કી મૈ જૂઠ બોલના.(Hard Truths About Human Nature)

 કી મૈ જૂઠ બોલના
     પુરુષો જૂઠ બોલતા હોય છે અને સ્ત્રીઓ પણ.કઈ બાબતમાં?પુરુષ પ્રત્યક્ષ વાતોમાં એમની આવક અને એમની ઊંચાઈ વિષે જૂઠું બોલતા હોય છે,જ્યારે સ્ત્રીઓ એમની ઉંમર અને વજન  બાબતે જૂઠું બોલતી હોય છે અને બંને પુરુષ અને સ્ત્રી એમના જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનરની સંખ્યા  વિષે જૂઠું બોલતા હોય છે.પણ બંનેના જૂઠ વિષે એક મહત્વનો ફેર હોય છે.
      પુરુષ એની આવક હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.તેવી રીતે પુરુષ એની ઊંચાઈ હોય તેના કરતા વધારે બતાવતો હોય છે.અને એવી જ રીતે એના જીવનમાં આવેલી સ્ત્રીઓની સંખ્યા પણ હોય તેના કરતા વધુ બતાવતો હોય છે.ઘણીવાર તો એની પત્ની સિવાય એક પણ આવી ના હોય એના જીવનમાં તો પણ ઘણી બધી આવી હોય તેવું બતાવતો હોય છે.
    જ્યારે સ્ત્રી એની ઉંમર હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે,તેવી રીતે એનું વજન હોય તેના કરતા ઓછું બતાવતી હોય છે.અને તેવી જ રીતે એના જીવનમાં આવેલા સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા હોય તેના કરતા ઓછી બતાવતી હોય છે.એમાં પણ ભારતીય સ્ત્રીઓ તો પતિ સિવાય કોઈ જ ના  આવ્યું હોય તેમના જીવનમાં તેવું બતાવતી હોય છે.શક્ય છે કે ભારતીય સંસ્કારો મુજબ કોઈ આવ્યું ના પણ હોય.
   હવે ઉંમર સમય સાથે વધતી હોય છે આવક પણ અનુભવ અને ઉંમર વધે તેમ વધતી હોય,વજન પણ મેટાબોલીઝમ ઉંમર વધતા ધીમું પડે તેમ વધતું જતું હોય છે.ઊંચાઈ ઉંમર વધે તેમ વધવાની નથી.અને જીવનમાં આવેલા સેકસુઅલ પાર્ટનર પણ જે થઈ ગયા હોય તે ઓછા થવાના નથી અને કદાચ ઉંમર વધે તેમ વધે,ઘટે તો નહિ.આનો અર્થ સ્ત્રીઓ ભૂતકાળમાં જેવી હોય તેવું બતાવવા માંગતી હોય છે જ્યારે પુરુષો ભવિષ્યમાં જે શક્યતા હોય તે બતાવવા માંગતા હોય છે.
      પુરુષો હોય તેના કરતા વધુ ઊંચા છે તેવું બતાવતા હોય છે કારણ કે સ્ત્રીઓ જનરલી ઊંચા પુરુષો પસંદ કરતી હોય છે,તેવું જ આવકનું છે.સ્ત્રીઓને હાઈ સ્ટેટ્સ અને વિપુલ સંપદા ધરાવતા પુરુષો વધુ પસંદ પડતા હોય છે.પુરુષ પોતે જાતીય બાબતે વધારે પાવરફુલ છે તેવું બતાવતો હોય છે.કારણ માનવજાતમાં પોલીગમી બાયોલોજીકલ છે,માટે એના પાર્ટનર વધુ હતા તેવું બતાવતો ફરતો હોય છે.
     સ્ત્રીઓ હોય તેના કરતા ઓછી ઉંમર અને વજન બતાવતી હોય છે કેમકે પોતે હજુ જુવાન અને સુંદર છે,જ્યારે પોતે વધુ વિશ્વસનીય તેવું બતાવવા કોઈ પાર્ટનર નથી અથવા ઓછા છે તેવું બતાવતી હોય છે.જે પુરુષને ગમતું હોય છે.ઈવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી  mildly promiscuous રહી છે.

