ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.

Solitude
Solitude (Photo credit: Lady-bug)
ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.
    આધુનિક જીવન ખૂબ ઝડપી બની ગયું છે. મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં લોકોનું જીવન અતિશય ફાસ્ટ હોય છે. સવારે છોકરા સુતા હોય અને બાપ નોકરી પર જવા નીકળી જતા હોય તે  છેક રાત્રે છોકરા ઊંઘી ગયા હોય ત્યારે પાછાં આવે. વળી રજાને દિવસે બીજા અનેક પેન્ડીંગ કામ બાકી હોય. એક સંબંધી ન્યુયોર્ક જોબ કરવા જતા હતા. એમની દિનચર્યા હું જોતો હતો. રહેતા અહીં એડીસનમાં અને જોબ છેક ન્યુયોર્કમાં. આવા અનેક લોકો હશે, કેમકે ન્યુયોર્કમાં રહેવું ખૂબ મોંઘું પડતું હોય. સવારે પાંચ વાગે જાગી જતા. શ્રીમતી અને બાળકો ઊંઘતા હોય, જાતે ચા ગેસ પર મૂકી ફટાફટ તૈયાર થવા લાગી જતા. એડીસન ટ્રેઇન સ્ટેશને કાર મૂકીને ટ્રેઇન પકડવાની. રાત્રે મોડા આવતા અને ઘણી વાર બહુ મોડું થયું હોય તો કંપનીના ખર્ચે લીમોઝીન મૂકવા આવતી. શનિરવી રજા હોય ત્યારે પણ નવરાં જોયા નહિ. મુંબઈની લાઇફ પણ ખૂબ ફાસ્ટ ગણાય છે.
   અહીં અમેરિકામાં ભારતીય બહેનો પણ ખૂબ વ્યસ્ત લાઇફ જીવતી હોય છે. જોબ કરતી હોય, બાળકોને લેવા મૂકવા જવાનું, ઘરકામ, રસોઈ, શોપિંગ, શનિરવી ઘરની સાફ સફાઈ, એક્સ્ટ્રા ઇન્કમ માટે એક્સ્ટ્રા કામ પણ કરવાના. જેવા કે પેઈંગ ગેસ્ટ ઘરમાં રાખવાના, તેમની ખાવાપીવાની વ્યવસ્થા જાળવવાની, બેબી સીટીંગ, કોઈ વળી ઘરમાં કેશ કર્તન કળાનો પણ ઉપયોગ કરી સસ્તા ભાવે સેવા આપતા હોય, મંદિરે જવાનું, સાસબહુની સીરીયલો જોવાની, ઘેર ઘેર ફરીને પાછાં ધાર્મિક પરિવારોના પ્રચાર પણ કરવાના  આવું તો અનેક.
   એક ઈમેલ સેકન્ડના દસમાં ભાગે આખી દુનિયામાં ફરી વળી હોય તેવા જમાનામાં નવરાં લોકો પણ નવરાં હોતા નથી.
     આવા અતિશય વ્યસ્ત જીવનમાં આપણે ઓવરલોડેડ ફીલ કરતા હોઈએ છીએ, એક  માનસિક પ્રેસર ઊભું થતું હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે ” ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ”. એકાંતનો આનંદ માણવાનું જરૂરી બની જતું હોય છે.
     એકાંત અને એકલતા લગભગ સરખાં લાગતા હોય છે. બહારથી બંને એક સરખાં લાગતા હોય છે. Loneliness એ નકારાત્મક લાગણી છે જે દુનિયાથી વખુટા પડી ગયાની અનુભૂતિ કરાવે છે. લાગે છે કંઈક ખૂટી રહ્યું છે. એકલતાનું  એક કડવું સત્ય એ પણ છે કે લોકોની ભીડ વચ્ચે પણ એકલતા લાગતી હોય છે. એકલતાનું  આ વરવું સ્વરૂપ કહેવાય.
    Solitude, એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય. આવા એકાંતમાં આપણે અંતરમાં ખાંખાંખોળા કરી શકીએ છીએ, આનંદ માણી શકીએ  છીએ, વિકાસ કરી શકીએ છીએ, કશું સર્જનાત્મક વિચારી શકીએ છીએ. પોતાની જાત સાથે નજીક આવી શકીએ છીએ. શાંતિના અનુભવ દ્વારા અંતરની અમીરી પામવા એકાંતમાં રહેવું જરૂરી બની જતું હોય છે. આમ એકાંત આપણને તરોતાજા કરી નાખે, ઉત્સાહ અને એનર્જી વડે ભરી દેતું હોય છે.
   Loneliness એટલે જાણે સજા, લાગણી વગરનું, નિષ્ઠુરતા, વખુટા પડી જવું, સદભાવ કે મિત્રભાવ ગુમાવવો. એકાંત આપણે પસંદ કરીએ છીએ અને એકલતા બીજા લોકોએ આપણી ઉપર લાદી દીધી હોય તેમ લાગે છે. એકાંતમાં રહેવું પોતાની જાતે પસંદ કરેલી એકલતા છે.
