ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!

  ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!  
    ગઈકાલે ફોન પર વાત દ્વારા જાણવા મળ્યું કે ગુજરાત માં જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે દરેક સોમવારે સ્કૂલો બે પીરીયડ જવા દઈ ને વહેલી છોડવામાં આવે છે.આવો કોઈ ગુજરાત નાં શિક્ષણ ખાતાએ સર્ક્યુલર બહાર પાડ્યો છે કે નહિ તે તો મને ખબર નથી.પણ સ્વેચ્છાએ દરેક સ્કૂલો આવો નિયમ પાળે છે.લગભગ સવાર ની પાળી ની સ્કૂલો તો ખાસ.થોડી નવી અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો આવું કરતી નથી.એનો મતલબ સરકાર તરફ થી આવો કોઈ રૂલ્સ હોય નહિ.સોમવારે સ્કુલ નાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો શંકર ના મંદિરે જઈ ભક્તિ કરી શકે માટે શું આવો સ્વયંભુ નિયમ પળાતો હશે?બે પીરીયડ વહેલા છૂટી ને કેટલા વિદ્યાર્થીઓ મંદિરે જતા હશે? અને શિક્ષકો પણ મંદિરે જતા હશે ખરા?બે પીરીયડ અભ્યાસ બગાડી ને મંદિરે જવું યોગ્ય છે ખરું?કે પછી મોરારીબાપુ નો ચીપ સસ્તો સંદેશો,વન લાઈનર ચબરાકિયું જે આપકી આદાલત માં એમના પવિત્ર મુખે કહેવાયેલું કે “પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા” એની અસર હશે?મહાપુરુષો ની વાતો માનવી પડે?
   કેટલાક  વર્ષો થી આ ધારો સોમવારે સ્કુલો વહેલી છોડી દેવાનો ચાલે છે.દાંતા(અંબાજી) હાઈસ્કુલ નાં પ્રિન્સીપાલ સાહેબ ને આ યોગ્ય નાં લાગ્યું.એમને થયું કે કોઈ ભક્તિ કરવા જવાના નથી,નાં વિદ્યાર્થીઓ કે નાં શિક્ષકો.બધા બે પીરીયડ વહેલી રજા ધર્મ નાં બહાને ખોટી રીતે પાડે છે.એમણે ત્યાં આ ધારો બંધ કરાવ્યો.નાનું ગામ એટલે કોઈ ખાસ ઉહાપોહ થયો નહિ.એમને થયું કે ચાલો એક સ્તુત્ય પ્રયાસ સફળ થયો.હવે આ પ્રિન્સીપાલ અમદાવાદ ની મણીનગર ની જીવકોરબા હાઈસ્કુલનાં ગુજરાતી મીડીયમ ના પ્રિન્સીપાલ બન્યા.એમને થયું કે આ ખોટું છે કે સોમવારે બે પીરીયડ વહેલા છોડી દેવાનું.સ્કુલ માં આ ધારો બંધ કરવાનું નક્કી કર્યું.શિક્ષકોએ અનિચ્છાએ સંમતિ આપી હશે.અંગ્રેજી મીડીયમ નાં પ્રિન્સીપાલ તો છટકી ગયા.એમણે તો ધારો ચાલુ રાખ્યો.ગુજરાતી મીડીયમ ની સવાર ની પાળી એક સોમવાર વહેલી બે પીરીયડ છૂટી નહિ.વાલીઓ,વિધાર્થીઓ માં ઉહાપોહ થઇ ગયો.આતો ખોટું થયું ધર્મ નો નાશ થઇ રહ્યો છે.હિંદુ વિરોધી પગલા લેવાઈ રહ્યા છે.પ્રિન્સીપાલ હિંદુ ધર્મ વિરોધી લાગે છે.આ પ્રિન્સીપાલ  હિંદુ જ છે.એમના ઘર માં રોજ ધ્યાન,મેડીટેશન પૂજા બધું નિયમિત થાય જ છે.
    શિક્ષકોએ પ્રિન્સીપાલ ને સમજાવ્યા કે આપનો વિચાર ઉત્તમ છે,પણ લોકો માં વિવાદ ઉભો થઇ ગયો છે.આમેય શિક્ષકો પણ આ પગલા થી નારાજ હતા જ.એમને પણ બે પીરીયડ વહેલું  છૂટવા  મળતું હતું તે બંધ થાય તો કોને ગમે?અને એમાય આજ સ્કુલ નાં અંગ્રેજી માધ્યમ નાં પ્રિન્સીપાલ તો સાથ આપવા તૈયાર નથી.પ્રિન્સીપાલે દુખ સાથે કે મારા શિક્ષકો જ મને સાથ આપવા તૈયાર નથી,આ નિર્ણય પાછો ખેચી લીધો.
      મેં ફોન ઉપર કહ્યું કે તમે આ નિર્ણય પાછો નાં ખેંચ્યો હોત તો થોડા દિવસ માં છાપાઓ અને ટીવી માં આવી જાત કે તમે હિંદુ વિરોધી છો.વિશ્વ હિંદુ પરિષદ નાં ડો.પ્રવીણ તોગડીયા કે અશોક સિંઘલ નો સંદેશો આવી જાત કે ચર્ચ નાં ઈશારે તમે કામ કરી રહ્યા છો.કોઈ વિધર્મી તત્વો નાં હાથે તમે ખેલી રહ્યા છો.કોઈ મુલ્લાજી સરકાર માં રજૂઆત કરત કે હવે દર શુક્રવારે સ્કૂલો વહેલી છોડી દો.તમારા ઘર આગળ કોઈ ઉપવાસ પર ઉતરી જાત.તમારા વિરદ્ધ સરઘસ નીકળત કે હટાવો આ પ્રિન્સીપાલ.અને કોઈ તમારા ઉપર હુમલો પણ કરી શકે.જેવો NRI પંકજ ત્રિવેદી ઉપર થયેલો અને મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. અમદાવાદ બંધ નું એલાન પણ અપાઈ  જાત.સારું થયું કે નિર્ણય પાછો ખેંચ્યો.બચી ગયા.
