Daily Archives: ડિસેમ્બર 21, 2010

“બંધ બારણાની તિરાડ”

“બંધ બારણાની તિરાડ”
અમુલખભાઈનું કુટુંબ ઘણું  મોટું.ચાર ભાઈઓનું કુટુંબ પણ બધા એકજ મોટા ઘરમાં રહે.સંયુક્ત કુટુંબનો કદાચ છેલ્લો દાખલો બની રહેવાનો હશે.બાપ દાદાની   વિશાળ હવેલી હતી.દરેકના ઓરડા જુદા હતા.સૌથી મોટાભાઈ અમુલખભાઈ હતા.બાપ દાદા વખતની જામેલી પેઢી હતી.બે ભાઈઓ પેઢી સંભાળતાં.બે ભાઈઓ સારી નોકરી કરતા હતા.અમુલખભાઈ અને હિરાગૌરીનું એક માત્ર સંતાન હતો યતીન.બહુ લાડકોડમાં ઉછેરેલો.ઘણી બધી બાધા આખડીઓ રાખી ત્યારે મોટી ઉંમરે પ્રાપ્ત થયેલો.બીજા ભાઈઓના સંતાનો પરણાવી દીધેલા અને ઘણા પરણાવવાની ઉંમરે પહોચી ગયેલા,ત્યારે સૌથી મોટાભાઈનો આ લાડકવાયો હજુ હમણાં કૉલેજમાં દખલ થયેલો હતો.મનસુખભાઈ,બીજા નંબરના ભાઈ.એમને એક દીકરો હતો જતીન.એને
પણ માયા નામની સુંદર પત્ની હતી.એમની દીકરી હતી સરિતા તેને પણ પરણાવીને મનસુખભાઈ તો નવરાં થઈ ગયેલા.ત્રીજા ભાઈ ધનસુખભાઈ અને રમાગૌરીને બે દીકરીઓ હતી જે કૉલેજમાં ભણતી હતી.એક દીકરો મહેશ ભણીગણી ને  શહેરમાં નોકરી કરતો હતો.ચોથા ભાઈ લક્ષ્મીચંદ અને સવિતા ગૌરી નું એક સંતાન હતી મમતા.જે ભણી ને હવે એને કોઈ સારો વર મળી જાય તેની રાહ જોતી વ્રત જપ તપ કર્યા કરતી હતી.
યતીન નાનો એને જે વસ્તુ જોઈએ તે હાજર થઈ જતી.લાડકોડમાં જરા બગડી ગયેલો લાગે.સ્વભાવ તોછડો,કોઈનું પણ માન રાખે નહિ.અપમાન કરતા
વાર ના લાગે.નાનો અને વડીલભાઈનો એક માત્ર દીકરો કોઈ કશું કહે નહિ.

**મનસુખભાઈની તબિયત એક દિવસ જરા સારી નહિ હોય.પેઢી પરથી ભાઈની રજા લઈ વહેલા ઘેર આવી ગયા.એમના અલાયદાં ઓરડામાં એમના પત્ની સરલા સાથે વાતો કરતા કરતા આરામ કરી રહ્યા હતા.માથું ભારે લાગતું હતું.પત્નીને કહ્યું કે જરા બામ શોધી લાવો.માથે લગાવીએ તો જરા રાહત થાય.સરલાબેન ઊઠ્યા અને બારણે પહોચ્યા તો કોઈ દોડીને જતું હોય તેવો અણસાર આવ્યો.બારણું ખોલ્યું તો કોઈ હતું નહિ,થયું ભ્રમ હશે.રસોડામાં ગયા ને બામની શીશી ખોળી લાવ્યા.પલંગ પાસે આવી પતિદેવને કપાળે બામ ચોપડવા લાગ્યા.પાછો અણસાર આવ્યો કે બંધ બારણે કોઈ છે.આમેય સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય વધારે સચેત હોય છે.ધીરે રહીને બાજુ પર જઈને ઓચિંતું બારણું ખોલી નાખ્યું તો યતીન ઊભેલો.એમણે પૂછ્યું કે શું કરે છે,તો જવાબ મળ્યો કે કઈ નહિ,અને ભાગી ગયો.
