કોલાહલ

કોલાહલ

     સિત્તેરના દાયકામાં હું વડોદરા ભણતો ત્યારે મહારાષ્ટ્ર દાંડિયા બજારમાં આવેલી મહારાષ્ટ્ર  લોજમાં જમવા જતો. થાળી વાટકાનાં ખખડવાના અવાજો આવતા. પીરસણીયા પીરસતા હોવા છતાં મૅનેજર બુમો પાડતો હોય. ટેબલ ખુરશી ભરાઈ ગયા હોય તો અંદરની રૂમમાં પાટલાં માંડેલા હતા, ત્યાં બેસીને પણ ઘણીવાર ખાધું છે. વાસણોના ખડખડાટ વડે અને મેનેજરની બુમાબુમ સાથે વાતાવરણ એક જીવંત લાગતું. આજે પણ રેસ્ટોરેન્ટમાં કે લોજમાં જમવા જાવ તો પાછળ સરસ મ્યુઝિક વાગતું હોય છે. જોકે પેલી સિત્તેરના દાયકા જેવી મહારાષ્ટ્ર કે માધવ લોજ જેવું જીવંત વાતાવરણ ઓછું લાગે. જ્યોર્જીયા સ્ટેટ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે સંગીતનાં સથવારે કૉલેજ સ્ટુડન્ટ વધુ ખાતાંપીતાં હોય છે. જર્નલ ઑફ બિઝનેસ રીસર્ચમાં પ્રકાશિત થયેલા મ્યુઝિક ઇન રીટેઈલ સ્ટોર વિષય પરનાં ૧૫૭ પેપર્સ મુજબ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગ્રાહકોને આનંદ આપતું હોય છે અને સ્ટોરમાં વધુ સમય ગાળવા મજબૂર કરતું હોય છે સાથે સાથે વધુ પૈસા ખર્ચવા પણ. લાઉડ વોલ્યુમ આપણી સંવેદનાઓને ઓવરલોડ કરી નાખે છે જે સેલ્ફ કંટ્રોલ ઓછો કરી નાખે છે.
       હળવું મ્યુઝિક ડેઝર્ટ અને એક્સ્ટ્રા ડ્રીંક ઑર્ડર કરવા પ્રેરતું હોય છે. વાઈન સ્ટોરમાં ફ્રેંચ મ્યુઝિક વાગતું હોય ત્યારે ગ્રાહકો ફ્રેંચ વાઈન વધુ ખરીદતા હોય છે અને જર્મન મ્યુઝિક વાગતું હોય ત્યારે જર્મન વાઈન વધુ ખરીદતા હોય છે. જે તે દેશનું મ્યુઝિક જે તે દેશની યાદ અપાવે છે જે ખરીદીમાં ફરક લાવે છે. ભાવનાસભર ગીતો વાગતા હોય ત્યારે વેઇટરને ટીપ વધુ મળતી હોય છે.
     વધુ પડતા અવાજથી Tinnitus નામની કાનની બીમારી થઈ જાય છે, એમાં કાનમાં સતત ઘંટડી વાગતી હોય છે. ૩૦ મિલિયન અમેરિકન્સ અને ૬૫ ટકા યુરોપીયંસ આ બીમારીથી પીડાતા હોય છે, કારણ છે કામ કરવાની જગ્યાએ અતિશય અવાજ. ૫૦-૫૫ ડેસીબલ કરતા વધુ અવાજ સ્ટ્રેસ હાર્મોન્સ પેદા કરતો હોય છે.
     બહિર્મુખી લોકો બેક ગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય ત્યારે સારું કામ કરતા હોય છે. આવા લોકોને ટીવી ચાલુ હોય ત્યારે પણ ગણિતના દાખલા ગણવામાં કોઈ તકલીફ પડતી નથી. કોલાહલવાળી જગ્યાએ પણ સારું કામ કરી શકતા હોય છે, ઊલટાનું કોલાહલ તેમને કંટાળાથી બચાવે છે. આમ વધુ અવાજ  વધુ ગુસ્સો ધરાવતા લોકોમાં હિંસાનું પ્રમાણ પણ વધારતો હોય છે. એટલે પહેલાના જમાનામાં લડાઈ થતી ત્યારે ઢોલ, નગારા, રણભેરી વગેરે વગાડીને કોલાહલ પેદા કરવામાં આવતો, જેથી આક્રમકતા વધે.
