Daily Archives: એપ્રિલ 9, 2011

અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).

અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).
 ૧૯૬૨મા ભારત ચીન વચ્ચેના યુદ્ધ સમયે સરકારે અપીલ કરી યુવાનોને સૈન્યમાં જોડાવા અને અણ્ણા હઝારે ૧૯૬૩મા સૈન્યમાં જોડાઈ ગયા.બસ ત્યારથી આજસુધી આ આજીવન યોદ્ધો બસ લડતો જ રહ્યો છે,પહેલા સૈન્યમાં દેશના દુશ્મનો સામે બંદુક લઇ અને પછી દેશના અંદરના ભ્રષ્ટાચારી દુશ્મનો સામે ગાંધી ચિંધ્યા માર્ગે.લગ્ન કરી કુટુંબ વસાવી રોટી કમાવાની ચિંતામાં આ દુશ્મનો સામે લડવામાં ઉણાં ઊતરવાનું પાલવે નહિ તો લગ્ન જ ના કર્યા.૧૫ વર્ષ સૈન્યમાં રહ્યા.સિક્કિમ.ભૂતાન,જમ્મુ કાશ્મીર,મિઝોરમ,લેહ અને લડાખ પડકારજનક હવામાનમાં ફરજ નિભાવતા રહ્યા.
  માનવજીવનને નડતા પાયાના પ્રશ્નોને લઈને એક સમય એવો આવ્યો કે કોઈ ઉપાય જડતો નહોતો તો આત્મહત્યા કરી નાખવી તે હદ સુધી પહોચી ગયા અને બે પાનાનો નિબંધ પણ લખી નાખ્યો કે હવે મારે જીવવું નથી.ભારતના સદનસીબે દિલ્હીના રેલ્વે સ્ટેશને ઉભા હતા અને સ્વામી વિવેકાનંદનો ફોટો ધરાવતું  પુસ્તક જોયું.સ્વામીજીનો ભવ્ય ફોટો પ્રેરણા  બન્યો,પુસ્તક ખરીદ્યું વાંચ્યું અને આજે આપણને એક સારો દેશ સેવક આજે ઉપલબ્ધ થયો છે.
૧૯૬૫મા ભારત પાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હઝારે ખેમકરણ બોર્ડર ઉપર લડતા હતા.એક ગોળી આવી માથા ઉપરથી ચાલી ગઈ.હઝારેને થયું કે જીવ બચી ગયો! કે કોઈ હેતુ જરૂર હોવો જોઈએ જીવન બચવાનો.ત્યારથી પ્રતિજ્ઞા લઇ લીધીકે હવેનું જીવન માનવસેવામાં વીતાવીશ.સ્વામી વિવેકાનંદના વિચારો અને શિક્ષણ વડે પ્રભાવિત હઝારેએ વિચાર્યું કે કુટુંબ વસાવી સમય બરબાદ કરવો નથી.આજીવન કુંવારા રહ્યા.તે સમયે સૈન્યમાં જોડાયે ફક્ત ત્રણ વર્ષ થયા હતા.બીજા ૧૨ વર્ષ સૈન્યમાં રહ્યા,પેન્શનના હકદાર બન્યા જેથી કોઈના આધારિત રહેવું ના પડે,સ્વૈચ્છિક રીટાયર થઈને પોતાના વતન રાલેગાંવ સિદ્ધિ (અહમદનગર જિલ્લે)   આવી માનવસેવામાં લાગી માનવધર્મ અપનાવી લીધો.
