હોકી એક ભૂતકાળ.

The Indian Hockey team at the 1936 Berlin Olympics

હોકી એક ભૂતકાળ.
શ્રી કૃષ્ણ ગેંડી દડો રમતા હતા. હોકીનું પ્રાચીન સ્વરૂપ એ હશે. ભારતીય હોકીનો ભૂતકાળ બહુ ભવ્ય છે. ભારતની રાષ્ટ્રીય રમત હવે જાણે અળખામણી બની ચુકી છે. કોઈને હોકીમાં રસ જ નથી રહ્યો. ક્રિકેટ હવે બિન સત્તાવાર ભારતની રાષ્ટ્રીય રમત બની ચુકી છે. ખાલી સરકારી જાહેરાત જ બાકી છે. તે પણ હવે કરી દેવી જોઈએ. હોકીના મોટાભાગના ખેલાડીઓ ભારતીય સૈન્યમાંથી આવતા હતા. ફરજના ભાગરૂપે હોકી રમતા હશે કોઈ વધારાના પુરસ્કારની આશા વગર, પણ દિલોજાનથી રમતા હતા. મેજર  ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે ભારતીય હોકીમાં લખાયેલું છે. હોકીના જાદુગર હતા. બર્લિન ઓલોમ્પિક વખતે હિટલરે એમની હોકીને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોએલી. કે કોઈ ગુંદર તો નથી લગાવ્યો  કે સ્ટીકને  બોલ છોડતો જ નથી.
ક્રિકેટમાં ૧૯૮૩મા વર્લ્ડ  કપ જીત્યા હતા, ત્યાર પછી ૨૮ વર્ષ બાદ હમણા ફરી જીત્યા. એમાં તો કોઈ મોટી ધાડ મારી લીધી હોય તેમ આખો દેશ જાણે એક ઉન્માદમાં સરી પડ્યો. હોકીમાં સતત છ ઓલોમ્પિકમાં ગોલ્ડ કપ મેળવી ચુક્યા હતા. કુલ્લે આઠ ગોલ્ડ કપ, એક સિલ્વર અને બે બ્રોન્જ કપ જીતી લાવ્યા છે. પણ સતત અંગ્રેજોને ગાળો દેતી પ્રજાનો દંભ જુઓ. પોતાની રાષ્ટ્રીય રમતની અવગણના અને અંગ્રેજોની ક્રિકેટ પાછળ પાગલપન. અંગ્રેજોના ગુલામ રાજાઓ એની પાછળ પહેલા ગાંડા હતા. હવે પ્રજા પણ એની પાછળ ગાંડી થઇ ગઈ છે.
એક રમત તરીકે ક્રિકેટને હું વખોડતો જરાપણ નથી. બસ ભારતીય હોકીની અવહેલના મને ખુબ કઠે છે. શ્રીમંત અંગ્રેજોએ ટાઈમ પાસ કરવા પાંચ દિવસની ક્રિકેટ શોધી કાઢી. એમ રાજા મહારાજાઓએ ઘોડા ઉપર બેસી હોકી રમાય તે શોધી કાઢ્યું જેને પોલો કહેવાય છે. શિખ ત્રાસવાદનું સત્યાનાશ વાળવામાં સફળ રહેલા કુંવરપાલસિંહ ગીલ, હોકી ફેડરેશનનાં ચેરમેન બન્યા પછી ભારતીય હોકીનું સત્યાનાશ વાળવામાં પણ પુરતા સફળ રહ્યા છે. હોકીમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોનું વિશ્વમાં પ્રભુત્વ રહ્યું છે. પણ આજે બંને દેશોની હાલત હોકીની બાબતમાં કફોડી છે. બીજા દેશો પણ આપણી હોકી રમે છે, તેમ આપણે પણ ક્રિકેટ રમીએ તેમાં ખોટું કશું નથી. પણ એક ક્રિકેટ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. આપણે પર્શનલ ઇવેન્ટ રમતોમાં અબજની વસ્તી ધરાવતા હોવા છતાં કશું ઉકાળી શકતા નથી. શુટિંગમાં પહેલી વાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે એ સૈન્યના રાજસ્થાની રાજપૂત જવાન પાસે સારી રાઈફલ લેવા પૈસા નહોતા. કે ટ્રેનીગ માટે ચુકવવાની પુરતી ફીસ નહોતી. અને કોઈ સ્પોન્સર કરવા તૈયાર નહોતું. જ્યારે અભિનવ બિન્દ્રા પોતે પૈસાવાળા હોવાથી ઘરના પૈસે વિદેશમાં ટ્રેનીગ લઈને સારી રાઈફલ વગેરે ખરીદી ગોલ્ડ મેડલ પહેલીવાર જીતી લાવ્યા. રમતજગત પ્રત્યે આપણે હંમેશા દુર્લક્ષ જ રાખ્યું છે. ખેલકૂદ જીવનમાં ખાસ જરૂરી છે. એનાથી શરીર સૌષ્ઠવ કેળવાય. સ્પોર્ટીંગ સ્પીરીટ આવે. ઉત્સાહ અને
સાહસવૃત્તિ કેળવાય. આદિવાસી જાતોમાંથી આપણને સારા દોડવીર અને તીરાન્દાઝ  મળી રહે તેમ છે. પણ રાજકારણ અને ભ્રષ્ટાચાર તેમ કરવા દે તો ને?
નોંધ:- ઉપર મુકેલો ફોટો બર્લિન ઓલોમ્પીકમાં(૧૯૩૬) ગોલ્ડ મેડલ જીતી લાવનાર હોકી ટીમનો છે.

