મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature).

મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature).
      પશ્ચિમના જગતમાં નાના બાળકો નિયમિત,  રાત્રે સુવા જવાનું કહેવામાં આવતા વિરોધ કરતા હોય છે. જાતજાતના બહાના કાઢતા હોય કે એમને થાક લાગ્યો નથી, ખરેખર તેઓ આખો દિવસ રમીને થાકેલા જ હોય છે. કે બહાનું કાઢે કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, કે વાર્તા સાંભળવી છે, કે તેઓને ડર લાગે છે, અંધારાંનો ડર લાગે છે, કે કબાટમાં કે પલંગ નીચે કોઈ ભૂત છે કે રાક્ષસ છુપાયો છે વગેરે વગેરે. અને જે બાળકો ખૂબ નાના હોય જે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નાં હોય તેવા રડતા હોય અને ચીસો પાડતા હોય છે.
    બાળકો શા માટે આવો વિરોધ કરતા હશે? ફેમસ બિહેવિયરલ સાયકોલોજિસ્ટ જોહ્ણ વોટસન દલીલ કરતા હોય છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં બાળકોને વધારે પડતી સ્વતંત્રતા અને છૂટ આપેલી હોય છે, જેના લીધે બાળકો સ્વછંદી બનીને બગડી જતા હોય છે. એટલે માતાપિતાએ મક્કમ રહીને આવો બાળકોનો વિરોધ ટાળીને એમને બગડતા રોકવા જોઈએ એવી ટીપીકલ સલાહ અપાતી હોય છે.
    તજજ્ઞોની સલાહ અને માન્યતામાં કશું ખૂટતું હોય તેવું લાગે છે. શા માટે બાળકો રાત્રે સુવા જતી વખતે વિરોધ કરતા હશે? સૂર્ય પ્રકાશ કે રમકડા જેવી બીજી કોઈ પણ વસ્તુનો બાળકો વિરોધ કરતા નથી, પણ ઊંઘ જેઓના માટે સારી છે તેનો જ શું કામ? ઈવોલ્યુશનરી સાયકોલોજી શું વિચારે છે જોઈએ.
      ભારતમાં આવું લગભગ બનતું નથી. બીજા દેશોના બાળકોની વર્તણૂકનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે  Bedtime protest  પશ્ચિમના દેશો અને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરનારા લોકોના ઘરના બાળકોમાં ખાસ જોવા મળે છે. બીજા દેશોમાં અને ભારતમાં નાના બાળકોને એકલાં સુવડાવવાનો રિવાજ છે નહિ. બાળકો લગભગ માતાપિતા સાથે કે બીજા મોટેરાં સાથે એક જ રૂમમાં અને મોટા ભાગે એક જ પથારીમાં સુતા હોય છે. ત્યાં Bedtime protest અસ્તિત્વમાં છે નહિ. માટે તાત્પર્ય એવું નીકળે કે બાળકો સુવા જવા માટે વિરોધ કરતા નથી, વિરોધ એમનો એકલાં સુવા જવા વિષે હોય છે. જ્યારે બીજા દેશો અને ખાસ તો પૂર્વના દેશોના લોકોએ પહેલી વાર જાણ્યું કે પશ્ચિમની સંસ્કૃતિમાં નાના બાળકોને એકલાં સુવડાવતા હોય છે જુદી રૂમમાં ત્યારે  બહુ મોટો આંચકો ખાઈ ગયેલા. અરે સાવ નાના ધાવણા બાળકને પણ જુદું સુવડાવે ત્યારે ખૂબ નવાઈ સાથે મોટો ઝટકો લાગે કે નાના બાળકો પ્રત્યે આટલાં ક્રૂર માતાપિતા કઈ રીતે બની શકે?  અરે! એમના મોટા ભાઈ બહેન સાથે પણ સુવાનું નહી, દરેકની રૂમ જુદી. જો કે એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતા હોય ત્યાં તો ભેગાં સુવાનો બીજો કોઈ વિકલ્પ હોય નહિ. સાધન સંપન્ન  લોકો બાળકોને એકલાં સુવડાવવાની વ્યવસ્થા કરી શકતા હોય છે. એમના માટે જેટલા બાળકો તેટલી જુદી રૂમની વ્યવસ્થા સહજ હોય છે. એટલે નાં છુટકે બાળકોને સાથે સુવડાવતા ભલે હોય પણ પશ્ચિમની માનસિકતામાં બાળકોને જુદા સુવડાવવા તેવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે.
