ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

Photograph of Charles Darwin
Photograph of Charles Darwin (Photo credit: Wikipedia)

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન  (Evolutionary psychology)

 

ભારતમાં મનોવિજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવિજ્ઞાન વિષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવિજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્વ પણ જણાતું નથી. અને એટલે જ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ હોવા છતાં આપણે કોઈ ફ્રૉઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રૉઈડને આધુનિક મનોવિજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઇચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઇકાયટ્રિસ્ટ કેટલા? કૉલિજમાં આર્ટસનાં વિદ્યાર્થી નાછૂટકે મનોવિજ્ઞાન લેતા હોય છે. આપણાં લેખકો, પત્રકારો પણ મનોવિજ્ઞાન વિષે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલિજમાં કોઈ જાતનું મનોવૈજ્ઞાનિક રિસર્ચ થતું નથી. પશ્ચિમના દેશો આ વિષે ખૂબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવિજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવિજ્ઞાન પણ કૉલિજોમાં ભણાવતા હશે કે કેમ?

સમાન્યતઃ શરૂઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. ૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનિક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોના બુદ્ધ આજે પણ પ્રિય છે. આપણાં દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતિ જણાય કે આધ્યાત્મિકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચિંતક બનવાનો રોગ લાગી જતો હોય છે, આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતિભાના આત્માને ભૂલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતિના વિષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતિમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વિન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધારણાઓ ઉત્ક્રાંતિના ક્રમ, વિકાસના ક્રમને માનવા ઇનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે. પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનિક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વિશેના અનુભવ આપણે જીનમાં(Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વિજ્ઞાન એટલે ઇવલૂશનરી  સાઇકૉલોજી, ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.

 ઇવલૂશનરી સાઇકૉલોજી મનોવિજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવિજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં લેવામાં આવે છે. એમાં ઇવલૂશનરી સાયન્સ, સાઇકૉલોજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઇવલૂશનરી સાઇકૉલોજીનાં મૂળિયા ડાર્વિનના થીઅરી ઑફ નૅચરલ સિલેક્શનમાં સમાયેલા છે. ડાર્વિને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

“In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.”

—Charles Darwin, The Origin of Species, 1859, p. 449.

૨૦મી સદીના અડધમાં W.D.Hamilton નામના વૈજ્ઞાનિકે ૧૯૬૪મા Inclusive Fitness ઉપર એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનિકે ૧૯૭૨માં Reciprocity અને Parental investment એવી બે થીઅરી આપી જેણે મનોવિજ્ઞાનમાં ઉત્ક્રાંતિ વિષે વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનિસ(genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સ્ફર કરતો હોય છે. હેમિલ્ટનની થીઅરીએ માનવમાં પરોપકારની વૃત્તિ, આત્મબલિદાન, સ્વબલિદાનની ભાવના કઈ રીતે વિકસી તેનું કારણ  શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલિદાન સાથે સ્વાર્થની ભાવના પૂર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતિઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતિઓ પ્રજાતિઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઇવલની બધી ટેક્નિક છે. ઓછા પણ ખૂબ મજબૂત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઇવ થઈ જવાય.

નૅચરલ સિલેક્શન, સેક્સ્યૂઅલ સિલેક્શન, અડૉપ્શન બધું આમાં આવરી લેવાય છે. આપણાં પૂર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટેક્નિક વિકસાવીને સર્વાઇવ થયા હશે તે તમામ અનુભવો જેનિસ(Genes-જનિન તત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સ્ફર કરતા હોઈએ છીએ. આમ ઇવલૂશનરી સાઇકૉલોજીનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખૂબ અભ્યાસ થઈ રહ્યો છે. કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લિમ્બિક સિસ્ટમ(Limbic system) મળેલી છે. લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયા છે માનવ અવસ્થાએ પહોચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણૂક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન(Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. પણ એક સમયે આ જેનિસ(Genes) જીવ જંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદિમાનવ હશે. આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.

 

ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન

27 thoughts on “ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન.”

