હસતું હસાવતું વ્યક્તિત્વ.

હસતું હસાવતું વ્યક્તિત્વ.

‘બાપુ ઘોડા પલાણો’

 ‘હા!બસ હમણાં આવ્યો સમજો,પણ ટટ્ટુ ઉપર’

પ્યારા મિત્ર યશવંતભાઈનાં બે દિવસથી ફોન આવતા હતા.પણ અહી આવીને બે ત્રણ લગ્ન સમારંભ અને બીજા સામાજિક કામોમાં એવું વ્યસ્ત થઇ જવાયું કે એમને ફોન કર્યા પછી જઈ શકાતું નહોતું.કાલે સવારે એમની હસતી હસાવતી તળપદી ભાષામાં કહ્યું કે બાપુ હવે તો ઘોડા પલાણો.હોન્ડાની કે બીજી કોઈ બાઈક ઉપર જાઉં તો ઘોડો કહેવાય,પણ નાનકડા સ્કૂટીને તો ટટ્ટુ જ કહેવાય ને?એક સ્વચ્છ,સુઘડ ઘરમાં એવા જ સંસ્કારી અને મુખ પર નિર્દોષ આડંબર વિનાનું હાસ્ય ફરકાવતા એક ભારતીય સ્પર્શનો અનુભવ કરાવતા પ્રેમાળ કુટુંબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

ખૂબ વાતો કરી.ખૂબ હસ્યા.શબ્દે શબ્દે હળવો કટાક્ષ પીરસવાની એમની આવડત અદ્ભુત છે.આ મોંઘવારીના જમાનામાં સસ્તો કટાક્ષ શ્રી યશવંતભાઈનો હોઈ શકે ખરો?માટે જ મેં એકવાર લખેલું કે ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે.પણ એમને તો એમના વખાણ કરીએ તો પણ રોકે.મને તો બસ એમને સંભાળવાની મજા આવી.કવિશ્રી રમેશ પારેખ સાથેની એમની મુલાકાતોની વાતો હોય કે કહેવાતા ચિંતક શ્રી ગુણવંત શાહ સાથે અછડતી મુલાકાતની વાતો હોય,એમનો હાસ્ય રસ બસ પીધા જ કરો.બડકમદાર શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબને પણ ખૂબ યાદ કર્યા.બક્ષી સાહેબ એક કહેવાતા ચિંતકની ચિંતન કણિકાઓ વિષે શું કહેતા તે યાદ કરીને પણ ખૂબ હસ્યા કે બધા સારા સારા શબ્દો જેવા કે સત્ય,અહિંસા,પ્રેમ જેવા અનેક શબ્દો જુદી જુદી ચિઠ્ઠીઓમાં લખી એક કટોરામાં હલાવીને ભેગી કરી નાખો,એમાંથી થોડી ઉપાડીલો અને ચિંતન કણિકા બનાવી નાખો.વાહ!બક્ષી સાહેબને કોઈ ના પહોચે.ગુજરાતી સાહિત્ય જગતમાં એમના જેવો કોઈ મર્દ પાક્યો નથી.

શ્રી યશવંતભાઈની વાર્તાઓ ચાંદનીમાં આવતી હતી.સરવાણીમાં આવતા ચર્ચાપત્રોની જૂની સ્મૃતિઓ જોઈ.પ્રો.જશવંત શેખડીવાળા કોઈ કૃતિની વિવેચના કરતા ત્યારે કહેતા કે તેઓ કૃતિને નજર સમક્ષ રાખે છે,કૃતિકારને નહિ.ઘણા સમર્થ સાહીત્યકારોની કૃતિ નબળી પણ હોઈ શકે અને નવોદિતની કૃતિ સબળ હોઈ શકે.જાણીતા અધ્યાત્મનાં આફરાને વરેલા શ્રી સુંદરમની નબળી કૃતિઓ પણ એમની ઝપટમાં બચી શકી નહોતી.શ્રી યશવંતભાઈની સબળ કૃતિઓ આપણે માંણી ચુક્યા છીએ.જયારે એનું પ્રમાણ પ્રો.જશવંત શેખડીવાળા આપે ત્યારે પછી શું પૂછવાનું હોય?