13 thoughts on “કી મૈ જૂઠ બોલના.(Hard Truths About Human Nature)”

  1. આ વાતને ઈવોલ્યુશન સાથે કોઈ સબંધ નથી દેખાતો, પુરુષ તેના જીવનમાં આવેલી સ્ત્રીઓની સંખ્યા વિષે કોની સાથે વાત કરી રહ્યો છે તેને અનુલક્ષીને સંખ્યા બતાવે છે. પોતાની પત્નીને કે લગ્નેતર સબંધ બંધાતી વખતે તે સ્ત્રીને આ સંખ્યા વધારીને નહિ પણ ઘટાડીને બતાવે છે, અને તે જ સ્ત્રી પણ તેની સહેલીઓ સાથે વાત કરતી વેળાએ પુરુષોની સંખ્યા વધારીને કહેતી હોય છે. બધું સાપેક્ષ છે, તેને માટે મનોવિજ્ઞાનનો અન્ય નિયમ લાગુ પડે છે, ઉત્ક્રાંતિનો નહી.

    Like

  2. બાપુ આજ સુધી પુછ્યું નથી પણ આજે પુછવું પડે છે કે આપની આ માહિતીનો સ્રોત શું છે તે જણાવશો ?! જેથી અમે એ સ્રોતને ઢીબી શકીએ 🙂

    જો કે મારે આવું કંઇ ખોટું બોલવાનું કારણ નથી જ ! કારણ આમે મારી ઊંચાઇ ૭ ફીટમાં થોડા ઈંચ (માત્ર ૧૩ !) જ ઓછી છે અને આવક પણ સાત અંકોમાં (દશાંશ પછીના બે અંક સાથે ! વાર્ષિક !!) છે જ. અને ત્રીજા જુઠની ગણતરી માટે તો આપ ધારી ન શકો તેટલો મોટો આંકડો હું આપી શકું (બસ તે આંકને ફરી તે જ આંકથી ભાંગીને ગણતરીમાં લેવો) 😉 પણ અન્ય ગરીબ બીચારા/રી ઓને આ રીતે સમાજમાં ઉઘાડા/ડી પાડવા/વી તે યોગ્ય નથી ! (કી મૈ જૂઠ બોલીયા ?)

    પુરુષો માટે તો એકદમ સાચું ! (સ્ત્રીઓનું સ્ત્રીઓ જાણે !!) તે ઉપરાંત આ લેખમાં યોગ્ય જગ્યાએ પાડેલા સુંદર ફકરાઓ ગમ્યા, જો કે હજુ બે ફકરાઓ વચ્ચે એક લીટીની જગ્યા મુકવાનું રાખો તો વધુ નયનરમ્ય અને ગમ્ય લાગશે ! આભાર.

    Like

  3. તમે નવો જ વિષય લઈ આવ્યા. એક વાર ડિસ્કવરી પર એક ફિલ્મ જોઈ એમાં બાળકો્ને સ્ટૂલ પર બેસાડવામાં આવ્યાં અને કહેવામાં આવ્યું કે પાછળ નથી જોવાનું. પરંતુ એકાદ બાળક સિવાય બધાંએ પાછળ જોયું! પછી જ્યારે પૂછ્યું તો બે-ત્રણ વર્ષનાં બાળક સિવાય બધાં જ ખોટું બોલ્યાં!
    તારણ પૂરૂં તો યાદ નથી પણ કઈંક આવું હતું – જૂઠું બોલવું સામાજિક સ્વીકાર પાત્રતાની ઇચ્છાનું પ્રતીક છે. કોઈ મૉતાએ કહ્યું છે એટલે માનવું જોઇએ પણ કુતુહલ તો હતું જ. આ બે વચ્ચે સમન્વય સાધવા માટે જૂઠું બોલો. એટલે વડીલનું માન પણ રહી જાય અને કુતુહલ પણ સંતોષાય. તે સાથે એવી ખાતરી પણ થાય કે પાછળ ન જોવાની સૂચના તો હતઈ પણ જોવાથી કઈં બહુ નુકસાન નથી થયું તો વડિલને પણ સાચવી લઈએ! બે૦ત્રણ વર્ષના બાળકમાં હજી આ સામાજિક સ્વીકારપાત્રતાનિ જરુરનો વિકાસ થયો નથી હોતો. આ વિષય બહુ સારો છે.

