ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો

ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો
નવરાત્રી શરુ થઇ ગઈ અને પૂરી પણ થઈ જશે..ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા થતી હશે ગરબા નહિ. ગુજરાતણો જેવા ગરબા ગાતા કોઈને  ના આવડે. ગુજરાતણનાં લોહીમાં ગરબો સમાયેલો છે. નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. શક્તિ મેળવવાનો તહેવાર. બ્રેઈનના Amygdala નામનાં વિભાગમાં કુદરતી આફત સમયે ભય પેદા થાય છે. ભય વિષે અગાઉ લખી ચૂક્યો છું. કોઈ પણ આફત સમયે ભય પેદા થાય તે સ્વાભાવિક છે. ભય આવે એટલે ભાગીને કે લડીને બચી શકીએ છીએ. લડવા ભાગવા માટે શક્તિ જોઈએ. બચવા માટે શક્તિની જરૂર પડે છે. ભય સમયે એક બીજો વિચાર પણ આવે છે કે કોઈ બચાવે મદદ કરે તો સારું. એમાંથી Amygdala માં પેદા થઈ ભગવાનની કલ્પના. નવરાશના સમયે વિચાર આવ્યો હશે કે આ બધું કોણે બનાવ્યું હશે? ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવાની શક્તિ(ગર્ભ) છે. ગરબો ગર્ભનું પ્રતીક છે. ગરબાના ઘટની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે. ગર્ભની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે. આ ગર્ભમાં રહેલા જીવનને  સાચવે તેવું ગર્ભાશય મજબૂત તો હોવું જોઈએને? નહિતો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ?  નવ દિવસ પગના ઠેકે  ગરબા ગાવ અને ગર્ભાશયના સ્નાયુ મજબૂત બનાવો. નવજીવનની રક્ષા મજબૂત ગર્ભાશય જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા પગ પણ મજબૂત જોઈએ કે નહિ?  પ્રાચીન  ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી  છે. પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાનની જગ્યાએ પુરુષને બેસાડવાનું શરુ થયું. કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબીને ફીટ છે.

નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. કોઈ પણ તહેવારની ઉજવણી બીજાને પરેશાન કરે તે યોગ્ય નથી. એ હિસાબે દૂર પાર્ટી પ્લૉટ માં કે હોલમાં થતા ગરબા યોગ્ય છે. ચીલાચાલુ કંટાળાજનક ઘરેડમાં જીવતા લોકો માટે તો તહેવારો બનાવ્યા છે. તહેવારો ના હોય તો જીવન એક બોજ બની જાય. એમાં સ્ત્રીઓ માટે તો ખાસ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. નોકરી કરે છે, ભણે છે, બિઝનેસ કરે છે. પહેલા એવું ક્યાં હતું? પહેલા મેળા હતા. હવે મેળાનું ખાસ મહત્વ રહ્યું નથી. તરણેતર અને વૌઠાના મેળા હજુ પ્રખ્યાત છે. તહેવારો જીવનમાં ઉત્સાહ લાવે છે. એક નવું જોમ પેદા કરે છે. પણ નવ દિવસની મજા નવ મહિનાની અનિચ્છનીય સજા હવે બનવાની નથી. લોકો જાગૃત છે. ડોક્ટર્સને નવરાત્રી પછી જલસા થતા હોય છે પણ  કૉન્ડોમ વધારે વેચાય તેમાં શું વાંધો? જેટલા કૉન્ડોમ વધારે વેચાય તેટલા ડોક્ટર્સને જલસા ઓછા થાય, અને સાબિતી છે કે હવેની યુવાની વધારે સમજદાર છે. શારીરિક આવેગ કોઈ કરતા કોઈ રોકી શકતું નથી. પણ બધા એ આવેગને તાબે થઈ જાય તેવું પણ નથી. સમજદાર માતાપિતા એ બાબતે દીકરીઓને સમજ આપે, શિક્ષણ આપે. કારણ ભારતમાં દીકરાઓ કરતા દીકરીઓને વધારે શોષાવું પડે છે.