   આ માનસિકતા છે લોકોની ત્યાં સુધી પ્રગતિ ક્યાંથી થવાની?આશારામ નાં પ્રકરણ વખતે અશોક સિંઘલ એવું કહેતા હતા કે ગુજરાત  સરકાર ચર્ચ નાં ઈશારે કામ કરી રહી છે.હવે ફરી મહાન બાપુ સ્ટીંગ ઓપરેશન દ્વારા ચર્ચા માં ચગ્યા છે.મુખ્ય મંત્રી એમના પગે માથું ટેકવે છે.આશ્રમ ગુનેગારો નાં રક્ષણ માટે તો નથી બનાવ્યો ને?ઘણા બધા મૂરખ અને પ્રજાને મૂરખ બનાવતા બાવાઓ છાપાઓ માં ચગ્યા છે.પણ ભક્તો કહેશે આતો એમને નીચા પડવાનું કાવતરું છે.વિદેશી અને વિધર્મીઓ નો આમાં હાથ છે.ચાલો આશારામ ખરાબ છે પણ મગન મહારાજ તો સારા છે,એમના શરણે જઈએ.પાછું વળી મગન મહારાજ નું પોલ પકડાયું તો કહેશે ચાલો મગન મહારાજ ખરાબ છે પણ છગન મહારાજ મહાન છે એમના શરણે જઈએ.કોઈ ને  કોઈનું શરણું તો જોઈએ જ જીવવા માટે.
    શ્રાવણ આવે એટલે ભક્તિ ભાવ નાં પુર આવે.અરે અહી તો બારે માસ કોઈ ને કોઈ પુર ચાલુ જ હોય.સંતોષીમા નું પુર હમણાં ઓસર્યું છે.તો દશામાં નું ચાલુ છે.વડોદરામાં અપ્સરા સિનેમા માં જય સંતોષી માં મુવી આવેલું.એણે થીયેટર નાં પ્રાંગણ માં જ મંદિર બનાવી દીધેલું.વળી કોઈએ મજાક માં વૈભવ લક્ષ્મી ની બનાવટી વાર્તા લખી નાખેલી તે એના પુરા ચાલ્યા.એની નાની પુસ્તિકાનું જબરદસ્ત વેચાણ ચાલતું.દરેક નાં ઘર માં એ નાની પુસ્તિકા હોય જ.ભાદરવો શરુ થાય એટલે ગણપતિ નું પુર આવે.લોકો પાછા ભક્તિ ના માહોલ માં ડૂબી જાય.મૂર્તિ નો ઝેરી કલર ખાઈ ને છો માછલાં મરી જતા અને નદીઓ ને તળાવો ગંધાઈ ઉઠતા. જૈનો પર્યુષણ નાં પુર માં ડુબકીયાં ખાય.’મિચ્છામી દુક્કડમ’.ડુંગળી કે લસણ ખાતા કે આદું ખાતા પાપ લાગે પણ વેપાર માં કોઈ નું ગળું કાપતા પાપ નાં લાગે.આર્થિક કૌભાંડો કરી ગરીબ લોકો ને રાતે પાણીએ રોતા કરતા પાપ નાં લાગે.દેશની ઈકોનોમી બગાડતા પાપ નાં લાગે.કોઈ એક ની વાત નથી.બધાની વાત છે.અંબાજી ચાલતા જવાના પુર હવે ચાલુ થવાના.અલ્યા આટલી બધી બસો છે,વાહન વ્યવહાર નાં સાધનો છે? પણ મુરખો ચાલતા જઈને સ્વર્ગ ની ટીકીટો બુક કરાવી લેવાના.જો સાહસ કરવા કોઈ હિલ પર ટ્રેકિંગ કરવા જવાનું કહીએ તો થોડાજ શોખીનો તૈયાર થવાના.હા ડુંગર પર કોઈ ધજા ફરફરતી હોય તો જુદી વાત છે. ભાદરવી પૂનમે લાખો મુરખો અંબાજી માં પ્રવેશ પણ પામી શકતા નથી.દુર થી મંદિર ની ધજા ના દર્શન કરી પાછા વળી જાય છે.હમણાં સાઈબાબા નું પુર બહુ જોર માં છે.અહી ઇઝલીન માં એક ફોટો મૂકી ને મંદિર ચાલુ થયેલું.હવે ખુબ લાઈનો લાગે છે.બરોડા માં ગુરુવારે જલારામ મંદિર અને જ્યાં સાઈબાબા નાં મંદિરો હોય ત્યાં ટ્રાફિક જામ.જલાબાપા કે સાઈબાબા કોઈએ આવું વિચાર્યું નહિ હોય.
     પછી નવરાત્રી ની વાત જ નાં થાય.નવ દિવસ જલસા.નવરાત્રી પછી ડોક્ટર્સ ને જલસા એવી કહેવત પડી ગઈ છે.દિવાળી ની વાત થાય?પછી આવે ભૂતિયો કારતક મહિનો.પૂર્વજો  જમાડો,શ્રાદ્ધ કરો.પૂર્વજો ને જીવતે તો નર્ક દેખાડી દીધું હોય પણ મર્યા પછી? પછી આવે ઉતરાણ,શિવરાત્રી,બમ બમ ભોલે,હોળી ધૂળેટી,રામનવમી,હનુમાન જયંતી,લગ્નગાળો,રથયાત્રા બસ એક પછી એક ચાલુ જ હોય.અમદાવાદ કે બરોડા ની પોળ માં રહેતા હોય તેને ખબર પડે કે સતત બારે માસ આવા પુર નાં લીધે વાગતા માઈક નાં અવાજો બીમાર અને વિદ્યાર્થીઓ માટે કેટલા નુકશાન કારક છે.આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ.રીસર્ચ પ્રિય,અભ્યાસ પ્રિય,ક્રિકેટ સિવાય બીજી રમત પ્રિય,સાહસ પ્રિય ક્યારે બનીશું?????   

