નર્કારોહણ-૮

નર્કારોહણ-૮

હતો નર્કારોહણનો આજે આઠમો દિવસ. થોડા જટાઝૂંટ ધારી ઋષિઓને મળવાની ઇચ્છા હતી. કહેવાતા મહાન ઋષિઓએ પણ ખૂબ અન્યાય કરેલા હતા. એમનો ઊધડો લેવો હતો. પ્રથમ તો આપણે આ લોકોને એટલાં બધા મહાન સમજી બેઠાં છીએ કે એમની ભૂલો નજરઅંદાજ થઈ જાય છે. અથવા બહાના કાઢીએ છીએ કે સમાજ સુધારા કે દાખલા બેસાડવા આવું કર્યું હશે. એવામાં નાની નાની કુટીરો જેવું એક સોસાયટી જેવું દેખાણું. અમને થયું કે નક્કી ઋષિઓ અહીં જ રહેતા હોવા જોઈએ. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ કેટલાક જટાધારી ફરતા હતા. અમે પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્વ જેવા અનેક ઋષિઓ ફરતા હતા. ખાસ તો આ ઋષિઓને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો. પૂછવાનું  ક્યાં હોય જ્યાં ખુલાસો મળે તેવો હોય ત્યાં ને?

અમે પહેલાં તો વચ્ચે જઈને ઊભા રહ્યા અને નમસ્કાર કર્યા. લગભગ બધા ઓળખી ગયેલા કે આ લોકો એક નવા મીડિયા બ્લોગ મિડિયાવાળા છે. બધાને એમ કે એમના સમાચારો બ્લોગમાં લખીશું તો સારી પ્રસિદ્ધિ મળશે. અમે એક ફરફરિયું કાઢ્યું ખીસામાંથી. એમાં કોઈ દેવેશ મહેતાએ અમારા દિવ્યભાસ્કર ઓનલાઈનમાં છપાયેલા એક લેખના અનુસંધાનમાં મૂકેલા પ્રતિભાવનું અવતરણ હતું.

એમાં થોડા ઋગ્વેદ અને બીજા શાસ્ત્રોમાં ઋષિઓ માંસાહાર કરતા હતા તેના પુરાવા હતા. જેના લીધે પ્રેસિડન્ટ સ્વામીએ આ લોકોની અહીં બદલી કરી નાંખેલ. થોડા બીફ ઇટીંગ વિષે પણ હતા. કોઈ ઋષિને એમાં નવું ના લાગ્યું. બધાના મોઢા પર ‘ઇટ્સ ઓકે’ એવા ભાવ રમતાં હતા. અમને પણ થયું કે નકામું અહીં વાંચ્યું.

જો કે વસિષ્ઠ મુનિએ કહ્યું, ‘શાકાહારનું મહત્વ સમજતાં  હોય તેવા કોઈ રેર થિયરી જેવા કોઈ મુનિએ શાકાહાર વિષેના શ્લોક રચેલા હતા. એ વખતે ખેતી એક નવી શરૂઆત હતી. એ પહેલા તો બધાજ માંસાહારી જ હતા. ખેતી શરૂ થયા પછી શાકાહારની અગત્યતા વધી હતી.’

મેં કહ્યું, ‘અમારા એક પૃથ્વી ઉપર લટાર મારવા આવેલા આધુનિક મુનિ ઓશો રજનીશ  કહેતા હતા કે માણસ  માણસને ખાય તે ચાલે પણ ગાયને તો ના જ ખવાય, કારણ પ્રેમના પહેલા પાઠ માણસ ગાય પાસેથી શીખ્યો છે.