    ભારતમાં પણ અંધ અનુકરણે આવો ટ્રેન્ડ આવી ગયો છે સાધન સંપન્ન પરિવારોમાં. Hunter-gatherer સમાજ જેવા કે આફ્રિકાના મસાઈ હોય કે શાન બુશમેન જેવા હોય કે બીજા કોઈ પણ હોય તેવા લોકોને,  બાળકોને પશ્ચિમના લોકો જુદા સુવડાવે છે જાણી બહુ મોટો આંચકો લાગેલો, કારણ તે લોકો જાણતા હોય છે કે અંધારાંમાં એકલાં છોડી જવા માટે બાળકો કાયમ વિરોધ કરતા જ હોય.
    ૧૦,૦૦૦ વર્ષ પહેલા આપણે બધા આખી દુનિયાના લોકો Hunter-gatherer જ હતા. બીજા સસ્તન પ્રાણીઓની જેમ ગ્રૂપમાં રહેવું આપણો ધર્મ હતો. આપણે એવી દુનિયામાં જીવતા હતા જ્યાં અંધારાંમાં એકલું પડેલું નાનું બાળક અને કિશોર રાત્રે ફરતા શિકારી પ્રાણીઓનો સ્વાદિષ્ટ નાસ્તો સહેલાઈથી બની શકે. ઘાસની બનાવેલી નાની ઝૂંપડી સંરક્ષણનું સાધન નહોતી. સંરક્ષણનું સાધન હતું પુખ્ત મોટી વયના મજબૂત,  ઘરના કે ગ્રૂપના બીજા સભ્યોનું આસપાસ હોવું. જેટલા વધુ આવા સભ્યો આસપાસ હોય તેટલી બચવાની શક્યતા ઘણી વધારે હોય. બીજા તમામ મેમલ્સમાં પણ આજ સર્વાઈવલ ટેક્નિક હોય છે, નબળા અને નાના બચ્ચાઓ ટોળાની વચમાં રહે, અને રાત્રે તો ખાસ. કોઈ માનસિક બીમાર કે સાવ બેદરકાર માતા કે પિતા જ બાળકોને એકલાં છોડી દેતા પણ તેઓનું રક્ષણ કરવા સમૂહના બીજા લોકો  હાજર રહેતા.
   એટલે જ્યારે રાત્રે સાવ નાના બાળકો તો ઠીક પણ સગીર વયના કે કિશોરાવસ્થા ધરાવતા બાળકો પણ રાત્રે એકલાં પડતા ડરતા અને મોટેરાંનું ધ્યાન ખેંચવા રડવું સ્વાભાવિક છે. અને આ માહિતી, આ સર્વાઈવલની બેજીક ટેક્નિક પોતાના જિન્સ દ્વારા ફ્યુચર જનરેશનમાં પસાર કરતા જતા હોય છે.
   એટલે જ્યારે તમારું બાળક રાત્રે એકલું સુવા માટે ઇનકાર કરે તો એવું ના સમજવું જોઈએ કે તેઓ તમારી અવગણના કરે છે, કે તમારી ઇચ્છાનું કે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, પણ તેઓ ખરેખર ચીસો પડતા હોય છે તેમના વહાલા જીવન માટે. તમારું બાળક અંધારાંમાં એકલાં રહેવાનું આવે તો રડે છે કારણ જીનેટીકલી આપણે બધા hunter – gatherer  છીએ, અને આપણાં બાળકોના જિન્સમાં માહિતી   સંગ્રહાયેલી જ હોય છે કે રાત્રે એકલાં પડવું એટલે આત્મહત્યા છે.
       Evolutionary mismatch નો  આ એક ઉત્તમ નમૂનારૂપ દાખલો છે. કારણ આજનું વાતાવરણ જુદું છે, આપણે હવે આપણાં પૂર્વજો જેવા રહ્યા નથી, જંગલમાં રહેતા નથી. કે આપણાં evolutionary પૂર્વજો જે વાતાવરણમાં રહેતા હતા તેવા વાતાવરણમાં આપણે હાલ રહેતા નથી. કે આપણાં બાળકો સહેલાઈથી કોઈનું ભક્ષણ બની જાય તેવું હાલ બનતું નથી. આપણાં પૂર્વજોના સમયમાં પોતાના બાળકને ક્યારેય એકલું છોડતા નહિ. માતાપિતા, કાકાકાકી, દાદા દાદી કે ગ્રૂપના બીજા સભ્યો બાળક રડતા તરત દોડી આવતા. આજે કોઈ કારણ વગર બાળકો એકલાં પડતા રડે તે ઘણીવાર સમજણ વગરનું લાગતું હોય છે. એટલે આપણે માનતા હોઈએ કે બાળકોએ શીખવું જોઈએ. અને તજજ્ઞો માનતા હોય છે કે બાળકોને બગાડવા જોઈએ નહિ. એટલે લોકો બાળકો સાથે લડતા હોય છે એમને સાંભળવાને બદલે, સમજવાને બદલે કે બાળક ચેતવતું હોય છે કે કોઈ પણ બાળક રડે તો એને ઊચકી લો, એને ગળે લગાવો એની ચિંતા કરો, કાળજી રાખો, નહી કે એને એકલું છોડી દો.
  તો શું કરીશું? એક્સપર્ટની સલાહ મુજબ બાળક સાથે સખ્તાઈ કરવી કે આપણાં જિન્સ કહે છે તેમ બાળકને સાથે સુવડાવવું? ભારતમાં લાખો ગરીબોને રહેવા એક ઓરડીના ફાંફાં હોય ત્યાં આવા હાઈ સોસાયટી પ્રશ્નો ઊભા થતા નથી. એટલે ખાસ ચિંતા કરવા જેવું નથી, પણ સાધન સંપન્ન પરિવારના લોકોએ આ બાબતે પશ્ચિમનું બધું સારું જ હોય તેમ માની અંધ અનુકરણ કરવું જોઈએ નહિ.