ફિલ્મી ગીતો સામે કોઈ વાંધો ના હોય પણ નવરાત્રિમાં ગરબા ગવાય તેજ યોગ્ય લાગે. ઢંગધડા વગર ફિલ્મી ગીતો ઉપર નાચવું હોય તો કોઈ ક્લબમાં જવું સારું. ગરબો તો વડોદરાનો એટલાં માટે કહેવાય છે કે ત્યાં શુદ્ધ સુગમ સંગીત  અને ઘણીવાર શાસ્ત્રીય રાગ આધારિત મનને મોહિત કરી દે તેવા ગરબા ગવાય છે. અતુલ પુરોહિત અને અચલ મહેતા ના કંઠે

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે” કે પછી

“મુને એકલી જાણી ને કાને છેડી છે!!! મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં!!”

જયારે સાંભળો ત્યારે કોઈ પણ મોહિત ના થઈ જાય તો સમજવું કે હવે કોઈ ચાન્સ નથી. રાજમહેલ કંપાઉંડ(નવલખી), યુનાઈટેડ વે, આર્કી, કારેલીબાગ, અમરનાથ પુરમ, મહેસાણા નગર,  વગેરે વગેરે વગેરેના ગરબા માણવાની મજા અનેરી જ છે.

‘છટકી રે તારા માખણની  મટકી,

એરે રિસાયો મારો સાહ્યબો,

હું તો હોળ રે વરહ ની હુન્દરી મને લટકો કરવાની ટેવ રે,

પેરી ના જાણ્યું ઓઢી ના જાણ્યું મીતે જાણ્યું કે જવાની અમ્મર  રહેશે.’
http://www.youtube.com/watch?v=Sz7GBsiwGsk અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે. બરોડીયન યુવાન યુવતીઓ જે દોઢિયું રમે છે તેતો મનને અદ્ભુત શાંતિ અર્પતું સમૂહ નૃત્ય હોય છે.

“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે”http://www.youtube.com/watch?v=eBoi42Pojl0

આ એક જ ગરબો ગઈને અતુલ પુરોહિત વડોદરાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.

“અંગ અંગ રંગ છે અનંગ નો” એક એકથી ચડિયાતાં શબ્દો આ ગરબામાં છે. વડોદરાના ગરબામાં એક નજાકત છે. એક સુર, લય, તાલ અને સુકોમળતા  છે. એક સંસ્કારિતા છે. રંગ બેરંગી ભડકીલા ગ્રામીણ પહેરવેશમાં સજ્જ નાજુક નમણી યુવતીઓ ગરબે ઘૂમતી જુઓ તો લાગે કે સ્વર્ગની અપ્સરાઓ  પૃથ્વી પર ઊતરીને માતાજીની આરાધના કરી રહી છે. યુવાનો પણ એમજ ગ્રામીણ વેશમાં સજ્જ યુવતીઓના તાલે તાલ મિલાવતા ગરબે ઘૂમતા જોવાનો એક લહાવો હોય છે. ડિસ્કો દાંડિયામાં એક અરાજકતા હોય છે. એમાં મસ્તી ધમાલ હોય છે, એની પણ એક જુદી જાતની મજા હોઈ શકે.
સ્ટેજને તોડી નાખે તેવા પગના જોરદાર ઠેકા લઈને ગાતા મેર અને આહીર ગરબા ગ્રુપ્સના ગરબા જોઇને રુવાડાં ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે. તેવું જોમ મેં બીજા કોઈના ગરબામાં જોયું નથી. એક પ્રચંડ તાકાત સાથે ગવાતા ગરબા એ સૌરાષ્ટ્રની આગવી પહેચાન છે. જયશંકર સુંદરી હોલમાં જ્યારે આ ગરબા વર્ષો પહેલા જોવા ગયેલ ત્યારે મને સતત ચિંતા થતી હતી કે  આ લાકડાનું સ્ટેજ તૂટી તો નહિ જાય ને? સામ સામે ઝિલાતી મજબૂત હાથની તાળીઓના અવાજ સાંભળીને શૂર ચડે. સૌરાષ્ટ્રની જોમવંતી  ધરાની બળુકી  મેરાણી કે આહીરાણીના તાકાતવર હાથની થાપટ ઝીલવાનું કામ કાચાપોચાનું નહિ. એ તો સામે મજબૂત આહીર કે મેર ભાઈ જ જોઈએ. આ સૌરાષ્ટ્રના ગરબા જોઈએ ત્યારે અહેસાસ થાય કે શક્તિની આરાધનાનો ખરો ગરબો તો અહિ છે. નવરાત્રી કોને કહેવાય? ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો કોને કહેવાય? નવરાત્રી નું શું મહત્વ છે?  એ ગુજરાતી સિવાય બીજા કોને સમજાય?