  દરેકને એકાંતની પળોની જરૂર હોય છે. ફાસ્ટ લાઇફમાં પાછાં ફરવા રીચાર્જ થવા એકાંતમાં થોડો સમય ગાળવો મહત્વનો છે. Solitude restores body and mind. Loneliness depletes them.
    માનવજાત સામાજિક પ્રાણી સાથે એકાકી પણ છે. આધુક જીવન શૈલીમાં પણ ઘણા બધા કામ એકલાં કરવા પડતા હોય છે. રાતે સૂઈ જઈએ ત્યારે આપણે એકલાં હોઈએ છીએ. આ પૃથ્વી પર માણસ એકલો આવે છે અને મૃત્યુ પામે ત્યારે પણ એકલો મૃત્યુ પામતો હોય છે. પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.
     સંબંધોની  સુગંધ પામતું કોણ રોકી રહ્યું છે? કોણ રોકી રહ્યું છે આપણી સર્જનાત્મકતાને? કોણ અટકાવી રહ્યું છે મનની શાંતિ? આ તણાવ યુક્ત જીવન શૈલીમાં આશ્ચર્યજનક ઉત્તર છે, એકાંતનો અકાળ. આજે આપણે એકાંતની ક્ષણનાં દુષ્કાળથી પીડાઈએ છીએ. એકાંત એક જાતનું ટૉનિક છે, જે બીજા લોકો સાથે સમૃદ્ધપણે જોડી શકે છે. સાંપ્રત સમયમાં આપણે ઊંચા  મન સાથે જીવી રહ્યા હોઈએ તેવું નથી લાગતું? ૧૯૫૦માં  હતી તેના કરતા આજે દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ છે. શહેરી વિસ્તાર વધી ગયા છે. શહેરી વિસ્તરમાં પણ ભીડ ખૂબ વધી ગઈ છે. હું ૧૯૭૨મા વડોદરા ભણવા ગયેલો ત્યારે રાત્રે આઠ વાગ્યા પછી શહેર સુમસામ થઈ જતું, આજે આખી રાત ચહલપહલ જોવા મળે છે. નવી ગ્લોબલ ઈકોનોમીનાં કારણે લોકો આખી દુનિયા સાથે જોડાઈ ગયા છે. સેલફોન આજે અનિવાર્ય શારીરિક અંગ જેવા બની ગયા છે. હાથપગ કે કાન વગરનું શરીર તમે કલ્પી શકો?  તેમ સેલફોન વગરનો માણસ કે સેલફોન વગરનું શરીર પણ કલ્પી ના શકો. ઉત્ક્રાન્તિના પરિબળો ભવિષ્યમાં કાન પાસે સેલફોન ડીવાઈસ ઉગાડી નાં દે તો નવાઈ નહિ. સેલફોન નહિ તો સેલફોન મૂકવાની કોથળી પેલાં કાંગારું જેવું જરૂર ઉગાડી દેશે. કાંગારુના પેટે એના અવિકસિત બચ્ચા માટે કોથળી હોય છે.
  કોઈ ધર્મ હવે શાંતિ મળે તેવા સ્થળ પ્રોવાઈડ કરી શકે તેમ નથી. ઉલટાના મંદિરોતો કોલાહલ વધારવાના કારખાના બની ગયા છે. મેગાચર્ચ અને મેગામંદિર સામાજિક મેળાવડાનું સ્થાન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા બની ગયા છે. સેલફોન,સ્માર્ટફોન, ઈન્ટરનેટ , કોમ્પ્યુટર વગેરે સંપર્ક વધારવાના સાધનો છે, પણ એનાથી સાચો સ્પર્શ આપણે ગુમાવી બેઠાં છીએ. આધારભૂત, અસલ સર્જનાત્મક એકાંતવાસ આપણે ગુમાવી ચૂક્યા છીએ. અમુક સમય પૂરતા એકલાં પડવું કે રહેવું  ખરેખર આપણાં જીવનને એડજસ્ટ કરે છે. આપણને આરામ આપી આપણી શક્તિઓને ફરીથી રીચાર્જ કરે છે. મહાવીર, બુદ્ધ, જીસસ, મહંમદ, લાઓ ત્ઝું જેવા અનેક મહાપુરુષો અમુક સમય માટે સમાજથી દૂર એકાંતવાસમાં જતા રહેલા. એટલાં બધા રીચાર્જ થઈને એક નવી ચેતના સાથે પાછાં ફરેલા કે જેતે સમયના આખા સમાજની જીવનશૈલી બદલી નાખેલી. મહાવીર ૧૨ વર્ષ અને  બુદ્ધ ૬ વર્ષ સમાજથી દૂર એકાંતમાં રહેલા.