    ઈન્ટ્રોવર્ટ અંતર્મુખી લોકોને વધુ અવાજ ગમતો નથી. આવા લોકોને શાંત જગ્યાએ કામ કરવાનું કે મીટિંગ ગોઠવવાનું જ ફાવતું હોય છે. લાઇબ્રેરી એમના માટે ઉત્તમ જગ્યા હોય છે. ૮૫ ડેસીબલ કરતા વધુ અવાજ હિયરીંગ લોસ શરુ કરી દે છે. ક્યાં કેટલો અવાજ હોય છે તે જોઈએ.
Home: 40 dB
Office: 65 dB
Restaurant: 75 dB
Television: 80 dB
Road Traffic: 85 dB
Subway: 100 dB
Construction: 110 dB
Nightclub: 120 dB
Jet Takeoff: 140 dB
     ૨૩ ઑક્ટોબર, ૨૦૦૧, આઈપોડ નામની ક્રાંતિકારી શોધનું ઉદ્ઘાટન થયું. મ્યુઝિક સાંભળવાનો એક નવો આયામ શરુ થયો. હકીકત એ છે કે મોડરેટ વોલ્યુમ સાથે મોડરેટ સમય પૂરતું આઈપોડ પર મ્યુઝિક સાંભળવું સ્થાયી રૂપે સંભાળવાની ક્ષમતામાં ઘટાડો કરતું હોય છે. આઇપોડની દસમી વર્ષગાંઠ વખતે ન્યુયોર્ક ટાઈમ્સ સાથે એક ઈન્ટરવ્યુંમાં ડેનિયલ લેવીટન નામના ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે કે તરુણ બાળકોમાં આઈપોડ સાંભળવાનું વધ્યું છે અને તે પણ ૯૫-૧૦૦ ડેસીબલ લેવલ સાથે. કાનની અંદર cochlea માં સાવ બારીક વાળ હોય છે જેને hair cells કહેતા હોય છે. આ સેલ અવાજને રજિસ્ટર કરતા હોય છે, જે high-pitched ફ્રિકવન્સી ધ્વની વડે એમની શક્તિ કાયમ માટે ગુમાવી દેતા હોય છે. ખૂબ ઊંચા અવાજ વડે નાશ પામ્યા પછી આ સેલ ફરી રીકવર થતા જ નથી. આ હિયરીંગ રીસેપ્ટર કોકલિયાની શરૂઆતમાં આગળ જ સ્થિત હોય છે. અંદર પ્રવેશ કરતા અવાજનો મારો એમનો પહેલો નાશ કરી નાખતા હોય છે.
     જ્યારે તમે બહાર ફરવા જાઓ ત્યારે આજુબાજુનો નજારો જોતા હોવ છો, કોઈ ફૂલોની સુગન્ધ મનને તરબતર કરી નાખતી હોય છે. પક્ષીઓના કલબલાટ મનને આનંદ અર્પતા હોય છે. કંઈક નાવીન્ય અનુભવતા હોવ છો. પણ જો તમે કાનમાં આઈપોડ લગાવ્યું તો જીવનની ઘણી બધી આનંદિત ક્ષણોને ગુમાવો છો. એક બીજો પોઇન્ટ Levitan સાહેબનો જાણવા જેવો છે. મ્યુઝિક બ્રેઈનને અસર કરતું હોય છે, એનો એક રસપ્રદ અનુભવ એ છે કે કોઈ ગીત માઈન્ડમાં સ્ટક થઈ જતું હોય છે. આને “earworm ” કહેતા હોય છે. કાનમાં કોઈ ગીતનો કીડો ઘૂસી જતો હોય છે.  જે ગીત સૌથી વધુ ગમતું હોય તે લાંબો સમય કાનમાં ગુંજ્યા કરતું હોય છે. આઈપોડથી એવું બને કે ઓછો ટકાઉ ટ્રેક પેલાં કીડા ઉપર માસ્ક પહેરાવી દેતો હોય છે. આપણે પોતે પણ બીજા ગીત વિષે વિચારીને પેલાં કીડાને હટાવતાં હોઈએ છીએ. નવું ગીત નવો કીડો બનતું હોય છે. જોકે જુના કીડાએ આપેલું દર્દ ઓછું કરતું હોય છે. આઇપોડની આવી બીજી હકારાત્મક બાબત એ છે કે સતત મ્યુઝિક તમને સુખ આપતું હોય છે, અને બીજા લોકો પ્રત્યે તમારો વ્યવહાર  મૈત્રીપૂર્ણ બનતો હોય છે. ઇયર પ્લગ દ્વારા સીધું કાનમાં ઘૂસતું મ્યુઝિક નુકસાનકારક છે તે હકીકત છે. આઈપોડનો ઉપયોગ પણ લીમીટમાં થાય તો જ સારું.
    અતિશય કોલાહલ નુકશાન કારક છે.

