“છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”

Kothi Kacheri

બરોડા મારું પ્રિય સીટી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા આ સીટીમાં રહ્યા પછી એવું થાય કે આના જેવું બીજું એકેય શહેર નહિ. જો કે દરેકને પોતાના શહેર પ્રત્યે આવી જ ભાવના હોય છે. હું ૧૯૭૧માં ત્યાં ૧૧માં ધોરણમાં ભણવા ગયેલો. ત્યાર પછી પ્રી કૉમર્સમાં ભણવા દાખલ થયેલો. પ્રી યુનિટ અલગ બિલ્ડિંગ હતું. કૉમર્સ ફૅકલ્ટી વળી કમાટી બાગ નજીક જુદી હતી. એફ.વાય થી પછી તેમાં જવાનું હતું. હવે અમારે પ્રી કૉમર્સમાં પાછો એક વિષય ગુજરાતીનો પણ હતો. એમાં કવિતાઓ આવે તે ભણાવવા માટે શ્રી સુરેશ જોશી સાહેબ પણ આવતા. અને એક બીજા અધ્યાપિકા જે અકાળે મોટી  ઉંમરનાં લાગતાં તે પણ આવતા હતા. શરીરે સાવ કમજોર દુબળા પાતળા હતા. એમને આર્ટ્સ ફૅકલ્ટીમાંથી બે પગે ચાલીને પ્રી યુનિટ માં આવતા વાર લાગી જતી. ત્યાં સુધીમાં બીજા કલાસીસ ચાલુ થઇ ગયા હોય. અમારા ક્લાસનાં બધા બહાર ઉભા હોય. સ્કૂલના શિસ્ત ભર્યા વાતાવરણમાંથી પહેલી વાર મુક્ત થયેલા વિદ્યાર્થીઓ અશિસ્ત આચરવામાં કોઈ લીમીટ ના રાખતા. હવે પેલા મહિલા લેકચરરને આવતા વાર લાગતી પણ જેવા દુર થી ધીરી ચાલે આવતા જોઈ ને કોઈ એકાદ છોકરો બુમ પાડતો કે હે!બા આવ્યા!! ખલાસ ચારે બાજુ થી બુમરાણ મચી જતુ, બા આવ્યા!! બા આવ્યા!!એક બાજુ હાસ્યની છોળો ઉડતી. પણ હું આ બધાથી ટેવાયેલો નહોતો. અવાચક બની ને જોતો રહેતો. ‘બા’ પણ તોફાની છોકરાઓને ઇગ્નોર કરવા ટેવાયેલા હતા. સ્થિતપ્રજ્ઞ બની ક્લાસમાં દાખલ થઇ યંત્રવત ભણાવી જતા રહેતા. એ જાય ત્યારે પણ બુમો ઉઠતી કે બા ગયા!!બા ગયા!!ફરી હાસ્યની છોળો ઉઠતી.
સુરેશ જોશી(સાહિત્યકાર) સાહેબ ખુબ કડક હતા. એમના ક્લાસમાં કોઈ ચું નાં કરી શકતું. મને એ ખુબ ગમતું. બીજા એક લેકચરરનું નામ પોપટલાલ હતું. એ આવે તે પહેલા બ્લેક બોર્ડ પર લખાઈ જતું કે “પોપટ આજે નથી આવ્યો”. બધા વાંચી ને હસતા રહેતા. પોપટલાલ સાહેબ આવતા બોલ્યા વગર પેલું વાક્ય ભુંસીને ક્લાસ લઈ ને ચાલતી પકડતા. બરોડામાં થિયેટરનાં નામ સ્ત્રીઓના નામ પરથી બહુ સુંદર સુંદર હતા. જેવા કે શારદા, સાધના, અલ્પના, અપ્સરા, સપના. શારદા ટૉકીઝ હવે સિંગાપુર માર્કેટ બની ગઈ છે. સપના વળી ખુબ દુર હતી. જલ્દી હાથમાં નાં આવે તેવી. સપનામાં ફિલ્મ જોઉં તે પહેલા જ બંધ થઇ ગયેલી. ન્યાય મંદિર વિસ્તારમાં હરતાં ફરતાં મન થાય ને  ટીકીટ બારી ચાલુ હોય તો સાધના, પ્રતાપ, કલામંદિર, શારદા ગમે ત્યાં ઘુસી જવાનું ત્રણેક કલાક જે ઓછા થયા તે. મારી સ્કૂલની બાજુમાં જ નવરંગ ટૉકીઝ હતી. સ્કૂલ કરતા વધારે કલાક એમાં ગાળ્યા હશે. ત્રણ કલાક લાઈનમાં ઉભા રહી ને ત્રણ કલાકનું મુવી જોવાનું. આજે તો એ યાદ કરીએ તો પાગલપન લાગે .
એ વખતે  ડબલ ડેકર બસો ફરતી હતી. જુબિલી બાગ પાસે હું રહેતો. અમદાવાદી પોળથી બસમાં બેસીએ કૉલેજ જવા. બધા  વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થી પાસ હોય. સૌથી આગળના ભાગે બધા બેઠા હોય. કન્ડક્ટર પાસ ચેક કરવા આવે એટલે શરુ ”  કન્ડક્ટર ની જય!કન્ડક્ટર ની જય!!.પેલો હસતો હસતો પાછો વળી જાય, કોઈ ના પાસ ચેક કરે જ નહિ. આગળ ગાયકવાડ જમાનાની કચેરીઓનું સંકુલ જે કોઠી કચેરી કહેવાતું તેનું બસ સ્ટોપ આવે. કન્ડક્ટર બુમ પાડે,  ‘છે કોઈ કોઠી?’. એનો મતલબ હોય કે કોઠી પાસે કોઈ ઉતરનાર છે? હવે કોઈ ભારે શરીરે ભાઈ કે બહેન ઉભા થાય ઉતરવા માટે તો આવી બન્યું. બધા જોર જોર થી એવા હશે કે પેલો ઉતરનાર ખાસિયાણો પડી જાય. પણ આ વેજાં ને કોણ બોલે? પેલો છેક નીચે ઊતરવા પહોચે ત્યારે કોઈ ટીખળી બોલે પણ ખરો કે ‘એ કોઠી આવજે!’