  1. .હું પુનર્જન્મમાં માનતો નથી…….તમે માનતા નથી. સારી બાબત છે ,પરંતુ પુનર્જનમ છે કે કેમ ? એતો સાબિત થવુંજ જોઈ ને ?…આચાર્ય રજનીશજી એ લગભગ મારા ધારવા પ્રમાણે સ્વીકાર્યું છે….આપના ત્રણ સંતાનો પૈકી ન.૧ , એ આપના મિત્રો ન.૨ .આપના શત્રુ અને ન.૩ આપણું મોશાળ ….ક્રમશઃ આ રીતે હોય તો જણાવજો ? મોટાભાગે તકલીફ ૨ ન. ના સંતાન થી ઉદ્ભભવતી હોય છે….જો આવું હોય તો જણાવજો ?થોડું સંસોધન કરજો….માત્ર સંસોધન માટે લખ્યું છે હું પણ તમારી જેમ જ વિચારું છું અને ઘણી વાર પ્રયોગ પણ કરું છું.
    આપનો લેખ અતિ સરસ છે ,૮૪ લાખ યોની ને વિજ્ઞાને હમણાં સ્વીકાર્યું હોય તેવા અહેવાલ મે ક્યાંક વાંચ્યા હતા …..ફ્રોઈડ માત્ર અચેતન મન ની વાત હયાતી સુધીજ કરેછે,જયારે આપણા શાસ્ત્રો હયાતી બાદ (શિખંડી) પણ અચેતન મન ની વાત કરે છે ..આપની દ્રષ્ટિ એ કદાચ હું ખોટો પણ હોઉં ..પણ મને જે ભગવાન સુજાડે છે તે લખું છું….

    Like

    1. છે એવું સાબિત થયું નથી.ખાલી ધારણા છે.મારા સંતાનો વિષે મેં લખ્યું તે મારા પોતાના દીકરાઓ વિષે સ્પષ્ટ લખેલું જ છે.મિત્રો,શત્રુ અને મોસાળ આમાં ક્યાંથી આવ્યા?

      Like

      1. પ્રથમ સંતાન મા આત્મા મિત્ર ના ઘરનો,બીજા સંતાન મા આત્મા આપના શત્રુ ના ઘરનો અને ત્રીજા સંતાન મા આત્મા આપના મોશાળ ના ઘરનો હોય છે…..આ બાબત ટેલી કરજો અને સાચી લાગે તો જણાવજો….

        Like

        1. કશું પણ સાબિત થયા વગર બાવાઓ કહે એટલે માની લેવાની આપણી ભારતીયોની ટેવ છે.ભાઈ આપની આ આત્માની થીયરીમાં મને સમજ પડી નહિ.

          Like

          1. હું પણ તમારી જેમ પ્રશ્ન અને પેટા પ્રશ્ન પૂછીને તથ્ય તારવવાની ટેવ વાળો છું,કોઈ કહે એટલે નહી અનુભવે માનું છું.કેટલાયે સપ્તાહ કરનાર મહારાજો ને કીધું છે કે ક્યારેય લીલો વાંસ બંધવો છો તેની એકેય ગાંઠ તૂટી છે ? મોટા ભાગે લીલો વાંસ લઇ આવીને બંધાય છે,સુ કામ,શા માટે ,કેવી રીતે તે નથી જાણતા હોતા .(એક મહારાજે નિખાલસતા થી કબુલ્યું હતું કેતમે જે કહો છો એ અમે જાણ્યું જ નથી.)

            Like

  2. આપણે ત્યાં હાલત શું છે તેનું એક ઉદાહરણ આપું.

    હું એ વખતે કૉલેજમાં હતો. ભુજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઓએ એક પ્રદર્શન ગોઠવ્યું હતું. અમે જોવા ગયા. એક બ્રહ્મકુમાર સમજાવવા લાગ્યા કે ચોર્યાશી લાખના ફેરાની વાત ખોટી છે, માત્ર ચોર્યાશી જન્મ હોય છે. મેં દલીલ કરી કે કદાચ ચોર્યાશી લાખનો આંકડો સાચો ન હોય પણ ઉત્કાન્તિની પ્રક્રિયા જોઈએ તો માત્ર ચોર્યાશી પરિવર્તન નથી આવ્યાં. એટલે ચોર્યાશી લાખનો આંકડો વધારે સાચો લાગે છે.