14 thoughts on “કોલાહલ”

 1. આપણે ત્યાં (ભારતમાં) તો એમ મનાતું લાગે છે કે જેટલો મોટો અવાજ કરીએ તેટલા મોટા ભક્ત ગણાઈએ. અમારા ઘરની બાજુમાં મંદિર છે તેમાં રોજ સવાર સાંજ એટલા મોટા પરંતુ કર્કશ અવાજ સાથે આરતી થાય છે કે ભગવાન પણ ત્રાસી જતા હશે. મંદિર તો જાણે સમજ્યા પણ કોઈ પાડોશીએ પોતાને ત્યાં તેના ગુરુની પધરામણી કરી હોય તો તે ગુરુની ‘અમૃતવાણી’નો લાભ બધા પાડોશીઓને ફરજીયાત આપવા માટે લાઉડસ્પીકર પર શક્ય તે મોટામાં મોટા અવાજે પ્રસારણ કરે પછી ભલે નજીકમાં કોઈ વ્યક્તિ બીમાર હોય કે કોઈ વિદ્યાર્થીને પરિક્ષાની તૈયારી કરવા વાંચવાનું હોય.

  Like

  1. હું બધું લખવાનો જ હતો. પણ હવે લોકોને થાય છે કે કાયમ હિંદુ ધર્મની નિંદા કરીએ છીએ. માટે લખ્યું નહિ. બાકી હું વાડી ભાટવાડા વડોદરામાં જ્યાં સુધી રહ્યો ત્યાં સીધું ભાગ્યેજ માઈક બંધ હોય. એક પછી એક તહેવારો આવે જ જાય. ઘર આગળ રોડમાં જતી જગ્યા બચાવી લેવા રંગીલે હનુમાનનું દેરું બનાવી દીધેલું. બસ કથા વાર્તાઓ, હનુમાન ચાલીસાઓથી માઈક સદાય ગુંજતા રહેતા. ત્રાસી ગયેલા, પણ ધાર્મિક લાગણી દુભાઈ જાય કેહવું કોને?

   Like

   1. તમે જણાવેલ વિસ્તારની એક વાત યાદ આવે છે. સત્યનારાયણની કથા હતી. રોડના કાંઠે જ. એક માઈક-તરસ્યાના હાથમાં માઈક આવી ગયું. મોટે મોટેથી એક જ વાત બોલ્યાં કરે:શાંતિ રાખો… શાંતિ રાખો.
    છેવટે એક જણથી ન રહેવાયું. એણે જઈને કહ્યું કે:તારી સિવાય બધાં જ શાંત છે. તુ બૂમો પાડતો બંધ થા!

    Like

 2. મને પણ જ્યારે એકલો હોઉ ત્યારે લાઉડ મ્યુઝીક સાંભળવું ગમે. પણ ગમતા બે ચાર ગીતો માટે જ. બાકી તો સંગીતથી શાંતિ મળવી જોઇયે, માથાનો દુખાવો નહી.

  Like

 3. આપનો લેખ ખરેખર જાગૃતિ પ્રેરક છે ..અવાજ પ્રદુષણ અનિચ્છનીય અને સર્વત્ર ફેલાયેલી ન અવગણી શકાય તેવી સ્થિતિ છે ..તે ગુપ્ત કાતિલ છે ..પર્યાવરણ માટે અને માનવ જીવન માટે ભયંકર ખતરો છે .

  ભરતમાં અવાજ પ્રદુષણ ધારા પ્રમાણે –૧.અદ્યોગિક વિસ્તારમાં દિવસે ૭૫ ડીબી .રાત્રે ૭૦ ડીબી.૨ .વ્યવસાયિક વિસ્તાર માં દિવસે ૬૫.અને રાત્રે ૫૫ ડીબી .૩. રહેઠાણ વિસ્તારમાં દિવસે ૫૫.અને રાત્રે ૪૫. ડીબી તથા શાંત -વિસ્તાર માં દિવસે ૫૦ અને રાત્રે ૪૦ ડીબી આવાજ પ્રમાણ સહ્ય છે ..