પ્રતાપનગર રોડ પર ત્રણ સિનેમાઘર એકબીજાની સાવ નજીક. પહેલું આવે વિહાર, પછી અપ્સરા અને અલ્પના સામ સામે. ત્યાં પણ સીટી બસનો કન્ડક્ટર સ્ટોપ આવતા એવું જ બોલે કે ‘છે કોઈ અપ્સરા?’ કે પછી ‘છે કોઈ અલ્પના?’ એમાયે કોઈ બહેન ઉભા થાય તો કોઈ ટીખળી હસી પણ પડે. કોઈ હોશિયાર હોય તો સારો જવાબ પણ મળી જાય. મને યાદ છે એક બહેન કન્ડક્ટર ને એવું કહી ને હસતા હસતા ઊતરેલાં કે ‘મારું નામ અલ્પના નહિ કલ્પના છે. ‘એમની રમૂજ વૃત્તિ ની કદર રૂપે બીજા મુસાફરો પણ હસી પડેલા. ‘છે કોઈ અપ્સરા?’ નાં જવાબમાં સુંદરતા ની વ્યાખ્યામાં ફીટ નાં થતા હોય તેવા કોઈ માનુની ઊતરે તો??? પણ એકવાર એક સુંદર યુવતી “છે કોઈ અપ્સરા?” નાં જવાબ માં ઊભી થઈ ને ઊતરવા લાગી ત્યારે કોઈ જુવાનિયો બોલેલો કે હાય અપ્સરા!! ત્યારે પેલી એ સણસણતો ઉત્તર આપેલો કે “હું તો અપ્સરા જ છું પણ તું ઘેર જઈ ને આયનામાં મો જોઈ લેજે!” આ સાંભળી બીજા મુસાફરો પેલાંની સામે એટલું હસેલા કે પેલાંનું હસવાનું ખસવું થઈ ગયું, અને કેટલાક  મુસાફરો ને વધારે હસીને ખાંસવાનું થઈ ગયેલું.
હરણી રોડ પર રૂપમ થિયેટર આવેલું છે. ત્યાં મોટાભાગે અંગ્રેજી મુવી જ ચાલતા હોય. અમારા એક મિત્ર અંગ્રેજી મુવી જોવાના ખુબ શોખીન. મને પણ ઘસડી જતા.હું મ.સ.યુની.માં ભણેલો પણ અંદર ગયા પછી હોલીવુડનું  ‘નાંગ્રેજી’  સમજવાનું મારું ગજું નહિ. આખી ફિલ્મ પત્યા પછી જ વાર્તાની ખબર પડે, તે પણ અધુરીપધુરી. જો કે મહત્તમ ઍક્શન ફિલ્મો જ જોવા જતા માટે વાર્તાની ખાસ જરૂર નહિ.  ફિલ્મના સંવાદ જરાય સમજાય નહિ છતાં લોકો હસતા હોય. હું તો બાઘાંની જેમ ચુપ હોઉં. સમજ્યા વગરનું શું હસવું? કદી કૉલેજનું પગથિયું પણ ચડેલા નહિ  તે  મારા મિત્ર પણ હસતા હોય. પછી મેં માર્ક કર્યું કે બીજા લોકો હસવાનું શરુ કરે ત્યાર પછી આ મિત્ર હસતા. પાછાં મારી સામું એવી રીતે  જુએ કે આને ડફોળ ને સમજ પડી નથી માટે હસતો નથી. જો કે એમને પણ સમજ પડતી નહોતી એ વાત હું કળી ગયો હતો. એ રાહ જોતા કે કોઈ હસે છે? લોકો હસવાનું શરુ કરે પછી તો ખલાસ બિન જરૂરી જોર જોરથી હસતા. જો કે મને આ જોઈ ને હસવું આવી જતું, અને સંવાદની સમજણમાં ખપી જતું. પછી તો રૂપમમાં અર્ધપોર્નો જેવા જ મુવી આવતા. ત્યાંથી પસાર થતા દર્શકો ને જોઈ ને પણ હસવું આવતું કે બીડીના ધુમાડા કાઢતા મજૂર વર્ગને પણ અંગ્રેજી મુવી જોવાનો  સારો એવો શોખ છે.
સપના થિયેટર તો સપના હોલ બની ગયો છે. નંબર વન ગણાતું અલંકાર થિયેટર બિઝનેસ સંકુલ બની ગયું છે. ઐતિહાસિક શાંતાદેવી થિયેટર પણ બહુ ના ચાલતું તેવું શોપિંગ સેન્ટર બની  ચૂક્યું છે. કલામંદિરનાં માંકણીયા  ત્યાં દુકાનો બની જતા બીજે આજુબાજુ  મુવ થઈ ગયા છે. કૃષ્ણ ટૉકીઝનાં હાલ બેહાલ થઇ ગયા છે. ન્યાય મંદિર આગળ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં જવાનું બસ સ્ટેન્ડ હતું, તે હવે ત્યાંથી ખસેડી લેવામાં આવ્યું છે. માટે સાધના ટૉકીઝ પણ ગ્રામ્ય વિસ્તારનાં મુસાફરો ની અહોભાવ ભરી દ્રષ્ટિ થી વંચિત સુનુંમુન છે. વિહાર, અલ્પના અને અપ્સરા બંધ થવાની હાલતમાંથી મુક્ત બની અણી ચૂક્યો સો વર્ષ જીવે ન્યાયે હવે સારા ચાલી રહ્યા છે. અહીં આવ્યા પછી પાંચ વર્ષમાં કોઈ થિયેટરમાં પગ જ મૂક્યો નથી. વડોદરા મારા આત્મામાં સમાઈ ગયેલું છે. ભલે દુનિયાના મોસ્ટ ઍડ્વાન્સ અને ફ્રી કન્ટ્રીનો હું સિટીઝન હોઉં પણ ભારત, ગુજરાત, વિજાપુર, માણસા અને વડોદરાને મારા આત્માથી વખુટા પાડવાનું આ જન્મે તો શક્ય નથી. દેશ છોડ્યાનો અજંપો હૃદયનાં કોઈ ખૂણે બેસીને સતત મૃત્યુના હવાલે થતાં સુધી  પીડા દેતો જ રહેવાનો છે.