24 thoughts on “ઉત્સવ પ્રિય પ્રજા સોમવાર ની રજા!!!!!!”

  1. ભણવાના કલાકો રોજના 6 ગણીને નીચે મુજબ મારુ અવલોકન મૂકુ છું.
    વર્ષના 365 * 6 = 2190 કલાક

    ભારતમાં: – – –
    52 રવિવાર => 52 * 6 = -312
    52 શનિવાર => 52 * 3 = -156 (અડધો દિવસ)
    દિવાળી => 21 * 6 = -126 + 3 રવિવાર(* 6) + 3 શનિવાર(* 3) = -99
    ઉનાળામાં => 52 * 6 = -312 + 7 રવિવાર(* 6) + 7 શનિવાર(* 3) = -249
    તહેવારો => 15 * 6 = -90

    કુલ 1284 કલાક આશરે એક વિદ્યાર્થી ભણી શકે.

    અમેરિકામાં: – – –

    52 રવિવાર => 52 * 6 = -312
    52 શનિવાર => 52 * 6 = -312
    નાતાલ => 6 * 6 = -36
    ઉનાળામાં => 75 * 6 = -450 + 10-10 શનિ-રવિ (* 6) = -330
    6 અડધા દિવસો => 6 * 3 = -18
    8 બૅંક હોલિડે => 8 * 6 = -48

    કુલ 1134 કલાક આશરે એક વિદ્યાર્થી ભણી શકે.

