રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.

૨. શક્તિ

આજે હવે જ્યારે આપણે સભ્ય બની ચૂક્યા છીએ ત્યાં કોઈને મારવું સભ્યતા ગણાય નહિ. છતાં શારીરિક  તાકાત માનવ ઇતિહાસમાં સર્વાઇવ થવાનું એક મહત્વનું પરિબળ રહ્યું છે. જે શારીરિક રીતે બળવાન હોય તેના સર્વાઇવ થવાના ચાન્સ વધુ હતા. આમ હાઈ સ્ટૅટ્સ માટે મજબૂત શરીર, બળવાન શરીર અગત્યનું હતું. આજના જેવા આધુનિક હથિયાર તો તે સમયે હતા નહિ,  ત્યારે શરીરની મજબૂતાઈ અને લડવાની ક્ષમતા મહત્વની હતી.

જે બળવાન હોય તે પોતાનું ગ્રૂપ ઊભું કરીને એનો લીડર બની શકતો, અને   ઊંચો માન મોભો પ્રાપ્ત કરી શકતો. આપણાં પૌરાણિક પાત્રો જુઓ તમામ બળવાન યોદ્ધાઓ હતા. ઇન્દ્ર, ભીમ, દુર્યોધન, કૃષ્ણ, બલરામ, હનુમાન, વાલી, સુગ્રીવ આવા તો અનેક બળવાન પાત્રોની કથાઓ આપણે સાંભળી છે. અરે! અંધ ધૃતરાષ્ટ્ર પણ લોખંડની પ્રતિમાને  ભીંસી નાખે તેવું અતુલ બળ ધરાવતા હતા તેવી કથા છે.

અંગ્રેજો આવ્યા તે પહેલાના લગભગ તમામ રાજાઓ  શારીરિક  બળવાન હતા. પોતાના કુટુંબની રક્ષા માટે પણ શારીરિક બળ જરૂરી હતું. અને આખું કુટુંબ શારીરિક બળ મેળવીને આવનારા તોફાનો સામે લડી શકતું અને આમ પાવર મેળવીને પોતાનું ગ્રૂપ બનાવી સત્તા હાસિલ કરી શકતું. આજે પણ જુઓ લડવા જવાનું નથી હોતું છતાં લોકો જિમ્નેઝિઅમ અને અખાડામાં જઈને શરીર બનાવતા હોય છે. એક રોગો સામે લડી શકાય અને સ્ટૅટ્સ પણ વધી જાય. સ્ત્રીને પણ સ્નાયુબદ્ધ શરીર ધરાવતો પુરુષ પહેલો ગમે તે સ્વાભાવિક છે. આજે સલમાનખાન  કેમ આટલો બધો લોકપ્રિય છે?

૩. ગૌરવ, પ્રતિષ્ઠા અને સન્માન

ઘણી સંસ્કૃતિમાં પ્રતિષ્ઠા અને ગૌરવ જીવન મૃત્યુનો સવાલ બની જતો હોય છે. સ્ટૅટ્સ ઓછું થઈ ના જવું જોઈએ ભલે મૃત્યુ આવે. સિસિલિઅન લોકો સ્ત્રીઓને ઘર બહાર નીકળવા દેતા નહિ. એમાં એમનું સન્માન જળવાતું, અને સ્ત્રી ઉપર શક જાય તો એની હત્યા પણ કરી નખાતી. આમ ઓનર કિલિંગ આજે પણ ઘણા દેશોમાં ચાલુ જ છે. આવું ભારતમાં ઉચ્ચ વર્ણના ગણાતા લોકોમાં પણ હતું. વિધવા વિવાહ ઉચ્ચ વર્ણમાં થતા નહિ તે પણ એક જાતનું ધીમું મૃત્યુ જ હતું યુવાન સ્ત્રીઓ માટે.

