સાવજ ડણકયો!!!!

 (ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,,  — લેખ પર શ્રી અશોક મોઢવડીયાની  કૉમેન્ટ)
———————————————————————
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ માહિતી આપી.
BSF ની મહિલાપાંખ બાબતે ઘણા સમય પહેલાં અમુક પાકિસ્તાની અખબારોએ જાત
બતાવી હતી અને ત્યારે ઘણી સટાસટી બોલેલી પણ ખરી. ફેસબુક પર પણ બહુ ચર્ચાઓ
થયેલી. ખેર, એ તો દુશ્મન દેશ છે એટલે તે આવા કરતૂતો કર્યે રાખે તેમાં
નવાઈ નહીં. અહીં આપણા લશ્કરમાં (અને હવે ખાસ તો નૌસેના અને વાયુસેનામાં
પણ) સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળવાનું શરૂ થયું છે તે એક સારા સમાચાર છે.
મારી જાણકારી મુજબ હજુ BSFની મહિલા પાંખને બોર્ડર પર પ્રથમ હરોળમાં નહીં
પરંતુ દ્વિતીય હરોળમાં, જેમાં બોર્ડરના ગામોમાં સર્ચ કે રેસ્ક્યુ
ઓપરેશન્સ હોય કે બોર્ડર પર ખેતકાર્ય માટે આવાગમન કરતી ગ્રામ્ય મહિલાઓની
ચકાસણી જેવા નોન કોમ્બેટ કાર્યો કરવાનું સોંપ્યું છે. આગળ ઉપર વધુ તાલિમ
ઉપલબ્ધ થતી જશે તેમ કદાચ મહિલાઓ પ્રથમ હરોળમાં કોમ્બેટ ડ્યુટી પણ કરશે.
(ત્યારે તે ખરેખરી રણચંડી કહેવાશે) અમુક મહિલાઓ વાઘા બોર્ડર પર બિટિંગ
રીટ્રીટ સેરમનીમાં પણ ભાગ લે છે. આ રણચંડીઓને શતઃશતઃ સલામ.
થોડું તો શ્રી રશ્મિકાંતભાઇએ કહ્યું થોડું હું ઉમેરીશ. જો કે ગુજરાતીઓ
તેમના સંતાનોને માત્ર માંસ, દારૂ વગેરે ખાતા પીતા થશે તે બીકે લશ્કરમાં
જતા રોકતા હોય તે માનવામાં આવતું નથી, કોઇપણ નાના એવા કસબામાં એકાદ
વિસ્તાર એવો મળશે જ જ્યાં બે-ચાર આંટા મારવાથી પણ આ ’જોખમ’ તો વધી જાય !!
મૂળભૂત રીતે આપણા યુવાનોને જ પૈસામાં કે મોજશોખમાં જેટલો રસ પડે છે તેટલો
શૂરવિરતામાં નથી પડતો. (હા, ટોળું મોટું હોય તો હો..હો.. કરી અને બે-ચાર
પથ્થર ઉલાળી શૌર્ય બતાવી કાઢે ખરા !!) આગળ મેં કોઈક પ્રતિભાવમાં લખેલું
કે જ્યાં બે બદામના કમર હલાવવાવાળાઓ યુથ આઇકોન્સ હોય ત્યાં શૌર્યની આશા
રાખવી નકામી છે. આપણે એક ઊંદરને પણ લાકડી ફટકારી નથી શકતા, જ્યાં ડાહી
ડાહી વાતો કરનારાઓજ માત્ર, (હિન્દીમેં બોલે તો ચિકને !!) સજ્જન ગણાય અને
શૌર્યવાનોને કે ભડાકે વાત કરનારને વંઠેલ, ગમાર, મેનરલેસ કે ક્યાંક ક્યાંક
તો ગુંડા સમજવામાં આવે છે ત્યાં સૈન્યમાં ગુજરાત રેજીમેન્ટની આશા રાખવી
નકામી છે. જ્યાં મહિલાઓની લાચારીનો ગેરલાભ લેનાર સફેદપોશ સમાજમાં સજ્જન
અને પ્રતિષ્ઠિત ગણાય, સફળ ગણાય, અને સ્ત્રીઓના શિયળ બચાવવા કાજે રણમાં
ખપી જનારો મૂરખો ગણાય, જય રણછોડ કરનાર બુદ્ધિવાન ગણાય અને કેશરિયા
કરનારને મૂર્ખશિરોમણીઓના શરપાવ હવેના કહેવાતા ઈતિહાસકારો અને આપણા જેવા
ડાહ્યા ગણાતા લોકો આપે છે ત્યાં ગુજરાત બટાલિયનની આશા રાખવી વધુ પડતું
છે.
અન્ય એક વાત એ પણ છે કે ગુજરાત કે ગુજરાતી એટલે માત્ર વેપારીપ્રજા !! જે
તે સમયે સાહિત્ય કે કલાના વખતોવખતના ધૂરંધરોએ આવું ચિત્ર બનાવી કાઢ્યું
હશે, અને વિશ્વભરમાં આ છાપ રૂઢ થઈ ગઈ છે. ગુજરાતી પ્રજાના કેટલા ટકા
વેપારીઓ છે ? કદાચ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે ગુજરાતી એટલે બસ અમારા
જેવા ગભરુ અને બિકણ અને ડરપોક (ટુંકમાં શાંતપ્રજા !!) તેવું સ્થાપિત કરી
દીધું હશે. અરે ભાઇ એક જમાનામાં પોરબંદરને સૂપરકોપ જે.એફ.રીબેરોએ શિકાગો
નામ આપેલું !!! એ પોરબંદર પણ ગુજરાતમાં જ છે, ગુંડાઓનું ગામ ગણાય છે ! પણ
રાત્રે બે વાગે પણ સૂંડલો એક ઘરેણા પહેરીને બહેન દીકરી ત્યાં એકલી વયી
જાય તો તેના પેટનું પાણી પણ હલતું નથી. (અહીં ગુંડાગીરીના વખાણ નથી કરતો
પરંતુ શૌર્યવાન પ્રજાની એક અલગ તરેહની રહેણી કહેણી હોય છે જે આપણા અમુક
ચાગલા ચુગલા અને માત્ર વદવામાં શૂરા એવા સમાજના કહેવાતા દોરવણીકારોને
પસંદ ન હોય તેથી તેને હિંસક કે મધ્યયુગીન કે કજિયાખોર રહેણી કહેણી જેવાં
નામ આપી દેવાય છે)  દાળભાત ખાનારા કેટલા ટકા ગુજરાતીઓ છે ?? માત્ર બે-ચાર
શહેરો કે તેની કહેવાતી સંસ્કૃતિ એટલે ગુજરાત નહીં, ખાવાપીવાની વાતમાં
અમારે ગામડામાં કહે છે કે ’ખરીયા સોતો ખાઈ જાય તેવો જોધમલ જુવાન છે’
અર્થાત શિકારની પગની ખરીઓ પણ બટકાવી જાય તેવો જણ !! (આ જોધમલનો અર્થ જ
’યુદ્ધવિર’ થાય છે)
હું ન ભુલતો હોઉં તો જે તે સમયે ગુજરાતનાં રજવાડાઓની લશ્કરી ટુકડીઓનું
રજપુતાના રાઇફલ્સ અને રાજપુત રેજિમેન્ટમાં પરિવર્તન કરાયું હતું અને આજે
પણ ગુજરાતના જવાનોને રજપુતાના રાઇફલ્સ કે રાજપુત રેજિમેન્ટમાં નિમણૂક
અપાય છે. ગુજરાતમાં લડાયક ગણાતો બહુ મોટો વર્ગ છે, (સમાજિક રીતે કદાચ
ઊંચા નીચા ગણાતા ઘણાં સમાજો પણ લડાયકતાની બાબતે સમાન લાયકાત ધરાવતા
જણાશે) ભારતનાં લશ્કરમાં ગુજરાતની દરેક જાતિ,કોમના લોકો જોવા મળશે જ.
પરંતુ સમસ્યા ફરી એ જ, અમુક લોકોની શાંતિપ્રિય (કે સંપતિપ્રિય !) નપુંસક
મનોવૃતિની છે. બહુ લોહી ઊકળ્યું તેથી આટલો આક્રોશ વ્યક્ત કર્યો, કોઇ ખરા
શાંતિપ્રિય માણસ માઠું ન લગાડે તેવી વિનંતી શાથે છેલ્લે એક અફઘાન ઉક્તિ
ઉમેરું; કહે છે કે, અફઘાનો યુદ્ધના મેદાનમાં જ સાચી શાંતિ અનુભવી શકે છે.
અહીં અફઘાનોની જગ્યાએ ગુજરાતીઓ કલ્પી શકો તો ગુજરાત રેજિમેન્ટ માનો કે
તૈયાર જ પડી છે. આભાર.
(અહીં એક આડવાત કરી દઉં, આ લખનાર આપના મિત્રના કુટુંબના ત્રણ સભ્ય
ભૂમિદળમાં સેવા બજાવી ચુક્યા છે, અને આપનો મિત્ર કમભાગ્યે એકાદ
યોગ્યતામાં ખરો ન ઉતર્યો તેથી ભરતીદળના વડાની સુચના અનુસાર હોમગાર્ડમાં
દાખલ થઈ સેવા આપી ચુક્યો અને શાથે જરૂરી સૈન્ય તાલિમ પણ પામ્યો. આથી
આટલું ભાષણ લખવાને યોગ્ય ગણશો તેવી આશા છે)
(આ સંદર્ભે માત્ર જાણકારી ખાતર વાંચવા જેવા લેખ :
* http://armedforces.nic.in/airforce/afkargil/arguj.htm (કારગીલ
યુદ્ધમાં શહીદ ગુજરાતીઓ)
* http://en.wikipedia.org/wiki/Rajendrasinhji_Jadeja (ઇન્ડિયન આર્મીના
પ્રથમ વડા, ચીફ ઑફ આર્મીસ્ટાફ, ભારતીય સૈન્યનાં દ્વિતીય કમાન્ડર ઇન ચીફ,
જામનગરના રાજવી રાજેન્દ્રસિંહજી જાડેજા)
* http://www.chowk.com/articles/11105 (ગુજરાતીઓની લડાયકતા બાબતે કેટલીક વાયકાઓ)
નોંધ:-કોઈ તકનીકી કારણોસર શ્રી અશોકભાઈની કૉમેન્ટ બ્લોગ પર આવી શકી નથી.માટે પોસ્ટ રૂપે મૂકી છે.
==========================================