  આઈ.જે. સૈયદ

  Like

 4. ભૂપેન્દ્રસિંહ સરસ માહિતીલેખ.

  શાંત અવાજ કે સંગીત મન પર સારી અસર કરે છે એમ ઘોંઘાટ મનને ઉત્તેજીત કરે છે. એમ.ટી.વી. કે વી.ટી.વી.નું ઘોંધાટિયું સંગીત વલ્ગર કે અંસસ્કારી બનાવી પણ શકે. સારા સંગીતથી તરત મન શાંત થાય છે અને સારી ઉંઘ આવે છે.ઘોંધાટવાળા સંગીતથી કોઇકવાર તત્કાળ અસર થાય છે ક્યારેક લાંબેગાળે અસર થાય.

  જોન ફિલિપ્સ નામના સંગીતકારનું કહેવું છે કે અમે સંગીતની તરજો, રીધમ, લય વગેરે એવી રીતે ગોઠવીએ છે કે શ્રોતાગણમાં અમે હિસ્ટીરિયા પેદા કરી શકીએ છીએ. ૪૦ વર્ષ અગાઉ અમેરિકાના એરીજોના રાજ્યના ફિનિક્ષ શહેરમાં પોપ મ્યુઝિકના કાર્યક્રમ આપતાં પહેલાં નક્કી કરેલું કે એવું સંગીત આપવું કે તોફાન મચી જાય અને ખરેખર અડધો કાર્યક્રમ થતાં જ હુલ્લડ મચી ગયું. તેની સામે અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના સપ્તકના સમારોહમાં પીન ડ્રોપ સાયલન્સ હોય છે.

  અવાજની ગતિ ઉપર તરફ વધુ જાય છે એટલે કે અવાજનું પ્રદૂષણ કે તેની તીવ્રતા નીચે કરતાં ઉપર વધુ અનુભવાય છે. આજકાલનાં એપાર્ટમેન્ટ કે ફલેટની સિસ્ટમમાં નીચેના ફલેટ કરતાં ઉપરનાં ફલેટમાં અવાજની અસર વધુ થાય છે. આજકાલ એપાર્ટમેનટ પણ નજીક નજીક હોય તેના કારણે પણ અવાજની તીવ્રતા વધુ થાય છે. નવરાત્રીના લાઉડસ્પીકર, લગ્નોનાં વરઘોડા. ધાર્મિક સરઘસો, અને વાહનોનાં કર્કશ અવાજોનું પ્રદૂષણ વધવા લાગ્યું છે.

  Like

  1. સંગીત સાંભળવા માટે તો ખર્ચ કરાય છે, પરંતુ અહીં એક સંગીતકારની રચનામાં શૂન્યાવકાશ ’સાંભળવા’ લોકો ખર્ચ કરે છે !!! બહુ પ્રસિદ્ધ ૪:૩૩; કોલાહલ મધ્યે શાંતિનું મૂલ્ય !

   http://en.wikipedia.org/wiki/4%E2%80%B233%E2%80%B3

   http://www.bbc.co.uk/news/magazine-12021661

   Like

 5. આપની સાથે 100% સમ્મત. ગણેશોત્સવ, નવરાત્રી,અને લગ્નની સીઝન કેમ ભૂલાય? એકના એક ગીતોનુ વારંવાર પુનરાવર્તન અને હવેતો ડી.જે. કાનના પડદા ફાટીજાય એવા અવાજો
  ચારેબાજુથી કાનમા વાગ્યાજ કરે. આવા સમયે જ્યોતિન્દ્ર દવે યાદ આવી જાય.” ભલા પડદા કા
  ન કર્યા” કાનને જો પડદા બનાવ્યા હોતતો જે સાભળવુ હોય તે સાભળવાનુ અને ના સાભળ્વુ હોય ત્યારે પડદા બન્ધ કરી દેવાના એટલે આપણેય ખુશ અને અવાજ કરનારાય ખુશ . કેવી સરસ
  કલ્પના?
  બહરજઇએ ત્યારે.કુદરતી નજારાની સાથે સાથે.પક્ષીઓનો મધુર કલરવ નૈસર્ગિક પવનને કારણે થતો પર્ણ મર્મર ધ્વનિ.ખળ્ખળ વહેતા ઝરણાઓનો દિવ્ય નિનાદ સાભળ્વાને બદલે રેડિયો-ટેપતો
  એક દેખાડો કરવાની વસ્તુ થઇ ગઇ છે. એતો ગમેત્યરે અને ગમેતે જગ્યાએ છે છે અને છેજ તો કુદરત્નો અમૂલ્ય લાભ શામાટે ચૂકવો જોઇએ.વૈજ્ઞાનિક લાભતો આપે જણાવ્યોજ છે. આપની
  સંશોધનવૃતિ કાબિલેદાદ છે.