  મધર નેચરે રાત્રે ઊંઘવાનું આપીને આપણને સાચું એકાંત પૂરું પાડ્યું છે. સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યું છે. ઊંઘની ટીકડીઓનું વધેલું વેચાણ દર્શાવે છે કે આ રાત્રી એકાંતવાસ ખતરામાં છે. સાચો એકાંતવાસ ગુમાવીને માનવ આજે એકલો પડી ગયો છે. એકલવાયા અનુભવ કરવો ડીપ્રેશનનું કારણ બની શકે તેમ છે. માનવ સામાજિક પ્રાણી છે, સમૂહમાં રહેવા ટેવાયેલો છે. ૨૦મિ સદીની ત્રણ પ્રસિદ્ધ મહિલાઓ Judy Garland , Marilyn Monroe , અને Princess Diana ત્રણે જાણીતી એકલતા અનુભવતી મહિલાઓ હતી. હજારોની  ભીડ વચ્ચે ઘેરાએલી  રહેતી  આ સ્ત્રીઓ એકલી હતી. Loneliness isn’t  about being alone , it’s about  not feeling connected. સામાજિક જોડાણ અને દબાણપૂર્વક આવું જોડાણ રદ કરવાના પુરાવા ચીમ્પાન્ઝીમાં સમૂહમાં પણ નોંધાયેલા છે. સામાજિક નિયમોનો  ભંગ કરવા બદલ સામાજિક બહિષ્કાર કરવો, નાત બહાર મૂકવા દરેક માનવ સમાજમાં સામાન્ય હતું. ગુજરાતમાં હોકાપાણી બંધ એવું પણ કહેવાતું. જે કેદીઓ ગંભીર ગુનામાં સપડાયેલા હોય તેમને બીજા કેદીઓ સાથે પણ રાખતા નથી, સાવ એકલાં રહેવાનું હોય છે.
    સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે. જેવી રીતે ભૂખ લાગી હોય અને ખોરાક મળે ત્યારે બ્રેઈનના જે એરિયા એક્ટીવ થતા હોય છે તેવી જ રીતે અને તેટલા પ્રમાણમાં પેલાં રીવોર્ડ એરિયા સહકાર પામતા સક્રિય થતા હોય છે. આમ ખોરાક મળે તે અગત્યનું છે સાથે  સહકાર પ્રાપ્ત થાય કે સામાજિક સંબંધ વધે તે પણ તેટલું જ અગત્યનું છે. જ્યારે શારીરિક દર્દ થાય ત્યારે બ્રેઈનના જે ભાગ સક્રિય થાય છે તેજ ભાગ સામાજિક બહિષ્કાર થાય ત્યારે અને સહકાર નાં મળે ત્યારે સક્રિય થતા હોય છે. આમ  અસહકાર મળે તેનું દુખ અને શારીરિક પીડા બંનેનું દર્દ બ્રેઈન માટે સરખું જ છે. FMRI વડે થયેલા બ્રેઈન સ્કેનીંગ આ બધું સારી રીતે દર્શાવે છે. અરે પરિચિત વ્યક્તિનો ફોટો જોઇને પણ હ્યુમન બ્રેઈન જુદી રીતે પ્રતિભાવ આપતું હોય છે. ” કોઈ મને પસંદ કરે છે” બહુ સ્પષ્ટ પણે ન્યુરલ વાયરિંગ માટે અગત્યની કૅટેગરી છે. લગ્ન વ્યવસ્થા આમ સામાજિક જોડાણ વધારવાનો ઉપાય માત્ર છે. ભલે દોષપૂર્ણ હોય પણ એકાદ વાર લગ્ન કરેલા હોય અને એકલાં રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા નાં હોય તેમનો મરણ આંક ૬૫ ટકા વધુ હોય છે. અને જેઓ લગ્ન કરીને સાથે રહેતા હોય તેવા લોકો કરતા કદી લગ્ન કર્યા જ ના હોય તેમનો મરણાંક ૨૨૦ ટકા વધુ હોય છે. યુ.એસ.એ.માં ૩૧મિલિયન લોકો એકલાં રહે છે, ૧૦૦ મિલિયન કરતા વધુ લોકો ડિવોર્સ લઈને કે વિધવા કે વિધુર તરીકે એકલાં રહે છે. એક મીલીયન એટલે દસ લાખ ગણવા.
     આમ સામાજિક જોડાણ અગત્યનું છે તેમ એકાંત પણ અગત્યનું છે. એના વગર આપણે રીચાર્જ થઈ શકીએ નહિ. માટે ઘણા લોકો અમુક સમય માટે મૌન પાળતા હોય છે. મૌન પણ  ભીડ વચાળે એકાંત મેળવવાનો ઉપાય છે. જેને દિવસમાં ખૂબ બોલવાની જરૂર પડતી હોય તેવા લોકોએ અમુક સમય મૌન પાળવું જરૂરી બની રહે જેથી  ફરી બોલવા માટે બેટરી રીચાર્જ થઈ જાય. મોદી સરકાર રોજ બે કલાક મૌન પાળે છે તેવું સંભળાયું હતું. મોરારીબાપુ અઠવાડીએ એક દિવસ મૌન પાળે છે. મેહરબાબા મૌનની મજામાં એટલાં બધા ગર્ત થઈ ગયેલા કે ફરી કદી બોલ્યા જ નહિ. આજે બોલીશ કાલે બોલીશ એવા વચનો  આપીને પણ કદી બોલી શક્યા નહિ. એકલવાયા અનુભવ કરવો જોખમી છે, હતાશા પેદા કરે છે  તો સામે સ્વૈચ્છિક એકાંતવાસ સારો છે તમને રીચાર્જ કરે છે, વધારે જીવંત બનાવે છે, સ્વની વધારે નજીક લઈ જાય છે, તણાવ મુક્ત કરે છે, આ ફાસ્ટ જિંદગીમાં ફરીથી કૂદી પડવાનું બળ આપે છે. તો ચાલો ગણગણીએ
 “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.”