    એમની પાસે જવાબ નહોતો. એમણે મને અલગ કર્યો અને એક ખૂણામાં રોકી લીધો. મને કહે કે તમે સાથે ન ફરો, જ્ઞાન આપવામાં આડે આવો છો! આમ એમણે મને એમના અજ્ઞાન પ્રસારમાંથી બચાવી લીધો, એમ હું માનું છું.

    જ્યાં ઉત્ક્રાન્તિની જ સમજ નથી પહોંચી ત્યાં એના મનોવિજ્ઞાનને પહોંચતાં તો હજી સદીઓ લાગી જશે. આ તમે આજે ફરિયાદ કરો છો, તે સામે ૪૦ વર્ષ પહેલાંનો આ મારો અનુભવ છે. એટલે ૪૦ વર્ષમાં તો કઈં બદલાયું નથી જ!

    Like

    1. ભાઈ ૪૦ વર્ષમાં કશું બદલાયું નથી.સાચી વાત છે.મને પણ બ્રહ્માકુમારી વિષે આવો જ અનુભવ થયેલો.આ લોકો કહે અમારી સંસ્થામાં આવજો ત્યાં સાચી ગીતાનું જ્ઞાન આપીશું,એમ કહી મને પણ રોકી પાડેલો.ભાઈ ૮૪ લાખનો આંકડો સાચો હોય કે એનાથી વધારે પણ જીવજંતુ,પશુ પક્ષી કે સરીસર્પની જાતિઓ હોઈ શકે.હજુ વૈજ્ઞાનિકોને નવી નવી જાતો મળી આવે છે,પૂરું તો આ લોકો પણ જાણતા નથી કે કેટલી જાતો અસ્તિત્વમાં છે.

      Like

  3. .
    .
    શ્રી રાઓલસરજી

    “આપણે કોઈ ફ્રોઈડ જેવો મનોવિજ્ઞાની પકવી શક્યા નથી ” એ વાત તો બહુ દૂરની છે, પરંતુ જો કોઇ માનસિક બિમારી હોય તો પણ સાયકીયાટ્રીસ્ટ પાસે જવાને બદલે ભૂવા પાસે દોડી જાય છે, અને શારિરીક, માનસિક, આર્થિક બધી રિતે ઘસાય છે.

    એટ્લેજ સાયકીયાટ્રીસ્ટ કરતા ઢોંગી ભૂવાનો ધંધો વધારે ચાલે છે, અને સાયકીયાટ્રીસ્ટ ને મંદી રહે છે. આવું હોય ત્યારે અહીં સાયકીયાટ્રીસ્ટ ક્યાથી થાય.

    મેરા ભારત મહાન !!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    .
    .

    Like

  4. આપણે ત્યાં માતાઓ પોતાના શા અનુભવો એમના બાળકોમાં ટ્રાન્સફર કરે છે? ચૂલો, saj sangar, અને chovT સિવાય ભાગ્યે જ ઘરની વહુઓને સ્વતંત્રતા મળતી હતી.

    હવેની પેઢીમાં કન્યા કેળવણીમાં ક્યાંક જાગૃતિ હશે. અથવા તો કન્યાઓ જાગ્રત હશે. (છતાં એમને પુરુષ સમોવડી ના બનવું જોઈએ વગેરે વાગ્યા જ કરે છે )

    બાકી,

    અત્યાર સુધી એકંદરે માતાઓ ધાર્મિક બનીને માળાઓ જ ફેરવે છે (અથવા, હવે આપણે શું કરવું મોજ -શોખ? નવું શીખવાની વાત તો જવા દો, પણ નવું સ્વીકારવાનું , વાંચવાનું , વિચારવાનું પણ ઘણું ખરું અસ્પૃશ્ય છે)
    અને માતાઓ પોતાનો આ વ્યવહાર પિતાઓ સાથે શેર કરે છે અને અજાણતા એમનું પણ બ્રેઈન વોશ. બહાદુરી, સાહસવૃત્તિ, નવું કરવાની, શીખવાની વૃત્તિ મંદ થતી જાય છે. પછી જે ફળ ચાખવા મળે છે તેનું નામ છે,
    ‘જનરેશન ગેપ’

    આ આપણો ઉત્ત્ક્રન્તિવાદ છે.