ઘણી વાર વિચારું છું કે કોઈ ટીખળી કન્ડક્ટર ખબર નથી હજુયે બુમ પાડતો હસે કે નહિ “છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?”

11 thoughts on ““છે કોઈ અપ્સરા?છે કોઈ કોઠી?””

  1. હાસ્યની છોળો ઉછાળતા ઉછાળતા વડોદરાનું સુંદર નિરૂપણ… મજા આવી ગઈ…
    સંસ્કાર નગરીની માયા એમ જલ્દી છુટે તેમ નથી. વડોદરાની શાંતિ અને સંસ્કારની મુંબઈમાં પણ ઘણી ખોટ વર્તાય છે.

    Like

  2. ભૂપેન્દ્રસિંહજી, છે કોઇ અપ્સરા? આવો જ એક જોક્સ શ્રી શાહબુદ્ધિન રાઠોળનો પણ છે, ‘કન્ડક્ટર ચળ આવે તો કહેજે. ચળ નામનું ગામ હતું. વારે વારે એક પેસેન્જર ભાઇ પૂછવા લાગ્યા એટલે કન્ડક્ટર કહે આવશે તો કહીશ. એટલે બસના બીજા પેસેન્જર ખડખડાટ હસવા લાગે છે. આ ચળ શબ્દનો એક અર્થ ખુજલી કે ખંજવાળ એવો પણ થાય છે. જો કે આ જોક્સ લખવાથી નહીં પણ એમના અંદાજમાં અને લહેકામાં સાંભળવાની મજા જ અલગ છે.