28 thoughts on “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ. Hard Truths About Human Nature.”

 1. “…પણ આ મૃત્યુનો ભય આપણને કદી એકલાં પાડવા દેતો નથી. માણસને એકલતાનો ખૂબ ભય લાગતો હોય છે. માટે સમૂહના સર્વાઈવલ વિરુદ્ધનું કોઈ કામ કરીએ ત્યારે સમૂહ એકાંતવાસ એટલે જેલની સજા કરતો હોય છે.”
  યુવક-યુવતીઓ બહુ જલ્દીથી ‘બોર’ થઈ જાય છે. મોબાઇલ ફોનના મોડેલથી ‘બોર’ થવાને કારણે તેઓ દર ત્રણ- ચાર મહિને મોબાઇલનું મોડેલ બદલી નાખે છે. નવી બાઇકથી તેઓ છ મહિનામાં જ કંટાળી જાય છે. દર વર્ષે તેઓ મોટરકાર બદલે છે. નોકરીઓમાં પણ તેઓ સતત જમ્પ માર્યા કરે છે. કૂદાકૂદ કરવાની આ આદત તેમને અંગત જિંદગીમાં પણ ઠરીઠામ થવા દેતી નથી. લગ્ન પહેલા તેઓ વસ્ત્રોની જેમ ગર્લફ્રેન્ડ બદલે છે અને લગ્ન પછી એકની એક પત્નીથી કટાળીને લગ્ન બાહ્ય સંબંધો બાંધે છે અથવા છૂટાછેડાની અરજી કરે છે. વ્યસ્ત જિંદગીમાં છોકરી સાથે મિત્રતા કેળવવાની પણ તેમને ફૂરસદ ન હોવાથી તેઓ સ્પીડ ડેટિંગ કરવા લાગ્યા છે.
  આજની મેનેજમેન્ટ કોલેજોમાંપણ વિદ્યાર્થીને ઇમાનદારીથી ધંધો કરવાનું શિક્ષણ આપવાને બદલે કોમોડિટીનું વેચાણ વધારવા માટે ગ્રાહકોની છેતરપિંડી કરવાના અને તેમને લલચાવવાના રસ્તાઓ શીખવવામાં આવે છે.

  Like

 2. મારા એક મિત્રે મને એક સવાલ પુછેલો:શુ કામ બધા મહા પુરૂસો એકાંત મા…..વન,પહાડો વગેરે ……….?
  મે તેને એકાંત v/s એક્લતા …..વિશે કહ્યુ…એકલતા એટ્લે શુ બધા કામ મારે જ કરવા ના……..
  અને એકાંત એટલે આ કામ કોઇ કરી શકે નહિ ….મારે જ કરવાનુ છે.