**એકવાર અડધી  રાત્રે સરલાગૌરીને કંઈક લેવું હશે તો રસોડામાં જતા જોયું કે એમના દીકરા જતીન અને માયા સુતા હતા તે ઓરડાના બારણાની તિરાડમાંથી યતીન છાનોમાનો જોતો હતો.હવે સરલાગૌરીને ખ્યાલ આવી ગયો કે તે દિવસે યતીન એમના બારણે તિરાડમાંથી જોવાની ચેષ્ટા કરતો હશે.એમણે મનસુખ ભાઈને કાને વાત નાખી કે
યતીન ને ખરાબ ટેવ પડી લાગે છે.રાત્રે છાનોમાનો તિરાડમાંથી જોતો હોય છે.આને શું
કહેવાય તેતો સમજ ના પડી પણ ખરાબ કહેવાય તેટલું તો સમજાઈ જાય.ટેવ સારી ના
કહેવાય.રાત્રે યુવાન દીકરા વહુ પ્રેમાલાપ કરતા હોય તેમાં કશું ખરાબ ના હોય.એમની
અંગત ક્રિયા આવી રીતે ચોરી છૂપી થી જોવી સારું ના કહેવાય.પણ મોટાભાઈને કહેવું કઈ
રીતે?
**એકવાર રમાગૌરીએ સરલાગૌરીને કહ્યું કે મોટીબહેન કોઈને ના કહો તો એક
વાત કહું.સરલાગૌરી કહે બોલો નહિ કહું.રમાગૌરી કહે મોટી બહેન આ યતીન એકવાર મારી બેદીકરીઓના બંધ બારણે તિરાડમાંથી અંદર જોવાનો પ્રયત્ન રાત્રે કરતો હતો.એમની બે દીકરીઓ એક જ ઓરડામાં સૂતી હતી.સરલાગૌરી કહે મને પણ અનુભવ થયો છે,પણ આ વાત કોને કહેવી?બીજો દાખલો આપું તો આપણી દીકરી સરિતા અને જમાઈ જે ઓરડામાં સુતા હતા ત્યાં પણ આવી રીતે જોતો હતો.હાલ તો બંને ચુપ રહ્યા.પણ સમજ પડી ગઈ હતી કે આને કોઈ ખોટી ટેવ વળગી છે.
**મહેશ શહેરમાં રહેતો.એ જરા આ બધાં થી જુદો હતો.અહીં બધાં મોટા ભાઈના
ઉપકાર હેઠળ દબાયેલા કશું બોલતા નહિ.તેમ યતીનની ટેવ વધતી જતી હતી.પણ મહેશને સાચું બોલવા જોઈએ.એ માન બધાનું ખૂબ રાખતો પણ સાચું તો કહીજ દેતો.એક દિવસ પાપ છાપરે ચડીને પોકારી ઊઠ્યું. જુવાન જતીન અને માયાની કામક્રીડા જોવામાં બારણાની તિરાડમાંથી યતીન મગ્ન હતો અને મહેશને કોઈ કારણસર એના ઓરડામાંથી બહાર આવવું અને યતીન મહેશના હાથે પકડાઈ ગયો.યતીન ભાગી ગયો.મહેશ ગુસ્સા પર કાબુ કરી ચુપ રહ્યો.મહેશે વિચાર્યું કે આવું તો ચલાવી ના લેવાય.આ તો રોગ કહેવાય.મોટા બાપાને વાત કરવી પડશે.તે પહેલા માતાને પૂછી લઉં વિચારીને રાત્રે તો સૂઈ ગયો.સવારે તક મળતા એણે માતાને કાને આડકતરી રીતે વાત નાખી.માતાએ  પણ સાક્ષી પૂરી.સાચી વાત છે મારા હાથે પણ આવી રીતે પકડાઈ ગયો
છે.મહેશે માતાને જણાવ્યું કે આતો મનોરોગ કહેવાય.કોઈ સારા ડૉક્ટરને બતાવવું પડે.સલાહલેવી પડે.માતાએ પૂછ્યું,
‘એ ડૉક્ટર પાસે કઈ રીતે આવશે?એના પિતાને પણ જણાવવું પડે,એમના કાને આવી વાત કોણ નાખે?’