19 thoughts on “સાવજ ડણકયો!!!!”

  1. અશોકભાઇ જ્યારે પણ, અને જ્યાં પણ લખે છે, ત્યાં કઈંક નવું લઈને આવતા હોય છે. એમની તટસ્થ વિશ્લેષણ શક્તિ એમને બધા કરતાં અલગ કરી દે છે.

    ગુજરાત માંસાહારી છે કે શાકાહારી, એ વિશે હું લખવા માગતો હતો પણ અશોકભાઇએ આપેલી લિંક વાંચીને પુનરાવર્તન ટાળું છું. હું એટલું જ ઉમેરીશ કે કોઈ પણ લઘુમતી જેનો કબજો ભાષા, સાહિત્ય અને વિચાર પર હોય તે પોતાની દૃષ્ટિએ અર્થઘટન કરે અને પોતાને અનુકૂળ હોય એવું ચિત્ર રજૂ કરે છે. બીજો વર્ગ એ તરફ જોતો પણ હોતો નથી એટલે પ્રતિસિદ્ધાંત કદી પણ સામે આવતો નથી. આ સંજોગોમાં લઘુમતી સિદ્ધાંત એકમાત્ર સિદ્ધાંત બની રહે છે. લઘુમતીનું પોતાનો મત જીવનની મુખ્ય ધારા તરીકે પ્રસ્તુત કરવામાં સ્થાપિત હિત હોય છે. સર્વાઇવલ માટે એ જરૂરી લાગે છે.

    ગુજરાતની મુખ્ય ધારા આ કારણે શાકાહારની મનાય છે જે વ્યવહારમાં નથી. આ છાપ ભૂંસવી અઘરી છે કારણ કે મારી ‘ગુજરાતીતા’ માટે મારે આ વ્યાખ્યામાં ફિટ થવું પડશે. એટલે હું માંસ ખાતો હોઇશ તો એ બાબતમાં અપરાધભાવ હશે અને એ વાત હું પ્રગટ નહીં થવા દઉં. કોઈ નૉન-ગુજરાતી મને ચિકન ખાતો જોશે તો આશ્ચર્યથી કહેશે કે “તમે ગુજરાતી થઈને ચિકન ખાઓ છો?” હું પણ વિચિત્ર મનોદશામાં હોઇશ અને એનો જવાબ આપીશ કે “હા, હું ગુજરાતી છું પણ આ આબતમાં હું જુદો પડું છું” આમ હું પણ મારા જવાબથી એક અર્થહીન કિંવદન્તીને જ મજબૂત બનાવું છું! આને કારણે એક ખોટા સિદ્ધાંતને નવી તાકાત મળે છે.