  Like

 6. કોલાહલ તો ગુજરાતી વેબ જગતપર પણ ઘણો છે ,તે કેટલા db?

  Like

 7. અહીં જેવો જ કોલાહલ
  બધે જ !
  કોલાહલ અંગે કવિતા યાદ આવે છે

  બ્રહ્મવિદ્યા

  તિમિરોજ્જ્વલ શય્યા પર પોઢેલા યમ ઊંઘરેટી આંખ ચોળતા બેઠા થઈ ગયા : તેમના વાતાનુકૂલિત દરવાજા પર કોલાહલ ટકોરા મારી રહ્યો હતો. * આકાશમાં અગણિત આત્માઓ પારદર્શક દીવાલ ભેદવા પ્રયત્ન કરતા હતા; અચંબામાં પડેલા ચિત્રગુપ્તે હાથમાંના રિમોટથી બંધ કરી દીધો દીવાલમાંનો દરવાજો. પૃચ્છા કરી વાયરલેસ પર: “દૂતો, તમે ક્યાં છો ? તમે તમારી આજ્ઞાની મર્યાદા લોપી તો નથીને ? ઓવર.” * અજંપાનો ઉજાગરો યમને સૂવા દેતો નથી: એમના કાન પર સતત સંભળાય છે કોઈ અવાજ: “યમ, મારે શીખવવું છે, બ્રહ્મજ્ઞાન તમને, તમે સાંભળો છો, યમ ?” હેબતાઈ ગયેલા યમે દરવાજાને સાંકળ વાસી દીધી. * “ચિત્રગુપ્ત, અમે સાવ પાછળ છીએ: તમારી આજ્ઞા સો આત્માની હતી: અમારા પાશમાં બંધાયા છે બરાબર સો, અમારી આગળ રસ્તો રોકી સેંકડો આત્માઓ કેમ કોલાહલ કરે છે ? વિના પાશ એ અહીં કેમ ધસી આવ્યા છે ? ઓવર.” * “યમ, તમે સાંભળો છો ? તમે ભૂલી ગયા છો, તમારું જ્ઞાન. હું આવ્યો છું, બ્રહ્મવિદ્યાનું દાન કરવા. તમારી પાસે આવતાં આ કઈ નજરે ન ચડતી દીવાલ મને રોકે છે ?” “રસ્તો કરો.” “સામે કશું જ નથી : આગળ કેમ જતા નથી ?” “અશરીરી હયાતીને પણ ભીંસ લાગે છે; રસ્તો કરો.” આગળ જવાનો પ્રયત્ન કરતા આત્માઓ પાછા ફંગોળાય છે : પાછળ આવનારા વધુ પાછળ ધકેલાય છે. * “યમ, તમે સાંભળો છો ?” ફરી એક વાર વણબોલાવેલો અતિથિ આકાશની દીવાલ સાથે અથડાવે છે અશરીરી હયાતી. “દરવાજો ખોલો છો ? કે થોડું આરડીએક્સ લઈ આવું ?” “આરડીએક્સ ? ચિત્રગુપ્ત, આ શું છે ?” “સર, સમજ પડતી નથી ; ધસી આવ્યા છે અનવૉન્ટેડ આત્માઓ.” “તપાસ કરો; ક્યા ગ્રહમાંથી ભૂલા પડ્યા છે ? પૃથ્વી પરના આત્માઓ પર આપણી હકૂમત છે ; આપણી આજ્ઞા વિના ત્યાંથી કોઈ ન આવે. બ્રહ્માંડના ક્યા રસ્તા પરનાં સિગ્નલો કામ કરતાં નથી ? તપાસ કરો.’ * “નચિકેતા, આ શું ? તમારા પિતાના આશ્રમના બ્રહ્મચારીઓ હવે આવું કૌપીન પહેરે છે ?” નચિકેતાના ખડખડાટ હાસ્યે યમ ડઘાઈ ગયા. “યમરાજા, મારી બ્રહ્મવિદ્યાનો આ પહેલો પાઠ. મારા પિતાનો આશ્રમ નથી, દારૂની દુકાનમાં એ નોકર છે : આ કૌપીન નથી, ફાટેલી ચડ્ડી છે… મારા પિતા કામ કરે છે એ દારૂની ભઠ્ઠીમાં બ્રહ્મચારીઓ નહીં, બળાત્કારીઓ આવે છે : નશામાં