ઉત્તર ગુજરાતના ગામોમાં વળી દિવાળી આસપાસ ગરબા થાય છે. એને ફૂલોના ગરબા કહે છે. એક મોટું લાકડાનું ચોખટું બનાવેલું હોય, એને કાગળના ફૂલો વડે શણગારેલું હોય. ગામલોકો ભાગોળમાં ગરબા ગાતા હોય વચ્ચે એક જણ માથે આવું વજનદાર ફ્રેમ ઊચકીને ગરબા ગાતું હોય. માઇકની જરૂર ના પડે

“લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી”

જેવા પ્રાચીન ગરબા ગવાતા હોય છે.  આ ગરબા બાધા આખડીના હોય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબો સાથે લઈ જવાનો. એ અમેરિકા જાય, ઓસ્ટ્રેલીયા, યુરોપ કે ન્યુઝીલેન્ડ જાય ચાર ગુજરાતી ભેગાં થાય એટલે ગરબો પણ સાથે હોવાનો જ. મરણ  સિવાય દરેક શુભ પ્રસંગે ગરબો થવાનો. ગુજરાતી આર્ક્ટિક સર્કલમાં જાય તો ત્યાં  બરફમાં ગરબા ગાય તેમાં નવાઈ નહિ. જોકે ઉત્તરધ્રુવમાં ગુજરાતી જાય નહિ તે વાત જુદી છે. કારણ ત્યાં ખાવાનો પ્રશ્ન છે. રેન્ડીયર સિવાય બીજું કોઈ ભોજન મળે નહિ. જે ખવાય નહિ. બાકી ત્યાં દુકાન સારી ચાલે તેવી હોય તો ગુજરાતી પહોચી જાય એમાં નવાઈ નહિ. જ્યાં ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ.

21 thoughts on “ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો”

  1. વાંચવાની મઝા આવી. તમે વિજ્ઞાન, પરંપરા, સાહિત્ય, લોકજીવન બધું એક સાથે વણીને કલમના કસબી છો એમ સાબિત કર્યું છે.

    Like

  2. કોઈ પણ પ્રસંગ હોય ,ગુજરાતી હોય એટલે ગરબો હોય જ.લગ્ન તથા અન્ય ત્યોહારોમાં પણ ગરબે ધૂમતા હોય છે.હવે તો ગરબાના પણ અગલ અગલ વર્ઝન આવી રહ્યા છે.ડિસ્કો ડાંડિયા ,દોઢિયા ,એક તાળી-બે તાળી વગેરે..નવરાત્રીમાં ત્રણ-ચાર મહિના પહેલા જ ગરબા ક્લાસિસ ચાલૂ થઇ જાય છે.બાકી,દિપક ભાઈની વાત સાથે સહમત છું.

    Like

    1. રાજાની ભાઈ,
      હવે તો લગ્ન પ્રસંગે એક દિવસ જ ગરબા માટે ફાળવી દેવાય છે.ડિસ્કો દાંડિયા માં મને ગરબા કરતા અરાજકતા અને ધમાલ વધારે દેખાય છે.આભાર.

      Like

  3. vaah, Vaah

    અતુલ પુરોહિત ના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે.

    Like

    1. વોરા સહેબ,
      હવે તો અતુલ પુરોહિત એમના સુંદર કંઠ નો લાભ લઇ સુંદર કાંડ ગાઈને જીવન વિતાવી રહ્યા છે.અને નવરાત્રીમાં ગરબા તો એમના હોય જ છે.