    Like

    1. મૂળ મુદ્દો ભણવા ના કલાકો નો નથી.મૂળ મુદ્દો શિક્ષણ પ્રત્યે રૂચી કેળવવાનો અને કામ ચોરી નો છે.ભલે અમેરિકામાં ભણવાના કલાકો અને કામ ના કલાકો ઓછા હોય લોકો કેટલી પ્રમાણિકતા થી અમલ કરે છે તેનો છે.રમજાન અને હિંદુ તહેવારો માં વહેલા છોડી દો છો,તો જૈનોએ શું ગુનો કર્યો?પર્યુષણ માં વહેલા છોડી દો.તો પારસીઓ એ શું ગુનો કર્યો?તો ક્રિશ્ચિયન લોકોએ શું ગુનો કર્યો?આમ દરેક ધર્મ અને ફાંટા રજાઓ માંગશે,તો ભણશે કોણ કામ કરશે કોણ?પ્રાયવેટ જોબ સિવાય ભારત માં કોઈ કામ કરે છે એમની ઓફિસોમાં?સરકારી ઓફિસોમાં કામ ની સાથે ટેબલ નીચે રૂપિયા લીધા સિવાય કોઈ કામ કરે છે?આઠ કલાક ને બદલે બે કલાક કામ કરતા હોય તો પણ ગનીમત.
      વહેલા છૂટી ને વિદ્યાર્થીઓ ક્યા જવાના?પણ મને લાગે છે શિક્ષકો ને જ આમાં ખાસ રસ હશે,એ બહાને જે વહેલા છૂટી જવાય.મૂળ વાત કામ ચોરી ની છે.જેને કામ કરવું નથી તે સાધુ બની જાય છે.માટે જ ૫૦ લાખ સુધી આંકડો પહોચી ગયો છે.

      Like

    1. ભારત કરતા અમેરિકન વિદ્યાર્થી ઓછા કલાકો ભણે છે.રીસર્ચ વધારે ક્યા થાય છે?ભારત માં શનિ વારે રજા હોતી નથી.લગભગ વિક માં એક જ રજા હોય છે અહી બે દિવસ રજા હોય છે કામ કોણ વધારે કરે છે?ભારત માં નોકરીયાત વધારે કામ કરે છે તેવું લાગે ખરું?જોબ નાં કલાકો દરમ્યાન પ્રમાણિકતા થી કોણ વધારે કામ કરે છે?ભારત માં કે અહી?તમે ભારત માં વધારે કામ કરતા હતા કે અહી?હું પોતે ભારત માં કામ આટલું કરતો નહોતો.
      ભાઈ ચિરાગ વિરોધ કરવા ખાતર નહિ કરવાનો,લેખ નું મૂળ હાર્દ એ છે કે ધર્મ નાં નામે રજા પાડવાનો ચાલુ સ્કુલ ને બે પીરીયડ વહેલી છોડી દેવી યોગ્ય છે?અને ઘેર જઈ ને બધા વિદ્યાર્થીઓ શંકર નાં મંદિરે જતા હોય ભક્તિ કરવા તો રજા બરોબર છે ચાલો,પણ ઘેર જઈ કોઈ મંદિર માં જાય ખરું?ભણવું જરૂરી છે કે મંદિર જરૂરી છે?તો પછી નવરાત્રી માં નવ દિવસ રજા જ રાખવી જોઈએ.આપણે તો બારે માસ તહેવારો જ હોય છે,સ્કુલો જ બંધ કરી દઈએ તો કેવું?પહેલા હતી જ ક્યા?મેકોલે આવ્યો ને સ્કુલો લાવ્યો.બાકી અબ્દુલ કલામ છાપા વીણતાં હોત અને નરેન્દ્ર મોદી દુકાન માં પડીકા વાળતા હોત.

      Like

      1. રાઉલજી,
        તમે મીઠું સત્ય રજૂ કર્યું છે. વધારાના ખુલાસાથી લેખનોં આશય પણ જણાવી દીધો .
        સાચી વાત કહી છે. પણ… પણ… પણ…
        આ પણ નથી પાણો છે.
        બંને દેશોનો સામાજિક માહોલ અલગ છે. અમારે અહીં અમેરિકાનો માહોલ જોઈ એ છીએ
        અને એ માટે અમેં ભગવાનને પ્રાર્થના કરીએ છી કે: હે ભગવાન, અહિ અમેરિકા બનાવી દે!!!!