12 thoughts on “મમ્મી મારે હાલ સુઈ જવું નથી, Bedtime Protest.(Hard Truths About Human Nature).”

  1. બાળકને અલગ સુવડાવવું ન જોઈએ. બાળકને બહાદુર બનાવવા માટે પણ ઘણા લોકો એમને અંધારામાં મોકલવાનું કે સુવડાવવાનું કરતા હોય છે, પરંતુ એનાથી એ બહાદુર નથી બનતું. એની અંદર fear complex ઘર કરી જાય છે અને શક્ય છે કે એ દરેક અજ્ઞાત પરિસ્થિતિને ભયાવહ જ માની લે. લેખમાં જણાવ્યા પ્રમાણે આદિમ બેઝિક આવશ્યકતા સંતોષાય એના માટે બાળકને કોઈના સાથની હૂંફ મળવી જ જોઈએ.

    Like

  2. મને લાગે છે કે સાત – આઠ વર્ષની ઉંમરથી બાળક કેટલાય પ્રકારના ભયો પર કાબૂ મેલવતું થઈ જાય છે. વળી, પામ્ચ-્છ વર્ષની ઉંમરથી નો ‘ઇગો’ પણ પરિપક્વ થવા લાગે છે. આ ઉંમરથી જો એને બહાદુરીનું જોશ ચડાવવામાં આવે ત્રો એ એકલે સૂવા તૈયાર થાય. વળી< કલે સૂવામાં એને સગવડ વધારે હોવાનું પણ સમજાવું જોઈએ.
    પહેલાં તો દાદીઓ હતી અને એ બાળક્ને પોતાની સાથે સુવડાવીને માતાપિતાને મુક્ત કરતી. એટલે જ દાદીઓએ વાર્તાની કળા વિકસાવી! બાલકને માતાને બદલે દાદી પાસે સૂવાનું આકર્ષણ પણ થવું જોઈએ ને?!

    Like

  3. બાળ માનસ વિકાસની સુંદર ચર્ચા અને વિસ્તૃત છણાવટ,ગમ્યું વાંચવાનું.

    Like

  4. બાળકને ભુત પ્રેત સાપ વીછી કે જંગલી પ્રાણીઓથી ડર લાગતો નથી. છાત્રાલયમાં કે અનાથ આશ્રમમાં બાળકો સાથે સુતા હોય છે અને એમને ક્યારેક રાત્રે હનુમાન ઉંઘમાં કે સ્વપનામાં પીઠ ઉપર ગદા મારે છે. પણ બાળકને ખબર છે રાત્રે પથારી ભીની કરી છે અને સવારના બહાનું કરે છે હનુમાને રાત્રે ગદા મારી અને પથારી ભીની થઈ ગઈ. છાત્રાલયમાંના બાળકો આવા નાટકો વર્ષોથી કરે છે.

