Daily Archives: એપ્રિલ 22, 2011

જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.

The Great Wall of China at Mutianyu
Image via Wikipedia
 જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.
पुराणं मानवो धर्मः साङ्गो वेद्ष्चिकित्सितम् |
आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः –પુરાણો,મનુસ્મૃતિ,અંગો સહિત વેદો અને વૈદકશાસ્ત્ર –આ ચાર (ઈશ્વરી) આજ્ઞાથી સિદ્ધ થયેલા શાસ્ત્રો છે; માટે તેઓનું કોઈ કારણો દર્શાવી ખંડન કરવું નહિ.
ઉપરનો શ્લોક મહાભારતનો છે. જુઓ વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.પછી ભલા જ્ઞાન વિજ્ઞાન ક્યાંથી અપડેટ થાય?
માનવ ઉત્પન્ન થયો હશે ત્યારે કુદરતના બધા નિયમો સારી રીતે જાણતો નહિ હોય તે હકીકત છે. આજે પણ કુદરતના નિયમો પુરા સમજાતા નથી. કે સમજી શકતા નથી. હજુ આટલું બધું આગળ વધેલું વિજ્ઞાન પણ ઘણી વાર ગોથા ખાઈ જાય છે. વીજળી ચમકે તો ગભરાઈ જતો હશે. વરસાદ વાવાઝોડા વગેરે આવતું હશે ત્યારે એને સમજાતું નહિ હોય તે સ્વાભાવિક છે. બીકનો માર્યો ઇન્દ્રને યજ્ઞોમાં ભાગ આપતો હશે. દરેક કુદરતી પરિબળોને ભગવાન માની ડરતો હશે અને પ્રાર્થના કરતો હશે.
આજે પણ બ્રહ્માંડનાં નિયમો વિષે વિજ્ઞાન અવઢવમાં છે. ગ્રેવિટી વિશેના ખ્યાલો બદલાઈ જતા હોય છે. ન્યુટનનાં નિયમો આઈનસ્ટૈન ખોટા પાડે છે. સ્ટ્રીંગ થિયરી પૂરી સમજાતી નથી. તો પ્રાચીન માનવી કઈ રીતે બધું સમજી શકતો હશે? વિજ્ઞાનના નિયમો સમજતા વર્ષો નીકળી જાય છે. તો પ્રાચીન માનવી વિજ્ઞાન સમજતો હશે તેવું માનવું વધુ પડતું છે. કે કુદરતના નિયમો સમજી શકતો હશે તે માનવું પણ વધુ પડતું છે. શરૂઆત સમજવાની ચોક્કસ કરી હશે તેમાં કોઈ શંકા નથી. સૌથી જૂની સંસ્કૃતિ ભારતની છે. માનવી અહીં આવીને સુસંસ્કૃત થયો. થોડો સ્થિર થયો હશે, સર્વાઈવ થવાની પુષ્કળ જહેમત થોડી ઓછી થઈ હશે. તો બીજું વિચારવાનો સમય મળ્યો હશે. કુદરતના પરિબળો સમજવાની શરૂઆત કરી હશે, ત્યારે દુનિયાના બીજા ભાગો ખૂબ પછાત હશે. જ્યાં જીવવા માટે સ્ટ્રગલ હોય ત્યાં બીજું વિચારવાનો સમય જ ના મળે.
હરપ્પન લોકોએ નગરો વસાવ્યા હતા ત્યાર પછી બે હજાર વર્ષો નીકળી ગયા રોમનોને નગરો વસાવતા. મતલબ યુરોપ બે હજાર વર્ષ પાછળ હતું. ધોળાવીરામાં વેસ્ટર્ન સ્ટાઇલના સંડાસ, સુએઝ, અનાજ ભરવાના કોઠાર અને સ્ટેડીયમ મળ્યા છે. એ વેસ્ટર્ન સંડાસ આજે યુરોપ જઈને પાછાં ભારત આવી ચૂક્યા છે. એટલે અહીં સંસ્કૃતિ સ્થિર થઈ એટલે વિચારવાનો સમય મળ્યો તો વિજ્ઞાનની શરૂઆત થઈ. ખગોળનો અભ્યાસ કરતા કરતા ગણિતની શરૂઆત થઈ. નંબર શોધાયા. વનસ્પતિ આધારિત ઔષધ વિજ્ઞાન શરુ થયું. પણ આ બધી શરૂઆત કહેવાય, સંપૂર્ણ ગણવું વધારે પડતું છે. જ્ઞાન રોજ અપડેટ કરવું પડે. તેને સંપૂર્ણ સમજી બેસી રહો તો આગળ વધાય નહિ. કોમ્પ્યુટર પહેલા શોધાયું તેને જ સંપૂર્ણ સમજી લીધું હોત તો? આજે પણ સંપૂર્ણ લાગતું કોમ્પ્યુટર રોજ અપડેટ થતું હોય છે અને નવું નવું એમાં આવતું જતું હોય છે. બંધિયાર પાણીની જેમ જ્ઞાન પણ અપડેટ ના થાય તો સડી જાય છે.