        Like

        1. યશવંત ભાઈ,
          અહીનો સમાજિક માહોલ અપનાવવા જેવો નથી.હા કામ અને વ્યવસ્થા અને અભ્યાસ અને રીસર્ચ નો માહોલ અપનાવવ જેવો છે.બધું અમેરિકા નું સારું જ છે એવું પણ નથી.જોકે ધીમે ધીમે અહીનો માહોલ આવવાનો જ છે.

          Like

  2. મેં ભારતમાં 12+4 વર્ષ અને અમેરિકામાં 1 વર્ષ અભ્યાસ કર્યો છે. મેં ભારતમાં 2.5 વર્ષ અને અમેરિકામાં 10 વર્ષ કામ કર્યું છે. મારો અનુભવ એવો છે કે ભારતમાં શાળામાં કે નોકરી પર મેં વધારે કામ કર્યું છે!

    સંશોધન ચોક્કસપણે અમેરિકામાં દુનિયામા સહુથી વધુ છે, ભારત પણ કાંઈ બહુ પાછળ નથી, ખાસ કરીને સોફ્ટવેર, ફાર્મા અને મેડિકલ/જીનેટિક ક્ષેત્રે. હા, 1996થી પહેલાનું જે ભારત હતું એને બદલાતા વાર લાગશે, પણ 1996 પછી જે દેખાય છે એ જોતાં આપણે વિકસીત દેશોની હરોળમાં આવી શકીશું એની નક્કર આશા જન્મી છે.

    દરેક દેશને પોતાના તહેવારો હોય છે જે વર્ષોની સંસ્કૃતિ પ્રમાણે વીકસ્યા હોય છે. હું પોતે શ્રાવણમાં બે તાસ વહેલા છોડવાના નિર્ણયને સખત શબ્દોમાં વખોડું છું. પણ, એનાથી કાંઈ ખાસ ફર્ક પડતો હોય એમ લાગતું નથી.

    મેકોલે ના આવ્યો હોત તો કઈ સ્કુલ નહોતી જ આવવાની એવું નથી. સોફ્ટવેર ક્ષેત્રે કે ફાર્મા/જીનેટિક ક્ષેત્રે 1996 પછી જે ક્રાંતિ થઈ એમાં કોઈ વિદેશી મેકોલેનો ફાળો નથી.

    Like

    1. ચિરાગ ભાઈ,
      આપ પ્રાયવેટ કંપની માં જોબ કરતા હશો.જો કે હવે સુધારો જરૂર આવ્યો છે.મારા મૂળ મુદ્દા સાથે સંમત છો એજ બસ.બે તાસ વહેલા છોડે અને નાં છોડે બંને માં માનસિક ફર્ક બહુ પડે.જે ને ભણવું છે તેતો ભણવાનો જ છે.મેકોલે નાં આવ્યો હોત તો બીજો કોઈ આવત.અરે કોઈ દેશી મેકોલે ઉભો થાત.પણ પાયા ની ઈંટ તો દેશી કે વિદેશી મેકોલે જ બનત.આભાર.

      Like

  3. સાથે એક આડવાત જરૂર ઉમેરીશ. હું ભણતો હતો ત્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓને દર શુક્રવારે રીસેસમાં 1 કલાકનો વધારો આપવામા આવતો. વળી, રમજાન મહિનામાં તો તેમને દરરોજ 2 તાસ વહેલા જવા દેવામાં આવતાં હતાં.

    Like

    1. ચિરાગ ભાઈ,
      મારું એજ કહેવું છે કે ધર્મ ને બહાને લોકો ને રજાઓ જોઈએ છે.કામ કરવું નથી.કામચોરી છે આ એક પ્રકાર ની.આમાંથી વિદ્યાર્થીઓ ને બાકાત રાખવા જોઈએ.વિદ્યાર્થીઓ ને કામ પ્રત્યે અભ્યાસ પ્રત્યે રૂચી કેળવવાને બદલે આપણે અરુચિ શીખવીએ છીએ.મૂળ વાત માનસિકતા ની છે.ભલે અમેરિકામાં ભણવાના કલાકો ઓછા હશે.અહી કામ ચોરી નથી તે તમે અનુભવ્યું હશે.તમે પ્રમાણિક માટે તમે ભારત માં પણ દિલ દઈ ને કામ કર્યું છે.બાકી ભારત માં કામચોરી એ બહુ મોટો સવાલ અને કલંક છે.માટે તો ૫૦ લાખ સાધુઓ એ સાધુઓ નથી કામચોરો છે.કામ કરવું નથી માટે ધર્મ નાં પુંછડા પકડી ને બેસી ગયા છે.ભારત નો એનો એજ હિંદુ અને મુસ્લિમ અહી અમેરિકા માં તનતોડી ને કામ કરે છે.અને ભારત માં રજાઓ માંગે છે.ખુબ આભાર.

