દીપોત્સવી શુભહાસ્ય કામના!!!!

સર્વે મિત્રોને  દીપાવલી પર્વ નિમિત્તે શુભકામના.
વડોદરાથી ભણીને માણસા ગયો ત્યારે મારી બોલચાલની ભાષામાં વડોદરાનો ટચ આવી ગયેલો. ઘણા મિત્રો અને સગાઓ તમે તો શે’ર ના આવું કહીને ટોણાં મારી લેતા. મને પણ સાવ છેવાડાની ગ્રામ્ય  ભાષાના શબ્દો ઘણીવાર સમજાતાં નહિ ત્યારે ઘણી રમૂજ પેદા થતી. મૂળે ગણોતધારામાં મોટાભાગની જમીન જતી રહેલી, થોડી બચાવી લેવા હું ગામમાં રોકાઈ ગયેલો. ખેતરમાં જતા શેઢા પર ચાલતાં ફાવતું નહિ.ઘણીવાર ગબડી ગયો હોઈશ. કોઈ જોતું નથી ને એવું ચેક કરી પાછો ઊભો થઈ જતો. પછી તો ટેવાઈ ગયેલો.

અમારા શેઢા પાડોશીના દીકરાનું નામ કનું હતું. બધા કનિયો કે કનું કહેતા. સ્વભાવનો બહુ સરસ માણસ. મજાકિયો પણ ઘણો. કામ ના હોય તો એના ટ્યૂબવેલ પર પાણી પીવા કે બેસવા જતો. એની સવારનું વર્ણન કરે તો કહે, ‘આજે તો હવારે ઊઠ્યો, બુરાશ કર્યો, ચા પીધો.”  આવી શરૂઆત કરે. ઉત્તર ગુજરાતના  ગામોમાં ચા પુંલ્લિંગ છે. મને સમજ ના પડે કે આ બુરાશ શું હશે. હું મનમાં ગૂંચવાયા કરું, પણ કોઈને પૂછીને મારી અજ્ઞાનતા બતાવું નહિ. એકવાર કંટાળીને મારા ભાગિયા કચરાને પૂછ્યું કે
‘આ કનું કહે છે બુરાશ કર્યો તે શું હશે?’
‘બાપુ, તમે શે’ર ના એટલે હમજ ના પડી, ઇ ના વાદે હું એ બુરાશ લાયોતો, પણ માળું હાળું દોંત મોથી લોઈ આયુ તે અવ નહિ વાપરતો.’
‘પણ, આ બુરાશ ની વાત કરને?’
‘બાપુ, બુરાશ એટ્લ પ્લાસ્ટિકનું દાતણ, ઇ ના ટોપચા પર પ્લાસ્ટિકના વાળ હોય દોંતે ઘહવાનું.’
ધત તેરેકી, આ તો ટુથ બ્રશ ની વાત કરતો હતો. હવે સમજ પડી કે કનું બ્રશ ને બુરાશ કહેતો હતો. બુરાશ પાછો પુંલ્લિંગ હો કે! ! કચરાભાઈ પણ કનુભાઈના વાદે ટુથ બ્રશ લાવેલા. વધારે પૂછતાં ખબર પડી કે બ્રશ પર ટુથ પેસ્ટ નહિ પણ મીઠું લગાવીને બ્રશ કરતા. જોર જોરથી ઘસતા દાંતમાંથી લોહી નીકળવા લાગતું એટલે પછી બંધ કરેલું.