    Like

    1. ખબર નઈ, સવારે લેખ વાંચતી વખતે, દિમાગમાં શું ચાલી રહ્યું હતું, ઘણી બધી વિરોધાભાસ વાતો મનના ખૂણે ડોકાઈ, અને અહી કમેન્ટ કરી.
      જે કદાચ લેખને અનુરૂપ નહોતી. ફરીથી લેખ ઉપર વિચાર કરતા લાગ્યું કે પુનર્જન્મ વગેરેનું મનોવિજ્ઞાન પણ ઘણા સાઈક્રિયાટીસ્ટ કબુલે છે.

      http://reluctant-messenger.com/reincarnation-proof.htm

      I have come across many such articles. may will be able to collect those data sometime.

      I think, this article could be better than this, as after first glance, the core idea of an article ‘weather reincarnation exists or not’ didn’t come in my mind. Rather, mind just captured something else (i mean comparison about what east and west world’s approach on psychology) which is not the core idea of an article.

      Like

    2. હિરલ ભારતીય સ્ત્રીઓ માટે આવો જ ઉત્ક્રાંતિવાદ હજારો વર્ષ ચાલ્યો,પણ હવે નહિ ચાલે.

      Like

  5. શ્રી ભુપેન્દ્રભાઈ,
    તમારો લેખ ઘણો જ સારો છે ,દીપક ભાઈ એઈ પણ સારી વાત કરી કે ધર્મ પાસે ઉત્ક્રાંતિ ની કોઈ સમાજ નથી બસ ૮૪ લાખ ની વાત કરે છે ,,પણ ઉત્ક્રાંતિ ની કોઈ સમજ નથી આપી શકતું,

    હું તમને એક વાત જાણવું કે વિજ્ઞાન મુજબ પૃથ્વી ની ઉત્પતિ પણ એક ઉત્ક્રાંતિ જ છે ,,આજથી લગભગ કરોડો વર્ષ પહેલાપૃથ્વી એ એક ગોળો હતી ,,પહેલા એ જ્વાળામુખી જ હતી ધીમે ધીમે ઉત્ક્રાંતિ ના પરિણામે એ પાણી માં ફેરવાઇ અને અમીબા પેદા થઇ એજ અમીબમાંથી અનુકુલન સાધીને અને સ્વ પ્રજનન કરીને તેમાંથી જ બધા જોવ નું નિર્માણ થયું ,,

    તેમાંથી જ માછલી પણ પરિણમી ,,,અમુક માછલી એ ઉડવાની કળા સાથે અનુકુલન કર્યું એન તે પક્ષી માં રૂપાંતર પામ્યા ,,એમાંથી જ જમીન પર ના પ્રાણિયો અને એપ્સ પામ્યા ,,,

    માણસ બનતા પણ લાખો વરસ થયા ,,આ એજ ઉત્ક્રાંતિ જ છે ,,પણ ધર્મ મુજબ તો બધા ઉપર થી જ ટપક્યા છે ,,ઝીબ્રા નામના પરની એ વિચાર્યું હશે કે હું પણ ઊંચા ઝાડ ના પાંદડા ખાવ એટલે તેને પોતાની ડોક ને unukulan કરીને લાંબી કરી હશે એટલે જ ઝીરાફ માં પરિણમ્યા,,અમુક પ્રાણીઓ hinsak થયા ,,ડાયનાસોર પર ઉત્ક્રાંતિ નું જ પરિણામ છે ,,

    Like

  6. Dear Bhupendrasinhji
    A good article. Our people like cash crop, same way they like education which make lots of money, so many many students try to get into medical or engineering schools even though they not of the caliber nor they have apptitude. Only third class students go to arts colleges. Many with technical education have no background in liberal arts,literature and basic sciences, so how we can expect them to study the psychology? Even among the so called educated and urbane class a mental illness is regardedas something occult and they try remedies like exorsism, some services to gods etc.
    Just now in a past week or so two biological scientists theorized by a complex mathematical calclations that there are about 8.8 million species on the planet. This figure is close to 8.4 million yonies(species) in Hindu and Jain scriptures. Only 1.9 million are known so far, thus more than 75% are still to be discovered. This in itself does not give any credense to the theory of reincarnation. In my opinion that is based on belief and faith, rather than any concrete proof.
    Our Upanishadic teaching is based on human psychology and insight into human mind.