મને કવિતાઓ માણવાનું ગમે,પણ જ્યારે કલ્પનાઓના તરંગમાં ઉડતી કવિતાના બદલે ધરતી સાથે જોડાયેલી કવિતા મળી જાય તો માણવાનું ખૂબ ગમે.અને એવી કવિતા કરતો કવિ એટલે શ્રી યશવંતભાઈ.એક હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર અને કવિ ઘણી બધી ખૂબીઓ એકસાથે.ભવાઈ નાટકો એમની આગવી ખૂબી.

શ્રી જુગલભાઈ,શ્રી ધોળકિયા સાહેબ,શ્રી અશોકભાઈ અને બીજા બીજા મિત્રોને ખૂબ યાદ કર્યા.શ્રી હેમંતભાઈ પુણેકરને ખાસ યાદ કર્યા.રૂબરૂ મળનારા મિત્રોમાં હેમંતભાઈ પછી હું હતો.હેમંતભાઈ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારે,એમના ઉચ્ચારમાં ‘શ’ અને ‘સ’નો ભેદ પણ પરખાઈ જાય.અરે અનુસ્વાર પણ પરખાઈ જાય.કોઈ ગુજરાતી પણ આટલી ચોકસાઈ ના રાખે.એક મહારાષ્ટ્રીયન મિત્ર પાસે થી ગુજરાતી મિત્રોએ શીખવા જેવું છે.મેં અગાઉ પણ કોઈ પ્રતિભાવમાં લખેલું કે આપણો કોઈ મિત્ર મરાઠીમાં કશું લખે છે ખરો?હેમંતભાઈ ગુજરાતીમાં કવિતા કરે તે ગૌરવની વાત છે.અને જયારે એમની સ્વર શુદ્ધતાની વાતો શ્રી યશવંત ભાઈના મુખે સાંભળી ત્યારે??શ્રી હેમંતભાઈને એક સલામ!!

ઘેર મહેમાન મળવા આવી ચુકેલા હતા,ફોન પર ફોન આવતા હતા.પણ અમારી વાતો ખૂટતી નહોતી.ફરી મળવાનું વચન આપી મેળવી મારા યાંત્રિક ટટ્ટુ પર બેસી,ધૂળ ફાકતો,ગરમી વેઠતો,પ્રદુષણના ઘૂંટડા ગળતો ઘેર ભાગ્યો.છતાય કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો હું કહીશ કે મારું પ્રિય શહેર વડોદરા છે,દેશ મારો ગુજરાત,ભારત મારો આત્મા અને હું છું એક ગર્વિષ્ઠ ગુજરાતી.

17 thoughts on “હસતું હસાવતું વ્યક્તિત્વ.”

  1. ભૂપેન્દ્રસિંહજી, યશવંતભાઇનો પરિચય એમના લખાણ દ્વારા તો મળ્યો જ હતો, તેમાં આપે એમની રૂબરૂ મુલાકાત દ્વારા મેળવેલ એમના વ્યક્તિત્વનો સરસ પરિચય કરાવ્યો. યશવંતભાઇ એક માર્ગદર્શક અને પ્રેરણા આપનાર અને હંમેશા સ્ત્રી સ્ન્માન જાળવનારા વ્યક્તિ છે.

    Like

    1. શ્રી યશવંતભાઈ સ્ત્રીઓનું સન્માન કરે છે.કોઈ બાબતે અસહમતી હોય તો તે પણ જણાવવા આવે નહિ,ક્યારેય વિવાદમાં પડે નહિ.એવા સરળ વ્યક્તિત્વને ઘોંચ પરોણા કરી હેરાન કરવામાં આવ્યું.