    ખરેખર સમય એ આવ્યો છે કે આપણે કહીએ કે ગુજરાત પણ ખાવાપીવામાં દેશના બીજા ભાગો જેવું જ છે, એની કોઈ વિશેષતા નથી. બ્રાહ્મણ-વાણિયા માંસ નથી ખાતા, રાજપૂતો અને દલિતો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને મુસલમાનો ખાય છે અને માંસાહારીઓની બહુમતી છે.

    અહીં મેં પારસીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનોનો ઉલ્લેખ ખાસ કર્યો છે કારણ કે આપણે અહીં ‘ગુજરાતી’ તરીકે મૂલ્યાંકન કરીએ છીએ, ‘હિન્દુ’ તરીકે નહીં. આપણે એમને પણ ગુજરાતી માનીએ છીએ કે નહીં?

    સૈન્યમાં જોડાવાની બાબતમાં બે વાત ટુંકમાં રજૂ કરીને હું લંબાણ ટાળીશ. એક તો લડવું અથવા લડવાના સંજોગોથી દૂર હોવું એના માટે ભૌગોલિક કારણો જવાબદાર હોય છે. અફઘાનિસ્તાનનો સ્વાત પ્રદેશ અને પંજાબ આર્યો, હૂણ , શક, સિકંદર, બધા મુસલમાન આક્રમણખોરો માટે ભારતમાં પ્રવેશના દરવાજા જેવા રહ્યા છે.આથી, આ પ્રદેશોમાં લડાયક ગુણો વિકસવાનું સ્વાભાવિક છે. બીજી બાજુ, ગુજરાતને એક બાજુથી રણ અને બીજી બાજુથી સમુદ્રે સીધા વિદેશી આક્રમણથી બચાવી રાખ્યું છે. ગુજરાતમાં ભૂમિમાર્ગે જ આક્રમણ થયાં અને તે પણ સિંધથી – મહંમદ ગઝનવીના વખતમાં. એને પણ રણની કઠિનતાઓનો ભારે સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ગુજરાતમાં મુસ્લિમ શાસકો આવ્યા તે ભારતની મુખ્ય ભૂમિ પરથી.

    સમુદ્રને કારણે વ્યાપારનો વિકાસ થયો, સમૃદ્ધિ વધી. આના માટે શાંતિ જરૂરી છે. વ્યાપારમાં સોદાઓનાં વચન પાળવાં એ પણ સ્વહિતમાં જ છે. એટલે ગુજરાતમાં આવી પ્રામાણિકતા પણ પ્રચલિત થઈ, જે આજ સુધી ચાલુ રહી છે. આવા ગુણો કોઈ પણ કારણસર વિકસ્યા હોય, એને ‘ગુજરાતીઓ લડવા નથી જતા’ એટલા જ કારણસર ઊતરતા ન માનવા જોઇએ. જેમ માંસાહાર ન કારવો એ ગુજરાતની પૂરી ઓળખ નથી, એમ લશ્કરમાં જવું ન જવું એ પણ દેશભક્તિનો માપદંડ નથી.
    બીજી વાત. ગુજરાત રેજિમેન્ટની. ઇતિહાસ જોતાં જણાશે કે અંગ્રેજોએ લડી શકે એવા લોકોના કોમી અહંકારને પોષવા માટે જ અલગ રેજિમેન્ટો બનાવી. એમને ડર હતો કે બધા એક જ છત્ર નીચે હશે તો એમનામાં એકતાની ભાવના આવશે, ભારતીયતાની ભાવના આવશે, જે આગળ જતાં ખતરનાક સાબિત થશે. એટલે એમણે કોમોને અલગ રાખીને એમના ઇગોને સંતોષ્યો અને પોતાનું કામ કઢાવ્યું. હું જરૂરી નથી માનતો કે પ્રદેશ કે જાતિઓને નામે રેજિમેન્ટો બનાવવી જોઈએ.

    Like

    1. શ્રી ધોળકિયા સાહેબ,તથા શ્રી અશોકભાઈ
      સર્વાઈવ થવાના બે રસ્તા છે એક તો ઘેટાની જેમ પુષ્કળ વસ્તી વધારીને સર્વાઈવ થઇ શકાય.મારી મારી ને કેટલાને મારશે?એક અબજ છીએ.બીજું સિંહ ની જેમ મજબુત બનીને સર્વાઈવ થઇ શકાય.બીજું આર્મીમાં જવું હજુ પણ અમુક જ કોમોનું કામ છે.બીજાથી ના જવાય તેની વાત છે,દેશભક્તિના માપ દંડ ની વાત અહી હું નથી કરતો.રોજ કોઈ લડવા જતું નથી.આર્મી પણ રોજ લડવા નથી નીકળી પડતી.મૂળ વાત માનસિકતાની છે.હજુ પણ વર્ણ વ્યવસ્થાના ધોરણે આર્મી ઉભરાય છે.શીખ,રાજપૂત અને ગુરખા સિવાય બીજી કોમો આર્મી માં નહીવત હશે.
      અંગ્રેજોએ જાતી પ્રમાણે પ્રદેશ પ્રમાણે બટાલીયનોની સ્થાપના કરેલી.એમાં એમનો હેતુ આપણે જાણીએ છીએ.પણ હાલ આર્મીમાં એવું નથી.ખાલી નામ જ એવા છે.રાજપૂત બટાલિયનમાં શીખ અને ગુરખા પણ હોય છે.ગુરખા રેજીમેન્ટમાં એકલા ગુરખા હોતા નથી.આઝાદી પછી ખાલી જાતિઓના,અને પ્રદેશના સન્માન ખાતર નામ જ ફક્ત રાખ્યા છે.આઝાદ ભારત સરકારે કોમવાદ ના આધારે આર્મી રાખી જ નથી.રાજપુતાના રાયફલ્સ અને રાજપૂત રેજીમેન્ટ બધું ખાસ તો રાજપૂતો માટે અંગ્રેજોએ બનાવેલ.એમાં ગુજરાતના રાજપૂતો હતા.હવે રાજપુતાના રાઈફલ્સમાં શીખ,ગુરખા અને રાજપૂત બધાજ હોય છે.ગુજરાત બટાલિયન સ્થપાય તો ગુજરાતનું એમાં સન્માન હોય.એમાં કોઈ પ્રદેશવાદ ના હોય.ગુજરાત બટાલિયન માં ભારત સરકાર એકલા ગુજરાતી રાખે જ નહિ.પણ ધોળકિયા સાહેબ ચિંતા ના કરો.ગુજરાત બટાલિયન સ્થપાય તેવી આશા નથી.
      સરહદ વિસ્તારની કોમો લડાયક હોય તે સ્વાભાવિક છે.પણ મહારાષ્ટ્ર અને દક્ષીણ ભારતના રાજ્યો તો સરહદ થી ઘણા દુર છે.છતાં ત્યાના લોકો કેમ ડરપોક નથી ગણાતા?મુઘલોના શાશન દરમ્યાન આખાયે ભારતમાં સતત યુદ્ધો થયા જ કરતા હતા.ગુજરાત ઉપર માળવા(એમ.પી)ઉજ્જેન ના રાજાઓ કાયમ ચડી આવતા હતા.ખાલી સિદ્ધરાજ જયસિંહે એમને હરાવેલા.
      હજુ પણ કોઈ મેજર પટેલ સાહેબ કે કર્નલ શાહ સાહેબ કે કેપ્ટન પરીખ સાહેબ કેમ હોતા નથી?આમાં દેશભક્તિને વચમાં ના લાવશો.દેશ ભક્તિ તો સરકારી ઓફિસમાં પુરા સમય કામ કરી,ટેબલ નીચે થી પૈસા લીધા વગર જનતાનું કામ કરીને પણ કરી શકાય છે.