    Like

    1. હ્યુમન નેચર ઉત્ક્રાંતિના લાખો વર્ષના ક્રમમાં વારસામાં,જિન્સમાં મળતો હોય છે.ઈવોલ્યુશનરી સાયકોલોજી એ મનોવિજ્ઞાનની એક શાખા જ છે.એમાં બાયોલોજી,ઈવોલ્યુશન અને સાયકોલોજી બધું ભેગું થતું હોય છે.જોકે મિત્રોને માનવામાં અઘરું પડે છે.માટે બહાના શોધાય છે.ભારતીય દંભી અને પાખંડી પરંપરા માટે સ્વીકારવું અઘરું છે.દાખલા તરીકે સાપનો ભય વારસામાં જિન્સમાં મળેલો છે,જે ઉત્ક્રાંતિના ક્રમમાં મળેલો છે.એમાં એરર મેનેજમેન્ટ પણ આવી જાય.જે અગાઉ મેં સમજાવેલું જ છે.જીવતા ખવાઈ જવાનો,જીવતા,દટાઈ જવાનો,જીવતા સળગી જવાનો,પાણીમાં ડૂબી જવાનો.આવા ભય વારસામાં મળતા હોય છે.મેં અગાઉ ભયાવહ લેખ લખેલો છે.

      Like

  4. ભૂપેન્દ્રસિંહજી,

    આપનું આ તારણ ગમ્યું. પણ તે આજુબાજુ ની સંસ્ક્રુતિ પર વધારે આધારીત છે. જે વાત એક સ્ત્રી પોતાના પતિ ને અમેરીકન કલ્ચર માં સહજતા થી કહી શકે તે વાત ગુજરાતી ગોરધન ને ના કરી શકે. ઘણી ખરી સ્ત્રીઓ ને થતી ગ્લાની મેં સાંભળેલી છે. સામે પુરૂષો ને પણ એજ તક્લીફ઼ પડે છે. ઘણાં પુરૂષો ઇચ્છતા હોવા છતાં ફ઼ક્ત પોતાના જીવનસાથી ને ખોટું ના લાગે તેથી ભૂતકાળ છુપાવતા જોયા છે. એ બધું આજુબાજુ નાં કલ્ચર પર વધારે આધારીત છે એવું મારું માનવુ છે.
    સંપૂર્ણ ઇમાનદારી તો બન્ને પાર્ટનર્સ કોઇ પણ કલ્ચર માં પચાવી શકવા સક્ષમ નથી. પણ જ્યાં મુક્ત વાતાવરણ છે ત્યાં આવી ઇમાનદારી/નૈતિકતા નું ધોરણ ઉંચુ જોવા મળે છે. 🙂