ખેર અમે વિશ્વામિત્ર સામે જોઈને કહેવા માંડ્યું, “જ્યારે જ્યારે આપનું નામ સાંભળીયે ત્યારે કોઈ ત્રાસવાદીની યાદ આવી જાય છે. વિના વાંકે હરિશ્ચન્દ્ર અને તારામતીની એટલી બધી સતામણી કરી છે કે ના પૂછો વાત. મૃત્યુલોકમાં કોઈ સારી રીતે રાજ્ય ચલાવે તેમાં ઇન્દ્રને શેની બીક? અને એના માટે આપને લાઇસન્સ આપ્યું કે કડક પરીક્ષા લો? એક રાજાને ભિખારીની જેમ ભટકતો કરી નાખ્યો? આવી પરીક્ષાઓ લેવાનો આપને અધિકાર કોણે આપ્યો? એક તો મેનકાની કૂખે શકુન્તલાની ભેટ તો આપી પણ બંને જણા જવાબદારીમાં થી છટક્યા. અરે એને આજુબાજુ કણ્વનો આશ્રમ તો હતો, એમને નાની ફૂલ જેવી બાળકી સોંપી તો દેવી હતી? બંને જણા જંગલમાં હિંસક પ્રાણીઓનાં  સહારે છોડીને ભાગી ગયા. પેલીને એની કારકિર્દીની પડી હતી, અને તમને તપ, મોક્ષની પડી હતી. એક નાની બાળકીને મોટી કરવી તે શું તપ નથી? એને સારું એજ્યુકેશન આપવું, સારા સંસ્કાર આપવા, સારો વર શોધી આપવો એ તો કોઈ મોક્ષની સાધના કરતા પણ અઘરું છે. એ તો સારું થયું કે આ કણ્વ મુનિ ખરા સમયે આવી ગયા, બાકી ભારતનું નામ આજે કશું જુદું જ હોત, ભારત તો ના જ હોત. તમારું શીખી ને આજે પણ મેનકાઓ અને વિશ્વામિત્રો નાના જન્મેલા બાળકોને રસ્તામાં ઉકરડામાં કે કચરાપેટીમાં છોડીને ભાગી જાય છે.”

રશ્મીભાઈ પણ ઉત્તેજિત હતા. એમને પણ પારાવાર ગુસ્સો આ કહેવાતા પૂજ્ય ઋષિઓ ઉપર હતો.

એમણે પણ પહેલીવાર પોતાની વાણીનો સદુપયોગ કર્યો કે, “નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડુબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવતરાખોર વિશ્વામિત્રને જો ‘બ્રહ્મર્ષિ’ કહી શકાતાં હોય તો તે ‘બ્રહ્મ’ નો ભ્રમ મને મંજૂર નથી.  ભૂલ સુધારવા જતી માતાને યુક્તિ પૂર્વક રોકીને નાના ભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ ‘ધર્મરાજ’ ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો.”

અમે વસિષ્ઠ મુનિને પૂછ્યું કે ‘આમને બ્રહ્મર્ષિ કેમ કહ્યા?’

‘અરે, સાચું કહું મૂળ ક્ષત્રિય અને માથાભારે માણસ એક બ્રહ્મર્ષિ કહી દીધું કે ત્રાસમાંથી છૂટ્યા.’ વસિષ્ઠ બોલ્યા.

વિશ્વામિત્ર પાસે કોઈ જવાબ ના હતો, અને અમારે જોઈતો પણ ના હતો.

અમે પરશુરામ તરફ ફર્યા,  “એક તો એક ક્ષત્રિય ને કારણે એકવીસ વાર બધા ક્ષત્રિયોનો સંહાર? અરે ક્ષત્રિયાણી ગર્ભવતી હોય તો એના ગર્ભમાં રહેલા નાના બાળ ક્ષત્રિયનો પણ સંહાર? પિતા જમદગ્નિ ખાલી ક્રોધિત નજરથી એમના મોટા દીકરાને બાળી શકતા હોય તો પેલાં સહસ્ત્રાર્જુનને કેમ નજરથી ભસ્મ કરી ના શક્યા? અરે માતાને મારવાની આજ્ઞા દીકરાઓને આપવી જ શું કામ પડે? એક ખાલી નજર ફેરવી હોત તો પણ સળગી જાત. ટેરરની કોઈ લીમીટ જ નહિ?”

અમે ઉદ્દીગ્ન થઈને બોલે જતા હતા. હવે દ્રોણનો વારો આવ્યો. “એક તો આશ્રમને બદલે મહેલના વૈભવી વાતાવરણને મહત્વ આપ્યું. ભલે એકલવ્યનો અંગૂઠો કાપ્યો પણ આજે જુઓ કહેવાતા શૂદ્રોને અમારા ગાંધીએ હરિનાં જન એમ નામ આપ્યું છે ને? એક શિષ્યને મહાન અને વિધ્યાવિશારદ જાહેર કરવા માટે એકનો અંગૂઠો માંગી લીધો. અને ભીષ્મની જેમ ચુપ રહ્યા દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે. પણ એ બાબતે અમે પણ માનીએ છીએ કે અન્ન ખાધું હોય તે બોલી નથી શકતા. આજે પણ અન્ન ખાઈને સાક્ષરો પણ બાપુની ચમચાગીરી કરવામાં પડી જ ગયા છે.”

ઋષિ પરંપરા મહાન છે. હવેની ગુરુ પરંપરા ખરાબ થઈ ગઈ છે તેવું ઘણા મિત્રો માને છે.