    Like

  7. Raolji,

    http://books.google.co.in/books?id=dXZnwvs6gYIC&pg=PA482&lpg=PA482&dq=ancient+indian+psychology&source=bl&ots=GWe20IQ1sx&sig=P1sMK6zpJ-yKoNCfN1Yzx5KiaQM&hl=en&ei=BstdTpKaC4PYrQeXq4WeDw&sa=X&oi=book_result&ct=result&resnum=7&sqi=2&ved=0CEsQ6AEwBg#v=onepage&q=ancient%20indian%20psychology&f=false

    Please take a look.

    I am sure, none has come up with layers of emotion & the words associated with it, in our languages. I will say that rishis of ancient India went to the bottom of the mind (or start from soul) to understand things. Kind of a bottom up (from mind to body) than top down (going from body to mind).

    By saying that I am not underestimating the work done by Freud and others.

    Like

  8. dear brother,
    Good article but it looses its direction or rather i would say other people are helping you in that. This has been an old problem with your blog. My advice is to edit the comments and then approve it so other readers will not have to go through unrelated discussions and arguments. Also i disagree that western thinkers like Darwin and Freud pioneered in psychology and other related sciences. Hindu Rishis went beyond the boundaries of human mind. Only their knowledge was not popularized.
    Coming to the point, i am putting few points about LOVE from recent studies. without concrete evidence, poets and writers have described themselves and people in love as obsessive, dangerous, crazy, basic, addictive, dreamy and instinctual. Centuries later, science and magnetic resonance imaging proves that the brain indeed experiences passionate love and romantic attraction in similar ways it experiences addiction and obsession. Moreover, feelings of love and romance emanate from a section of the brain, the caudate nucleus, that has been steadily evolving over the past 65 million years. For a long time, we’ve known that man has two basic biological instincts: food and sex. But brain scans taken of people who were in love or recently in love show that for the past 65 million years, love—in addition to food and sex– has also been one of man’s most primal and basic biological drives. The caudate nucleus, a region near the center of the brain, is so old researchers call it “reptilian.” The caudate taps into the source of dopamine production –once that dopamine source is hit, the blood in the brain begins to flow and move and the oxygen and chemicals in the brain create feelings of euphoria, restlessness, and hyperactivity. Classic symptoms of being in love. This noteworthy love event occurs when passionately involved couples see each other. The brain has a similar dopamine reaction after the body has been fed chocolate. The addictive nature of chocolate craving is similar to what the body and brain experience as it craves for love. Couples in love experience three, hopefully never ending and cyclical stages in their relationships: lust, attraction, and attachment. At each stage, couples who are “madly in love are comparable to people suffering from obsessive compulsive disorder.” So love is not only addictive, it’s also an obsession. Next we’ll have to see if love qualifies as a mental health disorder.
    Now what i have shown is modern day study. So ambiguous and unclear that at the end of the day we are back to square one. The ball always returns to our court. Questions are really not answered, only illusion is created. Long before this modern day science our sages and saints had all the answers.
    Only we could not understand them. the perfect example for this is, few understand what you intend to tell by your articles. Thank you.

    Like

    1. Dear brother,
      Dopamine responds to rewards. Food and sex are rewards, but bigger brains also respond to cues that anticipate rewards. Making a reservation at a nice restaurant triggers anticipation of a reward. Falling in love is likewise anticipation of a reward. In the case of love, the reward is bigger because long-term attachment promotes the viability of the offspring. Natural selection creates a brain that rewards everything relevant to reproductive success.

      Reptiles don’t trust other reptiles. Their mating interactions are very brief. Most of their offspring die. They only have enough neurons to respond to the most basic rewards rather than the subtle cues about long-term rewards.

      Social acceptance of all varieties is an important reward for mammals because it improves the survival prospects of the offspring. Everything relevant to social acceptance stimulates happy chemicals. The acceptance stimulates oxytocin; social dominance stimulates serotonin; the ANTICIPATION stimulates dopamine. For example, something goes well at work and you anticipate a promotion.

      Like

  9. શ્રી પ્રદીપસિંહભાઈ,
    તમે કહો છો કે “Now what i have shown is modern day study. So ambiguous and unclear that at the end of the day we are back to square one.”