      Like

  4. કોઈ એક મહિનો બીજા અગિયાર કરતા વધારે પવિત્ર હોઈ શકે એ વિચાર જ આપણી નાદાનિયત દર્શાવે છે.
    ભારતમાં તો બધીજ જાહેર રજાઓ નાબુદ કરાવી જોઈએ. તેમના બદલામાં બધા કર્મચારીઓને વરસમાં ૧૦ ધાર્મિક રજાઓ વ્યક્તિગત ધોરણે પાળવા માટે આપવાની. વરસની શરૂઆતમાં દરેકે જણાવી લેખિત જણાવી દેવાનું કે પોતે કયા કયા દિવસોએ તે રજાઓ ભોગવવા માંગે છે. પણ ઓફિસો, કારખાનાઓ વગેરે તો ચાલુ જ રાખવાના. પછી જુઓ કે કેટલા લોકો ધાર્મિક રજાઓ લેવા ઉત્સુક છે.

    Like

    1. રશ્મીભાઈ,
      સાચી વાત છે.મહિના બધા આપણે જ નક્કી કર્યા છે.વળી ગંદકી આપણ ને કોઠે પડેલી છે.શ્રાવણ માં ઝરમર વરસાદ પડતો જ હોય છે,એના જેવો ગંદકી વાળો બીજો કયો મહિનો હોય?એમાં મહિનાનો કોઈ વાંક નથી,વાંક આપણો છે.વરસાદ નો પણ વાંક નથી,વાંક આપણો છે.આ બીમારી નો મહિનો છે,માટે ઓછું ખાવું હિતાવહ હશે.માટે ઉપવાસ આવ્યા હશે,પણ ઉલટાનું લોકો ફરાળ કરી ને ડબલ ઝાપટી જાય છે.રજાઓ બદલ આપે કરેલું સુચન સરકાર ને મોકલવા જેવું છે.આભાર.

      Like

    2. રશ્મિકાંતભાઇનું આ સુચન ખરેખર ગંભીરતાપૂર્વક આગળ ધપાવવા જેવું છે. આમે અમુક હક્કરજાઓ તો મળે છે, તેમાં જરૂરી વધારો કરી અને બધીજ પ્રકારની ધાર્મિકરજાઓ પર ફેરવિચારણા કરાય તો ખોટું નહીં. આભાર. (જો કે વિદ્યાર્થીઓ માટે કશીક અલગ જોગવાઇ વિચારવી પડે)

      Like

      1. ભાઈ,
        મારો આ લેખ લખવા પાછળ આશય એ હતો કે બાળકો ને વિદ્યા માં રૂચી કેળવાવી જોઈ,નહિ કે રજાઓમાં.એ ફરજ શિક્ષકો ની છે.ભણવું તો કોને ગમે?એમાં એક મિત્રે મને દેશ દ્રોહી ઠરાવી દીધો.એમનું કહેવું હતું કે નાના બાળકોને બે તાસ વહેલા છોડી દે તે વખતે તેમના મુખ પર નો આનંદ જુઓ.હવે આ મિત્ર ને શું કહેવું?ભણવું તો કોઈને ના ગમે.તો પછી એ આનંદ ચીર સ્થાયી રહે તે માટે સ્કુલો જ બંધ કરી દેવી સારી.હું કઈ અમેરિકા ની વકીલાત નથી કરતો.અમેરિકાનું બધું સારું નથી.પણ ભણેલા ગણેલા મિત્રો પણ આવું વિચારે છે.આપણે નાના હતા ત્યારે રજા પડે તો ખુશ થઇ જતા.અને બે તાસ વહેલા છૂટી ને બાળકો ભજન કરવા જવાના હતા?શિક્ષકો જવાના હતા?ભાઈ ભારત માં બ્રેઈન ખુબ છે પણ બહાર લાવતું નથી.અહી ભારતીય વિદ્યાર્થીઓ ખુબ આગળ છે.એના માટે ઓબામાએ પણ કબૂલવું પડે છે.એની ઓફીસ માં કેટલા બધા ભારતીયો ભર્યા છે?આભાર.