આમ પ્રતિષ્ઠા સમૂહના સર્વાઇવલ માટે કારણભૂત ગણાતી. પછી આ સમૂહ કુટુંબ હોય, સમાજ હોય કે ગામ અથવા દેશ જ કેમ નાં હોય?  આધુનિક જમાનામાં આપણું પ્રોફેશનલ રેપ્યુટેશન કે નામ બગડી જાય તો ખતરો પેદા થઈ જાય છે. એક સારા વકીલ કે સારા ડૉક્ટર તરીકે જે નામ મેળવ્યું હોય તે ગુમાવવું પાલવે નહિ. જો કોઈ સંજોગ કે વ્યક્તિ આ નામ બગાડે તો જીવવાની ક્ષમતા ઉપર જોખમ આવી જાય છે. એટલે આપણું મૅમલ બ્રેન રેપ્યુટેશનની ખૂબ ચિંતા કરતું હોય છે. મૅમલ બ્રેન જાણતું હોય છે કે ગ્રૂપ, સમાજ કે સમૂહનો અસ્વીકાર એટલે સર્વાઇવલ માટે ખતરો. આમ પ્રતિષ્ઠા માટે ગૌરવ જાળવવા કાજે લોકો મોત પણ વહોરી લેતા હોય છે.

૪. દેખાવ, દીદાર (Looks)

શારીરિક બાહ્ય દેખાવ પણ સ્ટૅટ્સ માટે અગત્યનો છે. સારો દેખાવ સારી તંદુરસ્તી સૂચવે છે. સારા જેનિસ સૂચવે છે. મૅમલ બ્રેન તંદુરસ્ત અને સુંદર સાથીની પસંદગી પહેલા કરે છે. સુંદર ચહેરો ભલે સર્વાઇવલ માટે અગત્ય ધરાવતો નાં હોય પણ સુંદર ચહેરો ધરાવનારા લોકોની આસપાસ રહેવાનું કે ફરતા રહેવાનું લોકોને ગમતું હોય છે. જુદા જુદા સમાજ માટે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે તે વાત અલગ છે. અને સારો ફેસ અને ખરાબ ફેસ વચ્ચે ફરક થોડા મીલીમીટર કાર્ટિલેજનો જ હોય છે. પણ આવા સામાન્ય ફરક પણ સ્ટૅટ્સ માટે મહત્વના બની જતા હોય છે માટે લોકો પોતાના દેખાવની ખૂબ જ ફિકર કરતા હોય છે. અબજો ડૉલર્સનો સૌન્દર્ય પ્રસાધન બિઝિનસ અમસ્તો નથી ચાલતો. એની પાછળ છે મૅમલ બ્રેન અને સોશિઅલ ડૉમિનન્સ હાઇઆરાર્કી અને સ્ટૅટ્સ. એક અભ્યાસ એવું પણ જણાવે છે કે માબાપ વગરનાં રૂપાળાં બાળકો પ્રમાણમાં વધું સર્વાઇવ થઈ જતાં હોય છે. જો કે સુંદરતાની વ્યાખ્યા જુદી જુદી હોય છે.

૫. શિક્ષણ  કે  કેળવણી

એડ્યુકેશન સ્ટૅટ્સ વધારે છે. સ્કૂલમાં પણ હોશિયાર વિદ્યાર્થીનું સ્ટૅટ્સ ઊંચું હોય છે. સારી ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્ટૅટ્સમાં ચોક્કસ વધારો કરી શકાય છે. જ્ઞાનમાં વધારો થાય તે પણ સ્ટૅટ્સ વધારે છે. અભ્યાસની વર્તમાનમાં એક મજા હોય છે ભવિષ્ય માટે કમાણીનું અને સ્ટૅટ્સનું સાધન હોય છે. મૅમલ બ્રેઇન સર્વાઇવ માટે અને જીવનમાં જેની જરૂર પડે તે વિષે તમામ માહિતી મેળવવા ઇચ્છતું હોય છે. કારણ આ માહિતી અને એના વિશ્લેષણ ઉપર એના સર્વાઇવલનો આધાર હોય છે. કોઈ પણ સ્કિલ મેળવવા માટે અભ્યાસ કરવો પડતો જ હોય છે. સ્પેશલ સ્કિલ ધરાવતા લોકોનું સ્ટૅટ્સ પણ ઊંચું હોય તે સ્વાભાવિક છે. R.M.P. ડૉક્ટર પાસે જવાને બદલે આપણે સ્પેશલિસ્ટ પાસે જવાનું વધારે પસંદ કરીએ છીએ. ડોક્ટર્સ, વૈજ્ઞાનિક, પ્રોફેસર, પ્રિન્સિપાલ વગેરેનું સમાજમાં સ્ટૅટ્સ ઊંચું ગણાય ભલે પગાર કે કમાણી ઓછી હોય.