      Like

      1. કોઈ કોઈને હેરાન નથી કરતું બાપુ. દરેક માધ્યમની સારી નરસી બાજુઓ હોય છે.
        પાંચશેરી માર્કેટમાં આપણે વહેલા ઊઠીને આપણી ગરજે જતાં હોઈએ છીએ! શાક તાજું મળે અને [કદાચ] સસ્તું પણ મળે! તો એના માટે ભીડ સહન કરવી પડે. ઘોકા પણ ખાવા પડે. શીંગોડાંના બદલે શિગડાંય ખાવાં પડે.
        એક આંટો પાંચશેરી માર્કેટમાં મારવા જેવો છે. ખાલી જોવા જઈએ. શાક લેવાનું નહીં! કારણ કે, કોઈ ભડવીર ગમે તેટલું સારું ને સસ્તું શાક લઈને આવે છતાં ઘેર આવે ત્યારે પ્રતિભાવ એની રાહ જોતો હોય કે: “તમને શાક લેતાં ન આવડે! ”
        જો કે, તમે નહીં આવી શકો. આવશો તો શાકના બદલે પ્રદૂષણનો લેખ લખી નાંખશો.
        નોઈઝ પોલ્યુશનના કારણે અહીં ઘણાંનાં બીપી વધી જાય છે. તો વળી કેટલાક વિદેશી કલાકારો ભારતનાં નોઈઝ પોલ્યુશનને માણવા માટે ખાસ ભારતમાં પધારે છે. [પોલ્યુશનની નિકાસ કરવા જેવી ખરી!]
        જિંદગી એ ગોકીરામાંથી ગીત શોધવાની રમત છે ભાઈ.

        Like

        1. પહેલા અહી હતો ત્યારે બધી જાતના પ્રદુષણ વેઠતો હતો,પણ છ વર્ષ અમેરિકામાં અતિ શુદ્ધ વાતાવરણમાં રહ્યા પછી વેઠવા અઘરાં લાગે છે.શરીર અને મન એટલું કમજોર થઇ જાય છે.હું પણ પાંચશેરી માર્કેટમાં પહેલા જતો કોઈ વાર,પણ ત્યાં મને તત્કાલીન એલર્જીક શરદી અને ખાંસી થઇ જતી.એટલે પછી ઓછું જતો.આમેય આપની વાત સાચી છે,બહાર ગમે તેટલા જ્ઞાની હોઈએ,ઘરનાં બૈરાં તો ડફોળ જ સમજે.

          Like

          1. આ એલર્જિક શરદી-ખાંસીથી તો અહીંના યુવાનો પણ મુક્ત નથી રહ્યા. માટે તમે તમારી જાતને કમજોર ન સમજતા. હજી ઘણું રહેવાનું છે ને?
            પાંચશેરી માર્કેટમાં તો અમે પણ એકાદ બે વખત જ ગયા છીએ. સહુથી મોટો વાંધો એ પડે કે વહેલી સવારે જવું પડે! શાક ખાવું બપોરે અને એની ચિંતામાં સવાર શા માટે બગાડવી? 🙂

            Like

  2. બાપુ નવરાશે એકાદ આંટો અમદાવાદ માં પણ મારી જજો. હવે તો અમારું અમદાવાદ ઘણું સુધરી ગયું છે. ઘણું બધું પ્રદુષણ ઓછું થઇ ગયું છે. અને આવો તો મળવાનું ના ભૂલતા.

    Like

    1. સાચી વાત છે,અમદાવાદ ખુબ સરસ થઇ ગયું છે,ક્યારનો એક આંટો મારી લીધો.બરોડા કરતા ઓછું પ્રદુષણ દેખાય છે ત્યાં.મારા ભત્રીજા મણીનગર,રામબાગ,જીવકોરબા હાઈસ્કુલના પ્રિન્સીપાલ છે.તેમની સાથે ફરેલો બાઈક ઉપર.સાચે જ અમદાવાદની રોનક બદલાઈ ગઈ છે.હવે ફરી આવીશ તો ચોક્કસ માલીશ.