‘હું નાખીશ એમના કાને વાત,આવું ચલાવી કેમ લો છો?’
‘સારું,તું વાત કર જરૂર પડે અમે સાક્ષી પૂરીશું.બધાને અનુભવ થયો
છે.’
માતાની રજા મળતા મહેશ ઊપડ્યો પેઢી પર.મોટાબાપા જરા નવરાં પડ્યા ત્યાં
અગત્યની વાત કરવી છે જણાવી એક અલાયદાં રૂમમાં ભેગાં થયા.અમુલખભાઈએ શાંતિથી વાતો સાંભળી,ચિંતામાં પડી ગયા.એકવાર તો મન માનવા તૈયાર થયું નહિ,પણ બધા કઈ ખોટું ના કહે.થોડી ચર્ચા આગળ લંબાવતા કહ્યું,
‘મહેશ,તારી વાત માનું છું.પણ હમણાંનો તો એ આપણાં કૌટુંબિક ગુરુ સ્વામી આત્માનંદજીના આશ્રમે વધુ સમય ગળતો હોય છે.તો પછી આવું કેમ?’
‘મોટાબાપા,તમારી વાત સાચી પણ આતો મનોરોગ કહેવાય,આ કોઈ ગાંડપણ જેવી સીરીયસરોગ નથી,પણ એનું ઓબ્સેશન ના થઈ જાય તે જોવું રહ્યું.’
‘મહેશ,સાચું છે,પણ એના અભ્યાસ ખંડમાં તો મેં બ્રહચર્ય અને એવા ધાર્મિક પુસ્તકો મેં જોયેલા,જે સ્વામીજીએ લખેલા હતા.’
‘મોટા બાપા,સાધુઓ વિજ્ઞાન ભણેલા ખાસ હોય નહિ,એમના ખ્યાલો જુના
હોય,કદાચ એમાજ આ યતીન ભરમાઈ ગયો લાગે છે.આપ જરા યતીન સાથે વાત તો કરો?’
‘ભાઈ,પણ એ જરા તોછડો થઈ ગયો છે,એની માતાના અતિશય લાડકોડે બગડી મૂક્યો છે,હું વાત કરું પણ તું હાજર રહેજે.’
સાંજે જમ્યા પછી અમુલખભાઈ અને મહેશ યતીનના રૂમમાં ગયા.યતીન સમજી તો ગયો,પણ જાણે પૂર્વ તૈયારી કરીને બેઠો હોય તેમ લાગ્યું.અમૂલખ ભાઈએ શરુ કર્યું.
‘બેટા,આ મહેશ તારો મોટોભાઈ શું કહે છે,તું તિરાડમાંથી જુએ તે સારું ના કહેવાય.’
‘મને ખબર છે,અધર્મ ફેલાઈ ગયો છે,લોકો બંધ બારણે છાનગપતિયાં કરે છે,એ
સારું કહેવાય?’
‘અરે!બેટા આવું કેમ બોલે છે?આ તો બધા ઘરના લોકો છે.આ તું શું બોલે છે?સમજ પડતી નથી.’
‘પાપાચાર ઘરમાં ફેલાઈ ગયો છે,લોહીનો વેપાર ચાલી રહ્યો છે,હું સંસ્કૃતિમાં માનું છું.સ્વામીજીએ બધી વાતો કરી છે મને.આવું નહિ ચલાવી લઉં.’
*ધત તેરેકી!આતો બધો પ્રતાપ સ્વામીજીનો પણ લાગે છે.મહેશ પણ
મૂંઝાયો.એણે કહ્યું,
‘યતીન,ભાઈ મારા,જો!અહીં કોઈ પારકું નથી,અહીં કોઈ લોહીનો
વેપાર નથી,સૌ સૌની પત્નીઓ પાસે બેઠાં હોય છે.અને કોઈની અંગત વાતોમાં રસ લેવાનો હકતને કોણે આપ્યો?તને ભાન છે?લોહીનો વેપાર કોને કહેવાય?જરા શબ્દોના અર્થ તો જાણ.એમજ બોલ્યા કરે છે?કે કોઈની નકલ કરે છે?