      Like

  4. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    વાહ બાપુ વાહ !!
    શ્રી દિપકભાઇ શાથે સંપૂર્ણપણે સહમત. વિષયવસ્તુને વિવિધ પાસાઓથી સાંકળી લેખ રસપ્રદ બનાવી દીધો. બહુ સ_રસ માહિતીઓ આપી. મજા આવી.

    આપે ઉત્તર ગુજરાતની વાત કરી, અમારી બાજુ તે તરફના ભાઇઓ બહેનો મોસમમાં ખેતીકામ અર્થે આવે છે, તે બહેનો રાત્રે, વગર માઇકની સગવડે, લાંબા લહેકે, કુંડાળું વળીને ગોળ ફરતા ફરતા જે ગરબા ગાય છે તે ઠેઠ બીજા ગામની સીમ સુધી સંભળાય છે. હવે જો કે મોટા નગરોમાં, બહેનો તો સુંદર વેશપરિધાનથી શોભે જ છે પરંતુ, ભાઇઓ જે ચીત્રવિચીત્ર વેશભૂષા કરે છે તે પણ જોવાની મજા આવે છે !! ખબર નહીં ગુજરાતમાં કઇ જગ્યાએ, કઇ સંસ્કૃતિમાં, આવી વેશભૂષા, આવું પરિધાન કરવામાં આવતું હશે ! પણ ગુજરાતની સંસ્કૃતિના નામે હાલ્યું છે તો હાલવા દો !

    અમારે જુનાગઢમાં નાગર ભાઇઓ બહેનો પારંપારિક ઢબે બેઠી ગરબી પણ કરે છે, જેમાં પણ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીતની લહેજત માણવા લાયક હોય છે. તેમાં રમવાનું નથી હોતું માત્ર બેઠાબેઠા સુંદર ઢબે પારંપારિક ગરબીનું ગાન કરવામાં આવે છે. આમે ગરબી એ બેઠાબેઠા ગાવાની (ખાસ કરીને પુરૂષોએ) અને ગરબો એ બેઠાબેઠા કે ગોળગોળ ફરીને ગાવાનો (ખાસ કરીને સ્ત્રીઓએ) તથા રાસ એ સ્ત્રી-પુરૂષ બન્નેએ તાલબદ્ધ રમવાનો હોય છે. જેમાં દાંડીયારાસ પણ આવે છે, મહેરની આગવી ઓળખ જેવો મણિયારો પણ એક જાતનો રાસ છે, આપે લખ્યું તેમ મહેર બહેનો ગરબો પારંપારિક તાલીના તાલે રમે છે. જેને રાસડો કહેવાય છે. (અને એ તાલીનો સપાટો ઢોલની થાપીને પણ દાબી દે તેવો હોય છે, એ તો જેણે સટાક..સટાક… સાંભળ્યો હોય તેને ખબર પડે !!!) યાદ આવ્યું,, અહીં અમારી એક વાંધાઅરજી છે ! (હમ નહીં સુધરેંગે !!)

    ભાઇ, મેર (આહીર કે કોઇપણ કાટિયાવરણ લઇ શકો) જવાંમર્દોની મજબુતીનું રહસ્ય આમ ખુલ્લેઆમ ખુલ્લું પાડવાની શી જરૂર હતી !!! લોકોને તો ખબર પડી ગઇને કે અહીં ’તાલીઓના તાલે ભડભાયડા ઘડાય છે, આડા ચાલે તો તેને સીધા કરાય છે..’ !!
    વાંધો નહીં, આપે સુંદર કહ્યું, નારી શક્તિસ્વરૂપા છે અને કોઇને ઈશ્વરની કલ્પના કરવી જ હોય તો આ સ્વરૂપ શ્રેષ્ઠ છે. (અને પછી તેને યેનકેન પ્રકારેણ કાબુમાં કરીને, જોગમાયાને મહામાયા સ્વરૂપે ચીતરીને, જાતે ભગવાનપદે ચઢી બેસવું !!)
    લ્યો ત્યારે, જય માતાજી.