રાલેગાંવમાં ઉનાળામાં પીવાના પાણીની ખુબ તકલીફ હતી.પુના નજીક સાસ્વાદમાં વિલાસરાવ સાલુંકે વોટર મેનેજમેન્ટ નામના પ્રોજેક્ટ થકી પાણીનું ટીપે ટીપું બચાવી પાણીનો પ્રશ્ન હલ કરતા હતા.આ પ્રોજેક્ટ હઝારે એમના ગામમાં લઇ આવ્યા.એના વડે ૩૦૦ ને બદલે ૧૫૦૦ એકર જમીનને ખેતી લાયક પાણી મળ્યું,પાણીનું તળ ઊંચું આવ્યું અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો.ગામડાના લોકોને એકતાના પાઠ ભણાવ્યા.લોકો જાતે મજુરી કરી,સ્કુલ અને હોસ્ટેલ બાંધે.સમૂહ લગ્નો,અનાજ બેંક,ડેરી અને સહકારી સોસાયટી વગેરે અનેક સંગઠનો રચ્યા.કોન્ક્રીટના જંગલોને બદલે એક આદર્શ માનવી પેદા કરવો તે એમનો મૂળ મંત્ર છે.ગાંધીજી પણ આવું જ કહેતા હતા.આજે રાલેગાંવ સિદ્ધિ એક આદર્શ ગામ બન્યું છે,જ્યાં પ્રવાસીઓ એને જોવા આવે છે,વિદ્યાર્થીઓ એમની પીએચડી ડીગ્રી આ ગામ ઉપર લખે છે.
 ૧૯૯૧મા અણ્ણાએ ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન શરુ કર્યું.૪૨ જંગલ ખાતા અધિકારીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરી રજુ કર્યા.પણ એક પ્રધાન ખુદ એમાં સંડોવાયેલા હતા.સરકરે કોઈ પગલા લીધા નહિ.નિરાશ અણ્ણાએ પદ્મશ્રી એવોર્ડ અને રાજીવ ગાંધીએ આપેલો વૃક્ષ મિત્ર એવોર્ડ પાછો આપી દીધો.અણ્ણા ઉપવાસ ઉપર ઊતરી ગયા.સરકાર જાગી ૬ પ્રધાનોના રાજીનામાં લઇ લીધા,જુદી જુદી સરકારી ઓફિસોમાંથી ૪૦૦ અધિકારીઓ ઘર ભેગા કરી દીધા.આ સફળતા પુરતી નહોતી અણ્ણાએ Right to Information Act.માટે કેમ્પેન ઐતિહાસિક આઝાદ મેદાનથી ૧૯૯૭મા શરુ કર્યું.ફરી અણ્ણા ઉપવાસ ઉપર  ઉતર્યા જુલાઈ ૨૦૦૩મા.૧૨ દિવસના ઉપવાસના અંતે ભારતના રાષ્ટ્રપતિએ Right to Information Act.ડ્રાફ્ટ ઉપર સહી કરીને સ્ટેટ ગવર્નમેન્ટને ૨૦૦૨ થી અમલ કરવા આદેશ આપ્યો.આ ડ્રાફ્ટ   National  Right to Information Act-2005 માટે મૂળ દસ્તાવેજ બન્યો.૨૦૦૫થી આ કાયદો અમલમાં આવ્યો.આ કાયદા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અણ્ણા રોજ બે થી ત્રણ સભાઓ સંબોધતા,એક લાખ વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા અને મફતના ભાવે માહિતી પુસ્તકો વેચ્યા.
અણ્ણાને  પદ્મશ્રી,પદ્મભૂષણ, Care International of the USA,Transparency International, Seoul (South Korea) જેવા એવોર્ડ અને ૨૫ લાખ રૂપિયા મળ્યા.“મારું પોતાનું ઘર છે ગામમાં પણ હું ૩૫ વર્ષથી અંદર ગયો નથી.મેં કરોડોની યોજનાઓ પૂરી કરી છે પણ મારું કોઈ બેંક બેલેન્સ નથી.”આ છે અણ્ણા હઝારેના શબ્દો.અના હઝારેનું એક સ્વપ્ન છે “ભ્રષ્ટાચાર વિહોણો દેશ” શું શક્ય બનશે ખરું??
લોક્પાલબીલ પાસ કરે તો પ્રજાના સેવકો સ્વીસ બેન્કમાં પૈસા કઈ રીતે મુકે?પહેલા લાખોમાં કરપ્શન થતું હતું,પછી કરોડોમાં થવા લાગ્યું.ત્યાર પછી હજાર કરોડમાં અને હવે તો લાખ કરોડમાં થવા લાગ્યું છે.
સવારે ઉઠીને નાહી ધોઈ ભગવાન આગળ પ્રસાદ ધરાવી આપણે ભ્રષ્ટાચારની શરૂઆત કરીએ છીએ,એના પાઠ ભણીએ છીએ,બાળકોને જિન્સમાં વારસામાં આપીએ છીએ.”કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ”.
Advertisements