4 thoughts on “હોકી એક ભૂતકાળ.”

  1. બહુ સરસ માહિતીઓ આપી. થોડી પૂરક માહિતી રજુ કરૂં.
    ૧૯૭૦ પછી વિશ્વકક્ષાની હરીફાઇઓમાં એસ્ટ્રો ટર્ફનો વપરાશ ફરજીયાત થયો, ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પરંપરાગત કુદરતી ઘાંસના મેદાનમાં રમવા ટેવાયેલા હતા. હજુ આજે પણ, અતિશય મોંઘા હોવાને કારણે એસ્ટ્રો ટર્ફ (કુત્રિમ ઘાસની બીછાત) વાળા મેદાનો આ ઉપખંડમાં દરેક જગ્યાએ પરવડતા નથી તેથી ઉપલબ્ધ નથી. એક બાબત એ પણ છે કે તકનિકી રીતે આ બંન્ને મેદાન પર રમવાના કૌશલ્યમાં પણ ઘણો ફરક પડે છે, આમ આપણા ખેલાડીઓ, પુરતી સગવડને અભાવે વૈશ્વિક સ્પર્ધાઓમાં જરૂરી કૌશલ્ય બતાવી શકતા નથી. અને ૧૯૭૦ પછીનાં સમયમાં આપણું હોકી પર આંતરરાષ્ટ્રિય પ્રભુત્વ સમાપ્ત થવાનું આ પણ એક મોટું અને મુખ્ય કારણ છે. (વિકિ પર પણ આ વાત સ્પષ્ટ કરાઇ છે: “The switch to synthetic surfaces ended Indian and Pakistani domination because artificial turf was too expensive..”- wiki)

    સરકારો અને સમાજ સામેનો રોષ અહીંથી પ્રગટ થાય; ક્રિકેટ પાછળ અબજો વાપરતા લોકો રાષ્ટ્રિય ખેલ માટે જરૂરી, આંતરરાષ્ટ્રિય નિયમાનૂસારનાં, મેદાનો પણ તૈયાર કરાવી આપવામાંથી જાય પછી રસ ધરાવતા ખેલાડીઓ ક્યાંથી નિપૂણ થાય ? જો કે એમ પણ કહી શકાય કે હોકી પર પ્રભુત્વ મેળવવા માટે પૈસાદાર યુરોપિયન દેશોએ આ “કચ” કરી છે ! માત્ર પોતાને ફાયદારૂપ એવી નિયમાવલીઓ બનાવી અને પછી જીતવું એ રમતની દેશીભાષામાં “કચ” કહેવાય.