  Like

 3. શું વાત છે, બાપુ ! એકાંત માટે પણ લોકોને આટઆટલા ફાંફા મારવા પડે છે ? અને અમારે અહિ એકાંત એ સાવ સહજ છે ! જો કે એકાંત પચાવવું બહુ અઘરું કામ છે. આપણે એકાંતથી ડરીએ પણ છીએ ! અને છતાં, આપે જણાવ્યું તેમ, બરાબર તેમ જ, સમયે સમયે એકાંત એ ખોવાયેલી ચેતનાને ફરી મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. બહુ જ સ_રસ અને સમજવા લાયક લેખ લખ્યો છે. ખાસ તો, એકાંત અને એકલતા વચ્ચેનો ભેદ સરસ સમજાવ્યો.

  ભગવદ્‌ગોમંડળમાં એકાંતનો એક અર્થ ’અવ્યભિચાર’ મળે છે ! અને વ્યભિચારની વ્યુત્પત્તિ વળી [ સં. વિ ( વિશેષ ) + અભિ ( ચોતરફ ) + ચર્ ( આચરવું ) + અ ( નામ બનાવનાર પ્રત્યય ) ] અર્થાત્‌‍ અવળે માર્ગે ગમન એવો મળે છે. આપણે આ બધાને ભેળું કરી ભૈળકું કરીએ તો, એકાંત એટલે અવળે મારગેથી સવળે મારગે ચઢવું કે ચોતરફ ભટકવું છોડી એકધ્યાન થવું તેમ થાય ?

  “એકાંત”, ભગવદ્‌ગોમંડળમાં વધુ કેટલાક અર્થ :
  http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4&type=1&key=false&page=0

  અને ગંભીર લેખ સાથે બે‘ક હળવી રમૂજ જે લેખ સંબંધીત તો છે જ;
  કોઈપણ મહાનગરવાસીને પુછો કે બાબો કેવડો થયો ? એટલે બંન્ને હાથ પહોળા કરી કહેશે, ’આવડો !!’ કેમ કે તેમણે તેને પથારીમાં આડો વધતો જ જોયો હશે !

  અને પેલાં ખુશ થાય એટલે પૂંછડી ઊભી પટપટાવતા કૂતરાની વાત તો જાણતાં જ હશો ! કહે છે કે મુંબઈમાં આડી પૂંછડી પટપટાવાય એટલી મોકળાશ જ ક્યાં છે ?! સરસ લેખ. આભાર.

  Like

  1. અશોકભાઈ રમુજ મજાની છે. અહીં પણ નર્યું એકાંત છે. જે બરોડામાં મળતું નહોતું. એટલે જ મેં પહેલા કોલાહલ લેખ લખ્યો હતો. અવળેથી સવળે અને એક ધ્યાન થવાની વ્યાખ્યા પણ સુંદર છે. આભાર.

   Like

  1. ના,એ મૌનનાં ગણાય. બોલચાલનો નવો ઉપાય કહેવાય. એક ફાયદો થાય કે આવા નકલી મૌનથી સ્વર પેટીને રાહત થઇ જાય.

   Like

  2. મૌન એટલે અન્ય સાથે સંવાદની નિવૃત્તિનો સંદેશો મન દ્વારા વહન કર્યો છે. બાહ્ય રીતે સ્વરપેટીને આરામ છે પણ સાથે સાથે મનને પણ એનું કામ સરળ બનાવવાનું છે. બુદ્ધિ અને મન દ્વારા જે તે વ્રત નિયમ વખતે આંતરીક રીતે ઘણા મોટા કામ પાર પાડવાના હોય છે. એમની પાસે ૧૦૦% કામ કરાવવાનું હોય છે. પણ આપણું મન મૌન દરમ્યાન બીજા લોકોને કઈ વાતે શું કહેવું વિગેરે વિષે વધુ ચિંતન કરે છે.

   ચિઠ્ઠી કે ઇશારાથી સંવાદ તો દૂરની વાત છે પણ ખરેખર તો મનથી પણ અયોગ્ય/બિનજરૂરી સંવાદ ચિંતાવવો તે ખોટું છે. મન અને બુદ્ધિની ઉર્જા વધુ વેડફાય છે.

   જયારે ઉપવાસ કરીએ, ત્યારે પેટને ખાવાની મનાઈ કરી છે, એ વાતનો સંદેશો મન દ્વારા વહન કર્યો છે.
   એટલે કે હવે, પેટ નિવૃત્ત છે અને મન પણ પેટની ચિંતા માટે નિવૃત્ત છે. પણ મોટેભાગે લોકો પેટને તો ભૂખ્યું રાખે છે. પણ મન દ્વારા ભોજનનું ચિંતન કરી લે છે. જે ખોટું છે. બુદ્ધિ અને મન દ્વારા જે તે વ્રત નિયમ વખતે અંતરીક રીતે ઘણા મોટા કામ પાર પાડવાના હોય છે.
   દરેક ઇન્દ્રિય એના જે તે કામમાં જ પ્રવૃત રહેવી જોઈએ, એને એ રીતે કેળવવી પડે છે. મેં અગાઉ લખેલું એમ મહાવીર આને ‘સ્વભાવસાર’ કહે છે.