હું પહેલા જ્યાં સ્ટોરમાં જોબ કરતો એ અશોકભાઈ શરૂમાં મને કહે બટાકાની ભાખરી લાવ્યો છું ખાજો. મને સમજ ના પડે કે આ બટાકાની ભાખરી કેમની બનાવતા હશે. બટાકા સુકવીને એનો લોટ બનાવીને ભાખરી બનાવતા હશે કે કેમ?  ચારેક કલાક રજિસ્ટર પર કામ કરતા કરતા  વિચાર્યા પછી અંદર ખાવા ગયો અને જોયું ત્યારે સમજ પડી કે આ તો આલુ પરોઠાં છે. મોટા ભાગે તો એ બહારનું ખાવાનુ જ ખાતા.બધું અમેરિકન ફૂડ જ હોય. એકવાર એમનું ખાવાનું લઈને સ્પેનીશ કર્મચારી આવ્યો, તો મને અશોકભાઈ કહે ભુન્ડીયું ખાવું છે? હું તો ચમકી ગયો. પછી કહે પોર્ક મંગાવ્યું છે. મેં કહ્યું ના ભાઈ મારે નથી ખાવું. જોયું? માણસા થી અમેરિકા પહોચી ગયો. મન એવું ચંચલ છે ગમે ત્યાં ઘડીકમાં પહોચી જાય.
અમારા ગામના ધમુભા બાપુ કાયમ ધર્મેન્દ્રનો વહેમ મારે. આમેય નામ ધર્મેન્દ્રસિંહ તો હતુજ. બધા ધમુભા કે ધમ્મ્ભા પણ કહેતા. બે હાથ ઊંચા કરી ગોટલા ફુલાવી ડાયલૉગ મારે, ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા.’ એકવાર હું નટવરભાઈની દુધની દુકાને ઊભેલો. નાનું ગામ હોય એટલે બધી દુકાનોવાળા મિત્ર જેવા હોય. અમે વાતો કરતા હતા, ત્યાં ધમુભા આવ્યા. નટુભાઈ કહે ધમુભા બાપુ આવ્યા ચોક્કસ પેલો ડાયલૉગ મારવાના. ખબર નહિ ધમુભા એકદમ કહે કુત્તે કમીને મૈ તેરા દૂધ પી જાઉંગા. બધા જોરથી હસી પડ્યા. તો કહે આ નટુભાઈ  તો આપણાં મિત્ર છે એમનું ખૂન થોડું પીવાય? એમની દુકાનમાં દૂધના તપેલા ભરેલા પડ્યા છે તે દુધ જ પિવાય ને? નટુભાઈ પણ ખુશ થઈ ગયા કે મિત્રોના ખૂન ના પિવાય. મજાકમાં બહુ મોટી વાત થઈ ગઈ. દૂધ સાથે માવાનો અને પેંડાનો  પણ વેપાર કરતા નટુભાઈ એ દિવસે અમને પેંડા ખવડાવ્યા. મિત્રો હવે દિવાળી આવે છે તો મીઠાઈ જ ખવાય ને?????

21 thoughts on “દીપોત્સવી શુભહાસ્ય કામના!!!!”

 1. આપને, આપના કુટુંબને તથા સૌ વાંચક મિત્રોને શુભ દિવાળી અને હાર્દિક નુતન વર્ષાભિનંદન.

  અમારી જુવાનીમાં ટૂથબ્રશ અને ટુથપેસ્ટ નવાનવા નીકળેલા. અમારી સર્વેયિંગની ટીમમાં એક મિત્ર બંને લાવેલા તેમનો ઉપયોગ બીજા એક મિત્રે વગર કીધે કરવા માંડેલો. ખબર કેમ પડે કે કોણ વાપરે છે? માલિક મિત્રે એક રાતે ટુથ પેસ્ટને બદલે શેવિંગ ક્રીમ મૂકી દીધું. બીજે દિ’ સવારે અંધારામાં પેસ્ટ ને બદલે ક્રીમ લગાડ્યું ને બુમ પડી ઉઠ્યા તે મિત્ર પકડાઈ ગયા.

  Like

 2. *****************
  ** શુભ દિપોત્સવ **
  *****************
  શ્રી ભુપેન્દ્રસિંહજી, મજા આવી. અમારે ગામડામાં પણ ’બુરાશ’ જ કહે છે !
  ’સવારે ઉઠીને “બુરાશ” (પોતાની જ સ્તો !) ઘસો’ એટલે દિવસ સારો જાય !
  “બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મીલીયા કોઇ |
  દેખા અપને આપમેં, મુજસે બુરા ન કોઇ….કબીરા…||
  દિપાવલીના તહેવારોની હાર્દિક શુભકામનાઓ.