    Like

  5. Dear brother,
    Very nice article with investigative tone which i always prefer. However investigation is incomplete without inclusion of Sigmund Fraud where you will find psychological dimension to this kind of behavior of children not wanting to sleep alone. I fully agree with the opinion that children’s fears should be well taken care of by allowing them to sleep with their elders.
    I have seen many English movies, in there i was horrified and moved by the plight of children who were persuaded to sleep alone at night. some were infants. This kind of western ” Riwaz” (custom) may have its advantage. The children may become Independent very early but on loosing side they will have little or no strong bondage with their parents. Also they may nurse many kinds of worst fears for their whole life. Same is with the early quitting of breast feeding.
    Male child is very attached with his mother and he will perceive his father as a competitor and will insist that his mother must be by his side all the time. He may even secretly think or wish for his father’s death. Please, don’t blame the little angels for this. It is pure animal nature. So allowing him to sleep alone may enhance the animosity between father and a son. So lot of psychology is also involved in this.
    There can not be any fixed age for children to sleep alone. It may depend from child to child and his ability to cope up with fears. However, parents must try gently and proceed with caution because it will have life long impact. Even in adult life many persons want lot of pillows and “duchas” by their side to hug before falling asleep.

    Like

    1. બાળક પિતાને પોતાની હરીફ સમજવા લાગે તેણે ફ્રોઇડે ઇડીપસ કોમ્પ્લેક્સ એવું નામ આપેલું છે. તેના વિષે મેં અગાઉ એક લેખમાં(પિતૃદેવોભવ) વિસ્તૃત છણાવટ કરેલી છે. બાળકની માનસિકતા જોઈને અને એની જરૂરિયાત મુજબ જુદા સુવડાવવાની ટેવ પાડવી જોઈએ. બધું બેલેન્સમાં હોય તે સારું. અતિશય લાડ પણ નકામા અને અતિશય ધુત્કાર પણ નકામો.

      Like

  6. પશ્ચિમના દેશોમાં કિશોર વયનો છોકરો પિસ્તોલમાં લઈને સ્કૂલ જાય અને ધડાધડ ગોળીઓ છોડીને બીજાં બાળકોને મારી નાખે છે. આવું હજી ભારત કે એશિયાના દેશોમાં નથી બનતું (કોઈ બનાવ બન્યો હોય તો મારા ધ્યાનમાં નથી). આની પાછળ બાળકના મનમાં ઘર કરી ગયેલી અસલામતીની ભાવના છે. અલગ સુવડાવવાની રીત તો આમાં કારણભૂત નહીં હોય?

    તમે કહો છો તે હંટર મનોવૃત્તિનું જ આ ઉદાહરણ ગણાય કે નહીં?

    બહુ લાડ સારાં નહીં એ તો હકીકત છે. પરંતુ, બાળકની સહજ જરૂરિયાતને સંતોષવી એ લાડ ન ગણાય.

    આપણે સૌ માતાની સાથે જ સૂતા છીએ અને ક્યારે અલગ થઈ ગયા તે પણ યાદ નથી! કદાચ નાનો ભાઈ કે નાની બહેન આવે ત્યારે આપણને જવાબદારીનું કે મોટા છીએ એવું ભાન કરાવવામાં આવ્યું હોય.

    Like

  7. મારો દોહિત્ર ને સુવાનો ટાઇમ પસન્દ ન હતો .તે રાત્રે તો ઠીક, બપોરે પણ સુવા માગતો ન હતો સુઈ જવાથી તે એકલો પડી જતો હોય અને તેની સુરક્ષા જોખમમાં હોવાનુ માનતો હોય એ શક્ય છે. આપ કહો છો તે પ્રમાણે આદિમાનવની અસલામત જીન્દગી ના ગુણસુત્રો આપણા બાળકો માં ઉતરી આવ્યા હોય તે માની શકાય તેવી વાત છે,મોતા થયા પછી અને પરિસ્થિતિ થી વાકેફ થયા પછી તે જાતેજ ઉંઘ આવે ત્યારે સુઈ જતા હોય છે.અને અલગ પણ સુવા તૈયાર હોય છે.

    Like

Leave a comment