   આંતરિક ચેતનાના ઉજાગર માટે સ્વભાવસાર ઘણું અગત્યનું છે. મને નામ યાદ નથી પણ વેસ્ટમાં આ પદ્ધતિઓનો વિકાસ અને ફિલોસોફી કોઈ મનોવૈજ્ઞાનિકે વર્ણવેલ છે.

   આવા ઘણાં ઉદાહરણો દરેક ઇન્દ્રિય માટે વિચારી શકાય. સરવાળે આપણને ખ્યાલ આવે કે આપણને એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય પાસે કરાવવાની આદત છે. અને આથી જ આપણે આપણી બુધ્ધિશક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા નથી. આ બધું સમજવા માટે અને આવા ગહન પ્રયોગો માટે એકાંતનો કોઈ વિકલ્પ નથી. હા, સંસાર ત્યાગ એ એકાંત નથી. 🙂

   Like

   1. વાહ ! હિરલબહેન. સોને પે સુહાગા !
    આપ કદાચ Eckhart Tolleનીં વાત કરતા હો તેવું લાગ્યું, તેમનું અવતરણ ટાંકુ છું.
    (http://en.wikipedia.org/wiki/Eckhart_Tolle)

    “silence can be seen either as the absence of noise, or as the space in which sound exists, just as inner stillness can be seen as the absence of thought, or the space in which thoughts are perceived.”

    આપણાં દર્શનમાં મૌન અને મુનિ (સાધુ !) એકબીજા સાથે સંકળાયેલા છે. મુનિ=મૌનાવલંબી માણસ (ભગોમં) અન્ય એક અર્થ અંતઃકરણ પણ છે. અને અહીં પણ જુઓ. કહેવાયું છે; “If any man offend not in word, the same is a perfect man” (St. James 3:2 sq.) જે શબ્દથી (પણ) મર્યાદાભંગ, અપરાધ, અપકૃત્ય, નથી કરતો તે ખરો મનુષ્ય છે. મૌન વિષયે પુસ્તકો ભરાય તેટલું કહેવાનું થાય છે તે પણ નવાઈ જ ને !! આભાર.

    Like

 4. સાચી વાત. માનવને થોડો ઍકાંત મળી રહે તો માનવ ખીલી ઉઠે. પણ નરી એકલતા તો કોઇ વીરલો જ સહી શકે.

  Like

 5. ” ચલ મનવા એકાંતમા” લેખ ખૂબ ખૂબ ગમ્યોએકાંત અને એકલતા નો ભેદ અને સામ્યતાને સાથે રાખીને પણ બન્નેને ખૂબ સરસ રીતે સમજાવ્યા. એકલા એકલા સાયકોલૉજી વાચીને પોતાના માનસનો બહુ સરસ ઉપયોગ કરીને સોશ્યોલોજી અને સાયકોલૉજીનો સમંવ્યકરીને વ્યવ્હારિક જ્ઞાનનુ ભાથુ પીરસ્યુ જે ભાવિ ગયુ અને પચી પણ ગયુ. લેખ બે વાર વાચ્યો તોય કોમેંટ્મા શુ લખવુ સમજ નહતી પડતી પણ કઇક લખવુજ છે એવુ નક્કી કરીને લખ્યુજ. ખરેખર સરસ લેખ છે.

  Like

 6. ભૂપેન્દ્રસિંહજી સરસ લેખ.

  આપણે આપણાં ભિન્ન વિચારોથી જ્યારે સમાજના બીજા લોકોથી કપાયેલી પતંગની જેમ કપાઇને ગોથાં ખાઇએ ત્યારે સાચી એકલતાનો આનંદ આવે છે. તમે જુદી માટીના ઘડાયા હોવ ત્યારે આ એકલા હોવાનો પડકાર ઝીલી લેવો પડે છે. નહીંતર બંને બાજુનું જગત તમને પોકાર્યા કરશે, આવો અમારા જેવા બનો, તમે સલામત રહેશો.

  Like

  1. સાચી વાત છે બાકીના સમુહથી આપણા વિચારો અલગ પડે ત્યારે એકલા પડી જવાતું હોય છે. પણ એકલતાનો આનંદ માણતા આવડે તો ક્રિયેટિવ બની શકાય છે. આભાર.