    જ્ઞાનની સીમા નથી, અથવા હું તો એમ કહું છું કે આપણા અજ્ઞાનની સીમા નથી. એટલે એક બ્લૉગ-લેખ માત્ર આપણને સંકેત આપી શકે, પરંતુ તમે જે લખ્યું છે તે દેખાડે છે કે તમે પોતે પણ ઘણું જાણો છો.

    આપણે એક વસ્તુ કે ભાવનું વિશ્લેષણ કરી શકીએ અને એનાં રાસાયણિક કારણો શોધી શકીએ. આથી વધુ શું કરવાનું હોય? હું નથી કહેતો કે પ્રેમનું જીવનમાં સ્થાન નથી. પરંતુ, એ કેમ ઉત્પન્ન થાય છે, એનાં કારણો બાયોલૉજી દ્વારા સમજી શકીએ. તે પછી આગળ શું જાણવાનું રહે? એ જે હશે તે ભાવનાત્મક જ હશે ને?

    ખરેખર તો આપણે ત્યાં એવું માનવાની ટેવ પડી ગઈ છે કે આપણા ઋષિમુનિઓએ કઈં કહ્યું છે કે કેમ? તે પછી આપણું મિથ્યા રાષ્ટ્રાભિમાન એમ માનવા તૈયાર રહે છે કે આપણે ત્યાં બધું જ્ઞાન હતું જ. કોઈ કહેશે કે ડૉપામાઇન વિશે પણ આપણે જાણતા હતા!

    એટલે જવાબો ambiguous કે unclear લાગવાનું કારણ એ કે હજી સંશોધનો અટક્યાં નથી! બીજી બાજુ, આપણા ઋષિમુનિઓની કોઈ વાત કરી દે તો આપણને બધું unambiguous અને clear લાગવા માંડે છે!
    વાંક આપણા ઋષિમુનિઓનો નથી, આપણૉ જ છે!

    Like

    1. આજ તો પ્રોબ્લેમ છે અહીં.ભારતમાં બધું જ જ્ઞાન હતું.જીવનના અનુભવો ઉપરથી ઋષિઓએ મનોવિજ્ઞાન જેવું ઘણું બધું કહ્યું હશે.એક ભાઈ કહેતા હતા કે આપની પાસે અણુવિજ્ઞાન પણ હતું,ઋષિ કણવ એના શોધક હતા,કણ એટલે અણું એવો ખુલાસો હતો એમનો.સાયકોલોજી અહીં હતી તો ઉછીની શું કામ લેવી પડે છે?બધું જ અહી હતું તો ગયું ક્યાં?કોઈ વ્યવસ્થિત મનોવિજ્ઞાનની શાખા હતી ખરી?બધું ફિલોસોફીકલ હતું.પુષ્પક વિમાન હતા તો ગયા ક્યાં?ઉત્ક્રાંતિવાદ તો હતો જ ક્યાં?અહીં તો બધા ઉપરથી ટપકેલા દેવોના દીકરાઓ છે,પૂર્વજન્મોના પુણ્યના હિસાબે.

      Like

      1. પરમાણુવાદનો સિદ્ધાંત આપનાર ૠશિ (વિદ્વાન) કણ્વ નહીં પણ ‘કણાદ’ હતા. ‘કણ’ પરથી આ નામ બન્યું છે. સવાલ એ નથી કે આપણે ત્યાં પરમાણુવાદ હતો કે નહીં. સવાલ એ છે કે આ નિરીશ્વરવાદી ચિંતન બહુ જલદી લુપ્ત થઈ ગયું. આવું કેમ બન્યું? હવે આજે એમ કહીએ કે પરમાણુવાદ પણ આપણે શોધ્યો તે કેમ ચાલે? હતા, એ શોધનારા, પરંતુ એમને માનનારા નહોતા અને કચડી નાખનારા ઘણા હતા, આપણા સાંખ્ય, ન્યાય, વૈશેષિક દર્શનોમાં પણ પાછલે બારણેથી આધ્યાત્મિકતા ઘુસી ગઈ અને તર્ક આધારિત વિચારોનાં મૂળિયાં નબળાં કરી નાખ્યાં. આજે આધુનિક વાતો સાંભળીએ ત્યારે બોલીએ કે આપણે ત્યાં આ હતું. પણ કેમ દીર્ઘજીવી ન રહ્યું એની તો કદી વાત જ કરવાની આપણી તૈયારી નથી હોતી.