        Like

        1. આપના આ વિચાર પાછળ રહેલી કર્મનિષ્ઠાની ભાવના સમજી શકાય તેવી જ છે. અને એ વાત પણ સાચી જ કરી કે વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે જાય છે, ફક્ત આનંદ માટે નહીં. રજાઓ મળે તો બાળકો શું હજુ તો આપણને પણ આનંદ જ થાય ! (કામ કરવું કોને ગમે ભાઇ !) પરંતુ એ આનંદ પાછળ કંઇ ભણતર ન બગાડાય. કચેરીઓમાં તો રશ્મિકાંતભાઇએ કહ્યું તેમ ધાર્મિક રજાઓ જ બંધ કરી અને જેને જરૂરી લાગે ત્યારે પોતાની હક્ક રજા દ્વારા રજા લે તેવી વ્યવસ્થા કરાય તો ઘણું સારૂં થશે (આમે હવે દેખાદેખી અને હુંસાતુંસીમાં ધાર્મિક રજાઓ વધતી જ જાય છે) વિદ્યાર્થીઓને તો, અભ્યાસક્રમની એકરૂપતા જાળવવાના કારણોસર, આમ મનગમતે સમયે રજા આપવાનું વ્યવહારૂ નહીં બને, આથી તેઓને વેકેશન અને અમુક સામાજીક તહેવારો સબબ નિશ્ચિત રજાઓનું ટાઇમટેબલ બનાવવું પડે. આપે સરસ વિચાર મુક્યો છે. ઘણું વિચારી શકાય. આભાર.

          Like

  5. ભૂપેન્દ્રસિંહજી આપની વાત સાચી છે સરકાર તરફથી કોઇ નિયમ નથી કે આ રીતે બે પિરિયડ વહેલા છોડી મૂકવાનો. જો કે અમદાવાદની વાત કરું તો આવી ઘણી સ્કૂલો છે જેમાં આ રીતે જે કોઇ ધર્મના ટ્રસ્ટીઓનું સંચાલન હોય તે રીતે પોતાની રીતે સંચાલકો નિયમો બનાવતા હોય છે. દા.ત. એક સ્કૂલ છે તેમાં પર્યુષણ વખતે વહેલા છોડી મૂકવાનો કે એકાદ અઠવાડિયાની રજા આપી દે. બીજી સ્કૂલોમાં જન્માષ્ટમી વખતે ચારપાંચ દિવસની સામટી રજાઓ આપે. દક્ષિણભારતના સંચાલકોની સ્કૂલોમાં ઓનમ, પોંગલ અને એવા તહેવારોની રજાઓ આપે. આને કારણે જ્યાં પર્યુષણમાં રજાઓ અપાતી હોય ત્યાં જન્માષ્ટમી વખતે રજાઓ ના રાખે. ઓનમ અને દક્ષિણના તહેવારોની રજા આપતી સ્કૂલો તેઓને નવરાત્રિમાં રસ ના હોય એટલે એ વખતે પરીક્ષાઓ રાખે. આ તો ચારપાંચ વર્ષથી આનંદીબહેન પટેલે આખા ગુજરાતની દરેક સ્કૂલોમાં જ્યાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ચાલે છે ત્યાં પરીક્ષાનો સમય એક જ સરખી તારીખે લેવાનો કાયદો કર્યો છે તેના કારણે પરીક્ષાનો માહોલ એકસરખો જળવાઇ રહે છે બાકી દરેક સ્કૂલ એમના નિયમો પ્રમાણે પરીક્ષાઓ લેતી હતી. હવે આવા નિયમો સંચાલકો અને શિક્ષકોના ફાયદા માટે છે. બાળકોને તો એમાં કોઇ રસ ના હોય.બાકી આજનું શિક્ષણ બોજરૂપ અને ભારરૂપ થઇ ગયું છે બાળકોને તો ક્યારેય સ્કૂલ જવામાં રસ હોતો જ નથી. એટલે બાળકોના ચહેરા પર તો આવી રજા મળવાથી ખુશી છલકાવાની જ છે. આવા પોતાના નિયમો બનાવીને બાળકોને નાની ઉંમરે જ એકબીજા ધર્મ પ્રત્યે અણગમો ઉભો થાય. અને આવી રજાઓ આપવાને કારણે નિષ્ઠાપૂર્વક કામ કરવાના સંસ્કાર બાળપણથી જ ના મળે. અને એ સિલસિલો પછી ચાલુ રહે છે. નોકરીમાં જ્યારે એક જ રજા સંવતસરી કે જન્માષ્ટમી કે કોઇ બીજા તહેવારની હોય ત્યારે પોતાના બાળકોને રજા હોય એટલે તેઓ પણ આગળપાછળ આવતા શનિવાર રવિવાર અને એકાદ બે સીએલ નો મેળ કરીને મીની વેકેશન રાખી દે. સારી વાત છે કુટુંબને સમય આપવો. પણ પછી થાય એવું કે ઓછા સ્ટાફને કારણે લોકોને ખૂબ જ તકલીફ પડે છે. હાલાકી પડે છે. આપના લેખનું હાર્દ ખૂબ જ સરસ છે. ઉત્સવપ્રિય હોવું તે ખરાબ નથી. પરંતુ અત્યારે ઉત્સવોના નામે અતિરેક થઇ રહ્યો છે અને બીજા લોકોને પડતી તકલીફોની અવગણના કરીને ગમે તે રીતે ઉત્સવો મનાવવાનો માહોલ બહુ જ તકલીફદાયક છે.