    Like

    1. અશોકભાઈ,
      ખુબ અભાર.આ રાહડો તાળીઓનો સપાટો તો કોઈને પણ ગબડાવી દે તેવો હોય છે.વડોદરામાં એક આહીર સાહેબ પોલીસ ખાતામાં હતા,તેમની દીકરીના લગ્ન વખતે મોરબી જવાનું બનેલું ત્યારે આ સપાટા સાંભળેલા.અને મેર ભાઈઓના ગરબા પણ મેં જોયેલા છે.ધબ ધબ સ્ટેજ પર જે પગ પછડાતા હોય થાય કે હમણા તૂટી પડશે.આદિમ સમાજોએ નારી ને ભગવાન પદે બેસાડેલી.આતો પુરુષ જાતનું કાવતરું છે કે ભગવાન પદે ચડી બેઠા છે.કેમ શંકર ની જગ્યાએ કાલી ને ના બેસાડી શકાય?વિષ્ણુ ની જગ્યાએ લક્ષ્મી અને બ્રહ્મા ની જગ્યાએ અંબા ને બેસાડી શકાય ને?અહી તો લક્ષ્મી ને પગ દાબતી કરી મેલી.લ્યો ત્યારે,તમને પણ જય માતાજી.

      Like

  5. અશોકભાઇ, જમાવી દીધું તમે પણ! ભૂપેન્દ્રસિંહભાઈની ભાષા તો સડસડાટ દોડીને પોતે જ ગરબો, પગની ઠેક બનીને હજી તો ગૂંજે જ છે ત્યાં તમે પણ ઊતરી આવ્યા મેદાને સોનામાં સુગંધ ભેળવતા. એટલું બધું તમે પીરસી દીધું છે કે “ભયો…ભયો” થઈ ગયા. જૂનાગઢના નાગરોની ગરબીની રીત જાણીને નવાઈ લાગી. ગરબા માતાજીના, અને રાસ તો કૃષ્ણ ભગવાનનો. ગરબી પણ માતાજીની જ ને? મણિયારાની વાત પણ નવી જાણી. ભાવ અને શબ્દોને કારણે આ બધાં જુદા પડે છે એમ માનું છું.
    છેલ્લે તમે ભગવાનપદે્ચડી બેસવાની વાત કરી છે તે સાવ સાચી છે. પહેલાં માતૃસત્તાક સમાજ હતો તેને પુરુષે કચડી નાખ્યો, તે દેવીઓ પણ ગૌણ બની ગઈ. આપણે ત્યાં તો ચોંસઠ જોગણીઓ છે જ. પણ બધી પુરુષ દેવતાઓ કરતાં નાની બની ગઈ. એક માત્ર તંત્ર માર્ગે નારીને મહત્વ આપ્યું. પણ એ જ તો સૌથી પહેલો ધર્મ હતો! બાકી બધું તો પછી આવ્યું. સપ્તમાતૃકા તો મોહેં-જો-દડોમાંથી પણ મળી છે!

    Like

    1. શ્રી દીપક ભાઈ,અશોકભાઈ એ નીચે મુજબ રીપ્લાય આપ્યો છે,
      શ્રી દિપકભાઇ, આભાર.
      બાપુએ થોડા ગરબા ગરબી રાસનાં સંસ્મરણો તાજા કરાવ્યા, થોડુંઘણું સૌને
      જાણવું ગમશે તેમ ધારી મેં આટલું ઉમેર્યું. આ નાગરજનોની વાત કરી તેવી જ
      રીતે પોરબંદર ભદ્રકાળી મંદિરે પણ પારંપારીક ઢબે માત્ર ભાઇઓ (માથાપર ટોપી
      પહેરવી ફરજીયાત હોય છે) ગરબી ગાય છે અને ગોળ ફરીને રમે છે. કુતિયાણા
      ગામના પંચહાટડીમાં પણ માત્ર ભાઇઓજ ઉભાઉભા ગરબી ગાતા તેવું જોયેલું છે.
      અન્ય નગરોમાં પણ ક્યાંક ક્યાંક આ રીતે ગવાતી ગરબી જોવા મળતી જ હશે. આ
      ગરબા, ગરબી, રાસ વગેરે એ મુળભુત રીતે તો કલાના વિવિધ પ્રકારો જ છે ને.
      માત્ર કલાદૃષ્ટિએ તેની મોજ માણીએ તો પણ, આપના શબ્દમાં જ કહું તો,
      ’ભયો…ભયો’ થઇ જાય.
      આપે ચોંસઠ જોગણી, સપ્તમાતૃકા, તંત્રમાર્ગ વગેરે ઉલ્લેખ કરી આગળ કંઇક
      અભ્યાસ કરવાની તક પુરી પાડી તે બદલ આભાર. (અંગત રીતે માનવું ન માનવું એ
      અલગ વાત પરંતુ જાણવું એ કોઇપણ સ્વતંત્ર વિચારક માટે જરૂરી તો ખરૂં ને)
      આગળ ઉપર આ વિષયે કશુંક વધુ રસપ્રદ જાણવા મળશે તો આપણે જરૂર વિચારોની આપ
      લે કરીશું. આપની પાસેના અનુભવ જ્ઞાનની આચમનીઓ અમને પણ આપતા રહેશોજી.
      આભાર.