વેદિક સંસ્કૃતિ સમયે જ્ઞાનની શરૂઆત થઈ હશે, વિજ્ઞાનની શરૂઆત થઈ હશે. કુદરતના નિયમો સમજવાની શરૂઆત થઈ હશે તેમાં નવાઈ નથી. ખગોળ ગણિતના ઉપક્રમે અંક ગણિત શરુ થયું. શૂન્યની શોધ થઈ. એકથી નવ અંક શોધાયા. પાઈનું માપ શોધાયું. દશાંશ પદ્ધતિ શોધાઈ. પણ પછી બધું ઠપ્પ કેમ થઈ ગયું? શું આ બધું સંપૂર્ણ ગણિત હતું? જો એવું જ હતું તો પશ્ચિમ પાસેથી ઉછીનું કેમ લેવું પડે છે? ખાલી ખર્વ અને નિખર્વમાં ગણિત પૂરું થઈ જાય છે?  વાયા અરબો આપણું ગણિત પશ્ચિમમાં પહોચ્યું ત્યારે ચર્ચે મનાઈ ફરમાવી દીધેલી. કે આતો શેતાનનું કામ છે. એટલે તો અરેબીક નંબર કહેવાતા હતા. હવે જ્યારે ખબર પડી છે ત્યારે ઇન્ડો અરેબીક નંબર કહેવાય છે. પણ ત્યાર પછી એકવાર અપનાવી લીધું બસ ગણિતમાં આ લોકો જ આગળ વધ્યા. આપણે પાછળ પડી ગયા.સીવીરામન પછી કોઈ જગવિખ્યાત વૈજ્ઞાનિક પેદા કરી શક્યા નથી. શકુન્તલાદેવી જ્યોતિષમાં ખોવાઈ ગયા. જીવંત કોમ્પ્યુટર જેવી ક્ષમતા અને અમેરિકામાં જોષ જોવા બેસી ગયા. ધાર્યું હોત તો લેડી આઈનસ્ટાઇન બની શક્યા હોત. એક બ્રિજ, એક વિમાન, એક મોટું સ્કાય સ્ક્રેપર, એક મોટો નર્મદા જેવો બંધ, એક ઉપગ્રહ, એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ, એક સ્કાયલેબ, એક મિસાઇલ, એક ન્યુક્લીયર બૉમ્બ, એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વેદિક ગણિત વડે શક્ય છે? અને શક્ય હોય તો ભારતેતો અવશ્ય વાપરવું જોઈએ.
માટે વેદિક સંસ્કૃતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી સમજી લેવું વધારે પડતું છે. ઘણા મિત્રો માને છે જે યજ્ઞોથી વરસાદ આવે છે. અથવા વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ વસ્તુ બળે એટલે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. અને બીજા અમુક  વાયુઓ પેદા થતા હશે. લાકડા બાળીએ તો શું પેદા થાય? એ વાયુ હવામાં ઊંચે જઈને વાદળો સાથે મિક્સ થઈને શું વરસાદ લાવતો હશે? તો પછી એના કરતા અનેક ગણો કાર્બન ડાયોક્સાઇડ વાહનોના ધુમાડા દ્વારા ઉપર જતો હોય છે તો વરસાદ કેમ નથી આવતો? ધુમાડાથી પોલ્યુશન વધે કે ઘટે? તો પછી ગ્લોબલ વોર્મિંગની વ્યર્થ બુમો શું કામ પાડવી? જંગલો ઓછા થાય તો વરસાદ વધે કે ઘટે?  કાર્બન ડાયોક્સાઈડની ખરાબ અસરો વિષે ચિંતિત કેમ છીએ?  અહીં અમારે છાશવારે વરસાદ પડે છે વગર યજ્ઞો કરે. વરસાદનું એક વિજ્ઞાન છે. પાણીની વરાળ સૂર્યની ગરમી વડે બની ઉપર જઈને વાદળો બંધાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને તેનાથી શરીર પોષણ પામે છે તે વાત તદ્દન સાચી છે. ચોમાસું ખાલી ભારતીય ઉપ મહાખંડમાં જ છે. અને તે પણ હિમાલયને લીધે. બાકી બધે ગમેત્યારે વરસાદ આવતો હોય છે. આ તો મારા મનમાં પ્રશ્નો ઊઠ્યા છે. તે મેં રજૂ કર્યા છે. બાકી જેવી જેની માન્યતા.