 

૬.ધર્મ અને ધાર્મિકતા

ધાર્મિક સંગઠન અને સ્પિરિચ્યુઅલ ગ્રુપ્સમાં પણ સામાજિક મોભો છતો થતો હોય છે. ધાર્મિક ગુરુઓના પણ સ્ટૅટ્સ અને રૅન્ક હોય છે. ૧૦૮ કે ૧૦૦૮ મહામંડલેશ્વર, ધર્મધુરંધર, આવી તો જાતજાતની પદવીઓ હોય છે. મૂળે ધર્મ પણ એક મૅમલ બ્રેન ધરાવતા માનવોનું જ ગ્રૂપ છે. એક વિચારધારાને માનવાવાળાઓનો સમૂહ માત્ર છે.  એની પાછળ પણ મૅમલ બ્રેન કામ કરતું હોય છે. હિંદુ એક બહુ મોટું ગ્રૂપ કહેવાય, પણ આવડું મોટું ગ્રૂપ એક નેતાગીરી નીચે ચાલે નહિ.

દરેકને ઍલ્ફા બનવું હોય છે. માટે પછી એમાં નાના ગ્રૂપ બનતા જાય અને એક જ ગણાતી વિચારધારામાં પણ ફાંટાં પડતા જાય છે. આમ સ્ટૅટ્સ માટેની મહેચ્છા અલગ વાડો ઊભો કરીને સંપ્રદાય બનાવી દેતા હોય છે. હવે જુઓ વિડમ્બના કેવી છે? કહેવાય બધા હિંદુ પણ એક કહેશે સ્ત્રીઓના મુખ જોવાય નહિ અને બીજો કહેશે તમારી સ્ત્રીઓ અમને અર્પણ કરો.

જો તમને કશું આવડે નહિ, સ્ટૅટ્સ મેળવવાના કોઈ મોંઘાં રસ્તા અખત્યાર કરવા અઘરા હોય મેટ્રિકમાં વારંવાર નાપાસ થતા હોવ તો શરૂમાં એવા ગ્રામ્ય લોકોમાં કથા શરુ કરી દો. એના માટે વાલ્મીકિ અને તુલસીદાસ બહુ મોટું કામ કરી ગયા છે. બસ થોડી હોશિયારી વક્તા તરીકેની તો હોવી જોઈએ. બસ પછી તો ભણેલા, અભણ અને ભણેલા અભણ બધા તમને ગૃપના મુખિયા બનાવી દેશે. એમાં એક તો પૈસા પણ ખૂબ મળે અને ધાર્મિક  ગુરુ તરીકેનું સૌથી ઊંચું સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ જાય. આ સ્ટૅટ્સ વળી એટલું બધું ઊંચું કે તમામ ઊંચા સ્ટૅટ્સ વાળા પગમાં પડીને તમારું સ્ટૅટ્સ રોજ રોજ હાઈ કરતા જ જાય.

તમે જુઓ દરેક સાધુ કે મહાત્મા પહેલા સંસાર ભલે છોડે પણ એનું મૅમલ બ્રેન નવો સંસાર રચી દેતું હોય છે. એક નવો આશ્રમ બનાવી એક નવું ગૃપ ઊભો કરી દેતો હોય છે. અને તેનો વડો બની ઍલ્ફા બની જતો હોય છે. એક જ ગુરુના બે સરખી ક્ષમતા ધરાવતા ચેલા હશે અને એકને ગાદી મળતા બીજો નારાજ થઈને પોતાનું અલગ ગૃપ એટલે કે સંપ્રદાય બનાવી લેશે અને સ્ટૅટ્સ મેળવી લેશે. પોતાની અલગ સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરી દેશે. એના માટે થોડી ચેરિટી, થોડી સમાજસેવા પણ કરવી પડે. થોડા પૈસા જાય પણ અનેક ગણું પાછું મળતું હોય છે. બે પાંચ હજાર કરોડ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા પાછળ વાપરો લોકોને બધા હિસાબ ક્યાં મોઢે રહેવાના છે ? ૫૫ હજાર કરોડ ભેગાં કરી લો. અબજો રૂપિયા મળતા હોય તો લાખો રૂપિયા મૂડી રોકાણ કરવું પડે. આ કોઈ સેવા નથી લૂંટ જ છે.