   Like

 7. તાજા સમાચાર વાંચ્યા કે જુનાગઢ ના કોઈ મંદિર માં લોકો ના ધસાર ને લીધે ૬ – ૮ લોકો એ જાન ગુમાવ્યા બીજા અનેક ને શારીરિક ઈજાઓ પણ થઇ. અંધ શ્રદ્ધા, અજ્ઞાન ની વ્યાપકતા ની નિશાની. ભાઈ ભુપેન્દ્ર્સીહ એ આ લેખ માં રજુ કરેલી રીતે એકાંત માં રહીને ભક્તિ કરી હોત તો
  આવી દુખદ પરિસ્થિતિ ના સરજાત! પુરતી સગવડ ના અભાવ ના લીધે મંદિર ના વહીવટ કરતાઓ ઉપર કાયદેસર ના પગલા લેવાવા જોઈએ.

  ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ.
  સુંદર લેખ બદલ અભિનંદન ભાઈ ભુપેન્દ્રસિંહ

  Like

  1. પાક્કા સમાચાર !!
   ૭ મોત અને ૩૩ ઈજાગ્રસ્ત.
   બીજા પાક્કા સમાચાર !!
   આ દૂર્ઘટનાને અને મંદિરને કે મંદિરના વહીવટકર્તાઓને શું લાગે વળગે ? હા, લોકો ઘરમાં બેસી રહ્યા હોત તો (એકાંત માં રહીને ભક્તિ કરી હોત તો) વાંધો ન આવત તે વાત સાચી છે.
   (આ જ લાઈનદોરી પકડી લોકોએ ભારે ગીરદીવાળા, સિનેમાહૉલમાં, સદ્‌ભાવના પર્વોમાં, મેળાઓમાં, શાકિરાનાં લાઈવ કોન્સર્ટસ્‌માં, ચૂંટણીની જાહેરસભાઓમાં, હરિદ્વાર, આબુ, અમરનાથ, દિવ, ગોવા, માથેરાન, એસ્સેલ વર્લ્ડ, અરે મુંબઈ પણ ન જવું જોઈએ !!)

   બાકી આ દૂર્ઘટના કોઈ મંદિરમાં નહિ કિંતુ ભવનાથ જવાનાં રસ્તે, પાજનાકાનાં પુલ પર, સરકારી તંત્રની નિષ્ફળતાને કારણે, બનેલી છે. (જો કે સંપૂર્ણ ભવનાથનાં મેળાનું આયોજન (અને કમાણી પણ !) સરકારી તંત્ર કરે છે નહિ કે કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થા !) આમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાન ક્યાં આવ્યું ?! (ઈજાગ્રસ્તોમાં માત્ર હિન્દુ જ નહિ, મુસલમાન પણ છે એ જાણ માટે !) આમાં તંત્રનો ભ્રષ્ટાચાર અને કામચોરી કે બેજવાબદારી સ્પષ્ટપણે કારણભુત છે. મારે થોડું લખવું પડ્યું એ માટે કે, માત્ર લોકોએ મેળામાં શા માટે જવું જોઈએ કે ’એકાંતે બેસી રહેવું જોઈએ’ એમ કહી દેવું તે અજ્ઞાન છે ! આવતી કાલે સરકારીતંત્રની બેજવાબદારી અને ભ્રષ્ટાચારને કારણે એક પુલ કે એક વિમાન તુટી પડશે તો આપણે એમ કહીશું કે ’લોકોએ મુસાફરી શા માટે કરવી જોઈએ ? ઘરમાં જ બેસી રહેવું જોઈએ !!!’ — આભાર.

   Like

 8. રાઓલજી,
  ખૂબ જ મજાનો લેખ. એકાંત અને સમૂહ ; એ બંને પાસાને ન્યાય આપ્યો છે.
  એકલતા અનુભવ્યા વગર એકાંતમાં સ્થિત થવું એક હકારાત્મક સર્જનાત્મક સ્વ સાથે જોડતી અવસ્થા કહેવાય.
  આ વાત અગત્યની છે.
  તો સમૂહ કે સહવાસનો મહિમા જણાવતી આ વાત પણ બરાબર છે: સમૂહના બીજા લોકો સાથે જોડાયેલા રહેવું અગત્યનું હોય છે. લૅબોરેટરીમાં થયેલા સંશોધન જણાવે છે કોઈનો સહકાર બ્રેઈનના રીવોર્ડ એરિયાને સક્રિય કરતો હોય છે.
  ટૂંકમાં વિવેક આપણે નક્કી કરવાનો છે.

  Like

 9. અશોકભાઈ,

  (આ દૂર્ઘટનાને અને મંદિરને કે મંદિરના વહીવટકર્તાઓને શું લાગે વળગે ?)

  નો પ્રતિઉત્તર મારા અંગત અભિપ્રાય રૂપે લખેલ છે.