    Like

    1. તદ્દન સાચું છે,ગુજરાતી ગોરધન હોય કે દેશનો કોઈ પણ હિન્દુસ્તાની તમામને સાચું ના કહેવાય.કારણ અહી પાખંડ ખાનગીમાં ચાલે જાહેરમાં બધા સતા અને સતીઓ.એટલે જ મારો આ વિષય હાર્ડ ટ્રુથ એબાઉટ હ્યુમન નેચર જલ્દી કોઈને પચતો નથી.માનવામાં સુદ્ધા આવતો નથી.જે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ વૈજ્ઞાનિકો આ બધું લખતા હોય છે તેમાં કોઈ ભારતનો નથી.હા ચીન ઘણું આગળ છે આમાં.ભારતના વૈજ્ઞાનિકનો અભિગમ પણ ઘણી વાર વૈજ્ઞાનિક હોતો નથી.એટલે ભારતીય સ્ત્રી પુરુષોને ધ્યાનમાં લઈને આ બધું લખાતું નથી.જોકે ભારતીય લોકોને લાગુ તો પડતું જ હોય કે ભારતીયો કોઈ ઉપગ્રહમાંથી ટપકેલા તો નથી,ભલે ભારતીયો પોતાને એવું માનતા હોય.જેવું કે ભારતમાં લોકો માનતા હોય છે કે લગ્ન વ્યવસ્થા પવિત્ર બંધન અને જાણે કોઈ ભગવાને પૃથ્વી બનાવી ત્યારથી આ વ્યવસ્થા મુકેલી હશે.બકવાસ છે.ભારતમાં પણ લગ્ન વ્યવસ્થા પહેલા નહોતી.ઉદાલક ઋષિની પત્ની નાના શ્વેતકેતુને મુકીને બીજા કોઈ વિદ્વાન ઋષિ કે બ્રાહ્મણ જોડે ચાલી નીકળી,પેલાની ઓફર માનીને,ત્યારે બાળ શ્વેતકેતુને મનમાં લાગી આવેલું.મોટા થઈને એણે જોયું કે સક્ષમ પુરુષો પાસે સ્ત્રીઓ ગમે ત્યારે જતી રહે છે.બસ એણે લગ્ન વ્યવસ્થાને વિધિ વિધાન પૂર્વક બનાવી ને પવિત્રતાના વાઘા પહેરાવી દીધા જે આજે પણ ચાલુ જ છે.લગ્ન વ્યસ્થા હતી છતાં પોલીગમી બહુ પત્નીત્વ ચાલુ જ હતું.જેને પોષાતું હોય તે વધારે સ્ત્રીઓ રાખતું.એકને પાળવાના ફાંફા હોય તે લોકો ક્યાંથી બીજી લાવવાના હતા?આઝાદી પછી કાયદાથી એક પત્નીત્વ આવ્યું.મારી આગળની પેઢીમાં કોઈને એક પત્ની હતી જ નહિ.પોલીગમી જીન્સમાં છે મનોગમી સામાજિક વ્યસ્થા છે.એટલે તો મારા આવા લેખો વાચી વિવાદ થાય કે પછી કોઈ વાંચીને જરાપણ ચર્ચા જ ના કરે.કારણ માનવામાં જ ના આવે,પછી ચર્ચા શું કામની?અને અહી બ્લોગ જગતમાં પણ મોટા ભાગે લોકો ધાર્મિકતાનો જુઠો ધાબળો ઓઢીને બેઠેલા છે.ખાલી અહી જે આવે છે તે અપવાદ તટસ્થ વૈચારિક અભિગમ ધરાવતા હોય છે,બાકી બીજે જુઓ કશું પણ મુકાય તરત જ ઉપનિષદ,ગીતામાંથી કોપી પેસ્ટ કરીને ઉતારા કરી નાખીને પોતે જ્ઞાની છે તેવું બતાવી દેતા હોય છે.રેશનલ બ્લોગમાં પ્રતિભાવો લખનારા પણ અહી આવતા ખચકાય તેવું આ વિરલાઓનું કુરુક્ષેત્ર છે.

      Like

      1. ’મારી આગળની પેઢીમાં કોઈને એક પત્ની હતી જ નહિ’…!!!
        હવે ખબર પડી પેટમાં ક્યાં દુઃખે છે 🙂