‘હું ધર્મમાં રસ ધરાવું છું,હું કોઈ ખરાબ નથી.મેં કોઈને હાની પહોચાડી નથી.પણ લોકો છાનગપતિયાં કરે તે ના ચાલે.’
‘જો ભાઈ!તને કોઈ હક નથી કોઈની પણ અંગત લાઇફમાં દખલ કરવાનો,અને તું છાનામાનો તિરાડમાંથી જુએ તેતો ખાસ અસભ્યતાની નિશાની છે.’
યતીન કશું બોલ્યો નહિ,ચુપ રહ્યો.અમુલખભાઈએ પણ સમજાવ્યું કે લોહીનો વેપાર તો કોઈ પૈસા ખાતર દેહ વેચે તેને કહેવાય.અહીં તો બધા ઘરના છે.આવા શબ્દો એમજ ના વપરાય.આ ટેવ સારી ના કહેવાય.ટેવ પડી જશે તો કોઈના ઘેર ગયો હોઈશ તો પણ તું આવું અસભ્ય વર્તન કરી બેસવાનો,કોઈના હાથે પકડાઈ જઈશ તો મારી બદનામી થશે.

**મહેશે ઇશારો કરતા અમુલખભાઈ બહાર નીકળ્યા.મહેશે સૂચન કર્યું કે આપણે કોઈ ડૉક્ટરને પૂછી લઈએ.અમૂલખ ભાઈએ જણાવ્યું કે તું કોઈ સારા ડોક્ટરને જાણતો હોય તો બતાવ.પહેલા આપણે એકલાં મળી આવીએ.પછી શું કરવું તે વિચારીએ,પણ
બધું કોઈને કહીશ નહિ.આટલું કહેતા જરા ગળગળા થઈ ગયા.મહેશ બોલ્યો મોટાબાપા શું
બોલ્યા?યતીન મારો ભાઈ છે,અને ઘરની આબરૂ મારી પણ આબરૂ છે.
**બીજા દિવસે જાણીતા મનોવૈજ્ઞાનિક મૃગેશ શાહ સાહેબને મળવા બંને જણા કોઈને કહ્યા વગર ઊપડ્યા.અમૂલખ ભાઈ જાણીતા માણસ શાહ સાહેબે સારો આવકાર આપ્યો અને શું વાત છે એમ પૂછતાં બંને જણાએ વિગતે વાત કરી.શાહ સાહેબ બોલ્યા આતો વોયુરીઝમ કેસ છે.ચાલો સમજાવું.બારણાની તિરાડ કે કી હોલમાંથી કોઈની અંગત ક્રિયાઓ  જોવાની ટેવને વોયરીઝમ કહેવાય.એક જાતનો મનોરોગ કહેવાય.એમાં કોઈને ઈજા પહોચાડવાનો ઇરાદો ના હોય.પણ એનાથી એમની જાતીય વૃત્તિ સચેત થતી હોય છે.એટલે કે ઉત્તેજિત થઈ જવાય.કોઈ બાથરૂમમાં સ્નાન કરતું હોય,કપડા બદલતું,કામક્રીડામાં મગ્ન હોય ત્યારે વોયર લોકો આવું જોઇને ઉત્તેજના અનુભવતા હોય છે.
પણ આવું કેમ થાય?મહેશે સવાલ કર્યો.