      Like

  2. પ્રિય ભૂપેન્દ્રસિંહભાઇ,
    આર્મીમાં દાખલ થવાની વાત ટૂંકમાં જ પતાવી હતી. ગુજરાત રેજિમેન્ટ બનશે નહીં એ મને પણ ખબર છે. ગમે તેટલું કરો બ્રિગેડિયર પરીખ નહીં જ મળે. કારણ કે લેફ્ટેનન્ટ ધોળકિયા પણ નથીહોતા! ભૂપેન્દ્રસિંહભાઇ, આટલા પરિચય પછી તમે, બાપુ, એટલી તો આશા રાખી શક્યા હોત કે આજે રેજિમેન્ટોનાં નામ માત્ર ભૂતકાળની જ વાત છે એટલું તો હું જાણતો જ હોઇશ. મારી વાત ગુજરાત રેજિમેન્ટના નામની નવી રેજિમેન્ટ વિશે હતી. અંગ્રેજોએ જે કર્યું તે કર્યું પણ હવે એનું પુનરાવર્તન ન થવું જોઇએ.પ્રદેશ કે જાતિના નામે રેજિમેન્ટો ન બનવી જોઇએ. આજે માત્ર ક્ષત્રિય કોમો જ આર્મીમાં કેમ છે? આપણી વર્ણ વ્યવસ્થા એના માટે જવાબદાર છે.આઝાદી પછી પણ સામાજિક દૃષ્ટિકોણ બદલાયો નથી. જાતિઓ રહી હોય તો એના ગુણ દોષો અને એના નામે બીજું બધું પણ રહેશે. મને યાદ છે કે અહીં જ આ પહેલાં એક પ્રતિભાવમાં મેં લખ્યું છે કે લડવાનું એક કોમ પર રહ્યું એમાં પછી બીજાના વેસ્ટૅડ ઇન્ટરેસ્ટ બન્યા. આ કહું છું ત્યારે ગુજરાતી લડાયક કોમોનું હીણું બોલવાનો હેતુ નથી. કારણ કે હું પણ સૌરાષ્ટ્રની રસધાર વાંચીને મોટો થયો છું. પણ દરેક વસ્તુનાં જુદાં જુદાં સમાજશાસ્ત્રીય પાસાં પણ છે જ. એમાં મારી શક્તિ-મતિ પ્રમાણે જે કઈં સમજાય છે તે લખું છું. સંપૂર્ણ સાચો હોવાનો દાવો નથી કરતો. બીજું, બ્લૉગ વસ્તુ જ ચર્ચામાટે છે એટલે તરત જે મગજમાં આવે છે તે લખું છું. અલગ લેખ તૈયાર નથી કરતો. અને બધું ચર્ચાથી જ ઠીક થાય તે વધારે જરૂરી છે.માફ કરશો, કઈં વધુપડતું લખાઈ ગયું હોય તો.- પરંતુ તમારા બ્લૉગને હું એક ઉચ્ચ કોટિનો બ્લૉગ માનું છું એ ખાતરી આપવાની આવશ્યકતા નથી જોતો.

    Like

    1. શ્રી ધોળકિયા સાહેબ,
      આપ જાણતા હશો તે વાતમાં શંકા નથી.પણ ઘણા બ્લોગર મિત્રો ના જાણતા હોય માટે ફક્ત માહિતી પુરતું જ લખ્યું છે.બીજું અશોકભાઈ લખતા હતા કે બીએસએફ માં મહિલાઓને બીજી હરોળની કામગીરી સોપાય છે.તે સાચું હશે એની મારી ના નથી.અશોકભાઈ પુરતું રીસર્ચ કરીને લખતા હોય છે,પણ મેં જે વિડીઓ કલીપીંગ્સ જોયેલા તેમાં ભારત પાક વચ્ચેની ભારેખમ કાંટાળી વાડની લગોલગ ભારતીય મહિલાઓ હાથમાં રાયફલ લઈને ચોકી કરતી ફરતી જોયેલી.આપણી વાત તદ્દન સાચી છે વર્ણ વ્યવસ્થા હજુ મનમાંથી બહાર નીકળી નથી.બીજું આપ વધારે પડતું(આપના હિસાબે,અમારા નહિ) લખો તેમાજ મજા છે.અશોકભાઈ અને આપ જેવા અન્ય મિત્રો ટૂંકું લખે તેમાં મજા મને તો નથી આવતી.મિત્ર રશ્મીકાંત દેસાઈ સાહેબ ને આર્મીમાં પ્રવેશ ના મળ્યો બાકી કર્નલ દેસાઈ સાહેબ જરૂર જોવા મળ્યા હોત.
      સૌરાષ્ટ્ર ની રસધાર મેં પણ ખુબ વાંચી છે,પણ એમાં બહારવટિયાઓ ના વખાણ મને વધુ પડતા લાગેલા.કેમ કે આ બહારવટિયાઓ ને જેતે રાજ સામે વાંધો હોય તે સમજી શકાય છે પણ એના ભોગે નિર્દોષ ખેડૂતોને મારી નાખતા ને લુંટી લેતા,વેપાર કરીને થોડા સંમૃદ્ધ થયેલા વણિકોને લુંટી લેતા.જાનો લુંટતા,નિર્દોષ પ્રજાને હેરાન કરતા તે માટે આપનું શું માનવું છે?પછી પસ્તાવો કરી હાથમાં માળા ફેરવી મહાન ભક્ત હોવાનો દાવો કરવો યોગ્ય છે?રાજ નું લશ્કર મોટું હોય ત્યાં પહોચી ના વળે,એટલે છાનામાના ગામો ભાંગતા.મને તો તમામ બહારવટિયા વીર પુરુષ કરતા ગુનેગાર વધારે લાગે.અને એમાં શ્રી છેલશંકર દવે (ડી એસ પી) વધારે બહાદુર લાગે.આપના મુલ્યવાન મંતવ્ય ની રાહ જોઉં છું.હું ખોટો પણ હોઈ શકું.