  મારી જાણ મુજબ અમેરિકા ના ન્યુ જર્સી રાજ્ય માં એક મંદિર માં રવિવારે ભક્તો ની સંખ્યા બહુજ વધી જવાથી મંદિર સંચાલકો એ એવું નક્કી કર્યું કે અમુક અમુક પરગણા (સબર્બ) ના ભક્તો એ શનિવારે અને અમુક પરગણા ના ભક્તો એ રવિવારે દર્શન માટે આવવું. અતિશય ભીડ થી થતી વિવિધ મુશ્કેલીઓ (જેવીકે વાહન પાર્કિંગ અને ધક્કા મુક્કી) અને તકલીફો (પ્રસાદ વિતરણ) નું અંશતઃહ નિરાકરણ આવી શક્યું. હા અમેરિકા માં કાયદા નું પાલન સારું થતું હોય છે!
  દરેક મકાન માં કેટલા માણસો ભેગા થઇ શકે તેનો આકડો હોય છે. કેપેસીટી કરતા વધારે માણસો હોય તો પોલીસ આવી કાયદા ના પાલન ની ફરજ પાડી દેતા હોય છે.

  આખી પુનમેજ દર્શન કરવાથી પુણ્ય મળે અને અમાસ નો દિવસ અપશુકનિયાળ જેવી વિવિધ માન્યતાઓ, વર્ષ ના અમુક દિવસો એજ દર્શન કરવા કારણભૂત બની અગણિત માણસો ભેગા થાય અને અપૂરતી સગવડો આવી દુર્ઘટનાઓ માટે કારણ ભૂત હશે.

  (આ દૂર્ઘટનાને અને મંદિરને કે મંદિરના વહીવટકર્તાઓને શું લાગે વળગે ?)

  શું મંદિર ના મહંતો અને વહીવટકર્તાઓ એવું ના જાહેર કરીશકે કે અમુક ગામ ના ભક્તો એક દિવસે આવે અને અમુક બીજા ગામો ના ભક્તો બીજા કે ત્રીજા દિવસે કે અઠવાડિયા પછી દર્શન માટે આવે?

  બીજા ઉપર લખેલા એક અભિપ્રાય માં જાત્ર અને હજ ના સ્થળો એ કેટલા ભક્તો ની જાનહાની થઇ છે તેનો ઉલેક્ખ છે, આ દુખદ છે.

  Like

 10. બહુ જ જરૂરી બાબત માટે બહુ જ સરસ ચિંતન. કશું ઉમેરવા જેવું નથી !
  એક ઈ-ચોપડી ડાઉનલોડ કરવા ઈમેલથી મોકલીશ. ટપ્પાક દઈને વિચારો બંધ કરી શકશો. (માત્ર પુસ્તકિયા / ઈમેલિયા વાત નહીં – અનુભવની એરણ પર ચકાસેલું.)

  Like

 11. બાપુ, “ચાલ મનવા એકાંતમાં જરા જાત સાથે વાતું કરી લઈએ” — આવો લેખ આપે લખ્યો અને અમોએ વાંચ્યો તેમાં મન પર એવી જબરી અસર પડી કે તુરંત અમલ કરી નાંખ્યો ! (શાહબુદ્દિનભાઈ કહે છે ને કે; ડાહ્યા માણસો વિચારે અને મૂર્ખાઓ તુરંત અમલ કરે ! 🙂 ) બે દહાડા એકાંત માણવા ઉપડી ગયેલો !! એમ કહો કે આપના લેખનો વાસ્તવિક અખતરો કરી આવ્યો ! મજા આવી ગઈ !!!

  શ્રી.NRIજીનો વળતો પ્રતિભાવ ઘણો પ્રેરક છે. ખાસ તો ન્યુ જર્સીનાં એક મંદિરે કાઢેલો વ્યવહારૂ માર્ગ બધાએ અપનાવવા લાયક છે. (હું વારંવાર કહું છું તેમ, પ્રશ્નો કે વખોડવું વ્યાજબી છે તેમાં ના નહિ ! કિંતુ ઉત્તર અને વ્યવહારૂ ઉકેલ એથી ક્યાંય વધારે ઉપયોગી હોય છે !! જો કે ભવનાથ મેળાની ઘટના, એ મેં આગળ જણાવ્યું તેમ સિસ્ટમ ફેલ્યોરની ઘટના છે પણ તેમાંએ વહિવટીતંત્ર, દાનત હોય તો, આવો કોઈ ઉકેલ કાઢી શકે છે. આભાર.

  Like

  1. શ્રી અશોકભાઈ
   વહીવટી તંત્રની નિષ્ફળતા તો ખરી જ, સાથે લોકોનું ગાંડપણ ભળતું હોય છે. એકાદનો દોષ કાઢવો તે પણ વાજબી નથી. આભાર. હવે લોભ વિષે વાંચો.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s