    તે સામે ભારતિય ઉપખંડોના સમાજ અને સરકારની ભુલ એ છે કે તેઓએ શા માટે યુરોપિયન સમાજની પરવા કરવી જોઇએ ! ભારત-પાકિસ્તાન કુદરતિ મેદાનો પર શા માટે હોકીમેચ ન ગોઠવી શકે ? ક્રિકેટથી ભાઇચારો વધે તો હોકીથી પણ વધે જ. (બશર્તે, હોકીસ્ટીક ગુંડાઓના નહીં પણ ખેલાડીઓના હાથમાં હોય !) આ તો બાવાના બેય બગડ્યા જેવું કર્યું છે, ન તો કુત્રીમ ઘાંસ આપણને ફાવે છે કે ન તો કુદરતિ ઘાંસ પર રમવાનું પ્રોત્સાહન મળે છે.

    આ એક પુરક મુદ્દો મુક્યો, ચર્ચા ઘણી થઇ શકે, આપે મુદ્દો ઉઠાવી ઉત્તમ કામ કર્યું, સૌ વિચારશે, વિચારે ગુજરાત થશે, ટીપે ટીપે સરોવર ભરાય, કદાચ ભારતિય ઉપખંડમાં હોકીનો સુવર્ણકાળ પણ પાછો આવે.
    આભાર.

    Liked by 1 person

    1. બહુ સરસ માહિતી આપી.આઈપીએલ વગેરે યોજી અબજો ખર્ચી નાખતા ઉદ્યોગપતિઓ માટે એસ્ટ્રો ટર્ફ કાઈ મોંઘુ ના કહેવાય.બીજા દેશોના ખેલાડીઓ નવા નિયમો પાળીને રમતા હોય છે તેમ આપણે પણ નવા નિયમો મુજબ ગોઠવાઈ જવામાં શું વાંધો આવે?અબજોના ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ત્યાં એસ્ટ્રો ટર્ફ સાવ સસ્તું ગણાય.પણ સવાલ મૂળ માનસિકતાનો છે.નવું અપનાવવું નથી.અને રાષ્ટ્રીય રમત માટે જનતાને પ્રેમભાવ રહ્યો નથી.આપના બધા મુદ્દાઓ સાથે સહમત.આભાર.

      Liked by 1 person

  2. હૉકીની હાલત ખરેખર મૃતપ્રાયઃ છે. ભરત અને પાકિસ્તાન બન્ને દેશો હૉકીમાં શિખરે હતા પરંતુ એમનું પ્રભુત્વ યુરોપને કઠતું હતું. આથી વર્લ્ડ કપ ઑલિમ્પિક બધી સ્પર્ધાઓમાં નિયમમો એવી રીતે બદલાવવામાં આવ્યા કે ભારત અને પાકિસ્તાનને પ્રતિકૂળ રહે. વળી ઍસ્ટ્રો=ટર્ફ વગેરે આવી ગયાં. નવી સ્થિતિનો સામનો કરવામા ખેલાડીઓને ક્યાંયથી મદદ ન મળી. એમની હાર માતે બીજાં બધાં પરિબળોને બદલે ખેલાડીઓને અને કૅપ્તનોને જવાબદાર થરાવવાનું વલણ વધતું ગયું તમે કહો છો તેમ કે.પી.એસ. ગિલ જેવા શહેનશાહો કબજો કરીને બેઠા છે. એમને કઈં થતું નથી,ઇંટરનૅશનલ હૉકી ફે્ડરેશન સામે એમણે મોઢું ખોલ્યું હોવાનું પણ કદી જાણવા નથી મળ્યું.
    તે પછી ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા તે પછી કૉર્પોરેટ સેક્ટર ક્રિકેટ તરફ વળ્યું આજે હૉકી માટે આંસુ સારનાર પણ કોઈ નથી. તમે આ વીસરાતી રાષ્ટ્રીય રમત તરફ ધ્યાન દોરીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.

    Like

    1. ક્રિકેટ ઉપર પણ વિદેશીઓનું પ્રભુત્વ હતું.આઈસીસી કબજે કેવું કરી લીધું છે.તેમ કરી શકાયકે નહિ?ધનરાજ પિલ્લે અને સચિન બંને એ સાથે કારકિર્દી શરુ કરેલી.આજે કોણ ક્યા છે?આભાર.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s