‘જુઓ!છોકરો ૧૫ વર્ષનો થાય પછી એના શરીરમાં હોર્મોન્સ લેવલ વધે,એવામાં અકસ્માતે કોઈ વાર આવું દ્ગશ્ય નજરે ચડી ગયું હોય,એમાં રસ પડતા ફરી જોવાનું મન થાય.એમ ટેવ વધતી જાય.અથવા બચપણમાં કોઈએ એનો જાતીય રીતે દુર ઉપયોગ કરેલો હોય તો પણ આવી ટેવ આવતી હોઈ શકે.આનું કોઈ ખાસ કારણ  હોતું નથી.કોઈ વાર ભૂલમાં જોવાઈ જાય એનો વાંધો નહિ,પણ એનું ઓબ્સેશન ના થવું જોઈએ.અને આ ટેવ ખાસ પુરુષોમાં હોય છે.મહિલાઓ આવી ટેવ થી લગભગ દૂર રહેતી હોય છે.છતાં અતૃપ્ત જાતીય વૃત્તિ કશું પણ કરવા જઈ શકે છે.આવા દ્ગશ્યો જોયા પછી કે જોતા જોતા જાતે સ્વપ્રયત્ને કૃત્રિમ રીતે જાતીય તૃપ્તિ મેળવી લેવાતી હોય છે.ઘણા રાજ્યોમાં અને દેશોમાં કાયદાકીય રીતે ગુનો ગણાય છે.’
આની કોઈ દવા કે ઉપાય શું?અમુલખભાઈએ સવાલ કર્યો.
‘જુઓ!આની કોઈ મેડીસીન હોતી નથી.ખાલી સમજાવટ અને સેક્સ વિષે સાચું
જ્ઞાન આપવું જરૂરી છે.બીજું ઘરમાં બધાને સૂચના આપો કે બારી બારણે પડદા લગાવો અને અંગત ક્રિયાઓ કરતા ધ્યાન રાખો બેપરવા રહેવું નહિ.જોવા નહિ મળે તો એની જાતે ટેવ છૂટી જાય.બીજું તમે કહેતા હતા કે એની રૂમમાં બ્રહચર્યનાં ફાયદા જેવા પુસ્તકો હતા.તો સ્વામી આત્માનંદ જોડે જવાનું બંધ કરાવો.ધર્મ જુદી વસ્તુ છે.બ્રહચર્યનાં કોઈ ફાયદા નથી,ઉલટાનો સ્ટ્રેસ વધી જશે તો વધુ નકામી હરકતો શીખશે.ભણી રહે એટલે સારી કન્યા જોઈ પરણાવી દો બધું મટી જશે.’
અમુલખભાઈ અને મહેશ ડૉ શાહ સાહેબનો આભાર
માની બહાર નીકળ્યા.મનમાં એક ચિંતા દુર થઈ કે કોઈ ગંભીર બીમારી નથી.પણ ગંભીર બની શકે છે જો “દબાણ પૂર્વક વિચાર પ્રક્રિયા” બની જાય તો.બંને ઘેર આવ્યા.જાણે કશું બન્યું ના હોય તેમ વહેવાર ચાલુ રાખ્યો.શાહ સાહેબની સૂચના મુજબ એમણે લખેલા કામ વિજ્ઞાન વિષયક પુસ્તકો યતીનની  રૂમમાં મહેશે એને બતાવીને મૂક્યા,અને કહ્યું કે વાંચી લેજે આ ડોકટરે લખેલા છે કોઈ સાધુએ નહિ.ઘરમાં બધાએ મહેશની સૂચનાનું કડક રીતે પાલન કરવા માંડ્યું.બારી બારણે પડદા નખાઈ ગયા.હવે બંધ બારણાની તિરાડમાંથી જોવાનો કોઈ ઉપાય હતો નહિ.
એકાદ મહિના પછી યતીન મહેશ પાસે આવ્યો.
‘મોટાભાઈ,મને માફ કરશો?હવે
હું કદી ગેરવર્તન નહિ કરું,હવે હું સાચું સમજી ચૂક્યો છું.તમે મને સાચો રસ્તો
બતાવ્યો.મને કોઈ હક નથી કોઈની પણ અંગત જિંદગીમાં રસ લેવાનો કે દખલ
કરવાનો.’
‘અરે!તું મારો ભાઈ છે,ચાલ ભૂલ્યા ત્યાંથી સવાર સમજી લે.’
બંને ભાઈ એકબીજાને ભેટી પડ્યા.

નોંધ:-મિત્રો પહેલી વાર ટૂંકી  વાર્તા લખવાનો પ્રયાસ
કર્યો છે.કોઈ ભૂલચૂક????

Advertisements