      Like

  3. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    આપે યશવંતભાઇને મળીને જે તેમનું રેખાચિત્ર દોર્યું તે વાંચીને તો ભાઇ અમને પણ (ઘોડો ટટ્ટુ ન મળે તો !) દોડીને એમને મળવા જવાનું મન થઇ આવ્યું. જો કે યશવંતભાઇની બહુમુખી પ્રતિભાથી આપણે, બ્લોગ જગત મારફત, પરીચીત તો છીએ જ, આપે આજે વધુ પરીચય કરાવ્યો. આપે અને યશવંતભાઇએ અમ મિત્રોને પણ યાદ કર્યા એ જાણીને ગર્વની લાગણી અનુભવી.

    યશવંતભાઇ કેમ હમણાં આપણાથી રીસાયા છે તે તો પુછવું હતું ! આપની વતનયાત્રા દરમિયાન હજુ આગળ ઉપર પણ અમને આવા સુંદર, ભાવવાહી લેખ વાંચવા મળશે તેવી આશાસહ આભાર.

    Like

    1. રિસાયા નથી અશોકભાઈ, એક વાર્તા ટાઈપ કરી રહ્યા છીએ સામાજિક ભાગમભાગીમાં એ પૂરી થતી નથી.
      વાર્તા મૂકવી એ બિરબલની ખીચડી જેવી વાત છે. .

      Like

      1. હાશ થઇ, યશવંતભાઇ.
        હા, સામાજિક જવાદદારીઓને અગ્રતાક્રમે રાખવી જ જોઇએ. અમને તો ડર એમ લાગે કે એક તો કોઇ ગરીબની જાનમાં જાનૈયા જેટલા અમારા મિત્રો છે અને તેમાં વળી કોઇ રિસાય તે તો પોસાય જ કેમ ! આપનો પ્રેમભાવ અને માર્ગદર્શન અમને મળતું જ રહે તેટલી અભ્યર્થના સહઃ આભાર.

        Like

  4. ભુપેન્દ્રસિંહજી,

    યશવંતકાકા સાથેની ચર્ચામાં મારો (આટલો સરસ ;-)) ઉલ્લેખ આપે અહીં મૂક્યો એ બદલ ધન્યવાદ! પ્રશંસા તો ભગવાનનેય ગમે છે હું તો માણસ છું. I am really flattered and humbled also!

    આપે લખેલી એ વાત સાથે પૂર્ણતઃ સહમત છું કે યશવંતકાકા એટલે ગુજરાતી સાહિત્ય જગતે ગુમાવી દીધેલા એક મોટા ગજાના હાસ્ય લેખક.

    યશવંતકાકા એ રેડિયો નાટકોની વાત કરી કે નહીં? એની વિગતો પણ બહુ રસપ્રદ છે.

    યશવંતકાકા સરસ હાસ્ય લખે છે, કવિતા-ગઝલ લખે છે, અઠંગ બ્લૉગર છે (આજકાલ પાછા શાંત કેમ છે એ પૂછવું પડશે), વિશાળ વાચકવર્ગ ધરાવે છે, ખૂબ પ્રયોગશીલ છે ,બ્લૉગજગતમાં બ્લૉગજગત વિશે એમનાથી વધારે ભાગ્યે જ કોઈએ લખ્યું હશે – આ બધી વાતોથી ય વધુ મહત્વની વાત મારા માટે એ જ છે કે એક ઉમદા માનવી અને સહૃદય મિત્ર છે. બ્લૉગજગતમાંથી મને જે જીગરજાન કહી શકાય એવા મિત્રો મળ્યાં એમાંથી એક છે.