        Like

        1. આભાર ભાઈ,કણાદમુનિ સાચું છે,ચાર્વાક પુનર્જન્મ અને આત્માની થીયરીમાં માનતા નહોતા,આજે આધુનિક ફિલોસોફર્સ મોટા ભાગે સાયકોલોજીસ્ટ અને બાયોલોજીસ્ટ કે ન્યુરોલોજીસ્ટ હોય છે.બ્રેઇનના એમ.આર.આઈ અને મેપીંગ વડે લાગે છે કે આત્મા જેવું કશું હોતું નથી અને બ્રેઈન જ આત્મા છે.એવું મનાય છે.મેં સાયકોલોજી ભણતા મારા દીકરાને કહ્યું આવું ચાર્વાક હજારો વર્ષ પહેલા કહેતા હતા અને એમની સ્કૂલ પણ હતી.એમના શિષ્યો અને વાદ પણ હતો.ત્યારે એને ખૂબ નવાઈ લાગેલી.પણ ચાર્વાક જેવા જ્ઞાનીને અને એના સાહિત્યનો નાશ કરી નાખ્યો.આજે એમનું કોઈ ઠોસ મળતું નથી.

          Like

          1. ==

            આ દેશમાં આત્મા અને પરમાત્માનું એટલું બધું વર્ચસ્વ હતું કે અનાત્મવાદીઓનું સાહીત્ય સાચવી રાખવા કોઈ જ ન બચ્યું.

            આત્મવાદીઓએ એક ધારી જે અનાત્મવાદીઓની ટીકા કરી એથી ખબર પડે છે કે અનાત્મવાદીઓનું પણ એ વખતે વર્ચસ્વ હતું.

            Like

            1. મને લાગે છે અનાત્મ્વાદીઓનું કોઈ સાહિત્ય બચ્યું જ નથી.કદાચ જાણી જોઈને નાશ કરી નાખ્યું હશે.બાકી આજે દેશ કઈક જુદો જ હોત.

              Like

  10. શ્રી વોરા સાહેબ અને ભૂપેન્દ્રસિંહભાઈ,

    આજે આપણે નિરીશ્વરવાદી તત્વજ્ઞાન વિશે જાણીએ છીએ તે નકારાત્મક છે. એટલે કે મૂળ સિદ્ધાંત ગાયબ થઈ ગયો, એની ટીકાઓ બચી ગઈ! આ ટીકાઓ પરથી આપણે કહી શકીએ છીએ કે ચાર્વાક જેવા કોઈક હતા. ચાર્વાકે શું કહ્યું તે કોઈ જાણતું નથી, પરંતુ “ચાર્વાકે “ઋણં કૃત્વા ઘૃતં પિબેત” કહ્યું તે એમની ટીકા સૌ જાણે છે!

    આ વાક્ય પરથી એટલું સમજાય કે ચાર્વાક મૃત્યુ પછી પુનર્જન્મમાં નહોતા માનતા અને કર્મનું ફળ મૃત્યુ પછી ન મળે એમ માનતા હતા. પરંતુ એમણે જાણે કરજ કરીને ઘી પીવાની સલાહ આપી હોય એવી હવા ઊભી કરી દેવાઈ છે.પ્રચલિત કર્મફળના સિદ્ધાંતમાં સગવડ એ છે કે આ જન્મમાં કઈં પણ કરવું હોય તે બેધડક કરો, કારણ કે ફળ તો આવતા જન્મ સુધી પોસ્ટપોન કરી શકાય છે!

    Like

  11. જય સ્વામિનારાયણ
    વાંચવું ગમ્યું છે ,સમય અને અનુકુળતા મળે તો વાત કરાવી પણ ગમશે . ફોન નંબર જણાવશો

    Like

    1. ખૂબ ખૂબ આભાર, પણ હું તો ધર્મો અને સંપ્રદાયોનો કડક આલોચક છું. અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખું છું. આપના કામનો આ બ્લોગ લાગતો નથી. મુલાકાત બદલ આભાર.

      Like

Leave a comment