એકવાર હાઈ-સ્ટૅટ્સ અને પૈસા મળી જાય પછી મોટા ભાગના સાધુઓ સ્ત્રીઓ પાછળ કેમ ફસાતા હોય છે? કારણ રીપ્રૉડક્ટિવ સકસેસ મેળવવી તે જેનિસમાં સમાયેલું હોય છે. અને હાઈ-સ્ટૅટ્સ વગર સ્ત્રી મળતી નથી કુદરતના રાજમાં. છેવટે સાધુઓ, સંતો, બાપુઓ સ્ત્રીઓ પાછળ લાગી પડે છે. ભૂલી જાય છે ધર્મ ધ્યાન. ધર્મ પણ એક બહાનું છે સ્ટૅટ્સ મેળવવાનું અને ઍલ્ફા બનવાનું. પછી સ્ત્રીઓ તો ઑટમૅટિક પાછળ આવતી હોય છે. કેટલી બુદ્ધિશાળી યોજના ? અમે જ ભગવાન છીએ, અમને ધરાવીને બધું વાપરી શકો તેમ  તમારી સ્ત્રીઓ પણ ધરાવો. સદીઓ સુધી વારસદારોને પણ મહેનત કરવી ના પડે, ના કમાવાની, ના તો રીપ્રૉડક્ટિવ સક્સેસની.

દરેક બ્રેન સ્પિરિચ્યુઍલિટિની વિવિધ વ્યાખ્યા કરવા તેની રીતે સ્વતંત્ર છે. પણ મોટાભાગે આવા સ્પિરિચ્યુઅલ લીડર ટીપીકલ મેમલીઅન ઍલ્ફા બની રહીને પોતાના ફાયદા જ જોતા હોય છે. આમ ઘણા લોકો એમની સ્ટૅટ્સ હાઇઆરાર્કી સ્પિરિચ્યુઍલિટિની આસપાસ શોધતા હોય છે, અને બનાવી પણ લેતા હોય છે. પછી ધર્મ, ધ્યાન, યોગ  બધું બાજુ ઉપર રહી જતું હોય છે. ફાઈવ સ્ટાર સગવડ ધરાવતા આશ્રમ બનાવતા હોય છે.

૭. કામ(work)

સોશિઅલ હાઇઆરાર્કી કામ ઉપર નોકરી ઉપર સાવ સામાન્ય છે. કામ ઉપર સ્ટૅટ્સ શોધવું સામાન્ય છે. પોતાના સાથી કામદારો સાથે સ્ટૅટ્સ બતાવવાની  લડાઈ કાયમ ચાલતી જ હોય છે. એમાં ઑફિસ પૉલિટિક્સ રમાતું હોય છે. એમાં જે માહેર હોય તેનું સ્ટૅટ્સ વધી જતું હોય છે. જોકે આધુનિક વર્કપ્લેસ ઉપર આવા વિખવાદ ના સર્જાય તેવી વ્યવસ્થા કરાતી હોય છે. દરેકની એક પોઝિશન હોય એટલે બીજામાં ડખલ થાય નહિ. છતાં મૅમલ બ્રેન એનું કામ કરતું હોય છે.

૮. સામાજિક જીવન

નવરાશના સમયે આપણે મિત્રો બનાવતા હોઈએ છીએ અને સમય પસાર કરતા હોઈએ છીએ. સ્ટૅટ્સ એનો રોલ અહી પણ ભજવે છે. વાનરોમાં પણ સ્ટૅટ્સ વધારવામાં મદદરૂપ થાય તેવા મિત્રો બનાવતા હોય છે. સામાજિક જોડાણનું મહત્વ વાનરો ખૂબ જાણતા હોય છે. તેઓ એકબીજાના વાળ ફંફોસે છે, ખાવાનું શેર કરે છે, અને બહારના લોકો સાથે લડાઈ થાય તો એકબીજાને મદદ કરે છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતાને મદદ કરે છે. જેથી તે સમય આવે એની મદદ કરે અને એનું સ્ટૅટ્સ વધારવામાં મદદ કરે. નેતાઓ આ જ રીતે પક્ષના કાર્ય કર્તાનો સંગઠનનાં બહાને ઉપયોગ કરતા હોય છે. બધે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલતું હોય છે. દરેકની પોતાનો સ્વાર્થ હોય છે. મિત્રતા એવા લોકો સાથે થતી હોય છે જે એકબીજાનું સ્ટૅટ્સ વધારે.