      Like

  3. ભૂપેન્દ્રસિંહજી આપનો ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા લેખ સરસ માહિતીપ્રદ. અને અશોકભાઇનો પ્રતિભાવ પણ ખૂબ જ સરસ. માત્ર દારૂ, અને માંસ વગેરેને કારણે જ ગુજરાતમાં માબાપ સંતાનોને લશ્કરમાં નથી મોકલતાં. તે કારણ જ નથી. મારા પતિ પણ નૌકાદળની પરિક્ષા આપી ચૂક્યા છે. અને મારા પુત્રની પણ એરફોર્સમાં જોડાવાની ખૂબજ ઇચ્છા હતી.અમારે તો એકમાત્ર જ પુત્ર છે છતાં અમે એને ક્યારેય ના નહોતી પાડી. એવી જ રીતે ઘણા ગુજરાતીઓ છે તેમને જોડાવાની ઇચ્છા હોય છે. પરંતુ જોઇએ તેવુ માર્ગદર્શન નથી મળતું. એવું મેં એક સેમિનારમાં જાણેલું એરફોર્સના વડા મિ. ત્યાગી દ્વારા. એટલે જ બાળકોને નાના હોય ત્યારે જ શારીરિક રીતે તૈયાર નથી કરાતા. તેને કારણે જ ફિઝિકલ ફિટનેસને પરિક્ષામાં ફેઇલ થતા હોય છે.

    Like

    1. મીતાજી,
      ફિટનેસ ની વાત તદ્દન સાચી છે.ગુજરાતી રોડ પર રહેલી હનુમાનજીની દેરીએ જઈ લાઈન માં ઉભો રહી તેલ ચડાવીને એનો વ્યય કરશે.પણ અખાડામાં જઈને હનુમાનજીને પગે લાગી કસરત નહિ કરે.તેલ શરીરે ચડાવવાને બદલે ભજીયા ભુંસા ખાઈ ને શરીરની અંદર તેલ પધરાવીને નકામો બનશે પણ માલીશ કરી સારું સૌષ્ઠવ પ્રાપ્ત નહિ કરે.વર્ષો પહેલા અમારા ગામના ઘણા બધા છોકરાઓએ પી.એસ.આઈ.ની લેખિત પરીક્ષા આપેલી.બધા માણસા કોલેજ નાં ગ્રાઉન્ડ માં જઈને ફીજીકલ ટેસ્ટ માટે તૈયારી કરતા.હવે જે લોકો ફીજીકલી ફીટ હતા તે લેખિતમાં નાપાસ થયા.અને જે લોકો લેખિતમાં પાસ થયેલા તે ફીજીકલી ટેસ્ટમાં ઉડી ગયા.હું પણ ત્યાં દોડવા જતો હતો.મારા માટે લેખિત અને ફીજીકલ બધું સહેલું હતું ત્યાં મેં પરીક્ષા જ આપી નહતી.ફોર્મ જ નહિ ભરેલું.એક છોકરા પાસે જોબ ના લીધે ફીજીકલી તૈયાર થવાનો સમય નહતો,પણ એ કોલેજમાં બાસ્કેટબોલ નો પ્લેયર હતો.આશરે ૫૦ માંથી એ એકજ છોકરો બંને માં પાસ થઇ ગયો.અને આજે તો પી.આઈ. તરીકે સુરત બાજુ છે.

      Like

  4. શ્રી ભુપેન્દ્રસિંહજી, શ્રી દિપકભાઇ.
    આપની વાતો વાંચતા થાક લાગતો જ નથી, (અન્ય ઘણા મિત્રો શાથે પણ એવું જ છે, ક્યારેક વિષય બાબતે અંગત વિચારભેદ હોવા છતાં એમ થાય કે આ મિત્ર હજુ કશુંક કહે તો ઘણું નવું અને ઉપયોગી જાણવા મળશે જ, જે મારી (સૌની) વિચારશક્તિમાં કશોક ઉપયોગી ઉમેરો જરૂર કરશે જ.) દિપકભાઇએ એક સુંદર વાત લખી દીધી કે “તરત જે મગજમાં આવે છે તે લખું છું’… ગાંધીજીએ પણ તેમના લખાણોમાં આવા ભાવનો ઉલ્લેખ કરેલો, કે ક્યારેક એક જ વિષય પર મારા વિચારો ભિન્ન દેખાય તો હંમેશા છેલ્લા વિચારને મારી હવેની માન્યતા ગણવી. સમય અને સંજોગો પ્રમાણે વિચારોમાં વિવિધતા પણ જણાતી હોય છે, આને જ તો ખુલ્લું મન કહેવાય. મને ક્યારેક મારો વિચાર, વર્તમાન પરીસ્થિતિને સાપેક્ષ અયોગ્ય જણાય તો તેમાં જરૂરી સુધારો પણ કરૂં, આજ તો સાચી વૈજ્ઞાનિક પધ્ધત્તિ ગણાય ને. (અહીં શૂરા બોલ્યા નવ ફરે ની હઠ મનને ખાબોચીયા સમાન બનાવી શકે છે !!) આવા ખુલ્લા મનના મિત્રો મળ્યાનો મને ગર્વ છે.

    બાપુની એ વાત બહુ યોગ્ય લાગી કે સેનામાં દાખલ થવું એ જ એકમાત્ર દેશભક્તિની ઓળખ નથી. દેશવાસી જ્યાં પણ અને જે પણ કાર્યમાં લાગેલ છે ત્યાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે, દેશને (હવે તો દેશ દેશના વાડાઓ પણ ક્યારેક અયોગ્ય લાગે છે, વિશ્વ બહુ નાનું થતું જાય છે અને લોકો એકબીજાની નિકટ આવતા જાય છે. જો કે તે બાબત ક્યાંક યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ચર્ચાયોગ્ય છે.) કે સમાજને વધુમાં વધુ ઉપયોગી થવાની ભાવના શાથે પોતાનું કર્તવ્ય બજાવે તે મહાન દેશભક્તિ જ છે. આ તો અહીં ચર્ચા સેનાને લગતી છે એટલે આપણે તેને ધ્યાને રાખી વિચાર પ્રદર્શિત કરીએ છીએ.