    Like

    1. હેમંતભાઈ,
      યશવંતભાઈ આપણી વાત સાથે ભલે સહમત ના હોય પણ ઘણા બધા વાચકો જાણે છે કે તેઓ ઉમદા હાસ્ય લેખક છે.મને પણ ઘણા બધા સહૃદયી મિત્રો બ્લોગ જગત દ્વારા મળ્યા છે.ખાસ તો યશવંતભાઈ નવોદિતોને ખુબ સપોર્ટ કરતા હોય છે.જેમ કે મને શરૂમાં અને આજ સુધી પ્રોત્સાહન આપનારા તેઓ પહેલા છે.મેં એક વાર્તા લખી અને એમના સૂચનો મળ્યા પછી બીજી વાર્તા વધુ સારી લખી શક્યો.ઓપીનીયનમાં છપાઈ પણ છે.આપણે બધા માનવો છીએ,પ્રસંશાથી ફૂલઈએ અને અપમાનથી ખોટું પણ લાગી જાય તે હકીકત છે.આભાર ભાઈ.

      Like

  5. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી

    બાપુ આપ આદરણીય યશવંતકાકાને રૂબરૂ મળ્યા. હવે ફરી મળો કે ફોન પર

    વાત થય તો મારા પ્રણામ અને વંદન કહેજો.એક સાદા સરળ અને અનેરું

    વ્યક્તિત્વ ધરાવતા કાકાના લેખ કાવ્યો દ્વારા હાસ્ય સાથે સમાજને એક નુતન

    કાર્યશક્તિ ધરાવવાની પ્રેરણા આપતા એક વડીલ નવોદિતોને ઉત્સાહજનક

    શક્તિ પીરસતા હતા.તેઓ એક માર્ગદર્શક અને અબાલ વૃદ્ધોના લાડીલા

    લેખક છે એમને આપ રૂબરૂ મળી ધન્ય થઈ ગયા

    એક વાર ફરી વિનંતી કે તેમને મારા વંદન અને પ્રણામ કહેશો.

    Like

    1. શ્રી ગોવિંદભાઈ,
      જય ભોલેનાથ.
      આપની લાગણી આનંદ આપનારી છે. અમારો મુખ્ય આશય એકબીજા પાસેથી શીખવાનો જ છે. અમને જે તકલીફો પડી હતી તેમાંથી ઘણીખરી આ ઇંટરનેટના જમાનામાં રહી નથી. આ તકનો દરેક જણ સકારાત્મક લાભ લઈ શકે છે. આપણામાં જે થોડીઘણી આવડત કે સમજ હોય તેનાથી બીજાને માર્ગદર્શન મળતું હોય તો તે સારી વાત છે.
      અમારું તો એક જ સૂત્ર છે: કોઈ કોઈનો ગુરુ કે ચેલો નહીં. દરેક એકબીજાની પાસેથી મિત્રભાવે શીખે તેમજ એકબીજાને શીખવાડે. .

      Like

  6. ભૂ.રા.
    આ તો માત્ર ચાપાણી છે… જમણવાર હજી બાકી છે મિત્ર.
    આવું બધું લખવું હતું તો પહેલાં કહેવું હતું!
    ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે. … આ લખાણ સાથે અમે સહમત નથી. કારણ કે- અમારામાં જ જરૂરી સક્રિયતાનો અભાવ હોય તો કોઈ શું કરે?
    ઘણા વરસોથી લખવાનું બંધ હતું. બ્લોગલેખનના લીધે જ ફરી લખવાનું શરૂ કર્યું છે. . વચકમિત્રોને મજા આવી એટલે લખવાનું બન્યું. બાકી, હાટડી તો ખોલીને બેઠા હોઈએ પણ જો ઘરાકી ન હોય તો સવાર સાંજ અગરબતી કરવામાંથી પણ આનંદ ઊડી જાય!

    Like

    1. આ વાક્ય તો મને પણ ખૂબ ગમેલું,આ વાક્ય નો એક મર્મ એવો પણ થાય કે જિંદગીમાં આપણો એપ્રોચ નેગેટીવને બદલે પોજીટીવ હોવો જોઈએ.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s