    Like

    1. મીતાજી,
      ખુબ સરસ ઉપયોગી મહીઅતી મળી કે દરેક ધર્મ ના સ્કુલ સંચાલકો પોતપોતાની રીતે મનમાની કરી રજાઓ રાખતા હતા.આનંદીબહેન પોતે શિક્ષક હતા,માટે સમજી શક્યા અને પરીક્ષા સમય સરખો કરી નાખ્યો,પણ ભાજપા વાલા ધર્મ નાં ધતિંગ પાછા બંધ નહિ કરી શકે.કારણ વોટ માટે નું એ સસ્તું સાધન છે.આભાર આપનો

      Like

  6. સર,ત્યોહારોનો ખરેખર ત્રાસ છે.અહીં સાત્રે ૧૦ વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની છૂટ આપવામાં આવે છે.પણ આજકાલ ગણેશોત્સવોમાં ડાયરામાં ભજનમંડળીઓ સવાર સુધી લાઉડ સ્પિર વગાડે.ભજનમંડળીઓને કઈ કામધંધો તો હોતો જ નથી.એટલે બીજાની ઊંઘ પણ હરામ કરે છે.એક બાજૂ ગણેશઉત્સવોમાં ઢબા ઢબ ચાલે છે જ્યાંરે બીજી બાજૂ શાળાઓમાં પરીક્ષાઓ ચાલે છે.આવા લોકોનો વિરોધ પણ કેમ કરીએ ? કોક ગન લઈને ઊભો છે ,તો કોક ઝેર લઈને.ગાંધી હોય તો ગોળી અને દયાનંદ હોય તો ઝેર. જો કે તેમને મંત્રીઓ અને બાવાઓના આશિર્વાદ હોય છે.પોલિસ કમ્પ્લેનનો કોઈ ફાયદો નથી.ઈમનદાન ઓફિસરોને વણજારા વાળી કરવામાં આવે છે.ક્યાંક વાંચ્યુ હતુ કે ‘આળસુ લોકોનું મોટા પાયા પર ઉત્પાદન કરતો દેશ એટલે………?’ 😉

    Like

    1. ભાઈ,
      હું બરોડા માં વાડી એરિયા માં રહેતો હતો મને ખબર છે આ ત્રાસ.એટલે તો મેં લેખ લખ્યો છે.ભાઈ પાના તમારા જેવું કોણ સમજે છે?તમારી વાત સાચી છે.કહીએ તો ઝેર અથવા ગોળી મળે આ દેશ માં.દેશદ્રોહ નાં બિરુદ મળે જાણે પોતે મહાન દેશભક્ત.ખરેખર ધર્મ નાં નામે દેશ ને બરબાદ કરનારા ખરા દેશદ્રોહીઓ તો આ લોકો જ છે.ભાઈ આળસુ પ્રજા શું કરે?નવરો શું કરે?છોકરા પેદા કરે જાય.એમજ વસ્તી વધે જ જાય છે.કોઈ કામ નાં હોય કે કરવું ના હોય એટલે એક જ કામ કરે રાખે.આભાર.

      Like

  7. I appriciate the selection of thought provoking subjects
    AND ENJOY READING THEM.Please keep it up.I cannot add , but old mans blessings to your effert to help mankind understand life. Thanks,

    Like

Leave a comment