        જો કે મારા દાદાને પણ બે ’કાયદેસર’ની પત્નિઓ હતી ! ત્યાર પછી ભારતિય સંવિધાન લાગુ પડી ચૂક્યું ! આપની આ થિયરી બરાબર જ છે, સમાજ વ્યવસ્થા મુજબ તેમાં ફેરફાર હોય છે પરંતુ એ ફેરફારો દબાણપૂર્વક કરવા પડે છે એ પણ સાચું જ છે. સાહજીકવૃતિ તો કોઇ અલગ દિશામાં જ મનને ઢસડતી હોય છે. આ વિષયના એક નિષ્ણાંત ડૉક્ટરનું કહેવું હતું કે દેશ કે સમાજ ગમે તે હોય, સમાજના નિયમોને માન આપવું પડતું હોય દેખીતું કોઇ આડુંઅવળું ચાલતું ન પણ હોય, છતાં એક વાત ચોક્કસ કે માણસનું મન તો કાબુ બહાર સાહજીક રીતે જ વર્તન કરતું રહે છે. સમાગમ સમયે લગભગ બધા જ, નર-નારી, પોતાને ગમતા પાત્રની કલ્પનામાં રત રહેતા હોવાનું (ભલે કોઇ સ્વિકાર ન કરે, કે પછી ’લગભગ’ મુજબ અમુક વિરલા/લી ઓ હોય પણ ખરા !!) પણ જણાવાયું (અને અનુભવાયું પણ !) છે. અતિધાર્મિકતા કે અજ્ઞાનને કારણે ઘણા આ બાબતે હિનતાની કે પાપની લાગણી અનૂભવતા હોય તેવું પણ જાણેલું છે. પરંતુ, આ એક સામાન્ય વ્યવહાર જ છે. તેમાં કોઇ નિચતા, હિનતા, પાપવૃતિ કે કુચારિત્ર્ય જેવું કશું નથી ! ઉલ્ટું એ સજ્જનતાસભર સમાજરચનાને ટકાવી રાખવામાં મદદરૂપ બને છે ! (હું વધુ સ્પષ્ટતાપૂર્વક પણ ચર્ચી શકું પરંતુ અહીંના મિત્રોની અડધામાં આખું સમજવાની ક્ષમતામાં મને વિશ્વાસ છે !)

        આપના આવા લખાણો આયના પર બાઝેલા રજકણો સાફ કરી સ્પષ્ટચિત્રનું દર્શન કરવામાં મદદરૂપ બનશે. લગ્નપ્રથાસારી કે ખરાબ એ અલગ ચર્ચાનો વિષય છે, તેમાં આપણે આ ઉપરાંતના અન્ય ઘણા એંગલથી પણ તેને મૂલવી અને ચર્ચા કરી શકીએ. પરંતુ માણસનાં અમુક પ્રકારના વર્તનનું મુળ કારણ શું તે સમજવા માટે આપની આ લેખમાળાના આધારે આપણે આગળ વધવું રહે. (એટલે કે ઈવો.સાયકો.નો વધુ ને વધુ અભ્યાસ અને તેના અપડેટ્સ પર નજર નાંખતું રહેવું પડે)

        દિશા સાચી છે, ખોટા શબ્દો કે વાક્યરચનાને કારણે દિશા ભટકી ન જવાય તેટલી સાવચેતી જરૂરી ખરી !! આભાર.

        Like

        1. ઘણીવાર અંગ્રેજી શબ્દોના ગુજરાતી સમાન શબ્દો મળતા નથી.લેક્સિકોન પણ ના પાડી દેતું હોય છે.નવા અંગ્રેજી શબ્દોના અર્થ તો હોતા જ નથી.એટલે ખોટા શબ્દો ના વપરાઈ જાય તેનું ધ્યાન રાખવું પડે તે જરૂરનું છે,કોઈ ભૂલ ધ્યાનમાં આવે કે એને યોગ્ય શબ્દ મળે કે વાક્ય રચનામાં ભૂલ હોય તરત જણાવશો.વર્ષો પછી લખવાનું શરુ કર્યું છે તો ભૂલો તો હશે જ.ભાઈ પેટમાં દુખે તો જાહેરમાં જ દવા ખાવી પડે?

          Like

      2. હાહાહાહા ,… 🙂
        ધાર્મિકતા અને નૈતિકતા નાં ધાબળાં ઓઢી ને બેસેલાં સજ્જનો ( સન્નારીઓ એ પણ વાંચવુ), મોકો મળ્યે ચોક્કો કે છક્કો મારતાં ખચકાતાં નથી. મારા એક સ્નેહી છે. ગુજરાત માં હોય અથવા કોઇ જાણીતા સાથે હોય ત્યારે દારૂ નું સેવન કરતાં નથી. અને ગાંધીવાદ ની વાતો કરે છે. પરંતુ એ સ્નેહી મિત્ર ને મુમ્બઈ – દિલ્લી માં ટલ્લી થઈ જતા જોયા છે. એમની બેન્ગકોક યાત્રા નું વર્ણન મારે કરવું જરૂરી ખરૂં?