૯. સંસ્કૃતિ (કલ્ચર)

ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી કલ્ચર, પંજાબી કલ્ચર, પશ્ચિમનું કલ્ચર કે સંસ્કૃતિ દરેક એકબીજાથી ભિન્ન હોય છે. દરેક કલ્ચરની વિવિધતામાં સારા અને નરસા તત્વો હોય છે. આપણાં કલ્ચરની ઘણી બાબતો આપણને ગમતી હોતી નથી, ધારીએ કે બીજું કલ્ચર ઘણું સારું હશે. તેમ બીજા કલ્ચરના લોકો પણ એવું જ માનતા હોય છે. ઘણી વાર બીજા કલ્ચરમાં આપણાં કરતા વધુ પ્રૉબ્લેમ હોઈ શકે. દરેક કલ્ચરના પોત પોતાના પ્રશ્નો હોય છે. ઘણા કલ્ચરમાં ડૉમેસ્ટિક વાયલન્સ સામાન્ય ગણાતો હોય ત્યાં બીજા કલ્ચરમાં નાનપણથી બાળકોને નૉનવાયલન્સનાં પાઠ ભણાવાતા હોય છે. હાઈ કલ્ચર સોશિઅલ ડૉમિનન્સની તૃષ્ણા પૂરી કરવામાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે.

દરેક સંસ્કૃતિમાં કલા, સંગીત અને સાહિત્ય તમને સ્ટૅટ્સ બનાવવા માટે તક આપતા હોય છે. તમને તક આપે છે તમારી જાતને પુરવાર કરવાની, તમારા વિચારો પ્રદર્શિત કરવાની. સંસ્કૃતિ  બીજા કોઈને તકલીફ પહોચાડ્યા વગર તમારી સોશિઅલ હાઇઆરાર્કી ઊભી કરવામાં મદદ કરે છે. જેમ જેમ સમાજ સભ્ય થતો જાય વેલ કલ્ચર્ડ બનતો જાય તેમ એનામાં હિંસા ઓછી થતી જતી હોય છે.

કલાકાર કોઈને નુકશાન પહોચાડ્યા વગર પોતાનું સ્ટૅટ્સ ઊભું કરી શકતો હોય છે. માટે એક સ્તાલીન કે હિટલર જેવો નેતા, એક આશારામ, એક નિત્યાનંદ, એક સત્ય સાંઈબાબા એનું સ્ટૅટ્સ બનાવી પ્રથમ આવે અને કોઈ પંડિત રવિશંકર, ઉદયશંકર, બિસ્મિલ્લાખાન, ટાગોર, પિકાસો કે લતા મંગેશકર નંબર વન બને તેમાં આસમાન જમીનનો ફરક છે.

૧૦. રાજકારણ

જે રાજકારણી આપણાં સ્ટૅટ્સને સન્માન આપે છે તે આપણાં હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ વધારે છે અને જે આપણાં સ્ટૅટ્સને માન આપતા નથી તે આપણને દુઃખી કરી મૂકતા હોય છે. જે નેતાને આપણો ટેકો જોઈતો હોય તેની વાતો આપણાં સ્ટૅટ્સની ઇચ્છાને અપીલ કરતી હોય તેવી હોય છે. આપણી ઘણીબધી મહેચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવી અસંભવ હોય છે તેની પરવા કર્યા વગર આપણે રાજકારણીઓને ભાંડીએ છીએ. સરકારી સ્ટૅટ્સ મેળવવાનો  ગેટ વે છે, રાજકારણ..અને સરકાર ઑફિશલ સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરતી હોય છે. પણ સરકારી અફસર પાસે મર્યાદિત સ્ટૅટ્સ હાઇઆરાર્કી હોય છે.

નેતાઓ એને કાળ પ્રમાણે મર્યાદિત પાવર આપતા હોય છે. નેતાઓ અને અફસરો બંને વચ્ચે આમ સ્ટૅટ્સ માટે હરીફાઈ ચાલતી હોય છે. જેવી કે હાલ મોદી સરકાર અને આઈ.પી.એસ. અધિકારીઓ વચ્ચે ચાલે છે. જેમ કે ચૂંટણી કમિશ્નર શેશન સરકારને ગાંઠતા નહિ. કોઈ વાર સૂપ્રીમ કૉર્ટ પણ નેતાઓને ખખડાવતી હોય છે.

જીવન અસલામત હોય છે અને આપણે ઇચ્છતા હોઈએ છીએ કે સરકાર બધું સરળ કરી આપે. સરકાર સંભવ સર્વ સ્વીકૃત ઉપાય શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. દેશ કે રાજ્ય એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટિડ મૅમલ્સનું  એક બહુ મોટું ટોળું કે સમૂહ કહી શકાય. તમામને સંતોષ આપવો અને સર્વસ્વીકૃત  ઉપાય શોધવા અસંભવ હોય છે. છતાં સરકાર શક્ય પ્રયત્નો કરીને સર્વાઈવ થવા મદદ કરતી હોય છે.