  Like

  1. બુરાશ કર્યો???
   આપને પણ નવું વર્ષ શુભદાયી નીવડે તેવી અભ્યર્થના.સરળ—-થી ભગવાન આપને બચાવે!!!

   Like

 3. શ્રી ભુપેન્દ્રસિંહજી હંધાય ને [બધાને] દિવાળી ની ખુબ શુભકામના
  અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં , “બુરશ” ખૂબ સરસ

  Like

 4. હવે હું તો જ્યારે જ્યારે અલુપરાઠાની વાત થશે ત્યારે “બટાકાની ભાખરી” જ કહીશ. દિલથી દિપાવલીની શુભકામના

  Like

 5. એ બાપુ,
  નવા વરહના રામરામ.
  અમે ગામડે હતા ત્યારે વહેલી સવારથી નવા વરહના રામરામ કરવા નીકળી પડતા.
  અમરેલીમાં ઘરથી નગરના ટાવર સુધી પહોંચતા પહોંચતા તો બપોર થઈ જતી. અર્ધુ ગામ બાકી રાખવું પડતું. હાથ મિલાવી મિલાવીને બાવડા દુ:ખી જતા.
  ને હવે… ?
  અમારા મલકમાં પણ ચા પીવાતો. અમારા દાદીમા કહેતા કે: ચા ઉનો [ગરમ] અને સગો જૂનો.
  મળીએ નિરાંતે.

  Like

 6. વાહ ભુપેંદ્રસિંહજી આપનો લેખ એક “બુરાશ” અને “બટાકાની ભાખરી” ના વપરાશને પ્રખ્યાત કરી ગયો એ જ દર્શાવે છે કે આપની કલમ અને પકડ અતિ લોકપ્રિય છે અને એ લોકપ્રિયતા આકાશ સુધી ઉચે ચડે એવી પ્રાર્થના અને શુભેચ્છા આ દિપાવલીના સપરમા પર્વે….

  અને હા સર્વ બ્લોગ-મિત્રબંધુઓને પણ દિપાવલીની ઘણી ઘણી શુભેચ્છાઓ……

  Like

 7. jay mataji,happy new year.burash ma je maza chhe te brush ma chhe ke nahi? aa lekh vanchi mansa ni ghani yaad aavi gai,thanks brother,keep going,wish u all all all all all all all…………….the best for your writting.jay mataji

  Like

 8. અમારા ગામમાં દાડમની ચા મળતી હતી ! રજાના દિવસે બપોરના બજારમાં બેઠા હોઈએ ત્યારે કોઈ પરગામી મેહમાન મળી જાય તો તેને દાડમની ચા ઓફર કરીને ચા પિવડાતા,ચાનો ટેસ્ટ કરીને મેહમાન પૂછે કે ચામાં દાડમનો સ્વાદ કેમ નહતો ?
  તો તેમને ફોડ ફાડતા કે ચા બનાવનારીનું નામ દાડમ હતું ,ચાની લારી દાડમ નામની એક સ્ત્રીની છે!
  ચા સાથે ગમ્મત થતી !

  Like

 9. આ તમ્હ જેબ્બી ભોષો (ભાષા) હોમ્ભરી તેબ્બી અમ્હ પણ હોમ્ભરી સ … હોવ તાણ … અમ્મારી હોમે વિજાપુરીયા દેહાઈઓ રેબા આબ્યાં તોં … તાહરે આબ્બા ગોટોળોણ ખુબ થોતાં … શરૂઆત કરહ – “ચમ સ્યો લ્યા? ” …એમ્નીહ સોડી “સંગીતા” ન “હન્ગલી” કઈ ને બોલાવ …
  પેલ્લી વોર મન કે – “આબ્બુ સ” …
  મેં કહ્યું – ” આબુ નહિ અમદાવાદ સ …”
  … તો યેવી દાડમડી એમ્નીહ ફોટી … બધોય પીરો દોન્ત દેથાઈ જ્યોં …

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s