      Like

  6. અશોકભાઇ,
    તમે કહ્યું – (અંગત રીતે માનવું ન માનવું એ
    અલગ વાત પરંતુ જાણવું એ કોઇપણ સ્વતંત્ર વિચારક માટે જરૂરી તો ખરૂં ને)
    આ જ વાત મેં. ‘અભીવ્યક્તી’ પર તહેવારોને તોડો નહીં, મરોડો ચર્ચામાં એ જ લખ્યું છે. બીજું, દર વખતે સોગિયું ડાચું કરીને બેસવાની પણ જરૂર નહીં..

    Like

  7. First of all,
    I would like to say SORRY to each n every friends around. Been kinda busy recently so couldnt participate here on blog with you people ( whom i like the most when it comes to debate/discussion ).

    Also , I’m away from my own pc and its too boring to type in quillpad editor for gujarati.

    But as Ashokbhai said, Maniyaro is one of my all time favorite dance style. I remember when I was kid ( 8-14 yrs ), I was used to participate in Garbi in a small village where these traditional Dance Forms of Garba were used to be performed by Males ( Traditionally we see only Females doing so). I’ve learned Maniyaro on those days. And I must say, u need to be really strong to perform it.

    Made me remember of old days.

    BTW , Ashokbhai,

    R u up for Garba Competition @ Akshayagadh ( Keshod ) on sharad purnima ??

    Like

    1. મારી ચોપ્પન વર્ષની લાઈફમાં મેં એક પણ સ્ટેપ ગરબાનું ગાયું નથી.ખાલી જોવાનું કામ કર્યું છે.

      Like

  8. @Dipak bhai :
    Still in India only. Postponed plan to leave the country as of now after being a part of Anna’z movement.
    Not sure if future is bright here or not. But I feel, if I wont fight for the nation then who else will ?? I will keep on doing my bit, and will leave rest on the destiny as long as I can hold.

    @Bhupendra Sinh Sir :
    I’m kinda fond of dancing. I have learned both Traditional (Maniyaro type) and also modern ways of playing dandiya. For me its just pure fun. U know I’m atheist, so it has no spiritual values for me but yes when I tell people about Navaratri festival ( UK/USA/AUS friends, non indians) they r too surprised. One friend gone crazy after seeing some youtube vids ,..!!
    This festival really gives color to life, a lot of energy and of course very beautiful girls too 😛 ( kidding ) …

    Even seeing modern dandiya and garba around, Still nothing can beat Maniyaro ( for guys ) and almost a dozen type of female dances which I was used to enjoy when I was kid. We need to keep that alive.

    Regards,
    Darshiit

    Like

  9. DIPAK DHOLAKIA સાથે અક્ષરસહ સંમત.
    ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ…..,……જમાવટ.

    dhruvtrivedi1986@gmail.com

    Like

  10. સરસ બાપુ, વધારે પડતાં ગરબા કાનુડાના જ લખાયા અને ગવાયા છે… નવરાત્રી પછીની ડૉક્ટરોની આવક પણ હવે નહિવત રહી છે… અત્યારનો રાધા ઘેલો કાન છુટથી કોન્ડોમ વાપરતા થયો છે… જો કે મારું સ્પષ્ટ માનવું છે કે અવું થવું ન જોઇએ દિકરીઓના માતા પિતાએ સચેત રહેવું જોઇએ… છતાં પણ યુવાનીની લડાઇમાં તલવાર સાથે ઢાલ પણ જરુરી…