        આપનો એક હાર્ડ હિટિંગ લેખ મેઇલ બોક્શ મા પડ્યો છે. જલ્દિ પોસ્ટ કરો. રીએકશન જોવાં છે 🙂

        Like

  5. વાહ ભુપેંદ્રભાઈ. મનોવિજ્નાન તો બહુ ભણ્યો નથી, પણ બહુ રસનો વિષય છે! તમારા દ્વારા નવી-નવી જાણકારી આ રીતે મળી રહી છે એનો આનંદ છે.

    હું બોસ્ટનના પ્રવાસે હતો. જગવિખ્યાત એમ.આઈ.ટી.માં એક વાત ઉડીને આંખે વળગી. ત્યાં લેટિન અક્ષરો મુજબ “યુ”ને બદલે “વી” પ્રમાણે જોડણી કરી છે. જેમ કે, Union ને બદલે Vnion. મેં એવો અર્થ તારવ્યો કે એ કેમ્પસમાં ગયા પછી “યુ” નહીં “વી” (આપણે) વિશે વિચારતા થઈ જાઓ…

    Like

  6. શ્રીભુપેંદ્રસિહજી
    વિષય સુંદર હોવા છતાં આ વિષે વિશેષ જાણકારી કે અભ્યાસ નહિ હોવાથી ચર્ચામાં સક્રિય રીતે ભાગ લઈ શકાય તેમ જણાતું નથી તેમ છતાં મિત્રો વચ્ચે થઈ રહેલું વિચારોનું આદાન-પ્રદાન વાંચવું ગમે છે અને નવી જાણકારી પણ મળે છે જેનાથી મન વિચારોમાં ગુંથાયેલું-વ્યસ્ત રહે છે તે મારાં જેવા એકલા એકલતામાં રહેનારા માટે મોટું આશ્વાસન છે. નવા વિષયો લાવતા રહો ! ધન્યવાદ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  7. ‘હાર્ડ ટ્રુથ અબાઉટ હ્યૂમન નેચર’ પર ધવલભાઈ અને દર્શિતભાઈ કહે છે તેવી સામાજિક અસરો તો પડે જ છે, પરંતુ આ અસરો મોટા ભાગે માનવીય સ્વભાવ માટે નિયંત્રણકારી હોય છે. આ કારણે ઘણી વાર વૈજ્ઞાનિક તથ્યો પણ સ્વીકાર્ય નથી બનતાં. ધર્મ એટલે ખરેખર તો અવશપણે કરવું પડે તે. એટલે કે જે અનિવાર્ય હોય તે અને જેના ઉપર આપણો કાબુ ન હોય. આવા તો શરીર ધર્મો જ હોઈ શકે. હ્યૂમન નેચર પણ મૂળભૂત રીતે તો શરીરધર્મને અનુરૂપ જ હોય છે, પરંતુ સામાજિક નિયમો એને અમુક દિશા આપે છે.
    ભાઈ ચિરાગે ‘યૂ’ અને ‘વી’નું સારું ઉદાહરણ આપ્યું છે.પરંતુ આપણે ભારતીયો અમુક રીતે વર્તીએ, અમેરિકનો અમુક રીતે વર્તે – એવા ‘યુ’વાદી (જેમાં આપણે એકબીજાને ‘યુ’ તરીકે ઓળખીએ એવા) વિચારોને બદલે બધાને આવરી લે તેવા ‘વી’વાદી વિચારો કરવા હોય તો વૈજ્ઞાનિક તારણોને પ્રથમ સ્થાન આપવું પડશે. મને લાગે છે કે ભૂપેન્દ્રસિંહભાઈના લેખોનું મહ્ત્વ જ એ છે કે આપણે ‘માનવ’જાતિ નાં લક્ષણો વિશે વિચારીએ.

    Like

Leave a comment