    ગુજરાત રેજીમેન્ટ બાબતે થોડી વધુ વાત કરૂં તો શ્રી નરેન્દ્રભાઇ, કેશુભાઇ અને અડવાણીજીએ ઘણા સમય પહેલાં, જ્યોર્જ ફર્નાન્ડીસ સંરક્ષણમંત્રી હતા ત્યારે આ બાબતે પ્રસ્તાવ મુકેલો. અને શ્રી દિપકભાઇએ કહ્યું અદ્દલ તેમ જ, થલસેનાધ્યક્ષ વી.પી.મલિકે પણ કહેલું કે સેનામાં આગળ પરંપરાગત પ્રાંત, ભાષા કે જાતિવાર બટાલિયનોની રચના થયેલી તેને હવે નામપુરતી ચાલુ રાખવી જરૂરી છે પરંતુ નવી બટાલિયનોની રચના આ પ્રમાણે કરવાની પ્રથા શરૂ કરવી એ હવે યોગ્ય નથી. અને મને લાગે છે કે સૌ મિત્રો આ વાત શાથે ઉપરોક્ત મહાનુભાવોની જેમ જ સહમત થશે જ. મારો આક્રોશ માત્ર ગુજરાતીઓને ડરપોક કે કાયર દર્શાવવા સામે છે. એ માટે મેં લેખની શાથે થોડી પૂરક માહિતીઓ આપતી લિંક્સ પણ મુકી છે. દિપકભાઇની વાત સાચી છે કે અહીં ગુજરાતી એટલે કોઇ ધર્મ કે જાતવિશેષ નહીં પરંતુ જેમાં હિન્દુ, મુસ્લિમ, પારસી વગેરે બધા જ ગણાવા જોઇએ. અને મેં એક દાખલો ઉપર આપ્યો તેમ ફિલ્ડમાર્શલ સામ માણેકશાનો પણ આપણે સગર્વ ઉલ્લેખ કરી શકીએ. અત્યારે ચલચિત્રો કે ટી.વી. ધારાવાહિકોને લો, ગુજરાતીનો કઇ રીતે ઉલ્લેખ થાય છે તે જરા ધ્યાનપૂર્વક જુઓ એટલે આપને મારા આક્રોશમાં જરાતરા સત્યાંશ દેખાશે તો ખરો જ. (અરે કોઇપણ ફિલ્મ કે ધારાવાહિકમાં પારસી પાત્ર કેવું બતાવશે તે જુઓ અને પછી જરા સામ માણેકશા કે જમશેદજી તાતા કે જે.આર.ડી. કે રતન તાતાને યાદ કરો !) ઠીક છે કે મજાક મસ્તી માટે કે મનોરંજન માટે કંઇ પણ કરવાને લોકો છૂટમાં છે, પરંતુ પછી જ્યારે એ એકમાત્ર ઓળખ રૂઢ થઇ જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે. અને ત્યારે કોઇએ સામેનો પક્ષ પણ રજુ કરવો જરૂરી બને છે. અને મેં આગળ મુળ કોમેન્ટ (હવે લેખ !)માં જણાવ્યું તેમ કહેવાનો અર્થ એવો નથી કે ફલાણી જાતિ વધુ શૂરવિર કે ફલાણી ઓછી, આ તો બહુરત્ના વસુંધરા છે અને શૌર્ય કંઇ કોઇની જાગીર નથી. પરંતુ બાપુએ જણાવ્યું તેમ અમુક લોકો પરંપરાગત રીતે જ આવા બાધણા વળગણાનાં કામોમાં ઓછા જોવા મળે અને અમુકને આવું જ વધુ ફાવે. એથી કંઇ એક વેપારી કે ઉદ્યોગપતિ કે જે દેશની આર્થિક પ્રગતીમાં ફાળો આપે છે (અને તે આર્થિક શક્તિથી સેનાઓ સબળ બને છે) તેઓની દેશભક્તિ ઓછી ન ગણાય. હા એટલું જરૂર કે જેમ કોઇ સૈનિક પોતાના અંગત આર્થિક લાભ માટે દુશ્મનને સહાયતા કરે તો બહુ મોટો દેશદ્રોહ ગણાય તે રીતે જ, માત્ર નાણાં કમાવા માટે કે અંગત સ્વાર્થ માટે દેશહિતને ગીરવે મુકતો કે વેંચતો અન્ય નાગરિક પણ દેશદ્રોહી ગણાય જ.
    શ્રી મીતાબહેને પણ બે તારણ વિચારયોગ્ય જણાવ્યા; ફિઝિકલ ફિટનેશ અને યોગ્ય માર્ગદર્શન. આ પણ કદાચ હજુ ખુટે છે.

    BSF વિરાંગનાઓને બાપુએ પહેરો દેતાં જોઇ તે વાસ્તવિક જ છે. પરંતુ થોડી મારી વાતની પણ ચોખવટ કરૂં તો ખુદ BSF દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલું છે કે મહિલાઓને કોમ્બેટ ડ્યુટીમાં મુકતા પહેલાં હજુ વધુ તાલિમ અપાશે. અત્યારે મહિલાઓ પહેરો ભરે છે તે કાંટાળી વાડ આપણી બોર્ડરમાં હોય છે, જો કે ત્યાં પણ પહેરો ભરવોએ જોખમ અને હિંમત માંગતું કામ જ છે, છતાં ત્યાં દુશ્મન સૈન્યનો આમનો સામનો થવાનું ભાગ્યે જ બને છે. કારણ કે તે વાડ પછી આગળ કેટલોયે વિસ્તાર નો મેન્સ લેન્ડ હોય છે. અને તે નો મેન્સ લેન્ડમાં પાછા ગશ્તિદળો (ચોકિયાત દળો) ગશ્ત લગાવતા હોય છે. ત્યાં ઘણી વખત સામસામેનાં સીમાદળો એકબીજાને આમને સામને આવવાનું બને પણ ખરૂં અને તે આમનોસામનો દર વખતે મિત્રતાપૂર્ણ ન પણ નિવડે ! આ થયું કોમ્બેટ ડ્યુટી. (જો કે ભૌગોલિક વૈવિધ્યને કારણે બધે જ આ રીતે નથી હોતું, ક્યાંક ક્યાંક વાડ બરોબરની સીમા પર પણ હોય શકે અને સીમાસુરક્ષા દળો સાવ સામસામે પહેરો દેતા હોય તેવું પણ બને છે) આ વિગતો માત્ર યોગ્ય પૂરક જાણકારી માટે જ રજુ કરી છે, આથી કંઇ આપણી વિરાંગનાઓની હિંમત કે લડાયકતા ઓછી નથી દર્શાવાતી. (સેનામાં આમે કોઇપણ કામ નાનું કે મોટું ગણાતું નથી, ત્યાં માત્રને માત્ર સોંપાયેલી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી એ એક માત્ર દેશપ્રેમની વ્યાખ્યા છે)

    અંતે બાપુની વાતમાં એક નમ્રપણે એક હકિકતદોષ જણાવું તો ’સૌરાષ્ટ્રનો સિંહ’ તરીકે પ્રસિદ્ધ એ જવાંમર્દ એટલે શ્રી છેલશંકર દવે (ત્યારનાં સોરઠના પોલિસવડા). (જો કે ભટ્ટ હોય કે દવે ! ગુજરાતનો એક વિરલો, જેણે રૈયતને રંજાડતા બહારવટિયાઓને કાં તો નેસ્તનાબુદ કરી દીધા અને ભુપત જેવા કેટલાયે તેની બીકે ભારત છોડી ભાગી ગયા તે વાત જ ગૌરવપ્રદ છે.)
    કશો હકિકત દોષ હોય તો ટકોરજો, આપ સૌનો આભાર.