    Like

  11. -‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો. ગુજરાતમાં ‘ગરબો’ શબ્દપ્રયોગ ઈ.સ 1415 થી ઈ.સ. 1480 થી વપરાતો આવ્યો છે. તમિળ ભાષામાં ‘કુરવઈ કટ્ટ’ એ નૃત્યસમૂહનો પ્રકાર છે, જેનો અર્થ ‘ગુરબી’ થાય છે અને ગુરબીમાંથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું કહેવાય છે. ‘ગરબા’નું મધ્યકાલીન સ્વરૂપ (સાહિત્ય) વલ્લભ મેવાડાએ પ્રગટાવ્યું અને ‘ગરબા’ નું અર્જન કવિ દયારામે કર્યું હોવાનું મનાય છે. હાલ પ્રાચીન અને અર્વાચીન ગરબા એવા બે ભાગ જોવાં મળે છે.

    ગરબાની આરાધના માની આરાધનાથી શરુ થાય છે પણ તેના વિષયવસ્તુનો સંબંધ મહદંશે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલો છે. કૃષ્ણા અને રાધાનાં, કૃષ્ણવ અને ગોપીઓના શૃંગાર, વિરહ અને મિલનના વિવિધ ભાવો ગરબામાં ગૂંથાયેલા છે.

    ગુજરાતણો આ તહેવારને મન મૂકીને અપાર શ્રદ્ધા સાથે ઊજવે છે. અભણ, અલ્પશિક્ષિ‍ત કે ઉચ્ચશિક્ષિ‍ત, ગૃહિણી કે ઉચ્ચ કારકિર્દી ધરાવતી સૌ મહિલાઓ આ તહેવાર એક સરખી રીતે હ્રદયના ભાવપૂર્વક માણે છે. ગરબા, ગરબી, જાગ જેવા ગરબાના અનેક પ્રકારો નવરાત્રિમાં હિલોળા લે છે.

    ગુજરાત સિવાય કોઈ પણ દેશ કે પ્રાંતમાં “ગરબો” સર્જાયો નથી. માટીનાં એક નાનકડાં વાસણમાં મુકાયેલા દિવાનો પ્રકાશ સો-સો છિંદ્રો વાટે ચારેકોર છવાઈ જાય છે. અને એ “ગરબો” પોતાને માથે મૂકીને જ્યારે કન્યાઓ ચાલે છે ત્યારે એક-એક કન્યાના માંથા પર આકાશ ખડું થાય છે. જાણે કે આકાશ વામન રૂપ લઈ ધરા ઉપર રમવા ઉતરી પડ્યા હોય એમ લાગે છે.

    Like

    1. શીતલબેન,
      ગરબા શબ્દની વ્યુત્પત્તિ વિશે ઘણું નવું જાણવા મળ્યું. મૂળ તમિલમાંથી આ શબ્દ આવ્યો છે તે કોણ જાણતું હોય? તમારો આભાર. મારો ખ્યાલ હતો કે મૂળ શબ્દ ગર્ભ હોવો જોઇએ.

      પરંતુ મુખ્યત્વે રાધા-કૃષ્ણના જ ગરબા હોય છે, એમ તમે કહો છો, તેના પર ફરી વિચાર કરી જોશો? આમાં મને શંકા છે. રરાધાકૃષ્ણના તો રાસ હોય છે. આપણે રાસ અને ગરબાની ભેળસેળ કરી નાખી છે, બાકી બન્ને વચ્ચે ફેર છે. ગરબા માતાજીના હોય અને રાસ રાધાકૃષ્ણના જ હોય.

      આમ, ” મા પાવા તે ગઢથી ઊતર્યાં…” એ ગરબો છે; પણ ‘રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ…” રાસ ગણાય.

      મારી સમજફેર હોય તો ધ્યાન દોરવા વિનંતિ છે.

      Like

      1. You are absolutely correct, Narsinh Mehta has written Raas of Gopis & Krushna, . & as far as I know Originally Garabas were performed by femals & Raas was for Males.

        Like

Leave a comment