સર્જરી સુશ્રુત કરતા હતા તેવી વાતો સાંભળી છે અને આજે આપણે સર્જરી બહારથી શીખ્યા છીએ. પુષ્પક વિમાનની વાતો રામાયણમાં વાંચીને આપણે વિમાન ખરીદવા બહાર જવું પડે છે. પરલોકની વાતો કરતા કરતા આપણે હજુ ચાંદ પર પહોચવાનું બાકી છે. આપણે હજુ વરસાદની સાચી આગાહી કરી શકતા નથી. આપણે ફક્ત મહાનતાની વાતો કરવામાં શુરા છીએ. પશ્ચિમને ગાળો દેવામાં શુરા છીએ. મહાન વેદિક સંસ્કૃતિના વારસો આપણે દુનિયાની સૌથી ભ્રષ્ટ પ્રજા છીએ. પ્રમાણિકતા એ વળી કઈ બલા છે? પ્રશ્ન એ છે કે આપણે પીઝાને ગાળો દઈને ઇટાલિયન વેસ્પા ઉપર બેસવામાં અને ફિયાટમાં ફરવામાં ગર્વ અનુભવીએ છીએ. જોકે મેંદામાંથી બનાવેલા અને અતિશય ચીઝ નાખેલા પિઝા કરતા બાજરાના રોટલા ખાવા વધુ ફાયદાકારક છે.  ટીવી, ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ટ્રેઇન, બસ,પ્લેન સવારથી સાંજ સુધી અને રાત્રે સુતા પણ લગભગ બધું જ આપણે પશ્ચિમે શોધેલું વાપરીએ છીએ અને ગાળો પણ એ લોકોને જ દઈએ છીએ. આ બધું વેદોમાં નહોતું? હતું તો ગયું ક્યાં? વેદોમાંથી તમને તે સમયનો ઇતિહાસ મળે, સામાજિક જીવનનો ચિતાર મળે, થોડી શરુ થયેલ ટેક્નોલૉજી કદાચ મળે, કવિતાઓ મળે, પ્રાર્થનાઓ મળે, થોડી સદાચરણની શીખ મળે. જે જે સારું મળે તેને શોધો અને એમાં કોઈ પ્રગતિ થાય તેવું હોય તો કરો, એમાં રહેલા જ્ઞાનને અપડેટ કરો. બાકી સંપૂર્ણ માની લીધું કે ગયા કામથી. કોઈ નવો વિચાર આવે નહિ કે આગળ વધાય નહિ. જ્ઞાનનો કોઈ અંત ના હોય. સ્કાય ઈઝ લીમીટ. પણ આપણે ત્યાં ભાષાંતર કરવાની છૂટ છે, શબ્દોની રમત રમી અર્થ કાઢવાની છૂટ છે પણ ડાઉટ કરવાની શંકા કરવાની છૂટ નથી.
જાપાનમાં ત્સુનામી આવ્યું તેના સંદર્ભમાં એક વડીલ વળી એવું કહેતા હતા કે આ બધો વિનાશ વિજ્ઞાનને લીધે થાય છે. મુલે આપણી વિચારધારા વિજ્ઞાન વિરોધની રહી છે ભલે આપણાં પ્રાચીન મનીષીઓએ વિજ્ઞાનની શરૂઆત કરી હોય . આપણી જેમ ચીન પણ પ્રાચીન સંસ્કૃતિ રહી છે. આપણાં કરતા ઘણી બધી શોધો એ લોકોએ વધારે કરી છે. ચીને પણ ઝીરો(o) વગર ગણિત ગણ્યા છે અને ચીનની જગવિખ્યાત દીવાલ બનાવી હતી. શૂન્ય, અંક અને દશાંશ પદ્ધતિ વગર પણ ઈજીપ્તના પીરામીડો બંધાયા જ છે. એમની પાસે દશાંશ પદ્ધતિ હતી જરા જુદી રીતની હતી. ભારતીય અંક અને શૂન્ય વડે બધું સહેલું અને સરળ થઈ ગયું તે વાત માટે ખુદ આઈનસ્ટાઇન પણ ભારતનો આભાર માનતા હતા. ચીન પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી અફીણ ખાઈને પડી રહેતું હતું, અને વસ્તી વધાર્યે જતું હતું. આપણે પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી વસ્તી વધાર્યે જઈએ છીએ.
  આપણી સંસ્કૃતિ જ્યારે ઉચ્ચ કક્ષાએ હતી ત્યારે યુરોપ ડાર્ક એજમાં જીવતું હતું. આવું તે લોકો પણ કબુલ કરે છે. પણ એ લોકો સમજી ગયા કે ભાઈ હવે આગળ વધો. અને ચાલવાનું પ્રગતિના માર્ગે શરુ કર્યું. જયારે આપણે ઉભા રહી ગયા કે હવે આપણે તો શ્રેષ્ઠ બની ચુક્યા છે હવે આગળ કશું કરવાનું છે જ નહિ. બસ આપણે હજુ ઉભા જ છીએ અને આ લોકો આગળ નીકળી ગયા.
Advertisements