    વડોદરા શહેર સંસ્કારનગરી મને પણ ગમે છે. અને મને ત્યાંના ગરબા પણ મને ખૂબ જ ગમે છે. એક અલગ જ અંદાજ છે. પહેલાં તો દર વર્ષે નવરાત્રિમાં જવાનો નિયમ જ હતો પણ હવે તો ભાગદોડવાળી જિંદગીમાં શક્ય નથી બનતું.

    આપના શાળાજીવન અને કૉલેજજીવનના યાદગાર સંસ્મરણો માણવાની અને અમારા પોતાના યાદ કરવાની મજા આવી.

    Like

    1. મીતાજી,
      આતો મારા અનુભવ ની વાતો છે.બધી બનેલી સત્ય ઘટનાઓ પરથી મેં લખ્યું છે.યાદ આવે તેમ લખું છું.ખુબ આભાર.

      Like

  3. જાણે આંખે દેખ્યો અહેવાલ! વડોદરામાં એક વખત રહે તેને બીજે ગમે નહીં. જો કે સુરત અને રાજકોટની સરખામણીમાં વિકાસ ઓછો થયા હોવાની ફરિયાદ ઊઠતી રહે છે.
    M.S.U.માં ભણવા નથી મળ્યું. જો કે સુરેશભાઈને ત્રણચાર વખત મળેલો. ડબલ ડેકર ભૂતકાળની વાત થઈ ગઈ. ઉપર બેસવાની મજા આવતી. વડોદરામાં ખૂબ ફિલ્મ્સ જોઈ. કલામંદિરમાં “નરસૈયાની હૂંડી” આવેલું ત્યારે ટિકિટ સાથે બહેનોને કંકુની શીશી અને ભાઈઓને કાંસકાની સ્કીમ હતી! ‘નવરંગ ‘ પહેલાં ‘ મોહન’ હતી.
    સૌરાષ્ટ્રમાં એક ગામ છે જેનું નામ ભુંડણી છે. “ભુંડણીના હોય તે ઉતરી જાય. ”
    ઘણો જ મજાનો લેખ. વધારે લખજો… હા, નવરાત્રી તો વડોદરાની જ!!

    Like

    1. શ્રી યશવંત ભાઈ,
      ગાંધીનગર જીલ્લા માં બે ગામ એવા છે.એક નું નામ છે બુડથલ અને બીજાનું નામ છે ભુન્ડીયા.હવે નામ બદલ્યા છે.ભુન્ડીયા ને બદલે ધરમપુર કર્યું છે.બુડથલ નું યાદ નથી.આભાર.

      Like

  4. બરૉડાની આપે ફરી શેર કરાવી દીધી.આભાર.હજી પણ વડોદરા લખવા,બોલવાનું ફાવતું નથી.60-62 અને 71-71સુધી ખાસ ફરક લગ્યઓ નહીં.60-62માં ડબલ ડેકર હતી નહીં.
    ડો.જોશી સાહેબની યાદ તાજી થઈ.પ્રી.સાયન્સમાં ગુજરતી ગદ્ય ભણેલા.ગુજરાતી સાહિત્યમાં એક નવિનતમ વળાંક આપનાર સાહેબને તો કેમ ભૂલાય?
    યે બરોડાતો આંખોં મેં બસા હૈ
    ઔર સુરત તો દિલમેં બસા હૈ.
    શુક્રિયહ ભાઈ

    Like

    1. ભાઈ,
      છેલા પાંચ વર્ષ માં તો ઘણો બધો ફેરફાર થઇ ગયો છે,એવું હમણા જઈ આવેલા મારા દીકરાનું કહેવું છે.હવે તો ડબલ ડેકર પણ બંધ થઇ ગઈ છે.આભાર.

      Like

  5. એમતો હું નશીબદાર ખરો કે ૪ કે ૬ મહીને વડોદરું જોવા મળે છે. પણ, ધીરેધીરે એ રોનક ખોવાતી જાય છે.
    બસ ની મઝા તો ઘણી ભોગવી છે. મારી દીકરીઓ એ ખાસ બસ મુસાફરી કરી નથી. નાની હતી ત્યારે એક વખત સ્પેશિઅલ લઇ ગયો હતો, જલસો પડી ગયેલો એમને.

    Like

  6. દરેક વખતે નવો વિષય …જાણે ઉનાળા ની ગરમી માં લીચી ફ્રેશ આઈસ્ક્રીમ ..શિયાળા ની ઠંડી નો લચકો અડદિયો..અને ચોમાસા ના સેકલા ચણા ….

    Like

Leave a comment