હતા! ઘણા ઋષિઓ સારા હતા. ઘણાએ વિજ્ઞાનની શરૂઆત કરેલી. ચરક અને વાત્સ્યાયન જેવા વિજ્ઞાનીઓ પણ હતા. પણ ઊંડા જઈ ને અભ્યાસ કરો તો બધા આદરને પાત્ર નહોતા.

બધા મુનિઓ નીચા  મોઢે સાંભળી રહ્યા હતા. એક ખાલી કણ્વ પોરસાતા હતા કે એમણે બચાવેલી અને એક અનાથ મરવા માટે છોડી દેવાયેલી શકુન્તલાને એમણે દીકરી માની પાળી પોષી હતી. બધી જવાબદારીઓ નિભાવી હતી, અને એની કૂખે મહાન ભરતનો જન્મ થયેલો. જે સાવ નાનો બાળ હતો ને સિંહને કહેતો કે તારું મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે. એના નામ પરથી આજે પણ હિન્દુસ્તાન ભારત તરીકે ઓળખાય છે. આજે પણ આપણે “મેરા ભારત મહાન” ના નારા લગાવી શકીએ છીએ, એ આ કણ્વ ઋષિની પાસે દીકરીના બાપનું હૃદય હતું તેના કારણે!!!!!!

16 thoughts on “નર્કારોહણ-૮”

  1. ભૂપેન્દ્રસિંહજી,

    સાચી વાત છે એક બાળકને મોટું કરવું, તેને સારા સંસ્કાર આપવા અને ભણાવવા તે પણ સાચું તપ છે. અને મોક્ષની સાધના કરતાં અઘરું છે. આ મેનકા અને વિશ્વામિત્રની જેમ આજકાલ ઘણીબધી મેનકાઓ અને વિશ્વામિત્ર હોય છે જેઓ પોતાની કારકિર્દી કે સ્વાર્થને પોષવા જવાબદારીમાંથી છટકી જાય છે અને તેના લીધે પછી અનાથાશ્રમો ઊભા થાય છે. હવે બધાને શકુન્તલા જેવા નસીબ ના હોય કે કણ્વ ઋષિ મળી જાય.

    Like

    1. મીતાજી,
      સંસાર ની જવાબદારીઓ બહુ મોટું તપ છે.એમાંથી છટકનાર ને આપણે તપસ્વી કહીએ છીએ.એ જ લોકોએ સંસાર ને ખુબ વગોવ્યો છે.માટે ઈ ત્યાગીઓ આપણ ને મહાન દેખાય છે.સંસાર પણ કુદરતે કે તમારા ભગવાને જ બનાવ્યો છે ને?આળસુ લોકોએ ત્યાગ નાં માર્ગ અપનાવ્યા છે.સંસાર માં રહી ને જે ત્યાગ ને સિદ્ધ કરે તેનું નામ તપસ્વી કહેવાય.

      Like

  2. જેનો જન્મ થયો એ ગુણ-દોષોથી કદી પર ના હોઈ શકે; પછી એ ઋષિ હોય, સન્યાસી કે “અવતાર”. આપણે ખોટા “અહો”ભાવથી મુક્ત રહીએ એ જરૂરી છે. હા, એમના સામાજિક પ્રદાન કે શોધને સ્વીકારીએ એમાં કોઈ નાનમ ના હોવી જોઈએ.

    આઈંસ્ટાઈનની શોધોને આપણે ગાઈ-વગાડીને સ્વીકારીએ છીએ પણ તેમના વ્યક્તિગત માનવીય દોષોને નજર અન્દાજ કરીએ છીએ. આમ, કરવામાં આપણે આઈંસ્ટાઈનને “ભગવાન” નથી બનાવી દેતા. આ જ બાબત, ઋષિઓ કે સન્યાસીઓને સ્વીકારવામાં પણ લાગુ પડે છે. એ માટે આંખ/નાક/કાન સાથે મગજ ખુલ્લુ રાખીને નવી વિચારસરણી યોગ્ય રીતે કેળવીએ.

    Like

    1. બહુ સરસ ચિરાગ ભાઈ અમે પણ આવું જ કૈક ઈચ્છીએ છીએ.આપણે ભગવાન બનાવી જ દીધા છે માટે દોષો જોયા વગર સમજ નહિ પડે કે આ લોકો ભગવાન નહોતા.આમાં પરશુરામ અને વિશ્વામિત્ર એ કોઈ નવી શોધો કરી હોય તો બતાવજો.આપણે ખબર બહિ હોય પણ મહાવીર નાં અનેકાંતવાદ અને સ્યાદ્વાદ ને અમે આઈનસ્ટાઇન નાં થીયરી ઓફ રીલેટીવીટી સાથે સરખાવેલો છે.અદ્વૈતવાદ ને પણ અમે વૈજ્ઞાનિક માનીએ છીએ કે લો ઓફ સીન્ગ્યુલારીટી.પણ જેણે ટેરર ફેલાવવા સિવાય કશું કર્યું નાં હોય તેને તો કહેવું જ પડે ને?

