MAZA AVE CHHE,, TEM HOYE TO, BAKI RAM RAM..JAY NIRMALBABAKI
LikeLike
બહુ જ સરસ ચિંતન . ગમ્યું.
જૂથવાદ જેવા ગંદા શબ્દનું મૂળ લાગણી અને ભય જ છે.
જે જાત પર વિજય મેળવે છે; તે અજાતશત્રુ બની શકે છે.
પણ એના ગયા પછી, એના અનુયાયીયો જૂથ જમાવીને સંરક્ષિત બનવા પ્રયાસ કરે છે !
LikeLike
અત્યારના સમયમાઆતંકવાદ.નક્સલવાદ.માઓવાદ આબધા નકારાત્મક લાગનિના નમૂનાઓ સૌથિ વિશેશ જોવા મલે છે, હકારાત્મ્ક લાગનિના નમૂના અલ્પ સમય માતે જોવા મલે અને પછી અદ્રશ્ય થતા વાર પન લાગતિ નથિ.સરસ લેખ. ઘનુ જાનવા મલે આવા લેખોથી.
LikeLike
આને ચેપ (Infection) કરતાં અનુભૂતિ (Empathy) કહેવી વધારે યોગ્ય નથી ?
LikeLike
સમાન અનુભૂતિ પણ કહેવાય. એના માટે આપત્તિ ત્રાટકે ત્યારે નામનો લેખ શોધીને વાંચી લેશો. ધન્યવાદ.
LikeLike