    Like

    1. અશોકભાઈ,
      ઉંમર થઇ લાગે છે મારી હવે,દવે ની જગ્યાએ ભટ્ટ લખી દીધું.મેં સુધારી લીધું.આભાર.અને આ ભુપતે એક ગામના નવ(૯)પટેલો ને એકજ લાઈન માં ઉભા રાખી ગોળીએ દઈ દીધેલા.આમાં કોઈ બહાદુરી ના કહેવાય.પછી પાકિસ્તાન ભાગી ગયેલો,અને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બની ગયેલો.

      Like

  5. મારો અસલ પ્રતિભાવ આવો હતો:
    “આ ભયનું નિરાકરણ થાય તો કદાચ ગુજરાત રેજીમેન્ટ થઇ શકે.”
    આમાં ‘કદાચ’ અને ‘થઇ શકે’ શબ્દોને ભાર આપવાનું રહી ગયું તે સારું જ થયું કે તેથી આટલી સરસ રસપ્રદ ચર્ચા થઇ.
    શારીરિક રીતે શક્તિશાળી લોકો સેનામાં જોડાય જ એવું પણ નથી. પોતાના સ્વાર્થ માટે લડવામાં તો કોઈ પાછી પાની નથી કરતા. વળી સેનામાં જોડાનારા બધા જ કંઈ દેશભક્તિ થી ઉભરાતા નથી હોતા. હું જયારે મીલીટરી હોસ્પીટલમાં તપાસ માટે હતો ત્યારે મારી સાથે એક પંજાબી મિત્ર પણ હતા. તેમને લશ્કરમાં જવું નહોતું પણ મને કહે “ક્યા કરું? ઇસકે બીના તો મેરી શાદી ભી નહિ હો સકતી. ઇસ લિયે તો મૈંને ડાક્ટરકો રિશ્વત ભી દે રક્ખી હૈ.” મેં નહોતી આપી તેથી નાપાસ થયો.
    સરહદ પરની બધી પ્રજા બહાદુર જ હોય એવું પણ નથી. સિકંદર સિવાયના બીજા બધા આક્રમકોનો પ્રતિકાર ઠેઠ પાણીપત ના મેદાન સુધી તો નહોતો થયો.

    Like

  6. ભૂપેન્દ્રસિંહજી, ગુજરાત રેજિમેન્ટ કેમ નથી બની? તેને વિશે તો કંઇ કહેવું મુશ્કેલ છે. પણ મારી જાણમાં આવેલી લોકોની માનસિકતા વિશે કહું. લોકો માત્ર દેશભક્તિ માટે જ લશ્કરમાં જોડાવા માંગે છે તેવું નથી. માત્ર થોડા સમયની લશ્કરની નોકરી( મારા ખ્યાલ મુજબ ૩૫ વર્ષની ઉંમર સુધીની નોકરી કરીને) પછી પેન્શન અને બીજા ફાયદા મળે છે. ખાસ ખ્યાલ મને નથી પણ જ્યારે મારો દીકરો એને એરફોર્સમાં જવુ છે એવું કહે ત્યારે ઘણા લોકો આવી વાત કરતા તેના પરથી કહું છુ. અને લોકો પોલીસ કે લશ્કરમાં જોડાવા માટે આવા અમુક ફાયદાને જ ધ્યાનમાં રાખે છે અને બીજાને કહે છે પણ ખરા. અને બીજું બાળક જ્યારે નાનું હોય ત્યારે જ એની ફિઝિકલ ફિટનેસ માટે પૂરતું ધ્યાન નથી અપાતું. અને અચાનક જ્યારે પરિક્ષા આપવા સમયે પછી ટફ પડે છે.માત્ર લશ્કર માટે જ શારિરીક સૌષ્ઠવ જરૂરી છે તેવું નથી. એમ પણ ગુજરાતીઓ થોડેઘણે અંશે હજુ પણ શારિરીક સૌષ્ઠવને મહત્વ નથી આપતા. મારા દિકરાની સાથે એક જૈન કુટુંબનો દીકરો માર્શલ આર્ટની ટ્રેનિંગમા આવતો અને કેમ્પમાં ઘરથી દૂર મોકલવા વખતે અને ટ્રેનિંગના અંતે લેવાતી પરિક્ષા વખતે એના પિતાશ્રી કહે પૈસા ભરીને છોકરાને માર ખાવા આવા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવાની એમ કહીને એમના દીકરાની ઇચ્છા હોવા છતાં ક્લાસમાં મોકલવાનું બંધ કરી દીધું. બહુ ટફ હોય છે પરિક્ષા એકના એક બાળકને શરીર પર લીલાં ચકામાં પડી જાય એ જોઇને થોડીવાર દિલ હચમચી જાય. પરંતુ સેલ્ફ ડિફેન્સ માટે પણ ફિઝિકલ ફિટનેસ જરૂરી તો છે જ.

    અને દેશભક્તિ એટલે લશ્કરમા જ જોડાવું તેવું પણ નથી એ વાત પણ સાચી આનાસંદર્ભમાં એરફોર્સના વડા મિ. ત્યાગીએ હસતાં હસતાં ગુજરાતીઓ વિશે કહેલું કોઇપણ દેશને આર્થિક રીતે સદ્ધર હોવા સાથે સંરક્ષણમાં પણ સદ્ધર હોવું જોઇએ. એના માટે ગુજરાતીઓ બિઝ્નેસમાં કમાઇને દેશને આર્થિક સદ્ધર બનાવવામાં ફાળો આપી જ રહ્યા છે. અને સંરક્ષણમાં પણ આગળ વધે તો ગુજરાતને માટે ગર્વની વાત કહેવાશે.