ચૂર થઈ એ પોતાની પત્ની પર, ઝૂંપડપટ્ટીની અસહાય કન્યા પર કે છેવટે પોતાની કંતાઈ જતી જાત પર રોજ ને રોજ બળાત્કાર કરે છે !” યમ આંખો ચોળે છે : ટેબલ પરના ફોનમાંનો વૉઈસ ઓપન કરી પૂછે છે : “ચિત્રગુપ્ત, આ કોણ છે ? એના ઍન્ટિસીડન્ટ્સ શું છે ?” સામે અવાજ સંભળાય છે : “સર, બૉમ્બવિસ્ફોટમાં એના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા છે, આ આત્મા…” “વિસ્ફોટની આજ્ઞા કોણે આપી ?” “યમરાજ, ગુસ્તાખી માફ કરજો. હવે પૃથવીલોકમાં મરવા કે મારવા માટે યમની આજ્ઞા નથી ચાલતી : આરડીએક્સ કે એ.કે. ફિફટીસિક્સ ચાલે છે.” “શું ? કંઈ સમજાય એવું બોલ.” “હું વ્હાઈટ પેપર મોકલું છું : તમને એ સિવાય નહીં સમજાય આ બધું.” * નચિકેતાના હાસ્યના પડઘા યમના શરીરને ઠંડું પાડી દે છે : “યમરાજા, બ્રહ્મવિદ્યાનું આ બીજું ચરણ : મૃત્યુ જીવના છેદન સાથે નહીં અંગેઅંગના છેદન સાથે પણ આવે છે : તમે તો જોઈ શકો છો, આત્માનો દેહભાવ !” યમ આંખ બંધ કરી બીજી ક્ષણે ચીસ પાડે છે : “ઓહ, આ શું ! એક પગ બસમાં, બીજે છેડે બીજો હાથ. તૂટેલી ખોપરીનો એક અંશ ઊડીને પડ્યો છે દુકાનના છાપરા પર… ઓહ, જોયું નથી જતું આ… ક્યા યુદ્ધમાં…” “યમરાજા, બ્રહ્મવિદ્યા ભણો, આ છે ત્રીજો પાદ. કેવળ યુદ્ધમાં જનારનાં જ અંગ છેદાતાં નથી; યુદ્ધમાં ન જનારાનાં અંગો પણ ઢળે છે વેરણછેરણ થઈને !” * “મને ચૂંટી ખણો, દૂતો, હું જાગું છું ?” “તમે તમારા દીવાનખંડમાં છો, મહારાજ !” “આ કોણ છે !” “અનવૉન્ટેડ આત્માઓનો પ્રતિનિધિ.” “મૃત્યવે ત્વાં દદામિ સાંભળીને અહીં આવેલો ઉદ્દાલકનો પુત્ર આ ન હોય ?” “યમરાજા, હવે ક્યારે મરે છે એ શબ્દો સાંભળી રીઢો થયેલો હું ઉદ્દાલકના પુત્રથી જુદો નથી : ફરક પડ્યો છે વીતેલા સમયે માત્ર અમારી ભાષામાં.” * “ચિત્રગુપ્ત,” “જી.” “મારું રાજીનામું મોકલી આપો ઈન્દ્રને, મારે નથી રહેવું આ આસન પર : જ્યાં મારી હકૂમત લોપાય, અધિકારો ન રહે એવી સત્તાનો શો ખપ ?” “યમરાજા, મારી બ્રહ્મવિદ્યાનું ચોથું પાદ : હકૂમત લોપાય, અધિકાર ન રહે, એટલે પૃથ્વીલોકમાં કોઈ સત્તા છોડતું નથી : તો તમે શા માટે ?”

  -હરીન્દ્ર દવે

  Like

 8. આઈપોડ આવ્યું તે પહેલાંથી જ લોકોએ એકબીજાને સાંભળવાનું બંધ કરી દીધું છે 🙂
  મહેરબાની કરીને ટેક્નોલોજીને દોષ ના આપો! 🙂 🙂

  Like

Leave a Reply to GUJARATPLUS Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s