કુદરતમાં લગભગ દરેક મૅમલ પ્રાણી સમૂહ પાસે નેતા હોય જ છે. બબુન વાનરનું ટોળું સિંહ આવે એટલે ભાગીને વૃક્ષ ઉપર ચડી જતું હોય છે. ઍલ્ફા બબુન એને ત્યાંથી જતા રહેવા મજબૂર નાં કરે ત્યાં સુધી કોઈ નીચે ઊતરશે નહિ. વરુ અને ચિમ્પૅન્ઝીનાં ટોળા એના ઍલ્ફા લીડરને અનુસરતા હોય છે અને ખોરાકની શોધમાં અને બીજા સમૂહ સાથે લડવામાં મદદ કરતા હોય છે. માનવ સમૂહ પણ એના નેતા પાસેથી પ્રટેક્શન ઇચ્છતા હોય છે, પછી તે સરકાર હોય, કોઈ સ્થાનિક નેતા હોય કે કોઈ બુટલેગર કેમ ના હોય?

ઘણા લોકો નેતાઓથી અને એમના કામથી નિરાશ થતા હોય છે. ઘણી વાર એમની પોતાની અસફલતા અને નિરાશાને ખોરાક પૂરો પાડતા હોય છે નેતાઓ સામે દ્ગષ્ટિ રાખીને. જંગલમાં વાનરો મોટાભાગે એમના લીડરને જોયા કરતા હોય છે. “તાકતે રહતે સાંજ સવેરે.” પ્રયોગશાળામાં વાનરો એમના નેતાનો ફોટો જોવા માટે ખોરાકની આપલે કરતા હોય છે. મૅમલ બ્રેન લીડર ઉપર ફોકસ કરતું હોય છે કારણ લીડર આપણી સામાજિક સર્વોપરિતાને પોષતો હોય છે.

છેવટે નેતા બની ગયા એક વાર સ્ટૅટ્સ પ્રાપ્ત થઈ ગયું લગભગ મોટાભાગના નેતા, સાધુઓ અને ગુરુઓની જેમ સ્ત્રી પાછળ લાગી જાય છે. પછી સ્ત્રી સામે  ”તાકતે રહતે સાંજ સવેરે.” નેતા બન્યા પછી એમના સેક્સ સ્કૅન્ડલ કેમ વધી જાય છે? કોઈના સ્કૅન્ડલ બહાર આવે, કોઈના આવે નહિ. પશ્ચિમ હોય કે પૂર્વ નેતાઓ બધા એક સમાન સેક્સ સ્કૅન્ડલમાં ફસાતા હોય છે.

મૅમલ્સ નેતા નબળો પડતા એને નીચો પાડવા પ્રયત્ન કરતા હોય છે. ખરાબ નેતાને હટાવવા મૅમલ્સ એકબીજા સાથેના મતભેદ ભૂલીને સહકારથી કામ લેતા હોય છે. એકવાર જુનો નેતા વિદાય લે એટલે નવો નેતા ગાદી સાંભળી લેતો હોય છે. તાકાત અને સીનિઑરિટી એમાં ભાગ ભજવતી હોય છે. આપણું મૅમલ બ્રેન કાયમ નોટિસ કરતું હોય છે કે કોઈ ને કોઈ આપણાં ઉપર હક જમાવવા પ્રયત્ન કરતું જ હોય છે. આમ રાજકારણ પણ મૅમલ લાઇફનો એક ભાગ છે.

3 thoughts on “રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-2.(Hard Truths About Human Nature)”

 1. બાપુ,
  સ_રસ લખો છો ! (જો કે આ હવે કહેવાની વાત નથી !)
  થોડું થોડું સમજાય છે, ઘણું નથી સમજાતું, પરંતુ વાંચવાની મજા આવે છે. સત્તત અભ્યાસથી ધીમે ધીમે વિષયની સમજ આવવા લાગશે ખરી. આપ લખતા રહેશો. આભાર.

  Like

 2. સર
  આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
  તેના માટે આપે સર્વ પ્રથમ http://www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
  વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
  vijaykumar thakkar
  mo-8000919100

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s