      Like

  3. રશ્મિકાંતભાઈનો “અંજાઈના”નો રોગ દરેક જનસમૂહને લાગુ પડે એવી પ્રાર્થના 🙂

    Like

    1. રશ્મીભાઈ નો વાઈરલ ચેપ ખાસ ગુજરાતીઓ ને લાગે તેવું ઈચ્છીએ.આ અન્જાઈના ની વિરુદ્ધ નો એક રોગ છે એનું નામ ‘ભક્તિભાવ’ છે.કોઈ ના પણ પ્રત્યે નો ભક્તિભાવ કશું જ સારાસાર વિચારવા જ નાં દે.એના માટે અમે એન્ટી બાયોટીક્સ નાં ઈન્જેકસન અમે આપીએ છીએ.

      Like

  4. આ ભારત દેશના ધમઁગ્રંથો ની વિશેષતા પણ ગણાવી શકાય કે દરેક પાત્ર ની આ અવગુણો ની વાત પણ વિસ્તારથી અને સાચી રીતેસમાજ સમક્ષ કરી છે..
    જેથી સામાન્ય માણસ પણ પોતાના આચાયૌઁ,ગુરુઓ ,ધમઁગુરુ ની ખોટી વાતને ઉતેજન આપવુ કે સ્વીકાર કરવુ તે આપણા ઉપર છે.
    “”” જે તથ્યો આપ બહાર લાવ્યા તે વિચારવા લાયક તો છે જ!””

    Like

    1. વિશ્વજીતભાઈ આપણે આ પાત્રોના અવગુણોને તત્વજ્ઞાન વડે મરોડીને વાજબી કરી નાખ્યા છે. જેવું કે સીતાજી નહિ એમનો પડછાયો વનમાં ગયેલો. આભાર ભાઈ.

      Like

  5. બાપુ, આ કેરિયર નો અને વ્યવસાયનો સવાલ છે, વિશ્વામિત્ર અને મેનકા એમની પોતાની કોર્પોરેટ કેરિયર ની ચિંતામાં હતા, એટલે સંતાનનો ત્યાગ કર્યો, બીજા બધા ઋષીઓ પોતાની યુનિવર્સિટી ચલાવતા હતા અને તેથી જ ફી ન પોસાય તેવા શિષ્યને પ્રવેશ ન હતો, પરશુરામ પોતાની NGO ચલાવે કે જેથી નિર્બળ સમાજને ન્યાય આપી શકે માટે જ સબળ ક્ષત્રિયોની વિરુદ્ધમાં હતા, જયારે કણ્વ એક આશ્રમશાળા(અનાથ આશ્રમ) ચલાવે, જે આવે એને રાખે,ભણાવે, અને એટલે જ શકુંતલાને ઉછેરી,
    દરેકે પોતાના સ્વાર્થમાં જ કામ કર્યું છે, અને જ્યાં સુધી માંસાહાર નો સવાલ છે તો એતો મૂળ ખોરાક જ હતો મનુષ્ય નો, કૃષ્ણે આવી ને ખેતી/ગોપાલન શીખવ્યું ત્યાર પછી કૃષ્ણ ની અસર વાળા પ્રદેશમાં જ શાકાહાર છે, અને વાસ્તવિકતા માં ગુજરાત/ઉતર પ્રદેશ/મધ્ય પ્રદેશ/રાજસ્થાન/ આંશિક રીતે મહારાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત સિવાય કશે જ શાકાહારની અગત્યતા નથી, અને આ પ્રદેશોમાં જ એને ધર્મ સાથે જોડવામાં આવેલ છે,

    Like

  6. એક વટવૃક્ષ નીચે ગેટ ટુ ગેધરીંગની જેમ વિશ્વામિત્ર, વસિષ્ઠ,પરશુરામ, દ્રોણ, યાજ્ઞવલ્ક્ય, કણ્વ જેવા અનેક ઋષિઓ ફરતા હતા.ખાસ તો આ ઋષિઓ ને કશું પૂછવું ના હતું, ફક્ત અમારો બળાપો કાઢવો હતો……………ટેરરની કોઈ લીમીટ જ નહિ?”? ,,,, Bapu bauj saras…

    Like

Leave a comment