    Like

  7. સરહદ પર અથવા દેશની અંદર સ્થાપિત રાજાઓ હાર્યા તે માટે બહાદુરી નહીં, આંતરિક ફાટફૂટ, પોતાને બીજા કરતાં મોટો માનવાની વૃત્તિ વધારે જવાબદાર છે. મારો મુદ્દો સ્પષ્ટ કરૂં તો -એમના માટે લડાઈ જૂના સંસ્કારોનો હિસ્સો છે. તમે પંજાબી મિત્રનું ઉદાહરણ આપ્યું તે બરાબર છે. (મેં મુખ્યત્વે માંસાહાર પર ચર્ચા કરી હતી, આર્મીમાં જોડાવા અંગે નહીં). સાચી વાત એ છે કે શીખ કોમ હવે મુખ્યત્વે વ્યાપારી કોમ બની ગઈ છે, લડાયક કોમનું બિરુદ ચાલુ રહ્યું છે. તેમ છતાં, સામસામા બે જણ વચ્ચેના કજિયામાં ગુજરાતી કરતાં પંજાબીની હાથોહાથની લડાઈની તૈયારી વધુ હશે. ગુજરાતી લડવા તૈયાર હશે તો એ રાજપૂત હોવાની શક્યતા વધુ હશે. હરિયાણાનો જાટ તો પંજાબીથી પણ આગળ હશે.
    હકીકત એ છે કે આજે આધુનિક લડાઇમાં વ્યક્તિગત બહાદુરીની કિંમત મરવાની તૈયારી પૂરતી રહી છે. એ પણ જ્યાં ફરજિયાત ભરતી થતી હોય તેવા દેશોમાં નહીં. અફઘાનિસ્તાનમાં મરનારા અમેરિકન કે બ્રિટિશ સૈનિકો કઈં માભોમની રક્ષા માટે મરતા નથી.અથવા તો એ બધા ‘રાજપૂત’ પ્રકારની કોઈ અમેરિકન કોમના પણ નથી.
    સૌરાષ્ટ્રની રસધારની વાત કરીએ તો એ અંગેર્જો સામે દેશ લદતો હતો ત્યારે રચાઈ છે. એનો હેતુ, પ્રજાને એનો ભૂતકાળ યાદ આપીને પાનો ચડાવવાનો હતો. એ ભૂમિકા આ શ્રેણીએ બહુ સારી રીતે ભજવી હતી. પરંતુ, વિશ્લેષણ કરીએ તો જોઈ શકશું કે સૌરાષ્ટ્રમાં જ કેટલાં બધાં નાનાં રાજ્યો હતાં અને એમની લડાઈ પણ કેવી? અશોકભાઈ વિગતે કહી શકશે, પણ મારો ખ્યાલ છે કે રાજકોટ અને જામનગર વચ્ચે ધ્રોળ આવે. રાજકોટ (કે જામનગર?) વચ્ચે વેર! એમાં કોઈ ધ્રોળ નામ ન બોલે!. પણ બધા અંગ્રેજ બહાદુરના તાબેદાર, ખંડણી આપતા.
    ફરી કહું તો જેમ શાકાહારી હોવુ એ ગુજરાતની ખાસિયત નથી, માત્ર પ્રચાર છે એ વાત સ્પષ્ટ કરવાની જરૂર છે તેમ,ગુજરાતમાં આર્મીમાં જવા લાયક લોકો છે જ નહીં એ પણ પ્રચાર છે. ભૌગોલિક કારણોસર લડાઈ ગુજરાત માટેસ્વાભાવિક નથી તેમ છતાં નાજુક વેપારીઓનો પ્રદેશ છે એ પણ પ્રચાર જ છે.મીતાબેનની વાત સાઃઈ છે કે માહિતીનો અભાવ છે. (પણ પંજાબમાં માહિતીનો અભાવ નથી, ત્યાં કલ્ચર બદલાયું છે).
    અંતમાં, ભૂપેન્દ્રસિંહભાઈ, તમને એક વાત માટે વઢવા માગું છું – તમે કહ્યું, તમારી ઉંમર થઈ! તમે મારા કરતાં એકાદ દાયકો નાના છો. એટલે ‘ઉંમર થઈ’ એ કહેવાનો મારો અધિકાર તમે ઝુંટવી નહીં શકો. આજથી પચાસ વર્ષ પછી પણ હું મારો એ અધિકાર જતો નહીં કરૂં. કાં તો મારો દાવો માની લો અને ‘ઉંમર નથી થઈ’ એમ કબૂલ કરો અથવા બાંયો ચડાવી લો! (ઉંમર મગજની હોય છે, શરીરની નહીં!)

    Like

    1. હાર માની લીધી.હારવામાં ઘણીવાર મજા છે.૧૯૧૨ માં ફ્રેંચ મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિન્યે જાહેર કર્યું કે માનવીની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.૨૫૦૦ વર્ષ પહેલા બુદ્ધે કહેલું કે જેને શ્રવણ કળા બરોબર આવડતી નથી,મતલબ ગુડ લીશનર હોતા નથી તેમનું શરીર આખલાની જેમ વધે છે,પણ પ્રજ્ઞા વધતી નથી.કોઈ કોઈ વાર શબ્દો યાદ આવતા નથી.મનમાં હોય પણ હોઠે આવે નહિ.છેલશંકર દવેના બદલે ભટ્ટ લખી નાખ્યું.પણ અશોકભાઈ છે એટલે વાંધો નથી આવતો.માહિતીદોષ પ્રત્યે ધ્યાન દોરી લે છે.એમનો પણ આભાર માનવો પડે.

      Like

  8. આટલી રસપ્રદ ચર્ચા એક જ જગ્યાએ અને એ પણ અભ્યાસી મિત્રો દ્વારા! એ પણ ખુલ્લા મનથી!
    વારંવાર વાંચવા ગમે એવા આ પ્રતિભાવો પણ સ્વતંત્ર લેખોથી કમ નથી.

    Like

  9. Gujarati Ahin nathi hotaa Gujarati Tahin nathi hota.
    Gujarati Armyman nathi hota, Gujarati Air Force man nathi hota.
    Gujarati ONGC maan nathi hota.
    But do you know? For a very long period and may be now also, even Class IV were being recruited from Dehradun.
    Railway Class IV Ad used to be published in Bihari Daily. And the Railway Stn of Gujarat will flood with Bhaiyajis
    Non-Gujarati would say how many IAS and IFS are Gujarati? Gujarati is very poor in English.
    Then how are there many Gujarati in US, Africa, UK, Canada, Australia etc…?
    It is all humbug.
    No body can have any monopoly. If it is there, it is due to strings.

    Like

    1. ગુજરાતી બધેજ હોય છે,આર્મીમાં પણ હોય છે.પણ જે જ્યાં હોય છે તે બધા જુજ આંગળીના વેઢે ગણાય તેટલા.હા ગુજરાતી બધેજ છે પણ મોટા ભાગે દુકાનમાં.એમાં ખોટું પણ શું છે?

      Like

Leave a comment